૧. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ ! તમે પાપી ? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો ! ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

૨. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. જૂના ધર્મોએ કહ્યું : ‘જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તિક છે.’ નવો ધર્મ કહે છે : ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.’

૩. શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા- આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેંત્રીસ કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો – અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઊભા રહો અને બળવાન બનો.

૪. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દૃઢ ઇચ્છાશક્તિ હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે : ‘હું સાગરને પી જઈશ, મારી ઇચ્છા થતાંવેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો.

૫. મહત્ત્વનો મુદૃો આ છે; બળ એટલે જીવન; નિર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નિર્બળતા એટલે સતત તાણ અને યાતના; નિર્બળતા એટલે જીવનનો ક્ષય.

૬. જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરૂર છે. એવી વીરતાનું આચરણ કરો, જે ‘સત્ય’ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હિંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રૂજે નહીં – પણ તેનું અભિવાદન કરે અને મનુષ્યને પ્રતીતિ કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં, ત્યારે તમે મુક્ત થશો.

૭. કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વિચારમાંથી આવે છે. … માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી દૃષ્ટિ સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

૮. જગતની દુષ્ટતાની અને તેનાં પાપોની વાત નહીં કરો. હજી તમારે એ દુષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો. હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો; અને તમારે જો જગતને સહાય કરવી જ હોય તો તમે તેની નિંદા નહીં કરો, તેને વધુ કમજોર નહીં બનાવો. આખરે તો પાપ કે દુ:ખ એટલે શું ? એ બધું કમજોરીનું પરિણામ નહીં તો બીજું શું છે ? આવા ઉપદેશો જગતને દિનપ્રતિદિન વધુ ને વધુ કમજોર બનાવી રહ્યા છે.

૯. બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નિશ્ચિત, દૃઢ અને સહાયક વિચારોનો પ્રવેશ થવા દો. આવા વિચારો પ્રત્યે તમારી જાતને અભિમુખ કરો, જીવનને કમજોર અને નિષ્ક્રિય બનાવે એવા વિચારો પ્રત્યે નહીં.

૧૦. નિષ્ફળતાઓની ચિંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવિક છે, જીવનમાં સૌંદર્યરૂપ છે. એમના વગરનું જીવન કેવું હોય ? જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તિનું પણ કશું જ મૂલ્ય નથી. એમના વિના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય ? સંઘર્ષોની, ભૂલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જૂઠું બોલતી કદાપિ સાંભળી નથી, પણ એ તો ગાયની કોટિ થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નિષ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઊંચો ધરી રાખો અને જો હજારવાર નિષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.

૧૧. વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો ઉપર મૂકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે. જાણી લ્યો કે આપણી આસપાસ અંધકાર નથી. હાથ ઉઠાવી લ્યો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો ત્યાં પહેલેથી જ હતો. અંધકારનું, નિર્બળતાનું ક્યારેય અસ્તિત્વ ન હતું. મૂર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નિર્બળ છીએ, અપવિત્ર છીએ.

૧૨. નિર્બળતાનો ઉપાય તેનો વિચાર કર્યા કરવો એ નથી, પણ શક્તિનો વિચાર કરવો એ છે. મનુષ્યોમાં જે શક્તિ પહેલેથી જ છે તેની કેળવણી આપો.

૧૩. આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરૂપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શિક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનિષ્ટો અને દુ:ખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

૧૪. માનવજાતિના સારાયે ઇતિહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તિ હોય તો તે આત્મશ્રદ્ધા છે. પોતે મહાન થવા માટે નિર્માયાં છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયાં.

૧૫. માણસનું ગમે તેટલું અધ:પતન થાય, પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નિરાશાની પરિસ્થિતિમાંથી તે ઊંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેવળતાં શીખશે. પરંતુ આ સત્ય આપણે પહેલેથી જાણી લઈએ એ આપણા માટે વધુ સારું છે. આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ ?

૧૬. આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કાંઈ ભેદ છે તે આત્મશ્રદ્ધાના હોવા ન હોવાની બાબતમાં છે. આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બનશે. મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે. અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું; અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દૃઢ બનતી જાય છે.

૧૭. શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તિ, કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે ? માણસમાં જે કંઈ છે તે બધું ક્યા વૈજ્ઞાનિકે જાણ્યું છે ? મનુષ્યે અહીં પ્રથમ પગ મૂક્યો તેને લાખો વર્ષાે વ્યતીત થઈ ગયાં છે- અને છતાંયે તેની શક્તિઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભિવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો ! તમારી અંદર જે પડેલું છે તેનાં વિશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો. તમારી અંદર તો અસીમ શક્તિ અને ધન્યતાનો મહાસાગર ઊછળી રહેલો છે.

૧૮. જો ‘જડપદાર્થ’ શક્તિમાન છે, તો ‘વિચાર’ સર્વશક્તિમાન છે. આ વિચારને તમારા જીવનમાં ઊતારો, તમારી સર્વ-શક્તિમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહિમાના વિચારથી તમારી જાતને ભરી દો. ઈશ્વર કરે ને તમારા મસ્તકમાં કોઈ વહેમનો પ્રવેશ ન થાય ! ઈશ્વર કરે ને આપણે જન્મથી જ આવી બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નિર્બળતા અને અધમતાના, જીવનને નિષ્ક્રિય બનાવનાર ખ્યાલોથી ઘેરાઈ ન જઈએ !

૧૯. તમારી જીવાણુકોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નિરીક્ષણ કરો; આ બધું કોણે કર્યું ? તમારી પોતાની ઇચ્છાશક્તિએ જ. એ સર્વશક્તિમાન છે એ હકીકતનો શું તમે ઈન્કાર કરી શકો ખરા ? જે શક્તિએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે. તમારે જરૂર છે ચારિત્રની, ઇચ્છાશક્તિને વધુ બળવાન બનાવવાની.

૨૦. ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનનાં રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે અભિ: અને અભય. જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શિક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચૂક કારણ છે. ભયથી જ દુ:ખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનિષ્ટ ઊભું થાય છે.

૨૧. તમારા સ્નાયુઓને મજબૂત બનાવો. આપણને જરૂર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરૂર નથી. તમારા પોતાના પગ ઉપર ઊભા રહો; મર્દ બનો.

૨૨. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. મારા નવયુવાન મિત્રો ! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રિય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બેવડાં, તમારા સ્નાયુઓ સહેજ વધુ મજબૂત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તિશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વિરાટ પ્રતિભાને અને પ્રચંડ શક્તિને વધુ સારી રીતે પિછાની શકશો. જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દૃઢ રીતે ખડો રહી શકશે અને તમે મર્દાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનિષદો અને આત્માના મહિમાને વધુ સારી રીતે જાણી શકશો.

૨૩. જરૂર છે મર્દાેની, સાચા મર્દાેની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દૃઢ, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઊભરાતા નવયુવકોની જરૂર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સૂરત પલટી જાય.

૨૪. બીજી કોઈપણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈપણ વસ્તુને ઝૂકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુદ્ધ અને દૃઢ સંકલ્પ એ સર્વશક્તિમાન છે. શું તમને તેમાં શ્રદ્ધા છે ?

૨૫. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ ! છૂટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા ઉપર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ !

૨૬. જગતનો ઇતિહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રદ્ધા હતી એવા મનુષ્યોનો ઇતિહાસ. એવી શ્રદ્ધા મનુષ્યની અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રદ્ધા વડે તમે ઇચ્છો તે કરી શકો.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories