અધ્યાય પહેલો: કાલીમંદિર અને ઉદ્યાન

શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલીમંદિરની વાડીમાં એક ઓરડામાં બિરાજે છે. એ ઓરડાને બે ઓસરી છે. સ્થળ જાણે કે આનંદનિકેતન.

આજ રવિવાર. ભક્તોને રજા છે એટલે તેઓ ઘણી મોટી સંખ્યામાં શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા દક્ષિણેશ્વરમાં કાલીમંદિરે આવે છે. સૌને માટે દરવાજા ખુલ્લા. જે કોઈ આવે તેની સાથે શ્રીરામકૃષ્ણ વાતચીત કરે. સાધુ, સંન્યાસી, હિન્દુ, ખ્રિસ્તી, બ્રાહ્મસમાજી, શાક્ત, વૈષ્ણવ, પુરુષો, સ્ત્રીઓ, બધાંય આવે. ધન્ય રાણી રાસમણિ ! તમારાં જ પુણ્યનાં બળે આ સુંદર દેવાલય સ્થાપિત થયું છે, તેમજ લોકો આવીને આ પરમેશ્વરની હરતી ફરતી પ્રતિમા સમા મહાપુરુષનાં દર્શન અને પૂજન કરી શકે છે !

(ચાંદની (મંડપ) અને દ્વાદશ શિવમંદિર)

કાલીમંદિર કોલકાતાથી પાંચ માઈલ ઉત્તરે આવેલું છે. બરાબર ગંગાને કાંઠે જ. હોડીમાંથી ઊતરીને દૂર દૂર પથરાયેલાં પગથિયાંની હાર પર થઈને પૂર્વાભિમુખે ચડીને કાલીમંદિરમાં જવાય. આ જ ઘાટે પરમહંસદેવ સ્નાન કરતા. પગથિયાંની ઉપર જ મંડપ આવેલો છે. ત્યાં દેવમંદિરના ચોકીદારો રહે. તેમના ખાટલા, આંબાનાં લાકડાંની તેમની પેટીઓ, એકબે લોટા, એ બધાં મંડપમાં આમતેમ વચમાં પડેલાં છે. પડોશના બાબુઓ જ્યારે ગંગાસ્નાન કરવા આવે ત્યારે કોઈ કોઈ એ મંડપમાં બેસીને વાતોના ગપાટા મારતા મારતા શરીરે તેલ ચોળે. જે બધા સાધુ, ફકીર, વૈષ્ણવ, વૈષ્ણવી, વગેરે અતિથિ – શાળામાં પ્રસાદ લેવા માટે આવે, તેઓમાંથી પણ કોઈ કોઈ ભોગ ધરવાનો ઘંટ વાગે ત્યાં સુધી આ જ ઘાટમંડપમાં રાહ જુએ. ક્યારેક ક્યારેક દેખાય કે ભગવાં વસ્ત્ર પહેરેલી કોઈ ભૈરવી હાથમાં ત્રિશૂલ લઈને એ જગાએ બેઠેલી છે. એ પણ સમય થતાં અતિથિ શાળામાં જમવા જવાની. મંડપ બાર શિવમંદિરની બરાબર વચમાં. તેમાંથી છ મંદિર તેની ઉત્તરે, બીજાં છ દક્ષિણે, હોડીઓમાં બેઠેલા યાત્રાળુઓ આ બાર શિવમંદિર દૂરથી દેખતાં જ બોલી ઊઠે, ‘આ રાસમણિનું દેવાલય !’

(પાકું પ્રાંગણ અને વિષ્ણુઘર – શ્રીરાધાકાંતનું મંદિર)

મંડપ અને બાર મંદિરની પૂર્વ બાજુએ ટો પાથરેલું પાકું ચોગાન. ચોગાનની વચમાં એક હારમાં બે મંદિર. ઉત્તર બાજુએ શ્રીરાધાકાન્તનું અને તેની દક્ષિણે મા કાલીનું મંદિર. શ્રીરાધાકાન્ત મંદિરમાં શ્રીરાધાકૃષ્ણની મૂર્તિ, તે પશ્ચિમાભિમુખ. પગથિયાં ચડીને મંદિરમાં જવાય. મંદિરની અંદરની જમીન આરસથી જડેલ. મંદિર સામેની ઓસરીમાં કાચનું ઝુમ્મર ટિંગાયેલું છે. હાલમાં તેનો ઉપયોગ નથી, એટલે લાલ વસ્ત્રના ઢાંકણથી ઢંકાયેલું છે. એક પહેરેગીર ત્યાં પહેરો ભરે છે. બપોર પછીના સમયમાં પશ્ચિમનો તડકો આવવાથી દેવતાને દુઃખ ન થાય તે માટે કેન્વાસના પડદાનો બંદોબસ્ત છે. ઓસરીના હારબંધ થાંભલાઓની વચ્ચેના ગાળા એ પડદાઓથી ઢંકાઈ જાય. ઓસરીના અગ્નિખૂણામાં ગંગાજળની એક કોઠી છે. મંદિરના બારણાની પાસે એક પાત્રમાં ચરણામૃત રાખેલું છે. ભક્તો આવીને ભગવાનને પ્રણામ કરીને ચરણામૃત લે. મંદિરમાં સિંહાસનારૂઢ શ્રીરાધાકૃષ્ણની મૂર્તિ. શ્રીરામકૃષ્ણ પ્રથમ ઈ.સ. ૧૮૫૭ – ૫૮માં આ મંદિરમાં પૂજારીના કામમાં જોડાયા હતા.

(શ્રી શ્રીભવતારિણી મા કાલી)

દક્ષિણ બાજુના મંદિરમાં કાલીમાતાની કાળા આરસની સુંદર પ્રતિમા છે. માનું નામ ભવતારિણી. સફેદ અને કાળા આરસ પથ્થરથી જડેલું ભોંયતળિયું અને પગથિયાંવાળી ઊંચી વેદી છે. વેદીની ઉપર રૂપાનું સહસ્રદલ પદ્મ. તેના ઉપર શિવ શબરૂપે પડ્યા છે. દક્ષિણ બાજુએ મસ્તક અને ઉત્તર બાજુએ પગ રાખેલા છે. શિવની મૂર્તિ શ્વેત આરસની બનાવેલી છે. તેના હૃદય પર બનારસી સાડી પહેરેલી, વિવિધ અલંકારોથી શણગારાયેલી સુંદર ત્રિનયની શ્યામા કાલીની પથ્થરની મૂર્તિ છે.

દેવીનાં ચરણકમળમાં ઝાંઝર, ગુજરી, પગપાન, જોટવાં અને જાસૂદીનાં ફૂલ તથા બીલીપત્ર, પગપાનાં કે જે પશ્ચિમ (ભારત)ની સ્ત્રીઓ પહેરે છે તે માતાજીને પહેરાવવાની પરમહંસદેવની ખૂબ ઇચ્છા હતી. એટલે મથુરબાબુએ એ કરાવ્યાં છે. માના હાથમાં સોનાની બંગડીઓ, તાવિજ વગેરે; કાંડામાં બલોયાં, વળિયાં, પહોંચી, બંગડીઓ; બાવડે કડાં, તાવિજ, નાગફણિ; તાવિજની ઘૂઘરીઓ ઝૂલે. ગળામાં કોટિયું, મોતીની સાતસેરની માળા, તારાહાર, ચંદ્રહાર તથા સોનાનો બત્રીસ સેરનો હાર, અને સોનાની બનાવેલી મુંડમાળા; માથા પર મુગટ, કાને એરિંગ, વાળી, કાન-પાસિયાં, ફૂલઝૂમખું અને મકર – કુંડલ, નાકમાં નથ, તે લોલકવાળી. ત્રિનયનીના ડાબા બે હાથમાં નરમુંડ અને તલવાર, જમણા બે હાથે વર અને અભય. કેડ પર નરહસ્તની માળા, કંદોરો અને કમરબંધ. મંદિરની અંદર ઈશાન ખૂણામાં માને આરામ લેવા માટે સુશોભિત શય્યા છે. દીવાલની એક બાજુએ ચામર લટકે છે. ભગવાન શ્રીરામકૃષ્ણે આ ચામર લઈને કેટલીયે વાર માને પવન ઢોળ્યો છે ! વેદીની ઉપરના પદ્માસન પર રૂપાના પ્યાલામાં જળ રહે. નીચે ઘણા પ્યાલા સજાવેલા છે. તેમાં શ્યામા માનું પીવાનું પાણી રહે. પદ્માસનની ઉપર પશ્ચિમે અષ્ટધાતુનો બનાવેલ સિંહ, પૂર્વમાં ઘો અને ત્રિશૂલ. વેદના અગ્નિ ખૂણે શિયાળ, દક્ષિણે કાળા પથ્થરનો વૃષભ અને ઈશાન ખૂણામાં હંસ. વેદી પર ચડવાનાં પગથિયાં પર રૂપાના નાના સિંહાસનની ઉપર નારાયણ શિલા; એક બાજુ પરમહંસદેવને સંન્યાસી પાસેથી મળેલી અષ્ટધાતુની બનેલી રામલાલા નામની શ્રીરામચંદ્રની મૂર્તિ અને બાણેશ્વર શિવ. બીજા દેવોની મૂર્તિઓ પણ છે. દેવી પ્રતિમા દક્ષિણાભિમુખી. ભવતારિણીના બરાબર સામે એટલે વેદીની બરાબર દક્ષિણે કુંભની સ્થાપના કરેલી છે. સિંદૂર – રંજિત, વિવિધ પુષ્પો તથા પુષ્પમાળાઓથી સુશોભિત મંગલ – કુંભ છે. દીવાલની એક બાજુએ પાણી ભરેલી તાંબાની ઝારી માને મુખ ધોવા માટે છે. ઉપર સુશોભિત ચંદરવો છે. મૂર્તિની પાછળ સુંદર બનારસી વસ્ત્ર ટિંગાડેલું છે. વેદીને ચારે ખૂણે રૂપાના સ્તંભ. તેની ઉપર કિંમતી ચંદરવો. તેને લીધે પ્રતિમાની શોભા વધી છે. મંદિર બેવડું છે. ઓસરીના કેટલાક ખાલી ગાળા મજબૂત લાકડાનાં બારણાંથી સુરક્ષિત છે. એક બારણાની પાસે ચોકીદાર બેઠો છે. મંદિરનાં બારણાંમાં પંચપાત્રમાં શ્રીચરણામૃત છે. મંદિરનું શિખર નવરત્નમંડિત છે. નીચેની શ્રેણી પર ચાર શિખર, વચલી શ્રેણી પર ચાર અને સૌથી ઉપર એક. (એક શિખર અત્યારે ભાંગી ગયું છે.) આ મંદિરમાં અને શ્રીરાધાકાન્તના મંદિરમાં પરમહંસદેવે પૂજા કરી હતી.

(નાટમંદિર)

કાલીમંદિરની સન્મુખે અર્થાત્ દક્ષિણ બાજુએ સુંદર વિશાળ સભામંડપ. સભામંડપની ઉપર મહાદેવ, નંદી અને ભૃંગીની મૂર્તિઓ. માના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઠાકુર શ્રીરામકૃષ્ણ એ મહાદેવને હાથ જોડીને પ્રણામ કરતા, જાણે કે તેમની આજ્ઞા લઈને મંદિરમાં પ્રવેશ કરતા ન હોય ! સભામંડપની ઉત્તર – દક્ષિણે ઊભા કરેલા બે હારમાં ખૂબ ઊંચા સ્તંભો. ઉપર અગાસી. સ્તંભોની હારની પૂર્વ અને પશ્ચિમ બાજુએ સભામંડપની બે પાંખ. વિશેષ પૂજા મહોત્સવને સમયે ખાસ કરીને કાલીપૂજાને દિવસે, સભામંડપમાં ભગવત્ ચરિત્ર તથા ભગવત્ લીલા ભજવાય. આ સભામંડપમાં રાસમણિના જમાઈ મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના સૂચનથી ધાન્યકૂટ કર્યાે હતો. આ સભામંડપમાં જ સૌની સમક્ષ ઠાકુર શ્રીરામકૃષ્ણે ભૈરવી – પૂજા કરી હતી.

(કોઠાર, ભોગઘર, અતિથિગૃહ, બલિસ્થાન)

પાકા ફરસબંધ ચોગાનની પશ્ચિમ બાજુએ બાર શિવમંદિર, અને ત્રણ બાજુએ ઓરડીઓ. પૂર્વ બાજુના ઓરડામાં કોઠાર, પૂરીઓ ભરી રાખવાનો ઓરડો, વિષ્ણુ માટેનું નૈવેદ્ય તૈયાર કરવાનો ઓરડો, દેવોનું રસોડું અને અતિથિશાળા. કોઈ અતિથિ સાધુ, જો અતિથિશાળામાં જમવા ન ઇચ્છે, તો તેણે દફતરમાં ખજાનચીની પાસે જવું પડે. ખજાનચી ભંડારીને હુકમ આપે એટલે સાધુને કોઠારમાંથી સીધું મળે. સભામંડપની દક્ષિણ બાજુમાં બલિ આપવાનું સ્થાન છે. (અત્યારે બલિ અપાતો નથી.)

વિષ્ણુના મંદિરની રસોઈ નિરામિષ. કાલીમંદિરના ભોગ માટેનું રસોડું જુદું. રસોઈઘરની સામે દાસીઓ મોટી મોટી છરીઓ લઈને માછલી કાપે છે. અમાસને દિવસે બલિ અપાય. ભોગ બે પ્રહરમાં અપાઈ જાય. દેવતાઓને ભોગ પહેલાં ધરાવાઈ જાય, એટલામાં અતિથિશાળામાં એક એક પાતળ લઈને વૈષ્ણવો, સાધુઓ, અતિથિઓ અને ભિક્ષુકો હારબંધ બેસી જાય. બ્રાહ્મણોને અલગ જગા કરી આપવામાં આવે. કર્મચારી બ્રાહ્મણોનાં આસન જુદાં પડે. ખજાનચીનો પ્રસાદ તેના ઓરડામાં પહોંચાડવામાં આવે. જાન – બજારથી મંદિરના માલિકો આવે ત્યારે બંગલામાં રહે. તેમને પ્રસાદ ત્યાં જ મોકલવામાં આવે.

(કાર્યાલય)

ચોગાનની દક્ષિણે હારબંધ આવેલા ઓરડાઓમાં દફતરખાનું અને નોકર વર્ગને રહેવાની જગા. આ ઠેકાણે ખજાનચી, મુનીમ વગેરે હંમેશાં રહે અને ભંડારી, નોકરો – ચાકરો, પૂજારી, રસોઈયા, બ્રાહ્મણો વગેરે તથા પહેરેગીરોની નિરંતર આવજા હોય. કોઈ કોઈ ઓરડા તાળાંચાવીથી બંધ. તેમાં મંદિરનો સરસામાન, શેતરંજીઓ, શમિયાણા વગેરે ભરેલાં છે. આમાંના કેટલાક ઓરડા પરમહંસદેવના જન્મોત્સવ પ્રસંગે કોઠાર તરીકે વપરાતા. તેની દક્ષિણ બાજુની જમીનમાં મહામહોત્સવની રસોઈ થતી.

ચોગાનની ઉત્તરે એક મજલાવાળા ઓરડાની હાર. તેમની બરાબર વચ્ચે ડેલી. ચાંદની ઘાટમંડપની પેઠે ત્યાં પણ પહેરેગીરો ચોકી કરે. પ્રવેશ કરતાં પહેલાં બન્ને જગાએ જોડા બહાર કાઢીને જવું પડે.

(ઠાકુર શ્રીરામકૃષ્ણનો ઓરડો)

ચોગાનની બરાબર ઉત્તર પશ્ચિમે (વાયવ્ય ખૂણે), એટલે કે બાર શિવમંદિરની બરાબર ઉત્તરમાં શ્રીપરમહંસદેવનો ઓરડો, ઓરડાની બરાબર પશ્ચિમ બાજુએ એક અર્ધગોળાકાર ઓસરી, એ ઓસરીમાંથી શ્રીરામકૃષ્ણ પશ્ચિમાભિમુખ થઈને ગંગાદર્શન કરતા. ઓસરીની પછી રસ્તો. તેની પશ્ચિમે ફૂલવાડી, તે પછી પુસ્તો. તેની પછી પવિત્ર સલિલા, સર્વતીર્થમય, કલકલ – નિનાદિની ગંગા.

(નોબતખાનું, બકુલતલા અને પંચવટી)

પરમહંસદેવના ઓરડાની બરાબર ઉત્તરે એક ચોરસ ઓસરી, તેની ઉત્તરે બગીચાનો રસ્તો. તેની ઉત્તરમાં વળી ફૂલવાડી, તેની પછી જ નોબતખાનું. નોબતખાનાની નીચેની ઓરડીમાં પરમહંસદેવનાં પરમ પૂજનીય સ્વર્ગીયા વૃદ્ધ માતુશ્રી અને પછીથી શ્રીમા શારદાદેવી રહેતાં. નોબતાખાનાની આગળ જતાં જ બકુલતલા અને બકુલતલાનો ઘાટ. અહીં એ તરફના લત્તાનાં બૈરાંઓ સ્નાન કરે. આ ઘાટે પરમહંસદેવનાં વૃદ્ધ માતુશ્રીએ ઈ.સ. ૧૮૭૭માં દેહ છોડેલો.

બકુલતલાની સહેજ ઉત્તરે પંચવટી. આ પંચવટીમાં પરમહંસદેવે ઘણી સાધના કરી હતી. અને તે પછી ભક્તોની સાથે અહીં અવારનવાર ફરતા. ક્યારેક ક્યારેક મોડી રાતે ઊઠીને ત્યાં જતા. પંચવટીમાં વૃક્ષો – વડ, પીપળો, લીમડો (કોઈ કોઈના મતે અશોક), આમળી અને બીલી – પરમહંસદેવે પોતાની દેખરેખ નીચે વવરાવેલાં હતાં. વૃન્દાવનથી પાછા આવ્યા ત્યારે ત્યાં વૃન્દાવનની રજ પથરાવેલી. એ પંચવટીના બરાબર પૂર્વભાગમાં એક કુટિર બનાવડાવીને ભગવાન શ્રીરામકૃષ્ણે ત્યાં ઘણું ઈશ્વરચિંતન અને તપશ્ચર્યા કરી હતી. એ કુટિર હવે પાકી કરી લેવામાં આવી છે.

પંચવટીની અંદર એક જૂનું વડનું ઝાડ છે. તેની સાથે જ એક પીપળાનું ઝાડ છે. બેઉ મળીને જાણે કે એક થઈ ગયાં છે. જૂનું ઝાડ ઘણાં વર્ષાેનું હોવાથી તેમાં કેટલીય બખોલો પડી છે. તેમાં જાત-જાતનાં પક્ષીઓ અને બીજાં કેટલાંય જીવજંતુઓ રહે છે. વૃક્ષને ટોની બનાવેલી પગથિયાંવાળી, ગોળાકાર વેદીથી સુશોભિત બનાવ્યું છે. આ વેદીના ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણે બેસીને શ્રીરામકૃષ્ણે ઘણી સાધનાઓ કરી હતી; અને વાછરડાને માટે જેમ ગાય વ્યાકુળ બને તેમ આતુરતાથી ભગવાનનું સ્મરણ કરતા હતા.

આજે એ પવિત્ર આસનની ઉપર વડના ઝાડ સાથેના પીપળાની એક ડાળી ભાંગીને પડી ગઈ છે. ડાળ તદ્દન જુદી પડી ગઈ નથી. મૂળ ઝાડની સાથે અર્ધી જોડાયેલી છે, જાણે કે આસને બેસવા યોગ્ય કોઈ મહાપુરુષ હજી સુધી જન્મ્યો નથી !

(ઝાઉતલા, બેલતલા, કોઠી)

પંચવટીથી જરા વધારે ઉત્તરે લોખંડના તારની વાડ છે. એ વાડની પેલી પાર ઝાઉતલા છે. હારબંધ ચાર ઝાઉનાં ઝાડ. ઝાઉતલાથી પૂર્વ બાજુએ જરાક જઈએ એટલે બેલતલા આવેલ છે. અહીં પણ પરમહંસદેવે કેટલીયે કઠણ સાધનાઓ કરી હતી. ઝાઉતલા અને બેલતલાની પછી ઊંચી દીવાલ, તેની ઉત્તરે સરકારી દારૂખાનું.

ચોગાનની ડેલીમાંથી ઉત્તરમુખે બહાર નીકળીને જોઈએ, તો સામે જ બે મજલાવાળો બંગલો દેખાય. મંદિરે આવતાં ત્યારે રાણી રાસમણિ, તેમના જમાઈ મથુરબાબુ વગેરે આ બંગલામાં રહેતાં. તેમની હયાતીમાં પરમહંસદેવ આ બંગલાના મકાનમાં નીચેના પશ્ચિમ બાજુના ઓરડામાં રહેતા. આ ઓરડામાંથી બકુલતલાને ઘાટે જઈ શકાય અને સારી રીતે ગંગાદર્શન થાય.

(વાસણ માંજવાનો ઘાટ, ગાજીતલા અને બે ફાટક)

ચોગાનની ડેલી અને બંગલાની વચમાં જે રસ્તો છે તે રસ્તે થઈને પૂર્વ તરફ જતાં જમણી બાજુએ એક બાંધેલા ઘાટવાળી સુંદર તળાવડી છે. મા કાલીના મંદિરની બરાબર પૂર્વ બાજુએ આ તળાવડીનો એક વાસણ માંજવાનો ઘાટ છે અને ઉપર કહેલા રસ્તાથી જરાક છેટે બીજો એક ઘાટ છે.

રસ્તાની બાજુએ આવેલા આ ઘાટની નજીક એક ઝાડ છે. તે સ્થાનને ગાજીતલા કહે છે. આ રસ્તે થઈને જરા પૂર્વ તરફ જઈએ એટલે વળી એક ડેલી અને બગીચામાંથી બહાર આવવાનો મુખ્ય દરવાજો છે.

આ દરવાજેથી આલમબજારના અને કોલકાતાના લોકો આવજા કરે. દક્ષિણેશ્વરના માણસો પાછળની નાની બારીમાંથી કાલીમંદિરમાં પ્રવેશ કરે. ત્યાં પણ દરવાન ચોકી કરે છે. પરમહંસદેવ કોલકાતાથી જ્યારે મોડી રાત્રે કાલીમંદિરે પાછા ફરતા, ત્યારે આ ડેલીનો દરવાન તાળું ઉઘાડી દેતો. પરમહંસદેવ દરવાનને બોલાવીને પોતાને ઓરડે લઈ જતા, પૂરી, મીઠાઈ વગેરે પ્રસાદ તેને આપતા.

(હંસપુકુર, તબેલો, ગૌશાળા, પુષ્પોદ્યાન)

પંચવટીની પૂર્વ બાજુએ એક તળાવ છે, તેનું નામ હંસપુકુર. આ તળાવને ઉત્તર-પશ્ચિમે (ઈશાનખૂણે) તબેલો અને ગૌશાળા છે. ગૌશાળાની પૂર્વ બાજુએ ખિડકી (નાની ડેલી). આ ખિડકીથી દક્ષિણેશ્વર ગામમાં જવાય. જે પૂજારીઓ અથવા બીજા નોકરોએ પોતાનાં કુટુંબ – બાલબચ્ચાં લાવીને દક્ષિણેશ્વરમાં રાખ્યાં હોય, તેઓ અથવા તેમનાં બાળકો આ રસ્તેથી આવજા કરે.

બગીચાની દક્ષિણ સીમાથી ઉત્તરમાં બકુલતલા અને પંચવટી સુધી ગંગાને કિનારે કિનારે રસ્તો છે. રસ્તાની બંને બાજુએ પુષ્પવૃક્ષો છે. વળી બંગલાની દક્ષિણ બાજુએ થઈને પૂર્વ-પશ્ચિમે જે રસ્તો જાય છે, તેની પણ બંને બાજુએ ફૂલઝાડ છે. ગાજીતલાથી ગૌશાળા સુધી, બંગલા અને હંસપુકુરની પૂર્વ બાજુએ જમીનનો જે ટુકડો છે, તેની અંદર જાતજાતનાં ફૂલ અને ફળનાં ઝાડ અને એક તળાવ છે.

વહેલી સવારમાં પૂર્વ દિશામાં અરુણોદય થતો હોય તેવામાં જ મંગળા આરતીનો સુમધુર શબ્દ થવા લાગે અને શરણાઈનાં પ્રભાતી રાગરાગિણી શરૂ થાય, ત્યારથી જ મા કાલીના બગીચામાં ફૂલ ઉતારવાનું શરૂ થાય.

ગંગા તીરે પંચવટીની સામે બીલીનું ઝાડ અને સુગંધી ચંપો છે. મલ્લિકા, માધવી અને ચંપાનાં ફૂલ શ્રીરામકૃષ્ણને બહુ ગમતાં. માધવી લતા શ્રીવૃંદાવનથી આવીને તેમણે પોતે જ રોપી હતી.

હંસપુકુર અને બંગલાની પૂર્વ બાજુએ જમીનનો જે ટુકડો છે તેમાં તળાવને કાંઠે ચંપાનાં ઝાડ છેઃ થોડેક દૂર ઝૂમખાં – જાસૂદ, ગુલાબ અને કાંચન ફૂલનાં ઝાડ, વાડની ઉપર અપરાજિતા, નજીકમાં જૂઈની વેલ અને ક્યાંક ક્યાંક પારિજાત. દ્વાદશ શિવમંદિરની પશ્ચિમે, શ્વેત અને લાલ કરેણ, ગુલાબ, જૂઈ, મોગરો. ક્યાંક ક્યાંક મહાદેવની પૂજા માટે ધતુરાનાં ફૂલ. વચ્ચે વચ્ચે ટના ઊંચા મંચ પર તુલસી.

નોબતની દક્ષિણબાજુ બેલ, જૂઈ, ગંધરાજ, ગુલાબ વગેરે છે. બાંધેલા ઘાટથી જરાક દૂર કમલકરેણ અને કોકિલાક્ષના ફૂલના છોડ છે. પરમહંસદેવના ઓરડાની બાજુએ એક બે ગુલમોરનાં વૃક્ષ છે અને આજુબાજુ મોગરો, જૂઈ, ગંધરાજ, ગુલાબ, માલતી, જાસૂદ, ધોળી કરેણ, લાલ કરેણ, તે ઉપરાંત પંચમુખી જાસૂદ, ચીનાઈ જાસૂદ પણ છે.

શ્રીરામકૃષ્ણ પણ કોઈ કોઈ વખત ફૂલ ચૂંટતા. એક દિવસ પંચવટીની સામે બીલીના ઝાડ પરથી બીલીપત્ર ચૂંટતા હતા ત્યારે ઝાડની થોડીક છાલ ઊખડી ગઈ. આથી તેમને લાગ્યું કે સર્વભૂતમાં વ્યાપી રહેલા પરમાત્માને કોણ જાણે કેટલુંય કષ્ટ થયું હશે ! એ દિવસથી શ્રીરામકૃષ્ણ કદી બીલીપત્ર તોડી શક્યા નહિ.

બીજે એક દિવસે શ્રીરામકૃષ્ણ ફૂલ ચૂંટવા માટે ફરતા હતા, એટલામાં કોઈએ જાણે કે એકાએક દેખાડી દીધું કે ખીલી રહેલાં ફૂલ સહિતનું એક એક વૃક્ષ જાણે કે ફૂલનો એક એક ગજરો છે. અને આ જગતરૂપી વિરાટ શિવમૂર્તિની ઉપર તે શોભી રહ્યાં છે, જાણે કે અહર્નિશ તેમની જ પૂજા થઈ રહી છે. તે દિવસથી પછી શ્રીરામકૃષ્ણથી ફૂલ ચૂંટવાનું બન્યું નહિ.

(ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડાની ઓસરી)

શ્રીરામકૃષ્ણના ઓરડાની પૂર્વ બાજુએ એક લાંબી ઓસરી છે. ઓસરીનો એક ભાગ ચોગાનની બાજુએ એટલે કે દક્ષિણાભિમુખ છે. આ ઓસરીમાં પરમહંસદેવ મોટે ભાગે ભક્તો સાથે બેસતા અને ઈશ્વર સંબંધી વાતો અથવા સંકીર્તન કરતા. આ પૂર્વ બાજુની ઓસરીનો બીજો અર્ધાે ભાગ ઉત્તરાભિમુખ છે. આ ઓસરીમાં ભક્તો તેમનો જન્મોત્સવ ઊજવતા, તેમની સાથે બેસીને સંકીર્તન કરતા, અને એકસાથે બેસીને પ્રસાદ લેતા. એ જ ઓસરીમાં શ્રીયુત્ કેશવચંદ્ર સેને શિષ્યો સહિત આવીને તેમની સાથે કેટલોય વાર્તાલાપ કર્યાે હતો, અને આનંદ કરતાં કરતાં મમરા, ટોપરું, પૂરી, મીઠાઈ વગેરે એક સાથે બેસીને જમ્યા હતા. એ જ ઓસરીમાં નરેન્દ્રને જોઈને શ્રીરામકૃષ્ણ સમાધિમાં આવી ગયા હતા.

(આનંદ-નિકેતન)

કાલીમંદિર આનંદ-નિકેતન થયું છે. શ્રીરાધાકાન્ત, શ્રીભવતારિણી અને મહાદેવની નિત્યપૂજા, ભોગ ધરાવવો અને અતિથિસેવા થાય. એક બાજુ દૂર સુધીનું ભાગીરથી – દર્શન. વળી જાત જાતનાં સુંદર, સુવાસિત, ફૂલોવાળો મનોહર બગીચો. તેમાં એક ચેતન પુરુષ અહર્નિશ ઈશ્વર પ્રેમમાં મસ્ત રહે ! ત્યાં આનંદમયીનો નિત્ય ઉત્સવ ! નોબતખાનામાંથી રાગરાગિણી હંમેશાં વાગ્યા કરે ! એક વાર પ્રભાતમાં મંગળા – આરતીને વખતે, ત્યાર પછી નવ વાગ્યે પૂજાનો આરંભ થાય ત્યારે, ત્યાર પછી બપોરે ભોગ આરતી, પછી દેવી દેવતાઓ આરામ કરવા જાય ત્યારે. વળી પાછી ચાર વાગે નોબત વાગે; ત્યારે દેવતાઓ આરામ લઈને ઊઠે અને મુખ ધુએ. વળી ફરીથી સંધ્યા આરતીને સમયે, અને છેવટે રાત્રે નવ વાગ્યે, જ્યારે દેવતાઓને રાત્રીનો ભોગ ધરાવ્યા પછી શયન અપાય તે વેળા છેલ્લી નોબત વાગે.

અધ્યાય બીજો: પ્રથમ દર્શન

તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્ ।
શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ ।।

(શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય)

ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો સમય, ઈ.સ. ૧૮૮૨નો માર્ચ માસ. ઠાકુર શ્રીરામકૃષ્ણના જન્મોત્સવના કેટલાક દિવસો પછી, શ્રીકેશવ સેન અને શ્રીયુત્ જોસેફ કૂકની સાથે ૨૩ ફેબ્રુઆરી, ગુરુવાર (૧૨ ફાગણ, ૧૨૮૮ શુક્લા ષષ્ઠી)ના રોજ ઠાકુર સ્ટીમરમાં ફરવા ગયા, તેના જ થોડા દિવસો પછીની ઘટના. સંધ્યા થવાની તૈયારી છે. એ વખતે શ્રીરામકૃષ્ણના ઓરડામાં માસ્ટર આવી પહોંચ્યા. આ તેમનું શ્રીરામકૃષ્ણનું પ્રથમ દર્શન. (પ્રથમદર્શનની તારીખ સંબંધે મતભેદ છે.)

માસ્ટરે જોયું તો ઓરડો માણસોથી ચિક્કાર ભરેલો છે. સૌ એકચિત્તે તેમના કથામૃતનું શ્રવણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ પાટ ઉપર બેસી પૂર્વાભિમુખ થઈને સહાસ્યવદને કથા કહી રહ્યા છે. ભક્તો જમીન પર બેઠેલા છે.

(કર્મત્યાગ ક્યારે થાય ?)

માસ્ટર ઘડીભર ઊભા રહીને શાંતપણે જોયા કરે છે. તેમને મનમાં થાય છે કે જાણે સાક્ષાત્ શુકદેવજી ભાગવતની કથા કરી રહ્યા છે, અને સર્વ તીર્થાેનો ત્યાં સમાગમ થયો છે. અથવા જાણે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ – પુરીમાં રામાનંદ, સ્વરૂપ ગોસ્વામી વગેરે ભક્તોની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, અને ભગવાનનાં નામોનું કીર્તન કરી રહ્યા છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ બોલે છેઃ ‘જ્યારે એક વાર હરિનામ, અથવા એક વાર રામ નામનું ઉચ્ચારણ કરતાં શરીરે રોમાંચ થાય, આંખમાંથી આંસુ ઝરે, તો ચોક્કસ જાણવું કે સંધ્યા વગેરે કર્માે કરવાની જરૂર રહી નથી. ત્યારે કર્મત્યાગનો સમય થયો છે- કર્મનો આપોઆપ ત્યાગ થતો જાય છે. ત્યાર પછી કેવળ રામનામ, હરિનામ કે માત્ર ૐકારનો જપ કરે એટલે બસ.’

વળી બોલ્યાઃ ‘સંધ્યાનો ગાયત્રીમાં લય થાય, ગાયત્રીનો ૐકારમાં લય થાય.’

માસ્ટર, સિધુ (શ્રીયુત્ સિદ્ધેશ્વર મજુમદાર, ઉત્તર વરાહનગરમાં ઘર)ની સાથે વરાહનગરમાં એક બગીચામાંથી બીજામાં, એમ ફરતાં ફરતાં અહીં આવી ચડ્યા છે.

આજે રવિવાર, થોડો સમય મળ્યો છે, એટલે બંને ફરવા નીકળ્યા છે; થોડીવાર પહેલાં શ્રીયુત્ પ્રસન્ન બેનર્જીના બગીચામાં ફરતા હતા, ત્યારે સિધુ બોલ્યા હતા કે ‘ગંગા કિનારે એક સુંદર બગીચો છે. એ જોવા જવું છે ? ત્યાં પરમહંસ રહે છે.’

બગીચામાં મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરીને માસ્ટર અને સિધુ સીધા શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવ્યા. માસ્ટર આશ્ચર્યચકિત થઈને જોયા કરે છે અને વિચાર કરે છે કે ‘અહા! કેવું સુંદર સ્થાન ! કેવો સુંદર પુરુષ ! કેવી સુંદર કથા ! અહીંથી ખસવાનીય ઇચ્છા થતી નથી !’ થોડીક વાર પછી મનમાં કહેવા લાગ્યા કે ‘એકવાર જોઉં તો ખરો કે ક્યાં આવ્યો છું ! ત્યાર પછી અહીં આવીને બેસું.’

સિધુની સાથે ઓરડાની બહાર આવતાં જ સંધ્યા આરતીનો મધુર અવાજ થવા લાગ્યો. એકી સાથે થાળી, ઘંટા, ખોલ (મૃદંગ જેવું બંગાળમાં કીર્તનમાં વપરાતું એક જાતનું વાદ્ય), કાંશિયાં વાગી ઊઠ્યાં. બગીચાને દક્ષિણ છેડેથી નોબતખાનામાંથી નોબતનો મધુર શબ્દ આવવા લાગ્યો. એ શબ્દ ભાગીરથીના પટ પર જાણે કે ફરતો ફરતો અતિ દૂર જઈને અનંતમાં ક્યાંય મળી જવા લાગ્યો. ફૂલોની સુગંધથી સુવાસિત વસંતનો વાયુ મંદ મંદ વાઈ રહ્યો છે ! તરતમાં જ ચંદ્રમા ઊગ્યો છે. જાણે કે ચારે બાજુ દેવતાઓની આરતીની તૈયારી થઈ રહી છે. માસ્ટર બાર શિવમંદિરે, શ્રીરાધાકાન્તના મંદિરે અને શ્રી ભવતારિણીના મંદિરે આરતીનાં દર્શન કરીને બહુ જ પ્રસન્ન થયા. સિધુ બોલ્યા, ‘આ રાસમણિનું દેવાલય, અહીં નિત્યપૂજા છે. કેટલાય અતિથિઓ, ભિક્ષુકો અહીં આવે.’

વાત કરતાં કરતાં બંને જણા શ્રી ભવતારિણીના મંદિરથી મોટા પાકા ચોગાન પર ચાલતાં ચાલતાં પાછા શ્રીરામકૃષ્ણના ઓરડાની સામે આવી પહોંચ્યા. આ વખતે જોયું તો ઓરડાનાં બારણાં બંધ.

ધૂપ હજી હમણાં જ કર્યાે છે. માસ્ટર અંગ્રેજી ભણ્યા છે, એટલે ઓરડામાં એકદમ પ્રવેશ કરી શક્યા નહિ. બારણામાં વૃંદા કામવાળી ઊભી હતી; તેને પૂછ્યું; ‘બાઈ ! શું સાધુ અત્યારે અંદર હશે ?’

વૃંદાએ જવાબ આપ્યો, ‘હા ! તેઓ તો ઓરડામાં જ છે.’

માસ્ટર – એ અહીં કેટલાક દિવસ થયા છે ?

વૃંદા – એ તો ઘણાય દિવસ થયા છે.

માસ્ટર – ઠીક, એ શું ખૂબ પુસ્તકો વાંચે છે ?

વૃંદા – અરે બાપલા, પુસ્તક અને બુસ્તક ! એમને તો બધું મોઢે !

માસ્ટર તરતમાં જ ભણી ગણીને આવેલા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પુસ્તક વાંચતા નથી એ સાંભળીને બહુ નવાઈ પામ્યા.

માસ્ટર – વારુ, મને લાગે છે કે એ અત્યારે સંધ્યા કરતા હશે. અમે આ ઓરડામાં જઈ શકીએ ? તું એક વાર અંદર જઈને ખબર આપીશ ?

વૃંદા – તમે તમારે જાઓને બાપુ. ઓરડામાં જઈને બેસો.

એટલે તેમણે ઓરડામાં જઈને જોયું તો અંદર બીજું કોઈ નહિ. ઓરડામાં શ્રીરામકૃષ્ણ એકલા એક પાટ ઉપર બેઠેલા છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે. અને બારણાં બધાં બંધ છે. માસ્ટરે પ્રવેશ કરી હાથ જોડીને પ્રણામ કર્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણે બેસવાનું કહ્યું. એટલે માસ્ટર અને સિધુ જમીન પર બેઠા. શ્રીરામકૃષ્ણે પૂછ્યું, ‘ક્યાં રહો છો, શું કરો છો ? વરાહનગરમાં શા માટે આવ્યા છો ?’ વગેરે. માસ્ટરે પરિચય આપ્યો. પણ તેમણે જોયું કે ઠાકુર વચ્ચે વચ્ચે જાણે બેધ્યાન થઈ જાય છે. પાછળથી તેમણે સાંભળ્યું કે એ અવસ્થાનું નામ ભાવ; જેમ કોઈ માણસ માછલી પકડવાની સોટી હાથમાં રાખીને એકચિત્ત થઈને માછલી પકડવા બેઠો હોય તેમ. માછલી આવીને ગલમાં ભરાવેલો ટુકડો ખાવા માંડે એટલે ઉપર તરતો બરુનો ટુકડો હાલે, એ વખતે એ માણસ જેમ એકદમ આતુર થઈને સોટીને પકડીને બરુના ટુકડા તરફ એક નજરે ધ્યાન દઈને જોઈ રહે, કોઈની સાથે વાત કરે નહિ; બરાબર એવી જાતનો એ ભાવ. પાછળથી તેમણે સાંભળ્યું અને નજરે જોયું કે સંધ્યા પછી શ્રીઠાકુરને એવી રીતે ભાવ થાય છે; અને ક્યારેક તો તેઓ એકદમ બાહ્યસંજ્ઞારહિત થઈ જાય છે !

માસ્ટર – આપ અત્યારે સંધ્યા કરવાના હશો. તો હવે અમે રજા લઈએ.

શ્રીરામકૃષ્ણ (ભાવમાં) – ના, સંધ્યા કે એવું કાંઈ નથી.

બીજી થોડીક વાતચીત બાદ માસ્ટરે પ્રણામ કરીને રજા માગી. શ્રીરામકૃષ્ણ બોલ્યા, ‘પાછા આવજો !’

માસ્ટર પાછા ફરતી વખતે વિચાર કરવા લાગ્યા, કે આ સૌમ્યમૂર્તિ કોણ, કે જેમની પાસે પાછા જવાની ઇચ્છા થાય છે ? પુસ્તક વાંચ્યા વિના શું માણસ મહાન થઈ શકે ? શી નવાઈ ! વળી પાછા અહીં આવવાની ઇચ્છા થાય છે. એમણે પણ કહ્યું છે, ‘પાછા આવજો !’ ‘કાલે કે પરમ દિવસે સવારે આવીશ.’

અધ્યાય ત્રીજો: બીજું દર્શન

અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ ।
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।।

(ગુરુશિષ્ય – સંવાદ)

બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત કરાવવા બેસે છે. હજી થોડી થોડી ઠંડી પડે છે. એટલે તેમના શરીર પર ગરમ શાલ. શાલની કિનારી લાલ પટ્ટીથી મઢેલી. માસ્ટરને જોઈને બોલ્યા, ‘તમે આવ્યા છો કે ? વારુ, અહીં બેસો.’

આ વાતચીત દક્ષિણપૂર્વ(અગ્નિખૂણા)ની બાજુની ઓસરીમાં થતી હતી. હજામ આવેલો છે. એ જ ઓસરીમાં ઠાકુર હજામત કરાવવા બેઠા અને વચ્ચે વચ્ચે માસ્ટરની સાથે વાતો કરવા લાગ્યા. શરીરે શાલ, પગમાં સપાટ, હસમુખો ચહેરો. વાત કરતી વખતે જીભ સહેજ તોતડાય.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – હેં ભાઈ ! તમારું ઘર ક્યાં છે ?

માસ્ટર – જી, કોલકાતામાં.

શ્રીરામકૃષ્ણ – અહીં કોને ત્યાં આવ્યા છો ?

માસ્ટર – અહીં વરાહનગરમાં મોટી બહેનને ઘેર. ઈશાન વૈદ્યરાજનું ઘર.

શ્રીરામકૃષ્ણ – ઓહો ! ઈશાનને ઘેર ?

(શ્રીકેશવચંદ્ર સેન માટે શ્રીરામકૃષ્ણનો શ્રીજગન્માતા પાસે વિલાપ)

શ્રીરામકૃષ્ણ – હેં ભાઈ ! કેશવને કેમ છે ? એ બહુ માંદા થઈ ગયા હતા !

માસ્ટર – મેં પણ એમ સાંભળ્યું હતું ખરું. પણ હવે મને લાગે છે કે તેમને સારું છે.

શ્રીરામકૃષ્ણ – મેં વળી કેશવને માટે માતાજીની પાસે લીલું નાળિયેર ને ખાંડની માનતા રાખી હતી. પાછલી રાતે મારી ઊંઘ ઊડી જતી, અને માની પાસે હું રોતો. કહેતો કે મા, કેશવને સાજા કરી દો; કેશવ ન હોય તો હું કોલકાતામાં જાઉં ત્યારે વાતો કોની સાથે કરું ? એટલા માટે મેં ખાંડ ને નાળિયેર માન્યાં હતાં.

હેં ભાઈ ! કૂક સાહેબ કરીને કોક આવ્યા છે ને ? સંભળાય છે કે તે ‘લેકચર’ કરે છે. કેશવ મને સ્ટીમરમાં સાથે લઈ ગયા હતા. કૂક સાહેબ પણ હતા.

માસ્ટર – જી, એ પ્રમાણે સાંભળ્યું હતું ખરું. પણ મેં તેમનું ભાષણ સાંભળ્યું નથી. હું તેમને વિષે વધુ જાણતો નથી.

(ગૃહસ્થ અને પિતાનું કર્તવ્ય)

શ્રીરામકૃષ્ણ – પ્રતાપનો ભાઈ આવ્યો હતો. થોડા દિવસ અહીં રહ્યો. નોકરી ધંધો નહિ. કહે કે હું અહીં રહીશ. મેં સાંભળ્યું કે બૈરી છોકરાંને બધાંને પોતાના સસરાને ઘેર મૂકી આવ્યો છેઃ કેટલાંય છોકરાં છૈયાં ! હું એને વઢ્યો. જુઓ તો ખરા, છોકરાં છૈયાં થયાં છે તેને શું કાંઈ આડોશી પાડોશી ખવડાવીને મોટાં કરે? શરમેય નથી આવતી, કે બૈરી છોકરાંને બીજું કોઈક ખવડાવે છે. અને તેમને સસરાને ઘેર રાખી મૂક્યાં છે. હું ખૂબ વઢ્યો અને કામધંધો શોધી કાઢવાનું કહ્યું. ત્યારે માંડ માંડ અહીંથી જવાનું કબૂલ કર્યું.

અધ્યાય ચોથો: માસ્ટરને ઠપકો અને અહંકાર ઊતર્યાે

અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ।
ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।।

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – તમારાં લગ્ન થયાં છે ? માસ્ટર – જી હા.

શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) – અરે રામલાલ! (શ્રીયુત્ રામલાલ, શ્રીઠાકુરના મોટાભાઈના પુત્ર અને કાલીમંદિરના પૂજારી) જો, લગન પણ કરી નાખ્યું છે !

માસ્ટર આશ્ચર્યચકિત થઈને મોટા ગુનેગારની પેઠે માથું નીચું કરીને ચૂપ થઈને બેસી રહ્યા. તે વિચાર કરવા લાગ્યા કે લગ્ન કરવામાં શું એટલો બધો દોષ !

ઠાકુરે વળી પૂછ્યું – ‘તમારે કંઈ છોકરાં થયાં છે ?’

માસ્ટરની છાતી ધબક ધબક થવા લાગી. ડરતાં ડરતાં તેઓ બોલ્યા, ‘જી, છોકરાં છે.’

ઠાકુર વળી દુઃખી થઈને કહે છે – ‘હેં હ્ ! છોકરાં પણ થઈ ગયાં છે !’

તિરસ્કાર પામીને માસ્ટર સ્તબ્ધ થઈ રહ્યા.

તેમનો અહંકાર ઓગળવા લાગ્યો. થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ

કૃપાદૃષ્ટિ કરીને સ્નેહપૂર્વક બોલવા લાગ્યા, ‘જુઓ, તમારાં ચિહ્નો સારાં છે. હું કપાળ, આંખ એ બધું જોઈને સમજી શકું…

‘વારુ, તમારી પત્ની કેવી છે ? વિદ્યાશક્તિ કે અવિદ્યાશક્તિ ?’

(જ્ઞાન કોને કહે છે ? અને મૂર્તિપૂજા)

માસ્ટર – જી, ઠીક છે. પણ અજ્ઞાની !

શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને) – અને તમે જ્ઞાની !

માસ્ટર જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, એ હજુ જાણતા નથી. અત્યાર સુધી તો એટલું જાણતા કે ભણતાં ગણતાં શીખીએ અને પુસ્તક વાંચતાં આવડે એટલે જ્ઞાન થાય. આ ભ્રમ પાછળથી દૂર થયો. તેમણે સાંભળ્યું કે ઈશ્વરને જાણવો તે જ્ઞાન, ને ઈશ્વરને ન જાણવો તે અજ્ઞાન.

ઠાકુર બોલ્યા – તમે શું જ્ઞાની ? માસ્ટરનું અભિમાન ફરી ઘવાયું.

શ્રીરામકૃષ્ણ – વારુ, તમારી ‘સાકાર’માં શ્રદ્ધા કે ‘નિરાકાર’માં ?

માસ્ટર (નવાઈ પામી જઈને પોતાના મનમાં) – સાકારમાં શ્રદ્ધા હોય તો શું નિરાકારમાં શ્રદ્ધા બેસે ? ઈશ્વર નિરાકાર, એવી શ્રદ્ધા હોય તો પછી ઈશ્વર સાકાર એવી શ્રદ્ધા શું બેસી શકે ? વિરોધી અવસ્થાઓ બેઉ સાચી હોય શકે ? ધોળી ચીજ દૂધ, તે શું કાળું હોઈ શકે ?

માસ્ટર (મોટેથી) – જી, નિરાકાર – મને તે સારું લાગે છે.

શ્રીરામકૃષ્ણ – તે મજાનું. એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા, એ તો સારું. પરંતુ એવી ભાવના રાખવી નહિ કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું, તેમજ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.

બંને સાચાં તે વાત ઉપરા ઉપરી સાંભળીને માસ્ટર નવાઈ પામ્યા. એ વાત તો તેમના પુસ્તકિયા જ્ઞાનમાં નથી !

તેમનો અહંકાર ત્રીજી વાર ચૂર્ણ થવા લાગ્યો. પણ હજુ તેનો સંપૂર્ણ ચૂરો થયો નથી. એટલે વળી વધુ દલીલ કરવા તૈયાર થયા.

માસ્ટર – જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને ?

શ્રીરામકૃષ્ણ – માટીની શા માટે ? ચિન્મય પ્રતિમા.

માસ્ટર ‘ચિન્મય પ્રતિમા’ એ સમજી શક્યા નહિ. તે બોલ્યા, ‘વારુ, જેઓ માટીની પ્રતિમાની પૂજા કરે તેમને તો આપણે સમજાવી દેવું જોઈએ ને, કે માટીની પ્રતિમા એ ઈશ્વર નથી, અને પ્રતિમાની સામે ઈશ્વરને જ ઉદ્દેશીને પૂજા કરવી જોઈએ ?

(‘લેક્ચર’ (Lecture) અને ઠાકુર શ્રીરામકૃષ્ણ)

શ્રીરામકૃષ્ણ (નાખુશ થઈને) – તમારા કોલકાતાના લોકોમાં આ એક ટેવ, કે કેવળ લેકચર આપવાં, અને બીજાને સમજાવી દેવું ! પોતાને કોણ સમજાવે તેનું ઠેકાણું નહિ ! સમજાવનારા તમે કોણ ? જેનું જગત છે તે જ સમજાવશે. જેણે આ જગત સર્જ્યું છે, ચંદ્ર, સૂર્ય, માણસ, જીવજંતુ બનાવ્યાં છે, જીવજંતુઓના ખાવા – પીવાની વ્યવસ્થા કરી છે, પાલનપોષણ કરવા માટે માબાપ કર્યાં છે, માબાપમાં સ્નેહ મૂક્યો છે, તે જ સમજાવશે. તેમણે આટલી વ્યવસ્થા કરી છે, તો પછી આને માટે વ્યવસ્થા કરી નહિ હોય ? જો સમજાવવાની જરૂર પડશે તો તે જ સમજાવી દેશે.

એ તો અંતર્યામી છે. અગર આ માટીની પ્રતિમાની પૂજા કરવામાં કાંઈ ભૂલ થતી હોય તો શું જાણતા નથી કે એ તેમની જ પૂજા થાય છે ? તે આ પૂજાથી જ સંતોષ માનશે. એને માટે તમને આટલી બધી માથાકૂટ શા માટે ? તમને પોતાને જેથી જ્ઞાન મળે, ભક્તિ મળે, તેનો પ્રયાસ કરોને.

માસ્ટરનો અહંકાર કદાચ આ વખતે સંપૂર્ણ ઓગળી ગયો. તે વિચાર કરવા લાગ્યા કે આ જે કહે છે તે તો સાચું છે ! મારે બીજાને સમજાવવા જવાની શી જરૂર? મેં શું ઈશ્વરને જાણ્યો છે, કે મને તેના ઉપર ભક્તિ આવી છે ? પોતાને સૂવાનું ઠેકાણું નહિ ને બીજાને બોલાવે ! હું પોતે જાણું-સમજું નહિ ને બીજાને સમજાવવા જાઉં, એ તો ભારે શરમની વાત અને હીનબુદ્ધિનું કામ ! આ તે શું ગણિત, કે ઇતિહાસ, કે સાહિત્ય છે કે બીજાને સમજાવાય ? આ તો છે ઈશ્વરતત્ત્વ ! તેઓશ્રી જે કહે છે તે બરાબર લાગે છે.

ઠાકુરની સાથે માસ્ટરનો આ પહેલો અને છેલ્લો વાદ.

શ્રીરામકૃષ્ણ – તમે માટીની પ્રતિમાની પૂજા કહેતા હતા ને ? અગર તે માટીની હોય તો પણ તે પૂજાનોય ઉપયોગ છે. જુદી જુદી જાતની પૂજાનું ઈશ્વરે જ વિધાન કર્યું છે, જેનું જગત છે તેણે જ આ બધું બનાવ્યું છે, પાત્રના ભેદ પ્રમાણે. જેને જે માફક આવે તે પ્રમાણે મા રસોઈ બનાવે તેમ. એક માને પાંચ છોકરાં. તહેવાર આવ્યો. મા તે વખતે જેને જે માફક આવે અને પાચનશક્તિ પ્રમાણે કોઈને માટે લાડુ, કોઈને માટે શીરો, તો કોઈને માટે દૂધપાક બનાવે, સમજ્યા ?

માસ્ટર – જી હા.

અધ્યાય પાંચમો: ભક્તિનો ઉપાય

સંસારાર્ણવઘોરે યઃ કર્ણધારસ્વરૂપકઃ ।
નમોઽસ્તુ રામકૃષ્ણાય તસ્મૈ શ્રીગુરવે નમઃ ।।

માસ્ટર (વિનયપૂર્વક) – ઈશ્વરમાં કેવી રીતે મન જાય ?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વહેવારની અંદર રાતદિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહિ. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં અવારનવાર એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું બહુ જ કઠણ.

‘રોપ નાનો હોય ત્યારે તેની ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાય બકરાં ખાઈ જાય.’

‘ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. હંમેશાં સત્ અસત્નો વિચાર કરવો. ઈશ્વર જ એટલે નિત્ય વસ્તુ, બીજું બધું અસત્ એટલે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.’

માસ્ટર (વિનયપૂર્વક) – સંસારમાં કેવી રીતે રહેવું ?

(ગૃહસ્થ – સંન્યાસઃ ઉપાય – એકાંતમાં સાધના)

શ્રીરામકૃષ્ણ – બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.

‘મોટા માણસના ઘરની કામવાળી શેઠનું બધું કામ કરે, પણ તેનું મન હોય ગામડામાં પોતાને ઘેર. વળી, તે શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે. ‘મારો રામ’ ‘મારો હરિ’ એમ કહીને બોલાવે; પણ મનમાં સારી રીતે સમજે કે એમાંથી મારું કોઈ નથી.’

‘કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન ક્યાં હોય તે ખબર છે? કાંઠા પર, જ્યાં તેનાં ઇંડાં પડ્યાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું. પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.’

‘ઈશ્વરભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલાવો તો ઊલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન હેરાન થઈ જાઓ; અને સંસારના વિષયોનું ચિંતન જેમ જેમ વધુ કરો તેમ તેમ આસક્તિ વધે.’

‘હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહિતર તેનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારનાં કામમાં હાથ લગાડવો જોઈએ.’

‘પણ આ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો એકાંત હોવું જોઈએ. માખણ કાઢવું હોય તો એકાંતમાં દહીં જમાવવું જોઈએ. દહીંને હલાવ હલાવ કર્યે દહીં જામે નહિ. ત્યાર પછી એકાંતમાં બેસી, બધાં કામ છોડી, દહીંને વલોવવું જોઈએ; તો જ માખણ નીકળે.’

‘વળી જુઓ, એ જ મન દ્વારા એકાંતમાં ઈશ્વર ચિંતન કરવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ મળે. પણ સંસારમાં તેને પડ્યું રાખવાથી તે નીચે ઊતરી જાય. સંસારમાં કેવળ કામિની – કાંચનના જ વિચાર આવે.’

‘સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસાર જળમાં રાખી મૂકો તો તે તેમાં ભળી ન જાય, તર્યા કરે.’

‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ – કાંચન અનિત્ય. ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે ? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા, એટલું જ; એથી ભગવાન ન મળે. એટલે રૂપિયા જીવનનું ધ્યેય થઈ શકે નહિ. આનું નામ વિચાર. સમજો છો ?’

માસ્ટર – જી, હા. મેં હમણાં ‘પ્રબોધચંદ્રોદય’ નાટક વાંચ્યું છે. તેમાં છે ‘વસ્તુ વિચાર.’

શ્રીરામકૃષ્ણ – હા, વસ્તુવિચાર. જુઓ, રૂપિયામાંય શું છે અને સુંદર શરીરમાંયે શું છે ? વિચાર કરો કે સુંદર સ્ત્રીના શરીરમાંય માત્ર હાડકાં, માંસ, ચરબી, મળમૂત્ર એ બધું છે. ઈશ્વરને છોડીને માણસ એ બધી વસ્તુઓમાં કેમ મન પરોવે છે ? કેમ ઈશ્વરને ભૂલી જાય છે ?

(ઈશ્વરદર્શનના ઉપાય)

માસ્ટર – શું ઈશ્વરનાં દર્શન થઈ શકે ?

શ્રીરામકૃષ્ણ – હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુવિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ.

માસ્ટર – કેવી અવસ્થામાં એમનાં દર્શન થાય ?

શ્રીરામકૃષ્ણ – ખૂબ વ્યાકુળ થઈને રુદન કરીએ તો ઈશ્વરનાં દર્શન થાય. સ્ત્રી પુત્રાદિ માટે માણસો ઘડો ભરીને આંસુ પાડે, પૈસા માટે માણસો આંસુની નદીઓ વહાવે; પણ ઈશ્વર સારુ કોણ રડે છે ? જેમ તેમ નહિ પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ. એમ કહીને ઠાકુરે ગીત ઉપાડ્યુંઃ

‘બોલાવને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના !
કેમ મા શ્યામા આવે ના, કેમ મા કાલી આવે ના !
મન ખરેખર આતુર હો, તો જાસૂદ – બિલ્વપત્ર લો !
ભક્તિ – ચંદન લગાવીને, (માને) પગે પુષ્પાંજલિ દો !’

‘ઈશ્વરને માટે વ્યાકુળતા આવી એટલે અરુણોદય થયો સમજો; ત્યાર પછી સૂર્ય દેખાશે. વ્યાકુળતાની પછી જ ઈશ્વરદર્શન.

ત્રણ પ્રકારનું આકર્ષણ થાય તો ઈશ્વર દર્શન દે. વિષયીનું વિષય તરફનું ખેંચાણ, માનું સંતાન ઉપરનું અને સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું ખેંચાણ.

આ ત્રેવડું આકર્ષણ એકી સાથે કોઈનામાં ઈશ્વર માટે જાગે, તો તેના જોરથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

‘વાત એટલી કે ઈશ્વરને ચાહવો જોઈએ. મા જેમ છોકરાંને ચાહે, સતી જેમ પતિને ચાહે, વિષયી જેમ વિષયને ચાહે. તેમ એ ત્રણેનો પ્રેમ, એ ત્રણ આકર્ષણ એકઠાં કરવાથી જેટલું થાય તેટલું ઈશ્વરને માટે થાય તો તેનાં દર્શન અવશ્ય મળે.

‘આતુર બનીને ઈશ્વરને બોલાવવો જોઈએ. બિલાડીનું બચ્ચું માત્ર ‘મ્યાઉં મ્યાઉં’ કરીને તેની માને બોલાવી જાણે. મા તેને જ્યાં રાખે ત્યાં રહે, ક્યારેક રસોડામાં, તો ક્યારેક જમીન ઉપર, તો ક્યારેક પથારી ઉપર રાખે. બચ્ચાંને દુઃખ થાય તો તે કેવળ ‘મ્યાઉં મ્યાઉં’ કરી માને બોલાવે, બીજું કંઈ જાણે નહીં. મા ગમે ત્યાં હોય, પણ તે ‘મ્યાઉં મ્યાઉં’ શબ્દ સાંભળીને આવી પહોંચે.

અધ્યાય છઠ્ઠો: ત્રીજું દર્શન

સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ ।। (ગીતા, ૬.૨૯)

(નરેન્દ્ર, ભવનાથ અને માસ્ટર)

માસ્ટર એ વખતે વરાહનગરમાં પોતાની બહેનને ત્યાં રહેતા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં ત્યારથી હર ક્ષણે તેમના જ વિચાર આવ્યા કરે છે, અને તેમની એ આનંદમય મૂર્તિને જ જોયા કરે છે, અને તેમની એ અમૃતમય કથા સાંભળી રહ્યા છે. તે વિચાર કરવા લાગ્યા કે આ ગરીબ બ્રાહ્મણે કેવી રીતે આ બધાં ગંભીર તત્ત્વોની શોધ કરી અને સમજ્યા ? આ બધું આટલી સહેલાઈથી સમજાવતાં તેમણે આજ સુધી કોઈને ક્યારેય જોયા નથી. ક્યારે તેમની પાસે જવાય અને ફરી તેમનાં દર્શન થાય, એ જ વિચાર મનમાં રાતદિવસ ઘોળાયા કરે છે.

જોત જોતામાં રવિવાર આવી ગયો. વરાહનગરના નેપાલ બાબુની સાથે બપોરના ચાર વાગ્યે દક્ષિણેશ્વરના બગીચામાં માસ્ટર આવી પહોંચ્યા. આવીને જોયું તો એ જ પૂર્વપરિચિત ઓરડામાં ઠાકુર શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર બેઠેલા છે. ઓરડો આખો ભક્તોથી ભરેલો છે. રવિવારની રજા હોવાથી ભક્તો દર્શને આવેલા છે. હજી સુધી માસ્ટરની કોઈની સાથે ઓળખાણ થઈ નથી. તેમણે ભક્ત મંડળીમાં એક બાજુએ આસન લીધું. જોયું તો ભક્તો સાથે હસતે ચહેરે ઠાકુર વાત કરી રહ્યા છે.

એક ઓગણીસેક વરસની ઉંમરના યુવાનને ઉદ્દેશીને અને તેની સામે જોઈને ઠાકુર જાણે કે ખૂબ આનંદિત થઈને ઘણીયે વાતો કરી રહ્યા હતા. એ યુવાનનું નામ નરેન્દ્ર. કોલેજમાં ભણે અને સાધારણ – બ્રાહ્મસમાજમાં આવ-જા કરે. તેની વાતો તેજસ્વી, આંખો ચમકતી, ચહેરો ભક્ત જેવો.

અનુમાને માસ્ટર સમજ્યા કે સંસાર વ્યવહારમાં રચ્યા પચ્યા રહેનાર સંસારી વ્યક્તિ સંબંધે વાત ચાલતી હતી. જેઓ ઈશ્વર ઈશ્વર અને ધર્મ ધર્મ કર્યા કરે તેમની એ લોકો નિંદા કરે. વળી સંસારમાં કેટલાય નઠારા લોકો હોય, તેમની સાથે કેવો વ્યવહાર રાખવો ઘટે, એ બધી વાતો ચાલે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – નરેન્દ્ર ! તું શું કહે છે ? સંસારી લોકો તો કેટલુંય બોલે! પણ જો, હાથી જ્યારે રસ્તામાં હોય, ત્યારે કેટલાંય પ્રાણીઓ તેની પાછળ પડે, પણ હાથી તેની સામું જુએ પણ નહિ. તારી જો કોઈ નિંદા કરે, તો તને કેવું લાગે ?

નરેન્દ્ર – હું માનું કે કૂતરાં હાઉ હાઉ કરે છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – ના રે ના, એટલું બધું નહિ. (સૌનું હાસ્ય) ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે કંઈ વાઘને ભેટી પડાય નહિ ! (સૌનું હાસ્ય) જો એમ કહો કે વાઘ તો નારાયણ છે, તો પછી ભાગી શા માટે જવું? તેનો જવાબ એ કે જેઓ કહે છે કે ‘ભાગી જાઓ’ તેઓ પણ નારાયણ છે, તો તેમની વાત કેમ ન સાંભળવી ?

‘એક વાત સાંભળો. એક જંગલમાં એક સાધુ રહેતો હતો. તેને અનેક શિષ્યો. તેણે એક દિવસે શિષ્યોને ઉપદેશ આપ્યો કે સર્વભૂતમાં નારાયણ છે, એમ જાણીને સૌને નમસ્કાર કરવા. એક દિવસ એક શિષ્ય હોમ માટે લાકડાં વીણવા જંગલમાં ગયો. એ લાકડાં વીણતો હતો એટલામાં બૂમ સંભળાઈ કે ‘જે કોઈ રસ્તામાં હો તે નાસી જજો, એક ગાંડો હાથી આવે છે !’ આજુબાજુમાંથી બધા નાસી ગયા, પણ શિષ્ય નહીં ! તેણે વિચાર્યું કે હાથી પણ નારાયણ છે, તો પછી નાસવું શા માટે ? એમ વિચારીને તે ઊભો રહ્યો; અને નમસ્કાર વગેરે કરીને સ્તુતિ કરવા લાગ્યો. આ બાજુ મહાવત ઉપરથી બૂમો પાડી રહ્યો છે કે ‘ભાગી જાઓ, ભાગી જાઓ!’ તોય શિષ્ય હઠ્યો નહિ. છેવટે હાથી તેને સૂંઢમાં પકડી એક બાજુ ફેંકી દઈને ચાલ્યો ગયો. શિષ્ય લોહીલુહાણ અને બેભાન થઈને પડ્યો રહ્યો.

આ ખબર આશ્રમમાં પહોંચતાં ગુરુ અને શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લઈ આવ્યા, અને સારવાર કરવા લાગ્યા. થોડીવારે તેને ભાન આવ્યું ત્યારે કોઈએ તેને પૂછ્યુંઃ ‘હાથી આવે છે તે સાંભળવા છતાં તમે નાસી ગયા નહિ ?’ તે બોલ્યો, ‘ગુરુદેવે કહ્યું છે કે નારાયણ જ માણસ, જીવ, જંતુ, બધું થઈ રહેલા છે. એટલે હાથી-નારાયણને આવતા દેખીને હું ત્યાંથી ખસ્યો નહિ.’ ત્યારે ગુરુએ કહ્યું, ‘બાપુ, હાથી-નારાયણ આવતા હતા એ ખરું, એ સત્ય; પણ મહાવત-નારાયણે તો નાસી જવાનું કહ્યું હતું ને? જો બધાંય નારાયણ છે તો પછી તેનું કહેવું કેમ સાંભળ્યું નહિ ? મહાવત-નારાયણનું પણ સાંભળવું જોઈએ ને ?’ (સૌનું હાસ્ય)

‘શાસ્ત્રમાં કહે છે આપો નારાયણ; જળ નારાયણનું સ્વરૂપ છે ! પરંતુ કોઈક જળ ભગવાનની પૂજામાં ચાલે; તો કોઈક જળથી હાથ-મોં ધોવાનું, વાસણ માંજવાનું, કપડાં ધોવાનું માત્ર ચાલે, પણ પીવામાં અથવા ઠાકોરજીની સેવામાં ન ચાલે. તેમ સાધુ, અસાધુ, ભક્ત અને અભક્ત – સૌના અંતરમાં નારાયણ છે, પણ અસાધુ, અભક્ત, દુષ્ટ માણસની સાથે વ્યવહાર રાખવો ચાલે નહિ. હળવું મળવું ચાલે નહિ. કોઈકની સાથે કેવળ મોઢાની વાતચીતનો જ વ્યવહાર પરવડે; તો વળી કોઈકની સાથે એ પણ ચાલે નહિ. એવા માણસથી દૂર રહેવું જોઈએ.’

એક ભક્ત – મહાશય ! જો કોઈ ખરાબ માણસ આપણું નુકસાન કરવા આવે અથવા નુકસાન કરે, તો શું ચૂપ રહેવું ?

(ગૃહસ્થ અને તમોગુણ)

શ્રીરામકૃષ્ણ – માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરૂર ખરી. પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું નુકસાન કરવું એ યોગ્ય નથી.

‘એક ખેતરમાં એક ગોવાળ ઢોર ચરાવતો હતો. તે ખેતરમાં એક મોટો ઝેરી સાપ રહે. સૌ કોઈ એ સાપની બીકથી બહુ જ સંભાળીને રહેતાં. એક દિવસ એક બ્રહ્મચારી એ ખેતરને રસ્તે થઈને આવતો હતો. ગોવાળિયાઓ દોડી આવીને કહેવા લાગ્યા, ‘મહારાજ! એ બાજુ થઈને જતા નહિ. એ બાજુ એક ભયંકર ઝેરી સાપ રહે છે.’ બ્રહ્મચારી બોલ્યો, ‘અરે તે ભલે રહ્યો. હું તેનાથી ડરતો નથી. હું મંત્ર જાણું છું.’ એમ કહીને બ્રહ્મચારી એ બાજુ ગયો. બીકના માર્યા ગોવાળિયાઓ તેની સાથે ગયા નહિ. આ બાજુ સાપ ફેણ ઊંચી કરીને દોડ્યો આવે છે. પણ તે નજીક આવ્યો ન આવ્યો ત્યાં તો બ્રહ્મચારીએ જેવો એક મંત્ર ભણ્યો કે તરત જ સાપ અળશિયાની પેઠે પગ પાસે આવીને પડી રહ્યો. બ્રહ્મચારી બોલ્યો, ‘અરે! તું કેમ બીજાની હિંસા કરતો ફરે છે ? ચાલ, તને મંત્ર આપું. આ મંત્રનો જપ કરવાથી તને ભગવાનમાં ભક્તિ જાગશે, ભગવત્પ્રાપ્તિ થશે અને તારામાં હિંસક વૃત્તિ રહેશે નહિ.’ એમ કહીને તેણે સાપને મંત્ર આપ્યો. મંત્ર લઈને સાપે ગુરુને પ્રણામ કર્યા અને પૂછ્યું, ‘ગુરુદેવ, કેવી રીતે સાધના કરવી એ કહો.’ ગુરુ બોલ્યાઃ ‘આ મંત્રનો જપ કરવો અને કોઈની હિંસા કરવી નહિ.’ જતી વખતે બ્રહ્મચારી બોલ્યો, ‘પાછો હું આવીશ.’

‘એમ કરતાં કેટલાક દિવસ નીકળી ગયા. ગોવાળિયાઓએ જોયું કે સાપ હવે કરડવા આવતો નથી, પથરા મારે છતાં ગુસ્સે થતો નથી! જાણે અળશિયા જેવો થઈ ગયો છે. એટલે એક દિવસે એક ગોવાળિયાએ હિંમતથી પાસે જઈને પૂંછડી પકડીને તેને ખૂબ ફેરવ્યો અને પછી પછાડીને ફેંકી દીધો. સાપના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું અને બેશુદ્ધ થઈ ગયો, હલે નહિ કે ચલે નહિ. ગોવાળિયાઓએ માન્યું કે સાપ મરી ગયો. એમ ધારીને તે લોકો ચાલ્યા ગયા.

‘મોડી રાત્રે સાપને ચેતના આવી. એટલે એ બિચારો ધીરે ધીરે અત્યંત કષ્ટપૂર્વક પોતાના દરમાં ચાલ્યો ગયો. શરીર છોલાઈ ગયેલું. હાલવા ચાલવાની શક્તિ નહિ. કેટલાય દિવસ સુધી ભૂખ્યો તરસ્યો રહેવાથી સાવ હાડચામનું ખોખું થઈ ગયો. આહાર શોધવા રાત્રે ક્યારેક ક્યારેક બહાર નીકળતો, બીકનો માર્યાે દિવસે બહાર આવતો નહિ. મંત્ર લીધો છે ત્યારથી હિંસા કરે નહિ. કેવળ કૂણા પાંદડાં, ઝાડ પરથી પડેલાં ફળ એવું બધું ખાઈને જીવતો.’

‘વરસ દિવસ પછી બ્રહ્મચારી એ જ રસ્તેથી વળી પાછો આવ્યો. આવતાં જ તેણે પેલા સાપના ખબર પૂછ્યા. ગોવાળિયાઓએ કહ્યું કે, ‘બાપજી, સાપ તો મરી ગયો.’ પણ બ્રહ્મચારીને એ વાત માન્યામાં આવી નહિ, તેને ખબર હતી કે જે મંત્ર તેને આપ્યો છે, તેનું અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી સાપનું શરીર છૂટે નહિ. એ બાજુએ શોધતાં શોધતાં પોતે આપેલું નામ લઈને સાપને બોલાવવા લાગ્યો. સાપ ગુરુદેવનો અવાજ સાંભળીને દરમાંથી બહાર આવ્યો અને ખૂબ ભક્તિપૂર્વક ગુરુને પ્રણામ કર્યા. બ્રહ્મચારીએ પૂછ્યું ‘કેમ છે ?’ સાપે જવાબ આપ્યો, ‘ગુરુદેવ, ઠીક છે.’ બ્રહ્મચારીએ પૂછ્યું, ‘આવો દૂબળો કેમ થઈ ગયો છો ?’ સાપે જવાબ આપ્યો, ‘પ્રભુ, આપે આદેશ કરેલો કે કોઈની હિંસા કરીશ નહિ, તેથી પાંદડાં, ફળ વગેરે ખાઈને રહું છું એટલે દૂબળો પડી ગયો હોઈશ!’ તેનામાં સત્ત્વગુણનો ઉદય થયો હોઈને કોઈના પ્રત્યે ક્રોધ રહ્યો નથી. એ તો બિચારો ભૂલી જ ગયો હતો કે ગોવાળિયાઓએ તો તેને લગભગ મરી જવા જેવો જ કરી નાખેલો.

બ્રહ્મચારીએ કહ્યું – ‘માત્ર ભૂખ ખેંચવાથી આવી સ્થિતિ થાય નહિ. જરૂર બીજું કંઈક કારણ છે; યાદ કરી જો.’

સાપને યાદ આવ્યું કે ગોવાળિયાઓએ તેને પછાડ્યો હતો. એટલે એ બોલ્યો, ‘પ્રભુ! યાદ આવે છે ખરું. ગોવાળિયાઓએ એક દિવસ મને પછાડ્યો હતો. પણ એ લોકો તો અજ્ઞાની છે. તેમને ખબર નથી કે મારા મનની શી અવસ્થા છે; હું કોઈને કરડવાનો નથી, કે કોઈ પણ પ્રકારે તેમને હાનિ પહોંચાડવાનો નથી, એ તે લોકો કેવી રીતે જાણે ?’

એ સાંભળીને બ્રહ્મચારી બોલ્યો, ‘તું એટલો બધો અક્કલ વિનાનો, કે તારું પોતાનું રક્ષણ કરતાં તને આવડ્યું નહિ ? મેં તને ના પાડી હતી કરડવાની, ફૂંફાડો મારવાની નહિ ! ફૂંફાડો મારીને તેં બીક કેમ ન બતાવી ?’

‘દુષ્ટ માણસોની સામે ફૂંફાડો રાખવો જોઈએ, તેમને બીક બતાવવી જોઈએ, નહિતર તેઓ આપણું બૂરું કરે. તેમના શરીરમાં વિષ રેડવું નહિ, તેમનું નુકસાન કરવું નહિ; પણ ફૂંફાડો તો બતાવવો !’

(વિભિન્ન સ્વભાવો, Are all men equal ? શું બધા એક સરખા છે ?)

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડ પાનમાં અમૃત જેવાં ફળ આપે એવાં પણ છે અને ઝેરી ફળવાળાં પણ છે; તેમ જ માણસોમાંય સારાં છે, ખરાબ પણ છે; સાધુ છે, અસાધુ પણ છે; સંસારી જીવો છે, તેમ ભક્તો પણ છે.

જીવોના ચાર પ્રકારઃ બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ.

‘નિત્યજીવ – જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ.

બદ્ધજીવ – જેઓ વિષયમાં આસક્ત થયેલા અને ભગવાનને ભૂલી રહેલા હોય. તેઓ ભૂલેચૂકે પણ ઈશ્વર – સ્મરણ કરે નહિ.

મુમુક્ષુજીવ – જેઓ મુક્ત થવાની ઇચ્છા રાખે, પણ તેઓમાંથી કોઈક મુક્ત થઈ શકે, કોઈક ન થઈ શકે.

મુક્તજીવ – જેઓ સંસારમાં કામ-કાંચનમાં બંધાયેલા નથી; જેમ કે સાધુ-મહાત્માઓ; જેમના મનમાં સંસારીબુદ્ધિ નથી, અને જેઓ હંમેશાં હરિચરણનું ચિંતવન કરે.’

ધારો કે તળાવમાં જાળ નાખી છે. બે ચાર માછલાં એવાં હોશિયાર કે ક્યારેય જાળમાં સપડાય નહિ. આ નિત્યજીવોની ઉપમા. પણ માછલાંનો મોટોભાગ જાળમાં પડે. એમાંથી કેટલાંય નાસી છૂટવાનો પ્રયાસ કરે; એ બધાં મુમુક્ષુ જીવ જેવાં. પણ બધાંય માછલાં છૂટી ન શકે. બે ચાર માછલાં ધબાંગ, ધબાંગ કરતાં ને જાળમાંથી બહાર કૂદી પડે. ત્યારે માછીમારો બૂમ પડે, ‘પેલું મોટું માછલું નાસી ગયું !’ પણ જેઓ જાળમાં સપડાયાં છે તેમાંનો મોટો ભાગ નાસી શકે નહિ અને નાસવાનો પ્રયાસ પણ કરે નહિ. ઊલટાં જાળ મોઢામાં લઈને તળિયે જઈને મોં કાદવમાં ઘુસાડીને છાનાંમાનાં સૂઈ રહે. મનમાં માને કે હવે કોઈ જાતની બીક નથી; આપણે સલામત છીએ. પણ જાણતાં નથી કે માછીમાર સડેડાટ કરતો જાળ તાણીને કિનારે ખેંચી લેશે. આ બદ્ધજીવોની ઉપમા.

(સંસારી લોકો – બદ્ધજીવ)

‘બદ્ધજીવો સંસારમાં કામ-કાંચનમાં બદ્ધ થયેલા છે. હાથ પગ બંધાયેલા છે. પણ પાછા એમ માને છે કે સંસારનાં કામ – કાંચનથી જ સુખ મળશે અને ત્યાં જ નિર્ભય થઈને રહીશું. પણ જાણતા નથી કે એમાં જ મોત થવાનું છે. બદ્ધજીવ જ્યારે મરવા પડે ત્યારે તેને સ્ત્રી કહેશે, ‘તમે તો ચાલ્યા, પણ અમારી શી વ્યવસ્થા કરી છે ?’ પાછી બદ્ધજીવમાં એવી માયા હોય કે દીવાની વાટ ઊંચી ચડીને વધુ બળતી હોય તો કહે કે, ‘અલ્યા, તેલ બળી જાય છે. વાટ ઓછી કરી નાંખો.’ આ બાજુએ પોતે મરણ પથારીએ પડ્યો હોય !’

‘બદ્ધજીવો ઈશ્વરચિંતન કરે નહિ. જો ફુરસદ મળે તો આડાઅવળાં નકામાં ગપ્પાં મારે, નહિતર નકામાં કામ કરે. પૂછો તો કહેશે કે હું કામ વિના બેસી રહી શકતો નથી. એટલે આ વાડ કરી લઉં છું. કાં તો વખત નીકળતો નથી એમ જાણીને ગંજીફો કૂટવા માંડે ! (સહુ સ્તબ્ધ).’

અધ્યાય સાતમો: ઉપાયઃ શ્રદ્ધા

યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ ।
અસંમૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ।। (ગીતાઃ ૧૦.૩)

એક ભક્ત – મહાશય, એવા સંસારી જીવો માટે શું કોઈ ઉપાય નથી ?

શ્રીરામકૃષ્ણ – ઉપાય જરૂર છે. વચ્ચે વચ્ચે સાધુસંગ અને અવારનવાર એકાંતમાં જઈને ઈશ્વરચિંતન અને તેનો વિચાર કરવો જોઈએ. પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મને શ્રદ્ધા ભક્તિ આપો.

‘માણસમાં જો શ્રદ્ધા આવી ગઈ તો તો થઈ ચૂક્યું. શ્રદ્ધાથી મોટી બીજી કોઈ ચીજ નથી.

(કેદારને) શ્રદ્ધાનું જોર કેટલું છે તે તો સાંભળ્યું છે ને ? પુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર કે જે સાક્ષાત્ પૂર્ણ બ્રહ્મ નારાયણ, તેમને લંકામાં પહોંચવા સારુ પુલ બાંધવો પડ્યો, પણ હનુમાન રામનામમાં શ્રદ્ધા રાખીને એક જ છલાંગે સમુદ્રની પેલી પાર કૂદી પડ્યા. તેમને પુલની જરૂર નહિ. (સૌનું હાસ્ય)

વિભીષણે એક પાંદડામાં રામનામ લખીને એ પાંદડું એક માણસના લૂગડાને છેડે બાંધી દીધું. એ માણસને સમુદ્રને સામે પાર જવું હતું. વિભિષણે તેને કહ્યું, ‘તારે બીવું નહિ. તું શ્રદ્ધા રાખીને પાણી ઉપર થઈને ચાલ્યો જજે. પણ જો જે હોં, જો શ્રદ્ધા ગુમાવી તો તરત પાણીમાં ડૂબી જઈશ.’ એ માણસ તો મજાનો સમુદ્રની ઉપર થઈને ચાલ્યો જતો હતો. એવામાં તેને કુતૂહલ થયું કે લૂગડાને છેડે શું બાંધ્યું હશે એ એકવાર જોઉં તો ખરો ! ઉઘાડીને જોયું તો માત્ર ‘રામ’ નામ લખ્યું છે. તેને વિચાર આવ્યો કે આ શું ? આમાં તો માત્ર ‘રામ’ નામ જ લખ્યું છે ! બસ, જેવી અશ્રદ્ધા આવી કે તરત પાણીમાં ડૂબી ગયો.

‘જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે, તેનાથી કદાચ મહાપાપ થઈ જાય, ગૌ, બ્રાહ્મણ કે સ્ત્રીની હત્યા થઈ જાય, તો પણ ભગવાન પરની એ શ્રદ્ધાને જોરે તેનો પાપમાંથી ઉદ્ધાર થઈ શકે. તે જો એમ કહે કે હું એવું કામ ફરીથી નહિ કરું, તો તેને કોઈ વાતે ડર નહિ.’

(મહાપાપી અને નામમાહાત્મ્ય)

એમ કહીને શ્રીરામકૃષ્ણે ગીત ઉપાડ્યુંઃ

હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું,
આખરે આ દીનને,
કેમ ન તારો શંકરી,
જોઉં તો ખરું.
મારું ગૌબ્રાહ્મણ, હત્યા કરું ભ્રૂણ, સુરાપાન વળી, મારું હું નારી.
પાપો એ સર્વેથી, લેશ ભય નથી, બ્રહ્મ પદવી છે મારી !

(નરેન્દ્ર – હોમાપક્ષી)

‘આ છોકરાને જુઓ છો ને ? એ અહીં એક પ્રકારનો. તોફાની છોકરો જ્યારે બાપની પાસે બેઠો હોય, ત્યારે જાણે કે ડાહ્યો ડમરો. પણ જ્યારે બહાર ચોકમાં રમે ત્યારે બીજી જ મૂર્તિ. એ બધા નિત્યસિદ્ધ – વર્ગના. એ લોકો સંસારમાં ક્યારેય બદ્ધ થાય નહિ. જરા ઉંમરલાયક થતાં જ જાગ્રત થઈ જાય; અને ભગવાન તરફ ચાલ્યા જાય. એ લોકો સંસારમાં આવે, પણ માત્ર લોકોને ઉપદેશ આપવા માટે. એમને સંસારની કોઈપણ વસ્તુ ગમે નહિ. એ લોકો કામ-કાંચનમાં ક્યારેય આસક્ત થાય નહિ.

વેદમાં હોમા પંખીની વાત છે. એ પંખી ઘણે ઊંચે આકાશમાં રહે. આકાશમાં જ એ ઇંડું મૂકે. એ ઇંડું નીચે આવતું જાય. પણ એટલે બધે ઊંચે હોય કે ઘણાય દિવસ સુધી તે નીચે ઊતર્યા કરે. એમ નીચે ઊતરતાં ઇંડું વચમાં જ સેવાઈને ફૂટી જાય. એટલે તેમાંથી નીકળેલું બચ્ચું નીચે જમીન પાસે આવતાં સુધીમાં તેની આંખો ઊઘડે અને પાંખો ફૂટે. આંખો ઊઘડતાં જ તેને દેખાય કે પોતે પડી જાય છે, જમીન પર પડશે તો એકદમ ચૂરેચૂરા થઈ જશે. એટલે તરત જ તે પંખી પોતાની મા તરફ સીધું દોટ મૂકે અને ઊંચે ચડી જાય.’ નરેન્દ્ર ઊઠીને ચાલ્યા ગયા.

બેઠેલી મંડળીમાં કેદાર, પ્રાણકૃષ્ણ, માસ્ટર વગેરે ઘણાય છે.

શ્રીરામકૃષ્ણ – જુઓ, નરેન્દ્ર ગાવામાં, બજાવવામાં, ભણવા ગણવામાં, બધામાં હોશિયાર. તે દિવસે કેદારની સાથે ચર્ચા કરતો હતો. તે કેદારની દલીલો બધી ફટાફટ કાપી નાંખવા લાગ્યો. (ઠાકુર અને સૌનું હાસ્ય) (માસ્ટરને) અંગ્રેજીમાં તર્કશાસ્ત્રનું કોઈ પુસ્તક છે ?

માસ્ટર – જી હા, અંગ્રેજીમાં તર્કશાસ્ત્ર (ન્યાય શાસ્ત્ર) છે.

શ્રીરામકૃષ્ણ – વારુ, કેવું છે ? જરાક કહો તો.

માસ્ટર હવે મુશ્કેલીમાં મુકાયા. તે બોલ્યાઃ ‘એક રીત એવી છે કે સાધારણ સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાએ પહોંચવું.

જેમ કે, મનુષ્યમાત્ર મરણાધીન છે, પંડિતો મનુષ્ય છે, માટે પંડિતો મરી જવાના.

‘બીજી એક રીત છે, વિશેષ દૃષ્ટાંત અથવા ઘટનાઓ જોઈ જોઈને સાધારણ સિદ્ધાંત બાંધવો, જેમ કે આ કાગડો કાળો, પેલો કાગડો કાળો, તેમ જ જેટલા કાગડા જોઉં છું તે બધાય કાળા એટલા માટે કાગડા કાળા.

પરંતુ આ જાતનો સિદ્ધાંત બાંધવામાં ભૂલ થવાનો સંભવ ખરો. કારણ કે કદાચ શોધતાં શોધતાં બીજા એક દેશમાં ધોળો કાગડો મળી આવે. બીજું એક દૃષ્ટાંતઃ જ્યાં જ્યાં વૃષ્ટિ, ત્યાં ત્યાં વાદળું હતું અથવા છે. એટલા માટે સાધારણ સિદ્ધાંત એ થયો કે વાદળામાંથી વૃષ્ટિ થાય. ફરી એક દૃષ્ટાંતઃ આ માણસને બત્રીસ દાંત છે. પેલા માણસને બત્રીસ દાંત છે. જે કોઈ માણસને જોઈએ છીએ તેને બત્રીસ દાંત છે. એટલા માટે બધા માણસોને બત્રીસ દાંત છે.

આ પ્રમાણે સાધારણ સિદ્ધાંતની વાત અંગ્રેજી ન્યાયશાસ્ત્રમાં છે.’

શ્રીરામકૃષ્ણે આ બધું સાંભળ્યું એટલું જ. સાંભળતાં સાંભળતાં જ તેમનું મન એમાંથી બીજે ગયું. એટલે પછી એ વિષયમાં વધુ પ્રસંગ ચાલ્યો નહિ.

અધ્યાય આઠમો: સમાધિ – સ્થિતિમાં

શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા ।
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ।। (ગીતા, ૨.૫૩)

મંડળી વિખેરાઈ. ભક્તો આમતેમ આંટા મારે છે. માસ્ટર પણ પંચવટી વગેરે સ્થળે ફરી રહ્યા છે. સમય આશરે પાંચનો. થોડીવાર પછી તેમણે શ્રીરામકૃષ્ણના ઓરડા તરફ આવીને જોયું તો ઓરડાની ઉત્તર બાજુની નાની ઓસરીમાં એક અદ્ભુત ઘટના બની રહી છે. શ્રીરામકૃષ્ણ સ્થિર થઈને ઊભેલા છે. નરેન્દ્ર ગીત ગાય છે, બે ચાર ભક્તો ઊભા છે. માસ્ટર આવીને ગીત સાંભળે છે અને સાંભળીને મુગ્ધ બન્યા છે. શ્રીરામકૃષ્ણના ગીત સિવાય આવું મધુરું ગીત તેમણે ક્યારેય ક્યાંય સાંભળેલું નહિ. અચાનક શ્રીરામકૃષ્ણના તરફ નજર કરી તો માસ્ટર આશ્ચર્યચક્તિ થઈ ગયા. ઠાકુર ઊભા છે, સાવ સ્થિર. આંખો પલકારા મારતી નથી; શ્વાસોચ્છ્વાસ ચાલે છે કે નથી ચાલતો ! એક ભક્તને પૂછતાં તેણે કહ્યું, ‘આનું નામ સમાધિ !’ માસ્ટરે આ પ્રમાણે કોઈ વાર જોયું નહોતું તેમ સાંભળ્યું પણ નહોતું. નવાઈ પામીને તે મનમાં વિચારવા લાગ્યા કે ભગવાનનું ચિંતવન કરીને માણસ શું આટલી હદે બહારના જ્ઞાનરહિત થઈ જાય ! કોણ જાણે કેટલીયે શ્રદ્ધાભક્તિ હોય ત્યારે આમ થતું હશે ! નરેન્દ્ર ગાય છેઃ

‘ચિન્તય મમ માનસ હરિ ચિદ્ઘન નિરંજન,
કેવી અનુપમ જ્યોતિ, મોહન મૂરતિ, ભક્ત હૃદય રંજન.
નવ રાગે રંજીત, કોટિ શશિ – વિનિંદિત;
(વળી) વીજળી ચમકે, એ રૂપ નીરખ્યે, રોમાંચે કંપે જીવન…

ગીતનું આ ચરણ ગવાતી વખતે ઠાકુર કંપવા લાગ્યા. દેહ રોમાંચિત ! ચક્ષુમાંથી આનંદાશ્રુ ઝરી રહ્યાં છે. વચ્ચે વચ્ચે જાણે કે કાંઈક જોઈને હસી રહ્યા છે. કોણ જાણે કેવા કોટિ શશી – વિનિંદિત અનુપમ રૂપનું દર્શન કરી રહ્યા છે ! આનું નામ શું ભગવાનનું ચિન્મયરૂપ દર્શન ? કેટલી સાધના કરવાથી, કેટલી તપશ્ચર્યાને પરિણામે, કેટલી ભક્તિ શ્રદ્ધાના જોરે આવું ઈશ્વર દર્શન થાય ?

ગીત આગળ ચાલે છે –

હૃદયકમલ-આસને, સ્મરો પ્રભુજીનાં ચરણ,
દેખો શાંત મને, પ્રેમનયને, અપરૂપ પ્રિયદર્શન !

વળી પાછું ઠાકુરના ચહેરા પર પેલું ભુવનમોહન હાસ્ય. શરીર પહેલાંના જેવું સ્થિર ! મિંચાયેલાં લોચન. પણ જાણે કે કેવું એક અપૂર્વ રૂપદર્શન કરી રહ્યા છે. અને એ અપૂર્વ રૂપદર્શન કરીને જાણે મહાઆનંદ સાગરમાં તરી રહ્યા છે ! હવે ગીતનું છેવટ આવ્યું, નરેન્દ્રે ગાયું.

ચિદાનંદરસે, ભક્તિયોગ-આવેશે,
થાઓ રે ચિર-મગન, (ચિદાનંદ રસે રે) (પ્રેમાનંદરસે.)

સમાધિની અને પ્રેમાનંદની આ અદ્ભુત છબી હૃદયમાં ધારણ કરીને માસ્ટર ઘેર પાછા જવા લાગ્યા. વચ્ચે વચ્ચે હૃદયની અંદર મનને પાગલ બનાવનાર એ મધુર સંગીતનો સૂર ગુંજવા લાગ્યોઃ

‘પ્રેમાનંદ રસે થાઓ રે ચિર મગન…’ (હરિ પ્રેમમાં ઉન્મત્ત થઈને)

અધ્યાય નવમો: ચતુર્થ દર્શન

યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ ।
યસ્મિન્ સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે ।। (ગીતા, ૬.૨૨)

(નરેન્દ્ર, ભવનાથ અને અન્ય સાથે આનંદ)

બીજે દિવસે પણ રજા હતી. બપોરના ત્રણ વાગે માસ્ટર આવી પહોંચ્યા. શ્રીરામકૃષ્ણ પેલા પરિચિત ઓરડામાં બેઠેલા છે, જમીન ઉપર સાદડી પાથરેલી છે. તેના ઉપર નરેન્દ્ર, ભવનાથ અને બીજા એક બે ભક્તો બેઠા છે. બધાય નવજુવાન. ઓગણીસ – વીસ વરસની ઉંમરના. ઠાકુર હસમુખે ચહેરે, નાની પાટ ઉપર બેઠા છે; અને નવજુવાનો સાથે આનંદથી વાતચીત કરી રહ્યા છે. માસ્ટર ઓરડામાં પ્રવેશ કરે છે, એ સાથે જ ઠાકુર જોરથી હસીને એક જણ તરફ જોઈને બોલી ઊઠ્યા કે ‘અરે, ફરીવાર આવ્યો છે !’ એમ બોલતાંની સાથે જ હાસ્ય.

બધા હસવા લાગ્યા. માસ્ટર આવીને જમીન પર માથું નમાવી પ્રણામ કરીને બેઠા. આ પહેલાં હાથ જોડીને ઊભા ઊભા પ્રણામ કરતા – અંગ્રેજી ભણેલાઓ જેમ કરે છે તેમ; પણ આજે એ જમીન પર નમીને પ્રણામ કરતાં શીખ્યા છે. તે બેઠા એટલે ઠાકુર, પોતે શા માટે હસતા હતા તે નરેન્દ્ર વગેરે ભક્તોને સમજાવે છે. ‘જો, એક મોરને એક દિવસ ચાર વાગ્યે જરાક અફીણ પાઈ દીધું હતું. બીજે દિવસે બરાબર ચાર વાગે મોર આવીને ઊભો રહ્યો. અફીણનો સ્વાદ લાગી ગયો હતો. આ પણ બરાબર એ જ સમયે અફીણ લેવા આવેલ છે.’ (સૌનું હાસ્ય)

માસ્ટર મનમાં વિચાર કરે છે કે ‘વાત તો બરાબર છે. ઘેર જાઉં, પણ મન રાત દિન તેઓશ્રીની પાસે પડ્યું રહે છે, એમ થયા કરે કે ક્યારે મળું, ક્યારે મળું. જાણે કે કોઈક અહીંયાં ખેંચી લાવે છે ! ઇચ્છા કરું તોય બીજી જગ્યાએ જઈ શકાય નહિ. અહીં આવવું જ પડે ! માસ્ટર એ પ્રમાણે વિચાર કરી રહ્યા છે. આ બાજુ ઠાકુર જુવાનિયાઓ સાથે વિનોદ કરી રહ્યા છે, જાણે કે બધાય પોતાની જ ઉંમરના ન હોય. હાસ્યની લહરીઓ ઊડવા લાગી. જાણે કે આનંદનું બજાર ભરાયું છે !

માસ્ટર આશ્ચર્યચકિત થઈને આ નવાઈભર્યું ચરિત્ર જોયા કરે છે. તે વિચાર કરી રહ્યા છે કે આગલે દિવસે શું આમની જ સમાધિ અને અદ્ભુત પ્રેમાનંદ જોયો હતો ? શું એ જ સમાધિસ્થ પુરુષ અત્યારે સાવ સાધારણ માણસની પેઠે વર્તી રહ્યા છે ? એમણે જ શું પેલે દિવસે લોકોને ઉપદેશ દેવાની વાત મેં કરતાં મને ઠપકો આપ્યો હતો ? શું એમણે જ મને કહેલું કે ‘તમે શું જ્ઞાની ?’ – ‘સાકાર – નિરાકાર બંને સાચું !’ – વળી કહેલું કે ઈશ્વર જ સત્ય અને સંસારનું બીજું બધું અનિત્ય ? શું તેમણે જ મને સંસારમાં દાસીની પેઠે રહેવાનું કહ્યું હતું ?

ઠાકુર શ્રીરામકૃષ્ણ આનંદ કરી રહ્યા છે અને વચ્ચે વચ્ચે માસ્ટરને જુએ છે. તેમણે જોયું કે માસ્ટર આશ્ચર્યમાં ગરકાવ થઈને બેસી રહ્યા છે. એટલે રામલાલને સંબોધન કરીને બોલ્યાઃ

‘જો, એની ઉંમર થોડી વધુ ખરીને, એટલે જરા ભારેખમ ! આ બધા આટલા હસે છે, મજા કરે છે, પણ એ મૂંગા બેઠેલ છે.’

માસ્ટરની ઉંમર એ વખતે સત્તાવીસ વરસની હશે.

વાત કહેતાં કહેતાં પરમ ભક્ત હનુમાનની વાત નીકળી. હનુમાનજીનું એક ચિત્ર શ્રીરામકૃષ્ણના ઓરડાની દીવાલ પર હતું. ઠાકુર બોલ્યા, ‘જુઓ, હનુમાનનો કેવો ભાવ! ધન, માન, દેહસુખ, કોઈ ચીજ માગે નહિ, કેવળ ભગવાનને ચાહે. લંકામાં રાવણના મહેલમાંથી સ્ફટિક પરથી જ્યારે બ્રહ્માસ્ત્ર લઈને ભાગવા લાગ્યા, ત્યારે મંદોદરી ઘણી જાતનાં ફળ લાવીને લલચાવવા લાગી. તેણે ધાર્યું કે ફળના લોભથી ઊતરી આવીને વાંદરો કદાચ અસ્ત્ર ફેંકી દેશે. પણ હનુમાન ભૂલે એવા ન હતા.

(ગીત – ‘શ્રીરામકલ્પતરુ’)

તેમણે કહ્યુંઃ

‘મારે શું ફળનો અભાવ ?
પામ્યો છું ફળ, તેથી જન્મ સફળ,
મોક્ષ – ફળનું વૃક્ષ રામ, હૃદયે
શ્રીરામ – કલ્પતરુ મૂળે બેસી રહ્યે,
જ્યારે જે ફળ વાંચ્છું તે ફળ પ્રાપ્ત થાયે;
ફળની વાત શી બાઈ રે, એ ફળગ્રાહક હું નહિ રે,
જાઉં તમને પ્રતિફલ દઈ…

(સમાધિસ્થિતિમાં)

ઠાકુરને ગીત ગાતાં ગાતાં જ વળી પાછી સમાધિ ! વળી, હલનચલન વિના, મીંચેલી આંખે, સ્થિર થઈને, ફોટામાં દેખાય તેમ બેઠા છે. ભક્તો હજી તો હમણાં જ આટલાં હાસ્ય-મજા કરી રહ્યા હતા. અત્યારે બધા એક નજરે ઠાકુરની એક અદ્ભુત અવસ્થા નીરખી રહ્યા છે.

સમાધિ અવસ્થાનાં માસ્ટરે આ બીજી વાર દર્શન કર્યાં. કેટલીય વાર પછી એ અવસ્થામાં પરિવર્તન થવા લાગે છે ! દેહ શિથિલ થયો. ચહેરો હાસ્ય પૂર્ણ થયો. ઇન્દ્રિયો પાછી પોતપોતાનાં કામ કરવા લાગી. આંખના ખૂણેથી આનંદાશ્રુ લૂછતાં લૂછતાં ઠાકુર ‘રામ’, ‘રામ’, એ નામનું ઉચ્ચારણ કરે છે.

માસ્ટર વિચાર કરવા લાગ્યા કે શું આ મહાપુરુષ જ છોકરાઓ સાથે હાસ્ય વિનોદ કરતા હતા ? એ વખતે તો જાણે પાંચ વરસના બાળક !

શ્રીરામકૃષ્ણ અગાઉની માફક સ્વસ્થ થઈને સાધારણ માણસની પેઠે વ્યવહાર કરવા લાગ્યા. માસ્ટરને અને નરેન્દ્રને ઉદ્દેશીને બોલ્યાઃ ‘તમે બેઉ જણા અંગ્રેજીમાં વાતો કરો અને ચર્ચા કરો તો; મારે સાંભળવું છે.’

માસ્ટર અને નરેન્દ્ર બંને એ સાંભળીને હસવા લાગ્યા. બંને કાંઈક કાંઈક વાતો કરવા લાગ્યા, પણ બંગાળીમાં. ઠાકુરની સામે ચર્ચા કરવી માસ્ટરથી હવે બને નહિ. તેનું વાદવિવાદનું ખાનું ઠાકુરની કૃપાથી લગભગ બંધ. અને હવે વાદવિવાદ કરે શી રીતે ? ઠાકુરે વળી એકવાર આગ્રહ કર્યાે પણ અંગ્રેજીમાં ચર્ચા કરવાનું બન્યું નહિ.

અધ્યાય દસમો: અંતરંગ ભક્તોની સાથેઃ ‘હું કોણ ?’

ત્વમક્ષરં પરમં વેદિતવ્યં, ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ ।
ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા, સનાતનસ્ત્વં પુરુષો મતો મે ।। (ગીતા, ૧૧.૧૮)

સાંજના પાંચ વાગ્યા છે. ભક્તો સૌ સૌને ઘેર ચાલ્યા ગયા. માત્ર માસ્ટર અને નરેન્દ્ર રહ્યા. લોટો લઈને નરેન્દ્ર હંસપુકુર (તળાવ) અને ઝાઉતળા તરફ મોઢું ધોવા ગયા. માસ્ટર મંદિરની આજુબાજુ ફરી રહ્યા છે. થોડીકવાર પછી એ કાલીવાડીના માલિકના બંગલાની પાસે થઈને હંસપુકુર તરફ આવવા લાગ્યા. જોયું તો તળાવની દક્ષિણ બાજુએ તળાવનાં પગથિયાં પરના ઓટલા ઉપર શ્રીરામકૃષ્ણ ઊભેલા; નરેન્દ્ર મોઢું ધોઈ હાથમાં લોટો લઈને ઊભો છે. ઠાકુર કહી રહ્યા છે કે ‘જો આથીયે જરા વધારે જલદી જલદી આવતો જજે. તરતનો નવો નવો આવે છે ને એટલે મુલાકાત પછી નવા નવા સૌ વધારે વધારે આવે. જેમ કે નવો પતિ, (નરેન્દ્ર અને માસ્ટરનું હાસ્ય) કેમ, આવીશ ને ?’ નરેન્દ્ર બ્રાહ્મસમાજી જવાન હસતાં હસતાં બોલ્યા, ‘હા, જોઈશ.’

સૌ બંગલાના માર્ગ પર થઈને ઠાકુરના ઓરડા તરફ આવે છે. બંગલા પાસે ઠાકુરે માસ્ટરને કહ્યુંઃ ‘જુઓ, ખેડૂતો ઢોરની ગુજરીમાં બળદ વેચાતા લેવા જાય. ત્યારે એ લોકો સારો બળદ કયો, નરસો બળદ કયો એ સારી રીતે ઓળખે. પૂંછડાની નીચે હાથ દઈ જુએ. કોઈ કોઈ બળદ પૂંછડે હાથ દેતાં સૂઈ જાય. એવો બળદ ખેડૂતો ખરીદે નહિ. જે બળદ પૂંછડે હાથ દેતાં જ ફટાક દઈને ઊભો થઈ જાય, એ બળદને જ પસંદ કરે. નરેન્દ્ર એવા બળદની જાતનો, અંદર ખૂબ તેજ!’ એમ કહીને ઠાકુર હસવા લાગ્યા. ‘વળી, કોઈ કોઈ માણસો એવા છે કે જાણે પાણીમાં પલાળેલા પૌંવા. અંદર જરાય જોર નહિ.’

સંધ્યા થઈ. શ્રીરામકૃષ્ણ ઈશ્વરચિંતન કરે છે. માસ્ટરને કહ્યું કે તમે જઈને નરેન્દ્રની સાથે વાતચીત કરો અને મને કહેજો કે એ કેવો છોકરો છે. આરતી થઈ ગઈ. કેટલીયવાર પછી માસ્ટરે ગંગાઘાટ પરના મંડપની પશ્ચિમ બાજુએ નરેન્દ્રને જોયો. બંને વચ્ચે વાતો થવા લાગી. નરેન્દ્ર બોલ્યો, ‘હું સાધારણ બ્રાહ્મસમાજનો અનુયાયી, કોલેજમાં ભણું છું.’ વગેરે.

રાત પડી ગઈ છે. માસ્ટરને હવે ઘેર જવાની રજા લેવી છે. પણ કોઈ રીતે જઈ શકાતું નથી. એટલે નરેન્દ્ર પાસેથી ચાલ્યા આવીને તે શ્રીરામકૃષ્ણને શોધવા લાગ્યા. તેમનું ગીત સાંભળીને માસ્ટરનું હૃદય – મન મુગ્ધ થઈ ગયું છે. તેમની બહુ ઇચ્છા છે કે વળી તેમના શ્રીમુખે ગીત સાંભળે. શોધતાં શોધતાં જોયું તો મા કાલીના મંદિરની સામેના પ્રાર્થનાખંડમાં ઠાકુર એકલા આંટા મારી રહ્યા છે. મંદિરમાં મા કાલીની બંને બાજુએ દીવા બળી રહ્યા છે. વિશાળ પ્રાર્થનાખંડમાં એક જ બત્તી બળે છે. ઝાંખો પ્રકાશ; પ્રકાશ અને અંધકાર ભેગા મળ્યા હોય તે પ્રમાણે પ્રાર્થનાખંડમાં દેખાતું હતું.

માસ્ટર શ્રીરામકૃષ્ણનું ગીત સાંભળીને ભાન ભૂલ્યા છે, જાણે કે મંત્ર મુગ્ધ સર્પ. એટલે તેમણે સંકોચપૂર્વક ઠાકુરને પૂછ્યું, ‘આજે હવે ગીત ગવાશે ?’ ઠાકુર કંઈક વિચાર કરીને બોલ્યા, ‘આજે તો હવે ગીત નહિ ગવાય.’ એમ કહીને જાણે કંઈ યાદ આવ્યું હોય એમ તરત જ બોલ્યા, ‘પણ એક કામ કરો, હું કોલકાતામાં બલરામને ત્યાં જવાનો છું, તમે ત્યાં આવજો. ત્યાં ગીત ગવાશે.’

માસ્ટર – જી ભલે.

શ્રીરામકૃષ્ણ – તમે ઓળખો છો ? બલરામ બસુને ?

માસ્ટર – જી, ના.

શ્રીરામકૃષ્ણ – બલરામ બસુ, બોઝપાડામાં મકાન.

માસ્ટર – જી, હું તપાસ કરીશ.

શ્રીરામકૃષ્ણ – (માસ્ટરની સાથે ફરતાં ફરતાં) – વારુ, તમને એક વાત પૂછું. મને તમે શું ધારો છો ? માસ્ટર ચૂપ રહ્યા.

ઠાકુર વળી પૂછે છે – ‘તમને શું લાગે છે ? મને કેટલા ટકા જ્ઞાન થયું હશે ?’

માસ્ટર – કેટલા ટકા એ તો સમજી શકતો નથી. પણ આવું જ્ઞાન કે પ્રેમભક્તિ અથવા શ્રદ્ધા અથવા વૈરાગ્ય અને ઉદાર ભાવ મેં ક્યાંય કદીયે જોયાં નથી.

શ્રીરામકૃષ્ણ હસવા લાગ્યા.

એ પ્રમાણે વાતચીત થયા પછી માસ્ટરે પ્રણામ કરીને રજા લીધી.

મોટા દરવાજા સુધી આવીને વળી કંઈક યાદ આવ્યું. એટલે તરત જ પાછા વળ્યા. પાછા પ્રાર્થનાખંડમાં શ્રીરામકૃષ્ણની પાસે હાજર.

ઠાકુર એ ઝાંખા પ્રકાશમાં એકલા આંટા મારી રહ્યા છે. એકલા – નિઃસંગ ! પશુરાજ સિંહ જાણે વનમાં પોતાના જ વિચારમાં મગ્ન બનીને એકલો ફરી રહ્યો છે. આત્મારામ સિંહ એકલો રહેવાનું, એકલો ફરવાનું પસંદ કરે, બેપરવા ! આશ્ચર્યચક્તિ થઈને માસ્ટર વળી એ મહાપુરુષનું દર્શન કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વળી પાછા આવ્યા ?

માસ્ટર – જી, મને લાગે છે કે મોટા માણસનું ઘર. અંદર જવા દે કે ન દે, એટલે ત્યાં ન જવાનો વિચાર કરું છું. અહીં જ આવીને આપને મળીશ.

શ્રીરામકૃષ્ણ – ના રે ના, એમ શું કરવા ? તમે તમારે મારું નામ લેજોને ! ત્યાં કહેજો કે ઠાકુરની પાસે જવું છે. એટલે તરત જ કોઈ પણ તમને મારી પાસે લઈ આવશે.

માસ્ટરે ‘જી’ કહી પ્રણામ કરીને રજા લીધી.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories