અનુક્રમણિકા

પુરોવચન

એક શિષ્યા, કુ. એસ. ઈ. વાલ્ડોની નોંધોમાંથી

સ્વામી વિવેકાનંદના પ્રત્યક્ષ સંપર્કનું સદ્ભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે તેઓ એક વાતમાં સર્વસંમત છે કે જે લોકો એમને કેવળ એક વ્યાખ્યાતા તરીકે જાણે છે તેઓ તો તેમની સાચી શક્તિ અને મહત્તાનો અલ્પાંશ જ જાણે છે. એમના જ્ઞાનના સૌથી વધુ સમુજ્જવલ ઉન્મેષો, એમની વાક્છટાનાં ઉચ્ચતમ ઉડ્ડયનો અને એમની ગહનતમ મનીષાનો પડઘો પાડતા ઉદ્ગારો એ બધું તો એમના ચુનંદા મિત્રો અને શિષ્યો સાથેના એમના નિકટવર્તી વાર્તાલાપમાં જ વ્યક્ત થાય છે. આમ છતાં દુર્ભાગ્યે એવું બન્યું છે કે આટલા સમય સુધી પ્રસિદ્ધ થયેલી એમની કૃતિઓએ આપણને કેવળ ‘વ્યાખ્યાતા વિવેકાનંદ’નું જ દર્શન કરાવ્યું છે; જ્યારે ‘મિત્ર, અધ્યાપક કે પ્રેમાળ ગુરુ’ એવા વિવેકાનંદનું દર્શન તો માત્ર જે કેટલાક ધન્ય લોકોને એમના ચરણે બેસવાનો વિરલ અધિકાર પ્રાપ્ત થયો તેમને જ થયું છે. એમના પ્રસિદ્ધ થયેલા પત્રોમાં એમની મહાન આધ્યાત્મિક પ્રતિભાનાં આ પાસાંની ઝાંખી આપણને થાય છે એ ખરું, પરંતુ એક અંતરંગ વર્તુળની નિકટતામાં એમણે ઉચ્ચારેલી વાણી પ્રસ્તુત કરવામાં તો તે પુસ્તક પ્રથમ છે.

સ્વામીજીએ અમેરિકામાં કરેલા કાર્યની શરૂઆતથી જ એમણે એમની અથાગ સેવા બજાવેલી એવાં ન્યૂયોર્કના મિસ એસ. ઈ. વાલ્ડોએ એમની વાણીની આ નોંધ લીધી હતી. સ્વામીજીએ પોતાના ‘રાજયોગ’ પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલ પાતંજલ યોગસૂત્રોનું ભાષાંતર અને વિવરણ તેમની પાસે લખાવ્યું હતું; સંસ્કૃત સૂત્રોનો સાચો અર્થ કાઢવા માટે આત્મચિંતનનાં જે ઊંડાણોમાં એ સરકી ગયા હોય તેમાંથી બહાર આવીને એ જે કાંઈ ઉચ્ચારે તે ટપકાવી લેવા માટે સજ્જ થઈને, કલમ ઉપરની શાહી સૂકાવા દીધા વિના પોતે કેવી રીતે કલાકો સુધી રાહ જોતાં બેસી રહેતાં તેની વાત એમણે મારી આગળ અનેક વખત કરેલી. પ્રેસમાં મોકલવા માટેનાં સ્વામીજીનાં તમામ અમેરિકન પ્રકાશનો પણ આ બહેને તૈયાર કર્યાં હતાં. સ્વામી વિવેકાનંદને તેમની શક્તિમાં એટલી બધી ઊંડી શ્રદ્ધા હતી કે વ્યાખ્યાનની ટાઈપ કરેલી નોંધો એ તેમને સોંપી દેતા અને ઠીક લાગે એ રીતે તેનો નિકાલ કરવાનું સૂચવતા; કેમ કે પોતાના કાર્યની ફલસિદ્ધિ પ્રતિ એ એટલા હદે ઉદાસીન હતા કે વ્યાખ્યાનોની આ નોંધ ઉપર અછડતો દૃષ્ટિપાત કરવા માટે પણ કોઈ એમને લલચાવી શક્તું નહિ.

હૃદય અને બુદ્ધિથી બજાવેલી આવી સતત નિષ્ઠાભરી સેવાને લીધે શિષ્યાના ચિત્તે ગુરુના ચિત્ત સાથે એટલું બધું તાદાત્મ્ય સાધ્યું કે શોર્ટહેન્ડની મદદ વગર પણ અદ્ભુત સંપૂર્ણતા અને ચોકસાઈથી તેઓ એમના ઉપદેશની નોંધ લઈ શકતાં. તેમણે પોતે જ કહ્યું છે તેમ, જાણે એવું લાગતું કે સ્વામી વિવેકાનંદના વિચારો તેમનામાં સંચરતા અને કાગળ ઉપર શબ્દદેહ ધારણ કરતા. એક વખત તેઓ થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કના નિવાસસ્થાને આવી નોંધોનો જ એક ભાગ કેટલાક સામાન્ય આગંતુકોને સંભળાવી રહ્યાં હતાં. એ વખતે સ્વામી વિવેકાનંદ આ મુલાકાતીઓ ઓરડો છોડી ગયાં ત્યાં સુધી આમથી તેમ આંટા મારતા રહ્યા. પોતાની આસપાસ શું બની રહ્યું છે તેનું જાણે કશું જ ભાન નહીં! એ પછી તેઓ મિસ વાલ્ડો તરફ ફર્યા અને બોલ્યા, ‘મારા વિચારો અને શબ્દો આટલી બધી સંપૂર્ણતાથી તમે શી રીતે ઝીલી શક્યાં છો? આ તો જાણે હું જ પોતાને બોલતો સાંભળી રહ્યો હોઉં એવું લાગતું હતું!’ આથી વિશેષ અન્ય પ્રશંસાની શી જરૂર?

મદ્રાસ – દેવમાતા

નવેમ્બર, ૧૯૦૮

૧૯મી જૂન સને ૧૮૯૫

આ દિવસે બુધવાર, સ્વામી વિવેકાનંદે પોતાના શિષ્યોને થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં નિયમિત રીતે રોજ ઉપદેશ આપવાનો આરંભ કર્યાે, એમ દર્શાવે છે. અમે બધા હજુ ત્યાં એકઠા પણ થયા ન હતા; પણ ગુરુદેવનું હૃદય હંમેશાં પોતાના કામમાં મગ્ન રહેતું હોવાથી, તેમણે જે ત્રણચાર શિષ્યો તેમની સાથે હતા તેમને તરત જ ઉપદેશ આપવો શરૂ કર્યાે. આ પહેલે દિવસે સવારમાં તેઓ હાથમાં બાઇબલ લઈને આવ્યા અને જહોનનું પ્રકરણ ઉઘાડીને કહ્યુંઃ ‘તમે બધા ખ્રિસ્તીઓ હોવાથી હું ખ્રિસ્તી શાસ્ત્રોથી શરૂઆત કરું એ યોગ્ય છે.’

‘સૃષ્ટિના આરંભમાં ‘શબ્દ’ હતો અને ‘શબ્દ’ ઈશ્વરની સાથે હતો અને ‘શબ્દ’ જ ઈશ્વર હતો.’ હિંદુઓ ઈશ્વરની આ અભિવ્યક્તિને માયા કહે છે, કારણ કે તે ઈશ્વરની શક્તિ છે. બ્રહ્મ જ્યારે વિશ્વમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે તેને આપણે પ્રકૃતિ કહીએ છીએ.‘શબ્દ’નાં બે પ્રકટ સ્વરૂપો છે; સામાન્ય સ્વરૂપ છે પ્રકૃતિ અને વિશેષ સ્વરૂપ છે ઈશ્વરના મહાન અવતારો જેવા કે શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણ. બ્રહ્મનું વિશેષ સ્વરૂપ ઈશુ ખ્રિસ્ત જ્ઞાત અને જ્ઞેય છે, બ્રહ્મ પોતે અજ્ઞેય છે. આપણે બ્રહ્મને ન જાણી શકીએ, માત્ર અવતારને જ જાણી શકીએ. બ્રહ્મને ‘માનવતાના અંશ’ દ્વારા જ એટલે કે અવતાર પુરુષ ઈશુ દ્વારા જ આપણે જાણી શકીએ.

જહોનના પહેલા પાંચ શ્લોકોમાં ખ્રિસ્તી ધર્મનું સમગ્ર રહસ્ય આવી જાય છે; પ્રત્યેક શ્લોકમાં ગંભીરમાં ગંભીર તત્ત્વજ્ઞાન ભર્યું છે.

પૂર્ણ કદીયે અપૂર્ણ થતું નથી. અંધકારમાં તે છે, પણ અંધકાર તેના પર અસર કરી શકતો નથી. ઈશ્વરની દયા સૌ ઉપર વરસે છે પણ સૌની દુષ્ટતાથી ઈશ્વર અલિપ્ત રહે છે. આપણી આંખના કોઈ દોષને લીધે આપણે સૂર્યને વિકૃત સ્વરૂપે જોઈએ, છતાંય સૂર્યને તેની કંઈ અસર થતી નથી. ઓગણત્રીસમા શ્લોકમાં ‘જગતનું પાપ હરી લે છે’ તે વચનનો અર્થ એવો થાય છે કે ઈશુ આપણને પૂર્ણ થવાનો માર્ગ બતાવશે. ઈશ્વર માણસને તેનું પોતાનું ખરું સ્વરૂપ બતાવવા – આપણે પણ ઈશ્વર છીએ તે બતાવવા – ઈશુરૂપે થયા. દિવ્ય તત્ત્વ ઉપર આપણે માનુષી આવરણો છીએ, પણ દિવ્યત્વ તરીકે ઈશુ અને આપણે એક છીએ.

ત્રિમૂર્તિ સંપ્રદાયનો ઈશુ આપણાથી ઉચ્ચ કોટિએ મૂકવામાં આવેલ છે; યુનિટેરિયન (એક મૂર્તિ) સંપ્રદાયનો ઈશુ માત્ર એક નીતિમાન માણસ છે. બંનેમાંથી એક પણ આપણને સહાયભૂત બની શકે નહીં. જે ઈશુ ઈશ્વરનો અવતાર છે, જેને પોતાના દિવ્યત્વની વિસ્મૃતિ નથી, તે ઈશુ આપણને મદદ કરી શકે; તેમનામાં કશી અપૂર્ણતા નથી. આ અવતારો પોતાના દિવ્યત્વ અંગે સદાય સભાન હોય છે, જન્મથી જ તેનું જ્ઞાન તેઓને હોય છે. તેઓ નાટ્યપ્રયોગ પૂર્ણ થયા પછીના અભિનેતાઓ જેવા છે; પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી તેઓ અન્યને આનંદ આપવા પાછા (રંગભૂમિ પર) આવે છે. આ મહાન આત્માઓ સંસારની કોઈપણ વસ્તુથી અલિપ્ત હોય છે. આપણને ઉપદેશ આપવા અલ્પ સમયને માટે તેઓ માનવસ્વરૂપ અને માનવની મર્યાદાઓ સ્વીકારે છે, પણ વસ્તુતઃ તેઓ કદી મર્યાદિત નથી હોતા; તેઓ સર્વદા મુક્ત હોય છે…

* * *

મંગલ એ સત્યની નજીક છે, પરંતુ તે સત્ય નથી. અશુભથી વ્યગ્ર ન બનવાનું શીખ્યા પછી આપણે શુભથી હરખાઈ ન જવાનું શીખવાનું છે. આપણે શોધી કાઢવું જોઈએ કે આપણે શુભ અને અશુભ બંનેથી પર છીએ; આપણે તે બંનેના પરસ્પરના સંબંધનો અભ્યાસ કરવો જોઈએ અને સમજી લેવું જોઈએ કે એ બંને આવશ્યક છે.

દ્વૈતનો વિચાર પ્રાચીન૧ ઈરાનીઓમાંથી આવ્યો. વાસ્તવિક રીતે શુભ અને અશુભ બંને એક જ છે૨ અને આપણા મનમાં જ છે. જ્યારે મન આત્મભાવને અનુભવે છે ત્યારે સારું કે ખરાબ તેને અસર કરી શકતું નથી. સંપૂર્ણ રીતે મુક્ત બનો; ત્યાર પછી બેમાંથી એક પણ મનને કંઈ અસર કરી શકશે નહીં અને આપણે મુક્તિ અને આનંદનો અનુભવ કરી શકીશું. અશુભ એ લોખંડની બેડી છે; શુભ એ સુવર્ણની બેડી છે; પણ બંને બેડીઓ જ છે. માટે મુક્ત બનો; અને હંમેશને માટે જાણી લો કે તમારા માટે કશું બંધન નથી. લોખંડની બેડીનો બંધ ઢીલો કરવા સોનાની બેડીને પકડો અને પછી બંનેને ફેંકી દો. અશુભનો કાંટો આપણા શરીરમાં છે; તે જ છોડમાંથી બીજો કાંટો લો અને તેનાથી પહેલો કાંટો કાઢો; પછી બંનેને ફેંકી દો અને મુક્ત બનો…

(૧. પારસીઓ જરથુષ્ટ્રના અનુયાયીઓ છે. જરથુષ્ટ્રે એમ શીખવેલું કે સમગ્ર સૃષ્ટિ બે પ્રાથમિક મૂળ તત્ત્વોમાંથી આવી છેઃ એકને ‘અહુરમજદ’ (શુભ તત્ત્વ) અને બીજાને ‘અહ્રિમાન’ (અશુભ તત્ત્વ) કહેવાય છે.

૨.કારણ બંને માયાની જ શૃંખલા અને કાર્યાે છે.)

***

દુનિયામાં સદા દાતાની સ્થિતિ ગ્રહણ કરો. સર્વ કંઈ આપો પણ વળતરની આશા ન રાખો. પ્રેમ આપો, સહાય આપો, સેવા આપો; જે કંઈ નાની વસ્તુ તમારાથી બની શકે તે આપો. પણ તેમાંથી ‘વળતરની ભાવના બાદ રાખો.’ કશી શરતો ન મૂકો, તો તમારા ઉપર કોઈ શરત લાદવામાં આવશે નહીં. જેમ ઈશ્વર ઉદારતાથી આપણને આપે છે તેમ આપણે પણ ઉદારતાથી આપીએ.

ઈશ્વર એક જ દાતા છે; બાકીની દુનિયા આખી માત્ર દુકાનદાર છે. ઈશ્વરની હૂંડી મેળવો એટલે તે સર્વ જગ્યાએ સ્વીકારાશે જ.

‘ઈશ્વર એ અનિર્વચનીય, વાણીથી પર એવો પ્રેમનો સાગર છે,’ તે જાણી શકાય પણ તેની વ્યાખ્યા કરી ન શકાય.

***

આપણી યાતનાઓ અને સંઘર્ષોને લીધે દુનિયા આપણને એક ભયાનક સ્થાન લાગે છે. પણ જેમ બે ગલૂડિયાંને આપણે રમતાં અને બચકાં ભરતાં જોઈએ ત્યારે તેની જરા પણ પરવા કરતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે એ તો એક રમત છે અને અવારનવાર તેઓ પરસ્પર બચકાં ભરી લે તો પણ કંઈ ખરેખરું નુકસાન થવાનું નથી, તેમ જ આપણા બધા સંઘર્ષાે ઈશ્વરની સૃષ્ટિમાં રમતમાત્ર છે. આ દુનિયા તેની રમત માટે છે અને ઈશ્વરને રમૂજ આપે છે; તેમાંનું કંઈ પણ ઈશ્વરને કદી પણ ગુસ્સે ન કરે.

***

‘માતા! જીવનસાગરમાં મારી નૌકા ડૂબે છે. માયાનો ઝંઝાવાત અને આસક્તિનું તોફાન પ્રત્યેક પળે વધે છે. હલેસાં મારવાવાળી મારી પાંચ (ઇંદ્રિયો) મૂર્ખ છે અને સુકાની (મન) નિર્બળ છે. હું દિશાશૂન્ય બન્યો છું, મારી નૌકા ડૂબે છે. હે મા! મને બચાવ!’

‘મા! તારો પ્રકાશ સંત કે પાપી માટે અટક્તો નથી; તે પ્રેમીને અને ખૂનીને બંનેને ચેતન આપે છે.’ સર્વના દ્વારા મા સદા વ્યક્ત થાય છે. પ્રકાશ જે વસ્તુને પ્રકાશિત કરે છે તેનાથી તે અશુદ્ધ બનતો નથી કે તેનાથી તેને લાભ પણ થતો નથી. પ્રકાશ સદા શુદ્ધ છે, સદા અવિકારી છે. પ્રત્યેક પ્રાણીની પાછળ શુદ્ધ સુંદર, સદા અવિચળ એવી ‘મા’ છે; ‘જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી હે મા! અમે તને વંદન કરીએ છીએ.’ તે જ પ્રમાણે તે ભૂખ, દુઃખ, આનંદ અને ભવ્યતામાં પણ છે. ‘જ્યારે મધમાખી મધ ચૂસે છે ત્યારે તે રૂપે ઈશ્વર જ તે આરોગે છે.’ ઈશ્વર સર્વત્ર છે તે જાણીને સંતપુરુષો સ્તુતિ અને નિંદાનો ત્યાગ કરે છે. ‘જાણજો’ કે તમને કંઈ પણ વસ્તુ નુકસાન કરી શકે નહીં. કેવી રીતે કરે? શું તમે મુક્ત નથી? શું તમે આત્મા નથી? તે આપણા જીવનનું જીવન છે, આપણી શ્રવણેન્દ્રિયની શ્રવણશક્તિ છે, આપણાં ચક્ષુઓની દર્શનશક્તિ છે.

જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ છીએ. આ બધા ભય જે આપણી પાછળ પડેલા છે, તે આપણા જડ દ્રવ્યમાં માનવાને કારણે છે. તેની પાછળ મન હોવાથી જ જડ પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આપણે જે જોઈએ છીએ તે પ્રકૃતિ (‘પ્રકૃતિ’ એટલે જડ દ્રવ્ય અને મન) માં થઈને નીકળતો ઈશ્વર છે.

રવિવાર, તા. ૨૩મી જૂન

હિંમતવાન બનો તેમજ અંતરથી સાચા બનો; પછી તમે નિષ્ઠાપૂર્વક ગમે તે માર્ગનું અવલંબન લો, તમે અખંડને ‘પ્રાપ્ત કરવાના જ.’ સાંકળની એક કડીને એક વાર હાથ કરો એટલે ક્રમે ક્રમે આખી સાંકળ હાથ આવવાની જ. વૃક્ષના મૂળમાં પાણી રેડો (એટલે કે ઈશ્વરને પ્રાપ્ત કરો) એટલે આખા વૃક્ષમાં પાણી પહોંચે; ઈશ્વરને પ્રાપ્ત કરવાથી આપણે બધું પ્રાપ્ત કરીએ છીએ.

એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ વધુ બાજુઓનો તમે વિકાસ કરો તેમ તેમ વધારે આત્માઓ તમારા થશે અને સઘળા આત્મા દ્વારા – ભક્તના આત્મા દ્વારા અને જ્ઞાનીના આત્મા દ્વારા – તમે વિશ્વને જોઈ શકશો. તમારી પોતાની પ્રકૃતિ અંગે નિર્ણય કરી લો અને તેને વળગી રહો. પ્રારંભ કરનારને માટે નિષ્ઠા (એક જ આદર્શમાં શ્રદ્ધા) જ એક માર્ગ છે; પણ શ્રદ્ધા અને અંતરની સચ્ચાઈથી બધુંય પ્રાપ્ત થશે. દેવળો, સિદ્ધાંતો, વિધિઓ એ કુમળા છોડના રક્ષણ માટેની માત્ર વાડો છે; પણ આગળ જતાં વૃક્ષ વધી શકે એટલા માટે તે બધી તોડી નાખવી જોઈએ. એ જ પ્રમાણે વિવિધ ધર્માે, બાઇબલો, વેદો, વાદો વગેરે બધાં આધ્યાત્મિકતાના નાના રોપા માટે માત્ર કૂંડાં જેવાં છે; પણ રોપાએ તે કૂંડાંમાંથી ઊગીને બહાર નીકળવું જોઈએ. એક રીતે જોઈએ તો નિષ્ઠા એ છોડને કૂંડામાં મૂકવા જેવું એટલે કે પ્રયત્ન કરતા આત્માને તેના ઇષ્ટમાર્ગમાં રક્ષણ આપવા જેવું છે.

***

‘સમુદ્ર’ તરફ જુઓ, ‘તરંગ’ તરફ નહીં; કીડી અને દિવ્ય માનવ વચ્ચે કશો જ ભેદ ન જુઓ. જંતુમાત્ર નાઝરેથના ઈશુના ભાઈ છે. તેમાં એક મોટો છે અને બીજો નાનો છે એમ કેમ કહી શકો? પોતાના સ્થાનમાં પ્રત્યેક મહાન છે. આપણે જેટલા અહીં છીએ તેટલા જ સૂર્યમાં અને તારાઓમાં છીએ; આત્મા દેશ અને કાળથી પર છે અને સર્વત્ર છે. ઈશ્વરની સ્તુતિ કરી રહેલું દરેક વદન મારું વદન છે, ઈશ્વરને જોનાર દરેક આંખ મારી આંખ છે. આપણે ક્યાંય પણ બંધનમાં નથી; આપણે શરીર નથી, વિશ્વ જ આપણું શરીર છે. આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. તેની વિશાળ જાળમાં આપણે કરોળિયા છીએ અને જુદા જુદા તારો ઉપર તેની મરજી મુજબ જઈ શકીએ છીએ. અત્યારે તો કરોળિયો જાળમાં જે જગ્યાએ છે તે જગ્યાને જ જાણે છે; પણ સમય થતાં તેને આખીય જાળનું ભાન થશે. આપણે અત્યારે માત્ર જ્યાં આપણું શરીર છે તેને જ જાણીએ છીએ; એક જ મગજ આપણે વાપરી શકીએ છીએ. પણ જ્યારે આપણે સમાધિ અવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે સઘળું જાણીએ છીએ અને સઘળાં મગજોનો ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે પણ જો આપણે ચેતનાને ‘ધક્કો મારી શકીએ’ તો તે સર્વથી પર જાય અને અતિચેતનમાં ક્રિયા કરે.

આપણે ‘હોવા’ માટે મહેનત કરીએ છીએ, બીજું કંઈ જ નહીં. ‘હું’ પણ નહીં; કેવળ શુદ્ધ સ્ફટિક, જે સઘળાનું પ્રતિબિંબ પાડે પરંતુ સર્વદા પોતે સમાન જ હોય. જ્યારે એ સ્થિતિએ પહોંચાય ત્યારે કંઈ કરવાનું રહેતું નથી; શરીરમાત્ર યંત્ર બની જાય છે; તેને પવિત્ર બનાવવાની કાળજી લેવી નથી પડતી; તે કદીય અપવિત્ર બની ન શકે.

તમે સમજી જાઓ કે તમે અનંત છો એટલે ભયનો નાશ થશે. સર્વદા કહોઃ ‘હું અને મારા પિતા (ઈશ્વર) એક જ છીએ.’

***

સમય આવતાં દ્રાક્ષના વેલા પરનાં દ્રાક્ષનાં ઝૂમખાંની પેઠે ઈશુઓની સંખ્યા વધશે. પછી ખેલ પૂરો થશે અને અદૃશ્ય થશે – જેવી રીતે એક કીટલીમાં ઊકળતું પાણી જેમ શરૂઆતમાં એક પરપોટો ઉત્પન્ન કરે છે, પછી બીજો અને પછી વધારે ને વધારે ઉત્પન્ન થઈને અંતે બધાય ઊભરાઈ જઈને વરાળરૂપે અદૃશ્ય થઈ જાય છે, તેમ અદૃશ્ય થઈ જશે. દુનિયાએ હજી સુધીમાં ઉત્પન્ન કરેલા બે સૌથી મહાન ‘પરપોટાઓ’ બુદ્ધ અને ઈશુ છે. મોઝીઝ નાનકડો પરપોટો હતો; તેથી વધુ ને વધુ મોટા પરપોટાઓ આવતા ગયા. જો કે અમુક વખતે બધા જ પરપોટા થઈ જવાના અને મુક્ત થઈ જવાના; પણ સૃષ્ટિ સદા નવીન હોઈને નવું પાણી લાવશે અને ફરી પાછી તે જ પ્રક્રિયા ચાલશે.

સોમવાર, તારીખ ૨૪મી જૂન

(આજનું વાચન નારદના ભક્તિસૂત્રમાંથી કરાયું હતું.)

‘ઈશ્વર તરફના પરમ પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે અને પ્રેમ જ ખરું અમરત્વ છે. તેને પામવાથી મનુષ્યને પૂર્ણ તૃપ્તિ મળે છે. કોઈપણ વસ્તુના નાશથી તે શોકમગ્ન થતો નથી અને કદીયે ઈર્ષ્યા કરતો નથી. તે જાણવાથી મનુષ્ય ઉન્મત્ત બને છે.’

મારા ગુરુ કહેતાઃ ‘આ જગત એક વિશાળ પાગલખાનું છે. ત્યાં કેટલાક માણસો પૈસા પાછળ, કેટલાક નામ અને યશ પાછળ અને માત્ર થોડાક જ ઈશ્વર પાછળ ઘેલા થયેલા છે. ઈશ્વર પાછળ ઘેલા થવાનું મને વધુ પસંદ છે. ઈશ્વર પારસમણિ છે; તે ક્ષણમાં આપણને સુવર્ણ બનાવી દે છે. આકાર રહે છે, પણ સ્વભાવ બદલાઈ જાય છે; માનવ આકાર રહે છે પરંતુ આપણે કદી કશી હાનિ કે પાપ કરી શક્તા નથી.’

‘ઈશ્વરનું ચિંતવન કરતાં કેટલાક રડે છે, કેટલાક ગાય છે, કેટલાક હસે છે, કેટલાક નાચે છે, કેટલાક અદ્ભુત વાતો કહે છે; પણ તે બધા ઈશ્વર સિવાય બીજા કોઈની વાત કરતા નથી.’

પયગમ્બરો ઉપદેશ આપે છે પણ ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણ જેવા અવતારો આધ્યાત્મિકતા આપી શકે છે; તેમની એક જ કૃપાદૃષ્ટિ, એક જ સ્પર્શ બસ છે. ‘માથે હાથ મૂકવો’ એ શક્તિ પરમાત્માની છે. એ શક્તિની – ‘ગુરુશક્તિની પરંપરા’ ગુરુએ શિષ્યોમાં ખરેખર સંચારિત કરી હતી. એ સાચી દીક્ષા અનંત યુગોથી પરંપરા દ્વારા આપવામાં આવી છે.

‘ભક્તિ સર્વ એષણાઓનો વિરોધ કરતી હોવાને કારણે તેને કોઈ પણ ઇચ્છા પૂર્ણ કરવા માટે વાપરી શકાય નહીં.’ પ્રેમની નિશાની તરીકે નારદ આને ઓળખાવે છેઃ ‘જ્યારે સર્વ વિચારો, સર્વ શબ્દો અને સર્વ કર્માે ઈશ્વરને અર્પણ કરવામાં આવે અને ઈશ્વરની લેશમાત્ર વિસ્મૃતિ પણ આપણને અત્યંત દુઃખી બનાવે ત્યારે પ્રેમનો આરંભ થઈ ચૂક્યો લેખાય.’

‘પ્રેમનું આ સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે; કારણ કે સઘળા માનવીઓના પ્રેમમાં રહેલી બદલાની ઇચ્છા ત્યાં નથી.’

‘જે માણસ સામાજિક કે શાસ્ત્રીય રૂઢિઓથી પર ગયો છે તે સંન્યાસી છે. જ્યારે સમગ્ર આત્મા ઈશ્વરમાં પરોવાઈ જાય, જ્યારે આપણે માત્ર ઈશ્વરમાં જ શરણ લઈએ, ત્યારે જાણવું કે હવે આપણને આ પ્રેમ મળવાનો છે.’

શાસ્ત્રો વિના ચલાવી શકવા જેટલા તમે સમર્થ થાઓ ત્યાં સુધી તેમની આજ્ઞાનું પાલન કરો; ત્યાર પછી તેમનાથી પર જાઓ. ગ્રંથો સર્વસ્વ નથી. આધ્યાત્મિક સત્યની સાબિતી માત્ર તેના અનુભવમાં જ છે. પ્રત્યેકે તેની જાત – અનુભવથી ખાતરી કરવી જોઈએ. જે ગુરુ એમ કહે કે ‘મેં અનુભવ કર્યાે છે પણ ‘તમે’ નહીં કરી શકો,’ તે ગુરુ વિશ્વાસ કરવા યોગ્ય નથી; પણ જે એમ કહે કે ‘તમે પણ જોઈ શકશો’ તે માત્ર વિશ્વાસ કરવા યોગ્ય છે. સર્વ સમયે, સર્વ દેશોમાં, બધાં શાસ્ત્રો, બધાં સત્યો, વેદો છે, કારણ કે આ સત્યોનું ‘દર્શન’ કરવાનું છે અને કોઈપણ તેનું દર્શન કરી શકે છે.

‘જ્યારે ક્ષિતિજ ઉપર પ્રેમનો સૂર્ય ઊગવા લાગે છે ત્યારે આપણને સર્વ કર્માે ઈશ્વરને અર્પણ કરવાની ઇચ્છા થાય છે; અને ત્યારે એક પળ માટે પણ જો આપણે તેને ભૂલીએ તો આપણને ઘણું જ દુઃખ થાય છે.’

ઈશ્વર અને તેના પ્રત્યેના તમારા પ્રેમની વચ્ચે કંઈ પણ આડે ન આવવા દો. તમે ઈશ્વરને ચાહો, ઈશ્વરને ચાહો, બસ, ઈશ્વરને જ ચાહો; દુનિયા જેમ ઠીક પડે તેમ ભલે કહ્યા કરે. પ્રેમના ત્રણ પ્રકાર છેઃ એક પ્રકાર માત્ર માગણી જ કરે છે, આપતો કંઈ નથી; બીજો પ્રકાર છે આપ-લેનો અને પ્રેમનો. ત્રીજો પ્રકાર છે બદલાના વિચાર વિનાનો – પ્રકાશ પ્રત્યેના પતંગિયાના પ્રેમ જેવો.

‘પ્રેમ કર્મથી ચઢિયાતો છે, યોગથી ચઢિયાતો છે, જ્ઞાનથી ચઢિયાતો છે.’

કર્મ એ કર્તા માટેનું માત્ર અભ્યાસરૂપ છે; એ બીજાનું કંઈ ભલું કરી શકે નહીં. આપણા પ્રશ્નનો આપણે જ નિકાલ કરવો જોઈએ; પયગમ્બરો માત્ર આપણને કેમ કામ કરવું તેટલું જ શીખવે છે. ‘જેવો તમે વિચાર કરો, તેવા તમે બનો,’ તેથી તમે જો તમારો ભાર ઈશુ ઉપર નાખી દો તો તમારે ‘તેનો’ વિચાર કરવો પડશે; આમ કરવાથી તમે તેના જેવા થશો; તમે તેને ‘ચાહવા’ લાગશો.

‘આત્યંતિક પ્રેમ અને સર્વાેચ્ચ જ્ઞાન એક જ છે.’

પરંતુ ઈશ્વર વિશે સિદ્ધાંતો બાંધવાથી ચાલશે નહીં. આપણે તેને ચાહવો જોઈએ અને કર્મ કરવું જોઈએ. સંસાર અને સંસારની વસ્તુઓનો તમે ત્યાગ કરો, ખાસ કરીને ‘છોડ’ કુમળો હોય ત્યાં સુધી. દિવસ અને રાત ઈશ્વરનું જ ચિંતન કરો અને શક્ય હોય ત્યાં સુધી બીજી કોઈ બાબતનો વિચાર જ ન કરો. રોજના આવશ્યક વિચારો બધા ઈશ્વર દ્વારા વિચારી શકાય; તેને અર્પણ કરીને ખાઓ, તેને અર્પણ કરીને પીઓ, તેને શયન આપીને નિદ્રા કરો, બધામાં તેનું દર્શન કરો; બીજા પાસે ઈશ્વરની વાતો કરો. આ ઘણું જ કલ્યાણકારી છે.

ઈશ્વર અને તેનાં મહાનમાં મહાન સંતાનોની દયા મેળવો; ઈશ્વરને મેળવવાના આ બે મુખ્ય માર્ગાે છે. આ પ્રકાશ પામેલાં સંતાનોનો સમાગમ મળવો બહુ જ મુશ્કેલ છે; તેમના સહવાસની માત્ર પાંચ મિનિટ પણ સમગ્ર જીવનને પલટી નાખશે; અને જો તે સંતસમાગમ મેળવવાની તમારી ખરેખરી ઇચ્છા હશે તો એકાદ તમારી પાસે આવશે જ. ઈશ્વરના પ્રેમીઓની હાજરી તે સ્થળને પવિત્ર બનાવે છે; ‘ઈશ્વરનાં સંતાનોનો એવો મહિમા છે.’ તેઓ ઈશ્વર સ્વરૂપ જ છે; જ્યારે તેઓ બોલે છે, ત્યારે તેમના શબ્દો શાસ્ત્રો બને છે; તેઓ જ્યાં રહેતા હોય તે સ્થળ તેમનાં આંદોલનોથી સભરભર્યું રહે છે; જેઓ એ સ્થળે જાય છે તેઓ પણ તેનો અનુભવ કરે છે અને પવિત્ર બનવાનું વલણ પણ મેળવે છે.

‘આવા ઈશ્વરપ્રેમીઓને માટે જન્મ, જ્ઞાતિ, વિદ્યા, સૌંદર્ય, સંપત્તિ કે ધંધો કશાનો ભેદભાવ નથી હોતો કારણ કે બધા જ ઈશ્વરના છે.’

કુસંગનો, ખાસ કરીને સાધનાના પ્રારંભમાં ત્યાગ કરો. સાંસારિક માણસોના સંગનો ત્યાગ કરો. એ તમારા મનને વ્યગ્ર બનાવશે. ‘તમામ ‘હું અને મારું’નો ત્યાગ કરો.’ આ વિશ્વમાં જેની પાસે કંઈ જ નથી તેની પાસે ઈશ્વર આવે છે. બધાં દુન્યવી સ્નેહનાં બંધનો કાપી નાખો. આળસ અને મારું શું થશે તેની સઘળી ચિંતાથી પર જાઓ. તમે જે કર્યું હોય તેનાં ફળ જોવા માટે પાછું વાળી ન જોશો; સઘળું ઈશ્વરને સમર્પણ કરો, આગળ વધો અને તેનો વિચાર ન કરો. સમગ્ર આત્મા એક સતત પ્રવાહધારામાં ઈશ્વર તરફ વહેવા દો; પૈસા, નામ કે કીર્તિની પાછળ પડવામાં સમય ન ગાળો; ઈશ્વર સિવાય કશાનું ચિંતન કરવામાં રોકાઓ નહીં. આમ થશે ત્યારે આપણા હૃદયમાં પ્રેમનો અનંત અદ્ભુત આનંદ પેદા થશે. સઘળી ઇચ્છાઓ કેવળ કાચના મણકાઓ સમી છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પળે પળે વૃદ્ધિ પામે છે; સર્વદા તે નવો છે અને અનુભવથી જ જાણી શકાય છે. પ્રેમ સૌથી સહેલો છે; તેને કોઈ તર્કવાદની રાહ જોવાની હોતી નથી; તે સ્વાભાવિક છે. આપણને તેના પ્રદર્શનની જરૂર નથી; તેની સાબિતીની જરૂર નથી. તર્ક એટલે તો આપણા મન વડે કોઈ પણ વસ્તુને મર્યાદિત બનાવવી. આપણે જાળ નાખીએ, કંઈક પકડીએ અને પછી આપણે કહીએ કે અમે તે કરી બતાવ્યું. પણ આપણે ઈશ્વરને કદી કરતાં કદી પણ જાળમાં પકડી શકીશું નહીં.

પ્રેમ કશાની સાથે સંબંધિત હોવો ન જોઈએ. આપણે જ્યારે ખોટી રીતે પ્રેમ કરીએ છીએ ત્યારે પણ તે સાચા પ્રેમનો, સાચા આનંદનો પ્રકાર છે; ગમે તે રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છતાં શક્તિ તેની તે જ છે. શાંતિ અને આનંદ જ તેનો મૂળ સ્વભાવ છે. એક ખૂની જ્યારે પોતાના બાળકને ચૂમે છે ત્યારે ક્ષણભરને માટે પ્રેમ સિવાય બાકી બધું જ તે વીસરી જાય છે. તમામ સ્વાર્થનો, અહંતાનો ત્યાગ કરો; ક્રોધ અને કામથી મુક્ત બની જાઓ. ‘બધું’ જ ઈશ્વરને સમર્પાે. ‘હું નથી પણ તું જ છો. જૂનો માણસ સાવ નીકળી જ ગયો છે. માત્ર તું ઈશ્વર એક જ રહ્યો છે.’ ‘सोऽहम्’ ‘હું તે છું.’ કોઈના દોષ જુઓ નહીં. જો કાંઈ અનિષ્ટ બને તો સમજો કે ઈશ્વર તમારી સાથે ખેલી રહ્યો છે અને તેથી ખૂબ ખૂબ આનંદિત થાઓ.

પ્રેમ દેશ અને કાળથી પર છે; તે નિર્વિશેષ છે.

મંગળવાર, તારીખ ૨૫મી જૂન

દરેક સુખ પછી દુઃખ આવે છે, પછી તે ઘણાં દૂર દૂર હોય કે પાસે પાસે. આત્મા જેમ વધારે વિકસેલો, તેમ સુખદુઃખ પણ એક પછી એક વધુ ઝડપથી આવે છે. ‘આપણે જે ઇચ્છીએ છીએ તે તો સુખ પણ નથી તેમ જ દુઃખ પણ નથી.’ આ બંને આપણને આપણું સાચું સ્વરૂપ ભુલાવી દે છે. બંને બેડીઓ છે – એક લોઢાની તો બીજી સોનાની છે. એ બંનેની પાછળ આત્મા રહેલો છે, જે નથી જાણતો સુખ કે નથી જાણતો દુઃખ, આ બધી ‘અવસ્થાઓ’ છે અને અવસ્થાઓ કાયમ બદલાયા જ કરે; પણ આત્માનો સ્વભાવ પરિવર્તનરહિત આનંદ અને શાંતિ છે. આપણે તે મેળવવા જવાનું નથી, તે આપણી પાસે છે જ; માત્ર કચરો ધોઈ નાખો એટલે તેને જોઈ શકશો.

આત્મા ઉપર નિર્ભર રહો; ત્યારે જ આપણે દુનિયાને સાચી રીતે ચાહી શકીશું. ઘણી ઊંચી, ઘણી જ ઉચ્ચ ભૂમિકાએ ઊભા રહો. આપણો વિશ્વાત્મભાવ જાણીને જગતનાં સઘળાં ‘દૃશ્યોને’ આપણે સંપૂર્ણ શાંતિથી જોવાં જોઈએ. તે માત્ર બાળકના ખેલ જેવું છે અને આપણે તે જાણીએ છીએ, તેથી આપણે તેનાથી ક્ષુબ્ધ ન બની જઈએ. જો મન સ્તુતિથી આનંદ પામશે તો તે નિંદાથી નારાજ પણ થશે, ઇંદ્રિયોના કે મનના પણ, બધા આનંદો ક્ષણજીવી છે; પણ આપણી અંદર એક નિરપેક્ષ આનંદ છે કે જે કશા પર પણ આધાર રાખતો નથી. તે સંપૂર્ણ રીતે મુક્ત છે, તે સુખદ છે. ‘જેટલા વિશેષ પ્રમાણમાં આપણું સુખ અંદરનું, તેટલા વિશેષ પ્રમાણમાં આપણે આધ્યાત્મિક હોઈશું.’ દુનિયા જેને ધર્મ કહે છે તે આત્માનો આનંદ છે.

આંતર જગત, ‘સાચું’ જગત, તે બાહ્ય જગતથી અનંતગણું મોટું છે; બાહ્ય જગત તો ખરા જગતનો માત્ર છાયા જેવો પ્રક્ષેપમાત્ર છે. જગત સત્ પણ નથી તેમ અસત્ પણ નથી; તે માત્ર સત્ની છાયા છે. કવિ કહે છેઃ ‘કલ્પના એટલે સત્યનો ઓપ ચડાવેલી છાયા.’

આપણે સૃષ્ટિમાં પ્રવેશીએ છીએ અને પછી તે આપણા માટે જીવંત બની જાય છે. વસ્તુઓ પોતાના સ્વરૂપે અચેતન છે; માત્ર આપણે તેને સચેતન બનાવીએ છીએ અને પછી મૂર્ખાઓની માફક આપણે પાછા વળીને કાં તો તેનાથી ડરીએ છીએ અને કાં તો તેનો ઉપભોગ કરીએ છીએ. પરંતુ પેલી માછીમારની સ્ત્રીઓ જેવા ન બનો. એ સ્ત્રીઓ બજારમાંથી ઘેર પાછી ફરતાં તોફાનમાં સપડાઈ એટલે એમણે એક ફૂલ વેચનારી માળણના ઘરમાં આશરો લીધો. જ્યાં હવા ફૂલોની સુવાસથી સુગંધિત બની રહેલી હતી એવા, બગીચાની બાજુના એક ઓરડામાં તેમને રાતવાસો આપવામાં આવ્યો. ઊંઘ લાવવા માટે તેમણે ઘણાં ફાંફાં માર્યાં પણ વ્યર્થ! છેવટે તેમાંની એકે સૂચન કર્યું કે માછલી ભરવાની ટોપલીઓ પાણીથી ભીની કરીને ઓશીકે રાખો. તરત પછી બધીને ગાઢ નિદ્રા આવી ગઈ!

જગત આપણે માટે માછલીની ટોપલી જેવું છે; આનંદ માટે આપણે તેના ઉપર આધાર રાખવો ન જોઈએ; જેઓ તેમ કરે છે તેઓ તામસિક છે. અગર બદ્ધ છે, ત્યાર પછી રાજસી અગર અહંકારી લોકો છે કે જેઓ નિરંતર ‘હું, હું’ કહીને વાત કરે છે; ક્યારેક તેઓ સારાં કામો કરે છે અને ધાર્મિક બને છે પણ ખરા. પરંતુ સહુથી શ્રેષ્ઠ છે સાત્ત્વિકો, અંતર્મુખ લોકો, જેઓ માત્ર આત્મામાં જ (મસ્ત) રહે છે. આ ત્રણે ગુણોઃ તમસ્, રજસ્ અને સત્ત્વ (પ્રમાદ, પ્રવૃત્તિ અને પ્રકાશ) દરેકમાં હોય છે અને જુદે જુદે સમયે જુદો જુદો ગુણ વર્ચસ્વ ધરાવે છે.

સૃષ્ટિ એ કોઈ વસ્તુની ‘રચના’ નથી, તે તો સમતા પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે, જેવી રીતે બૂચના ઝીણા ઝીણા ટુકડાઓ પાણીની ડોલને તળિયે ડુબાડવામાં આવે અને પછી એક એક અગર સમૂહમાં સપાટી ઉપર ઊંચે આવવા ધસે તેમ. ‘જીવનની સાથે અનિષ્ટ રહેલું છે અને રહેલું હોવું જ જોઈએ.’ થોડુંક અનિષ્ટ જીવનને સ્વાદિષ્ટ બનાવે છે. દુનિયામાં જે થોડીક દુષ્ટતા છે તે ઘણું સારું છે, કારણ કે જ્યારે સમતા પ્રાપ્ત થશે ત્યારે દુનિયાનો અંત આવશે; કારણ કે એક્તા અને વિનાશ એક જ છે. જ્યારે આ જગત જશે ત્યારે તેની સાથે સારું અને ખરાબ પણ જશે; પણ જ્યારે આપણે આ જગતથી પર જઈ શકીએ ત્યારે આપણે સારા અને ખરાબ બંનેથી પર જઈએ છીએ અને આનંદ પ્રાપ્ત કરીએ છીએ.

દુઃખ વિના આનંદ મેળવવો કે ખરાબ વિના સારું પ્રાપ્ત કરવું તે કદીય સંભવતું નથી; કારણ કે જીવન પોતે જ પેલી ગુમાવેલી સમતુલા છે. આપણે જે માગીએ છીએ તે મુક્તિ છે, જીવન નહીં, આનંદ કે પ્રેયસ્ નહીં. સૃષ્ટિ અનંત છે, આદિ અને અંત વિનાની છે, એક અનંત સરોવરમાં એક નિરંતર ગતિમાન લહરી સમી છે. જ્યાં હજી પહોંચાયું નથી અને જ્યાં હજી સમતુલા પ્રાપ્ત થઈ ગયેલી છે એવાં ઊંડાણો પણ છે; પણ લહરી તો સર્વદા આગળ વધ્યે જ જાય છે, સમતુલા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન તો હંમેશાં ચાલ્યા જ કરે છે. જીવન અને મરણ તે એક જ હકીકતનાં બે જુદાં જુદાં નામો માત્ર છે, એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને માયા છે – એકી વખતે જીવવાની ગડમથલ કરવાની અને ક્ષણ પછી મરી જવાની અનિર્વચનીય સ્થિતિ છે. આ બધાંથી પર છે સાચું સ્વરૂપ, આત્મા. જ્યારે આપણે ઈશ્વરને ઓળખીએ છીએ, ત્યારે ખરેખર તો તે આત્મા છે; તેને આપણે આપણાથી અલગ પાડ્યો છે અને આપણાથી બહાર હોય તેમ આપણે તેને પૂજીએ છીએ; પણ બધો વખત તે આપણો સાચો આત્મા – એક અને એકમાત્ર ઈશ્વર છે.

સમતા મેળવવા માટે આપણે તમસ્નો રજસ્ વડે પરાભવ કરવો જોઈએ, પછી રજસ્ને સત્ત્વથી જીતવો જોઈએ; તે સત્ત્વ એટલે શાંતિમય સુંદર સ્થિતિ કે જે બીજું કંઈ જ ન રહે ત્યાં સુધી વધતી અને વધતી જાય. બંધનનો ત્યાગ કરો. ઈશ્વરના પુત્ર બનો, મુક્ત બનો; અને પછી જેમ ઈશુએ જોયો તેમ તમે ‘(ઈશ્વર રૂપ) પિતાને જોઈ શકશો.’ અનંત શક્તિ એટલે ધર્મ અને ઈશ્વર. નિર્બળતા અને દાસત્વથી દૂર રહો. ‘જો’ તમે મુક્ત હો તો જ તમે આત્મા છો; ‘જો’ તમે મુક્ત હો તો જ તમારે માટે અમૃતત્વ છે. ‘જો’ તે મુક્ત હોય, તો જ ઈશ્વર છે…

***

મારે માટે દુનિયા છે, નહીં કે દુનિયાને માટે હું. ઇષ્ટ અને અનિષ્ટ એ આપણા દાસ છે, આપણે તેમના દાસ નથી, પોતે જ્યાં હોય ત્યાં પડ્યા રહેવાનો (વિકાસ નહીં પામવાનો) સ્વભાવ પશુનો છે; સારું શોધવું અને ખરાબ તજવું એ સ્વભાવ મનુષ્યનો છે; બેમાંથી એકે ન શોધતાં માત્ર નિરંતર આનંદમાં રહેવું, એ ઈશ્વરનો સ્વભાવ છે. આપણે ઈશ્વર બનીએ! હૃદયને સાગર જેવું બનાવો; દુનિયાની ક્ષુદ્ર વસ્તુઓથી પર થાઓ; અનિષ્ટ દેખીને પણ આનંદથી ઘેલા બનો. જગતને એક ચિત્ર તરીકે જુઓ અને પછી તમે કોઈ વસ્તુથી લિપ્ત થતા નથી એમ જાણીને તેનું સૌંદર્ય ભોગવો. કીચડના ખાબોચિયામાંથી કાચના મણકા છોકરાંને મળે, તેના જેવી આ દુનિયામાંની સારી ચીજો છે. તેની પ્રત્યે શાંત ઉપેક્ષાથી જુઓ. ઇષ્ટ અને અનિષ્ટ બંનેને સમાન રીતે જુઓ – બંને કેવળ ‘ઈશ્વરની લીલા’ છે. તેનો આનંદ લૂંટો.

***

મારા ગુરુ કહેતાઃ ‘બધું જ નારાયણ છે; પણ વાઘરૂપી નારાયણથી દૂર રહેવું. બધું પાણી પાણી જ છે, પણ ગંદું પાણી આપણે પીવા માટે વાપરતા નથી.’

આખું ગગન ઈશ્વરનું ધૂપદાન છે અને સૂર્ય તથા ચંદ્ર તેના દીવા છે. બીજા ક્યા મંદિરની આવશ્યકતા રહે છે? ‘બધાં ચક્ષુઓ તારાં છે પણ તારે એક પણ ચક્ષુ નથી. બધા હાથો તારા છે છતાંય તારે એક પણ હાથ નથી.’

કોઈ ચીજની પાછળ ન દોડો કે કોઈનો ત્યાગ ન કરો; જે આવે તે સ્વીકારો. કોઈ પણ વસ્તુની અસર નીચે ન આવવું તેનું નામ મુક્તિ. માત્ર સહન જ કરો એમ નહીં; અનાસક્ત બનો. પેલા બળદની વાત યાદ રાખો. કોઈ એક બળદના શિંગડા ઉપર એક મચ્છર ઘણા વખત સુધી બેસી રહ્યો. પછી તેનો અંતરાત્મા તેને ડંખવા લાગ્યો એટલે તેણે કહ્યુંઃ ‘ભાઈ બળદ! અહીં હું ઘણા સમયથી બેઠો હતો; કદાચ તને તકલીફ પડી હશે. હું દિલગીર છું. હું ચાલ્યો જઈશ.’ પણ બળદે જવાબ આપ્યોઃ નહીં નહીં, તારા આખા કુટુંબને લઈ આવ અને મારાં શિંગડાં પર રહે. તું મને શું કરી શકવાનો હતો?’

બુધવાર, તારીખ ૨૬મી જૂન

આપણે જ્યારે આપણી પોતાની જાતના વિચારોથી મુક્ત હોઈએ, ત્યારે આપણું શ્રેષ્ઠ કામ થાય છે, ત્યારે આપણો મહાનમાં મહાન પ્રભાવ પડે છે. સઘળા મેધાવી મનુષ્યો આ જાણે છે. આપણે તે એકમાત્ર દિવ્ય અભિનેતા (ઈશ્વર) તરફ હૃદય ખોલી નાખીને તેને પાઠ ભજવવા દઈએ; આપણે કંઈ ન કરીએ. શ્રીકૃષ્ણ કહે છેઃ ‘હે અર્જુન! આખા જગતમાં મારે કશું જ કર્તવ્ય નથી.’ (न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन। – ભગવદ્ ગીતા, ૩ઃ ૨૨) સંપૂર્ણપણે ઈશ્વરાધીન વૃત્તિ રાખો; સંપૂર્ણપણે ઉદાસીન રહો; ત્યારે જ તમે કંઈ પણ સાચું કાર્ય કરી શકશો. સાચાં બળોને કોઈ પણ આંખોથી દેખી શકાય નહીં; આપણે માત્ર પરિણામો જ જોઈ શકીએ. અહંતાને છોડો, તેને તજો, તેને ભૂલી જાઓ; ઈશ્વરને જ કામ કરવા દો. તે તેનું કામ છે. આપણે કંઈ કરવાનું જ નથી; માત્ર એક બાજુએ રહીને ઈશ્વરને કામ કરવા દેવાનું છે. જેટલા આપણે દૂર જઈશું, તેટલા ઈશ્વર સમીપ આવશે. નાનકડા ‘હું’નો ત્યાગ કરો અને માત્ર વિરાટ ‘અહમ્’ને રહેવા દો.

આપણા વિચારો જેવા આપણને બનાવે છે તેવા આપણે બનીએ છીએ. માટે તમે કેવા વિચાર કરો છો તેની કાળજી રાખો. શબ્દો ગૌણ છે. વિચારો જીવે છે, તે દૂર દૂર પ્રવાસ કરે છે. આપણે જે જે વિચાર કરીએ છીએ તેના ઉપર આપણા ચારિત્ર્યનો રંગ લાગ્યો હોય છે; માટે પવિત્ર અને સંત પુરુષોએ કરેલી મશ્કરી કે આપેલી ગાળોમાં પણ તેમનો પ્રેમ અને પવિત્રતાનો અંશ હશે અને તે તમારું ભલું કરશે.

કોઈ ચીજની ઇચ્છા ન રાખો. ઈશ્વરનું ચિંતન કરો અને કોઈ બદલાની આશા ન રાખો. જે નિષ્કામ હોય તે જ ફળ પામે છે. ભિક્ષાવૃત્તિથી રહેનારા સાધુઓ ઘેર ઘેર ધર્મ લઈ જાય છે; પણ તેઓ તો એમ જ માને છે કે તેઓ પોતે કંઈ કરતા નથી. તેઓ કોઈ માગણી કરતા નથી; તેમનું કામ અજ્ઞાત રીતે જ થયા કરે છે. જો તેઓ કર્તાપણારૂપી જ્ઞાનવૃક્ષનું ફળ ચાખે તો તે અહંકારી બની જાય અને જે કંઈ સારું તેઓ કરી રહ્યા હોય તે ઊડી જાય. જે ઘડીએ આપણે ‘હું’ કહીએ છીએ તે જ ઘડીએ આપણે હંમેશાં છેતરાઈએ છીએ અને આપણે તેને ‘જ્ઞેય’ કહીએ છીએ પણ તે તો ઘાણીના બળદની પેઠે ગોળગોળ ફરવા જેવું છે. ઈશ્વરે પોતાને ઉત્તમમાં ઉત્તમ રીતે છુપાવી રાખ્યો છે. એટલે તેનું કામ પણ ઉત્તમમાં ઉત્તમ છે. જેથી જે પોતાને શ્રેષ્ઠ રીતે છુપાવે છે તે જ શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. તમારી ‘પોતાની જાત’ ઉપર વિજય મેળવો. એટલે સમગ્ર વિશ્વ તમારું છે.

સત્ત્વગુણ અવસ્થામાં આપણે વસ્તુમાત્રનું સાચું સ્વરૂપ જોઈ શકીએ છીએ, આપણે ઇંદ્રિયો અને તર્કથી પર જઈએ છીએ. આપણને અંદર પૂરી રાખનારી વજ્ર સમી દીવાલ તે અહંભાવ છે. ‘હું આ કરું છું, હું પેલું કરું છું, હું તે કરું છું’ એમ માનીને આપણે બધી વસ્તુઓને આપણી પોતાની સાથે જોડી દઈએ છીએ. આ ક્ષુદ્ર ‘હું’ને છોડો. આપણામાં રહેલી આ શેતાનિયતનો નાશ કરો. ‘હું નહીં પણ તું’ એમ કહો, એવો અનુભવ કરો અને તે પ્રમાણે જીવો. અહંકારે ઊભી કરેલી સૃષ્ટિને આપણે જ્યાં સુધી છોડીએ નહીં ત્યાં સુધી આપણે સ્વર્ગના સામ્રાજ્યમાં પ્રવેશ કરી શકીશું નહીં; કોઈએ પ્રવેશ કર્યાે નથી, કોઈ તેમ કરી શકશે નહીં. દુનિયાનો ત્યાગ કરવો એટલે અહંભાવને વિસારે પાડવો, તેને જરા પણ જાણવો નહીં – ‘શરીરમાં’ રહેવું પણ ‘શરીરના’ બનીને નહીં. આ લુચ્ચા અહંકારનો સમૂળગો વિનાશ કરવો જોઈએ. માણસો જ્યારે તમારી નિંદા કરે ત્યારે તેમનું કલ્યાણ ઇચ્છો. તેઓ તમારું કેટલું બધું ભલું કરી રહ્યા છે તેનો ખ્યાલ કરો, તેઓ માત્ર પોતાની જાતને જ નુકસાન પહોંચાડી શકે. જ્યાં માણસો તમારો ધિક્કાર કરતા હોય ત્યાં પહોંચી જાઓ; તમારામાં રહેલા અહંભાવને તેમને હાંકી કાઢવા દો. એમ કરવાથી તમે ઈશ્વરની સમીપ જશો. વાંદરીની માફક જગતરૂપી આપણા ‘બાળક’ને બને તેટલા લાંબા કાળ સુધી આપણે કોટે વળગાડીએ છીએ; પણ છેવટે જ્યારે તેને આપણા પગ નીચે (સલામતી હોય ત્યાં સુધી વાંદરી બચ્ચા પર ખૂબ વહાલ દાખવે છે, પણ જ્યારે ભય આવી પડે ત્યારે પોતાનો જીવ બચાવવા તે પોતાના બચ્ચાને સુધ્ધાં પગ નીચે દાબીને ઉપર બેસતાં અચકાતી નથી.) દાબી દઈને તેની ઉપર બેસી જવાની આપણને ફરજ પડે છે, ત્યારે જ આપણે ઈશ્વરની સમીપ પહોંચવા તૈયાર લેખાઈએ. સત્યને માટે જુલમ સહન કરવો કલ્યાણકારક છે. જો આપણને વાંચતાં ન આવડે તો ધન્ય છીએ કારણ કે આપણી પાસે ઈશ્વરથી દૂર લઈ જનાર તેટલું ઓછું હશે.

ભોગવિલાસ હજાર ફેણવાળો નાગ છે; તેને આપણે પગ તળે કચડી નાખવો જોઈએ. આપણે ત્યાગ કરીએ છીએ અને આગળ જઈએ છીએ. પણ પછી કંઈ ન મળે ત્યારે નિરાશ થઈએ છીએ; પણ તેને વળગી રહો, ‘વળગી જ રહો.’ દુનિયા એક રાક્ષસ જેવી છે. તે એક એવું રાજ્ય છે કે જ્યાં ક્ષુદ્ર અહંકાર રાજા છે; તેને હઠાવી કાઢો અને દૃઢતાપૂર્વક ખડા રહો. કામ, કાંચન અને કીર્તિનો ત્યાગ કરો અને ઈશ્વરને વળગી રહો એટલે છેવટે આપણે સંપૂર્ણ ઉદાસીનવૃત્તિની સ્થિતિએ પહોંચીશું. ઇંદ્રિયોને સંતોષવામાં આનંદ છે, તે ખ્યાલ કેવળ જડવાદી છે; તેમાં સાચા આનંદની ચિનગારી સરખી નથી. તેમાં જે કંઈ આનંદ છે તે માત્ર ખરા આનંદનું પ્રતિબિંબ છે.

કહેવાતા કાર્યકરો કરતાં જેઓ પોતાની જાતને ઈશ્વરને સમર્પણ કરી દે છે તેઓ દુનિયા માટે ઘણું કરે છે. પોતાની જાતને સંપૂર્ણપણે જેણે પવિત્ર બનાવી હોય તેવો એક માણસ ઉપદેશકોની આખી ટોળી કરતાં વધારે કામ કરી જાય છે. ‘પવિત્રતા અને મૌનમાંથી નીકળતા બોલ ખૂબ શક્તિશાળી હોય છે.’

‘કમળ જેવા બનો; એક સ્થળે રહો, તમારી પાંખડીઓ ખીલવો; મધમાખીઓ આપોઆપ જાતે ત્યાં આવશે.’ શ્રી કેશવચંદ્ર સેન અને શ્રીરામકૃષ્ણ વચ્ચે ઘણો તફાવત હતો. શ્રી રામકૃષ્ણ દુનિયામાં કોઈ પાપ કે દુઃખને ઓળખતા ન હતા; તેમને સામનો કરવા યોગ્ય કોઈ અનિષ્ટ દેખાતું ન હતું. શ્રી કેશવચંદ્ર સેન મહાન નૈતિક સુધારક હતા, એક આગેવાન હતા, બ્રાહ્મસમાજના સ્થાપક હતા. બાર વર્ષને અંતે દક્ષિણેશ્વરના નીરવ અવતારે (શ્રીરામકૃષ્ણે) માત્ર ભારતમાં જ નહીં પણ જગત આખામાં ક્રાંતિ આણી હતી. જેઓ માત્ર જીવે છે અને પ્રેમ આપે છે અને પછી પોતાના વ્યક્તિત્વને પાછું ખેંચી લે છે, તેવા પ્રશાંત મહાત્માઓમાં જ શક્તિ હોય છે. તેઓ કદી ‘હું’ અને ‘મારું’ કહેતા નથી; માત્ર નિમિત્ત બનવામાં જ તેઓ પોતાને ધન્ય માને છે. ચિરંજીવ, ઈશ્વર સાથે પૂર્ણ રીતે એકત્વ પામેલા, આદર્શ જીવનવાળા, કંઈ ન માગતા, ઇચ્છાપૂર્વક કંઈ કામ ન કરતા આવા મનુષ્યો જ ઈશુઓ અને બુદ્ધોને બનાવનારા છે. તેઓ જ સાચા સંચાલકો છે, સાચા જીવનમુક્તો છે. તેઓ સંપૂર્ણ નિઃસ્વાર્થી હોય છે; તેમની ક્ષુદ્ર અહંતા સર્વાંશે વિલીન થઈ ગઈ હોય છે; કોઈ મહેચ્છા તેમનામાં હસ્તી ધરાવતી નથી હોતી. તેઓ સંપૂર્ણ રીતે સિદ્વાંતો રૂપે જ હોય છે, વ્યક્તિઓ નહીં.

ગુરુવાર, તારીખ ૨૭મી જૂન

(સ્વામીજી આજે સવારે ન્યૂ ટેસ્ટામેન્ટ લાવ્યા હતા; તેમણે જહોનના પ્રકરણ ઉપર ફરીથી વાર્તાલાપ કર્યાે.)

ઈશુએ જે ‘શાન્તિદાતા’ મોકલવાનું વચન આપ્યું હતું તે પોતે છે તેવો હઝરત મહંમદ સાહેબનો દાવો હતો. ઈશુનો જન્મ અલૌકિક હતો તેવો દાવો કરવાનું તેમને અનાવશ્યક લાગ્યું હતું; બધા યુગોમાં અને બધા દેશોમાં આવા દાવાઓ કરવાનું સર્વસામાન્ય છે; દરેક મહાપુરુષે પોતે દેવપુત્ર હોવાનો દાવો કર્યાે છે.

જાણવું તે કેવળ સાપેક્ષ છે. આપણે ઈશ્વર થઈ શકીએ પણ તેને ‘જાણી’ ન શકીએ. જ્ઞાન એ નીચેના દરજ્જાની સ્થિતિ છે. આદમનું પતન જ્યારે તેને ‘જ્ઞાન’ થયું ત્યારે થયું હતું; તે પહેલાં તે ઈશ્વર હતો, સત્ય હતો, પવિત્ર હતો. મોં તો આપણું પોતાનું જ હોવા છતાં આપણે માત્ર પ્રતિબિંબને જ જોઈ શકીએ છીએ, કદી સત્ય વસ્તુને – મૂળ વસ્તુને જોઈ શકતા નથી. આપણે પ્રેમસ્વરૂપ છીએ પણ જ્યારે આપણે તેનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે એક આભાસનો ઉપયોગ કરવો પડે છે; એ સાબિત થાય છે કે જડપદાર્થ માત્ર ૧ બહિર્ભૂત થયેલો વિચાર છે.

નિવૃત્તિ એટલે સંસારથી વિમુખ થવું. હિંદુ પુરાણો કહે છે કે જે આદિ૨ ચારનું સર્જન કરવામાં આવ્યું તેને હંસે (ઈશ્વરે પોતે) ચેતવણી આપી હતી કે અભિવૃત્તિ કેવળ ગૌણ છે; તેથી તેમણે સૃષ્ટિ રચી નહીં. આનો અર્થ છે કે વ્યક્તભાવ એટલે અધોગમન, કારણ કે આત્માને શબ્દથી જ વ્યક્ત કરી શકાય અને ૩ ‘શબ્દ નાશ કરે છે.’ છતાં મૂળ તત્ત્વને તો જડ તત્ત્વ વડે આચ્છાદિત થયા વિના છૂટકો નથી, જો કે આપણને ખબર ભલે હોય કે આગળ ઉપર આપણે આવરણમાં અટવાઈને સત્ વસ્તુને વીસરી જઈશું. પ્રત્યેક મહાન ઉપદેશક આ સત્ય સમજે છે અને તેથી આપણને મૂળ તત્ત્વ બતાવવા અને તે સમયને અનુરૂપ નવું આવરણ આપવા અવતારોની પરંપરાએ સતત આવવું જ પડે છે. મારા ગુરુદેવનો ઉપદેશ એ હતો કે ધર્મ એક છે; બધા પયગંબરો એક જ વાતનો ઉપદેશ કરે છે; પણ મૂળ તત્ત્વને તેઓ અમુક આકાર દ્વારા જ રજૂ કરી શકે, તેથી તેઓ મૂળ તત્ત્વને પુરાણા આકારમાંથી બહાર કાઢીને તેને નવે સ્વરૂપે આપણી આગળ રજૂ કરે છે. જ્યારે આપણને સારા કે ખરાબ શરીરની જરૂર નથી રહેતી – માત્ર ત્યારે જ આપણે બંધનમાંથી છૂટી જઈએ છીએ. સતત વિકાસ એ સતત બંધન છે; આકારનો વિનાશ વધુ ઇચ્છવા યોગ્ય છે. આપણે કોઈ પણ પ્રકારના દેહમાંથી, ‘દેવ – શરીર’માંથી પણ છૂટવું જ જોઈએ. ઈશ્વર જ એકમાત્ર સત્ વસ્તુ છે; તે બે ન હોઈ શકે. આત્મા એક જ છે અને તે હું છુંઃ सोऽहम्।

સત્કર્માેની માત્ર છટકબારી તરીકે કિંમત છે; તેઓ માત્ર તેના કર્તાને ફાયદો કરે છે, અન્યને કદી નહીં.

જ્ઞાન એટલે કેવળ વર્ગીકરણ. જ્યારે આપણે એ જ જાતની ઘણી વસ્તુઓ જોઈએ ત્યારે તેના સમૂહને અમુક ચોક્કસ નામ આપીએ છીએ અને સંતોષ પામીએ છીએ. આપણે ‘હકીકતો’ શોધી કાઢીએ છીએ, ‘શા માટે’ તે કદી શોધતા નથી. અંધકારના વિશાળ વર્તુળમાં આપણે ચક્કર લગાવીએ છીએ અને માનીએ છીએ કે આપણે કંઈક જાણીએ છીએ! આ દુનિયાની અંદર કોઈપણ ‘શા માટે’ એવા પ્રશ્નનો ઉત્તર આપી શકાય નહીં. તે માટે આપણે ઈશ્વર પાસે જવું જોઈએ. જ્ઞાતા કદી પણ વ્યક્ત કરી શકાય નહીં. જેમ મીઠાની કણી સાગરમાં નાખવાથી તરત જ સાગરમાં મળી જાય છે, તેના જેવું એ છે.

ભેદભાવ સૃષ્ટિ રચે છે. એક્તા અથવા સમતા એ ઈશ્વર છે. ભેદભાવથી પર જાઓ; ત્યારે તમે જીવન અને મૃત્યુને જીતી શકો, શાશ્વત સમત્વને પામો અને ઈશ્વરમાં રહો, ઈશ્વર બનો. જિંદગીના જોખમે પણ મુક્તિ પ્રાપ્ત કરો. જેમ ચોપડીનાં પાનાં હોય છે, તેમ બધી જ જિંદગીઓ આપણી છે. પણ આપણે પરિવર્તન રહિત સાક્ષી, આત્મા છીએ. જેમ એક ઊંબાડિયું ઝડપથી ગોળગોળ ઘુમાવવાથી આંખને એક વર્તુળનો ભાસ થાય છે, તેમ આત્મા ઉપર છાપ પડે છે. તમામ વ્યક્તિત્વોનું ઐક્ય આત્મા છે; અને તે શાંત છે, સનાતન છે, પરિવર્તનરહિત છે માટે તે ઈશ્વર છે, આત્મા છે. આત્મા જીવન નથી, પણ તેને જીવનનું રૂપ આપવામાં આવ્યું છે, તે સુખ નથી પણ તેને સુખરૂપે બતાવવામાં આવ્યો છે…

***

આજે દુનિયા ઈશ્વરને તજી રહી છે કારણ કે તે દુનિયા માટે પૂરતા પ્રમાણમાં કંઈ કરતો દેખાતો નથી. તેથી તેઓ કહે છેઃ ‘તે શા કામનો છે?’ શું આપણે ઈશ્વરને એકમાત્ર સુધરાઈ ખાતાના અધિકારી તરીકે જ જોઈશું?

આપણે તો માત્ર સર્વ ઇચ્છાઓનો, ધિક્કારનો, ભેદભાવનો ત્યાગ કરી શકીએ; અધમ અહંભાવને બેસાડી દઈએ – જાણે માનસિક આત્મઘાત કરીએ; શરીર અને મનને શુદ્ધ અને તંદુરસ્ત રાખીએ. પણ તે બધું માત્ર ઈશ્વર પ્રતિ જવાનાં મદદગાર સાધનો તરીકે; એ જ તેમનો સાચો ઉપયોગ છે. સત્યને કેવળ સત્યની ખાતર જ શોધો, સુખને શોધો નહીં. તે આવે તો ભલે આવે; પણ તે તમારે માટે પ્રેરક તત્ત્વ બનવું ન જોઈએ. ઈશ્વર સિવાય બીજો કોઈ હેતુ ન રાખો. નરકમાં થઈને આવવું પડે તો પણ સત્ય પ્રતિ જવાની હિંમત રાખો.

(૧. જ્ઞાતા પોતાને નહીં પણ પોતાના પ્રતિબિંબને જાણી શકે તેથી તે સર્વદા અજ્ઞેય છે. એટલે કે જ્ઞાતાથી જ્ઞાન ભિન્ન અને જુદું છે અને તેથી તે બહિર્ભૂત થયેલો વિચાર અથવા સ્વતંત્ર તત્ત્વ તરીકે જ્ઞાતાની બહાર આવેલો વિચાર છે. હવે જો જ્ઞાતા ચૈતન્યના નામથી ઓળખાય, તો જે તેનાથી અનોખું અને ભિન્ન છે તે જડ પદાર્થના નામથી જ ઓળખાવું જોઈએ. માટે સ્વામીજી કહે છે કે ‘જડ પદાર્થ માત્ર બહિર્ભૂત થયેલો વિચાર છે.’

૨. સૃષ્ટિમાં સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલ ચાર ઋષિઓ, સનત, સનંદન, સનાતન અને સનત્કુમાર.

૩. બાઇબલ ૨, કોર. ૬.)

શુક્રવાર, તારીખ ૨૮મી જૂન

(આજે આખો દિવસ આખી મંડળી ઉજાણી માટે ગયેલી અને જો કે ગમે ત્યાં હોય તો પણ સ્વામીજી તો સતત ઉપદેશ આપ્યા જ કરતા હતા, પરંતુ તેની કોઈ નોંધ લેવામાં આવી ન હતી અને તેથી તેમણે જે કહેલું તે અંગે કશું લખાણ રહ્યું નથી. પણ નીકળતાં પહેલાં જ્યારે તેઓ અલ્પાહાર લેવા બેઠા હતા ત્યારે તેમણે કહ્યુંઃ)

સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વ વ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે કંઈ કરીએ છીએ તેમાં સહાય કરે છે.

શનિવાર, તારીખ ૨૯મી જૂન

(આજ સવારે સ્વામીજી હાથમાં ગીતા લઈને આવ્યા.)

‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને કહે છે. આ જગત ‘ધર્મક્ષેત્ર’ (રણભૂમિ) છે. પાંચ ભાઈઓ (ધર્મના પ્રતિનિધિઓ) બીજા સો ભાઈઓ (જે વસ્તુઓને આપણે ચાહીએ છીએ અને જેને માટે આપણે સામનો કરવો પડે છે.) તેની સાથે લડે છે; વીર શ્રેષ્ઠ ભાઈ અર્જુન (જાગ્રત આત્મા) સેનાપતિ છે. આપણે સઘળા ઇંદ્રિયોના ભોગની સાથે – જે વસ્તુઓ તરફ આપણને અતિશય આસક્તિ હોય છે તેમની સાથે – તેમને હણવા માટે લડવું પડે છે. આપણે એકલા ઊભા રહેવું પડે છે; આપણે બ્રહ્મ છીએ. બીજા બધા ભાવો આ ભાવમાં સમાવી દેવા જોઈએ.

શ્રીકૃષ્ણ સર્વ કંઈ કરતા, પરંતુ અનાસક્ત ભાવે કરતા; તેઓ આ સંસારમાં હતા પણ સંસારના ન હતા, ‘બધું કર્મ કરો પણ આસક્તિ વિના કરો; કર્મ ખાતર કર્મ કરો, તમારા ખાતર કદાપિ નહીં.’

***

નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા છીએ; વળી તે મુક્ત નથી પણ સાન્ત છે, તેથી જે સાપેક્ષ હોય તેની મુક્તિ કદી સાચી ન હોય. એક ઘડો એમ કદીય ના કહી શકે કે ઘડા તરીકે ‘હું મુક્ત છું;’ માત્ર જ્યારે તે આકારના બધા ખ્યાલ ગુમાવે છે ત્યારે જ તે મુક્ત બને છે. આખું વિશ્વ વિવિધતા ભરેલો માત્ર આત્મા જ છે, વૈવિધ્યથી બનેલો એક જ સૂર છે; કવચિત્ તેમાં વિસંવાદ હોય છે, પણ પાછળથી સંવાદિતાને વધારે પૂર્ણ બનાવે છે. વિશ્વની સ્વરસંવાદિતામાં ત્રણ ભાવનાઓ અલગ પડી આવે છેઃ મુક્તિ, શક્તિ અને સમતા.

જો તમારી મુક્તિ બીજાને નુકસાન પહોંચાડે તો તમે મુક્ત નથી. તમારે બીજાઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.

મિલ્ટન કહે છેઃ ‘નિર્બળ થવું એટલે દુઃખી થવું.’ કરવું અને ભોગવવું એ બંને અભિન્ન રીતે જોડાયેલાં છે. (ઘણીવાર જે માણસ અતિશય હસે છે તે જ અતિશય દુઃખી થાય છે.) ‘કર્મ કરવામાં તમારો અધિકાર છે તેના ફળમાં નહીં.’ (कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। ભગવદ્ ગીતા ૨ઃ ૪૭)

***

ખરાબ વિચારો ભૌતિક દૃષ્ટિએ જોતાં, રોગનાં જંતુઓ છે.

આપણાં શરીર લોઢાના ગઠ્ઠા જેવાં છે; આપણો દરેક વિચાર તેના પર પડતા હથોડાના હળવા ઘા રૂપ છે, જેના વડે આપણે જેવું શરીર બનાવવા ઇચ્છીએ તેવું તે બનાવે છે.

જગતના સર્વ શુભ વિચારોના આપણે વારસદારો છીએ; જો આપણે તેના પ્રતિ પોતાની જાતને મુક્ત કરી દઈએ.

***

પુસ્તક આખુંય આપણી અંદર જ છે. મૂર્ખ! શું તને સંભળાતું નથી? તારા પોતાના હૃદયમાં જ દિવસ અને રાત પેલું સનાતન સંગીત ગૂંજી રહ્યું છે सच्चिदानन्द, सोऽहम्, सोऽहम्। ‘સત્ ચિત્ આનંદ; હું તે છું, હું તે છું.’

સર્વ જ્ઞાનનું ઝરણું કીડીમાં તેમ જ ઉચ્ચમાં ઉચ્ચ દેવતામાં, આપણા દરેકે દરેકમાં છે. ખરો ધર્મ એક જ છે, પણ આપણે તેનાં પ્રકારો, પ્રતીકો, દૃષ્ટાંતો અંગે ઝઘડીએ છીએ. જેમને શોધવું હોય તેમને માટે તો સ્વર્ગનું રાજ્ય અહીં જ છે. આપણે તો આપણને પોતાને ખોઈ બેઠા છીએ અને પછી એમ ધારીએ છીએ કે દુનિયા ખોવાઈ ગઈ છે.

પૂર્ણ શક્તિને દુનિયામાં કશી જ પ્રવૃત્તિ હોતી નથી. તે તો માત્ર છે જ – તે કાર્ય કરતી નથી.

જ્યારે સાચું પૂર્ણત્વ એક જ છે, ત્યારે સાપેક્ષ પૂર્ણત્વ અનેક હોવાં જ જોઈએ.

રવિવાર, તારીખ ૩૦મી જૂન

આભાસ વિના વિચાર કરવો તે અશક્યને શક્ય બનાવવાના જેવું છે. નક્કર દૃષ્ટાંત સિવાય આપણે સસ્તન પ્રાણીનો ખ્યાલ ન કરીએ શકીએ. ઈશ્વરના ખ્યાલ વિશે તે જ પ્રમાણે સમજવું.

જગતમાંના વિચારોના મહાન નિરાકાર તત્ત્વને આપણે ઈશ્વર કહીએ છીએ.

દરેક વિચારને બે અંગ હોય છેઃ વિચારાત્મક અને શબ્દાત્મક; આપણી પાસે એ બંને હોવાં જોઈએ. વિજ્ઞાનવાદીઓ કે જડવાદીઓ, બેમાંથી કોઈ સાચા નથી. આપણે વિચાર અને તેની અભિવ્યક્તિ, બંનેને લેવાં જોઈએ.

સઘળું જ્ઞાન પ્રતિબિંબિત થયેલી વસ્તુનું જ થાય છે, કારણ કે આપણો ચહેરો આપણે માત્ર આરસીમાં જ જોઈ શકીએ. કોઈ પણ પોતાના આત્મા કે ઈશ્વરને જાણી નહીં શકે; પરંતુ આપણે પોતે જ તે આત્મા છીએ, આપણે જ ઈશ્વર છીએ.

જ્યારે ‘તમારાપણું’ના રહે ત્યારે જ તમે નિર્વાણ પામ્યા છો. બુદ્ધે કહ્યુંઃ જ્યારે તમે તમે નથી હોતા, જ્યારે ક્ષુદ્ર અહંભાવનો અભાવ હોય છે, ‘ત્યારે તમે શ્રેષ્ઠ છો, ત્યારે તમે સત્ય છો.’

ઘણા ખરા મનુષ્યોમાં અંદરનો દિવ્ય પ્રકાશ ઢંકાઈ ગયેલો હોય છે. તે લોઢાના પીપમાં રાખેલ દીવા જેવું છે; તેમાંથી પ્રકાશની એક રેખા પણ બહાર અજવાળું ન આપી શકે. ધીમે ધીમે, પવિત્રતા અને નિઃસ્વાર્થભાવથી આપણે ઢાંકી રાખતા એ અંતરાયને તે કાચ જેવો પારદર્શક બને ત્યાં સુધી ઓછો ને ઓછો ગાઢ કરી શકીએ. શ્રીરામકૃષ્ણ લોઢાનું પીપ કાચના પીપમાં ફેરવાઈ ગયા હોય તેવા હતા, જેના કારણે અંદરનો પ્રકાશ જેવો હતો તેવો જ બહાર જોઈ શકાતો. આપણે બધાય તે કાચના પીપ જેવાં બનવાને – તેથી ઊંચાં અને વધુ ઊંચાં પ્રતિબિંબો બનવાને માર્ગે જ છીએ. જ્યાં સુધી ‘પીપ’ છે ત્યાં સુધી આપણે ભૌતિક સાધનો દ્વારા જ વિચાર કરવો પડશે. કોઈ પણ અધીરો માનવી કદી પણ સફળતા મેળવી શકે નહીં.

***

મહાન સંતો સિદ્ધાંતના ઉદાહરણ સમા છે. પણ શિષ્યો સંતને જ સિદ્ધાંત બનાવે છે અને પછી તેઓ તે વ્યક્તિ માંહેના સિદ્ધાંતને વીસરી જાય છે.

એક વ્યક્તિરૂપ ઈશ્વર સામેના બુદ્ધના સતત આક્ષેપોને પરિણામે ભારતમાં મૂર્તિપૂજા દાખલ થઈ. વેદોમાં મૂર્તિઓ ન હતી કારણ કે તેઓ ઈશ્વરને સર્વત્ર જોઈ શકતા. પણ સ્રષ્ટા અને સુહૃદ ઈશ્વર ગુમાવવાનો પ્રત્યાઘાત મૂર્તિઓ બનાવવામાં પરિણમ્યો અને બુદ્ધ પોતે જ મૂર્તિ બન્યા. ઈશુની બાબતમાં પણ તે જ પ્રમાણે બન્યું. મૂર્તિઓની કક્ષા ભલે લાકડા અને પાષાણથી માંડીને ઈશુ અને બુદ્ધ સુધીની છે, પણ આપણને પ્રતિમાઓ હોવી જ જોઈએ.

***

આવેશભર્યા સુધારાઓ હંમેશાં પ્રગતિનો અવરોધ કરવામાં પરિણમે છે. ‘તમે ખરાબ છો’ તેમ ન કહો; માત્ર એટલું જ કહોઃ ‘તમે સારા તો છો; પણ વધારે સારા બનો.’

પુરોહિતો પ્રત્યેક દેશમાં એક અનિષ્ટરૂપ છે, કારણ કે તેઓ હંમેશાં ઉતારી પાડવાની અને ટીકા કરવાની વૃત્તિ ધરાવે છે; તેઓ એક દોરીને સુધારવા માટે એવી ખેંચે છે કે બીજી બેત્રણ સ્થાનભ્રષ્ટ થઈ જાય છે. પ્રેમ કદીય પણ ઉતારી પાડતો નથી, માત્ર મહત્ત્વાકાંક્ષા તેમ કરે છે. ‘પ્રામાણિક’ ક્રોધ કે ન્યાયી હિંસા જેવી કોઈ વસ્તુ જ નથી.

જો તમે કોઈને સિંહ નહીં થવા દો, તો તે શિયાળ બનશે. સ્ત્રીઓ એક શક્તિ છે; માત્ર હમણાં તે અનિષ્ટરૂપે વિશેષ છે અને પુરુષ સ્ત્રી ઉપર જુલમ કરે એટલે તે અત્યારે શિયાળ છે; પણ જ્યારે તેના ઉપર જુલમ ગુજારવામાં આવશે નહીં ત્યારે તે સિંહ બની જશે.

સામાન્ય રીતે કહીએ તો આધ્યાત્મિક આકાંક્ષા બુદ્ધિની સમતોલ રાખવી જોઈએ; નહીં તો તે માત્ર વેવલાપણામાં ઊતરી જાય…

***

અંતિમ તત્ત્વ વિશેની પોતાની ભાવનાઓમાં ભલે બધા ઈશ્વરવાદીઓ જુદો જુદો મત ધરાવે, છતાં તેઓ એટલું સ્વીકારે છે કે પરિવર્તનશીલ જગતની પાછળ પરિવર્તનરહિત એક તત્ત્વ છે. બુદ્ધે આનો ‘તદ્દન’ અસ્વીકાર કર્યાે. તેમણે કહ્યુંઃ ‘બ્રહ્મ નથી, આત્મા નથી; જીવ નથી.’

એક ચારિત્ર્યવાન વ્યક્તિ તરીકે બુદ્ધ જગતે કદી જોયા ન હોય તેવી મહાનમાં મહાન વ્યક્તિ હતા; ઈશુનું સ્થાન તેમની પછી આવે. પણ ગીતામાં અપાયેલો શ્રીકૃષ્ણનો ઉપદેશ તો જગતે ભાગ્યે જ જાણ્યો હોય તેવો બધામાં સર્વાેત્તમ છે. જેણે તે અદ્ભુત કાવ્ય રચ્યું તે એક એવા વિરલ આત્માઓ માંહેનો હતો કે જેમના જીવને, જગતભરમાં નવજીવનના તરંગો ઉત્પન્ન કર્યા. ગીતા જેણે રચી, તેના જેવું મસ્તિષ્ક માનવજાત ફરીથી કદાપિ નહીં જુએ.

***

અશુભ તરીકે કે શુભ તરીકે પ્રગટ થનારી શક્તિ તો માત્ર એક જ છે. દેવ અને દાનવ એ સામસામી દિશાનાં વહેતાં પાણીવાળી એક જ નદી છે.

સોમવાર, તારીખ ૧લી જુલાઈ

(શ્રીરામકૃષ્ણ દેવ)

શ્રીરામકૃષ્ણ એક એવા અત્યંત રૂઢિચુસ્ત બ્રાહ્મણના પુત્ર હતા કે જે બ્રાહ્મણોની એક વિશિષ્ટ જ્ઞાતિ સિવાયની અન્ય કોઈ વ્યક્તિ પાસેથી દાન ન લેતા; તેનાથી કંઈ ધંધો ન કરી શકાય કે મંદિરમાં પૂજારી પણ ન થવાય; દક્ષિણા લઈને કર્મકાંડ ન કરી શકાય કે કોઈની નોકરી પણ ના થાય; તે ‘આકાશવૃત્તિ’ પર જ રહેતા હતા અને દાન મળે તે પણ કોઈ ‘પતિત’ બ્રાહ્મણનું તો ન જ લેતા. હિંદુ ધર્મ ઉપર મંદિરોની કોઈ જ સત્તા ચાલતી નથી; જો તે બધાંનો નાશ કરવામાં આવે તો પણ ધર્મને લેશમાત્ર હાનિ ન પહોંચે. માણસે ઘર બંધાવવું હોય તો તે ‘ઈશ્વર અને અતિથિ’ માટે બંધાય; પોતા માટે ઘર બાંધવું તે સ્વાર્થી લેખાય. આથી તે ઈશ્વરના નિવાસ માટે મંદિરો ઊભાં કરે છે.

પોતાના કુટુંબની અત્યંત ગરીબ હાલતને કારણે કિશોર અવસ્થામાં જ શ્રીરામકૃષ્ણને કાલીમાતાના મંદિરમાં પૂજારી થવું પડ્યું. તેને જ પ્રકૃતિ કે કાલી કહે છે અને પુરુષ – આકાર ઉપર પગ દબાવીને ઊભેલી એ સ્ત્રી આકારરૂપે છે. એટલે કે જ્યાં સુધી માયા આવરણ ન ઊંચકે ત્યાં સુધી આપણને કંઈ જ્ઞાન ન થાય. બ્રહ્મ લિંગભેદરહિત, અજ્ઞાત અને અજ્ઞેય છે; પણ જ્ઞેયભાવ પ્રાપ્ત કરવા માટે તે માયાનું આવરણ સ્વીકારે છે, વિશ્વની જનની બને છે અને આમ, સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. નીચે સૂતેલું સ્વરૂપ (શિવ અથવા ઈશ્વર) શવ (નિષ્પ્રાણ કે મૃત) બનેલું છે કારણ કે તે માયાથી આચ્છાદિત છે. જ્ઞાની કહે છેઃ ‘હું ઈશ્વરને બળજબરીથી આવરણરહિત કરીશ’ (અદ્વૈતવાદ); પણ દ્વૈતવાદી કહે છેઃ ‘હું માને પ્રાર્થના કરીને, જેની ચાવી તેની એકલીની પાસે છે તે દ્વારને ઉઘાડીને, ઈશ્વરને હું આવરણ રહિત કરીશ.’

કાલીમાતાની નિત્યપૂજાએ ધીરે ધીરે તે યુવાન પૂજારીના હૃદયમાં એવી ઉત્કટ ભક્તિ જાગ્રત કરી કે મંદિરમાં પદ્ધતિસરની પૂજા કરવાનું તેમનાથી બન્યું નહિ; તેથી તેમણે પોતાનું કાર્ય છોડી દીધું અને મંદિરના વિસ્તારમાં એક નાની ઝાડીમાં જઈને ત્યાં તે નિરંતર ધ્યાન કરવા લાગ્યા. આ ઝાડી ગંગાને કિનારે હતી અને એક દિવસે ગંગાના જોરદાર પ્રવાહમાં તેમની પાસે આવશ્યક સાધનો ખેંચાઈ આવ્યાં, જેમાંથી તેમણે પોતા માટે એક નાનો વાડો બનાવ્યો. આ જગામાં તે રહેતા, રડતા અને પ્રાર્થના કર્યા કરતા; દિવ્ય માતાજી સિવાય પોતાના દેહની કે બીજી કોઈ ચીજની પરવા તેમને ન હતી. તેમનો એક સગો દિવસમાં એક વાર તેમને ખાવાનું આપતો અને તેમની દેખભાળ રાખતો. તે પછી એક સંન્યાસિની એટલે એક સ્ત્રીતપસ્વિની તેમને ‘મા’ને પ્રાપ્ત કરવામાં મદદ કરવા આવી. જે જે ગુરુઓની તેમને જરૂર હતી તે તેમની પાસે આપમેળે આવ્યા. દરેક સંપ્રદાયમાંથી કોઈક પવિત્ર સંત તેમની પાસે આવતા અને તેમને ઉપદેશ આપવા તત્પર થતા. એ બધાને તે આતુરતાથી સાંભળતા. પણ તે ઉપાસના માત્ર માની કરતા; તેમને માટે સર્વ કાંઈ ‘મા’ જ હતું.

શ્રીરામકૃષ્ણ કદી પણ કોઈની વિરુદ્ધમાં કટુ શબ્દ બોલતા નહીં. તેઓ એવી સુંદર સહિષ્ણુતા ધરાવતા હતા કે દરેક સંપ્રદાય એમ માનતા કે તે પોતાના છે. સર્વ તરફ તે પ્રેમ રાખતા; તેમને મન બધા ધર્માે સત્ય હતા. તેમની પાસે દરેકને માટે સ્થાન હતું. તેઓ મુક્ત હતા પણ પ્રેમમય રીતે મુક્ત હતા, ‘ગર્જનાભરી’ રીતે નહિ. નરમ પ્રકૃતિ સર્જન કરે છે, ગર્જનશીલ પ્રકૃતિ ફેલાવો કરે છે. સંત પોલ પ્રકાશ ફેલાવનાર ગર્જનશીલ પ્રકૃતિના હતા. (ઘણાંએ કહ્યું છે કે સ્વામી વિવેકાનંદ પોતે શ્રીરામકૃષ્ણના સંત પોલ જેવા હતા.)

સંત પોલનો યુગ વીતી ગયો છે. ચાલુ સમય માટે આપણે નવા દીવાઓ બનવું પડશે. એક આપમેળે સુમેળ સાધતી સંસ્થા આપણા સમયની મહાન આવશ્યકતા છે. આપણને જ્યારે તે મળી શકશે ત્યારે તે દુનિયાનો છેવટનો ધર્મ હશે. ચક્ર તો ચાલવું જ જોઈએ; એટલે આપણે તેને મદદ કરવી જોઈએ, હરકત નહીં. ધાર્મિક વિચારના તરંગો ઊઠે છે અને શમી જાય છે; તેના ‘સર્વાેચ્ચ શિખર’ ઉપર તે કાળનો ‘પયગમ્બર’ ઊભો હોય છે. શ્રીરામકૃષ્ણ આજનો રચનાત્મક ધર્મ – નહિ કે વિનાશાત્મક – શીખવવા આવ્યા. હકીકતો જાણવા માટે તેમને ફરીથી પ્રકૃતિ માતા પાસે જવું પડ્યું; તેમાંથી વૈજ્ઞાનિક ધર્મ મેળવ્યો. આ ધર્મ કદીય કહેતો નથી કે ‘માની લો;’ તે કહે છે કે ‘જાતે જુઓ;’ ‘હું જોઉં છું અને તમે પણ જોઈ શકો.’ તે જ સાધનોનો ઉપયોગ કરો એટલે તમને પણ તે જ દર્શન થશે. ઈશ્વર દરકેને પ્રાપ્ત થશે; સંવાદિતાએ સૌ પહોંચી શકશે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ ‘હિંદુત્વનો સાર’ છે; એ તેમની પોતાની ખાસ વિશિષ્ટતા નથી; એવો દાવો તેમણે કદી કર્યાે પણ નથી. તેમને કદી નામ કે યશની પરવા ન હતી.

ચાલીસ વર્ષની ઉંમરે તેમણે ઉપદેશ આપવો શરૂ કર્યાે; પણ તેમ કરવાને તેઓ પોતે સામે જતા નહીં. જે લોકોને તેમના ઉપદેશની જરૂર હોય તેઓ તેમની પાસે આવે, તેની તેમણે રાહ જોઈ. હિંદુ રિવાજ મુજબ નાની વયમાં જ તેમનાં માતાપિતાએ એક પાંચ વર્ષની બાળકી સાથે તેમનાં લગ્ન કર્યાં હતાં; દૂરના ગામમાં તે પોતાનાં માબાપ પાસે રહેતી. જે મહાન સાધનાઓમાંથી તેનો યુવાન પતિ પસાર થતો હતો તેનો તેને ખ્યાલ પણ ન હતો. જ્યારે તે ઉંમરલાયક થઈ ત્યારે પતિ તો આધ્યાત્મિક સાધનામાં મગ્ન બની ગયેલ હતા. જે દક્ષિણેશ્વરના મંદિરમાં તેઓ રહેતા હતા ત્યાં તે પગે ચાલીને પહોંચી. એમને જોતાંવેંત જ તે ઓળખી ગઈ કે પોતાનો પતિ શું છે, કારણ કે તે પોતે જ એક મહાન પવિત્ર અને શુદ્ધ આત્મા હતો. તેની માત્ર ઇચ્છા તેમના કાર્યમાં મદદ કરવાની હતી; તેમને ગૃહસ્થ (સંસારી)ની કક્ષાએ નીચે લાવવાની તેણે કદીય ઇચ્છા ન કરી.

ભારતમાં એક મહાન અવતાર તરીકે શ્રીરામકૃષ્ણદેવ પુજાય છે. તેમનો જન્મદિવસ એક મહાન ધાર્મિક ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે.

***

સર્વવ્યાપક વિષ્ણુના પ્રતીક તરીકે એક વિચિત્ર ગોળ પાષાણ છે. રોજ સવારે પૂજારી આવીને તે પ્રતિમાને નૈવેદ્ય ધરાવે છે, તેની આગળ ધૂપ કરે છે, તેને શયન કરાવે છે અને એ રીતની પૂજા કરવા માટે ઈશ્વરની માફી માગે છે, કારણ કે માત્ર પ્રતિમા દ્વારા કે કોઈ ભૌતિક વસ્તુ દ્વારા જ તેનો વિચાર કરી શકે છે. મૂર્તિને તે સ્નાન કરાવે છે, વસ્ત્ર પહેરાવે છે અને તેને જીવંત બનાવવા પોતાના દિવ્ય આત્માની તેમાં પ્રતિષ્ઠા કરે છે.

***

એક એવો સંપ્રદાય છે, જે એમ કહે છે કે ‘શુભ અને સુંદરની જ ઉપાસના કરવી તે નિર્બળતા છેઃ જે ભયંકર અને અશુભ હોય તેને પણ આપણે ચાહવા જોઈએ અને તેની ઉપાસના કરવી જોઈએ.’ આ પંથ આખા તિબેટમાં પ્રચલિત છે; ત્યાં લગ્નપ્રથા નથી. ભારતમાં તેઓ ખુલ્લી રીતે રહી શકે નહીં, પરંતુ ગુપ્ત સંસ્થાઓ સ્થાપે છે. કોઈ પણ વિવેકી માણસ તેનો સભ્ય નહીં થાય, સિવાય કે ‘છૂપી રીતે.’તિબેટમાં ત્રણ વખત સામ્યવાદ સ્થાપવાના પ્રયાસ કરવામાં આવ્યા અને ત્રણે વખત તે નિષ્ફળ ગયા. તેઓ તપનો ઉપયોગ કરે છે અને અલૌકિક શક્તિની બાબતમાં તો ઘણી રીતે સફળ થયા છે.

તપનો અક્ષરશઃ અર્થ થાય છે ‘બાળવું’. ઉચ્ચ સ્વભાવને ‘તપાવવો’ તે એક પ્રકારનું તપ છે. કવચિત્ તે આખો દિવસ, સૂર્યાેદયથી સૂર્યાસ્ત સુધી સતત ૐનો જાપ કરવાના વ્રતરૂપે હોય છે. આ કર્માેથી એક ચોક્કસ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે કે જેને તમે આધ્યાત્મિક કે ભૌતિક, ધારો તે પ્રકારમાં ફેરવી શકો. સમગ્ર હિંદુ ધર્મમાં તપનો આ ભાવ ઓતપ્રોત થઈ રહ્યો છે. હિંદુઓ એમ પણ કહે છે કે સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે ઈશ્વરે તપ કર્યું. સઘળું કરવા માટે તે એક પ્રકારનું માનસિક સાધન છે. ‘ત્રણ લોકમાંની હરેક વસ્તુ તપથી મેળવી શકાય.’…

***

જે સંપ્રદાયો વિશે પોતાને સહાનુભૂતિ નથી હોતી તેમની બાબતમાં માહિતી આપનારા લોકો જાણ્યે કે અજાણ્યે બંને રીતે ખોટું બોલનારા હોય છે. એક સંપ્રદાયમાં માનનારો અન્ય મતોમાં ભાગ્યે જ સત્ય દેખી શકે.

***

એક મહાન ભક્ત (હનુમાન)ને પૂછવામાં આવ્યું કે અમુક દિવસે કઈ તિથિ છે? તો તેણે કહ્યુંઃ ‘ઈશ્વર જ મારી સનાતન તિથિ છે; બીજી કોઈ તિથિની મને પરવા નથી.’

મંગળવાર, તારીખ ૨જી જુલાઈ

(દિવ્ય માતા)

શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. તેમને મન માતા નામ સૌથી મીઠું છે, કારણ કે ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે ઉપાસના કરવામાં આવે છે ત્યારે હિંદુઓ તેને ‘દક્ષિણ માર્ગ’ કહે છે; તે આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે, પરંતુ ભૌતિક સમૃદ્ધિ તરફ કદી જ નહીં. જ્યારે ઈશ્વરના ભયંકર સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે ત્યારે તે ‘વામમાર્ગ’ કહેવાય છે; તેનાથી સામાન્યતઃ ભૌતિક સમૃદ્ધિ ખૂબ પ્રાપ્ત થાય છે, પણ આધ્યાત્મિકતા ભાગ્યે જ મળે છે; અને અંતે તે અનાચારને માર્ગે દોરી જાય છે, તથા જે જાતિ તેનું આચરણ કરે છે તેને આખરે વિનાશને માર્ગે લઈ જાય છે.

માતા એ શક્તિનું પ્રથમ પ્રાગટય છે અને પિતા કરતાં વધુ ઉચ્ચ ભાવના મનાય છે. બાળક પોતાની માતાની બાબતમાં માને છે તેમ ‘માતા’ના નામની સાથે જ શક્તિનો, દિવ્ય શક્તિનો અને સર્વશક્તિમત્વનો ખ્યાલ પેદા થાય છે. દિવ્ય માતા આપણામાં સુષુપ્ત રીતે રહેલી કુંડલિની (ગૂંચળું વળીને રહેલી શક્તિ,) છે; તેની ઉપાસના કર્યા સિવાય આપણે આપણા સ્વરૂપને ઓળખી શકીએ નહિ. સર્વશક્તિમતી, કરુણામયી, સર્વવ્યાપી, વગેરે બધા દિવ્ય માના ગુણો છે. વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે. વિશ્વમાં શક્તિની દરેક અભિવ્યક્તિ ‘મા’ છે. તે જીવન છે, તે બુદ્ધિ છે, તે પ્રેમ છે; તે વિશ્વમાં છે, છતાં તેનાથી અલગ છે. તે એક વ્યક્તિ છે અને (જેમ શ્રીરામકૃષ્ણે તેને જોઈ હતી અને જાણી હતી તેમ) તેને જોઈ શકાય અને જાણી શકાય છે. માની ભાવના મનમાં દૃઢ થયા પછી આપણે બધું જ કરી શકીએ; પ્રાર્થનાનો તે તરત ઉત્તર આપે છે.

તે આપણને ગમે તે રૂપમાં, ગમે તે પળે ‘પોતાનાં દર્શન’ આપી શકે. દિવ્ય માને રૂપ અને નામ હોય, અગર રૂપ વિના પણ નામ હોઈ શકે અને જેમ જેમ આપણે તેની આ વિવિધ સ્વરૂપે ઉપાસના કરીએ તેમ તેમ આપણે નામરૂપરહિત શુદ્ધ સત્ વસ્તુ તરફ ઊંચે ચડી શકીએ.

શરીરરચના માંહેના સર્વ કોશોનો કુલ સરવાળો એ એક વ્યક્તિ. તે પ્રમાણે પ્રત્યેક જીવાત્મા એક કોશ જેવો છે અને તેનો સરવાળો તે ઈશ્વર છે અને તેનાથી પર છે નિર્વિશેષ. સાગરની તરંગરહિત અવસ્થા એ નિર્વિશેષ બ્રહ્મ; તે જ સાગર તરંગમય બને ત્યારે કહેવાય દિવ્યમાતા. માતા જ દેશ, કાળ અને નિમિત્ત છે. ઈશ્વર માતા છે અને તેની બે અવસ્થા છે; સગુણ અને નિર્ગુણ. સગુણરૂપે તે ઈશ્વર, જીવ અને જગત છે; નિર્ગુણરૂપે તે અજ્ઞાત અને અજ્ઞેય છે. નિર્ગુણમાંથી અસ્તિત્વના ત્રિકોણ સમા ઈશ્વર, જીવ અને જગતરૂપી ત્રિમૂર્તિ નીકળી. આ છે વિશિષ્ટાદ્વૈતવાદ.

જગન્માતાનું એક બિંદુ હતું કૃષ્ણ; બીજું એક બિંદુ બુદ્ધ હતું, અન્ય એક ઈશુ હતું. આપણી ભૌતિક માતામાં રહેલી જગન્માતાના માત્ર એક પ્રકાશઅંશની ભક્તિ પણ ગૌરવ પ્રાપ્ત કરાવે છે. જો તમારે પ્રેમ અને જ્ઞાન મેળવવું હોય તો જગદંબાની ભક્તિ કરો.

બુધવાર, તારીખ ૩જી જુલાઈ

સામાન્ય રીતે કહીએ તો માનવીના ધર્મની શરૂઆત ભયથી થાય છે. ‘ઈશ્વરનો ડર એ જ્ઞાનનો આરંભ છે,’ પણ પાછળથી ઉચ્ચ વિચાર આવે છે ‘પૂર્ણ પ્રેમ ભયને પણ ફગાવી દે છે.’ જ્યાં સુધી આપણને જ્ઞાન નહીં મળે, ઈશ્વર શું છે તે જાણી નહીં શકીએ, ત્યાં સુધી ભયનો અંશ રહેવાનો. ઈશુ માનવ હતા એટલે એમને અપવિત્રતા જોવી પડી અને તેનો તિરસ્કાર કર્યાે. પણ ઈશ્વર અનંતગણો ઉચ્ચ હોવાથી તે દુષ્ટતા દેખતો નથી અને તેથી તે ગુસ્સે પણ ન થઈ શકે. કોઈને ઉતારી પાડવું તેમાં કોઈ મહત્તા જ નથી. ડેવિડના હાથ લોહીથી ખરડાયેલા હતા તેથી દેવળ બાંધી શક્યો નહીં. (બાઇબલ; સેમ્યુઅલ; પ્રકરણ ૧૭ને છેડે.)

જેમ જેમ આપણે પ્રેમ, સદ્ગુણ અને પવિત્રતામાં આગળ વધીએ તેમ તેમ આપણે બહાર પ્રેમ, સદ્ગુણ અને પવિત્રતા વધારે જોવા લાગીએ. બીજાઓનો તિરસ્કાર કરવામાં વાસ્તવિક રીતે આપણે આપણો જ તિરસ્કાર કરીએ છીએ. વ્યષ્ટિને વ્યવસ્થિત બનાવો (એ તમારા હાથની વાત છે) એટલે સમષ્ટિ આપોઆપ તમારે માટે અનુકૂળ બનશે. તે જળ સમતોલના વિરોધાભાસી નિયમ જેવું છે કે જેમાં પાણીનું એક ટીપું આખા વિશ્વને સમતુલામાં રાખી શકે. આપણે અંદર જે ન હોઈએ તે બહાર જોઈ ન શકીએ. નાના એન્જિનની સરખામણીમાં જેમ મોટું એન્જિન છે તેમ આપણી સરખામણીમાં વિશ્વ છે. નાના એન્જિનમાં કંઈ પણ ખામીની સૂચના મોટાની અંદર પણ તેવી ખામીની કલ્પના ઊભી કરે છે.

દુનિયામાં વિકાસનું જે જે પગલું ખરેખર લાભદાયી નીવડ્યું છે તે કેવળ પ્રેમથી જ સાધ્ય કરાયું છે. ટીકા કરવાથી કંઈ સારું થતું નથી; હજારો વર્ષાે સુધી તેની અજમાયશ કરવામાં આવી છે. તિરસ્કારથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી.

સાચા વેદાંતીએ બધા પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. અદ્વૈતવાદ કે નિર્વિશેષ એકતા વેદાંતનો આત્મા છે. દ્વૈતવાદીઓ સ્વાભાવિક રીતે જ અસહિષ્ણુ થવાનું, પોતાનો માર્ગ જ એક માત્ર ખરો માર્ગ છે, એવું માનવાનું વલણ ધરાવે છે. ભારતમાંના દ્વૈતવાદી વૈષ્ણવોનો સંપ્રદાય ઘણો અસહિષ્ણુ છે. બીજો એક દ્વૈતવાદી પંથ છે શૈેવોનો. તેમનામાં ઘંટાકર્ણની, એટલે કાને બાંધેલા ઘંટવાળા એક ભક્તની કથા કહેવામાં આવે છે. તે શિવનો એવો ચુસ્ત ભક્ત હતો કે બીજા દેવોનું નામ સાંભળવા પણ માગતો ન હતો; તેથી બીજા ઈશ્વરી નામોચ્ચારવાળો કોઈ પણ શબ્દ સંભળાતો અટકાવવા માટે તેણે પોતાના બંને કાન આગળ ઘંટડીઓ બાંધી હતી. શિવ પ્રત્યેની તેની અનન્ય નિષ્ઠાને કારણે, શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ નથી તે તેને સમજાવવાની શિવને ઇચ્છા થઈ; તેથી તેઓ ઘંટાકર્ણની પાસે અર્ધા વિષ્ણુ અને અર્ધા શિવ એવા સ્વરૂપે પ્રગટ થયા. તે સમયે ભક્ત ઘંટાકર્ણ શિવની ધૂપથી પૂજા કરી રહ્યો હતો. પણ ઘંટાકર્ણની એવી તો ધર્માંધતા હતી કે જ્યારે ધૂપની સુગંધ વિષ્ણુની નાસિકામાં પ્રવેશે છે, એમ તેણે જોયું ત્યારે તેણે ધૂપની મીઠી સુગંધનો ઉપભોગ વિષ્ણુને ન કરવા દેવા માટે વિષ્ણુના નાકમાં આંગળી ખોસી દીધી…

***

માંસાહારી પ્રાણી – દાખલા તરીકે સિંહ એક પ્રહાર કરી લે પછી ‘શાંત થાય છે,’ પણ ધૈર્યવાળો બળદ આખો દિવસ ચાલ્યા જ કરે છે અને ચાલતાં ચાલતાં ચરતો જાય છે ને ઊંઘે પણ છે. ‘ચપળ યાન્કી’ ભાતખાઉ ચીની મજૂરની સાથે હરીફાઈ નહીં કરી શકે. જ્યાં સુધી લશ્કરી સત્તાનું પ્રાબલ્ય છે ત્યાં સુધી માંસાહાર પ્રબળ રહેશે. પણ વિજ્ઞાનના વિકાસની સાથે લડાઈ ઓછી થશે અને પછી નિરામિષતા આવશે.

***

ઈશ્વરને ચાહવા માટે આપણે પોતે જ બે ભાગમાં વહેંચાઈએ છીએઃ હું પોતે મારા આત્માને ચાહનારો બનું છું. ઈશ્વરે મને સર્જ્યાે છે અને મેં ઈશ્વરને સર્જ્યાે છે. આપણે ઈશ્વરને આપણી પ્રતિકૃતિ રૂપે ઉત્પન્ન કરીએ છીએ; તેને આપણા અધિપતિ તરીકે સર્જનાર આપણે જ છીએ, ઈશ્વરે આપણને તેના દાસ બનાવ્યા નથી. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વર સાથે એક છીએ, આપણે અને ઈશ્વર મિત્રો છીએ, ત્યારે સમાનતા અને સ્વાતંત્ર્ય આવે છે. જ્યાં સુધી તમે પોતાને આ સનાતન પુરુષથી એક વાળ જેટલાય જુદા ગણશો ત્યાં સુધી ભય જઈ શકશે નહીં.

એથી દુનિયાનું શું ભલું થશે? તેવો મૂર્ખાઈભર્યાે પ્રશ્ન કદીય પૂછશો નહીં. દુનિયાને ચાલે છે તેમ ચાલવા દો. પ્રેમ રાખો, કંઈ માગો નહીં; પ્રેમ રાખો, તેથી વધુ કંઈ ઇચ્છા રાખો નહીં; પ્રેમ રાખો અને બધા ‘વાદો’ને ભૂલી જાઓ. પ્રેમની પ્યાલી પીઓ અને મસ્ત બનો. કહો કે ‘હે પ્રભુ! હું તારો છું, સર્વદા તારો જ છું.’ બીજું બધું ભૂલીને બસ ઝુકાવો. ઈશ્વરનો વિચાર પોતે જ પ્રેમ છે. બિલાડી પોતાનાં બચ્ચાં પર વહાલ કરતી હોય ત્યારે તે જોયા કરો અને પ્રાર્થના કરો. ઈશ્વર ત્યાં પ્રગટ થયો છે; આ અક્ષરશઃ માનો. વારંવાર કહોઃ ‘હું તારો છું, હું તારો છું,’ કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર સર્વત્ર છે. તેની શોધ કરવા જાઓ નહીં; માત્ર તેને જુઓ જ.

‘વિશ્વજ્યોતિ, વિશ્વાત્મા ઈશ્વર તમને સદા દીર્ઘાયુ કરો!’…

***

નિર્વિશેષની ઉપાસના કરી શકાય નહિ, તેથી આપણે પોતપોતાના સ્વભાવ અનુસાર કોઈ પ્રગટ રૂપની ઉપાસના કરવી જોઈએ. જિસસમાં આપણા જેવો સ્વભાવ હતો; તે ક્રાઈસ્ટ બન્યા. તે જ પ્રમાણે આપણે થઈ શકીએ અને થવું ‘જ’ જોઈએ. ઈશુ અને બુદ્ધ તો જે સ્થિતિએ પહોંચવાનું છે તે સ્થિતિનાં નામ છે; જિસસ અને ગૌતમ એ તેને પ્રગટ કરનારા મનુષ્યો હતા. પ્રથમ અને સર્વાેચ્ચ અભિવ્યક્તિ એ ‘મા’ છે; પછી આવે ઈશુ અને બુદ્ધ. આપણે આપણું વાતાવરણ ઘડીએ અને બેડીઓ તોડીએ. આત્મા નિર્ભય છે. જ્યારે આપણે આપણી બહાર ઈશ્વરને ભજીએ છીએ ત્યારે તે સારું છે, પણ આપણે શું કરીએ છીએ એ આપણે જાણતા નથી. જ્યારે આત્માને જાણીએ છીએ ત્યારે આપણે તે સમજીએ છીએ. પ્રેમનું સર્વાેચ્ચ પ્રાગટય ઐક્યમાં છે.

‘એક એવો સમય હતો, જ્યારે

હું સ્ત્રી હતી અને તે પુરુષ હતો;

છતાં પ્રેમ વિકાસ પામ્યો અને પછી

ન રહ્યો તે અને ન રહી હું!

એક સમયે બે હતાંઃ માત્ર

મને એ ઝાંખી સ્મૃતિ છે કે

પણ વચમાં આવ્યો પ્રેમ

અને તેમને એક બનાવ્યાં.’

– ફારસી સૂફી કાવ્ય.

જ્ઞાન નિત્ય છે અને ઈશ્વરની સાથે સદા વર્તમાન છે. જે માણસ આધ્યાત્મિક નિયમને શોધી કાઢે છે તે દ્રષ્ટા છે અને તે જે શોધે છે તે તેનું દર્શન છે. પરંતુ દર્શન પણ નિત્ય છે; તેને અંતિમ સત્ય તરીકે નક્કી કરી નાખીને આંધળું અનુકરણ કરવાનું નથી. હિંદુઓ તેમના પોતાના જ ધર્મની ટીકા કરવાની હિંમત કરે છે એમ કહીને તેના વિજેતાઓએ ઘણાં વર્ષાે સુધી તેમની ટીકા કરી છે. પરંતુ આ વલણ જ તેમને સ્વતંત્ર બનાવે છે. તેમના પરદેશી રાજકર્તાઓએ અજાણપણે તેમનાં બંધનો કાપી નાખ્યાં. પૃથ્વી પરના ધાર્મિકમાં ધાર્મિક લોકો ગણાતા હિંદુઓને ઈશ્વરની પોતે નિંદા કરે છે એવો વિચાર જ આવતો નથી. પવિત્ર વસ્તુઓ વિશે ઠીક લાગે તેમ બોલવું તે પુણ્યકારી છે તેમ તેઓ માને છે; તેમને પેગંબરો, ધર્મગ્રંથો કે દંભી ધાર્મિક આચારો પ્રત્યે કશું કૃત્રિમ માન પણ નથી.

ખ્રિસ્તી (ધર્મ) સંપ્રદાય પોતે ઈશુને અનુરૂપ બનવા મથતો નથી; પણ ઈશુને પોતાને અનુરૂપ બનાવવા માગે છે. તેથી બાઇબલનાં જે લખાણો પોતાના અર્થને અનુકૂળ હતાં તેટલાં સાચવવામાં આવ્યાં. માટે જ ધર્મગ્રંથો ઉપર આધાર રાખી શકાય નહિ અને ગ્રંથપૂજા એ આપણે પગે સાંકળ બાંધનારી ખરાબમાં ખરાબ પ્રકારની પ્રતિમાપૂજા છે. વિજ્ઞાન, ધર્મ, ફિલસૂફી બધાંએ ધર્મગ્રંથને અનુરૂપ થવું જોઈએ! પ્રોટેસ્ટંટ પંથના બાઇબલનો આ ભયંકરમાં ભયંકર જુલમ છે. ખ્રિસ્તી દેશમાં દરેક દરેક માથે લાદેલું એક મોટું દેવળ છે અને તેની ઉપર એક ગ્રંથ છે; અને છતાંય મનુષ્ય જીવે છે અને વિકાસ પામે છે! આ ઉપરથી શું એ સિદ્ધ નથી થતું કે મનુષ્ય ઈશ્વર છે?

મનુષ્ય સૌથી ઉચ્ચ પ્રાણી છે અને આ લોક સૌથી મહાન લોક છે. આપણે ઈશ્વર વિશે માનવથી વધુ ઉચ્ચ ખ્યાલ બાંધી ન શકીએ; તેથી આપણો ઈશ્વર માનવ છે અને માનવ ઈશ્વર છે. જ્યારે આપણે ઊંચે ચઢીએ અને કંઈ વધુ ઉચ્ચ તત્ત્વને મેળવીએ, ત્યારે આપણે મન, શરીર અને કલ્પના, બધાંમાંથી બહાર નીકળી જવું પડે છે અને દુનિયા છોડવી પડે છે; જ્યારે આપણે નિર્વિશેષ તત્ત્વ પ્રત્યે પહોંચીએ છીએ ત્યારે આપણે આ દુનિયાના હોતા નથી. જે એકમાત્ર દુનિયા આપણે કદીયે જાણી શકીએ, તેના શિખરે માનવ ઊભો છે. પ્રાણીઓ વિશે આપણે જે કંઈ જાણીએ છીએ તે માત્ર સરખામણી દ્વારા જાણીએ છીએ. આપણે જે કરીએ અને અનુભવીએ છીએ તે પરથી આપણે તેમના વિશે ખ્યાલો બાંધીએ છીએ.

જ્ઞાનનો કુલ સરવાળો સર્વદા એકસરખો જ છે; માત્ર ક્વચિત્ તે વિશેષ પ્રમાણમાં તો ક્વચિત્ ઓછા પ્રમાણમાં પ્રકટ થાય છે. તેનું એકમાત્ર ઉત્પત્તિસ્થાન અંદર છે અને ત્યાં જ તે સાંપડે છે.

***

સઘળી કવિતા, સઘળી ચિત્રકળા અને સઘળું સંગીત, એ શબ્દ દ્વારા, રંગ દ્વારા અને સ્વર દ્વારા વ્યક્ત કરાયેલી ઊર્મિ જ છે.

***

જેમને પોતાના પાપનાં ફળ જલદી મળે છે તેઓ ધન્ય છે, કેમ કે તેમનો હિસાબ તેટલો વહેલો પતી જાય છે! જેમની સજામાં વિલંબ થાય તેમના ભોગ લાગ્યા ગણવા, કારણ કે તે તેટલી વધે છે!

જેમણે સમત્વ પ્રાપ્ત કર્યું છે તેઓ બ્રહ્મમાં સ્થિત કહેવાય છે. સર્વ પ્રકારનો ધિક્કાર એ ‘આત્માથી આત્માનો’ નાશ કરવા જેવું છે અને તેથી પ્રેમ એ જીવનનો કાનૂન છે. આ સ્થિતિએ પહોંચવું તેનું નામ પૂર્ણત્વ પ્રાપ્ત કરવું, પરંતુ આપણે જેટલા વધારે પૂર્ણ થઈએ તેટલી આપણી (કહેવાતી) પ્રવૃત્તિ ઓછી થાય. સાત્ત્વિક વૃત્તિવાળા પુરુષો જુએ છે અને જાણે છે કે આ બધું માત્ર બાળકના ખેલ જેવું છે અને તેથી તેઓ કોઈ પ્રકારની ઉપાધિમાં પડતા નથી.

પ્રહાર કરવો તો સહેલો છે પણ હાથને રોકવો, શાંત રહીને કહેવું કે ‘હે ઈશ્વર! હું તારે શરણે છું’ અને ઈશ્વર કરે તેની રાહ જોવી, એ અત્યંત દુષ્કર છે.

શુક્રવાર, તારીખ ૫મી જુલાઈ

ગમે તે પળે તમે પલટાવા તૈયાર ન હો તો તમે સત્યને કદી પણ જોઈ શકશો નહીં; પણ તમારે આગ્રહ રાખીને સત્યની શોધમાં દૃઢ રહેવું જોઈએ…

ભારતના અતિ પ્રાચીન ‘ચાર્વાક’ સંપ્રદાયના લોકો કટ્ટરવાદી હતા. તેઓ અત્યારે તો મરી પરવાર્યા છે અને તેમના ઘણા ખરા ગ્રંથો ગુમ થઈ ગયા છે. તેઓ એમ કહેતા કે આત્મા એ શરીર અને તેનાં બળોનું પરિણામ હોઈ શરીરના નાશ સાથે જ તે નાશ પામે છે અને શરીરની પછીના તેના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી. ઇંદ્રિયો દ્વારા મળતું જ્ઞાન જ તેઓ સ્વીકારતા; અનુમાન – પ્રમાણોનો તેઓ અસ્વીકાર કરતા.

***

દિવ્યત્વ અને માનવત્વ એક જ હોય તેનું નામ સમાધિ અથવા ‘સમત્વ મેળવવું.’…

***

જડવાદ કહે છે કે મુક્તિનો અવાજ એ ભ્રમ છે; વિજ્ઞાનવાદ કહે છે કે જે અવાજ બંધનનો પોકાર પાડે છે તે ભ્રમ છે. વેદાંત કહે છે કે તમે એકી સાથે મુક્ત છો અને મુક્ત નથી; ભૌતિક જગતની ભૂમિકાએ તમે કદી મુક્ત નથી; પરંતુ આધ્યાત્મિક ભૂમિકાએ સદૈવ મુક્ત છો.

મુક્તિ અને બંધન બંનેથી પર થાઓ.

આપણે શિવસ્વરૂપ છીએ; આપણે ઇંદ્રિયોથી પર અવિનાશી જ્ઞાનસ્વરૂપ છીએ.

દરેકની પાછળ અનંત શક્તિ છે; જગન્માતાને પ્રાર્થના કરો, એટલે તે તમને દર્શન દેશે.

‘હે માતા વાગ્વાદિની! તું સ્વયંભૂ છે; વાણીરૂપે મારા હોઠ ઉપર તું પ્રગટ થા!’ (હિંદુ મંત્ર).

‘વજ્ર ગર્જના જેવો જેનો શબ્દ છે તેવી હે માતા! તું મારામાં પ્રગટ થા! હે કાલી! હે સનાતન કાલશક્તિ! હે અપ્રતિહત શક્તિ! હે શક્તિ!’

શનિવાર, તારીખ ૬ઠ્ઠી જુલાઈ

(આજે વ્યાસનાં વેદાંતસૂત્રો પરના શાંકરભાષ્યનો વિષય હતો.)

ॐ तत्सत्

આચાર્ય શંકરના મત પ્રમાણે જગતના અનુભવનાં બે અંગો છે. એક હું (अस्मत्प्रत्यय) અને બીજું તું (युक्ष्मत्प्रत्यय)ઃ બેઉ પ્રકાશ અને અંધકાર જેટલાં પરસ્પર વિરોધી છે, તેથી એ કહેવાની જરૂર જ નથી કે બેમાંથી એક પણ બીજામાંથી નીકળી ન શકે. જ્ઞાતા (विषयी) ઉપર જ્ઞેય (विषय) નો અધ્યાસ થયેલો છે; જ્ઞાતા (विषयी) જ એકમાત્ર સત્તા છે, બીજું એટલે કે જ્ઞેય (विषय) તો માત્ર આભાસ છે. એથી ઊલટો સિદ્ધાંત ટકી શકે તેવો નથી. જડ પદાર્થ અને બાહ્ય જગત એ અમુક અવસ્થામાં રહેલો આત્મા જ છે; વસ્તુતઃ તો જે છે તે એક જ છે.

આપણું સમગ્ર જગત સત્ય અને અસત્યના સંયોગથી ઉત્પન્ન થાય છે. બળોના સમાન્તર ચતુષ્કોણ કર્ણરેખા પર થતી દડાની ગતિની પેઠે આપણી ઉપર કાર્ય કરી રહેલાં વિવિધ બળોનું પરિણામ એ સંસાર. જગત ઈશ્વર છે અને સાચું છે, પણ તે જગત આપણે જે જોઈએ છીએ તે નહીં; એ તો આપણે છીપમાં રૂપું જોઈએ છીએ પણ તે ત્યાં નથી હોતું, તેના જેવું છે. આને અધ્યાસ કહેવામાં આવે છે. જેવી રીતે આપણે એક દૃશ્ય જોયું હોય તેને સ્મૃતિમાં લાવીએ છીએ, તેમ સાચી વસ્તુ ઉપર આધારિત સાપેક્ષ અસ્તિત્વ, તેનું નામ અધ્યાસ. થોડા કાળ માટે તે આપણા માટે અસ્તિત્વ ધરાવે છે પણ તે અસ્તિત્વ સાચું નથી. અગર જેમ કેટલાક લોકો કહે છે તેમ ઉષ્ણતા એ પાણીનો ગુણ નથી છતાં આપણે પાણીમાં ઉષ્ણતા કલ્પીએ છીએ તેમ. તેથી અધ્યાસ એટલે કોઈ વસ્તુ કે જ્યાં તે નથી ત્યાં તેનું દેખાવું, ‘જે વસ્તુ છે નહીં છતાં તે જ છે તેમ સ્વીકારી લેવું.’ (अतस्मिंस्तद्ग्रहणम्) આપણે સત્યને જોઈએ છીએ ખરા પણ જે માધ્યમ મારફત આપણે તેને જોઈએ છીએ તેનાથી તે વિકૃત થયેલું દેખાય છે.

જ્ઞેય બનાવ્યા સિવાય તમે પોતાને જોઈ શકો જ નહીં. જ્યારે આપણે એક ચીજને બીજી તરીકે સ્વીકારી લેવાની ભૂલ કરીએ છીએ ત્યારે આપણે જે ચીજ આપણી પાસે છે તેને જ સાચી લેખી લઈએ છીએ, જે અદૃષ્ટ છે તેને કદાપિ સાચી લેખતા નથી. આ રીતે આપણે જ્ઞેય પદાર્થને જ્ઞાતા ગણી લેવાની ભૂલ કરીએ છીએ. આત્મા કદીય જ્ઞેયપદાર્થ બનતો નથી. મન એ આંતર ઇંદ્રિય છે, બહારની ઇંદ્રિયો તેનાં સાધનો છે. જ્ઞાતામાં જ્ઞેયત્વ ઉત્પન્ન કરવાની થોડી શી શક્તિ છે તેથી તે ‘હું છું’ એમ જાણી શકે છે; પરંતુ જ્ઞાતા પોતે પોતાનો જ જ્ઞેય છે, મન કે ઇંદ્રિયોનો કદી નહીં. તો પણ તમે એક વિચારનો બીજા વિચાર પર અધ્યારોપ કરી શકો. જેમ કે આપણે કહીએ છીએ કે ‘આકાશ ભૂરું છે.’ અહીં આકાશ પોતે માત્ર એક વિચાર જ છે. વિદ્યા અને અવિદ્યા બંને છે; પણ આત્માને અવિદ્યાથી કંઈ અસર થતી નથી. સાપેક્ષ જ્ઞાન સારું છે, કારણ કે તે નિરપેક્ષ જ્ઞાન તરફ લઈ જાય છે. પરંતુ ઇંદ્રિયોનું જ્ઞાન કે મનનું જ્ઞાન અગર વેદોનું જ્ઞાન પણ સાચું નથી, કારણ કે તે બધાંય સાપેક્ષ જ્ઞાનના ક્ષેત્રમાં રહેલાં છે. ‘હું શરીર છું’ તે ભ્રમણાનો પ્રથમ ત્યાગ કરો; ત્યાર પછી જ આપણે ખરું જ્ઞાન માગી શકીએ. મનુષ્યનું જ્ઞાન એ પશુજ્ઞાનની માત્ર વધુ ઊંચી માત્રા જ છે.

***

વેદોનો એક ભાગ કર્મકાંડ, વિધિઓ અને વિધાનો વિશેનો છે. બીજો ભાગ બ્રહ્મજ્ઞાન વિશેનો છે અને તે ધર્મની ચર્ચા કરે છે. આ ભાગમાં વેદ આત્મા વિશે ઉપદેશ આપે છે અને એમ કરે છે માટે વેદોનું જ્ઞાન સત્ય જ્ઞાનની નજીક છે. નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન કોઈ ગ્રંથ ઉપર કે કોઈ વસ્તુ ઉપર આધાર રાખતું નથી; તે પોતામાં જ સ્વતઃસિદ્ધ છે. ગમે તેટલો ગ્રંથોનો અભ્યાસ કરો તો પણ આ જ્ઞાન મળે નહીં. તે સિદ્ધાંત નથી, સાક્ષાત્કાર છે. અરીસા ઉપરથી રજ દૂર કરો, તમારા પોતાના મનને પવિત્ર બનાવો, તો એક ચમકારામાં તમને જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું.

અસ્તિત્વ એક ઈશ્વરનું જ છે. નથી જન્મ કે નથી મૃત્યુ, નથી દર્દ કે નથી દુઃખ, નથી ઘાત કે નથી વિકાર, નથી શુભ કે નથી અશુભ; સર્વ કંઈ બ્રહ્મ છે. આપણે ‘રજ્જુને સર્પ માની લઈએ છીએ.’ ભૂલ આપણી છે… જ્યારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ અને તે આપણા પ્રેમનું પ્રતિબિંબ પાડે, માત્ર ત્યારે જ આપણે પારકાનું ભલું કરી શકીએ. ખૂની પણ ઈશ્વર પોતે જ છે; માત્ર ‘ખૂનીનો વેશ’ તેના ઉપર અધ્યાસરૂપે છે. તેનો હાથ પકડીને તેને સત્ય કહો.

આત્માને કોઈ જ્ઞાતિ નથી; તેને કોઈ જ્ઞાતિ છે એમ માનવું એ જ ભ્રમ છે; તે જ પ્રમાણે આત્માને જીવન અને મૃત્યુ છે અથવા આત્મામાં કોઈ પણ ગતિ છે કે ગુણ છે તેમ માનવું, એ પણ ભ્રમ છે. આત્મા કદી પરિવર્તન પામતો નથી, નથી તે કદી જતો કે નથી કદી આવતો. તે પોતાની બધી અભિવ્યક્તિઓનો સનાતન સાક્ષી છે, પણ આપણે તેને તેની અભિવ્યક્તિરૂપે માની લઈએ છીએ. એ અનાદિ અને અનંત એવો એક સનાતન ભ્રમ સર્વદા ચાલી રહ્યો છે. તો પણ વેદોએ આપણી કક્ષા ઉપર ઊતરી આવવું જ જોઈએ, કારણ કે જો તેઓ સર્વાેચ્ચ સત્યને સર્વાેચ્ચ રીતે કહી બતાવે તો આપણને તે સમજાય જ નહીં.

સ્વર્ગ એ ઇચ્છામાંથી ઉત્પન્ન થતો વહેમ – કલ્પનામાત્ર છે અને ઇચ્છા એક બંધન જ છે – અધોગમન છે. કોઈ પણ વસ્તુને ઈશ્વરભાવ સિવાય બીજે રૂપે જુઓ નહીં. જો આપણે બીજે રૂપે તેને જોઈએ તો આપણે અનિષ્ટને જોઈએ છીએ, કારણ કે આપણે જે જોઈએ છીએ તેના ઉપર એક ભ્રમણાનું આવરણ નાખીએ છીએ અને પછી આપણને અનિષ્ટ દેખાય છે. આ ભ્રમણાઓમાંથી મુક્ત બનો; ધન્ય બનો. મુક્તિ એટલે સર્વ ભ્રમણાઓનું વિસર્જન.

એક અર્થમાં બ્રહ્મને દરેક મનુષ્ય જાણે છે; ‘હું છું’ એમ તે જાણે છે. પણ મનુષ્ય પોતાના ખરા સ્વરૂપને જાણતો નથી. આપણે બધા જાણીએ છીએ, પણ આપણે કઈ રીતે છીએ તે કોઈ જાણતા નથી. નીચલી કોટિના બધા ખુલાસાઓ અધૂરાં સત્યો છે; પણ વેદોનું પુષ્પ, વેદોનો અર્ક તો એ છે કે આપણા દરેકમાં વસતો આત્મા બ્રહ્મ છે. જન્મ, વૃદ્ધિ અને વિનાશમાં – ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં તમામ ઘટનાઓનો સમાવેશ થઈ જાય છે. આપણો આત્માનો સાક્ષાત્કાર વેદોથી પર છે, કારણ કે વેદોનો પણ આધાર તો એ સાક્ષાત્કાર છે. સર્વાેચ્ચ વેદાંત સર્વાતીતની ફિલસૂફી છે.

સૃષ્ટિને આદિ છે તેમ કહેવું તે ખુદ તત્ત્વજ્ઞાનના મૂળમાં કુઠાર મારવા જેવું છે.

માયા એ વિશ્વની નિષ્ક્રિય તેમજ સક્રિય બંને પ્રકારની શક્તિ છે. જ્યાં સુધી મહામાયા આપણને મુક્તિ આપે નહીં ત્યાં સુધી આપણે મુક્ત થઈ ન શકીએ.

વિશ્વ આનંદ લેવા માટે આપણું જ છે, પરંતુ કંઈ પણ ઇચ્છો નહીં; ઇચ્છવું તે નિર્બળતા છે. ઇચ્છા આપણને ભિખારી બનાવે છે અને આપણે તો રાજાના પુત્રો છીએ; ભિખારીઓ નથી.

રવિવાર સવાર, તારીખ ૭મી જુલાઈ

અનંત અભિવ્યક્તિ અનેક વિભાગોમાં પોતાને વહેંચવા છતાંય અનંત જ રહે છે; પ્રત્યેક વિભાગ અનંત છે. (અનંત તો એક, અદ્વિતીય, સર્વદા અવિભાજ્ય અને અવ્યક્ત છે. ‘અનંત અભિવ્યક્તિ’ શબ્દો વાપરીને સ્વામીજી ‘દૃશ્ય અને અદૃશ્ય જગત’ કહેવા માગે છે. તે જો કે અસંખ્ય રૂપોનું બનેલું છે અને એ રૂપો જો કે પોતાના સ્વભાવે જ મર્યાદિત છે, છતાં સમગ્રરૂપે તો જગત સર્વદા અનંત છે. એટલું જ નહીં, તેનો એક વિભાગ પણ અનંત છે, કારણ તે દરેક વિભાગ તેની સાથે અવિભક્ત રીતે સંયુક્ત છે.)

વિકારી અને અવિકારી; વ્યક્ત અને અવ્યક્ત, બંને રૂપે બ્રહ્મ એક જ છે. જાણી લો કે જ્ઞાતા અને જ્ઞેય એક જ છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન – એક ત્રિપુટી જ આ વિશ્વ રૂપે અભિવ્યક્ત થાય છે. યોગી ધ્યાનમાં જે ઈશ્વરને જુએ છે તે પોતાના આત્માની શક્તિને લીધે જુએ છે.

આપણે જેને પ્રકૃતિ કે પ્રારબ્ધ કહીએ છીએ તે માત્ર ઈશ્વરની ઇચ્છા જ છે.

જ્યાં સુધી ભોગની ઇચ્છા હોય ત્યાં સુધી બંધન રહે જ છે. અપૂર્ણતા જ આનંદ જાણી શકે, કારણ કે ભોગ ભોગવવો એટલે ઇચ્છાપૂર્તિ. માનવ જીવાત્મા પ્રકૃતિને ભોગવે છે; પ્રકૃતિ, જીવ અને ઈશ્વરની અંદર રહેલું સત્ય બ્રહ્મ છે, પણ જ્યાં સુધી આપણે તેને બહાર ન લાવીએ ત્યાં સુધી તે (બ્રહ્મ) અદૃશ્ય રહે છે. જેવી રીતે ઘર્ષણથી આપણે અગ્નિને ઉત્પન્ન કરી શકીએ છીએ, તેમ ‘પ્રમથન’ અથવા ઘર્ષણથી તે બ્રહ્મને બહાર લાવી શકાય છે. શરીર એ નીચેનું (અરણી) કાષ્ઠ છે, ૐ એ ઉપરનું અણીદાર કાષ્ઠ છે અને ધ્યાન એ મંથનની (ઘસવાની) ક્રિયા છે. જ્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બ્રહ્મના જ્ઞાનરૂપી જે પ્રકાશ છે તે આત્મામાં પ્રકાશી ઊઠશે. તપ દ્વારા તેને મેળવો; શરીરને ટટાર રાખીને ઇંદ્રિયોનો મનમાં લય કરો. ઇંદ્રિયોનાં કેન્દ્રો અંદર છે અને ઇંદ્રિયો બહાર છે; તેમને મનમાં ધકેલો અને ધારણા (એકાગ્રતા) વડે મનને ધ્યાનમાં સ્થિર કરો. દૂધમાં માખણની માફક બ્રહ્મ વિશ્વમાં વ્યાપી રહેલ છે, પણ (તાપરૂપી) ઘર્ષણ તેને એક સ્થળે જમાવે છે. જેમ મંથન કરવાથી દૂધમાંથી માખણ બહાર આવે છે તે જ પ્રમાણે ધ્યાન આત્મામાં બ્રહ્મનો સાક્ષાત્કાર લાવે છે.

સઘળી હિંદુ ફિલસૂફી ઘોષણા કરે છે કે એક છઠ્ઠી ઇંદ્રિય છે, જેને અતિચેતના કહેવામાં આવે છે અને તેની દ્વારા પ્રેરણા મળે છે.

***

વિશ્વ એ નિરંતર ગતિ છે અને ઘર્ષણ સઘળાનો આખરે અંત લાવશે. પછી આવશે અવ્યક્ત અવસ્થા અને ત્યાર પછી ફરીથી પાછો સર્વનો નવેસરથી આરંભ…

***

જ્યાં સુધી ‘ચર્માકાશ’ – શરીરરૂપી આકાશ, માણસની આસપાસ વીંટળાઈ રહ્યું છે, એટલે કે જ્યાં સુધી તે શરીર સાથે પોતાનું તાદાત્મ્ય અનુભવે છે, ત્યાં સુધી તે ઈશ્વરને જોઈ શકે નહીં.

રવિવાર બપોર પછી

ભારતમાં તત્ત્વજ્ઞાનની છ વિચારપ્રણાલીઓને આસ્તિક દર્શનો લેખવામાં આવે છે, કારણ કે તેઓ વેદને પ્રમાણરૂપ માને છે.

વ્યાસનું તત્ત્વજ્ઞાન ‘બીજા બધા કરતાં’ ઉપનિષદોનું વધારે છે. તેમણે તે સૂત્રરૂપે એટલે કે કર્તા કે ક્રિયાપદ સિવાય બીજગણિત જેવી ટૂંકી સંજ્ઞાઓમાં લખ્યું છે. તેથી એ એવું દ્વિઅર્થી બની ગયું. તેમાંથી દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત અગર ‘વેદાંત ગર્જના’ ઉત્પન્ન થયાં; અને આ જુદી જુદી વિચારપદ્ધતિઓના ભાષ્યકારોએ પોતપોતાના તત્ત્વજ્ઞાનની પદ્ધતિને એ સૂત્રો અનુકૂળ બને એટલા માટે કોઈ કોઈવાર ‘ઈરાદાપૂર્વક જૂઠાં’ બનાવ્યાં.

ઉપનિષદોમાં કોઈ પણ માણસનાં કાર્યાેનો ઇતિહાસ સાવ નજીવો છે; પરંતુ બીજાં લગભગ બધાં ધર્મશાસ્ત્રો મોટે ભાગે વ્યક્તિઓના ઇતિહાસો છે. વેદો લગભગ સર્વાંશે તત્ત્વજ્ઞાનનું જ નિરૂપણ કરે છે. તત્ત્વજ્ઞાન વિનાનો ધર્મ વહેમમાં પરિણમે છે; ધર્મ વિનાનું તત્ત્વજ્ઞાન એ સૂકો નિરીશ્વરવાદ બને છે.

વિશિષ્ટાદ્વૈત એટલે વિશેષતાઓવાળું અદ્વૈત. તેના પ્રચારક હતા શ્રી રામાનુજ. તેઓ કહે છેઃ ‘વેદરૂપી દૂધના સાગરમાંથી વ્યાસે મંથન કરીને માનવજાતને વધુ સારી રીતે સહાયભૂત થવા માટે આ તત્ત્વજ્ઞાનરૂપી નવનીત કાઢ્યું છે.’ વળી તેઓ કહે છેઃ ‘જગદીશ્વર બ્રહ્મમાં બધા શુભ ગુણો અને બધાં શુભ લક્ષણો રહેલાં છે. તે પુરુષશ્રેષ્ઠ છે.’ મધ્વાચાર્ય પૂરેપૂરા દ્વૈતવાદી છે. તેઓ તો કહે છે કે સ્ત્રીઓ પણ વેદનું અધ્યયન કરી શકે. તેઓ મુખ્યત્વે પુરાણોના આધાર ટાંકે છે. તેઓ કહે છે કે બ્રહ્મ એટલે વિષ્ણુ, શિવ તો નહીં જ, કારણ કે વિષ્ણુ સિવાય બીજા કોઈ દ્વારા મુક્તિ નથી.

સોમવાર, તારીખ ૮મી જુલાઈ

મધ્વાચાર્યના ભાષ્યમાં તર્કને સ્થાન જ નથી; તે બધુંય વેદના ઈશ્વરીય જ્ઞાનમાંથી લેવાયેલું છે.

રામાનુજ કહે છે કે વેદોનું અધ્યયન સૌથી વધુ પાવનકારી છે. ઉપલા ત્રણ વર્ણના છોકરાઓને સૂત્ર (જનોઈ) આપો અને આઠ, દશ કે અગિયાર વર્ષની ઉંમરે તેમને વેદનો અભ્યાસ શરૂ કરાવો, એટલે કે ગુરુ પાસે જઈને સંપૂર્ણ સ્વરો અને ઉચ્ચારો સહિત વેદોનો અભ્યાસ કરાવો.

જપ એટલે પવિત્ર નામનું રટણ; આની દ્વારા ભક્ત અનંતને પહોંચે છે. યજ્ઞ અને કર્મકાંડરૂપી આ નૌકા બહુ જ નબળી છે; મુક્તિસ્વરૂપ એકમાત્ર બ્રહ્મને જાણવા માટે તેથી વિશેષની આપણને જરૂર છે. મુક્તિ એટલે અજ્ઞાનનો નાશ, એથી વધુ કંઈ જ નહીં અને આપણે બ્રહ્મને જાણીએ ત્યારે જ અજ્ઞાનનો નાશ થાય. વેદાંતનો અર્થ સમજવા માટે આ બધાં કર્મકાંડો કરવાની જરૂર નથી; ૐકારનો જપ જ બસ છે.

ભેદભાવ જોવો તે સર્વ દુઃખનું કારણ છે અને ભેદભાવ જોવાનું કારણ અજ્ઞાન છે. એટલા માટે જ કર્મકાંડની જરૂર નથી, કારણ કે તેનાથી અસમાનતાની ભાવના વધે છે, કાં તો કંઈક દૂર કરવા માટે અગર તો કંઈક મેળવવા માટે આ કર્માે કરાય છે.

બ્રહ્મ નિષ્ક્રિય છે, આત્મા બ્રહ્મ છે અને આપણે આત્મા છીએ; આ જાતનું જ્ઞાન સર્વ દોષોને હરી લે છે. તેનું શ્રવણ કરવું જોઈએ, તેનું મનન કરવું જોઈએ અને છેવટે તેનો સાક્ષાત્કાર થવો જોઈએ.

મનન એટલે તર્કશક્તિનો ઉપયોગ કરીને આ જ્ઞાનને તર્ક દ્વારા આપણામાં સ્થિર કરવું તે. સાક્ષાત્કાર એટલે આ જ્ઞાનના સતત ચિંતનથી તેને આપણા જીવનનો એક ભાગ બનાવવો. તે આ સતત ચિંતન કે ધ્યાન, એ એક વાસણમાંથી બીજા વાસણમાં અતૂટ ધારાથી રેડાતા તેલ જેવું છે. ધ્યાન મનને આ જ વિચારમાં અહોરાત્ર રોકી રાખે છે અને એ રીતે મુક્તિ મેળવવામાં મદદ કરે છે. હંમેશાં ‘सोऽहम्, सोऽहम्’ નું ચિંતન કરો; તે લગભગ મુક્તિ જેવું જ છે. દિવસરાત તેનું ચિંતન કરો; આ સતત ચિંતનના પરિણામે સાક્ષાત્કાર થશે. ભક્તિ શબ્દનો અર્થ છે ઈશ્વરનું આ એકનિષ્ઠ અને અખંડ સ્મરણ.

આ ભક્તિને બધાં સત્કર્માે પરોક્ષ રીતે મદદ કરે છે. દુષ્ટ વિચારો અને દુષ્કર્માે કરતાં સદ્વિચારો અને સત્કર્માે ઓછો ભેદભાવ ઉત્પન્ન કરે છે, તેથી પરોક્ષ રીતે તેઓ મોક્ષ તરફ દોરી જાય છે. કર્માે કરો, પણ પરિણામો ઈશ્વરને સોંપો. કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે છે તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય છે.

***

આપણે દીપકો છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. જે કાંઈ આપણે કરી શકીએ તે દીવાને સ્વચ્છ રાખવાનું છે. જીવન એ એક બનાવેલી વસ્તુ છે, એક મિશ્રણ છે અને એવું હોવાથી તે તેનાં મૂળ તત્ત્વોમાં પાછું ભળી જ જવાનું.

મંગળવાર, તારીખ ૯મી જુલાઈ

આત્મા તરીકે માનવી ખરેખર મુક્ત છે, મનુષ્ય તરીકે તે બદ્ધ છે, કારણ કે તે બધી ભૌતિક પરિસ્થિતિથી બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે માત્ર મુક્તિની ભાવનાવાળું યંત્ર છે; પરંતુ સૃષ્ટિમાં આ માનવશરીર શ્રેષ્ઠ શરીર છે અને માનવમન સર્વાેચ્ચ મન છે. જ્યારે મનુષ્ય આત્મ-સ્થિતિએ પહોંચે છે ત્યારે તે પોતાને અનુકૂળ પડે તેવું શરીર ધારણ કરી શકે છે; તે નિયમથી પર છે. આ એક વિધાન છે અને તે પુરવાર કરવું જોઈએ. દરેકે તે પોતાને માટે સિદ્ધ કરવું જોઈએ. આપણે આપણી જાતને સંતોષ આપી શકીએ પણ બીજાને ન આપી શકીએ. રાજયોગ એક જ એવું ધર્મનું વિજ્ઞાન છે કે જે પ્રદર્શિત કરી શકાય; મેં મારા અનુભવથી જે સાબિત કર્યું છે તે જ હું શીખવું છું. તર્કની પૂરેપૂરી પરિપકવતા એ પ્રેરણા છે; પણ પ્રેરણા તર્કની વિરોધી ન હોઈ શકે.

કર્મ હૃદયને પવિત્ર બનાવે છે અને તેથી વિદ્યા (જ્ઞાન) તરફ લઈ જાય છે. બૌદ્ધોએ કહ્યું કે મનુષ્યો અને પ્રાણીઓનું ભલું કરવું એ જ કર્માે છે; બ્રાહ્મણોએ કહ્યું છે કે પૂજા ઉપાસના અને બધાં ક્રિયાકાંડો પણ તેના જેવાં ‘કર્મ’ છે અને ચિત્તને શુદ્ધ કરે છે. આચાર્ય શંકર કહે છે કે ‘બધાં કર્મ – શુભ કે અશુભ જ્ઞાનનાં વિરોધી છે.’ અજ્ઞાન ઉત્પન્ન કરનારાં કર્માે પાપ છે – સીધી રીતે નહીં પણ નિમિત્તરૂપે તેમ છે, કારણ કે તેમનાથી તમોગુણ અને રજોગુણ વધે છે. માત્ર સત્ત્વગુણથી જ જ્ઞાન આવે છે. સત્કર્માે જ્ઞાન ઉપરથી આવરણ ખસેડી લે છે; અને એકલું જ્ઞાન જ આપણને ઈશ્વરદર્શન કરાવી શકે.

જ્ઞાનને કદી ઉત્પન્ન કરી શકાય નહીં; તેના પરનું આવરણ દૂર કરી શકાય અને જે જે મનુષ્ય કોઈક મહાન શોધ કરે છે તે પ્રેરણા પામે છે. જ્યારે તે આધ્યાત્મિક સત્ય શોધી લાવે છે ત્યારે આપણે તેને પયગંબર કહીએ છીએ અને જ્યારે તે શોધ ભૌતિક ક્ષેત્રની હોય છે ત્યારે આપણે તેને વૈજ્ઞાનિક કહીએ છીએ; જો કે સર્વ સત્યનું મૂળ તો એક જ હોય છે, છતાં આપણે વૈજ્ઞાનિક કરતાં પયયંગરને વધારે અગત્યતા આપીએ છીએ.

શંકરાચાર્ય કહે છે કેઃ ‘સર્વ જ્ઞાનનું સારતત્ત્વ બ્રહ્મ છે.’ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન તરીકેની સર્વ અભિવ્યક્તિઓ બ્રહ્મમાં કરેલી કલ્પનાઓ છે. રામાનુજાચાર્ય ઈશ્વરમાં જ્ઞાનશક્તિનું લક્ષણ તરીકે આરોપણ કરે છે; ખરા અદ્વૈતવાદીઓ ઈશ્વરમાં કોઈ લક્ષણનું આરોપણ કરતા નથી. આપણે લગાડી શકીએ તેવા કોઈ પણ અર્થમાં અસ્તિત્વ સુદ્ધાં નહીં. રામાનુજ કહે છે કે જાગ્રત જ્ઞાનનું સારતત્ત્વ ઈશ્વર છે. અખંડ ચૈતન્ય જ્યારે ભેદયુક્ત બને છે ત્યારે તે સંસાર બને છે.

દુનિયામાં સૌથી મહાન તાત્ત્વિક ધર્માે માંહેનો એક બૌદ્ધધર્મ બધા લોકોમાં, ભારતની સામાન્ય જનતામાં ફેલાયો. પચ્ચીસસો વર્ષ પહેલાં આવા વિચારોને ગ્રહણ કરવાની શક્તિ ધરાવતા આર્યાેમાં કેવી અદ્ભુત સંસ્કૃતિ હશે!

જ્ઞાતિભેદને ન સ્વીકારનારા એકમાત્ર મહાન તત્ત્વજ્ઞાની બુદ્ધ જ હતા; આજે ભારતમાં તેનો કોઈ અનુયાયી રહ્યો નથી. બીજા બધા તત્ત્વચિંતકો સામાજિક પૂર્વગ્રહોને થોડે ઘણે અંશે અનુકૂળ બનતા. ગમે તેટલો ગગનવિહાર તેઓ કરતા હોય, છતાં ગીધપણાનો થોડોક અંશ તો તેમનામાં રહેલો જ હતો. મારા ગુરુ શ્રીરામકૃષ્ણ કહેતા તેમઃ ‘ગીધ આકાશમાં ઊંચે ઊડે છે, પણ તેની દૃષ્ટિ પૃથ્વી ઉપરના સડેલા માંસના ટુકડા ઉપર જ સર્વદા રહે છે.’

***

પ્રાચીન હિંદુઓ અદ્ભુત વિદ્વાનો હતા, જાણે કે જીવંત જ્ઞાનકોશ જેવા હતા. તેઓ કહેતાઃ ‘પુસ્તકોમાં રહેલી વિદ્યા એ વિદ્યા નથી અને બીજાના હાથમાં પડેલું ધન તે ધન નથી.’

શંકરાચાર્યને ઘણા લોકો શિવનો અવતાર લેખતા.

બુધવાર, તારીખ ૧૦મી જુલાઈ

ભારતમાં સાડ છ કરોડ મુસલમાનો છે, જેમાંના કેટલાક સૂફીઓ છે. (ભારતમાં ઈસ્લામ ધર્મ પર હિંદુ ધર્મની અસરથી સૂફી સંપ્રદાયની ઉત્પત્તિ થઈ) સૂફીઓ માનવીને ઈશ્વર સાથે એક ગણાવે છે; તેમના દ્વારા આ વિચાર યુરોપમાં પહોંચ્યો. તેઓ કહે છેઃ ‘હું તે સત્ય છું (અનલહક).’ પણ તેઓનો એક ગુપ્ત તેમજ ખુલ્લો સિદ્ધાંત છે, જેનો મહમદ સાહેબ પોતે સ્વીકાર કરતા ન હતા.

‘હશ્શાશીન’ શબ્દ અંગ્રેજીમાં ‘Assassin’ (એસ્સેસિન) શબ્દ બન્યો, કારણ કે મુસલમાનોનો એક પ્રાચીન સંપ્રદાય પોતાના ધર્મમાં નહીં માનનારાઓનો ઘાત કરતો. (ઈસવી સનના અગિયારમા સૈકામાં સીરિયામાં અસ્તિત્વ ધરાવતા અને પોતાના મુખીની ઇચ્છા પ્રમાણે તેના અનુયાયીઓ વડે ગુપ્ત રીતે સંખ્યાબંધ ખૂન કરવા માટે નામીચા એક લડાયક ધાર્મિક સંપ્રદાયનું નામ છે. ‘હશ્શાશીન’ શબ્દોનો અક્ષરશઃ અર્થ થાય છે હશીશ ખાનાર; એ સંપ્રદાયને એ શબ્દ લગાડવાનું કારણ એ હતું કે ખૂનીઓને તેમના ખૂનના કામમાં જોશ રહે એટલા ખાતર ‘હશ્શ’ નામની ખાસ ઔષધિનો ઉપયોગ કરવાની આદત પાડી હતી.)

ઈશ્વર વિશ્વને ભરી રહ્યો છે તે બતાવનાર પ્રતીક તરીકે મુસલમાની ઉપાસનામાં પાણીનો ઘડો હાજર રાખવો પડે છે.

હિંદુઓ દશ અવતારમાં માને છે; નવ થયા છે અને દશમો હજુ થવાનો છે.

***

પોતાના તત્ત્વજ્ઞાનને શાસ્ત્રગ્રંથોમાંના વિચારોનો આધાર છે એ સિદ્ધ કરવા આચાર્ય શંકર કેટલીક વખત તર્કજાળનો ઉપયોગ કરે છે. કોઈ પણ ઉપદેશક કરતાં બુદ્ધ વધારે બહાદુર અને અંતરથી સાચા હતા. તેઓ કહેતાઃ ‘કોઈ ગ્રંથને માનો નહીં. વેદો બધા ધતિંગ છે. જો શાસ્ત્રો મારી સાથે એકમત થાય તો તેટલું તેમને માટે સારું છે. મહાનમાં મહાન ગ્રંથ હું છું. યજ્ઞો અને પ્રાર્થનાઓ નકામાં છે.’ નીતિધર્મની એક સંપૂર્ણ પદ્ધતિ જગતને આપનાર પ્રથમ માનવી બુદ્ધ હતા. તે શુભની ખાતર શુભ હતા અને પ્રેમની ખાતર પ્રેમ કરતા.

શંકર કહે છેઃ ઈશ્વર અંગે તર્ક કરવાના છે કારણ કે વેદો તેમ કહે છે. તર્ક પ્રેરણાને મદદ કરે છે, ગ્રંથો અને સાક્ષાત્કારપૂર્વકનો તર્ક અથવા અનુભવ એ બંને ઈશ્વરની સાબિતીરૂપ છે. તેમના મત પ્રમાણે વેદો એક પ્રકારના વિશ્વજ્ઞાનના અવતાર જેવા છે. ઈશ્વરનું પ્રમાણ એ છે કે તેમણે વેદોને પ્રકટ કર્યા અને વેદોનું પ્રમાણ એ છે કે આવા અદ્ભુત ગ્રંથો બ્રહ્માએ જ આપ્યા હોવા જોઈએ. વેદો સમગ્ર જ્ઞાનની ખાણરૂપ છે; અને માણસ જેમ શ્વાસ બહાર કાઢે છે તેમ વેદો ઈશ્વરમાંથી આવ્યા છેઃ यस्य निःश्वसितं वेदाः। તેથી આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું જ્ઞાન અને શક્તિ અનંત છે. તેણે જ જગતનું સર્જન કર્યું હોય કે ન કર્યું હોય, તે ક્ષુલ્લક બાબત છે; પણ વેદોને ઉત્પન્ન કર્યા તે વધારે અગત્યનું છે! જગત ઈશ્વરને વેદો દ્વારા જાણી શક્યું છે; બીજો કોઈ માર્ગ જ નથી.

અને વેદોના સર્વગ્રાહિત્વ વિશેની શંકરની માન્યતા એટલી બધી સર્વમાન્ય બની ગઈ છે કે એક હિંદુ કહેવત થઈ ગઈ છે કે જો કોઈ માણસની ગાય ખોવાઈ જાય તો તે તેને ખોળવા માટે વેદો પાસે પહોંચે!

આચાર્ય શંકર વળી એવો આગ્રહ રાખે છે કે કર્મકાંડનું પાલન એ જ્ઞાન નથી. જેમ ઝાડના ઠૂંઠાને એક માણસ ભૂત માની લે અને બીજો તેને તેના યથાર્થરૂપે જ જુએ, પરંતુ તેનાથી જેમ ઝાડના ઠૂંઠાને કંઈ અસર થતી નથી, તેમ જ નૈતિક ફરજોથી, યજ્ઞથી કે ક્રિયાકાંડથી અથવા આપણે શું વિચારીએ કે ન વિચારીએ તે બધાથી બ્રહ્મજ્ઞાન સ્વતંત્ર છે.

વેદાંતની આવશ્યકતા એટલા માટે છે કે ન તો તર્ક કે ન તો ગ્રંથો આપણને ઈશ્વરદર્શન કરાવી શકે. ઇંદ્રિયાતીત અનુભવથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય છે અને તે કેમ કરવો તે વેદાંત શીખવે છે. તમારે વ્યક્તિરૂપ ઈશ્વરથીયે પર જઈને નિર્વિશેષ બ્રહ્મને પહોંચવું જોઈએ. પ્રત્યેક જીવના અનુભવનો વિષય ઈશ્વર છેઃ અનુભવ કરવા યોગ્ય સર્વ કંઈ તે ઈશ્વર છે. જે ‘હું’ એમ કહે છે તે બ્રહ્મ છે; અને આપણે રાત ને દિવસ તેનો અનુભવ કરીએ છીએ, છતાં આપણે જાણતા નથી કે આપણે તેનો અનુભવ કરીએ છીએ. આ સત્યનું આપણને જ્ઞાન થતાં જ સર્વ દુઃખો ટળી જાય છે; તેથી આપણે સત્યનું જ્ઞાન મેળવવું જોઈએ. ઐક્યને પહોંચો, તો પછી દ્વૈતભાવ આવશે નહીં. જ્ઞાન યજ્ઞો કરવાથી આવતું નથી; માત્ર શોધવાથી, ઉપાસના કરવાથી અને આત્માને ઓળખવાથી આવે છે.

બ્રહ્મવિદ્યા એટલે બ્રહ્મને જાણવું એ સર્વાેચ્ચ જ્ઞાન છે; વિજ્ઞાન એ એથી ઊતરતી કોટિનું જ્ઞાન છે. આ મુંડકોપનિષદ એટલે સંન્યાસીઓ માટેના ઉપનિષદનો ઉપદેશ છે. બ્રહ્મવિદ્યાના બે પ્રકાર છેઃ પરા અને અપરા. અપરા વિદ્યા વેદનો એ વિભાગ છે, જે પૂજા અને ક્રિયાકાંડ અને બધા વ્યાવહારિક જ્ઞાનને લગતો છે; તે ગૌણ છે. જેનાથી આપણે પરમ બ્રહ્મને પામીએ, તે આવશ્યક છે. બ્રહ્મ પોતાની પ્રકૃતિમાંથી સર્વનું સર્જન કરે છે; તેને સર્જન કરાવનારું બીજું કંઈ જ નથી. બહાર કંઈ નથી. સઘળી શક્તિ તે જ છે; જે બધું છે તે તે જ છે. જે વ્યક્તિ સઘળા યજ્ઞો પોતાને માટે એટલે કે આત્માને માટે કરે છે, એકમાત્ર તે જ બ્રહ્મને જાણે છે. મૂર્ખાઓ બાહ્ય ઉપાસનાને સર્વાેચ્ચ માને છે; મૂર્ખાઓ માને છે કે કર્મથી આપણને ઈશ્વરપ્રાપ્તિ થાય છે. જેઓ સુષુમ્ણા (યોગીઓનો ‘માર્ગ’) દ્વારા જાય, તેઓ જ આત્માને પામે છે. જ્ઞાન મેળવવા માટે ગુરુ પાસે જવું જોઈએ. એકેએક વિભાગની પ્રકૃતિ, સમગ્રની જ હોય છે; બધું આત્મામાંથી આવે છે. ધ્યાન એ તીર છે; ઈશ્વર તરફ અભિમુખ સમગ્ર જીવાત્મા એ ધનુષ્ય છે; તે તીરને તેના લક્ષ્ય આત્મા પ્રત્યે વેગથી મોકલે છે. સાન્તરૂપે આપણે અનંતને કદી વ્યક્ત કરી ન શકીએ; પરંતુ આપણે જ અનંત છીએ. આ જાણીને આપણે કોઈ સાથે વાદમાં ઊતરતા નથી.

ભક્તિ, ધ્યાન અને પવિત્રતા દ્વારા દિવ્ય જ્ઞાન મળે છે. ‘सत्यमेव जयते नाऽनृतम्। सत्येन पन्थाः विततो देवयानः।’ અસત્ય નહીં પણ સત્ય એક જ વિજયી બને છે. સત્યમાં થઈને જ બ્રહ્મનો માર્ગ ગયેલો છે.’ માત્ર ત્યાં જ પ્રેમ અને સત્ય છે.

ગુરુવાર, તારીખ ૧૧મી જુલાઈ

માતૃપ્રેમ સિવાય કોઈ જાતની સૃષ્ટિ ચાલુ રહે નહીં. કોઈ પણ વસ્તુ સર્વાંશે આધિભૌતિક નથી કે સર્વાંશે આધ્યાત્મિક પણ નથી; પ્રત્યેક એકબીજાની અપેક્ષા કરે છે અને તેનો ખુલાસો આપે છે. આ દૃશ્ય જગતને કોઈક પાર્શ્વ ભૂમિકા છે, તેવું તો બધા ઈશ્વરવાદીઓ સ્વીકારે છે; માત્ર તે પાશ્વભૂમિકાના સ્વરૂપ કે લક્ષણની બાબતમાં મતભેદ છે. જડવાદીઓ ભૂમિકાના સ્વરૂપ વિશે કહે છે કે એવી કોઈ પાર્શ્વભૂમિકા જ નથી.

બધા ધર્માેમાં ઇંદ્રિયાતીત અવસ્થા તો સરખી જ છે. હિંદુઓ, ખ્રિસ્તીઓ, મુસલમાનો, બૌદ્ધો અને જેઓ કોઈ પણ સંપ્રદાયમાં ન હોય તેવા લોકો પણ જ્યારે દેહભાનથી પર જાય છે, ત્યારે તેમને તે એક જ અનુભવ થાય છે…

***

ઈશુના અવસાન પછી લગભગ પચ્ચીસ વર્ષે સંત થોમસ દ્વારા ભારતમાં જગતમાંના શુદ્ધ ખ્રિસ્તીઓની સ્થાપના થઈ. એ સમયે અેંગ્લો – સેકસન (ઇંગ્લેન્ડના આદિવાસીઓ) પ્રજા તો હજુ જંગલી દશામાં હતી, શરીર ઉપર ચિતરામણ કાઢતી અને ગુફાઓમાં રહેતી. એક કાળે ભારતમાં ત્રીસ લાખ ખ્રિસ્તીઓ હતા, હવે માત્ર દસ લાખ છે.

ખ્રિસ્તી ધર્મનો પ્રચાર હંમેશાં તલવારના જોરે કરવામાં આવ્યો છે. ઈશુ જેવા સૌમ્ય આત્માના શિષ્યો આટલા બધાનાં લોહી રેડે તે કેવું અજબ છે! ત્રણ ધર્માે પ્રચારક છેઃ બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી. હિંદુ ધર્મ, યહૂદી ધર્મ અને જરથોસ્તી ધર્મ, એ ત્રણ પ્રાચીન ધર્માે ધર્મપરિવર્તન કરાવવામાં કદી ધ્યાન આપતા નહોતા. બૌદ્ધોએ કોઈનું લોહી રેડ્યા વિના માત્ર નમ્રતા દ્વારા દુનિયાના પોણા ભાગને એક વખતે બૌદ્ધ ધર્મનો અનુયાયી બનાવ્યો હતો.

બૌદ્ધો વધુમાં વધુ તર્કશુદ્ધ અજ્ઞેયવાદી હતા. શૂન્યવાદ અને કેવળવાદની વચ્ચે તમે સાચી રીતે ક્યાંય ભેદ પાડી શકો નહિ. બૌદ્ધો પોતાના સિદ્ધાંતને અંતિમ તર્કશુદ્ધ નિર્ણયે લઈ જતાં બૌદ્ધિક દૃષ્ટિએ સર્વવિનાશક બન્યા. અદ્વૈતવાદીઓ પણ પોતાના સિદ્ધાંતને તર્કશુદ્ધ નિર્ણયે લઈ ગયા અને જેમાંથી સઘળી દૃશ્ય ઘટનાઓ પ્રગટ થાય છે તે એક અખંડ, ઘન, નિર્વિશેષ તત્ત્વે પહોંચ્યા. બૌદ્ધો તેમજ અદ્વૈતવાદીઓ બંનેના સિદ્ધાંતોમાં એકત્વ અને એકત્વનો અભાવ બંને ભાવનાઓ એકસાથે જ રહેલી છે; તેમાંથી એક ભાવના ખોટી હોવી જોઈએ, બીજી સાચી હોવી જોઈએ. શૂન્યવાદીઓ એકત્વના અભાવમાં સત્યને મૂકે છે, વાસ્તવવાદીઓ એકત્વમાં સત્યને મૂકે છે. સમગ્ર જગતને આવરી લેનારું યુદ્ધ આ છે; આ જ ‘ગજગ્રાહ’ છે.

વાસ્તવવાદી પૂછે છેઃ ‘શૂન્યવાદીને એકત્વનો કંઈ પણ વિચાર કેવી રીતે આવે છે?’ ચક્કર ચક્કર ફેરવાતું ઊંબાડિયું એક વર્તુળ જેવું કેમ દેખાય છે? ગતિહીન બિંદુ જ ગતિનો ખુલાસો આપી શકે. કોઈ પાર્શ્વભૂમિકા છે તેવી ભ્રમણાની ઉત્પત્તિ શૂન્યવાદી કદી જ ન સમજાવી શકે; તેમ જ એક નિર્વિશેષ તત્ત્વ અનેક કેમ કરીને થાય છે તે આદર્શવાદી નહીં સમજાવી શકે. તેનો એક માત્ર ખુલાસો ઇંદ્રિયાતીત ક્ષેત્ર પરથી જ આવવો જોઈએ. આપણે ઇંદ્રિયાતીત સ્થિતિએ, સંપૂર્ણપણે ઇંદ્રિયાનુભવની પેલે પારની અવસ્થાએ પહોંચવું જોઈએ. એથી આગળનું સાધન એ આધ્યાત્મિક શક્તિ જ છે, જેને આદર્શવાદી એકલો જ ઉપયોગમાં લઈ શકે. તે નિર્વિશેષ – તત્ત્વનો અનુભવ લઈ શકે. માનવી વિવેકાનંદ પોતાને નિર્વિશેષ – તત્ત્વમાં તદ્રૂપ બનાવી શકે અને વળી પાછો માનવભાનમાં આવી શકે; એટલે તેના માટે આ સમસ્યા ઉકેલાઈ જાય છે અને ગૌણ રીતે બીજાઓ માટે પણ ઉકેલાઈ જાય છે, કારણ કે તે બીજાઓને માર્ગ બતાવી શકે છે. આમ જ્યાં તત્ત્વજ્ઞાનનો અંત આવે છે ત્યાં ધર્મની શરૂઆત થાય છે. જે અત્યારે આપણે માટે ઇંદ્રિયાતીત અવસ્થા છે તે સ્થાન ‘વિશ્વનું કલ્યાણ’ લેશે અને હવે પછી આવતા યુગોમાં સૌને માટે ઇંદ્રિયજ્ઞાનની ભૂમિકા બનશે. માટે ધર્મ એ દુનિયાને માટેનું સર્વાેચ્ચ કાર્ય છે; અને મનુષ્યને અજાણપણે પણ આનો અનુભવ થયો છે તેથી યુગે યુગે તે આ ધર્મના વિચારને વળગી રહ્યો છે.

દૂધ આપનારી આ મહાન ગાયે-ધર્મે લાતો પણ પુષ્કળ મારી છે, પણ તેની પરવા ન રાખો કેમ કે તે દૂધ ઘણું આપે છે. જે ગાય ઝાઝું દૂધ આપે તેની લાતને દૂધવાળો સહી લે છે. ધર્મ એ મહાનમાં મહાન જન્મેલું બાળક છે; એ ‘સાક્ષાત્કારનો મહાન ચંદ્ર’ છે. આપણે તેનું પોષણ કરીએ, તેના વિકાસમાં મદદ કરીએ, એટલે તે વિરાટ બનશે. ઇચ્છા-રાજા અને જ્ઞાન-રાજા વચ્ચે યુદ્ધ થયું; અને જ્યાં જ્ઞાન-રાજા પરાજિત થવાની અણી ઉપર આવ્યો ત્યાં તો ઉપનિષદ-રાણી સાથે તેનું સમાધાન થઈ ગયું અને તેમને એક બાળક અવતર્યું; તેનું નામ આત્મસાક્ષાત્કાર. તેણે તેને માટે વિજય અપાવ્યો. (વેદાંતી સંસ્કૃત રૂપક ‘પ્રબોધચન્દ્રોદય’માંથી.)

માણસ સ્ત્રીના પ્રેમમાં પડે છે ત્યારે બને છે તેમ પ્રેમ ઇચ્છાશક્તિના સમસ્ત બળને વિના શ્રમે એકાગ્ર કરે છે.

ભક્તિમાર્ગ સહજ સરલ અને આનંદદાયી છે. તત્ત્વજ્ઞાન એ પર્વતમાંથી નીકળેલા ઝરણાને બળજબરીથી તેના મૂળ ઉપર પાછું લઈ જવાના પ્રયાસ જેવું છે. તે ઝડપી રીત છે, પણ બહુ જ કઠિન છે. તત્ત્વજ્ઞાન કહે છેઃ ‘દરેક બાબતમાં સંયમ કરો.’ ભક્તિ કહે છેઃ ‘સઘળું પ્રવાહમાં વહેવા દો; શાશ્વત શરણાગતિ સ્વીકારી લો.’ તે માર્ગ વધારે લાંબો છે પરંતુ વધુ સહેલો અને વધુ સુખકર છે.

‘હું સર્વકાળ તારો છું. હવેથી હું જે કંઈ કરું તે તું જ કરે છે. હું કે મારું હવે કંઈ જ નથી.’

‘હે પ્રિય! મારી પાસે આપવા માટે કંઈ ધન નથી, અભ્યાસ કરવા માટે બુદ્ધિ નથી, યોગાભ્યાસ માટે સમય નથી, એટલે ઓ મધુર! હું તને મારી જાત જ અર્પણ કરું છું, મારું તન અને મન તને આપી દઉં છું.’

ગમે તેટલું અજ્ઞાન કે ખોટા વિચારો પણ આત્મા અને ઈશ્વર વચ્ચે અંતરાય લાવી શકે નહીં. ઈશ્વર ન હોય તો પણ પ્રેમને મક્કમ રીતે વળગી રહો. શ્વાનની માફક સડેલું માંસ શોધવા કરતાં ઈશ્વરની શોધમાં મરવું વધારે સારું છે. સર્વાેચ્ચ આદર્શ પસંદ કરો અને તેને માટે તમારું જીવન આપી દો. ‘મૃત્યુ એટલું બધું ચોક્કસ છે, એથી એક મહાન હેતુ માટે જીવન આપી દેવું તે ઉત્તમમાં ઉત્તમ છે.’

પ્રેમ તકલીફ વિના તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરાવશે; પછી જ્ઞાનની પાછળ પરાભક્તિ આવશે.

જ્ઞાન વિવેચનાત્મક હોય છે અને દરેક બાબતમાં ઘણો ઊહાપોહ કરે છે. પણ પ્રેમ કહે છેઃ ‘ઈશ્વર મને તેનું ખરું સ્વરૂપ બતાવશે.’ અને એમ કહીને એ બધું સ્વીકારે છે.

(રાબિયા)

પડી માંદગીને બિછાને રાબિયા,

મહા સંત બે છે પધાર્યા જ તાંહાં;

ખરા પાક મલ્લિક, હશ્શન્ન શાણા,

મુસલ્માનમાં બેય બહુ છે વખાણા.

‘હશે બંદગી,’ કહે હસન ‘જેની પાક’,

‘સહે તે ખુદા કેરી ખફગીની ધાક;’

લડાવી અક્કલ ને કહે ગૂઢ મલ્લિક

અનુભવ તણી વાત પોતાની ઠીકઠીક.

‘કરે પ્યાર માલિકતણી મરજીને જે,

‘સજામાંય પણ મોજને માણશે તે;’

સુણી બેય રાબિયા દેખતી છે,

ખુદી વાસને બેયના બોલ નીચે;

પુકારી ઊઠે, ‘સાંઈ ઓ બેય મોટા,

થઈ સંત શાં આ કહો વેણ ખોટાં?

નિહાળે જે બંદો ખુદાનો દીદાર,

ખુદાકેરી ખફગી સ્મરે ના લગાર.’

– ઈરાની કાવ્ય

શુક્રવાર, તારીખ ૧૨મી જુલાઈ

(શાંકર ભાષ્ય)

ચોથું વ્યાસસૂત્રઃ ‘આત્મા સૌનું લક્ષ્ય (છે).’

ઈશ્વરને વેદાંત દ્વારા જાણવાનો છે. સર્વે વેદો તેનો નિર્દેશ કરે છે કે (જે કારણ છે; જે સ્રષ્ટા છે, પાલક છે અને સંહર્તા છે) હિંદુ દેવસમુદાયને શિખરે બિરાજતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશરૂપી ત્રિમૂર્તિનું એકીકરણ એ ઈશ્વર છે. ‘તું અમારો પિતા છે. આ અંધારા સાગરને સામે કિનારે તું અમને લઈ જાય છે.’ (શિષ્યના ગુરુ પ્રત્યેના બોલ)

વેદો તમને બ્રહ્મ બતાવી ન શકે; તમે તે છો જ; તેઓ માત્ર આપણી આંખો આડે રહેલા સત્યને ઢાંકતા આવરણને દૂર કરી શકે. અદૃશ્ય થનારું પહેલું આવરણ છે અજ્ઞાન; અને તે દૂર થતાં પાપ ચાલ્યું જાય છે. પછી ઇચ્છા અટકે છે, સ્વાર્થપરાયણતાનો અંત આવે છે અને સર્વ દુઃખ અદૃશ્ય થાય છે. આ અજ્ઞાન ત્યારે જ બંધ થાય, જ્યારે હું એમ જાણું કે હું અને ઈશ્વર એક છીએ; બીજા શબ્દોમાં કહીએ તો આત્મા સાથે તમે એકતા અનુભવો, તમારી માનુષી મર્યાદાઓ સાથે નહીં. દેહ સાથેનો ‘અધ્યાસ છોડો’ એટલે બધું દુઃખ દૂર થશે. રોગમુક્ત થવાનું રહસ્ય આ છે. વિશ્વ એક સંમોહનનો કિસ્સો છે; આ મોહિનીમાંથી પોતાને પાછા ખેંચી લો અને દુઃખી થતા અટકો.

મુક્ત થવા માટે આપણે પાપમાંથી પુણ્યમાં જવાનું છે અને પછી બંનેનો ત્યાગ કરવાનો છે; તમોગુણને રજોગુણથી જીતવાનો છે અને બંનેને સત્ત્વમાં ડુબાડી દેવાના છે; પછી એ ત્રણે ગુણોથી પર થવાનું છે. એવી સ્થિતિએ પહોંચો કે જ્યાં તમારો શ્વાસ પોતે જ પ્રાર્થના બને.

જ્યારે જ્યારે તમે બીજા માણસના શબ્દોમાંથી કંઈ પણ શીખો (લાભ મેળવો) ત્યારે જરૂર જાણજો કે પૂર્વજન્મમાં તમને તે અનુભવ હતો, કારણ કે અનુભવ જ એકમાત્ર ઉપદેશક છે.

બધી જાતની સિદ્ધિઓની સાથે વધારે દુઃખ આવે છે, માટે ઇચ્છાઓનો નાશ કરો. કોઈ પણ ઇચ્છા કરવી તે ટાંડર ભમરીના દરમાં લાકડીનો ગોદો મારવા જેવું છે. વૈરાગ્યનો અર્થ છે કે ઇચ્છા માત્ર સોનાનો ઢોળ ચડાવેલા ઝેરના લાડુ છે તે જાણવું.

‘મન ઈશ્વર નથી.’ (શંકરાચાર્ય). ‘तत्त्वमसि, अहं ब्रह्मास्मि।’ (તે તું છો; હું બ્રહ્મ છું) મનુષ્યને જ્યારે આનો સાક્ષાત્કાર થાય છે ત્યારે; भिद्यते हृदयग्रंथिश्छिद्यन्ते सर्वसंशयाः। ‘તેના હૃદયની સઘળી ગાંઠો ભેદાઈ જાય છે, સર્વ સંશયોનો ઉચ્છેદ થાય છે.’ જ્યાં સુધી ભલેને ઈશ્વર પણ આપણી ‘ઉપર’ છે, ત્યાં સુધી નિર્ભયતા શક્ય નથી. આપણે ઈશ્વર ‘થવું’ જોઈએ. જે અલગ પડી ગયું છે, તે સર્વદા અલગ જ રહેશે. જો તમે ઈશ્વરથી જુદા જ હશો તો તમે કદી પણ તેની સાથે એક નહીં થઈ શકો; એથી ઊલટું જો તમે ઈશ્વરની સાથે એક હશો તો તમે કદી તેનાથી જુદા નહીં થઈ શકો. તમે જો ઈશ્વર સાથે સદ્ગુણથીયે જોડાયા હશો તો જ્યારે તે અટકી જશે ત્યારે વિખૂટાપણું આવશે. પરંતુ ઈશ્વર સાથેનો સંયોગ તો શાશ્વત છે; સદ્ગુણ માત્ર પડદો હટાવવામાં મદદ કરે છે. આપણે ‘આઝાદ’ (મુક્ત) છીએ; આપણે તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ. ‘यमेवैष वृणुते।’ ‘જેને આત્મા પસંદ કરે છે’ નો અર્થ એ કે આપણે આત્મા છીએ અને આપણને પસંદ કરીએ છીએ.

દર્શન આપણા પોતાના પ્રયાસો ઉપર નિર્ભર છે કે તે કોઈ બાહ્ય વસ્તુ ઉપર આધાર રાખે છે? એ આપણા પોતા ઉપર આધાર રાખે છે. આપણો પ્રયાસ તો ધૂળને દૂર કરે છે; અરીસો બદલાતો નથી. જ્ઞાતા, જ્ઞાન કે જ્ઞેય ત્રણમાંથી કંઈ જ નથી. ‘જે જાણે છે કે તે પોતે જાણતો નથી, તે જ જાણે છે.’ જેની પાસે એકલો સિદ્ધાંત જ છે તે કંઈ જાણતો નથી.

આપણે બદ્ધ છીએ તે વિચાર એક ભ્રમ છે.

ધર્મ દુન્યવી નથી; ધર્મ એટલે ‘હૃદયનું શુદ્ધીકરણ;’ આ જગત ઉપર તેની અસર ગૌણ છે. મુક્તિ એ આત્માના સ્વભાવથી અવિભાજ્ય છે. તે સદા પવિત્ર, સદા પૂર્ણ, સદા અવિકારી છે. આ આત્માને તમે કદી પણ જાણી નહિ શકો. આપણે આત્મા વિશે કંઈ જ કહી શકીએ નહિ. સિવાય કે नेति नेति – (આ નહીં, આ નહીં).

‘જેને મન કે કલ્પનાની કોઈ પણ શક્તિથી આપણે કદી પણ હાંકી કાઢી ન શકીએ, તે બ્રહ્મ.’ (શંકરાચાર્ય)

***

વિશ્વ એ વિચાર છે અને વેદો એ વિચારના શબ્દો છે. આપણે આ સમગ્ર વિશ્વને સરજી શકીએ અને તેનો નાશ પણ કરી શકીએ. શબ્દોના રટણથી અદૃશ્ય રહેલો વિચાર જાગ્રત થાય છે અને પરિણામે એક દૃષ્ટ પરિણામ ઉત્પન્ન થાય છે. કર્મકાંડીઓના અમુક એક સંપ્રદાયનો આ દાવો છે. તેઓ એમ માને છે કે આપણામાંનો દરેક સ્રષ્ટા છે. શબ્દોનો ઉચ્ચાર કરો, તેને અનુરૂપ વિચાર ઉત્પન્ન થશે અને પરિણામ દૃષ્ટિગોચર થશે. ‘વિચાર એટલે શબ્દની શક્તિ છે; શબ્દ એ વિચારનું પ્રગટ રૂપ છે.’ એમ હિંદુ દાર્શનિકોનો એક સંપ્રદાય – મીમાંસકો કહે છે.

શનિવાર, તારીખ ૧૩મી જુલાઈ

આપણે જે બધું જાણીએ છીએ તે એક મિશ્રણ છે અને સઘળું ઇંદ્રિયજ્ઞાન પૃથક્કરણથી આવે છે. મન અમિશ્ર, એક અથવા સ્વતંત્ર છે તેમ માનવું એ દ્વૈતવાદ છે. ગ્રંથોના અધ્યયનથી તત્ત્વજ્ઞાન નથી મેળવાતું; જેમ તમે વધારે પુસ્તકોનો અભ્યાસ કરો તેમ તમારા મનમાં વધારે ગૂંચવણો ઊભી થાય. વિચાર વિનાના તત્ત્વજ્ઞાનીઓનો ખ્યાલ એવો હતો કે મન એક અમિશ્ર વસ્તુ છે અને તેથી તેઓ સ્વતંત્ર ઇચ્છાશક્તિની માન્યતામાં દોરાયા. માનસશાસ્ત્ર એટલે મનનું પૃથક્કરણશાસ્ત્ર એમ બતાવે છે કે મન એક મિશ્ર વસ્તુ છે અને દરેક મિશ્રણ કોઈક બહારની શક્તિથી ટકી રહેલું હોવું જોઈએ. તેથી ઇચ્છાશક્તિ બાહ્ય બળોના સંયોગથી બદ્ધ છે. જ્યાં સુધી માણસ ભૂખ્યો ન થાય ત્યાં સુધી તે ખાવા માટેની ઇચ્છા પણ નહીં કરે. ઇચ્છાશક્તિ વાસનાને આધીન છે. પણ આપણે મુક્ત છીએ; દરેકને તેમ લાગે છે.

અજ્ઞેયવાદી કહે છે કે આ સ્વાતંત્ર્યનો વિચાર ભ્રમણા છે. તો પછી જગતને કેમ સિદ્ધ કરવું? તેનું એકમાત્ર પ્રમાણ એ છે કે આપણે તેને જોઈએ છીએ અને અનુભવીએ છીએ; એટલે તેટલું જ આપણે બધા સ્વાતંત્ર્યને અનુભવીએ છીએ. જો તમામ મતોનો સાર એવો હોય કે આ દુનિયાનું અસ્તિત્વ માનવું, તો પછી તે સ્વાતંત્ર્યને પણ માને છે તેમ સ્વીકારવું ઘટે. પણ ઇચ્છાશક્તિને – તે જેવી છે તેવીને સ્વાતંત્ર્ય નથી. મનુષ્યના સ્વાતંત્ર્યમાં સ્વભાવસિદ્ધ માન્યતા બધા તર્કનો પાયો છે. ઇચ્છાશક્તિ બદ્ધ થયા પહેલાં જેવી હતી તેવી તે સ્વતંત્ર છે. ઇચ્છાશક્તિની સ્વતંત્રતાનો વિચાર પોતે જ હરેક પળે બંધન સામેનો મનુષ્યનો પુરુષાર્થ બતાવે છે. સ્વતંત્ર એક જ હોઈ શકે કે જે અવિકારી, અનંત અને અમર્યાદિત હોય. મનુષ્યની મુક્તિ તે અત્યારે તો એક સ્મૃતિમાત્ર છે, મુક્તિ માટેનો પ્રયાસ માત્ર છે.

વિશ્વમાં દરેક વસ્તુ એક વર્તુળ પૂરું કરવા, પોતાના મૂળમાં જવા, પોતાના એકમાત્ર ખરા ઉદ્ભવસ્થાન આત્મામાં પાછી જવા પ્રયાસ કરે છે. સુખની શોધ એ સમતાને શોધવાનો, સમતુલાને પાછી પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે. નીતિ એ બદ્ધ ઇચ્છાશક્તિનો મુક્ત થવાનો પ્રયાસ છે અને આપણે પૂર્ણતામાંથી આવ્યા છીએ તેનો પુરાવો છે…

***

કર્તવ્યનો ખ્યાલ એ ખુદ આત્માને પ્રજાળતો દુઃખનો મધ્યાહ્ન સૂર્ય છે. ‘હે રાજા! આ અમૃતનું એક ટીપું પી અને સુખી થા.’ (‘હું કર્તા નથી.’ એ અમૃત છે.)

પ્રતિક્રિયા વિનાનું કર્મ કરો; કર્મ આનંદદાયક છે, પ્રતિક્રિયા એ જ સઘળું દુઃખ છે. બાળક અગ્નિમાં હાથ નાખે છે તે તેનો આનંદ છે, પણ જ્યારે તેની દેહરચના પ્રતિક્રિયા કરે છે ત્યારે બળતરાનું દુઃખ થાય છે. જો આપણે તેવી પ્રતિક્રિયા રોકી શકીએ તો પછી આપણે ડરવા જેવું કંઈ જ નથી. મગજને કાબૂમાં રાખો; તેને જૂની નોંધ વાંચવા નહીં દો; સાક્ષી બનો અને પ્રતિક્રિયા ન કરો; આ રીતે જ તમે સુખી થઈ શકશો. આપણી જાણ માંહેની સુખીમાં સુખી ક્ષણો તે જ હોય છે કે જ્યારે આપણે આપણી જાતને સદંતર વીસરી જઈએ છીએ. તમારી પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કર્મ કરો, ફરજ તરીકે નહીં; આપણે કશી જ ફરજ નથી. આ દુનિયા એક અખાડો છે, જેમાં આપણે રમીએ છીએ; આપણું જીવન એક શાશ્વત તહેવાર છે.

જીવનનું સઘળું રહસ્ય નિર્ભય બનવામાં છે. તમારું શું થશે તેનો ભય રાખો નહીં; કોઈના પર આધાર ન રાખશો. જે ક્ષણે તમે તમામ મદદની ના પાડશો, માત્ર તે ક્ષણે જ તમે મુક્ત થશો. પૂરેપૂરી ભરેલી વાદળી પછી વધારે કશું ચૂસી શકતી નથી.

***

સ્વરક્ષણ માટે પણ લડવું તે ખોટું છે, જો કે સામા પરના આક્રમણ કરતાં તે વધારે ઊંચું છે. ‘ન્યાયી’ પુણ્યપ્રકોપ જેવી કોઈ વસ્તુ જ નથી, કેમ કે બધી વસ્તુઓમાં રહેલી સમાનતા ન અનુભવવામાંથી તે આવે છે.

રવિવાર, તારીખ ૧૪મી જુલાઈ

ભારતમાં ફિલસૂફીનો અર્થ જેનાથી આપણે ઈશ્વરને જોઈ શકીએ તેવો ધર્મનો તર્કશુદ્ધ ખુલાસો, એવો લેવાય છે. તેથી ધર્મ અને તત્ત્વજ્ઞાન વચ્ચે શો સંબંધ છે એવો પ્રશ્ન કોઈ પણ હિંદુ કદી પૂછશે નહીં.

એ તત્ત્વજ્ઞાનની પ્રક્રિયાના ત્રણ તબક્કાઓ છેઃ પ્રત્યક્ષ, સામાન્ય અને ભાવમય. જેમાં બધી બાબતો એકમત થાય તેવો સર્વાેચ્ચ ભાવ એકત્વ છે. ધર્મમાં પ્રથમ પ્રતીકો અને આકારો આવે છે; પછી આવે છે પુરાણો અને છેલ્લે આવે તત્ત્વજ્ઞાન. પ્રથમનાં બે તો તત્કાલ પૂરતાં હોય છે; તત્ત્વજ્ઞાન તે બધાંનો આધારભૂત પાયો છે અને બીજાં બધાં અંતિમ તત્ત્વને પહોંચવા માટેના પ્રયત્નનાં પગથિયાં છે.

પશ્ચિમના દેશોના ધર્મમાં એવો વિચાર પ્રવર્તે છે કે નવા કરાર (ન્યૂ ટેસ્ટામેન્ટ) અને ક્રાઈસ્ટ સિવાય ધર્મ હોઈ શકે જ નહીં. યહૂદી ધર્મમાં આવી માન્યતા મોઝીઝ અને પેગંબરો પરત્વે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે આ ધર્માે માત્ર પુરાણો ઉપર જ આધાર રાખે છે. ખરો ધર્મ, સર્વાેચ્ચ ધર્મ, પુરાણોથી ઉચ્ચ સ્થિતિએ જાય છે; પુરાણો ઉપર તે આધાર રાખીને રહી શકે નહીં. આધુનિક વિજ્ઞાને ધર્મના પાયા ખરી રીતે મજબૂત બનાવ્યા છે. સમગ્ર વિશ્વ એક છે તે વૈજ્ઞાનિક રીતે બતાવી શકાય તેવું છે. અધ્યાત્મવાદીઓ જેને ‘સત્’ કહે છે, વૈજ્ઞાનિકો તેને ‘જડ દ્રવ્ય’ કહે છે, પણ બેઉ વચ્ચે કોઈ ખાસ ઝઘડો નથી, કારણે કે બંને એક જ છે. જો કે અણુ અદૃશ્ય અને અકલ્પ્ય છે, તો પણ વિશ્વની સમગ્ર શક્તિ અને શક્યતા તેમાં ભરેલાં છે. વેદાંતીઓ આત્મા વિશે બરાબર આ જ કહે છે. બધા સંપ્રદાયો જુદા જુદા શબ્દોમાં ખરી રીતે એક જ વાત કહે છે.

વેદાંત અને આધુનિક વિજ્ઞાન બંને સ્વયં પ્રગટ થયા કરતું એક કારણ સ્થાપિત કરે છે. બધાં કારણો તેની અંદર રહેલાં છે. દાખલા તરીકે ઘડો બનાવનારો કુંભાર લો. ત્યાં કુંભાર નિમિત્તકારણ છે, માટી ઉપાદાનકારણ છે અને ચાકડો એ સહકારીકારણ છે; પરંતુ આત્મા એ ત્રણે કારણો છે. આત્માકારણ છે અને અભિવ્યક્તિ (કાર્ય) પણ છે. વેદાંતીઓ કહે છેઃ વિશ્વ સાચું નથી, માત્ર ભાસમાન છે. પ્રકૃતિ એટલે અજ્ઞાનમાં થઈને દેખાતો ઈશ્વર. અનેકેશ્વરવાદીઓ કહે છે કે ઈશ્વર જ પ્રકૃતિરૂપ એટલે જગતરૂપ બન્યો છે. અદ્વૈતવાદીઓ ભારપૂર્વક કહે છે કે ઈશ્વર આ વિશ્વરૂપે દેખાય છે પણ તે આ વિશ્વ નથી.

આપણે અનુભવને એક માનસિક પ્રક્રિયા તરીકે – મનની અંદરની એક હકીકત તરીકે તેમજ મગજમાં એક નિશાની તરીકે જ જાણી શકીએ. આપણે મગજને આગળ કે પાછળ ધકેલી ન શકીએ, પણ મનને આગળ – પાછળ લઈ જઈ શકીએ. તે બધા કાળ ઉપર – ભૂત, ભવિષ્ય અને વર્તમાન ઉપર પથરાઈ જઈ શકે છે અને તેથી મનમાંની હકીકતો કાયમ સચવાયેલી રહે છે. મન સર્વવ્યાપી હોવાને લીધે બધી હકીકતોનું સામાન્યીકરણ તેમાં થઈ જ રહેલું હોય છે. (દેશ, કાળ અને નિમિત્તમાં રહેલી સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ વિચાર, સંવેદન અને ઇચ્છાશક્તિરૂપે પોતાને વ્યક્ત કરતાં મન કે સ્મૃતિની બહાર કદી પણ ન હોવાને કારણે સમગ્ર દેશ, કાળ અને નિમિત્ત મન કે સ્મૃતિમાં હોવાં જ જોઈએ. તેથી મન સર્વવ્યાપી છે. વ્યષ્ટિમન એ સર્વવ્યાપી કે સમષ્ટિમનનો અંશ છે.)

કાન્ટની મહાન સિદ્ધિ એ હતી કે ‘દેશ, કાળ અને નિમિત્ત એ વિચારના પ્રકારો છે.’ પણ વેદાંતે તો યુગો પહેલાં આનો ઉપદેશ આપેલો અને તેને ‘માયા’ નામ આપેલું. શોપનહોઅર માત્ર તર્કનો જ આધાર લે છે અને વેદોને તર્કની ભૂમિકા ઉપર લાવે છે. … આચાર્ય શંકર વેદોની પરાપૂર્વતાને માનતા.

વૃક્ષોમાં રહેલું ‘વૃક્ષત્વ’ એટલે કે ‘વૃક્ષ’ એવો વિચાર શોધી કાઢવો એ છે જ્ઞાન; અને સર્વાેચ્ચ જ્ઞાન ‘એક’ જ છે….

વ્યક્તિરૂપી ઈશ્વર તે વિશ્વનું અંતિમ સામાન્યીકરણ છે, માત્ર તે ઝાંખું; અસ્પષ્ટ અને તાત્ત્વિક નથી….

એકતા પોતાને વ્યક્ત કરવાના સ્વભાવવાળી છે; સર્વ કંઈ તેમાંથી બહાર આવે છે….

ભૌતિક વિજ્ઞાન એટલે હકીકતોને શોધી કાઢવી; તત્ત્વજ્ઞાન એ ફૂલોને ગજરામાં બાંધવાનો દોરો છે. દરેકેદરેક અતિગહન વિચાર તાત્ત્વિક છે; ઝાડના મૂળમાં ખાતર નાખવામાં પણ અતિ ગૂઢ વિચારની પ્રક્રિયા રહેલી છે….

ધર્મમાં પ્રત્યક્ષ, વધારે વ્યાપ્ત અને અંતિમ એકતાનો સમાવેશ થાય છે. વિશિષ્ટતાઓને વળગો નહીં; સિદ્ધાંત ઉપર જાઓ, એકત્વ ઉપર જાઓ.

***

દાનવો અંધકારમય યંત્રો છે, દેવો પ્રકાશમય યંત્રો છે; પણ બંને યંત્રો જ છે. માનવ એકલો જ ચેતનવંતો છે. યંત્રપણાને તોડીને સમત્વને પ્રાપ્ત કરો. (તમારી અને યંત્રની વચ્ચેનો સંબંધ, કાર્ય કરનાર અને તેના સાધન વચ્ચે હોય તેવો છે તેમ જાણો; તેની સાથે તદ્રૂપ ન બનો.) ત્યાર પછી મનુષ્ય મુક્ત બની શકે. આ એક જ લોક એવો છે કે જ્યાં માનવી મુક્તિને મેળવી શકે.

‘આત્મા જેને પસંદ કરે છે તે સાચું છે.’ પસંદગી સાચી છે પણ તેને અંદરની બાજુએ વાળો. બહારના અને પ્રારબ્ધવાદી સિદ્ધાંત તરીકે તે ભયંકર છે.

સોમવાર, તારીખ ૧૫મી જુલાઈ

તિબેટની પેઠે જ્યાં બહુપતિત્વ છે ત્યાં સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે મજબૂત હોય છે. જ્યારે અંગ્રેજો તે પ્રદેશમાં જાય છે ત્યારે આ સ્ત્રીઓ મોટા કદના માણસોને પણ ઉઠાવીને પર્વત ઉપર ચડી જાય છે.

મલબારમાં જો કે બહુપતિત્વ નથી, છતાં સ્ત્રીઓ બધામાં આગળ પડતી છે. સર્વ જગ્યાએ અસાધારણ ચોખ્ખાઈ દેખાઈ આવે છે અને વિદ્યા માટે ઉત્સાહ પણ અતિશય છે. જ્યારે હું તે દેશમાં હતો ત્યારે હું એવી ઘણી સ્ત્રીઓને મળ્યો કે જેમને સંસ્કૃત સારું બોલતાં આવડતું હતું. જ્યારે ભારતના બાકીના ભાગોમાં લાખમાંથી એક સ્ત્રીને પણ સંસ્કૃત બોલતાં ભાગ્યે જ આવડતું હોય છે. માલિકી ઉન્નત બનાવે છે, ગુલામી અધમ બનાવે છે. પોર્ટુગીઝોથી કે મુસલમાન લોકોથી મલબાર કદી જિતાયું જ નથી.

દ્રવિડો મધ્ય એશિયામાંથી આર્યાેથી પહેલી આવનાર અનાર્ય જાતિ હતી; દક્ષિણ ભારતના દ્રવિડો વધારેમાં વધારે સંસ્કારી હતા, તેમનામાં સ્ત્રીઓનું સ્થાન પુરુષો કરતાં વધારે ઉચ્ચ હતું. પછીથી તેમનામાં વિભાગો પડ્યા; કેટલાક ઈજિપ્ત ગયા, કેટલાક બેબિલોનમાં ગયા અને બાકીના ભારતમાં રહ્યા.

મંગળવાર, તારીખ ૧૬મી જુલાઈ

(શંકરાચાર્ય)

‘અપૂર્વ’ યાને અદૃષ્ટ કારણ અથવા સૂક્ષ્મ સંસ્કારોનો સમૂહ આપણને યજ્ઞ અને ભક્તિ તરફ લઈ જાય છે અને તેનાં પ્રત્યક્ષ પરિણામો આપે છે. પરંતુ મુક્તિ પ્રાપ્ત કરવા માટે આપણે પહેલાં બ્રહ્મનું શ્રવણ કરવું જોઈએ, પછી મનન કરવું જોઈએ અને પછી નિદિધ્યાસન કરવું જોઈએ.

કર્માેનું ફળ અને જ્ઞાનનું ફળ એ બે જુદી જુદી વસ્તુઓ છે. ‘કરો’ અને ‘કરો નહીં’ એ સમગ્ર નીતિનો પાયો – પાર્શ્વભૂમિકા છે; પણ તેનો સંબંધ માત્ર શરીર અને મનની સાથે જ છે. સઘળું સુખ અને સઘળું દુઃખ ઇંદ્રિયો સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલું છે અને તેનો અનુભવ કરવા માટે શરીર આવશ્યક છે. શરીર જેટલું ઉચ્ચ, તેટલું નીતિનું પ્રમાણ વધારે – છેક બ્રહ્મા સુધી પણ; પરંતુ બધાને શરીર હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી સુખદુઃખનો અનુભવ થાય જ. માત્ર જ્યારે માણસ શરીરનો ત્યાગ કરે ત્યારે તેમાંથી મુક્તિ મેળવે. આત્મા અશરીરી છે એમ આચાર્ય શંકર કહે છે.

કોઈ નિયમ તમને મુક્ત નહીં બનાવી શકે; તમે મુક્ત જ છો. તમારી પાસે મુક્તિ ન હોય તો કોઈ પણ વસ્તુ તમને મુક્તિ આપી નહીં શકે. આત્મા સ્વયંપ્રકાશિત છે. કાર્યકારણ ત્યાં પહોંચતાં નથી અને એ વિદેહાવસ્થા જ મુક્તિ છે. જે કંઈ હતું અથવા છે અથવા થવાનું છે, તે બધાંથી પર બ્રહ્મ છે. મુક્તિ જો કોઈ વસ્તુનું કાર્ય હોત તો તેની કંઈ જ કિંમત ન હોત; તો તે એક મિશ્રણ હોત અને તેથી તેમાં બંધનનાં બીજ રહેત. એ એક જ સાચું તત્ત્વ છે કે જે પ્રાપ્ત કરવાનું નથી, પણ જે આત્માનો સ્વભાવ છે.

છતાં પણ આવરણ હટાવવા, બંધન અને ભ્રમને દૂર કરવા માટે કર્મ અને ભક્તિ આવશ્યક છે. તેઓ આપણને મુક્તિ નથી આપતાં; પણ તેમ છતાંય આપણા પોતાના પ્રયાસ વિના આપણે આંખો ઉઘાડતા નથી અને આપણે શું છીએ તે જોતા નથી. શંકરાચાર્ય વિશેષમાં કહે છે કે અદ્વૈત વેદાંત એ વેદોનો મુગટમણિ છે; પણ વેદોના નીચેના ભાગની પણ જરૂર છે, કારણ કે તેઓ કર્મ અને ભક્તિનો ઉપદેશ આપે છે અને તેમની દ્વારા ઘણા ઈશ્વર પાસે પહોંચે છે. બીજાઓ અદ્વૈત સિવાયની બીજી કોઈ પણ સાધના વિના ઈશ્વરને પામી શકે. કર્મ અને ભક્તિ અદ્વૈત જેવું જ પરિણામ લાવે છે.

ગ્રંથો ઈશ્વર વિશે કંઈ શીખવી શકે નહીં, પણ તેઓ અજ્ઞાનનો નાશ કરી શકે; તેઓનું કાર્ય નિષેધાત્મક છે. ગ્રંથોને વળગી રહેવું અને સાથોસાથ મુક્તિનો માર્ગ ખુલ્લો કરવો, તે આચાર્ય શંકરની મહાન સિદ્ધિ છે. પરંતુ આખરે તો તે એક જાતનું બહુ જ બારીક કાંતવા જેવું છે. પહેલાં મનુષ્યને કંઈ સ્થૂળ સત્ય આપો અને પછી ક્રમે ક્રમે તેને સર્વાેચ્ચ ભૂમિકાએ લઈ જાઓ; જુદા જુદા સઘળા ધર્માેનો આ જ પ્રયાસ છે; અને તે તેમના અસ્તિત્વનું કારણ, તેમજ વિકાસની કોઈ એક ભૂમિકાને દરેક ધર્મ શા માટે યોગ્ય છે તે સમજાવે છે. ગ્રંથો જે અજ્ઞાનનો નાશ કરવામાં મદદરૂપ થાય છે તે જ અજ્ઞાનના તેઓ અંશરૂપ છે. તેમનું કર્તવ્ય જ્ઞાન ઉપર આવી ગયેલા અજ્ઞાનને દૂર કરવાનું છે. ‘સત્ય અસત્યને હાંકી કાઢશે.’ તમે મુક્ત છો જ; તમને મુક્ત બનાવી શકાય નહીં. જ્યાં સુધી તમારો કોઈ સંપ્રદાય હોય ત્યાં સુધી તમે ઈશ્વરને નહીં પામો. ‘પોતે જાણે છે એમ જે માને છે, તે કંઈ જ જાણતો નથી.’ જ્ઞાતાને કોણ જાણી શકે? બે સનાતન હકીકતો અસ્તિત્વ ધરાવે છેઃ ઈશ્વર અને જગત; ઈશ્વર પરિવર્તનરહિત છે, જગત પરિવર્તનશીલ છે. જગત સદા કાળ અસ્તિત્વ ધરાવે છે. જ્યાં તમારું મન પરિવર્તનની માત્રાને પકડી શકતું નથી, ત્યાં તમે તેને શાશ્વતતા કહો છો… તમે કાં તો શિલા જુઓ છો અને કાં તો તેના ઉપર કોતરેલું પૂતળું જુઓ છો, પણ બંનેને એકીસાથે જ નહીં જોઈ શકો; છતાં બંને એક જ છે.

***

એક ક્ષણને માટે પણ તમે પોતાને પ્રવૃત્તિરહિત બનાવી શકો છો? બધા યોગીઓ કહે છે કે તમે બનાવી શકો….

***

‘મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે બ્રહ્મ છો તેવો સાક્ષાત્કાર કરો. કોઈપણ વસ્તુને તમે જે આપો તેના કરતાં વધારે શક્તિ તેનામાં નથી. આપણે સૂર્યથી, તારાઓથી અને વિશ્વથી પર છીએ. મનુષ્યના ઈશ્વરત્વનો ઉપદેશ કરો. અનિષ્ટને નકારો; કોઈ અનિષ્ટને ઉત્પન્ન ન કરો. ખડા થઈને બોલો કે હું અધિપતિ છું, સહુનો અધિપતિ છું. આપણે સાંકળ ઘડીએ છીએ અને એકલા આપણે જ તેને તોડી શકીએ.

કોઈ પણ કર્મ તમને મુક્તિ ન આપી શકે. માત્ર જ્ઞાન જ તમને મુક્ત બનાવી શકે; જ્ઞાન અપરિહાર્ય છે. તેનો સ્વીકાર કે ત્યાગ એ મનના હાથની વાત નથી. જ્યારે જ્ઞાન આવે છે ત્યારે મનને તેનો સ્વીકાર કરવો જ પડે છે. તેથી જ્ઞાનનો સ્વીકાર કે અસ્વીકાર એ મનનું કામ નથી; માત્ર જ્ઞાનની અભિવ્યક્તિ મનમાં થાય છે.

કર્મ અગર ભક્તિનું કાર્ય તમને તમારા પોતાના સ્વરૂપ તરફ પાછા લાવવાનું છે. આત્મા શરીર છે એમ માનવું, તે સંપૂર્ણ રીતે એક ભ્રમણા છે; તેથી અહીં આ શરીરમાં રહેવા છતાં આપણે મુક્ત થઈ શકીએ. શરીરને આત્મા સાથે સમાનતા જેવું કંઈ જ નથી. સત્યને અસત્યરૂપે બતાવનાર છે ભ્રમ, ‘સાવ શૂન્ય’ નહીં.

બુધવાર, તારીખ ૧૭મી જુલાઈ

રામાનુજાચાર્ય વિશ્વને ચિત્, અચિત્ અને ઈશ્વર – મનુષ્ય, પ્રકૃતિ અને ઈશ્વર – ચેતન, અવચેતન અને અતિચેતન એમ ત્રણ વિભાગમાં વહેંચી નાખે છે. તેની સામે શંકરાચાર્ય કહે છે કે ચિત્ એટલે કે આત્મા તે ઈશ્વર જ છે. ઈશ્વર સત્ય ‘છે’, જ્ઞાન ‘છે’, અનંત ‘છે’ જ; આ ગુણો નથી. ઈશ્વર વિશેનો કોઈ પણ વિચાર એ ગુણ છે; અને તેને વિશે જે કંઈ કહી શકાય તે છે માત્ર ‘ॐ तत्सत्’.

શંકરાચાર્ય આગળ ઉપર પૂછે છે કે અસ્તિત્વને બીજી કોઈ વસ્તુથી અલગ તમે જોઈ શકો છો? બે પદાર્થાે વચ્ચેની ભિન્નતા ક્યાં છે? ઇંદ્રિયજ્ઞાનમાં નહીં, નહિતર તો તેમાં બધુંય એક થઈ જાત. આપણે ક્રમસર અનુભવ કરવો પડે છે. એક વસ્તુ જે છે તેનું જ્ઞાન મેળવવામાં આપણને તે વસ્તુ જે નથી એવું પણ કંઈક મળે છે. ભેદો બધા સ્મૃતિમાં રહેલા છે અને ત્યાં જે સંઘરાઈ રહેલું છે તેની સાથે તુલના કરવાથી ભેદોનું જ્ઞાન થાય છે. ભેદ વસ્તુના સ્વભાવમાં નથી, તે મગજમાં રહેલો છે. અખંડ વસ્તુ બહાર છે, ભેદો અંદર (મનમાં) છે. તેથી ‘બહુત્વ’નો ખ્યાલ મનની સૃષ્ટિ છે.

ભેદો અલગ અલગ હોવા છતાં જ્યારે એક જ પદાર્થમાં એકત્રિત થયેલા હોય ત્યારે ગુણો બને છે. ભેદ એ શું છે તે આપણે ચોક્કસ રીતે કહી શકીએ નહીં. વસ્તુઓમાં જે કંઈ આપણે જોઈએ કે અનુભવીએ તે કેવળ અસ્તિત્વ યાને ‘હોવાપણું’ માત્ર છે. બીજું બધું આપણામાં છે. આપણને કોઈ પણ વસ્તુનું એકમાત્ર ખાતરીપૂર્વકનું પ્રમાણ જો કંઈ હોય તો તે સત્તા (અસ્તિત્વ) છે. ભેદમાત્ર ખરી રીતે તો ‘ગૌણ સર્પ’ છે, જેમ દોરડી માંહેનો સર્પ; ત્યાં સર્પની પણ એક અમુક સત્તા તો હતી જ, કારણ કે ભલેને ખોટી રીતે દેખાયું પણ ત્યાં ‘કંઈક’ દેખાયું તો ખરું જ. જ્યારે રજ્જુ – જ્ઞાન બાધિત થાય છે ત્યારે સર્પજ્ઞાન સાચું થાય છે અને જ્યારે સર્પજ્ઞાન બાધિત થાય છે ત્યારે રજ્જુજ્ઞાન સાચું થાય છે. પરંતુ તમે માત્ર એક જ જુઓ છો તેથી અન્ય નથી એમ સિદ્ધ થતું નથી. જગત અંગેનો ખ્યાલ છે ઈશ્વરના વિચારને ઢાંકી દેતું એક આવરણ; તે ખ્યાલને દૂર કરવો જોઈએ, પણ તેનું અસ્તિત્વ તો છે જ.

આચાર્ય શંકર વળી કહે છે કે અનુભવ એ અસ્તિત્વનો અંતિમ પુરાવો છે. અસ્તિત્વ સ્વયંપ્રકાશિત અને સ્વયંજ્ઞાતા છે, કારણ કે ઇંદ્રિયોથી પર જવા માટે આપણને હજી પણ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન સર્વ ઇંદ્રિયોથી, સર્વ સાધનોથી સ્વતંત્ર અને અબાધિત છે. જ્ઞાન વગર કોઈ પણ અનુભવ થઈ ન શકે; જ્ઞાનમાં સ્વયંપ્રકાશપણું છે. તે ઓછા પ્રમાણમાં હોય ત્યારે તેને ચેતના કહેવામાં આવે છે. સંવેદનાનું એક પણ કાર્ય અસંવેદન ન હોઈ શકે; ખરેખર તો સંવેદનનો સ્વભાવ જ ચેતના છે. અસ્તિત્વ અને સંવેદન એ એક જ વસ્તુ છે, એક સાથે જોડી દીધેલી બે વસ્તુઓ નથી. જેને કોઈ કારણની જરૂર ન હોય તે અનંત છે, તેથી જ્ઞાન પોતાનું અંતિમ પ્રમાણ હોવાથી તે નિત્ય છે. તે હંમેશાં અધિષ્ઠાન – લક્ષી છે; જ્ઞાન પોતે જ પોતાનો દ્રષ્ટા છે. જ્ઞાન મનમાં નથી પણ જ્ઞાન મનને લાવે છે. જ્ઞાન નિર્વિશેષ છે, એકમાત્ર જ્ઞાતા છે, તેથી જ્ઞાન એ ખરી રીતે આત્મા જ છે. જ્ઞાન પોતે જ જાણે છે, પણ આત્મા જ્ઞાતા ન થઈ શકે, કારણ કે ‘જ્ઞાતા’ જ્ઞાનની ક્રિયાથી જ્ઞાતા બને છે. પણ શંકરાચાર્ય કહે છે, ‘હું એ આત્મા નથી’ કારણ કે ‘હું’ (અહં) ભાન આત્મામાં નથી. આપણે એ આત્માનાં પ્રતિબિંબો માત્ર છીએ અને આત્મા અને બ્રહ્મ એક જ છે.

જ્યારે તમે નિર્વિશેષ (બ્રહ્મ)ની વાત કરો કે તેનો વિચાર કરો ત્યારે તમારે તે સાપેક્ષ ભાષામાં જ કરવી પડે છે, તેથી આ બધી તર્કયુક્ત દલીલો લાગુ પડે છે. યોગમાં સંવેદન અને સાક્ષાત્કાર એક જ છે. રામાનુજાચાર્ય જેના સમર્થક છે તે વિશિષ્ટાદ્વૈત એટલે આંશિક એકતાનું દર્શન અને અદ્વૈત તરફ જવાનું એક પગલું છે. વિશિષ્ટ એટલે જ ભિન્નત્વ. પ્રકૃતિ (પરિવર્તન પામવું) એ જગતનો સ્વભાવ છે, એટલે તેના ઉપર પરિવર્તન આવ્યા કરે છે. પરિવર્તનયુક્ત શબ્દોમાં વ્યક્ત થયેલા પરિવર્તનયુક્ત વિચારો નિર્વિશેષ વસ્તુને કદી સિદ્ધ ન કરી શકે. તમે માત્ર કોઈક એવા તત્ત્વને પામો કે જે અમુક ગુણોરહિત હોય, પણ બ્રહ્મ પોતે નહીં; માત્ર એક શાબ્દિક એકીકરણ, ઊંચામાં ઊંચો, અતિસૂક્ષ્મ ભાવ હોય, પણ સાપેક્ષના અસ્તિત્વનો અભાવ નહીં.

ગુરુવાર, તારીખ ૧૮મી જુલાઈ

(આજનો વિષય મુખ્યત્વે કરીને સાંખ્યદર્શનના નિર્ણયોની વિરુદ્ધમાં આચાર્ય શંકરની દલીલોનો હતો.)

સાંખ્ય કહે છે કે ચેતના એક મિશ્રણ છે; અને તેનાથી પર અંતિમ પૃથક્કરણ રૂપે આપણને પુરુષ એટલે સાક્ષી આપે છે; પરંતુ પુરુષો અસંખ્ય છે, આપણા પૈકીનો દરેક પણ એક પુરુષ છે. તેથી ઊલટું અદ્વૈત ભારપૂર્વક કહે છે કે પુરુષ એક જ હોઈ શકે; પુરુષ ચેતન અને અચેતન કે કોઈપણ ગુણ ન હોઈ શકે, કારણ કે આવા ગુણો કાં તો તેને બદ્ધ કરે અગર છેવટે ગુણો નાશ પામે. તેથી તે એક પુરુષ ગુણરહિત જ હોવો જોઈએ, તેનામાં જ્ઞાન (ગુણ) પણ ન હોવું જોઈએ અને તે વિશ્વનું કે બીજા કશાનું કારણ ન થઈ શકે. વેદો કહે છેઃ ‘सदेव इदमग्र आसीत एकमेवाद्वितीयम्’ આરંભમાં આ સર્વ એક અદ્વિતીય સત્ જ હતું.’

જ્ઞાનની સાથે સત્ત્વગુણ હોય છે. તેથી એમ સિદ્ધ નથી થતું કે સત્ત્વગુણ જ્ઞાનનું કારણ હતું. ઊલટું પૂર્વથી જ જે હતું તેને સત્ત્વગુણ બહાર લાવે છે, જેવી રીતે અગ્નિ તેની પાસે મૂકવામાં આવેલા લોઢાના ગોળામાં બહારથી પ્રવેશીને નહીં પણ તેનામાં પૂર્વથી જ ગુપ્ત રહેલા અગ્નિને જગાડીને તેને તપાવે છે તેમ.

શંકરાચાર્ય કહે છે કે જ્ઞાન બંધન નથી, કારણ તે ઈશ્વરનો સ્વભાવ છે. વ્યક્ત હોય અથવા અવ્યક્ત હોય, પણ જગત સદાય છે જ; તેથી એક શાશ્વત પદાર્થનું અસ્તિત્વ છે જ.

‘ज्ञान-बल-क्रिया’ ઈશ્વર છે. તેને આકારની પણ જરૂર નથી, કારણ કે અનંત જ્ઞાનને ગ્રહણ કરીને ધારણ કરી રાખવા માટે વચ્ચે માધ્યમ તરીકે માત્ર સાન્તને આકારની જરૂર પડે છે; પણ ઈશ્વરને ખરી રીતે તેવી કોઈ સહાયની જરૂર નથી. ‘આવાગમનકારી આત્મા’ જેવું કંઈક નથી. આત્મા માત્ર એક જ છે. જીવ (વ્યક્તિરૂપ આત્મા) આ શરીરનો સચેતન નિયામક છે; તેની અંદર પાંચ પ્રાણો એકત્ર થાય છે અને છતાં તે જીવ જ આત્મા છે કારણ કે સર્વ કંઈ આત્મા જ છે. તમે તેના વિશે જે વિચાર કરો છો તે તમારો ભ્રમ છે, જીવમાં નથી. તમે ઈશ્વર છો, તે સિવાય બીજો જે કોઈ વિચાર તમે કરો છો, તે ખોટું છે. કૃષ્ણની કૃષ્ણ તરીકે નહીં પણ કૃષ્ણમાં રહેલા આત્માની કૃષ્ણ તરીકે ઉપાસના કરવી જોઈએ. માત્ર આત્માની ઉપાસના કરવાથી જ મુક્તિ મેળવી શકાય. વ્યક્તિરૂપ ઈશ્વર સુદ્ધાં જ્ઞેયરૂપ બનેલો આત્મા છે. શંકર કહે છેઃ ‘સ્વસ્વરૂપનું તીવ્ર અનુસંધાન તે ભક્તિ છે.’

ઈશ્વરને પામવા માટે જે જે ઉપાયો આપણે લઈએ તે બધાય સાચા છે. એ તો માત્ર આસપાસના તારાઓની અંદર સ્થાન ઠરાવતાં ઠરાવતાં ધ્રુવ તારાને શોધી કાઢવા જેવું છે.

શ્રીમદ્ ભગવદ્ગીતા એ વેદાંત ઉપર ઉત્તમમાં ઉત્તમ પ્રમાણગ્રંથ છે.

શુક્રવાર, તારીખ ૧૯મી જુલાઈ

જ્યાં સુધી હું ‘તમે’ એમ કહું ત્યાં સુધી ઈશ્વર આપણો રક્ષક છે તેમ કહેવાનો મને અધિકાર છે. જ્યારે હું બીજાને જોઉં ત્યારે મારે બધાં પરિણામો સ્વીકારવાં જોઈએ અને અમારી વચ્ચે જે રહે છે તે બીજાને એટલે કે આદર્શને મૂકવો જોઈએ, તે ત્રિકોણની ટોચ છે. વરાળનો પહેલાં બરફ થાય છે, પછી પાણી થાય છે, પછી ગંગા બને છે; પણ જ્યારે તે વરાળરૂપે હોય છે ત્યારે ત્યાં ગંગા નથી અને જ્યારે ત્યાં પાણી હોય છે ત્યારે તેમાં વરાળનો આપણે ખ્યાલ કરતા નથી. સર્જન કે પરિવર્તનનો વિચાર ઇચ્છાશક્તિ સાથે અવિભાજ્યપણે જોડાયેલો છે. જ્યાં સુધી આપણે આ જગતને ગતિમાં જોયા કરીએ ત્યાં સુધી આપણે તેની પાછળ ઇચ્છાશક્તિની કલ્પના કરવી પડે છે. ઇંદ્રિયોની સંપૂર્ણ ભ્રમણાને તો પદાર્થવિજ્ઞાન સિદ્ધ કરી બતાવે છે; આપણે જે રીતે જોઈએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, સૂંઘીએ છીએ કે સ્વાદ લઈએ છીએ તેવી રીતનું ખરી રીતે કંઈ જ નથી. અમુક પ્રકારનાં આંદોલનો અમુક પ્રકારનાં પરિણામો ઉત્પન્ન કરે છે અને તે આપણી ઇંદ્રિયોને અસર કરે છે; આપણે માત્ર સાપેક્ષ સત્યને જ જાણીએ છીએ.

સત્ય માટેનો સંસ્કૃત શબ્દ ‘હોવું’ (सत्) છે. આપણા અત્યારના દૃષ્ટિબિંદુથી આ જગત આપણને ઇચ્છાશક્તિ અને ચેતનારૂપે દેખાય છે. જેમ આપણે આપણા માટે એક તત્ત્વ છીએ, તેમ જ વ્યક્તિરૂપ ઈશ્વર તેને પોતાને માટે એક તત્ત્વ છે, એથી વિશેષ બીજું કંઈ નહીં. આપણે જેમ એક આકારરૂપે દેખાઈએ છીએ, તેમ ઈશ્વર પણ એક આકારરૂપે દેખી શકાય. મનુષ્યો તરીકે આપણો એક ઈશ્વર હોવો જોઈએ, પણ ઈશ્વર તરીકે આપણને કોઈ ઈશ્વરની જરૂર નથી. આટલા માટે જ શ્રીરામકૃષ્ણ પોતાની આજુબાજુની બીજી કોઈ પણ ચીજ કરતાં વધારે સત્યરૂપે, પોતાની સાથે જ હોય એવી નિરંતર દિવ્ય માતાજીનાં દર્શન કરતા; પણ સમાધિમાં આત્મા સિવાય બધું જ લોપ થઈ જતું. વ્યક્તિરૂપ ઈશ્વર નજીક અને નજીક આવતો જાય છે અને અંતે તે ઓગળી જાય છે અને પછી નથી રહેતો વ્યક્તિરૂપ ઈશ્વર કે નથી રહેતો ‘હું’; બધું આત્મામાં સમાઈ જાય છે.

ચેતના એક બંધન છે. યોજનાવાદમાંથી નીકળતી દલીલ એવો દાવો કરે છે કે બુદ્ધિ આકારની પહેલાં આવે છે; પણ બુદ્ધિ જો કોઈ પણ વસ્તુનું કારણ હોય તો તે પોતે પણ એક કાર્ય છે. તે માયા છે. ઈશ્વર આપણને સર્જે છે અને આપણે ઈશ્વરને સર્જીએ છીએ અને આનું નામ માયા. મન શરીરને ઉત્પન્ન કરે છે અને શરીર મનને ઉત્પન્ન કરે છે, ઇંડામાંથી પક્ષી નીકળે છે અને પક્ષીમાંથી પાછું ઇંડું થાય છે, વૃક્ષમાંથી બીજ થાય છે અને બીજમાંથી વૃક્ષ થાય છે; એ વર્તુળ તૂટતું જ નથી. જગત સર્વાંશે ભિન્નત્વવાળું નથી કે નથી સંપૂર્ણપણે એકજાતીય. માનવ સ્વતંત્ર છે; તેણે બંને પક્ષથી પર જવું જોઈએ. બંને પોતપોતાની જગ્યાએ સાચાં છે, પણ સત્યને પહોંચવા માટે – ‘સત્’ને પહોંચવા માટે આપણે અસ્તિત્વ, ઇચ્છાશક્તિ, ચેતના; કરવું, જવું, જાણવું વગેરે વિષે અત્યારે આપણે જે જે જાણીએ છીએ તે બધાથી – પર જવું જોઈએ. જીવ (વ્યક્તિરૂપ આત્મા)ને કોઈ સાચું વ્યક્તિત્વ નથી અને તે એક મિશ્રણ હોવાથી તેનો આખરે વિનાશ થશે. જેનું આગળ પૃથક્કરણ થઈ શકે નહીં તે ‘કેવળ’ છે અને તે જ સત્ય છે, મુક્તિ છે, અમૃતત્વ છે, આનંદ છે. આ ભ્રમાત્મક વ્યક્તિત્વને જાળવી રાખવાના બધા પ્રયાસો ખરેખર દુર્ગુણો જ છે; તે વ્યક્તિત્વનો નાશ કરવાના બધા પ્રયાસો સદ્ગુણો છે. વિશ્વમાંની દરેક વસ્તુ આ વ્યક્તિત્વને સમજણપૂર્વક કે સમજણ વિના તોડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. સઘળો નીતિધર્મ ભિન્નત્વ કે મિથ્યા વ્યક્તિત્વનો નાશ કરવા માટે જ રચાયેલો છે, કારણ કે સઘળાં પાપનું તે કારણ છે. પહેલાં નીતિનું અસ્તિત્વ હોય છે, પછી ધર્મ તેને નિયમબદ્ધ સ્વરૂપ આપે છે; રૂઢિઓ પહેલી આવે છે અને પછી તેને સમજાવવા માટે પુરાણો રચાયાં છે. ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તે તર્ક કરતાં કોઈ ઊંચા નિયમથી આવે છે; તર્ક તો તેમને સમજવાના પ્રયાસ વખતે પાછળથી આવે છે. તર્ક એ ચાલકશક્તિ નથી, એ તો પાછળથી ‘વાગોળવાનું’ છે. તર્ક એ માનવપ્રાણીનાં કર્માેનો ઇતિહાસકાર છે.

***

બુદ્ધ મહાન વેદાંતી હતા, (કારણ કે બૌદ્ધ ધર્મ ખરી રીતે તો વેદાંતની એક શાખા જ છે.) અને આચાર્ય શંકરને ઘણીય વાર ‘પ્રચ્છન્ન બૌદ્ધ’ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધે પૃથક્કરણ કર્યું, આચાર્ય શંકરે તેમાંથી એકીકરણ કર્યું. બુદ્ધ કદી કોઈને નમ્યા ન હતા – નહીં વેદોને, ન વર્ણને, ન પુરોહિતોને કે ન રૂઢિને; તર્ક જેટલી હદ સુધી તેમને લઈ ગયો ત્યાં સુધી તેમણે નિર્ભય રીતે તર્ક કર્યાે. સત્ય માટેની આવી નિર્ભય અન્વેષણા અને પ્રત્યેક પ્રાણી માટેનો આવો પ્રેમ જગતે કદી જોયાં નથી. બુદ્ધ ધાર્મિક જગતના (જયોર્જ) વોશિંગ્ટન હતા. જેમ વોશિંગ્ટને અમેરિકન લોકોને માટે કર્યંુ તેમ તેમણે સિંહાસન મેળવ્યું પણ માત્ર જગતને આપવા માટે. તેમણે પોતા માટે કશી જ ઇચ્છા રાખી ન હતી.

શનિવાર, તારીખ ૨૦મી જુલાઈ

સંવેદન એ જ આપણું ખરું જ્ઞાન કે ધર્મ છે. તેના વિશે યુગો સુધી વાતો કર્યા કરો પણ તેથી કદીય આપણા આત્માનું જ્ઞાન થવાનું નથી. એકલા સિદ્ધાંતો અને નિરીશ્વરવાદ વચ્ચે કોઈ તફાવત નથી, હકીકતમાં નિરીશ્વરવાદી વધારે સાચો માણસ છે. જે પ્રત્યેક પગલું હું પ્રકાશમાં માંડું, તે સદાને માટે મારું જ છે; જ્યારે તમે કોઈ દેશમાં જાઓ અને જાતે જુઓ ત્યારે જ તે તમારો બને છે. આપણે દરેકે પોતે જ પોતા માટે જોવાનું છે. ગુરુઓ તો ‘આહાર લાવી આપે,’ પણ પોષણ મેળવવા માટે તો આપણે પોતે જ તે ખાવો જોઈએ. માત્ર એક તર્કપુરઃસરના નિર્ણયરૂપે દલીલ ઈશ્વરને સિદ્ધ કરી શકે; તે સિવાય કશું નહીં.

આપણી બહાર ઈશ્વરને શોધવો અશક્ય છે. આપણી બહાર જે બધી દિવ્યતા રહેલી છે, તેને આપનાર આપણા પોતાના આત્માઓ જ છે. આપણે જ મહાનમાં મહાન મંદિર છીએ. જ્ઞેયરૂપ આપવું તે આપણે પોતાની અંદર જ જે જોઈએ છીએ તેનું એક ઝાંખું પ્રતીક માત્ર છે.

આપણને ઈશ્વરના દર્શનમાં સહાયક થાય એવું એકમાત્ર સાધન તે મનની શક્તિઓની એકાગ્રતા છે. જો તમે એક આત્માને (તમારા આત્માને) જાણો, તો તમે ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના સર્વ આત્માઓને જાણો. ઇચ્છાશક્તિ મનને એકાગ્ર કરે છે અને આ ઇચ્છાશક્તિને તર્ક, પ્રેમ, ભક્તિ, પ્રાણાયામ વગેરે જેવી કેટલીક બાબતો ઉત્તેજિત કરે છે અને તેને કાબૂમાં પણ રાખે છે. એકાગ્ર થયેલું મન આપણા આત્માના દરેક ખૂણાને અજવાળીને બતાવનારો દીપક છે.

કોઈ પણ એક જ પદ્ધતિ સૌને અનુકૂળ ન આવે. બધી જુદી જુદી પદ્ધતિઓ કાંઈ એક પછી એક લેવાનાં આવશ્યક પગલાં નથી. ક્રિયાકાંડો નીચામાં નીચી કક્ષાનાં સ્વરૂપો છે; પછી બાહ્ય ઈશ્વર અને ત્યાર પછી અંદરનો ઈશ્વર આવે છે. કેટલાક કિસ્સાઓમાં ક્રમની જરૂર હોય, પણ ઘણામાં એક જ માર્ગ જરૂરનો હોય છે. દરેકને એમ કહેવું કે ‘જ્ઞાનની અવસ્થાએ તમે પહોંચો તે પહેલાં તમારે કર્મ અને ભક્તિમાંથી પસાર થવાનું છે’ એ મૂર્ખાઈની પરાકાષ્ઠા છે.

જ્યાં સુધી તમે કોઈ વધારે ઉચ્ચ અવસ્થાએ ન પહોંચો ત્યાં સુધી તમે તમારા તર્કને વળગી રહો, તમે વધુ ઉચ્ચ જાણી શકશો તેનું કારણ કે તે તમારા તર્ક સાથે વિસંવાદી નહીં હોય. ચેતન અવસ્થાથી પરની અવસ્થા છે સમાધિ. પણ ઉન્માદીપણાની મૂર્છાઓને સાચી વસ્તુ (સમાધિ) તરીકે ન સ્વીકારો. આ સમાધિનો ખોટી રીતે દાવો કરવો, સહજવૃત્તિને સમાધિ માનવાની ભૂલ કરવી, એ ભયંકર વસ્તુ છે. સમાધિ માટે બહારની કોઈ કસોટી નથી; તે અવસ્થાનો અનુભવ આપણને પોતાને જ થાય છે. ભૂલો સામે આપણને સાવચેત કરનાર રક્ષક નિષેધાત્મક તર્કનો અવાજ છે. ધર્મ સમૂળે તર્કથી પર જાય છે, પરંતુ ત્યાં પહોંચવા માટે તર્ક એક જ ભોમિયો છે. સહજવૃત્તિને બરફની ઉપમા આપી શકાય, તર્કને પાણી સાથે સરખાવી શકાય અને સમાધિને વરાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જેવી કહી શકાય. એક અવસ્થા બીજીને અનુસરે છે. સર્વત્ર આ સનાતન ક્રમ – અચેતન, ચેતન અને બુદ્ધિ – જડ પદાર્થ, શરીર અને મન – રહેલો જ છે; અને આપણને એમ લાગે છે કે આ સાંકળ, આપણે જે કડીને પહેલા વળગ્યા તે કડીથી શરૂ થઈ છે. બંને બાજુની દલીલો સરખી વજનદાર છે અને બંને સાચી છે. આપણે બંનેથી પર, જ્યાં એ બંનેમાંથી એકે ન હોય એવે સ્થળે, જવું જોઈએ. આ બધા ક્રમ માયા છે.

ધર્મ તર્કથી પર છે, પ્રકૃતિથી પર છે. શ્રદ્ધા એ માન્યતા નથી; તે પરમ તત્ત્વનું ગ્રહણ છે, પ્રકાશ છે. પ્રથમ શ્રવણ કરો; પછી મનન કરો; અને આત્મા વિશે તર્ક જે બધું આપી શકે તે બધુંય શોધી કાઢો. તર્કનાં પૂર તેના ઉપર વહેવા દો; પછી જે બાકી રહે તે સ્વીકારો. જો કંઈ જ ના રહે તો ઈશ્વરનો આભાર માનો કે તમે એક વહેમમાંથી બચી ગયા. જ્યારે તમને ખાતરી થાય કે આત્માને કોઈ લઈ જઈ ‘શકે’ નહીં કે તે સર્વ કસોટીમાંથી પાર ઊતરી શકે છે ત્યારે તેને વળગી રહો અને બધાને તેનો ઉપદેશ આપો. સત્ય પક્ષપાતી ન હોઈ શકે; તે સૌના ભલા માટે છે. છેવટે, પૂર્ણ સ્થિર અને શાંત થઈને તેનું નિદિધ્યાસન કરો, તમારા મનને તેના ઉપર એકાગ્ર કરો, તેની સાથે એક બનો, પછી કશું બોલવાની જરૂર નહીં રહે; મૌન જ સત્યની પ્રતીતિ કરાવશે. વાતોમાં તમારી શક્તિનો વ્યય ન કરો, પણ એકાંતમાં મૌનપૂર્વક ધ્યાન કરો; બહારની દુનિયાની ધમાલને તમારાથી દૂર રાખો, જેથી તે તમને ખલેલ ન પહોંચાડે. જ્યારે તમારું મન સર્વાેચ્ચ અવસ્થામાં હશે ત્યારે તમને તેનું ભાન નહીં હોય. મૌન જાળવીને શક્તિ મેળવો અને આધ્યાત્મિક શક્તિના ઉત્પાદક યંત્ર જેવા (ડાયનેમો) બનો. ભિખારી શું આપી શકે? રાજા જ આપી શકે; અને રાજા પણ જ્યારે તેને પોતાને કંઈ જોઈતું ન હોય ત્યારે જ આપી શકે.

તમારી ધનસંપત્તિ ઈશ્વરની છે એમ ગણી તેના એક રક્ષક તરીકેની ભાવના કેળવો. તેના પ્રત્યે આસક્તિ ન રાખો. નામ, કીર્તિ અને પૈસાની પરવા ન કરો; તે એક ભયંકર બંધન છે. મુક્તિના અદ્ભુત વાતાવરણનો અનુભવ લો. તમે મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો! ‘અરે, હું ધન્ય છું! હું મુક્તિ છું! હું અનંત છું! મારા આત્મામાં આદિ કે અંત ક્યાંય શોધ્યાં જડતાં નથી. સર્વ કંઈ મારો આત્મા છે.’ આવું નિરંતર રટણ કરો.

રવિવાર, તારીખ ૨૧મી જુલાઈ

(પતંજલિનાં યોગસૂત્રો)

‘યોગ’ એટલે ચિત્ત (મન)નો નિરોધ કરી તેને વૃત્તિઓમાં વહેંચાઈ જતું રોકવાનું શાસ્ત્ર છે. મન એ સંવેદન અને ઊર્મિઓનું, અગર ક્રિયા અને પ્રતિક્રિયાનું મિશ્રણ છે; તેથી તે શાશ્વત ન હોઈ શકે. મનને એક સૂક્ષ્મ શરીર હોઈને તે દ્વારા તે સ્થૂળ શરીર ઉપર ક્રિયા કરે છે. વેદાંત કહે છે કે ખરો આત્મા મનની પાછળ છે. બીજાં બંનેનો તે સ્વીકાર કરે છે, પણ શાશ્વત અંતિમ તત્ત્વ, આખરી પૃથક્કરણ, જેનાથી આગળ પછી કોઈ મિશ્રણ નથી એવા એકમરૂપને તે સ્થાપે છે. જન્મ એ ‘પુનઃ’ સર્જન છે, મૃત્યુ એ ‘વિ’સર્જન છે અને જ્યાં આત્મા મળે તે અંતિમ પૃથક્કરણ છે; એથી આગળ બીજું વિભાજન અશક્ય હોવાથી, અવિનાશી તત્ત્વ આવી જાય છે.

પ્રત્યેક તરંગની પાછળ આખો સાગર રહેલો છે; તેની બધી અભિવ્યક્તિઓ એ તરંગો છે, જેમાં કેટલાક બહુ મોટા અને કેટલાક નાના હોય છે; છતાંય બધા તેમના મૂળસ્વરૂપે સાગર જ છે, આખો સાગર છે; પરંતુ તરંગ તરીકે તે દરેક સાગરનો એક ભાગ છે. જ્યારે તરંગો શાંત થાય છે, ત્યારે બધું એક છે; પતંજલિ કહે છે તેમ ‘દૃશ્ય વિનાનો દ્રષ્ટા’. મન જ્યારે ક્રિયાશીલ હોય છે, ત્યારે આત્મા તેની સાથે સેળભેળ થઈ જાય છે. જૂનાં સ્વરૂપોનું ઝડપી ક્રમમાં પુનરાવર્તન તેનું નામ સ્મૃતિ.

અનાસક્ત બનો. જ્ઞાન એ શક્તિ છે અને એકને મેળવવાથી તમને બીજું મળે છે. જ્ઞાનથી તમે ભૌતિક જગતને દૂર પણ કરી શકો છો. જ્યારે તમે કોઈ પણ પદાર્થમાંથી તેના ગુણોને એક પછી એક મનમાંથી હઠાવી દેતાં દેતાં અંતે બધા દૂર થઈ જાય, ત્યારે તમે તે પદાર્થને પોતાને જ તમારી ચેતનામાંથી ઇચ્છાનુસાર અદૃશ્ય બનાવી શકો.

જેઓ તૈયાર હોય તેઓ ઘણી ઝડપથી આગળ વધે છે અને છ માસમાં યોગીઓ બની શકે છે. ઓછા વિકાસ પામેલાને ઘણાં વર્ષાે પણ લાગે; અને શ્રદ્ધાપૂર્વક કર્મ કરવાથી, તથા બીજી બધી બાબતોનો ત્યાગ કરીને કેવળ યોગના અભ્યાસમાં જ લાગી રહેવાથી કોઈ પણ માણસ બાર વર્ષમાં લક્ષ્યને પહોંચી શકે છે. આ બધી માનસિક કસરતો સિવાય ભક્તિ તમને ત્યાં પહોંચાડશે; પણ તે વધુ ધીમો માર્ગ છે.

ઈશ્વર એટલે મન દ્વારા જોવાયેલ અગર ગ્રહણ કરાયેલ આત્મા. તેની સર્વાેચ્ચ સંજ્ઞા ૐ છે, તેથી તેનો જપ કરો, તેનું ધ્યાન કરો અને કાયમ તેનાં અદ્ભુત સ્વભાવ અને લક્ષણોનો વિચાર કરો. ૐનો વારંવાર જપ કરવો તે જ એકમાત્ર ખરી ઉપાસના છે. તે કોઈ શબ્દ નથી; તે સ્વયં ઈશ્વર છે.

ધર્મ તમને નવું કંઈ આપતો નથી; તે માત્ર અડચણો દૂર કરે છે અને તમને તમારો આત્મા જોવા દે છે. બીમારી એ પહેલું મોટું વિઘ્ન છે; નીરોગી શરીર શ્રેષ્ઠ સાધન છે. વિષાદ એ ઓળંગાય નહીં તેવી દીવાલ છે. જો તમે એક વખત બ્રહ્મને જાણો, તો ત્યાર પછી તમે કદી પણ વિષાદ નહીં અનુભવો. સંશય, ખંતનો અભાવ, ભૂલભર્યા વિચારો વગેરે બીજાં બધાં વિઘ્નો છે.

***

પ્રાણો સૂક્ષ્મ શક્તિઓ છે, સર્વ પ્રકારની ગતિનાં મૂળ છે. બધા મળીને દશ પ્રાણ છેઃ પાંચ અંતર્મુખી અને પાંચ બહિર્મુખી. પ્રાણશક્તિનો એક મોટો પ્રવાહ ઉપરની બાજુએ ચઢે છે અને બીજો નીચેની તરફ જાય છે. પ્રાણાયામ એટલે શ્વાસક્રિયા દ્વારા પ્રાણનું નિયમન. શ્વાસ તે બળતણ છે, પ્રાણ વરાળ છે અને શરીર તે એન્જિન છે. પ્રાણાયામના ત્રણ ભાગ છેઃ પૂરક (શ્વાસને અંદર લેવો), કુંભક (શ્વાસને રોકવો) અને રેચક (શ્વાસને બહાર કાઢવો)…

***

ગુરુ એક એવું વાહન છે કે જેના દ્વારા આધ્યાત્મિક શક્તિ તમને આપવામાં આવે છે. ઉપદેશ કોઈ પણ માણસ આપી શકે; પણ અધ્યાત્મ શક્તિ તો શિષ્યમાં ગુરુ દ્વારા જવી જોઈએ,અને તે જ ફળીભૂત થાય. શિષ્યોનો અંદરોઅંદરનો સંબંધ ભાઈ ભાઈ જેવો હોય છે અને ભારતમાં કાયદાથી આ સ્વીકારાયેલો છે. ગુરુ પોતાના પૂર્વગુરુઓ પાસેથી પરંપરા દ્વારા મેળવેલી વિચારશક્તિ એટલે કે મંત્રનો શિષ્યમાં સંચાર કરે છે; ગુરુ સિવાય કંઈ પણ થઈ શકે નહીં. (તેમ ન હોય તો) હકીકતમાં મહાભય ઉત્પન્ન થાય છે. સામાન્યતઃ ગુરુ સિવાયનો કરેલો આવો યોગાભ્યાસ કામોત્તેજક બને છે, જ્યારે ગુરુ હોય તો તેવું ભાગ્યે જ બને છે. પ્રત્યેક ઇષ્ટનો એક મંત્ર હોય છે. ઇષ્ટ એટલે વિશિષ્ટ ઉપાસક માટેનો વિશિષ્ટ આદર્શ; મંત્ર તેને વ્યક્ત કરનારો બહારનો શબ્દ છે. શબ્દ (મંત્ર)નો નિરંતર જપ આદર્શને દૃઢપણે સ્થિર કરવામાં સહાયક છે. ઉપાસનાની આ રીત આખા ભારતમાં તમામ સાધકોમાં પ્રચલિત છે.

મંગળવાર, તારીખ ૨૩મી જુલાઈ

(ભગવદ્ગીતા, કર્મયોગ)

કર્મ દ્વારા મુક્તિ મેળવવા માટે તમે કાર્યમાં પ્રવૃત્ત બનો; પણ ઇચ્છા વિના, કોઈ પણ પરિણામ તરફ દૃષ્ટિ રાખ્યા વિના કર્મ કરો. આવાં કર્મથી જ્ઞાન મળે છે, ને જ્ઞાન મુક્તિ લાવે છે. ‘જ્ઞાન’ થયા વિનાનો કર્મનો ત્યાગ દુઃખ લાવે છે. આત્મા માટે કરેલા કર્મથી કોઈ બંધન આવતું નથી. કાર્ય કરવામાં સુખની આશા ન રાખો કે દુઃખનો ભય ન રાખો. મન અને શરીર કર્મ કરે છે, ‘હું’ નહીં. આ બાબત તમે સતત તમારી જાતને સમજાવ્યા કરો અને તેનો અનુભવ કરો. તમે કામ કરો છો તે ન જાણવાનો પ્રયાસ કરો.

જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતાં તમારો પ્રેમ સૌને આપો. અંધ મનુષ્ય રંગ નથી જોઈ શકતો, તે જ પ્રમાણે અનિષ્ટ આપણામાં ન હોય તો આપણે તે કેવી રીતે જોઈ શકીએ? બહાર જે આપણે જોઈએ છીએ તેને આપણી અંદર જે છે તેની સાથે સરખાવીએ છીએ અને તે મુજબ આપણે નિર્ણય આપીએ છીએ. આપણે જો પવિત્ર હોઈએ તો અપવિત્રતા દેખાશે નહીં. સંભવ છે કે તે હોય, પણ તે આપણા માટે નહીં. દરેક પુરુષ, સ્ત્રી કે બાળકમાં ઈશ્વરને જુઓ. તેને ‘અંતર્જ્યાેતિ’થી જુઓ; અને તે જોઈશું તો પછી આપણે બીજું કંઈ જોઈ નહીં શકીએ. આ સંસારને ઇચ્છો નહિ, કારણ કે તમે જેની ઇચ્છા રાખો તે તમને મળે. ઇચ્છા માત્ર ઈશ્વરની અને કેવળ ઈશ્વરની જ રાખો. જેમ જેમ સત્તા વધારે તેમ તેમ બંધન વિશેષ અને ભય પણ વિશેષ. કીડી કરતાં આપણે કેટલા બધા વધુ ડરેલા અને દુઃખી છીએ! એ બધામાંથી બહાર નીકળો અને ઈશ્વર પાસે આવો. સ્રષ્ટાનું વિજ્ઞાન શોધો, સૃષ્ટિનું નહીં.

‘કર્તા તથા કાર્ય હું જ છું.’

‘કામ અને ક્રોધના આવેગને જે રોકી શકે, તે મહાન યોગી.’

‘અભ્યાસ અને અનાસક્તિથી જ આપણે મન ઉપર વિજય મેળવી શકીએ.’

***

આપણા હિંદુ પૂર્વજો શાંતિથી બેસીને ઈશ્વર અને નીતિધર્મના વિચાર કરતા; આપણને પણ તે જ પ્રમાણે તે જ ધ્યેય માટે બુદ્ધિ આપવામાં આવી છે; પૈસાના લોભની દોડધામમાં આપણે ઈશ્વર અને નીતિધર્મ બેઉને ગુમાવીએ એવો સંભવ છે.

***

શરીરમાં પોતાને નીરોગી બનાવવાની અમુક એક શક્તિ રહેલી છે; ઘણી બાબતો – જેવી કે માનસિક અવસ્થાઓ, ઔષધિઓ, આસનો, વગેરે – તેની આ રોગનિવારક શક્તિને જગાડીને કાર્યપ્રવણ બનાવી શકે છે. જ્યાં સુધી આપણે ભૌતિક પરિસ્થિતિઓથી હેરાન થઈએ છીએ ત્યાં સુધી ભૌતિક સાધનોની મદદ આપણને જરૂરની છે. જ્યાં સુધી આપણે જ્ઞાનતંતુઓના બંધનથી મુક્ત ન થઈ શકીએ ત્યાં સુધી આપણે ભૌતિક સાધનોની ઉપેક્ષા કરી ન શકીએ.

અવચેતન મન છે ખરું, પણ તે ચેતનાની નીચે છે અને ચેતના શરીર રચનાનો માત્ર એક ભાગ છે. તત્ત્વજ્ઞાન એ મન વિશેની અટકળ-ક્રિયા છે. ધર્મ ઇંદ્રિયોના સંબંધ ઉપર, અનુભવ ઉપર આધારિત છે, જ્ઞાનની એ એકમાત્ર ભૂમિકા છે. અતિચેતન મનની સાથે જે સંબંધમાં આવે તે જ હકીકત છે. જેમણે ધર્મનો ‘અનુભવ’ કર્યાે છે તેઓ ‘આપ્ત’ કહેવાય છે. તેમનો પુરાવો એ છે કે જો તમે તેમની રીતને અનુસરો તો તમે પણ તેનો અનુભવ કરી શકો. દરેક શાસ્ત્રને તેની પોતાની ખાસ પદ્ધતિ અને સાધનોની આવશ્યકતા હોય છે. રસોડાનાં વાસણોની સહાયથી કોઈ ખગોળશાસ્ત્રી તમને શનિની આસપાસનાં વર્તુળો બતાવી ન શકે; તેને દૂરબીનની જ જરૂર રહે. તેવી જ રીતે ધર્મની મહાન હકીકતો જાણવા માટે જે લોકોએ તે જાણી છે, તેમની પદ્ધતિઓને અનુસરવું જોઈએ. શાસ્ત્ર જેટલું મહાન તેટલાં તેનો અભ્યાસ કરવાનાં સાધનો વધારે વિવિધ. આપણે દુનિયામાં આવ્યા તે પહેલાં તેની બહાર નીકળી જવાનાં સાધનો પણ ઈશ્વરે આપ્યાં છે; તેથી આપણે તો માત્ર આ સાધનો શોધી કાઢવાનું જ કામ કરવાનું છે. રીત અંગે ઝઘડો ન રાખો. માત્ર સાક્ષાત્કાર કરવા તરફ નજર રાખો અને તમને અનુકૂળ લાગે તેવી ઉત્તમ રીત પસંદ કરો. તમે કેરી ખાવા માંડો; ટોપલા માટે બીજાઓને ઝઘડવા દો. ઈશુનાં દર્શન કરો, એટલે પછી તમે ખ્રિસ્તી બનશો. બાકીનું બધું વાતોનાં વડાં છે; જેમ ઓછી વાતો કરીએ તેમ સારું.

સંદેશો સંદેશવાહક બનાવે છે; ઈશ્વર મંદિર રચે છે, મંદિર ઈશ્વરને રચી ન શકે.

શ્વેતકેતુના મુખ દ્વારા બ્રહ્મનો મહિમા પ્રકાશી રહ્યો હતો તેમ ‘જ્યાં સુધી તમારા મુખ દ્વારા તે પ્રકાશે નહીં ત્યાં સુધી’ સાધના કરો.

એક અનુમાનની સામે બીજું અનુમાન ઝઘડો ઊભો કરી શકે; પણ જો તમે તમારા પ્રત્યક્ષ અનુભવની વાત કરો તો કોઈ માનવહૃદય તેનો વિરોધ નહિ કરી શકે. સંત પોલનું ધર્મપરિવર્તન તેની ઇચ્છા વિરુદ્ધ સાક્ષાત્કાર દ્વારા થયું હતું.

મંગળવાર, બપોર પછી

(ભોજન થઈ રહ્યા પછી એક ટૂંકો વાર્તાલાપ થયો હતો, તે વાર્તાલાપ દરમિયાન સ્વામીજીએ કહ્યુંઃ)

ભ્રમણા ભ્રમણાને ઉત્પન્ન કરે છે; ભ્રમણા પોતાને ઉત્પન્ન પણ કરે અને પોતાનો વિનાશ પણ કરે છે; આવી છે માયા. (કહેવાતું) બધું જ્ઞાન માયા ઉપર રચાયેલું હોવાને લીધે એ એક અવળચંડું વર્તુળ હોઈ કાળક્રમે તે જ્ઞાન પોતે જ પોતાનો વિનાશ કરે છે. ‘દોરડાને જવા દો.’ ભ્રમણા આત્માને અડકી ન શકે. જ્યારે આપણે દોરડાને પકડીએ છીએ – માયા સાથે તાદાત્મ્ય સાધીએ છીએ – ત્યારે તે આપણા ઉપર સત્તા ચલાવે છે. તેને જવા દો, માત્ર ‘સાક્ષી’ બનો. ત્યારે જ તમે સ્વસ્થ ચિત્તે વિશ્વરૂપી ચિત્તની બરાબર પ્રશંસા કરી શકશો.

બુધવાર, તારીખ ૨૪મી જુલાઈ

જે પૂર્ણ યોગી છે તેવાને માટે યોગાભ્યાસથી આવતી સિદ્ધિઓ અડચણરૂપ નથી, પણ જે હજુ યોગમાં શરૂઆત કરનારો છે, તેને માટે તો તેમના પ્રયોગથી ઊપજતી નવાઈ અને મજા દ્વારા તે નડતરરૂપ બને છે. સિદ્ધિઓ એ યોગના અભ્યાસમાં મળતી સફળતાની નિશાનીઓ છે. વિવિધ સાધનો – જેવાં કે મંત્રજપ, યોગાભ્યાસ, ધ્યાન, ઉપવાસ અથવા વનસ્પતિ અને ઔષધોનાં – ઉપયોગથી પણ તે સિદ્ધિઓ આવી શકે છે. જે યોગીએ પોતાની મેળવેલી સિદ્ધિઓમાંના રસ પર વિજય મેળવ્યો છે અને પોતાના કર્મથી મળતા બધા પુણ્યનો ત્યાગ કર્યાે છે તે धर्ममेघ નામની સમાધિની અવસ્થાએ પહોંચે છે અને જેમ વાદળું પાણી વરસાવે તેમ પવિત્રતા વરસાવે છે.

ધ્યાન વિષયોની શ્રેણી ઉપર થાય છે, ધારણા કે એકાગ્રતા એક જ વિષય પર હોય છે.

મન આત્મા વડે જાણી શકાય છે, પણ તે સ્વયં પ્રકાશિત નથી. આત્મા કોઈ પણ વસ્તુનું કારણ ન થઈ શકે. તે કેવી રીતે થઈ શકે? પ્રકૃતિ સાથે પુરુષ પોતાને જોડી કેમ શકે? તે જોડતો જ નથી. તે જોડાય છે એવી ધારણા કેવળ એક ભ્રમ છે…

***

કોઈની દયા ખાધા વિના, અગર કોઈ પણ દુઃખ છે તેવો ખ્યાલ લાવ્યા સિવાય મદદ કરતાં શીખો. મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવ રાખતાં શીખો; જ્યારે તમે તેમ કરી શકશો અને તમારામાં કશી પણ ઇચ્છા નહીં રહે ત્યારે તમે લક્ષ્યે પહોંચી શકશો.

અનાસક્તિની કુહાડીથી ઇચ્છાઓના વટવૃક્ષને કાપી નાખો એટલે તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. તે કેવળ એક ભ્રમણા જ છે. ‘જેનામાંથી નિરાશા અને ભ્રમ નાશ પામ્યાં છે અને સંગરૂપી અનિષ્ટ પર જેણે વિજય મેળવ્યો છે, તે જ મુક્ત છે.’

કોઈને પણ અંગત રીતે ચાહવું તે બંધન છે. સૌને એકસરખી રીતે ચાહો, એટલે બધી ઇચ્છાઓ ટળી જશે.

‘સર્વનો ભક્ષક’ કાળ આવે છે અને બધાંને જવું પડે છે. દુનિયાને સુધારવાનો કે પતંગિયાને ચીતરવાનો શા માટે પ્રયાસ કરવો? અંતે તો તે બધાંનો નાશ થવાનો જ છે. રોજ કામ કરનારા પણ કદાપિ કંઈ પરિણામ નહીં લાવનારા માત્ર ચક્રાવામાં ભમ્યા કરતા સફેદ ઉંદરો જેવા ન બનો. દરેકે દરેક ઇચ્છા અનિષ્ટથી ભરેલી છે; પછી ભલે તે ઇચ્છા પોતે સારી હોય કે ખરાબ. એ તો નિરંતર દૂર રહ્યા કરતા એક માંસના ટુકડા માટે કૂદકો માર્યા કરતા કૂતરા જેવું અને છેવટે કૂતરાને મોતે મરવા જેવું છે; એના જેવા ન બનો. આશામાત્રનો ત્યાગ કરો.

***

પરમાત્મા માયાના સ્વામીરૂપે ઈશ્વર છે; પરમાત્મા માયાને આધીનરૂપે જીવ છે. અભિવ્યક્તિનો કુલ સરવાળો માયા છે અને તે સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જશે.

વૃક્ષપણું એ માયા છે; વસ્તુતઃ તો એ માયાના આવરણ નીચે રહેલા ઈશ્વરને આપણે જોઈએ છીએ. કોઈ પણ બાબતનું ‘શા માટે’ (કારણ) માયામાં જ છે. માયા શા માટે આવી એ પ્રશ્ન જ નિરર્થક છે, કારણ કે માયામાં રહીને તે પ્રશ્નનો ઉત્તર કદી પણ આપી ન શકાય; અને માયાથી પર ગયા પછી તે પ્રશ્ન કોણ પૂછે? ‘શા માટે’ એટલે કે કારણને ઉત્પન્ન કરનારાં છે અનિષ્ટ, નહીં કે ‘શા માટે.’ એટલે કારણ અનિષ્ટને ઉત્પન્ન કરે છે અને અનિષ્ટ જ બધાં વિશે ‘શા માટે’ એવો સવાલ પૂછે છે. ભ્રમણા ભ્રમણાનો નાશ કરે છે. તર્ક વિરોધની ભૂમિકા ઉપર રચાયેલો હોવાથી તે પોતે જ એક વર્તુળ જેવો છે અને તેણે જ પોતાનો નાશ કરવો પડે છે. ઇંદ્રિયજન્ય જ્ઞાન પોતે એક અનુમાન છે અને છતાં બધાં અનુમાન ઇંદ્રિયજન્ય જ્ઞાનમાંથી જ આવે છે.

ઈશ્વરના પ્રકાશને પ્રતિબિંબિત કરવાને લીધે અજ્ઞાન દેખાય છે, પણ પોતાને સ્વરૂપે તે શૂન્ય છે. સૂર્યનો પ્રકાશ પડતો ન હોય તો વાદળું ન દેખાય.

ચાર મુસાફરો એક ઊંચી દીવાલ પાસે આવ્યા. પહેલો મુશ્કેલીથી તેની ઉપર ચડી ગયો અને પાછું જોયા વિના બીજી બાજુએ કૂદી પડ્યો. બીજો માંડ માંડ દીવાલ ઉપર ચડી ગયો, આજુબાજુ જોયું અને પછી આનંદની બૂમ મારીને દીવાલની પાછળ અદૃશ્ય થયો. ત્રીજો પણ ઉપર ચડ્યો; પોતાના આગલા સાથીદારો ક્યાં ગયા તે જોયું અને આનંદથી ખડખડાટ હસ્યો તથા તેમની પાછળ ગયો. પણ ચોથો પોતાના સાથીદારનું શું થયું તે કહેવા માટે પાછો આવ્યો. માયાની દીવાલ ઓળંગીને પેલે પાર ગયેલા મહાનુભાવો પાસેથી આવતું હાસ્ય એ માયાની દીવાલને પેલે પાર કંઈક છે તેની આપણને મળતી નિશાની છે.

***

નિર્વિશેષથી આપણી જાતને અલગ પાડવી તથા તેનામાં ગુણોનું આરોપણ કરવું, એ ક્રિયા આપણને ઈશ્વર આપે છે. એ આપણા મન દ્વારા દેખાતું વિશ્વનું સત્ય છે. શેતાન એ વહેમી માણસોના મન દ્વારા દેખાતું જગતનું દુઃખ છે.

ગુરુવાર, તારીખ ૨૫મી જુલાઈ

(પતંજલિનાં યોગસૂત્રો)

‘પોતાથી કાર્યાે કરાય કે બીજા દ્વારા કરાવાય અથવા તેમને અનુમોદન અપાય, એ ત્રણેની આપણા પર પડનારી અસર લગભગ સરખી જ હોય છે.’

સંપૂર્ણ બ્રહ્મચર્ય આપણને મોટી બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ આપે છે. બ્રહ્મચારીએ ઇંદ્રિયભોગની બાબતમાં વિચાર, વાણી અને વર્તન દ્વારા પવિત્ર રહેવું જોઈએ. શરીર માટેની કાળજી છોડો; શરીરના અસ્તિત્વનો ખ્યાલ પણ બને ત્યાં સુધી ટાળો.

આસન સ્થિર અને સુખકર હોવું જોઈએ; સતત અભ્યાસ અને મનનું અનંત સાથેનું તાદાત્મ્ય એ સિદ્ધ કરે છે.

એક જ વિષયનું સતત ચિંતન તેનું નામ ધ્યાન.

સ્થિર પાણીમાં જ્યારે એક પથરો નાખવામાં આવે ત્યારે તેમાં ઘણાં વર્તુળો પેદા થાય છે; તે દરેક જુદું જુદું હોય છે, પણ બધાં પરસ્પર એકબીજા પર ક્રિયા કરતાં હોય છે. તે જ પ્રમાણે આપણા મન વિશે છે. માત્ર આપણે આ ક્રિયાથી અજાણ હોઈએ છીએ, જ્યારે યોગી તે ક્રિયાનો જ્ઞાતા હોય છે. આપણે જાળ માંહેના કરોળિયા જેવા છીએ; યોગાભ્યાસ કરોળિયાની પેઠે તે જાળાના ગમે તે તાર પર થઈને ચાલ્યા જવાની શક્તિ આપશે. જેઓ યોગીઓ નથી તેઓ જે સ્થળે પોતે હોય તે જ સ્થળે બદ્ધ થઈ રહેલા હોય છે.

***

બીજાને નુકસાન કરવાથી બંધન ઉત્પન્ન થાય છે અને સત્યને તે છુપાવે છે. ગુણો અભાવાત્મક હોય તેટલું બસ નથી; આપણે માયાને જીતવાની છે; ત્યાર પછી તે આપણી પાછળ પાછળ આવશે. વસ્તુઓ જ્યારે આપણને બંધનકર્તા થતી અટકે ત્યારે જ આપણે તેમને લાયક થઈએ છીએ. ખરેખરી અને સાચી રીતે બંધન તૂટે છે, ત્યારે જ બધી ચીજો આપણી પાસે આવે છે. જેઓને કંઈ પણ જોઈતું નથી, તેઓ જ માત્ર પ્રકૃતિના સ્વામીઓ છે.

જે આત્માએ ખરેખર પોતાનું બંધન તોડ્યું છે તેને શરણે જાઓ તો તે પોતાની કૃપાથી યોગ્ય સમયે તમને બંધનમુક્ત કરશે. તેથીયે ઊંચું ઈશ્વરને શરણે જવું એ છે, પણ તે સૌથી વધુ મુશ્કેલ છે; આખા સૈકામાં માત્ર એકાદ વખત જ એવી કોઈ વ્યક્તિ મળી આવે કે જેણે ખરેખર તેમ કર્યું હોય. મન ઉપર કોઈ અસર થવા દો નહીં, કંઈ પણ જાણો નહીં, કંઈ કરો નહીં, કંઈ રાખો નહીં; બધું ઈશ્વરને સોંપી દો. માત્ર એટલું જ કહોઃ ‘હે ઈશ્વર! તારી ઇચ્છા મુજબ થાઓ.’ આ બંધન એ આપણું માત્ર સ્વપ્ન જ છે; જાગ્રત થાઓ અને તેને ફગાવી દો. માત્ર ઈશ્વરનું શરણ લો, જેથી આપણે માયાના રણને પસાર કરી જઈએ. ‘તારી પકડ છોડી દે; રે બહાદુર સંન્યાસી! બોલ, ॐ तत्सत्।’

દાન કરવાની તક મળે તો આપણું સદ્ભાગ્ય છે; એ રીતે જ આપણો વિકાસ થાય છે. ગરીબ માણસને દુઃખ પડે છે એટલા માટે કે તેને દાન આપવાથી દાન આપનારને મદદ થાય; દાન આપનારે નીચા નમીને દાન લેનારનો આભાર માનવો જોઈએ અને દાન લેનારે ટટ્ટાર ઊભા રહીને દાન આપનારને દાન દેવાની પરવાનગી આપવી જોઈએ. દરેકની પાછળ રહેલા ઈશ્વરને જુઓ અને તે દાન ઈશ્વરને આપો. જ્યારે આપણી નજરે અનિષ્ટ આવતું અટકી જાય ત્યારે આપણે માટે સંસારનો અંત આવે જ, કારણ કે સંસારનો એકમાત્ર હેતુ આપણને તે ભૂલમાંથી મુક્ત કરવાનો છે. કંઈ પણ અપૂર્ણ છે એ વિચાર જ અપૂર્ણતાને ઉત્પન્ન કરે છે. માત્ર તાકાતના અને પૂર્ણતાના વિચારો તેમાંથી બચાવી શકે. બને તેટલું ભલું કરો; તેમાં કેટલુંક અશુભ જરૂર હશે પણ અંગત પરિણામનો વિચાર રાખ્યા સિવાય બધું કરો અને પરિણામ બધું ઈશ્વરને સોંપો; એમ કરવાથી શુભ કે અશુભ તમને અસર નહીં કરે.

કર્મ કરવું તે ધર્મ નથી; પણ સાચી રીતે કરેલું કર્મ મુક્તિ તરફ લઈ જાય છે. ખરી રીતે તો દયા માત્ર અંધકાર છે, કારણ કે દયા કોની ખાવી? શું તમે ઈશ્વરની દયા ખાઈ શકો? અને ઈશ્વર સિવાય બીજું કંઈ છે? તમારા વિકાસ માટે નૈતિક શક્તિ વિકસાવવાના સાધન તરીકે આ દુનિયા તમને મળી છે; તે માટે ઈશ્વરનો પાડ માનો; પણ કદીય એમ ન માનશો કે તમે દુનિયાને મદદ કરી શકશો. તમને કોઈ ગાળો આપે તો તેનો આભાર માનો; કારણ કે એ તમારી સામે એક એવું દર્પણ આપે છે જેમાં ગાળો આપવી તે શું છે તે તમે જોઈ શકો છો; ઉપરાંત તે તમને સંયમ શીખવાની એક તક આપે છે. માટે ગાળો દેનારનું ભલું ઇચ્છો અને રાજી થાઓ. વાપર્યા સિવાય શક્તિ ખીલી ન શકે; અરીસા વિના આપણે પોતાને જોઈ શકીએ નહિ.

‘અપવિત્ર કલ્પના અપવિત્ર કર્મ જેટલી જ ખરાબ છે.’ સંયમમાં રાખેલી ઇચ્છા સર્વાેચ્ચ પરિણામે લઈ જાય છે. ઇંદ્રિયભોગની શક્તિને આધ્યાત્મિક શક્તિમાં ફેરવી નાખો, પણ તેને પાંગળી ન બનાવો; કારણ કે તેનો અર્થ તો શક્તિને વેડફી નાખવાનો છે. આ શક્તિ જેટલી વધારે તેટલું તેનાથી વિશેષ કામ થાય. પાણીનો જોરદાર પ્રવાહ જળશક્તિ દ્વારા કરવાના ખોદકામ માટેની પ્રચંડ કાર્યશક્તિ પ્રગટ કરી શકે.

આજે આપણને જેની જરૂર છે તે એ કે એક ઈશ્વર છે અને આપણે તેને અહીં અને અત્યારે જ જોઈ શકીએ અને અનુભવી શકીએ છીએ તેમ જાણવું. શિકાગોના એક અધ્યાપક કહે છેઃ ‘આ દુનિયાની કાળજી રાખો; પરલોકની કાળજી ઈશ્વર રાખશે.’ કેવું મૂર્ખાઈભર્યું! આ દુનિયાની કાળજી જો આપણે રાખી શકીએ, તો પછી બીજી દુનિયાની કાળજી રાખવા માટે કોઈ દયાળુ ઈશ્વરની જરૂર શી રહે?

શુક્રવાર, તારીખ ૨૬મી જુલાઈ

(બૃહદારણ્યકોપનિષદ)

સર્વ વસ્તુઓને માત્ર આત્મા દ્વારા અને આત્મા માટે જ ચાહો. યાજ્ઞવલ્કયે પોતાની પત્ની મૈત્રેયીને કહ્યુંઃ ‘આત્મા દ્વારા જ આપણે સઘળું જાણીએ છીએ.’ આત્મા કદી જ્ઞાનનો વિષય થઈ શકે નહીં, તેમ જ જ્ઞાતા કદી પણ જાણી શકાય નહીં. જે જાણે છે કે પોતે આત્મા છે, તે પોતે પોતાનો શાસક છે; તે જાણે છે કે પોતે જ વિશ્વ અને તેનો સ્રષ્ટા છે…

***

જૂની પુરાણ કથાઓને રૂપકોના રૂપમાં સદા જીવંત રાખીને તેમને વધારે પડતું મહત્ત્વ આપવાથી વહેમો વધે છે અને ખરી રીતે તે નિર્બળતા છે. સત્યમાં સમાધાન કરવાનું હોવું જ ન જોઈએ. સત્યનો ઉપદેશ આપો અને કોઈ પણ વહેમનો બચાવ ન કરો; તેમ જ સત્યને શ્રોતાની ભૂમિકા સુધી નીચે ન લઈ જાઓ.

શનિવાર, તારીખ ૨૭મી જુલાઈ

(કઠોપનિષદ)

જેણે આત્માનું સત્ય મેળવ્યું હોય તે સિવાય અન્ય કોઈ પાસેથી તે ન શીખશો. બીજા બધા પાસે માત્ર વાતો હોય છે. સાક્ષાત્કાર પુણ્ય પાપથી પર છે, ભૂત-ભવિષ્યથી પર છે. બધાં વિરોધી દ્વંદ્વોથી પર છે. ‘નિષ્કલંક સાધક આત્માને જુએ છે અને તેના આત્મામાં સનાતન શાંતિ આવે છે.’ વાતો કરવી, દલીલો કરવી, પુસ્તકો વાંચવાં, બુદ્ધિનાં ઉચ્ચમાં ઉચ્ચ ઉડ્ડયનો અને વેદો પોતે પણઃ આ બધામાંથી કોઈ આત્માનું જ્ઞાન આપી શકે નહિ.

આપણામાં પરમાત્મા અને જીવાત્મા બે છે. ઋષિઓ જાણે છે કે જીવાત્મા માત્ર છાયા છે અને પરમાત્મા જ ખરો સૂર્ય છે. જ્યાં સુધી મનને ઇંદ્રિયો સાથે જોડીએ નહિ ત્યાં સુધી આંખ, નાક, કાન વગેરે દ્વારા આપણને કશાં જ સંવેદનો મળે નહિ. મનની શક્તિ બહારની ઇંદ્રિયોને ઉપયોગમાં લે છે. ઇંદ્રિયોને બહાર નહિ જવા દો તો પછી તમે શરીરને છોડી શકશો અને બહારની દુનિયાને પણ છોડી શકશો.

જે આ ખુદ क्ष ને આપણે અહીં બહારની દુનિયા તરીકે જોઈએ છીએ તેને જ મૃત્યુ પામેલાઓ પોતપોતાની માનસિક સ્થિતિ પ્રમાણે સ્વર્ગ કે નરક તરીકે દેખે છે. ઈહલોક અને પરલોક એ બંને સ્વપ્નાં છે; પરલોકનું સ્વપ્ન ઈહલોક પર ઘડાયેલું છે. બંનેને છોડી દો; સઘળું સર્વવ્યાપક છે, સઘળું વર્તમાન છે. પ્રકૃતિ, શરીર અને મન મૃત્યુ પામે છે, આપણે નહિ. આપણે કદી પણ જતા નથી કે આવતા નથી. મનુષ્યરૂપે વિવેકાનંદ પ્રકૃતિની અંદર છે, જન્મે છે અને મરે છે; પણ જે આ આત્માને આપણે વિવેકાનંદ તરીકે જોઈએ છીએ તે કદી પણ જન્મતો નથી અને કદી પણ મરતો નથી; તે શાશ્વત અવિકારી સત્ વસ્તુ છે.

ચાહે તો આપણે તેનાં પાંચ ઇંદ્રિયોમાં વિભાગ કરીએ કે એક જ રૂપે જોઈએ, પણ મનની શક્તિ એક જ છે. અંધ મનુષ્ય કહે છેઃ ‘દરેક વસ્તુનો એક વિશિષ્ટ પડઘો હોય છે, તેથી હું તાળી પાડું એટલે તે ચીજનો પડઘો મારી પાસે આવે છે અને મારી આજુબાજુ શું છે તે બધુંય હું કહી શકું છું.’ તેથી ધુમ્મસમાં આંધળો માણસ દેખતા મનુષ્યને સહીસલામત દોરી શકે છે; ધુમ્મસ કે અંધારું તેને માટે કોઈ તફાવત પાડતાં નથી.

મનને સંયમમાં રાખો, ઇંદ્રિયોને તેના વિષયોથી અલગ પાડી દો, એટલે તમે યોગી બનશો. બીજું બધું ત્યાર પછી આવશે. સાંભળવાનું, જોવાનું, સૂંઘવાનું, ચાખવાનું, બધું અટકાવો; બહારની ઇંદ્રિયોમાંથી મનની શક્તિ ખેંચી લો. આમ તો જ્યારે તમારું મન કશામાં એકદમ તલ્લીન થઈ ગયું હોય ત્યારે અજાણપણે તમે નિરંતર તેમ કર્યા જ કરો છો, તે જ પ્રમાણે તમે ઈરાદાપૂર્વક પણ તેમ કરવાનું શીખી શકો છો. મન પોતાને ઠીક પડે ત્યાં ઇંદ્રિયોને લગાડી શકે છે. શરીર દ્વારા કર્મ કરવાની આપણને ફરજ પડે છે, એ મુખ્ય વહેમને દૂર કરો; આપણને તેમ નથી કરવું પડતું. તમે તમારા ઓરડામાં એકાંતમાં બેસો અને તમારા પોતાના આત્મામાંથી ઉપનિષદો બહાર કાઢો. દુનિયામાં કદી બન્યો ન હોય કે ભવિષ્યમાં બનાવવાનો હોય એવો મહાનમાં મહાન ગ્રંથ તમે જ છો; જે કાંઈ છે તે બધાના અનંત ભંડાર તમે છો. જ્યાં સુધી અંદરનો ગુરુ પ્રગટે નહીં ત્યાં સુધી બહારનો બધો ઉપદેશ વ્યર્થ છે. જો તેની કંઈ પણ કિંમત કરાવવી હોય તો હૃદયના ગ્રંથને ઉઘાડવા જોઈએ.

ઇચ્છાશક્તિ જ પેલો ‘શાંત ઝીણો અવાજ’ છે; ‘આ કરો’ અને ‘આ ન કરો’ એમ કહેનારો ખરો શાસક તે જ છે. જે બધું આપણને બંધનકારક છે તે તેણે જ કર્યું છે. જ્ઞાન વગરની ઇચ્છાશક્તિ આપણને બંધનમાં નાખે છે, જ્ઞાનપૂર્ણ ઇચ્છાશક્તિ આપણને મુક્ત કરી શકે. ઇચ્છાશક્તિને હજારો રીતે મજબૂત બનાવી શકાય. દરેક માર્ગ એક પ્રકારનો યોગ છે; પણ પદ્ધતિસરનો યોગ પરિણામે વધારે ઝડપથી સિદ્ધ કરી શકે છે. ભક્તિયોગ, કર્મયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ કર્મક્ષેત્રમાં વધુ અસરકારક રીતે પહોંચી વળી શકે છે. તમારી બધી શક્તિઓ, બધું તત્ત્વજ્ઞાન, કર્મ, પ્રાર્થના, ધ્યાન વગેરે તમામ એકઠું કરો, બધા સઢો ફરકાવો, પૂરેપૂરી યંત્રશક્તિ ઉપયોગમાં લો અને ધ્યેયને પહોંચો. જેટલું વહેલું કરો તેટલું વધારે સારું…

***

બેપ્ટિઝમ (Baptism) ખ્રિસ્તીઓમાં કરાતી જળસંસ્કારની બાહ્ય શુદ્ધિની ક્રિયા, તે આંતરશુદ્ધિની સૂચન ક્રિયા છે. તેનું મૂળ બૌદ્ધ ધર્મમાં છે.

યુકેરિસ્ટ (Eucharist) ખ્રિસ્તીઓમાં ધરાવાતું ઈશુના માંસ અને લોહીનું સૂચક પાઉં, રોટી અને દારૂનું નૈવેદ્ય) એ જંગલી જાતિઓની જીવતી રહેલી અતિ પ્રાચીન પ્રથા છે. એ લોકો કોઈ કોઈ વાર પોતાના મહાન મુખીઓને મારી નાખતા અને જે ગુણોએ તેમના મુખીઓને મહાન બનાવ્યા હતા તે ગુણો પોતામાં ઊતરે તે માટે તેમનું માંસ ખાતા. તેઓ એમ માનતા કે આમ કરવાથી જે ગુણોએ પોતાના મુખીઓને મહાન, બહાદુર અને ડાહ્યા બનાવ્યા હતા તે તેમનામાં આવશે અને એક જ માણસને બદલે આખીય જાતિ બહાદુર અને શાણી બનશે. માનવ-બલિદાન એ પણ યહૂદીઓનો વિચાર હતો; જેહોવાહ તરફથી ઘણીયે સજાઓ થયા છતાં તેઓ તેને વળગી રહેલા. ઈશુ તો શાંત અને પ્રેમાળ હતા; પરંતુ યહૂદી માન્યતાઓમાં તેમને બંધબેસતા બનાવવા માટે પ્રાયશ્ચિત્તરૂપે મનુષ્યનું બલિદાન કે માનવીને બોકડો બનાવવાની પ્રથા લાવવી જ પડી. આ ઘાતકી વિચારે ખ્રિસ્તી ધર્મને ખુદ ઈશુના ઉપદેશથી અળગો પાડ્યો અને જુલમ તથા ખૂનામરકીની ભાવના તેનામાં વિકસાવી.

***

કંઈ પણ કરવું હોય ત્યારે એમ કહો કે ‘તે મારો સ્વભાવ છે;’ કદીય એમ ન કહો કે ‘તે મારો ધર્મ છે.’

‘સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં.’ सत्यमेव जयते नाऽनृतम्। સત્યને વળગી રહો એટલે તમે ઈશ્વરને મેળવ્યો જ સમજો.

***

ભારતમાં અતિ પ્રાચીન સમયથી બ્રાહ્મણોએ પોતાને બધા કાયદાથી પર લેખ્યા છે; તેઓ પોતે દેવતાઓ હોવાનો દાવો કરે છે. તેઓ અકિંચન છે, પણ તેઓની નબળાઈ એ છે કે તેઓ સત્તાની પાછળ પડે છે. ભારતમાં છ કરોડ માણસો એવા છે કે જેઓ સારા છે, નીતિમાન છે અને કોઈ મિલકત ધરાવતા નથી. તેઓ તેવા હોવાનું કારણ એ છે કે જન્મથી જ તેમને શીખવવામાં આવ્યું છે કે તેઓ કાયદાથી પર છે, શિક્ષાથી પર છે. તેઓ પોતાને ‘દ્વિજ’ માને છે, એટલે કે ઈશ્વરના પુત્રો લેખે છે.

રવિવાર, તારીખ ૨૮મી જુલાઈ

(દત્તાત્રેયની અવધૂત ગીતા)

(અત્રિ અને અનસૂયાના પુત્ર દત્તાત્રેય ઋષિ હોઈ તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અવતાર હતા.)

‘બધું જ્ઞાન ચિત્તની શાંતિ ઉપર આધાર રાખે છે.’

‘જે વિશ્વને ભરી રહેલો છે, જે આત્માનો પણ આત્મા છે, તેને હું કઈ રીતે નમન કરું!’

આત્માને પોતાના સ્વભાવ તરીકે જાણવો તે જ્ઞાન અને સાક્ષાત્કાર બંને છે. ‘હું તે છું; તે વિશે શંકાને લેશ પણ સ્થાન નથી.’

‘કોઈ પણ વિચાર, કોઈ પણ શબ્દ, કોઈ પણ કર્મ મારે માટે બંધનકર્તા નથી. હું ઇંદ્રિયોથી પર છું, હું જ્ઞાન અને આનંદસ્વરૂપ છું.’

નથી અસ્તિત્વ કે નથી નાસ્તિત્વ, સર્વ કંઈ આત્મા જ છે. સાપેક્ષતાના સઘળા વિચારોને ખંખેરી નાખો, વહેમો સઘળા ખંખેરી નાખો; જ્ઞાતિ અને જન્મ અને દેવો અને બીજું બધું જ નાશ પામી જવા દો. હોવું અને બનવું તે વિશે વાત જ શા માટે કરવી? દ્વૈતવાદ અને અદ્વૈતવાદની વાત કરવી જ છોડી દો! તમે બે હતા જ ક્યારે કે તમે બેની કે એકની વાત કરો છો? આ પુણ્યાત્મા એકલો જ વિશ્વરૂપ છે. તમને પવિત્ર બનાવવા માટે યોગ વગેરેની વાત ન કરો. તમે તમારા સ્વભાવે જ પવિત્ર છો; તમને કોઈ ઉપદેશ આપી શકે નહીં.

જે માનવીએ આ અવધૂત ગીતા લખી તેવાઓ જ ધર્મને જીવંત રાખે છે. તેઓએ ખરેખરો સાક્ષાત્કાર કર્યાે છે. તેઓ કોઈની પરવા કરતા નથી; શરીરને કંઈ થયું હોય તો તે તેમને અસર કરતું નથી; ગરમીની, ઠંડીની, ભયની કે બીજી કોઈ પણ બાબતની તે પરવા કરતા નથી. તેઓ શાંત બેસે છે અને આત્માના આનંદનો ઉપભોગ લે છે; ભલે લાલ અંગારા તેમના શરીરને બાળે છતાંય તેમને તેની અસર થતી નથી.

‘જ્યારે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ત્રિપુટીનું બંધન નાશ પામે, ત્યારે કેવળ આત્મા રહે.’

જ્યાં ભ્રમણાનું બંધન અને સ્વાતંત્ર્ય નાશ પામે છે, ત્યાં આત્મા રહે છે.

‘તમે મનોનિગ્રહ કર્યાે હોય તોય શું અને ન કર્યાે હોય તોય શું? તમારી પાસે પૈસા હોય તો ય શું અને ન હોય તોય શું? તમે સદા પવિત્ર આત્મા છો. કહોઃ ‘હું આત્મા છું; કાંઈ પણ બંધન મારી સમીપ કદીય આવ્યું જ નથી. હું અવિકારી આકાશ છું; માન્યતાનાં વાદળો મારી ઉપરથી ભલે પસાર થાય, પણ તે મને સ્પર્શતાં નથી.’

‘પુણ્યને બાળો, પાપને પણ બાળો. મુક્તિ એ બચ્ચાંની વાત છે. હું તો તે અવિનાશી જ્ઞાન છું; હું તે પવિત્રતા છું.’

‘કોઈ પણ કદીયે બદ્ધ ન હતો, કોઈ પણ કદી મુક્ત ન હતો. મારા સિવાય બીજું કોઈ છે જ નહિ. હું અનંત છું, સર્વદા મુક્ત છું. મારી સાથે વાત ના કરો. મને, જ્ઞાનના અર્કને કોણ બદલી શકશે! કોણ શીખવે અને કોને શીખવે?

દલીલોને, તત્ત્વજ્ઞાનને ખાડામાં નાખો.

‘માત્ર ગુલામ જ ગુલામો જુએ છે. ભ્રમિત જ ભ્રમણા જુએ છે, અપવિત્ર જ અપવિત્રતાને જુએ છે.’

દેશ, કાળ અને નિમિત્ત એ બધાં ભ્રમ છે. તમે બદ્ધ છો અને મુક્ત થશો તેમ માનો છો, તે તમારો રોગ છે. તમે અવિકારી આત્મા છો. વાતો ન કરો. શાંતિથી બેસી જાઓ અને બધી ચીજોને ઓગળી જવા દો; તેઓ માત્ર સ્વપ્નાં છે. ત્યાં કશો ભેદ નથી, કોઈ વિશિષ્ટતા નથી; તે બધો વહેમ છે. માટે ચૂપ થઈ જાઓ અને તમે શું છો તે જાણો.

‘હું આનંદનું સારતત્ત્વ છું.’ કોઈ આદર્શની પાછળ પડો નહિ; જે કાંઈ છે તે તમે જ છો. કોઈ વસ્તુથી ડરો નહિ; તમે જીવનનું સત્ત્વ છો. શાંતિ રાખો; તમે પોતાને અસ્વસ્થ બનાવો નહિ. તમે બંધનમાં કદી હતા જ નહીં; તમે કદીય પુણ્યાત્મા કે પાપી હતા જ નહિ. આ બધી ભ્રમણાને છોડો અને શાંતિમાં રહો. ભક્તિ કોની કરવી? ભક્તિ કોણ કરે? સર્વ કંઈ આત્મા જ છે. બોલવું, વિચારવું તે બધું વહેમ છે. વારંવાર રટણ કરો કે ‘હું આત્મા છું, હું આત્મા છું.’ બીજું બધું જવા દો.

સોમવાર, તારીખ ૨૯મી જુલાઈ

કોઈ કોઈ વાર આપણે એક વસ્તુની આજુબાજુની પરિસ્થિતિને બતાવીને તેનું સૂચન કરીએ છીએ. જ્યારે આપણે ‘સચ્ચિદાનંદ’ (સત્, ચિત્, આનંદ) એમ બોલીએ છીએ, ત્યારે માત્ર એક અવર્ણનીય પર-વસ્તુના કિનારાઓને આપણે સૂચિત કરીએ છીએ. તેને વિશે આપણે ‘છે’ એમ પણ કહી નથી શકતા, કારણ તે પણ સાપેક્ષ છે. તેના વિશે કોઈ પણ કલ્પના, કોઈ પણ વિચાર વ્યર્થ છે. नेति नेति (આ નહિ, આ નહિ) તેટલું જ માત્ર તેને વિશે કહી શકાય; કારણ કે વિચાર કરવો એ પણ એક મર્યાદા બાંધવાનું છે અને તેથી ગુમાવવા જેવું છે.

ઇંદ્રિયો તમને દિવસ અને રાત છેતર્યા જ કરે છે. વેદાંતે યુગો પહેલાં તે શોધી કાઢ્યું હતું; આધુનિક વિજ્ઞાન તે જ હકીકત હજી હમણાં શોધી કાઢે છે. ચિત્રને તો માત્ર લંબાઈ-પહોળાઈ જ હોય છે; પણ ચિત્રકાર તેમાં કૃત્રિમ રીતે ઊંડાઈનો આભાસ ઊભો કરીને પ્રકૃતિના છળની નકલ કરે છે. કોઈ બે માણસ એક જ દુનિયા જોતા નથી. સર્વાેચ્ચ જ્ઞાન બતાવશે કે ગતિ છે જ નહિ, કોઈ વસ્તુમાં ફેરફાર છે જ નહિ; એનો વિચાર પોતે જ માયા છે. કુદરતને સમગ્રપણે નિહાળો, એટલે કે ગતિનો અભ્યાસ કરો. મન અને શરીર આપણો ખરો આત્મા નથી; બંને પ્રકૃતિની અંદરનાં છે, પણ ક્રમે ક્રમે અંતે આપણે એ ભ્રમણા જાણી શકીએ. પછી મન અને વાણીથી પર થયા એટલે તેઓ જે કલ્પે છે તે બધુંય અદૃશ્ય થાય છે. જ્યારે તમે જગતને જાણવા અને જોવાનું સર્વાંશે બંધ કરો છો, ત્યારે તમે આત્માને મેળવો છો. સાપેક્ષ જ્ઞાનથી પર થવાની જ આપણને જરૂર છે. અનંત મન કે અનંત જ્ઞાન એવું કંઈ છે જ નહિ, કારણ કે મન અને જ્ઞાન બંને સીમિત – સાન્ત છે. અત્યારે આપણે એક આવરણમાંથી જોઈએ છીએ; ત્યાર પછી આપણે क्ष કે જે આપણા બધા જ્ઞાનનું સત્ય છે, તેને પામીએ છીએ.

જો આપણે એક પૂંઠામાં પડેલા બારીક છિદ્રમાંથી એક ચિત્ર જોઈએ તો આપણને ચિત્રનો તદ્દન ખોટો ખ્યાલ આવે; છતાંય આપણે જે જોઈએ છીએ તે તો પેલું ચિત્ર જ છે. જેમ જેમ આપણે છિદ્ર મોટું બનાવીએ, તેમ તેમ આપણને ચિત્રનો વધુને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે છે. સત્ય વસ્તુમાંથી આપણે નામ અને રૂપનાં આપણાં ભૂલભર્યાં સંવેદનોને અનુરૂપ જુદાં જુદાં દૃશ્યો ઉત્પન્ન કરીએ છીએ. જ્યારે આપણે પૂંઠું ફેંકી દઈએ ત્યારે આપણે તે જ ચિત્ર જોઈએ, પરંતુ તે જેમ છે તેમ જોઈએ છીએ. આપણે ગમે તેટલાં લક્ષણો અને ગમે તેટલી ભૂલો ચિત્રમાં લાગુ કરીએ, છતાં તેથી ચિત્ર પોતે બદલાતું નથી. એમ થવાનું કારણ એ કે આત્મા જ સર્વ કંઈનું સત્ છે; જે બધું આપણે જોઈએ છીએ તે છે તો આત્મા, પણ તે આપણે જેમ નામ અને રૂપ તરીકે જોઈએ છીએ તેમ નહિ; એ બધાં આપણા આવરણમાં કે માયામાં છે.

તેઓ દૂરબીનના કાચ માંહેના ડાઘા જેવાં છે, છતાંય સૂર્યનો પ્રકાશ આપણને તે ડાઘા બતાવે છે. આપણે બ્રહ્મરૂપી સત્યની પાર્શ્વભૂમિ સિવાય ભ્રમણાને જોઈ પણ ન શકીએ. સ્વામી વિવેકાનંદ તે કાચ ઉપર એક ડાઘો છે; હું સત્ય, અવિકારી આત્મા છું અને કેવળ એ સત્ય જ મને, સ્વામી વિવેકાનંદને બતાવે છે. દરેક ભ્રમણાનું હાર્દ આત્મા છે; પણ સૂર્ય કદીય કાચ ઉપરના ડાઘા સાથે એક નથી ગણી શકાતો; તે માત્ર આપણને તે ડાઘાને બતાવે છે. આપણાં સારાં કે ખરાબ જેવાં હોય તેવાં કર્માે ‘ડાઘા’ને વધારે છે કે ઘટાડે છે, પણ આપણા માંહેના ઈશ્વરને તે ડાઘા જરા પણ અસર કરતા નથી. મન પરથી આવા ડાઘો સંપૂર્ણ રીતે સાફ કરો, એટલે આપણે જોશું કે ‘હું અને મારા પિતા એક છીએ.’

આપણે પહેલાં અનુભવ કરીએ છીએ અને પછી તર્ક કરીએ છીએ. આ અનુભવ એક હકીકત તરીકે આપણી પાસે હોવો જોઈએ; તે અનુભવને, તે સાક્ષાત્કારને ધર્મ કહેવામાં આવે છે. માણસે ભલેને સંપ્રદાય, પેગંબર કે પુસ્તક વિશે કદી ન સાંભળ્યું હોય, તેને સાક્ષાત્કાર થવા દો; તેને વધારે કશાની જરૂર નથી. મનને શુદ્ધ કરો, ધર્મનું સારસર્વસ્વ આ છે અને જ્યાં સુધી આપણે અંતરમાંથી ડાઘા ન કાઢીએ ત્યાં સુધી સત્ને તે જેમ છે તેમ જોઈ ન શકીએ. બાળક સૂર્ય જોતું નથી; હજુ સૂર્યનું માપ તેના પોતાનામાં આવ્યું નથી. તમારામાં રહેલી ક્ષતિઓને દૂર કરો. એટલે તમને બહાર ક્ષતિઓ દેખાશે નહિ. એક બાળક લૂંટફાટ થતી જુએ છે, તેને માટે તેનો કંઈ અર્થ નથી. એકવાર તમે કોઈ સમસ્યા ચિત્રમાં છુપાયેલી વસ્તુને ઓળખી લો, પછી તમે સદાય તે વધારે ને વધારે જોશો. તેવી રીતે એક વખત તમે મુક્ત અને નિષ્પાપ થયા એટલે તમે આખી દુનિયામાં સ્વતંત્રતા અને પવિત્રતા જ જોશો. જે ક્ષણે હૃદયની સર્વ ગ્રંથિઓ છેદાય છે, તે જ ક્ષણે બધી વક્રતાઓ સીધી થઈ જાય છે અને આ જગત એક સ્વપ્નની પેઠે અદૃશ્ય થઈ જાય છે. અને જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણને જ આશ્ચર્ય થાય છે કે આવું કચરા જેવું સ્વપ્ન આપણને આવ્યું જ કેમ કરીને!

‘જેને પ્રાપ્ત કર્યાથી ડુંગર સમી આપત્તિ પણ જીવને વિચલિત કરવા શક્તિમાન થતી નથી.’

જ્ઞાનની કુહાડીથી ચક્રો તોડી નાખો એટલે આત્મા મુક્ત બને છે, પછી ભલે પૂર્વનું ગતિબળ મન અને શરીરના ચક્રને ચલાવ્યે રાખે. ચક્ર હવે સીધું જ જઈ શકે અને ભલું જ કરી શકે. જો તે શરીર કંઈ પણ ખરાબ કામ કરે તો જાણો કે તે માણસ જીવન્મુક્ત નથી; જો તે તેવો દાવો કરતો હોય તો તે અસત્ય બોલે છે. પણ જ્યારે ચક્રોની ગતિ સારી અને સીધી હોય (મનને શુદ્ધ કર્યાથી) ત્યારે જ કુહાડી મારી શકાય. બધાં સત્કર્માે ભ્રમ ઉપર જાણ્યેઅજાણ્યે પ્રહારો કરે જ છે. કોઈ બીજાને પાપી કહેવો તે તો સૌથી ખરાબ કામ કર્યા જેવું છે. ભલે અજ્ઞાનથી કરાયેલું હોય પણ સત્કર્મ સારું જ પરિણામ લાવે છે અને બંધન તોડવામાં સહાયક બને છે.

સૂર્યને કાચ ઉપરના ડાઘા સાથે એક ગણી લેવો તે જ મુખ્ય ભૂલ છે. સૂર્યરૂપી ‘હું’ને કોઈ પણ વસ્તુથી સદા નિરાળો જાણો અને ડાઘા સાફ કરવામાં લાગી જાઓ. મનુષ્ય સૃષ્ટિ ઉપરનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. જો કોઈ મોટામાં મોટી ઉપાસના હોય તો તે મનુષ્યને કૃષ્ણ, બુદ્ધ, ઈશુ તરીકે પૂજવો તે. જેની તમને ઇચ્છા હોય છે તે તમે ઉત્પન્ન કરો છો. ઇચ્છાનો ત્યાગ કરો…

***

આ દુનિયાને જ સ્વર્ગ તરીકે સમજીને દેવો અને પિતૃઓ બધા અહીં જ છે, જુએ છે. સૌ કોઈ એક જ क्ष ને પોતાની મનોભૂમિકા પ્રમાણે નિહાળે છે. क्ष (પરમાત્મા)નું ઉત્તમ દર્શન તો આ પૃથ્વી ઉપર જ મળી શકે છે. સ્વર્ગે જવાની ઇચ્છા કદી ન કરો; તે ખરાબમાં ખરાબ ભ્રમણા છે. અહીં પણ અતિશય પૈસો તથા ભયંકર ગરીબાઈ એ બંને બંધન છે અને ધર્મને માર્ગે જતાં આપણને રોકે છે. આપણને ત્રણ દુર્લભ વસ્તુઓ મળી છે. પહેલું તો છે મનુષ્યત્વ, માનવશરીર. (માનવ-મન ઈશ્વરનું સૌથી નજીકનું પ્રતિબિંબ છે; આપણે ઈશ્વરની પોતાની પ્રતિમાઓ છીએ.) બીજું છે મુમુક્ષુત્વ, મુક્ત થવાની ઇચ્છા. ત્રીજું મહાપુરુષ સંશ્રય, એટલે જેણે ભ્રમણાનો સાગર પાર કર્યાે છે તેવા મહાપુરુષની ગુરુરૂપે સહાય. જ્યારે તમને આ ત્રણે મળે ત્યારે તેને ‘દેવાનુગ્રહ’ – ઈશ્વરની કૃપા માનો; તમે જરૂર મુક્ત થવાના.

જે તમે કેવળ બુદ્ધિથી જ ગ્રહણ કરી શકો તે નવી દલીલ આવતાં ખોટું ઠરાવાઈ જાય; પણ જેનો તમે અનુભવ કરો તે હંમેશને માટે તમારું જ છે. ધર્મની માત્ર વાતો જ કરવી તેમાં કાંઈ વળતું નથી. વસ્તુમાત્રની પાછળ – માણસ, પ્રાણી, આહાર, કામકાજ વગેરે બધાની પાછળ – ઈશ્વરને જુઓ, એવી ટેવ પાડો.

ઈન્ગરસોલે એક વખતે મને કહેલુંઃ ‘હું આ દુનિયાનો શક્ય હોય તેટલો લાભ ઉઠાવવામાં – નારંગીનો બધો રસ નિચોવી લેવામાં માનું છું, કારણ કે જેને વિશે આપણને ખાતરી છે એ માત્ર આ દુનિયા જ છે.’ મેં જવાબ આપ્યોઃ ‘આ દુનિયારૂપી નારંગીને નિચોવીને રસ કાઢવાનો તમારાથી બીજો વધુ સારો રસ્તો હું જાણું છું અને તેમાંથી મને વિશેષ મળે છે. હું ‘જાણું’ છું કે હું મરી શકું તેમ નથી અને તેથી હું ઉતાવળ કરતો નથી; હું જાણું છું કે ભય નથી, તેથી હું ધીમે ધીમે નિચોવવાનો આનંદ લઉં છું. મારે કશું કર્તવ્ય નથી; બૈરીછોકરાં કે સંપત્તિનું કોઈ બંધન નથી. હું સઘળાં સ્ત્રીપુરુષોને ચાહી શકું છું. દરેકેદરેક નરનારી મારે માટે ઈશ્વર છે. મનુષ્યને ઈશ્વર તરીકે ચાહવાનો આનંદ કેવો હોય તેનો તો વિચાર કરો! તમારી નારંગી આ પ્રમાણે નિચોવી જુઓ અને તેમાંથી દશ હજાર ગણો વધુ રસ મેળવો. એકેએક ટીપું મેળવી લો.

જે ઇચ્છાશક્તિ છે એવું લાગે છે તે પાછળ રહેલો આત્મા છે, તે જ ખરેખર મુક્તિ છે.

કોઈ પણ માણસનો ન્યાય તેની ક્ષતિઓ પરથી કરવો ના ઘટે. માણસમાં જે મહાન ગુણો હોય તે તેની અંગત વિશિષ્ટતાઓ છે; જે તેની ક્ષતિઓ છે તે માનવજાતની સામાન્ય નબળાઈઓ છે. તેના ચારિત્ર્યનું મૂલ્યાંકન કરવામાં તેને લેખામાં ન લેવી જોઈએ.

સોમવારે બપોર પછી

ઈશુ પૂર્ણ ન હતા તેનું કારણ તેઓ પોતાના આદર્શ અનુસાર સંપૂર્ણ રીતે જીવ્યા નહિ અને ખાસ તો તેમણે સ્ત્રીને પુરુષની સમાન સ્થાન આપ્યું નહીં, તે હતું. સ્ત્રીઓએ તેમને માટે બધું જ કર્યું અને છતાં યહૂદી રિવાજોથી તેઓ એવા બદ્ધ હતા કે સ્ત્રીઓમાંથી એકેયને તેમણે સંત ન બનાવી. એમ છતાં ભગવાન બુદ્ધ પછીથી તેઓ મહાનમાં મહાન વિભૂતિ હતા. જો કે બુદ્ધ પોતે પણ સંપૂર્ણ રીતે પૂર્ણ ન હતા; છતાં તેમણે ધર્મમાં સ્ત્રીના હક્કનો સમાન કક્ષા પર સ્વીકાર કરેલો. તેમની પ્રથમ અને મહાન શિષ્યા તે તેમની પોતાની પત્ની હતી. તે ભારતની સ્ત્રીઓમાંની સમગ્ર બૌદ્ધ ધર્મ પ્રવૃત્તિની અધ્યક્ષા હતી.

પરંતુ આ મહાન આત્માઓની આપણે ટીકા ન કરવી જોઈએ. આપણાથી તેઓ ઘણા ઉચ્ચ છે. એ દૃષ્ટિથી આપણે તેમને જોવા જોઈએ. સાથોસાથ માણસ ગમે તેવો મહાન હોય, છતાં પણ કોઈ વ્યક્તિમાં આપણી શ્રદ્ધા ચોંટાડી નહિ રાખવી જોઈએ; આપણે પોતે પણ બુદ્ધ અને ઈશુ બનવું જોઈએ.

અંગ્રેજી શબ્દ (Heroic) બહાદુર માટેનો સંસ્કૃત શબ્દ ‘वीर’ તે અંગ્રેજી શબ્દ (Virtue) (સદ્ગુણ)નું મૂળ છે, કારણ કે પ્રાચીન કાળમાં ઉત્તમ યોદ્ધો મહાસદ્ગુણી લેખાતો.

મંગળવાર, તારીખ ૩૦મી જુલાઈ

આપણી અંદરની શક્તિઓને આદર્શ પર સ્થિર કરવા માટેની ઈશુઓ અને બુદ્ધો એ તો એક પરિસ્થિતિ માત્ર છે. ખરું જોતાં તો આપણે જ આપણી પોતાની પ્રાર્થનાઓનો ઉત્તર આપીએ છીએ.

જો ઈશુ કદીય જન્મ્યા ન હોત તો માનવજાતનો ઉદ્ધાર જ થયો ન હોત, એમ માનવું એ તો ઈશ્વરની નિંદા કર્યાનું પાપ છે. માનવસ્વભાવમાં રહેલી દિવ્યતાને આ રીતે ભૂલી જવી તે ભયંકર બાબત છે, કારણ કે તે દિવ્યતા તો બહાર આવવાની જ છે. માનવ – સ્વભાવમાં રહેલી મહત્તાને કદીય ભૂલશો નહિ. ભૂતકાળમાં કદી થયો હોય અને ભવિષ્યમાં કદી થવાનો હોય તેવો ઈશ્વર આપણે જ છીએ. જે અનંત સાગર ‘હું છું’ તેના ઈશુઓ અને બુદ્ધો તો તરંગો માત્ર છે. તમારા પોતાના ઉચ્ચ આત્મા સિવાય બીજા કશાની પાસે નીચા નમો નહિ. તમે પોતે જ દેવાધિદેવ છો. જ્યાં સુધી એમ તમે જાણો નહિ ત્યાં સુધી તમારે માટે કોઈ જાતની મુક્તિ છે નહિ.

આપણાં સઘળાં ગતકર્માે ખરેખર સારાં છે, કારણ કે આપણે અંતે જે થવાના છીએ તે તરફ તે બધાં દોરી જાય છે. કોની પાસે માગવું? હું જ સાચું અસ્તિત્વ છું અને હું છું, તે સિવાયનું બીજું બધું સ્વપ્ન છે. હું જ સમગ્ર સાગર છું; જે નાનકડો તરંગ તમે ઊભો કર્યાે છે તેને ‘હું’ કહીને ન સંબોધો; તેને તો તરંગ સિવાય બીજું કંઈ જ સમજો નહિ. સત્યકામે પોતાના અંતરના અવાજને એમ કહેતો સાંભળ્યોઃ ‘તું અનંત છો; સમષ્ટિ ચૈતન્ય તારામાં છે. તારી જાત ઉપર સંયમ રાખ અને તારા સાચા આત્માના અવાજને સાંભળ.’

જેઓ મહાન વિચારોની ધારણા કરે છે અને તે દ્વારા જેઓ જગતને સહાયક બનીને પવિત્ર, શાંત જીવન ગાળે છે, તેમના કરતાં જે મહાન આચાર્યાે પ્રચારનું કામ કરે છે તેમણે ઓછા પૂર્ણ થવું પડે છે. આ મહાન શાંત પુરુષો, એક પછી એક ચાલ્યા જઈને, અંતિમ પરિણામરૂપે શક્તિમાન પ્રચારકને ઉત્પન્ન કરે છે.

***

જ્ઞાન તો છે જ; માનવી તેને માત્ર શોધી કાઢે છે. વેદો અનંત જ્ઞાન છે કે જેના દ્વારા ઈશ્વરે જગતનું સર્જન કર્યું. તેઓ મહાન તત્ત્વજ્ઞાનની, સર્વાેચ્ચ તત્ત્વજ્ઞાનની વાતો કરે છે અને આવો જબરજસ્ત દાવો આગળ ધરે છે…

***

નુકસાન કરે કે ન કરે, તો પણ હિંમતપૂર્વક સત્ય જ બોલો; કદીય નિર્બળતાને ન પંપાળો. જો બુદ્ધિશાળી માણસોને સત્ય આકરું લાગે અને તેમને વાળી ઝૂડીને ફેંકી દે, તો તેમને જવા દો; તેઓ જેમ જલદી જાય તેમ જ સારું. છોકરમતભર્યા વિચારો બાળકો અને જંગલીઓ માટે છે; અને આ બાળકો અને જંગલીઓ કંઈ પારણામાં કે જંગલમાં જ છે એમ નથી; કેટલાક તો ઉપદેશક બની બેઠા છે.

આધ્યાત્મિક વિકાસ સાધ્યા પછી કોઈ સંપ્રદાયમાં પડ્યા રહેવું સારું નથી. બહાર આવો અને મુક્તિની ખુલ્લી હવામાં દેહ છોડો.

પ્રગતિ માત્ર સાપેક્ષ દુનિયામાં છે. માનવ-શરીર સર્વાેચ્ચ છે અને મનુષ્ય સૌથી મહાન પ્રાણી છે, કારણ કે અહીં અને હમણાં જ આપણે સાપેક્ષ જગતથી સંપૂર્ણ રીતે છુટકારો મેળવી શકીએ છીએ, ખરેખર મુક્તિ મેળવી શકીએ છીએ અને ધ્યેય આ જ છે. આપણે પૂર્ણતા મેળવી શકીએ એટલું જ નહીં, કેટલાકે તો તે મેળવી પણ છે; તેથી ગમે તેવાં સૂક્ષ્મ શરીરો આવે તેનો વાંધો નહીં, પણ તેઓ માત્ર સાપેક્ષ ભૂમિકા ઉપર જ હોય અને આપણે જે કરી શકીએ તેનાથી તેઓ કંઈ જ વિશેષ કરી ન શકે, કારણ મુક્તિ મેળવવી એ જ કરી શકાય તેવું વધારેમાં વધારે મોટું કામ છે.

દેવો કદીય દુષ્ટ કર્માે કરતા નથી, તેથી તેમને સજા થતી નથી અને તેથી તેમના ઉદ્ધારનો પ્રશ્ન પણ કદી ઊભો થતો નથી. પ્રહારો જ આપણને જાગ્રત કરે છે અને સ્વપ્નનો ભ્રમ તોડવામાં પણ તેઓ જ મદદ કરે છે. તેઓ આપણને આ જગતની અપૂર્ણતા દાખવે છે અને મુક્તિ મેળવવાની, સ્વતંત્ર થવાની ઇચ્છા ઊભી કરે છે…

***

એક ચીજ જ્યારે અસ્પષ્ટ રીતે દેખાય ત્યારે તેને આપણે એક નામે ઓળખીએ છીએ; જ્યારે તે જ વસ્તુ સ્પષ્ટ રીતે દેખાય ત્યારે તેને બીજે નામે ઓળખીએ છીએ. સ્વભાવની નૈતિક કક્ષા જેટલી ઊંચી તેટલું સંવેદન ઊંચું અને તેટલી ઇચ્છાશક્તિ પ્રબળ.

મંગળવાર, બપોર પછી

વિચાર અને જડ પદાર્થ વચ્ચેના સુમેળનું કારણ એ છે કે તેઓ બંને क्ष નામની એક જ ચીજની બે બાજુઓ છે, જે બાહ્ય અને આંતર એમ બે વિભાગમાં વહેંચાઈ જાય છે.

અંગ્રેજી શબ્દ ‘પેરેડાઈઝ’ (Paradise) સંસ્કૃત શબ્દ પરદેશમાંથી આવે છે; આ ‘परदेश’ શબ્દ પર્શિયન ભાષામાં લેવાયો, જેનો એ ભાષામાં અક્ષરશઃ અર્થ ‘પરભૂમિ’ અગર પરલોક એવો થાય છે. પ્રાચીન આર્યાે હંમેશાં આત્મામાં માનતા; મનુષ્ય શરીર છે તેમ કદી ન માનતા. તેમનાં સ્વર્ગ અને નરક બધાં અલ્પકાલીન હતાં; કેમ કે કોઈપણ કાર્ય તેના કારણથી વધારે લાંબું ના ટકી શકે અને કોઈ પણ સનાતન નથી; માટે સઘળાં કાર્યાેનો અંત લાવવો જ જોઈએ.

સમગ્ર વેદાંત ફિલસૂફીનો સાર નીચેની વાર્તામાં આવી જાય છેઃ સુવર્ણરંગી પીછાંવાળાં બે પક્ષીઓ એક જ વૃક્ષ ઉપર બેઠાં હતાં. ઉપરનું પક્ષી ગંભીર, ભવ્ય અને પોતાના મહિમામાં મગ્ન હતું, જ્યારે બીજું નીચેનું અસ્વસ્થ હતું અને વૃક્ષનાં ક્યારેક મીઠાં તો ક્યારેક કડવાં ફળો ખાવામાં મગ્ન હતું. એક વખતે તેણે એક અસાધારણ કડવું ફળ ખાધું અને જરા દુઃખી થઈને, અટકીને, તેણે પેલા ઉપરના ભવ્ય પક્ષી તરફ જોયું; પણ પાછું તરત તે આ ઉપલા પક્ષીને ભૂલી ગયું અને અગાઉની માફક ઝાડનાં ફળ ખાવા લાગી ગયું. વળી પાછું તેણે એક કડવું ફળ ખાધું અને આ વખતે થોડી ઉપરની ડાળીએ કૂદીને ટોચ ઉપર બેઠેલા પક્ષીની નજીક તે ગયું. આમ ઘણી વાર બન્યું. છેવટે તે નીચેનું પક્ષી ઉપરના પક્ષીની જગ્યાએ જ આવ્યું અને તે ઉપરના પક્ષીની અંદર સમાઈ ગયું. તરત જ તેને જણાયું કે પક્ષીઓ બે નહોતાં જ; પોતે બધો વખત પેલું ગંભીર, ભવ્ય અને પોતાની પ્રતિભામાં મગ્ન એવું ઉપરનું પક્ષી જ હતું.

બુધવાર, તારીખ ૩૧મી જુલાઈ

સંસારત્યાગની ભાવનાને હઠાવી લઈને તેને બદલે માર્ટિન લ્યૂથરે જ્યારે એકલી નીતિનો જ પ્રચાર કર્યાે ત્યારે તેણે ખ્રિસ્તી ધર્મના કફનમાં જ ખીલો ઠોકયો. નિરીશ્વરવાદીઓ અને જડવાદીઓ નીતિને માની શકે; પણ ધર્મ તો ઈશ્વરમાં માનનારા પાસે જ હોય.

મહાન આત્માની પવિત્રતાની કિંમત દુષ્ટ લોકો ચૂકવે છે. જ્યારે તમે કોઈ દુષ્ટ માણસને જુઓ ત્યારે તેનો જ ખ્યાલ કરજો. જેવી રીતે શ્રીમંતોના મોજશોખની કિંમત ગરીબોની મજૂરીથી ચૂકવાય છે, તે પ્રમાણે આધ્યાત્મિક રાજ્યમાં છે. બુદ્ધ, મીરાંબાઈ વગેરે મહાન આત્માઓને જન્મ આપવા માટેની કિંમત ભારતની જનતાની ભીષણ અધોગતિરૂપે કુદરત ચૂકવી રહી છે. (જેવી રીતે એક કિલ્લો સર કરવા માટે સોમાંથી નેવું સિપાઈઓ ખપી જાય કે જેથી બાકીના દસ જીતે, તેમ અતિશય ઉચ્ચ આદર્શાેવાળા સમાજમાં જ આવા મહાન આત્માઓ જન્મ લે છે; પરંતુ સામાન્ય જનતા એ આદર્શ અનુસાર જીવન જીવી ન શકતાં નીચી ઊતરી જાય છે.)

***

‘પવિત્ર વસ્તુઓમાંની પવિત્રતા હું છું.’ (ગીતા) હું મૂળ છું; દરેક પોતાની રીતે તેનો ઉપયોગ કરે છે, પણ બધું હું જ છું. ‘બધું જ હું કરું છું; તમે માત્ર એક નિમિત્ત જ છો.’

બહુ વાતો ન કરો પણ તમારામાંના ચૈતન્યનો અનુભવ કરો; ત્યારે તમે જ્ઞાની કહેવાશો. આનું નામ જ્ઞાન છે, બીજું બધું અજ્ઞાન છે. જાણવા યોગ્ય જે કંઈ છે તે બ્રહ્મ છે; તે જ સર્વસ્વ છે.

***

સુખ અને જ્ઞાનની શોધ દ્વારા સત્ત્વગુણ આપણને બાંધે છે, ઇચ્છા દ્વારા રજોગુણ બાંધે છે, ભૂલ ભરેલાં સંવેદન અને આળસ દ્વારા તમોગુણ આપણને બાંધે છે. નીચેના બેઉને એટલે કે તમોગુણ અને રજોગુણને સત્ત્વગુણથી જીતો, પછી બધું ઈશ્વરને અર્પણ કરો અને મુક્ત બનો.

ભક્તિયોગી બ્રહ્મને બહુ જલદી પામે છે અને ત્રણે ગુણથી પર જાય છે. (શ્રીમદ્ ભગવદ્ગીતા; અ. ૧૨.)

ઇચ્છાશક્તિ, ચેતના, ઇંદ્રિયો, ઇચ્છાઓ, વાસનાઓ વગેરે બધાં મળીને જેને આપણે ‘જીવ’ કહીએ છીએ, તે બનાવે છે.

પ્રથમ છે આ દેખાતો આત્મા (સ્થૂળ દેહ); અંદર બીજું છે મનોમય શરીર કે જે સ્થૂળ દેહને પોતારૂપે માની લેવાની ભૂલ કરે છે (એટલે કે માયાબદ્ધ શુદ્ધ આત્મા); ત્રીજો છે આત્મા કે જે સર્વદા પવિત્ર અને સ્વતંત્ર છે. આંશિક દૃષ્ટિએ જોઈએ તો તે જ આત્મા પ્રકૃતિ છે; પૂર્ણ રીતે જોઈએ તો સમસ્ત પ્રકૃતિ અદૃશ્ય થઈ જાય છે. તેની સ્મૃતિ સુદ્ધાં નાશ પામે છે. પ્રથમ છે પરિવર્તનશીલ (નાશવંત), પછી નિત્ય પરિવર્તનશીલ (પ્રકૃતિ) અને પછી છે પરિવર્તનરહિત (આત્મા).

***

સંપૂર્ણપણે આશાનો ત્યાગ કરો; સર્વાેચ્ચ સ્થિતિ એ છે. આશા રાખવા જેવું છે શું? આશાનાં બંધનો તોડીને છિન્નભિન્ન કરી નાખો; તમારા આત્મામાં સ્થિર રહો; શાંત બનો; ભલે તમે ગમે તે કરતા હો પણ બધું ઈશ્વરને સોંપી દો અને તે વિશે દંભ નહીં રાખો.

***

‘પોતાના આત્મામાં સ્થિર રહેવું’ તે માટેનો સંસ્કૃત શબ્દ ‘स्वस्थ’ ભારતમાં લૌકિક વ્યવહારમાં ‘તમે સારા છો? તમે સુખી છો?’ એમ પૂછવામાં વપરાય છે અને જ્યારે હિંદુ એમ કહે કે ‘મેં એક વસ્તુ જોઈ’ ત્યારે ‘મેં એક પદાર્થ (પદ + અર્થ) જોયો’ તેમ કહે છે. આ વિશ્વ પણ એક પદાર્થ છે.

પૂર્ણ માનવનું શરીર યંત્રવત્ સાચું જ આચરણ કરે છે. તે માત્ર ભલું જ કરી શકે, કારણ કે તે પૂર્ણ રીતે વિશુદ્ધ બન્યું છે. જે પૂર્વ-વેગ શરીરરૂપી ચક્રને ચલાવે છે, તે બધું શુભ જ છે. બધી અશુભ વૃત્તિઓ બળી ગઈ છે.

***

તોફાનવાળો દિવસ ખરાબ નથી, પરંતુ જે દિવસે આપણે ઈશ્વરની કથાવાર્તા ન કરીએ તે દિવસ જ ખરેખર ખરાબ છે.

માત્ર પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ જ સાચી ભક્તિ છે; બીજા કોઈપણ માણસ માટેનો પ્રેમ, પછી તે ભલે ગમે તેટલો મહાન હોય છતાં પણ તે ભક્તિ નથી, અહીં ‘પરમેશ્વર’ એટલે ઈશ્વર કે જેના વિશેની ભાવના તમે પશ્ચિમના લોકો વ્યક્તિરૂપ ઈશ્વરનો જે અર્થ કરો છો તેનાથી વિશેષ છે. ‘જેમાંથી આ વિશ્વ ઉત્પત્તિ પામે છે, જેમાં એ સ્થિતિ કરે છે અને જેની અંદર તે લય પામે છે તે ઈશ્વર છે. તે ઈશ્વર નિત્ય, પવિત્ર, સર્વ પ્રત્યે દયાળુ, સર્વશક્તિમાન અને નિત્ય મુક્ત, સર્વજ્ઞ, ગુરુઓનો ગુરુ અને પોતાને સ્વભાવે જ અનિર્વચનીય પ્રેમસ્વરૂપ છે.’

મનુષ્ય પોતાના ભેજામાંથી ઈશ્વરને બનાવતો નથી; તે પોતાની શક્તિ અનુસાર ઈશ્વરને જુએ છે અને જે કંઈ ઉત્તમોત્તમ પોતે જાણે છે તે બધાનું તેમાં આરોપણ કરે છે. પ્રત્યેક લક્ષણ સમગ્ર ઈશ્વર છે અને એક લક્ષણથી સમગ્રનું સૂચન કરવાની આ રીત તે વ્યક્તિરૂપ ઈશ્વરનો આધ્યાત્મિક ખુલાસો છે. ઈશ્વર આકારરહિત નિરાકાર છે, છતાંય બધા આકારો તેનામાં છે; તે ગુણરહિત નિર્ગુણ છે છતાંય તેનામાં બધા ગુણો છે. મનુષ્ય તરીકે આપણે – ઈશ્વર, માનવ અને પ્રકૃતિ – એ અસ્તિત્વની ત્રિપુટી જોવી જ રહી; એ સિવાય બીજું કંઈ કરી ન શકીએ.

પણ ભક્તને મન આ બધા તાત્ત્વિક ભેદો માત્ર નકામી વાતો જેવા છે. તે દલીલની પરવા કરતો નથી; તે તર્ક કરતો નથી, ‘અનુભવ લે છે, બધું પ્રત્યક્ષ કરે છે.’ ઈશ્વરના પવિત્ર પ્રેમમાં ભક્ત ડૂબી જવા માગે છે અને એવા ભક્તો પણ થયા છે જેઓ એમ કહે છે કે મુક્તિ કરતાંય આ પ્રેમ વિશેષ ઇચ્છવા યોગ્ય છે. તેઓ કહે છેઃ ‘મારે સાકર ‘થવું’ નથી; પણ મારે તો સાકરનો સ્વાદ લેવો છે’; મારે તો મારા પ્રિયતમ સાથે પ્રેમ કરવો છે અને તેનો આનંદ લેવો છે.’

ભક્તિયોગમાં પ્રથમ આવશ્યકતા છે સચ્ચાઈપૂર્વક અને આતુરતાથી ઈશ્વરની જરૂર જણાય એ. આપણે તો ઈશ્વર સિવાય બધું જોઈએ છે, કારણ કે આપણી સામાન્ય ઇચ્છાઓ બાહ્ય જગતથી સંતોષાય છે. જ્યાં સુધી આપણી જરૂરિયાતો આ ભૌતિક જગતની મર્યાદાની અંદર સમાઈ રહેલી છે, ત્યાં સુધી ઈશ્વરની આપણને કશી જ જરૂર લાગતી નથી; માત્ર જ્યારે આપણને આપણા જીવનમાં સખત પ્રહારો મળ્યા હોય અને આ દુનિયાની સઘળી વસ્તુઓથી નિરાશ થઈ બેઠા હોઈએ, ત્યારે જ કંઈક વધુ ઉચ્ચ વસ્તુની જરૂરિયાત આપણને જણાય છે અને ત્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ.

ભક્તિ વિનાશક નથી; તે આપણને એમ શીખવે છે કે આપણી બધી જ શક્તિઓ મુક્તિ મેળવવાનાં સાધનો બનવી જોઈએ, આપણે તે બધીને ઈશ્વરાભિમુખ કરવી જોઈએ; અને જે પ્રેમ ક્ષણિક ઇંદ્રિયભોગના વિષયો પાછળ વેડફી નાખવામાં આવે છે તે ઈશ્વર પ્રત્યે વાળવો જોઈએ.

ધર્મ વિશેનો તમારો પશ્ચિમનો ખ્યાલ અને ભક્તિ વચ્ચે આટલો તફાવત છે કે ભક્તિમાં ભયનું તત્ત્વ બિલકુલ સ્વીકારાતું નથી; ભક્તિમાં કોઈ એવું ‘સત્ત્વ’ સ્વીકારાતું નથી કે જેને શાંત કરવું કે રીઝવવું પડે. એવા પણ ભક્તો છે કે જેઓ ઈશ્વરને પોતાના બાળક તરીકે ભજે છે, જેથી આદરયુક્ત ભય કે સન્માનની લાગણી પણ ન રહે. સાચા પ્રેમમાં ભય કદી પણ ન જ હોય; અને જ્યાં સુધી જરા સરખો પણ ભય રહે ત્યાં સુધી ભક્તિનો આરંભ ન થાય. ભક્તિમાં ઈશ્વર પાસે માગણી કરવાની કે બદલો મેળવવાની વાતને કોઈ સ્થાન નથી. ઈશ્વર પાસે કંઈ પણ માગવું તે ભક્ત માટે ઈશ્વરાપરાધ છે. ભક્ત આરોગ્ય, લક્ષ્મી કે સ્વર્ગપ્રાપ્તિ માટે સુદ્ધાં પ્રાર્થના નહિ કરે.

જેણે ઈશ્વરને ચાહવો છે, જેણે ભક્ત થવું છે, તેણે આ બધી ઇચ્છાઓનું પોટલું બાંધીને દરવાજા બહાર મૂકી દેવું જોઈએ અને પછી જ ઈશ્વરના દરબારમાં દાખલ થવું જોઈએ. પ્રકાશના ક્ષેત્રમાં જે દાખલ થવા ઇચ્છે છે, તેણે પોતે દરવાજામાં દાખલ થાય તે પહેલાં ‘દુકાનદારીના ધર્મ’નું પોટલું વાળીને ફેંકી દેવું જોઈએ. એમ નથી કે તમે જેની પ્રાર્થના કરો તે ન મળે; મળે તો બધુંય. પણ આ માગવું એ પામર, હલકટ અને એક ભિખારીનો ધર્મ છે. ‘ગંગાકિનારે રહેવા છતાં જે પાણી માટે નાનો કૂવો ખોદે, તે મૂર્ખ છે. હીરાની ખાણ પાસે આવ્યા છતાં જે માણસ કાચના મણકાની શોધ કરે, તે પણ ખરેખર મૂર્ખ છે.’ આરોગ્ય, ધનસંપત્તિ અને ભૌતિક સુખો માટેની પ્રાર્થના તે ખરી ભક્તિ નથી; તે હલકામાં હલકા પ્રકારનાં કર્માે છે. ભક્તિ એથી વિશેષ ઉચ્ચ તત્ત્વ છે. આપણે રાજાધિરાજના દરબારમાં દાખલ થવાનો પ્રયાસ કરીએ છીએ; આપણે ભિખારીના વેશમાં ત્યાં જઈ ન શકીએ. કોઈ શહેનશાહની તહેનાતમાં આપણે હાજર થવું હોય તો ભિખારીનાં ચીંથરાં પહેરીને જઈ શકીશું? જરૂર નહીં. ચોકીદાર આપણને દરવાજા બહાર જ હાંકી કાઢે! ત્યારે આ તો શહેનશાહોનો શહેનશાહ છે, એટલે ભિખારીના વેશમાં તેની પાસે આપણે કદીય ન જઈ શકીએ. વેપારીઓને પણ ત્યાં કદીય દાખલ કરાતા નથી; ખરીદવેચાણ ત્યાં ચાલી ન શકે. બાઇબલમાં તો તમે વાંચો છો કે ઈશુએ દેવળમાંથી ખરીદવેચાણ કરનારાઓને તગડી મૂક્યા હતા.

તેથી વગર કહ્યે આટલું ચોક્કસ છે કે ભક્ત થવાની પહેલી શરત સ્વર્ગે જવું વગેરે બધી ઇચ્છાઓનો ત્યાગ કરવો એ છે. એવું સ્વર્ગ પણ આ સ્થળ જેવું, આ પૃથ્વી જેવું જ હોય; માત્ર થોડુંક વધારે સારું હોય. ખ્રિસ્તીઓનો સ્વર્ગનો ખ્યાલ ભારે આનંદના સ્થળનો છે. એવું સ્વર્ગ ઈશ્વર કેમ કરીને બની શકે? સ્વર્ગે જવાની આ બધી ઇચ્છા તો ભોગની ઇચ્છા છે; એને તો છોડી જ દેવી જોઈએ. ભક્તનો પ્રેમ સંપૂર્ણ રીતે પવિત્ર અને નિઃસ્વાર્થ હોવો જોઈએ; અહીં કે પરલોકમાં તે પોતા માટે કોઈ વસ્તુ ઇચ્છે નહીં.

‘સુખદુઃખના કે નફાનુકસાનના વિચારો છોડી દઈને દિવસરાત ઈશ્વરની ઉપાસના કરો; એક ક્ષણ પણ નિરર્થક જવા દેવાની નથી.’

‘બીજા બધા વિચારોનો ત્યાગ કરીને સમગ્ર મન રાતદિવસ ઈશ્વરની ભક્તિ કરે છે. આમ દિવસરાત તેની ભક્તિ કરવાથી ઈશ્વર પોતાને પ્રગટ કરે છે અને પોતાના ભક્તોને પોતાનો અનુભવ કરાવે છે.’

ગુરુવાર, તારીખ ૧લી ઓગસ્ટ

ખરો ગુરુ તે છે કે જેની દ્વારા આપણને આપણી આધ્યાત્મિક પરંપરા મળે છે. સાચો ગુરુ એક એવી નહેર છે કે જેની દ્વારા આધ્યાત્મિક પ્રવાહ આપણામાં વહેવા લાગે છે, જે સમગ્ર આધ્યાત્મિક જગત સાથે જોડનારી કડી સમાન છે. વ્યક્તિત્વમાં અતિશય શ્રદ્ધા રાખવામાં નિર્બળતા અને મૂર્તિપૂજાની વૃત્તિ પેદા કરવાનું વલણ રહેલું છે; પણ ગુરુ પ્રત્યેનો ગાઢ પ્રેમ ઝડપી વિકાસ શક્ય બનાવે છે, અંતરમાં રહેલા ગુરુ સાથે તે આપણને જોડે છે. જો તમારા ગુરુમાં ખરું સત્ય હોય, તો તેની તમે પૂજા કરજો; તે ગુરુભક્તિ તમને જલદી સર્વાેચ્ચ સ્થિતિએ પહોંચાડશે.

શ્રીરામકૃષ્ણની પવિત્રતા બાળકના જેવી હતી. પોતાના જીવનમાં તેમણે કદી પૈસાનો સ્પર્શ કર્યાે ન હતો; અને કામવાસનાનો તો તેમણે સમૂળગો નાશ કરી નાખ્યો હતો. ભૌતિક વિજ્ઞાન શીખવા માટે મહાન ધર્માેપદેશકો પાસે ન જશો; તેમની સમગ્ર શક્તિ આધ્યાત્મિક બાબતમાં રોકાઈ ગયેલી હોય છે. શ્રીરામકૃષ્ણમાં માનવી મરી ગયો હતો, અને માત્ર ઈશ્વર રહેલો હતો. તેઓમાં ખરેખર પાપદૃષ્ટિ જ ન હતી. તેઓ અક્ષરશઃ ‘પાપ જોવા કરતાં વધુ શુદ્ધ દૃષ્ટિવાળા હતા.’ આવા થોડા સાધુપુરુષોની પવિત્રતા જ આ દુનિયાને ટકાવી રાખે છે. જો તે બધા મરી જાય અને દુનિયાનો ત્યાગ કરે, તો દુનિયાનો નાશ થઈ જાય. તેઓ પોતાના અસ્તિત્વ માત્રથી જગતનું કલ્યાણ કરે છે. તેઓ પોતે તે જાણતા પણ નથી હોતા; તેઓ તો માત્ર જીવે છે એટલું જ…

***

ગ્રંથો આંતર્જ્યાેતિના અસ્તિત્વનું સૂચન કરે છે અને તેને બહાર કાઢવાની રીત બતાવે છે. પણ આપણે પોતે જ્યારે આપણા આત્માનું જ્ઞાન મેળવ્યું હોય ત્યારે જ તેમને સમજી શકીએ. જ્યારે તમારામાં અંદરની જ્યોતિનો પ્રકાશ પથરાય ત્યારે પુસ્તકોને છોડી દો અને માત્ર અંદર જ જુઓ. તમારામાં સર્વ કંઈ રહેલું છે અને ગ્રંથોમાં છે તેથી હજારગણું વધારે રહેલું છે. તમે આત્મશ્રદ્ધા કદી પણ ન ગુમાવો; તમે આ જગતમાં ધારો તે કરી શકો. કદી પણ નિર્બળ ન બનો; તમારામાં બધી શક્તિ છે.

જો ધર્મ અને જીવન કોઈ ગ્રંથો કે પેગંબરના અસ્તિત્વ ઉપર આધાર રાખતાં હોય તો ભલે બધો ધર્મ અને બધા ગ્રંથો નાશ પામે! ધર્મ તો આપણી અંદર રહેલો છે; તે મેળવવામાં કોઈ પણ ગ્રંથ કે ગુરુ માત્ર સહાયભૂત બનવાથી વિશેષ કંઈ ન કરી શકે; અરે, તેમના વિના પણ આપણે અંદર રહેલું સર્વ સત્ય મેળવી શકીએ. છતાં પણ ગ્રંથો અને ગુરુઓ માટે કૃતજ્ઞતાની લાગણી રાખો; માત્ર તેમનાથી બંધાઓ નહીં. તમારા ગુરુને ઈશ્વર તરીકે પૂજો, પણ અંધશ્રદ્ધાપૂર્વક તેમનું કહેવું ન માનો; તેમના તરફ પૂર્ણ પ્રેમ ભલે રાખો, પણ વિચાર તો તમારી રીતે જ કરો. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા તમારો ઉદ્ધાર કરી નહીં શકે; તમારી મુક્તિ તમે જ સિદ્ધ કરો. ઈશ્વર માટેનો એકમાત્ર વિચાર રાખો કે તે નિત્ય મદદગાર છે.

મુક્તિ અને સર્વાેચ્ચ પ્રેમ સાથે સાથે જ રહેવાં જોઈએ; ત્યારે બેમાંનું એક પણ બંધનરૂપ ન થઈ શકે. આપણે ઈશ્વરને કાંઈ પણ આપી ન શકીએ; એ જ આપણને બધું આપે છે. તે ગુરુઓના પણ ગુરુ છે. પછી આપણને પ્રતીત થાય છે કે ઈશ્વર આપણા ‘આત્માઓનો પણ આત્મા’ છે, ખુદ આપણો પોતાનો આત્મા છે. આપણે તેને ચાહીએ તેમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે તે આપણા આત્માઓનોય આત્મા છે; તેના સિવાય બીજા કોને અગર બીજી કઈ વસ્તુને આપણે ચાહી શકીશું? આપણે પેલી ‘ઉષ્ણતાવિહોણી અને ધુમાડાવિહોણી સ્થિર જ્યોત’ થવું છે. જ્યારે તમે કેવળ ઈશ્વર જ જુઓ, ત્યારે તમે કોનું ભલું કરી શકો? ઈશ્વરનું તો તમે ભલું કરી જ ન શકો! બધા સંશયો દૂર થાય છે, બધું જ ‘સમત્વ’ છે. જો તમે કંઈ પણ ભલું કરો તો તે તમે તમારી જાતનું જ કરો છો. લેનાર ઉચ્ચ છે તેમ અનુભવો. તમે બીજાની સેવા કરો છો તેનું કારણ કે તેના કરતાં તમે નીચા છો, નહીં કે તે નીચો છે અને તમે ઊંચા છો. સુગંધ આપવી એ ગુલાબનો પોતાનો સ્વભાવ છે; ગુલાબ જેમ સુગંધ આપે છે તે પ્રકારે (દાન) આપો; તે સુગંધ આપે છે તેનું તેને જરાય ભાન પણ નથી.

આવી નિઃસ્વાર્થ સેવાનો અદ્ભુત દાખલો મહાન હિંદુ સુધારક રાજા રામમોહન રાય હતા. તેમણે પોતાનું આખું જીવન ભારતને સહાયભૂત થવામાં અર્પણ કર્યું હતું. સતીની પ્રથા તેમણે બંધ કરાવી. સામાન્યતઃ એમ મનાય છે કે આ સુધારો સંપૂર્ણ રીતે અંગ્રેજોએ કર્યાે; પણ સતીના રિવાજ વિરુદ્ધની ચળવળ રાજા રામમોહન રાયે ઉપાડી હતી અને એ રિવાજને બંધ કરી દેવામાં સરકારની મદદ મેળવવામાં તેઓ સફળ થયા હતા. તેમણે આ ચળવળ શરૂ કરી ત્યાં સુધી અંગ્રેજોએ કંઈ જ કર્યું ન હતું. તેમણે બ્રાહ્મોસમાજ નામની અગત્યની હિંદુ સંસ્થા સ્થાપી અને એક વિદ્યાપીઠ (યુનિવર્સિટી) સ્થાપવા માટે એક લાખ ડોલરનો ફાળો ઉઘરાવ્યો હતો. પછીથી તેઓ તેમાંથી ખસી ગયા અને સંચાલકોને પોતાના વિના જ આગળ વધવાનું કહ્યું. તેમને પોતા માટે નામની કે અંગત લાભની કોઈ પરવા ન હતી.

ગુરુવારે બપોર પછી

મેળામાંના ફાળકા-હીંચકાઓ પેઠે શરીરોની અનંત હારમાળાઓ છે; જાણે કે તેમાં જીવાત્માઓ બેસે છે. જાણે કે આ હારમાળાઓ સનાતન છે; જીવાત્માઓ તેમાંથી નીકળી પડે છે, પણ ઘટનાઓ નિત્ય ફરી ફરીને થયા જ કરે છે; અને આ રીતે ભૂત અને ભવિષ્ય જાણી શકાય છે, કારણ કે સર્વ કંઈ વાસ્તવિક રીતે તો વર્તમાન જ છે. આત્મા જ્યારે એક અમુક પ્રકારના ક્રમમાં હોય ત્યારે તેણે તે ક્રમના અનુભવો લેવા જ પડે છે. એક ક્રમમાંથી આત્માઓ બીજા ક્રમમાં જાય છે; કોઈક ક્રમમાંથી તેઓ પોતે બ્રહ્મ છે એવો સાક્ષાત્કાર થવાથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. એક ક્રમની એક પ્રધાન ઘટનાને પકડીને તેને વળગી રહેવાથી ઘટનાની આખી સાંકળ ખેંચી શકાય અને તેને જાણી શકાય. આ શક્તિ સરળતાથી મેળવી શકાય, પણ તેની કંઈ કિંમત નથી; વળી તેનો અભ્યાસ કરવામાં આપણા આધ્યાત્મિક બળનો તેટલો ભાગ વેડફાઈ જાય છે. આ વસ્તુઓની પાછળ ન પડો; ઈશ્વરને ભજો.

શુક્રવાર, તારીખ ૨જી ઓગસ્ટ

નિષ્ઠા (અમુક આદર્શ પ્રત્યેની ભક્તિ) એ સાક્ષાત્કારનો આરંભ છે. ‘બધાં પુષ્પોમાંથી મધ ચૂસો; સૌ સાથે હળીમળીને મૈત્રીભાવ રાખો; સૌને માન આપો; બધાને કહોઃ ‘હા, ભાઈ! હા ભાઈ!’ પણ તમારા પોતાના માર્ગમાં દૃઢ રહો.’ એથીયે એક ઉચ્ચ સ્થિતિ છેઃ સામાની ભૂમિકાનો સ્વીકાર કરવાની. જો હું સર્વ છું તો હું મારા ભાઈ પ્રત્યે સાચી અને સક્રિય સહાનુભૂતિ દર્શાવીને તેની દૃષ્ટિથી શા માટે ન જોઈ શકું? જ્યારે હું નિર્બળ હોઉં, ત્યારે મારે એક જ માર્ગ (નિષ્ઠા)ને વળગી રહેવું એ ઠીક છે; પણ જ્યારે હું સશક્ત હોઉં ત્યારે હું બીજા દરેક સાથે સમાન લાગણી અનુભવી શકું અને તેના વિચારો સાથે સહાનુભૂતિ દાખવી શકું.

જૂનો વિચાર આવો હતોઃ ‘બીજી બધી ભાવનાઓને ભોગે એક જ ભાવનાને વિકસાવો.’ આધુનિક માર્ગ છેઃ ‘સહુ સાથે સુમેળપૂર્વક વિકાસ સાધો.’ એક ત્રીજો માર્ગ છેઃ ‘જાતનો વિકાસ કરીને તેને કાબૂમાં રાખવાનો,’ અને પછી તેને તમારી ઇચ્છા પ્રમાણે લગાડવાનો; આથી પરિણામ ઝડપથી આવશે. સાચામાં સાચી રીતે તમારો વિકાસ આ રીતે છે. એકાગ્રતા શીખો અને ગમે તે દિશાએ તેનો ઉપયોગ કરો. તેમાં તમને કશું નુકસાન નથી. જે આખું મેળવે છે, તેને તેના ભાગો પણ મળે જ. અદ્વૈતવાદમાં દ્વૈતવાદનો સમાવેશ થઈ જ જાય છે.

‘મેં પ્રથમ તેને જોયો અને તેણે મને જોયો.’ ‘મારી આંખમાંથી તેની તરફ અને તેની આંખમાંથી મારી તરફ એક નજરનો ચમકારો ગયો.’

આમ થતાં થતાં અંતે બંને આત્મા એવા એકરૂપ બની ગયા કે ખરેખર તેઓ એક જ થઈ ગયા…

***

સમાધિ બે પ્રકારની છેઃ એકમાં હું મારા પોતા પર ચિત્તને એકાગ્ર કરું છું, બીજીમાં હું (અમુક વસ્તુ પર) મન એકાગ્ર કરું છું અને એ એકાગ્રતાને પરિણામે ધ્યાતા અને ધ્યેયનું ઐક્ય થાય છે.

પ્રત્યેક વિગત સાથે સંપૂર્ણપણે સહાનુભૂતિ દર્શાવવાની અને તાબડતોબ સર્વાેચ્ચ અદ્વૈતવાદની ભૂમિકાએ કૂદકો મારી પહોંચી જવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. પૂર્ણત્વ પામ્યા પછી તમે રાજીખુશીથી મર્યાદિત બનો છો. દરેક કર્મમાં બધી શક્તિ લગાડી દો. થોડા સમયને માટે દ્વૈતવાદી બનવાની અને અદ્વૈતને ભૂલી જવાની અને છતાંય ઇચ્છામાં આવે ત્યારે તેને પાછો સ્વીકારી લેવાની શક્તિ પણ કેળવો.

***

કારણ અને કાર્ય એ બધુંય માયા છે; અને આપણો એટલો વિકાસ થશે કે આપણે જે જોઈએ છીએ તે બધું જ જેમ બાળકની પરિકથાઓ અસંબદ્ધ લાગે છે તેમ અસંબદ્ધ લાગશે. સાચી રીતે જોતાં તો કાર્ય-કારણ જેવી કોઈ વસ્તુ જ નથી અને આપણને પણ તે સમજાશે. ત્યાર પછી જો તમારાથી બને તો તમારી બુદ્ધિને એટલી કક્ષાએ ઉતારી લાવો કે જ્યાં કોઈ પણ રૂપકથા તમારા મનમાં સંબદ્ધતાના સવાલ સિવાય જ પસાર થઈ શકે. કલ્પનાસૃષ્ટિ તથા સુંદર કાવ્ય માટે અંતરમાં પ્રેમ વિકસાવો અને પછી બધાં પુરાણોનો કાવ્ય તરીકેનો આનંદ માણો; ઇતિહાસ અને તર્કના વિચારો લઈને પુરાણો પાસે ન જાઓ. પુરાણને એક પ્રવાહ તરીકે તમારા અંતરમાં વહેવા દો. મીણબત્તીને કોણે પકડી છે એ પૂછ્યા વગર મીણબત્તીને તમારી નજર સામે ફરવા દો, એટલે તમને વર્તુળ દેખાશે; તેમ જ પુરાણનો એટલે સત્યનો સાર તમારા મનમાં રહી જશે.

સઘળા પુરાણના લખનારાઓએ તેમણે જે જોયું અને સાંભળ્યું તે વિશે પ્રતીકરૂપે આલેખ્યું; તેઓએ આંખને વળગે તેવાં ચિત્રો દોર્યાં. અંદરના વિષયને જુદો કાઢી લઈને ચિત્રનો એ રીતે નાશ કરવાનો પ્રયત્ન ન કરો. જેમ છે તેમ જ તેમને સ્વીકારો અને તેમની તમારા ઉપર અસર થવા દો. તેમની અસર ઉપરથી જ તેમનું મૂલ્યાંકન કરો અને તેમાંથી સારું હોય તે ગ્રહણ કરો.

***

જે કોઈ તમારી પ્રાર્થનાનો ઉત્તર વાળે છે તે તમારી પોતાની ઇચ્છાશક્તિ જ છે. માત્ર દરેક મનને તે જુદા ધાર્મિક વિચારોના વેશમાં દેખાય છે. આપણે તેને ભલે બુદ્ધ, ઈશુ, કૃષ્ણ, જેહોવા, અલ્લાહ, અગ્નિ વગેરે કહીએ; પણ તે માત્ર એક જ આત્મા, ‘अहम्’ છે.

***

વિચારો વિકસે છે, પણ જે કાલ્પનિક કથાઓ તેમને રજૂ કરે છે તેમાં કશું ઐતિહાસિક સત્ય નથી. મોઝીઝનાં દર્શનો આપણાં દર્શનો કરતાં વધારે ખોટાં હોવાનો વધુ સંભવ છે, કારણ કે આપણી પાસે વધારે જ્ઞાન છે એટલે ભ્રમણાથી છેતરાવાનો સંભવ ઘણો ઓછો છે.

જ્યાં સુધી આપણો પોતાનો ગ્રંથ ઊઘડે નહીં ત્યાં સુધી અન્ય ગ્રંથો નકામા છે. ત્યાર પછી જેટલા પ્રમાણમાં આપણા ગ્રંથને અનુરૂપ થતા હોય તેટલા પ્રમાણમાં બીજા બધા ગ્રંથો સાચા છે. બળવાન હોય તે બળને સમજી શકે. સિંહની શક્તિ હાથી સમજી શકે, ઉંદર નહીં. જ્યાં સુધી આપણે ઈશુની સમાન ન થઈએ ત્યાં સુધી આપણે ઈશુને કેમ કરીને સમજી શકીએ? બે રોટલાથી પાંચ હજારને ખવડાવવા કે પાંચ રોટલાથી બે માણસને ખવડાવવા તે બધું સ્વપ્નાનો ખ્યાલ છે; બેમાંથી એકેય સાચું નથી અને બેમાંથી એકેય બીજાને કંઈ અસર કરતું નથી. ભવ્યતા જ ભવ્યતાની કદર કરે; ઈશ્વર જ ઈશ્વરને સમજે. સ્વપ્ન એ સ્વપ્નદ્રષ્ટા પોતે જ છે; તેનો બીજો કોઈ આધાર જ નથી. સ્વપ્ન એક અને તેનો દ્રષ્ટા બીજો તેમ નથી. સંગીતમાં ઓતપ્રોત થઈ રહેલા મુખ્ય સ્વર છેઃ ‘सोऽहम्, सोऽहम्’ હું તે છું, હું તે છું.’ બીજા બધા સ્વરો માત્ર વિવિધતાઓ છે અને ખરા વિષયને અસર કરતા નથી. આપણે જ જીવંત ગ્રંથો છીએ અને ગ્રંથો તો માત્ર આપણે બોલ્યા છીએ તે શબ્દો જ છે. સર્વ કંઈ જીવંત ઈશ્વર છે, જીવંત ઈશુ છે, તેવા રૂપે તે સર્વ જુઓ. મનુષ્યને વાંચો; તે જીવંત કાવ્ય છે. જે થઈ ગયા છે તે બધા બુદ્ધો, ઈશુઓ અને બાઇબલોને પ્રકાશિત કરનાર જ્યોતિ આપણે જ છીએ. તે જ્યોતિ વિના તો આપણે મરેલા હોત, જીવંત નહીં.

તમારા પોતાના આત્મા ઉપર નિર્ભર રહો. મૃતદેહ કશાનો પ્રતિકાર કરતો નથી; આપણે આપણાં શરીરોને મૃત બનાવીએ અને તેની સાથે ઐક્ય અનુભવવાનું બંધ કરી દઈએ.

શનિવાર, તારીખ ૩જી ઓગસ્ટ

જે વ્યક્તિઓએ આ જીવનમાં મુક્તિ મેળવવી હોય, તેમણે એક જ જીવનમાં હજારો વર્ષાેનું જીવન જીવવું પડે. તેમને પોતાના સમયથી આગળ જવું પડે, પણ જનતા તો માત્ર ધીરી ગતિએ જ ચાલે. ઈશુઓ અને બુદ્ધો આપણને આ રીતે મળ્યા છે…

***

એકવાર એક હિંદુ રાણી હતી. તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા લાગી. તેમને સુવડાવતી વખતે તે તેમની આગળ ‘तत्त्वमसि, तत्त्वमसि।’ તે તું છો, તે તું છો’નું હાલરડું ગાતી. તેમાંના ત્રણ સંન્યાસીઓ થયા, પણ ચોથાને ઉછેરવા માટે અન્ય સ્થળે લઈ જવામાં આવ્યો હતો, કારણ કે તેને રાજા બનાવવો હતો. જ્યારે તેને લઈ જતા હતા ત્યારે માતાએ તેને એક કાગળનો ટુકડો લખીને આપ્યો; એ કાગળ તેણે મોટો થાય ત્યારે વાંચવાનો હતો. આ કાગળની ચબરખી ઉપર લખ્યું હતુંઃ ‘ઈશ્વર એક જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે. આત્મા કદીય હણાતો નથી કે હણતો નથી, કાં એકલો રહેજે અગર સાધુના સત્સંગમાં રહેજે.’ જ્યારે તે રાજકુમારે યુવાન થયા પછી તે વાંચ્યું ત્યારે તેણે પણ દુનિયાનો ત્યાગ કર્યાે અને સંન્યાસી થઈ ગયો.

ત્યાગ કરો, દુનિયાને છોડો. આપણે અત્યારે રસોડામાં ઘૂસી ગયેલાં કૂતરાં જેવા છીએ. એક માંસનો ટુકડો ખાતા ખાતા ભયથી આમતેમ જોતા રહીએ છીએ કે રખેને કોઈ આવીને હાંકી કાઢે. એમ કરવા કરતાં રાજા બનો અને પૃથ્વીના અધિપતિ તમે જ છો એમ માનો. જ્યાં સુધી તમે દુનિયાને છોડી ન દો અને તે તમને બંધન કરતી બંધ થાય નહીં ત્યાં સુધી આ ભાવ કદીય આવે નહીં. શરીરથી નહીં તો મનથી ત્યાગ કરો; તમારા અંતઃકરણથી પૂરેપૂરો ત્યાગ કરો. વૈરાગ્ય લાવો.

આ જ ખરો યજ્ઞ છે અને તેના સિવાય આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. કોઈ વાતની ઇચ્છા ન રાખો કારણ કે તમે જે ઇચ્છો તે તમને મળશે અને તેની સાથે જ ભયંકર બંધન પણ આવશે. તે ‘આપણા ઉપર૧ નાક ઉગાડવા’ જેવું છે, બીજું કંઈ નહીં. એક માણસને ત્રણ વરદાન મળ્યાં હતાં, તેના જેવું એ છે. આપણે જ્યાં સુધી આત્મસંતુષ્ટ ન થઈએ ત્યાં સુધી આપણને મુક્તિ કદી નથી મળતી. ‘આત્મા જ આત્માનો ઉદ્ધારક છે, બીજો કોઈ નહીં.’

આપણે બધા એક છીએ તે જાણવા માટે બીજાનાં શરીરમાં પણ આત્મભાવ અનુભવતાં શીખો. બધી નિરર્થક વાતોને ફેંકી દો. સારાં કે ખરાબ કર્માેને થૂંકી કાઢો અને તેના વિશે વિચાર પણ ન કરો. જે થયું તે થયું. વહેમને દૂર કરો. મૃત્યુ સામે આવે ત્યારે પણ નિર્બળતા ન રાખો. પશ્ચાત્તાપ ન કરો, કૃતકર્મ માટે અફસોસ ન કરો તેમજ તમારાં સત્કર્માેને પણ યાદ કર્યા ન કરો. આઝાદ થાઓ. તમે નિર્બળ, ડરપોક અને અજ્ઞાની માણસો આત્માને કદીય પામશો નહીં. તમે કર્યું ન કર્યું નહીં કરી શકો; કર્મનું પરિણામ જરૂર આવશે; તેનો સામનો કરો અને ફરી વખતે તેમ નહીં કરવાની કાળજી રાખો. બધાં કર્માેનો ભાર ઈશ્વર ઉપર છોડી દો; સારું તથા ખરાબ, બધુંય આપી દો. સારું સારું રાખવું અને ખરાબ ખરાબ ઈશ્વરાર્પણ કરવું એમ ન કરો. જેઓ પોતાને સહાય ‘નથી’ કરતા, તેમને ઈશ્વર સહાય કરે છે.

‘તૃષ્ણાનો પ્યાલો પીને જગત ઘેલું બની જાય છે.’ દિવસ અને રાત એક સાથે કદીય નથી આવતાં, તેમ જ તૃષ્ણા અને ઈશ્વર બંને એકી સાથે કદીય ન આવે. તૃષ્ણાનો ત્યાગ કરો.

***

‘અન્ન, અન્ન’ એવો પોકાર કરવો અને અન્ન ખાવું તે બંને વચ્ચે, તેમ જ ‘પાણી, પાણી’ એમ કહેવું અને પાણી પીવું તે બંને વચ્ચે મોટો તફાવત છે. એ જ રીતે માત્ર ‘ઈશ્વર, ઈશ્વર’ એ શબ્દ જપ્યા કરવાથી આપણે સાક્ષાત્કારની આશા રાખી શકીએ નહીં. આપણે પ્રયત્ન કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ.

મોજું સાગરમાં પાછું પડે ત્યારે જ તે અફાટ સાગર બને છે; મોજા તરીકે તે કદીય સાગર ન બની શકે. મોજું સાગર બની ગયા પછી તરંગ બની શકે છે; અરે, પોતાને મનફાવે તેવું મહાન બની શકે છે. પ્રવાહ સાથેની તમારી એકતા તોડો અને જાણો કે તમે મુક્ત છો.

કેટલાંક સંવેદનોની વ્યવસ્થિત રીતે ગોઠવણી તેનું નામ ખરું તત્ત્વજ્ઞાન. બુદ્ધિનો જ્યાં અંત આવે છે, ત્યાં ધર્મની શરૂઆત થાય છે. પ્રેરણા તર્કથી ઘણી ઉચ્ચ છે, પણ પ્રેરણા બુદ્ધિનો વિરોધ કરે એમ બનવું ન જોઈએ. મુશ્કેલ કામ કરવા માટેનું જાડું હથિયાર તર્ક છે; પ્રેરણા એ સઘળા સત્યને દર્શાવનારો ઉજ્જવળ પ્રકાશ છે. અમુક એક વસ્તુ કરવાની પ્રબળ ઇચ્છા તે ખસૂસ પ્રેરણા જ હોય એવું નથી.

***

માયામાં પ્રગતિ તે એક વર્તુળ છે અને તે પાછું તમને આરંભના બિન્દુ ઉપર લાવે છે; પણ તમે શરૂઆત અજ્ઞાની તરીકે કરો છો અને અંતે પૂર્ણ જ્ઞાની બનો છો. ઈશ્વરની ઉપાસના, સંત મહાત્માઓની પૂજા, એકાગ્રતા અને ધ્યાન તથા નિઃસ્વાર્થ કર્મ આ બધાં માયાજાળ તોડીને નીકળવાના રસ્તા છે; પણ પ્રથમ આપણને મુક્ત થવાની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. આપણને અંધકારમાં અજવાળું આપનારો પ્રકાશ આપણી અંદર જ છે; આપણો સ્વભાવ જ જ્ઞાન છે – ‘જન્મસિદ્ધ હક્ક’ જેવું કંઈ છે જ નહિ, કારણ કે આપણો કદી જન્મ જ થયો નથી. આપણે જે કાંઈ કામ કરવાનું છે તે આ જ્ઞાનને ઢાંકનારાં વાદળોને હાંકી કાઢવાનું છે.

આ પૃથ્વી ઉપર કે સ્વર્ગમાં ભોગ મેળવવાની સઘળી ઇચ્છાને છોડી દો. ઇંદ્રિયોને કાબૂમાં રાખો અને મનોનિગ્રહ કરો. તમે દુઃખી છો એવો ખ્યાલ રાખ્યા સિવાય બધાં દુઃખો સહન કરો. મુક્તિ સિવાય બીજી કોઈ વાત ન કરો. ગુરુમાં, તેના ઉપદેશમાં અને તમે મુક્ત થઈ શકો તેવી ખાતરીમાં શ્રદ્ધા રાખો. ગમે તે થાય પણ ‘सोऽहम्, सोऽहम्’, બોલ્યા જ કરો. ખાતાંપીતાં, હરતાંફરતાં, દુઃખમાં પણ તમારી જાતને આ કહ્યા કરો. મનને આ નિરંતર કહોઃ ‘જે આપણે જોઈએ છીએ તે અસ્તિત્વ ધરાવતું જ નથી. માત્ર ‘હું’ જ છે.’ એક ચમકારો અને સ્વપ્ન ઊડી જશે! રાત ને દિવસ એવો જ વિચાર કર્યા કરો કે આ વિશ્વ શૂન્ય છે, માત્ર ઈશ્વર જ છે. મુક્ત થવા માટે તીવ્ર ઇચ્છા ધરાવો.

સંબંધીઓ અને મિત્રો બધા માત્ર પુરાણા ‘શુષ્ક કૂવાઓ’ જેવા છે; આપણે તેમાં પડીએ છીએ અને કર્તવ્ય અને બંધનોનાં સ્વપ્નાં સેવીએ છીએ અને એનો કોઈ અન્ત નથી. કોઈને ‘મદદ કરી’ને ભ્રમણા ઊભી ન કરો. એ તો વડના ઝાડ જેવું છે; તેની વડવાઈઓ દ્વારા એ વધતું ને વધતું જ જાય છે. જો તમે દ્વૈતવાદી હો તો ઈશ્વરને મદદ કરવાનો પ્રયત્ન કરવામાં તમે મૂર્ખ બનો છો; જો તમે અદ્વૈતવાદી હો તો તમે જાણો છો કે તમે ઈશ્વર છો અને તો પછી કર્તવ્યને ક્યાં સ્થાન છે? પતિ તરફ, સંતાન તરફ કે મિત્ર તરફ તમારે કશું જ કર્તવ્ય નથી. પરિસ્થિતિ જેમ આવે તેમ સ્વીકારો; નિષ્ક્રિય પડ્યા રહો અને જ્યારે તમારું શરીર તરવા માંડે ત્યારે જવા દો. ભરતી સાથે ઊંચે ચડો અને ઓટની સાથે નીચે પડો. શરીર ભલે મરી જાય. શરીરનો આ વિચાર તે જૂની પુરાણી થઈ ગયેલી વાત છે. ‘ક્રિયારહિત થાઓ અને જાણો કે તમે ઈશ્વર છો.’

વર્તમાનનું જ અસ્તિત્વ છે; ભૂત કે ભવિષ્ય વિચારમાં પણ નથી, કારણ કે ભૂતભવિષ્યનો વિચાર કરવા માટે તેમને વર્તમાન બનાવવા પડે છે. સઘળું છોડી દો અને તેને ઠીક પડે ત્યાં વહ્યે જવા દો. આ જગત આખું એક ભ્રમણા છે; તે ફરી તમને મૂર્ખ ન બનાવે તે જુઓ. તે જે નથી તે સ્વરૂપે તમે તેને જાણ્યું છે; હવે જે તે છે તે સ્વરૂપે તેને જાણો. શરીર જો ક્યાંય પણ ખેંચાય તો ખેંચાયે જવા દો; શરીર ક્યાં છે તેની પરવા કરવી છોડી દો. કર્તવ્યનો આ ત્રાસદાયક વિચાર એક કાતિલ ઝેર છે અને દુનિયાનો નાશ કરે છે.

એક વીણા મળે એની રાહ ન જોતાં તમે ધીરે ધીરે આરામ કરો. વીણા લઈને હમણાં તમે શરૂ જ શા માટે ન કરો? સ્વર્ગે જવાની વાટ શા માટે જુઓ છો? અહીં જ સ્વર્ગ બનાવો. સ્વર્ગમાં નથી પરણવાનું કે નથી પરણાવવાનું. તો પછી તરત જ શરૂઆત શા માટે ન કરવી અને અહીં જ કાં અપરિણીત ન રહેવું? સંન્યાસીનો ભગવો ઝભ્ભો મુક્તિનું ચિહ્ન છે. દુનિયાના ભિખારીનો વેશ છોડી દો; મુક્તિનો ધ્વજ, ભગવો ધારણ કરો.

(૧. એક ગરીબ માણસે એક દેવને પ્રસન્ન કર્યા. તે દેવે તેને પાસા આપીને ત્રણ વાર નાખવાથી ત્રણ વરદાન મળશે એમ કહ્યું. રાજી થઈને તે માણસે તે વાત તેની સ્ત્રીને કહી. સ્ત્રીએ પતિને પ્રથમ ધન માગવાનું કહ્યું; પણ પેલાએ કહ્યુંઃ ‘આપણાં નાક નાનાં અને કદરૂપાં છે તેથી લોકો આપણને હસે છે. માટે પહેલાં આપણે સુંદર વળાંકવાળાં નાક માગીએ.’ પણ સ્ત્રીને પ્રથમ ધન જોઈતું હતું, તેથી પતિ પાસો ન ફેંકે તે માટે તેણે તેનો હાથ પકડ્યો. ધણીએ ઝટકો મારી હાથને છોડાવી દીધો અને જલદી પાસો ફેંકીને માગ્યુંઃ ‘હે દેવ! અમને બંનેને સુંદર નાક જ આપ; બીજું કંઈ નહીં.’ તરત જ બંને જણાને આખે શરીરે ઘણાં બધાં સુંદર નાક ઊગી નીકળ્યાં, આથી તો બંનેને નવી ઉપાધિ થઈ, એટલે બીજી વાર પાસો ફેંકીને નાક પાછાં લઈ લેવાનું વરદાન માગવાનું નક્કી કર્યું. આવી માગણી સાથે તેણે પાસા નાખ્યા પણ તે સાથે તેમનાં પોતાનાં અસલ નાક પણ નવાં નાક સાથે ચાલ્યાં ગયાં! હવે શું થાય? હવે તો એક જ વરદાન માગવાનું બાકી રહ્યું હતું. નાક જવાથી તેઓ પહેલાં કરતાં વધારે કદરૂપાં દેખાતાં હતાં. તેમને બંનેને સુંદર નાક જોઈતાં હતાં ખરાં, પણ નવાં સુંદર નાક આવે તેથી તેઓ ડરતાં હતાં, કારણ કે લોકો તેમને પૂછે કે નવાં નાક ક્યાંથી થયાં? અને ખબર પડે ત્યારે ‘ત્રણ વરદાન મળ્યા છતાં સ્થિતિ સુધારી ન શક્યા?’ એમ કહીને તેની હાંસી કરે. તેથી બંનેએ પોતાના અસલનાં કદરૂપાં નાકો પાછાં મેળવવાનું નક્કી કર્યું અને છેલ્લો દાવ નાખીને પોતાનાં જૂનાં કદરૂપાં નાક પાછાં મેળવ્યાં! અને ત્રણે વરદાન આમ વપરાઈ ગયાં.)

રવિવાર, તારીખ ૪થી ઓગસ્ટ

‘અજ્ઞાનીઓ જેની પૂજા કરે છે તે વિષે હું તને ઉપદેશ આપું છું.’

આ એક અને એકમાત્ર ઈશ્વર ‘જ્ઞાતનીયે જ્ઞાત વસ્તુ છે’. એક માત્ર એ તત્ત્વને જ આપણે સર્વત્ર જોઈએ છીએ. સૌ પોતાના આત્માને જાણે છે; ‘હું છું’ તે સૌ કોઈ – પશુઓ સુદ્ધાં જાણે છે. આપણે જે કાંઈ જાણીએ છીએ, તે આત્માનો જ વિસ્તાર છે. બાળકોને આ વસ્તુ શીખવો; તેઓ તેને પકડી શકશે. અજાણપણે પણ દરેક ધર્મે આત્માની ઉપાસના કરી છે, કારણ કે આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં.

અહીં જે જીવનને આપણે જાણીએ છીએ તેને અસભ્ય રીતે વળગી રહેવાની વૃત્તિ એ જ સર્વ અનિષ્ટનું મૂળ છે. આ છળકપટ અને ચોરવૃત્તિને એ જ ઉત્પન્ન કરે છે. પૈસાને તે દેવ બનાવે છે અને તેમાંથી બધા દુર્ગુણો અને ભયો ઉત્પન્ન થાય છે. કોઈ ભૌતિક બાબતને કીંમતી ન ગણો, તેમ તેને વળગી પણ ન રહો. જો તમે કશાને – જીવનને પણ – વળગી નહીં રહો તો પછી કોઈ ભયને અવકાશ નથી. ‘આ દુનિયામાં જે બહુત્વને જુએ છે તે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે.’ આપણે જ્યારે જોઈએ કે સઘળું એક જ છે, ત્યારે આપણે માટે શારીરિક કે માનસિક, કોઈ મૃત્યુ ન હોઈ શકે. બધાં શરીરો મારાં છે; તેથી તે દૃષ્ટિએ શરીર પણ નિત્ય છે, કારણ કે વૃક્ષ, પ્રાણી, સૂર્ય, ચંદ્ર, વિશ્વ પોતે પણ મારું શરીર છે; અને તો તે મરી કેમ શકે? દરેક મન, દરેક વિચાર, મારો છે; તો પછી મૃત્યુ શી રીતે આવે? આત્મા કદીય જન્મતો નથી અને કદીય મરતો નથી. જ્યારે આપણને આની ખાતરી થાય, ત્યારે સઘળા સંશયો દૂર થાય છે. ‘હું છું, હું જાણું છું, હું ચાહું છું,’ આ બધા અનુભવો વિષે કદીય સંશય ન ઊઠે. ભૂખ જેવી વસ્તુ જ નથી કારણ કે જે બધું ખવાય છે તે મારાથી જ ખવાય છે. જો એકાદ વાળ ખરી પડે તો આપણે મરી ગયા તેમ નથી માનતા; એ જ પ્રમાણે જો એક શરીર પડી જાય તો તે માત્ર એક વાળ ખરી પડવા જેવું છે…

***

અતિચેતનાવસ્થા – તુરીયાવસ્થા તે ઈશ્વર છે; તે વાણીથી પર છે, વિચારથી પર છે અને ચેતનાથી પર છે… ત્રણ અવસ્થાઓ છેઃ પશુતા (તમોગુણ), માનવતા (રજોગુણ) અને દિવ્યત્વ (સત્ત્વગુણ). સર્વાેચ્ચ સ્થિતિએ જેઓ પહોંચે છે તેઓ કેવળ ‘સત્’ સ્વરૂપ જ છે. ત્યાં કર્તવ્ય ભાવના મરી પરવારે છે; તેઓ માત્ર પ્રેમ જ કરે છે અને લોહચુંબકની માફક બીજાને પોતા તરફ ખેંચે છે. આ છે મુક્તિ. તમારે નૈતિક કાર્યાે કરવાં પડતાં નથી; તમે જે કાંઈ કરો તે બધું નૈતિક છે. બ્રહ્મવિદ્ (બ્રહ્મને જાણનારો) બધા દેવો કરતાં વધુ ઉચ્ચ છે. જ્યારે ભ્રમણા ઉપર વિજય મેળવીને ઈશુએ કહ્યુંઃ ‘ઓ સેતાન! મારી સામેથી હઠીને પાછળ ચાલ્યો જા.’ ત્યારે ફિરસ્તાએ આવીને તેની પૂજા કરી. બ્રહ્મવિદ્ને કોઈ મદદ ન કરી શકે; વિશ્વ આખું તેની આગળ નમે છે. તેની પ્રત્યેક ઇચ્છા પૂર્ણ થઈ છે; તેનો આત્મા બીજાઓને પવિત્ર બનાવે છે. માટે સર્વાેચ્ચ સ્થિતિએ પહોંચવું હોય તો બ્રહ્મવિદ્નું અર્ચન કરો. જ્યારે આપણને ત્રણ મહાન ‘ઈશ્વરી બક્ષિસ’ મળે – મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને માર્ગદર્શન કરાવનાર મહાપુરુષનો સમાગમ – ત્યાર પછી મોક્ષ આપણે માટે ચોક્કસ છે, મુક્તિ આપણી જ છે.

***

સદાને માટે દેહવિલય તેનું નામ નિર્વાણ. તે અભાવસૂચક બાજુ છે અને કહે છેઃ ‘હું આ નથી, આ નથી કે પેલું નથી.’ વેદાંત આગળ પગલું ભરે છે અને તે ભાવાત્મક બાજુ પર – મુક્તિ કે મોક્ષ પર – ભાર મૂકે છે. ‘હું કેવળ સત્ છું, કેવળ જ્ઞાન છું, કેવળ આનંદ છું; હું તે છું.’ આ છે વેદાંત, પૂર્ણત્વરૂપી કમાનનો ડાટો – તેનો શિલાકોણ.

ઉત્તર દિશાના બૌદ્ધ ધર્મના મોટા ભાગના અનુયાયીઓ મુક્તિમાં માને છે અને તે રીતે તેઓ વેદાંતીઓ છે. માત્ર લંકાવાસી બૌદ્ધ જ નિર્વાણને વિનાશ તરીકે સ્વીકારે છે.

કોઈ પણ માન્યતા કે માન્યતાનો અભાવ ‘હું’ નો નાશ ન કરી શકે. જે શ્રદ્ધાની સાથે આવે અને અશ્રદ્ધાની સાથે ચાલ્યું જાય તે ભ્રમણા છે. આત્માને કંઈ પણ શીખવતું નથી. ‘હું મારા પોતાના આત્માને જ નમન કરું છું.’ ‘સ્વયં-પ્રકાશિત હું મને જ નમન કરું છું, હું જ બ્રહ્મ છું.’ શરીર એક અંધારી કોટડી છે; આપણે જ્યારે તેમાં પ્રવેશ કરીએ ત્યારે તે પ્રકાશિત થાય છે, જીવંત બને છે. રોશનીને કંઈ પણ કદી અસર કરી શકે નહીં; તેનો નાશ કરી શકાય નહીં. તે ઢંકાય ભલે, પણ તેનો નાશ કદી ન કરી શકાય.

***

અત્યારના કાળમાં ઈશ્વરમાં ‘માતા’ તરીકે – અનંત શક્તિ તરીકે ઉપાસના કરવી જોઈએ. આથી પવિત્રતા આવશે અને અહીં અમેરિકામાં જબરદસ્ત શક્તિ આવશે. અહીં કોઈ પુરોહિતનો વર્ગ આપણને દાબી દેવા માટે નથી, તેમ જ ગરીબ દેશની પેઠે કોઈ દુઃખી પણ નથી. અનેક યુગોથી સ્ત્રી જાતિ સદા સહન કરતી આવી છે; તેથી તેનામાં અખૂટ ધીરજ અને ખંત આવ્યાં છે. એક ભાવનાને તે વળગી રહી શકે છે. આને લીધે જ તે દરેક દેશમાં વહેમ ભરેલા ધર્માેનો અને પુરોહિતોનો આધાર બની છે અને આથી જ તે મુક્ત બનશે. આપણે વેદાંતી બનવાનું છે અને આ ભવ્ય વિચારને જીવનમાં ઉતારવાનો છે. જનતાને તે મળવો જોઈએ અને માત્ર સ્વતંત્ર અમેરિકામાં જ આ થઈ શકે તેમ છે. ભારતમાં બુદ્ધ, શંકર અને બીજી એવી વ્યક્તિઓએ આ વિચારોને રજૂ કર્યા પણ જનતા તેને પકડી રાખી ન શકી. નવા યુગમાં જનતા વેદાંતમય જીવન જીવે તે જોવું જોઈએ; અને તે સ્ત્રીઓ દ્વારા આવવું જોઈશે.

‘કાળજીપૂર્વક તમારા અંતઃકરણના ઊંડામાં ઊંડા ભાગમાં પ્રિય અને સુંદર ‘માતા’ને રાખો.’

‘જીભ સિવાય બધું ફેંકી દો; માત્ર જીભને ‘મા’ ‘મા’ પોકારવા રાખી મૂકો!’

‘કોઈ દુષ્ટ સલાહકારોને અંદર પેસવા ન દો. મારા હૃદય! તું અને હું માત્ર ‘મા’ને દેખીએ.’

‘જે કંઈ જીવંત છે તે સર્વથી તું પર છે! મારા જીવનના ચંદ્ર! મારા આત્માના આત્મા!’

રવિવાર, બપોર

જેવી રીતે શરીર મનના હાથમાંનું સાધન છે, તેવી રીતે મન આત્માના હાથમાંનું સાધન છે. જડ પદાર્થ એ બહારની બાજુની ગતિ છે, મન એ અંદરની બાજુની ગતિ છે. દરેક પરિવર્તનનો આદિ અને અંત, કાળની અંદર જ થાય છે. આત્મા જો પરિવર્તનરહિત હોય તો તે પૂર્ણ હોવો જોઈએ; જો પૂર્ણ હોય તો તે અનંત હોવો જોઈએ; અને જો તે અનંત હોય તો તે એક જ હોવો જોઈએ; અનંત બે ન હોઈ શકે. તેથી આત્મા એક જ હોઈ શકે. જો કે તે વિવિધરૂપે દેખાય છે, છતાં ખરેખર તે એક જ છે. જો મનુષ્ય સૂર્ય તરફ જાય તો પ્રત્યેક પગલે તે જુદો સૂર્ય જોશે અને છતાં પણ સૂર્ય તો તે એક જ છે.

अस्ति, ‘હોવાપણું’ બધી એકતાનો પાયો છે; અને પાયો મળી આવે એટલે તરત જ પૂર્ણતા આવે છે. જો બધા રંગોને એક જ રંગમાં લાવી શકાય તો ચિત્રકામ જ અટકી જાય. સંપૂર્ણ ઐકય એ વિરામ છે. આપણે બધી અભિવ્યક્તિઓથી એક જ સત્તાને સૂચિત કરીએ છીએ. તાઓ ધર્મના અનુયાયીઓ, કોન્ફયુશિયસના અનુયાયીઓ, બૌદ્ધો, હિંદુઓ, યહૂદીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જરથુષ્ટ્રના અનુયાયીઓઃ બધાએ આ સોનેરી ઉપદેશ કર્યાે અને લગભગ એક જ શબ્દમાં માત્ર હિંદુઓએ જ તેને તર્કશુદ્ધ ભૂમિકા આપી, કારણ કે તેઓએ તેના કારણને જોયુંઃ માણસે બીજાઓને ચાહવા જોઈએ, કારણ કે તે બીજાઓ તે પોતે જ છે. સઘળું કેવળ એક જ છે.

દુનિયાએ જાણેલા બધા મહાન ધર્મગુરુઓમાંથી માત્ર લાઓત્સે, બુદ્ધ અને ઈશુ જ પેલા સોનેરી નિયમથી પર ગયા અને કહ્યુંઃ ‘તમારા શત્રુઓનું ભલું કરો’; ‘જેઓ તમને ધિક્કારે તેમનું ભલું કરો.’

સિદ્ધાંતો અસ્તિત્વમાં હોય જ છે; આપણે તેમને નવા ઊભા કરતા નથી, માત્ર તેમને શોધી કાઢીએ છીએ… ધર્મ એકમાત્ર સાક્ષાત્કારમાં જ સમાયેલો છે. વાદો એ પદ્ધતિઓ છે, ધર્મ નથી. બધા જુદા જુદા ધર્માે જુદી જુદી પ્રજાઓની આવશ્યકતાઓને અનુકૂળ થવા માટે સંકલિત કરાયેલા એક જ ધર્મનાં વ્યવહારુ સ્વરૂપો માત્ર છે. સિદ્ધાંતો કેવળ ઝઘડાઓ ઉત્પન્ન કરે છે અને આમ ઈશ્વરનું જે નામ શાંતિ લાવનાર હોવું જોઈએ તે દુનિયાના અર્ધા રક્તપાતનું કારણ બન્યું છે. સીધા મૂળ પર જ જાઓ. ઈશ્વરને જ પૂછો કે તું કોણ છો? જો જવાબ ન આપે તો તેનું અસ્તિત્વ જ નથી; પણ દરેક ધર્મ શીખવ્યા કરે છે કે ઈશ્વર ઉત્તર આપે છે.

કહેવા જેવું કંઈક તમારા પોતાને માટે પણ રાખો, નહીં તો બીજાઓએ શું કહ્યું છે તેનો તમને ખ્યાલ શી રીતે આવી શકે? જૂના વહેમોને વળગી ન રહો; નવાં સત્યો માટે સદાય તૈયાર રહો. ‘જેઓ પોતાના બાપદાદાએ ખોદેલા કૂવામાંથી ખારું પાણી પીએ અને બીજાઓએ ખોદેલા કૂવામાંથી શુદ્ધ પાણી ન પીએ તેઓ મૂર્ખાઓ છે.’ જ્યાં સુધી આપણે પોતે ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરીએ ત્યાં સુધી તેના વિશે આપણે કંઈ જ ન જાણી શકીએ. દરેક માણસ મૂળે તો પોતે પૂર્ણ છે; મહાપુરુષોએ આ પૂર્ણતા પ્રકટ કરી છે, પણ આપણામાં તે ગુપ્ત રહેલી છે. જો આપણે ઈશ્વરને ન જોઈએ તો મોઝીઝે ઈશ્વરને જોયો તે આપણે કેમ સમજી શકીએ? જો ઈશ્વર કોઈકને પણ કદી મળ્યો હોય તો તે મને પણ મળે જ. હું સીધેસીધો જ ઈશ્વર પાસે જઈશ; મને તેની સાથે વાત કરવા દો. હું કોઈ માન્યતાને ભૂમિકા તરીકે નહિ સ્વીકારું; તે તો નિરીશ્વરવાદ અને ઈશ્વરનિંદાનું પાપ થાય. જો ઈશ્વર બે હજાર વર્ષ પૂર્વે અરબસ્તાનના રણમાં એક મનુષ્ય સાથે બોલ્યો હોય તો તે આજે મારી સાથે પણ બોલે જ; નહિ તો ઈશ્વર મરી નથી ગયો તે હું કેમ જાણી શકું? તમારાથી બને તે રસ્તે ઈશ્વર તરફ આવો; માત્ર તમે આવો. પણ આવતાં આવતાં કોઈને ધક્કો મારીને પાડી ન દો.

જ્ઞાની લોકોએ અજ્ઞાનીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. જે જ્ઞાની છે તે એક કીડી માટે પણ પોતાનો દેહ આપવા તૈયાર થાય છે, કારણ કે તે જાણે છે કે શરીર કંઈ નથી.

સોમવાર, તારીખ ૫મી ઓગસ્ટ

પ્રશ્ન એ છેઃ સર્વાેચ્ચ સ્થિતિએ પહોંચવા માટે બધી નીચલી અવસ્થાઓમાંથી પસાર થવું જરૂરી છે કે એકદમ કૂદકો મારી શકાય છે? આધુનિક અમેરિકન જીવન, જે મેળવતાં તેના બાપદાદાને સેંકડો વર્ષાે લાગ્યાં હતાં તે પચીસ વર્ષમાં મેળવે છે; આજનો હિંદુ તેના પૂર્વજોએ જે ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચતાં આઠ હજાર વર્ષાે લીધાં હતાં, તે વીસ વર્ષમાં મેળવી શકે છે. ભૌતિક બાજુએ, ગર્ભાશયમાં હોય છે ત્યારે જ ગર્ભ પ્રારંભિક જીવકોષ (અમીબા Amoeba)થી માંડીને માનવ સુધીની અવસ્થામાં પસાર થાય છે. આધુનિક વિજ્ઞાન આ શીખવે છે. વેદાંત તેથી વધુ આગળ જાય છે અને કહે છે કે આપણે કેવળ ભૂતકાળની સમગ્ર માનવજાતનું જીવન જીવવું પડે છે તેટલું જ નહિ પણ ભવિષ્યની સમગ્ર માનવજાતનું જીવન પણ જીવવું પડે છે. જે મનુષ્ય ભૂતકાળની સમગ્ર માનવજાતનું જીવન જીવે છે તે શિક્ષિત મનુષ્ય છે; બીજો ભાવિ માનવજાતનું જીવન જીવનારો મનુષ્ય જીવનમુક્ત છે, સદાને માટે મુક્ત છે (જીવિત હોવા છતાં).

કાળ એ માત્ર આપણા વિચારોનું માપ છે; અને કલ્પના પણ ન કરી શકીએ એટલો ત્વરિત વિચાર હોવાથી આપણે ભાવિ જીવન કેટલી ઝડપથી જીવી શકીએ તેની કોઈ મર્યાદા જ નથી. તેથી સમગ્ર ભાવિ જીવન જીવવા માટે કેટલો સમય જોઈશે તે કહી શકાય નહિ. તે એક ક્ષણમાં પણ બને અને પચાસ જન્મો પણ લાગે. ઇચ્છાની ઉત્કટતા ઉપર તેનો આધાર છે. માટે ઉપદેશ લેનારની જરૂરિયાત મુજબ ઉપદેશને તેને અનુરૂપ બનાવવો જોઈએ. ભડભડ બળતો અગ્નિ સૌને માટે તૈયાર છે; એવો કે પાણી અને બરફનાં ચોસલાં પણ તેમાં જલદી ભરખાઈ જાય. ગોળીઓની રમઝટ બોલાવો; તેમાંની એકાદી લક્ષ્યને લાગી જ જશે. માણસને સત્યોનું એક આખું સંગ્રહસ્થાન આપો; તે તરત જ પોતાને જે માફકનું હશે તે લેશે. ભૂતકાળનાં જીવનોએ આપણી વૃત્તિઓને ઘડી હોય છે; શિષ્યને તેના વલણ પ્રમાણે જ આપો. બૌદ્ધિક, યૌગિક, ભક્તિમય, વ્યાવહારિક – ગમે તે એકને ભૂમિકા બનાવો, પણ બીજીઓને પણ તેની સાથે શીખવો. પ્રેમ સાથે બુદ્ધિની સમતુલા જાળવવી જોઈએ, યોગાનુભવની સમતુલા તર્ક સાથે જાળવવી જોઈએ, જ્યારે તાલીમ એ દરેક રીતનો એક ભાગ બનવી જોઈએ. જે જ્યાં ઊભેલ હોય ત્યાંથી લઈને તેને આગળ ધપાવો. ધાર્મિક શિક્ષણ સર્વદા રચનાત્મક હોવું જોઈએ, ખંડનાત્મક નહિ.

દરેક વૃત્તિ ભૂતકાળમાં કરેલાં કાર્યાેનું વલણ, એટલે કે જે રેખા યાને ત્રિજયા અનુસાર માણસે ચાલવું જોઈએ તે બતાવે છે. બધી ત્રિજયાઓ મધ્યબિંદુ તરફ જ દોરી જાય છે. બીજાની વૃત્તિઓને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કદી ન કરો, એવું કરવું તે શિષ્ય અને ગુરુ બંનેને પાછા પાડે છે. જ્યારે તમે ‘જ્ઞાન’નો ઉપદેશ કરો ત્યારે તમારે ‘જ્ઞાની’ થવું જોઈએ અને માનસિક રીતે જે ભૂમિકાએ શિષ્ય હોય, બરાબર તે જ ભૂમિકાએ તમારે ઊભા રહેવું જોઈએ. તે જ પ્રમાણે બીજા બધા યોગોમાં સમજવું. શિષ્યમાં જાણે કે તે એક જ વૃત્તિ હોય તેવી રીતે દરેક વૃત્તિનોે વિકાસ કરો; સમન્વયયુક્ત વિકાસનું સાચું રહસ્ય આ છે. એટલે કે ગહનતાની સાથે વિશાળતા કેળવો પણ તે ગહનતાને ભોગે નહિ. આપણે અનંત છીએ. આપણામાં કશી મર્યાદા નથી. ચુસ્તમાં ચુસ્ત મુસલમાન જેવા જ આપણે ચુસ્ત થઈ શકીએ અગર બહુ ગર્જના કરતા નિરીશ્વરવાદી જેવા વિશાળ પણ આપણે થઈ શકીએ.

આ કરવાનો માર્ગ મનને કોઈ એક વિષય ઉપર મૂકવાનો નથી. પણ મનનો પોતાનો વિકાસ અને નિગ્રહ કરવાનો છે, ત્યાર પછી તમે તેને તમને ઠીક પડે તે બાજુ ફેરવી શકશો. આ રીતે તમે ગહનતા અને વિશાળતા બંને જાળવી શકશો. જ્ઞાનમાર્ગનું અવલંબન કરતા હો ત્યારે એમ જાણો કે જ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહિ; ત્યાર પછી ભક્તિયોગ, રાજયોગ તથા કર્મયોગ વિષે પણ એ જ રીત અખત્યાર કરો. તરંગોને છોડીને તમે સાગર તરફ જાઓ; પછી તમને પસંદ પડે તેવી રીતના તરંગો રાખી શકો. તમારા પોતાના મનરૂપી ‘સરોવર’નો નિગ્રહ કરો, નહિ તો તમે બીજાના મનરૂપી સરોવરને સમજી નહિ શકો.

ખરો ગુરુ તે જ છે કે જે પોતાની સઘળી શક્તિ પોતાના શિષ્યની વૃત્તિમાં રેડી શકે. સાચી સહાનુભૂતિ સિવાય આપણે સારી રીતે શીખવી શકીએ નહિ. માણસ જવાબદાર વ્યક્તિ છે તે ખ્યાલ મૂકી દો; કેવળ પૂર્ણ મનુષ્ય જ જવાબદાર છે. અજ્ઞાનીઓએ તો ભ્રમનો પ્યાલો પૂરેપૂરો પીધો છે અને મગજ ઠેકાણે નથી. પરંતુ તમે જે ‘જ્ઞાની’ છો; તેમણે તો આ અજ્ઞાનીઓ સાથે અખૂટ ધીરજથી કામ લેવું જોઈએ. તેમના વિષે પ્રેમ સિવાય બીજી કોઈ લાગણી ન રાખો અને જે રોગને લીધે તેઓ જગતને ખોટી દૃષ્ટિથી જુએ છે તે રોગને શોધી કાઢીને તેમને સાજા થવામાં અને સાચી દૃષ્ટિએ જોવામાં મદદ કરો. હંમેશાં યાદ રાખજો કે જે મુક્ત હોય તેને જ સ્વતંત્ર ઇચ્છાશક્તિ હોઈ શકે. બીજા બધા બંધનમાં છે; તેઓ પોતે જે કરે છે તેને માટે તેઓ જવાબદાર નથી. ઇચ્છાશક્તિ ઇચ્છારૂપે બદ્ધ જ છે. હિમાલયના શિખર પરના બરફનું પ્રવાહી બનતું જળ સ્વતંત્ર છે,પણ નદી બનતાં તે કિનારાઓથી બદ્ધ છે; છતાં પ્રારંભિક વેગ તેને સમુદ્રમાં લઈ જાય છે અને ત્યાં તે પોતાનું સ્વાતંત્ર્ય પુનઃ પ્રાપ્ત કરે છે. પ્રથમ અવસ્થા છે ‘આદિ માનવનું પતન’ અને બીજી અવસ્થા છે ‘પુનરુત્થાન.’ એક પણ અણુ જ્યાં સુધી મુક્ત ના થાય ત્યાં સુધી સ્વસ્થ રહી શકે નહીં.

કેટલીક કલ્પનાઓ બીજી કલ્પનાઓનાં બંધનો તોડવામાં મદદગાર બને છે. જો કે આખું વિશ્વ એક કલ્પના જ છે, છતાં એક પ્રકારની કલ્પનાઓ બીજા પ્રકારની કલ્પનાઓમાંથી બચાવી લેશે. જે કલ્પનાઓ આપણને કહે છે કે દુનિયામાં પાપ, શોક અને મૃત્યુ છે, તે કલ્પનાઓ ભયંકર છે; પણ બીજા પ્રકારની કલ્પનાઓ કે જે હંમેશાં એમ કહે છે કે ‘હું પવિત્ર છું; ઈશ્વર છે; દુઃખ જેવું કંઈ નથી’ તે કલ્પનાઓ સારી છે અને બીજાનાં બંધન તોડવામાં મદદ કરે છે. આ સાંકળની સઘળી કડીઓ તોડી શકે એવી સર્વાેચ્ચ કલ્પના છે વ્યક્તિરૂપ ઈશ્વરની.

માયાથી પર એવી એકમાત્ર વસ્તુ છે ॐ तत्सत्. પણ ઈશ્વર નિત્ય છે. જ્યાં સુધી નાયગરાનો ધોધ હયાત છે ત્યાં સુધી મેઘધનુષ્ય રહેવાનું જ; પણ પાણી તો નિરંતર વહી જ જાય છે. વિશ્વ તે ધોધ છે, વ્યક્તિરૂપ ઈશ્વર તે મેઘધનુષ્ય છે અને બંને નિત્ય છે. જ્યાં સુધી વિશ્વ છે, ત્યાં સુધી ઈશ્વર છે જ. ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે, સૃષ્ટિ ઈશ્વરને બનાવે છે અને બંને નિત્ય છે. માયા એ નથી અસ્તિ કે નથી નાસ્તિ. નાયગરાનો ધોધ અને મેઘધનુષ્ય બંને નિત્ય પરિણામી છે, એટલે કે માયા દ્વારા દેખાતું બ્રહ્મ છે. ઈરાનીઓ અને ખ્રિસ્તીઓ માયાને બે ભાગમાં વહેંચી નાખે છે; સારા અર્ધા ભાગને ‘ઈશ્વર’ કહે છે અને ખરાબ અર્ધા ભાગને ‘શેતાન’ કહે છે. વેદાંત માયાને સમગ્રરૂપે લે છે અને તેની પેલી પારની એકતારૂપે બ્રહ્મને સ્વીકારે છે…

***

મહંમદ સાહેબે જોયું કે ખ્રિસ્તી ધર્મ સેમિટિક સંપ્રદાયમાંથી ખસી જાય છે; એટલે સેમિટિક ધર્મ તરીકે ખ્રિસ્તી ધર્મ કેવો હોવો જોઈએ; તથા એક જ ઈશ્વરને તેણે વળગી રહેવું જોઈએ તે બતાવવા માટે તેમણે ઉપદેશ આપ્યો. ‘હું અને મારા પિતા એક જ છીએ’ એ આર્ય ભાવના તેમને ખરાબ અને ભયંકર લાગતી. વાસ્તવમાં મનુષ્યથી સદાય ભિન્ન, જેહોવાહની દ્વૈતવાદની ભાવનાથી ત્રિમૂર્તિની ભાવના ઘણી જ આગળ પડતી હતી. ઈશ્વર અને મનુષ્યની એકતાના સ્વીકાર તરફ લઈ જનારા વિચારોની પરંપરામાં અવતારવાદ એ પ્રથમ કડી છે. પ્રથમ એ માનવશરીરમાં પ્રકટ થતો ઈશ્વર, પછી જુદે જુદે સમયે જુદાં જુદાં મનુષ્યરૂપો ધારણ કરીને ફરી પ્રગટ થતો ઈશ્વર અને છેવટે બધાં માનવરૂપોમાં રહેલા અગર બધા માનવીઓમાં રહેલા તરીકે ઈશ્વર સ્વીકારવામાં આવ્યો. અદ્વૈતવાદ સર્વાેચ્ચ ભૂમિકા છે; એકેશ્વરવાદ એ નીચેની ભૂમિકા છે. કલ્પના તમને તર્ક કરતાંયે વધારે ઝડપથી અને સહેલાઈથી સર્વાેચ્ચ અનુભવે લઈ જશે.

ભલે થોડા લોકો સંસારથી બહાર નીકળી પડે અને એકલા ઈશ્વર માટે જ જીવે અને જગતને માટે ધર્મનું રક્ષણ કરે. જ્યારે માત્ર ભ્રમણાના જ ‘જનક’ હો ત્યારે (રાજા) જનક જેવા થવાનો ડોળ ન કરો. (જનક શબ્દનો અર્થ થાય છે ‘ઉત્પાદક’; વળી તે એક રાજાનું નામ પણ હતું. એ રાજા પ્રજાને માટે રાજ્ય કરતા હતા, છતાં તેમણે સર્વસ્વનો મનથી ત્યાગ કર્યાે હતો.) પ્રામાણિક બનો અને કહો કે ‘આદર્શને હું જોઉં છું, છતાંય હું તેને પહોંચી શકતો નથી.’ પણ તમે જ્યારે ત્યાગ કરી શકતા ન હો, ત્યારે ત્યાગ કરવાનો ડોળ ન કરો. જો ત્યાગ કરો જ તો તેને દૃઢતાથી વળગી રહો. યુદ્ધમાં સેંકડો ખુવાર થાય તો પણ ધ્વજ પકડી રાખો અને તેને આગળ લઈ જાઓ; કોણ નિષ્ફળ નીવડે છે તેની કોઈ પરવા ન રાખો. ઈશ્વર તો સત્ય જ છે. જે પડે તે ધ્વજને આગળ લઈ જવા માટે અન્યને સોંપે; ધ્વજ કદીયે નીચે પડવો ન જોઈએ.

જો હું નાહીધોઈને શુદ્ધ બન્યો હોઉં તો મારામાં અશુદ્ધિ શા માટે ઉમેરાય? સ્વર્ગનું સામ્રાજ્ય પ્રથમ શોધો; બીજું બધું જવા દો. ‘તમારામાં ઉમેરો કરવામાં આવે તેવું’ કાંઈ જ ન ઇચ્છો; ઊલટું એનાથી છૂટો એટલે રાજી થાઓ. ત્યાગ કરો; પછી નક્કી જાણજો કે ભલે તમે જાતે સફળતા કદી ન જુઓ, તો પણ તે જરૂર આવવાની. ઈશુ કેવળ બાર જ માછીમારોને પાછળ રાખી ગયા હતા છતાં એ થોડાઓએ રોમન સામ્રાજ્યને ઉડાડી મૂક્યું.

પૃથ્વી પરનું જે પવિત્રમાં પવિત્ર અને શ્રેષ્ઠ હોય તેનું ઈશ્વરની વેદી ઉપર બલિદાન આપો. કદીય પ્રયત્ન નહિ કરનાર કરતાં જે પ્રયત્ન કરે છે તે સારો છે. જેણે ત્યાગ કર્યાે છે તેના દર્શનમાત્રથી પણ પાવનકારી અસર થાય છે. ઈશ્વરને માટે ખડા રહો; દુનિયાને જવા દો. કશી બાંધછોડ ન કરો. દુનિયા છોડો, તો જ તમે દેહમાંથી છૂટા થશો; જ્યારે દેહ પડશે, ત્યારે તમે ‘આઝાદ’ થશો. મુક્ત બનો. એકલું મૃત્યુ જ આપણને કદી મુક્ત નહિ કરી શકે. જીવન દરમિયાન આપણા પોતાના પ્રયાસોથી જ મુક્તિ મેળવવી જોઈએ; પછી જ્યારે શરીર પડે ત્યારે મુક્ત પુરુષને માટે પુનર્જન્મ રહેશે નહિ.

સત્યનો ન્યાય સત્યથી જ થવો જોઈએ, બીજા કશાથી નહિ. સારું કરવું તે સત્યની કસોટી નથી; સૂર્યને જોવા માટે કોઈ મશાલની જરૂર હોતી નથી. સત્ય જો આખા વિશ્વનો વિનાશ કરી નાખે તો પણ તે સત્ય જ છે; તેને વળગી રહો.

ધર્મનાં સ્થૂળ સ્વરૂપોનું આચરણ સહેલું છે અને જનતાને આકર્ષે છે; પણ ખરી રીતે બાહ્ય રૂપમાં કંઈ જ નથી હોતું.

‘જેમ કરોળિયો પોતાની જાળ પોતામાંથી રચે છે અને પાછી પોતામાં ખેંચી લે છે, તેમ આ વિશ્વ ઈશ્વરમાંથી સર્જાય છે અને પાછું તેનામાં સમાઈ જાય છે.

મંગળવાર, તારીખ ૬ઠ્ઠી ઓગસ્ટ

‘હું’ ન હોય તો બહાર ‘તમે’ ન હોઈ શકો. એ ઉપરથી કેટલાક દાર્શનિકો એ નિર્ણય ઉપર આવ્યા કે જ્ઞાતા સિવાય બાહ્ય જગતનું અસ્તિત્વ જ નથી; ‘તમે’નું અસ્તિત્વ માત્ર ‘હું’ની અંદર જ છે. બીજાઓએ એવી દલીલ કરી છે કે ‘હું’ ને ‘તમે’ દ્વારા જ જાણી શકાય અને તેઓ પણ તેટલા જ તર્કયુક્ત છે. આ બંને વિચારો અર્ધ સત્ય છે; પ્રત્યેક એક ભાગમાં ખોટો છે અને એક ભાગમાં ખરો છે. શરીર જેટલું ભૌતિક અને પ્રકૃતિની અંદર છે, તેટલો જ વિચાર પણ ભૌતિક અને પ્રકૃતિની અંદર છે. જડ દ્રવ્ય અને મન બંને એક ત્રીજી એકતામાં રહે છે કે જે પોતે પોતાના જ જડ દ્રવ્ય અને મન એવા બે ભાગ કરે છે. આ એકતા એ છે આત્મા, સાચો આત્મા.

એક વસ્તુ છે ‘સત્’ યાને ‘क्ष’ કે મન અને જડ દ્રવ્ય એ બંને રૂપે પોતાને વ્યક્ત કરે છે. દૃશ્ય જગતમાં તેની ક્રિયાઓ જેને નિયમ કહેવામાં આવે છે તે અમુક નક્કી થયેલી પ્રણાલીઓ અનુસાર થતી હોય છે. એક તરીકે તે સ્વતંત્ર છે, અનેક તરીકે તે નિયમમાં બદ્ધ છે; આ બધાં બંધન હોવા છતાં મુક્તિનો વિચાર સદાય હાજર હોય છે, એ છે નિવૃત્તિ અથવા ‘આસક્તિમાંથી પાછું હઠવું.’ જે ભૌતિક શક્તિ તૃષ્ણા દ્વારા આપણને સંસારનાં કર્માેમાં પ્રવૃત્ત કરે છે, તે પ્રવૃત્તિ કહેવાય છે.

જે કર્મ આપણને જડ પદાર્થના બંધનમાંથી મુક્ત કરે છે તે નીતિમાન કર્મ છે અને જે આપણને જડ પદાર્થના બંધનમાં નાખે તે અનીતિમાન કર્મ છે. આ સંસાર આપણને અનંત ભાસે છે તેનું કારણ એ છે કે દરેક વસ્તુ વર્તુળાકારે છે; જ્યાંથી આવી હતી ત્યાં જ તે પાછી ફરે છે. વર્તુળ પાછું ત્યાં જ મળી જાય છે, તેથી અહીં કોઈ પણ સ્થળે શાંતિ કે આરામ નથી. આપણે વર્તુળમાંથી બહાર નીકળી જવું જોઈએ. પ્રાપ્ત કરવાનું ધ્યેય એકમાત્ર મુક્તિ જ છે…

***

અનિષ્ટ રૂપ બદલે છે, પણ મૂળ સ્વરૂપે એક જ રહે છે. પ્રાચીન કાળમાં બળનું રાજ્ય હતું, આજે ચાલાકીનું છે. ભારતમાં કંગાલિયત અમેરિકા જેટલી દુઃખદાયી નથી લાગતી કારણ કે અહીં અમેરિકામાં ગરીબ માણસ પોતાની ખરાબ સ્થિતિનો તફાવત વધુ મોટા રૂપે દેખે છે.

શુભ અને અશુભ એકબીજા સાથે ન છૂટે તેવી રીતે જોડાયેલાં છે; એક વગર અન્યને લઈ ન શકાય. આ વિશ્વમાં શક્તિનો એકંદર સરવાળો એક સરોવર જેવો છે; ઊંચો ઊઠતો દરેકેદરેક તરંગ સાથે સાથે એક ખાડો પણ ઉત્પન્ન કરતો હોય છે. એકંદર સરવાળો બધી રીતે એકસરખો જ રહે છે, એટલે કે એક માણસને સુખી બનાવવાનો અર્થ બીજાને દુઃખી બનાવવો એ છે. બાહ્ય સુખ ભૌતિક છે અને તેનો પુરવઠો ચોક્કસ પ્રમાણમાં જ છે; તેથી બીજા કોઈ પાસેથી તેટલું છીનવી લીધા સિવાય એક કણ પણ કોઈ મેળવી શકે નહિ. માત્ર ભૌતિક જગતથી પર રહેલું સુખ જ અન્યને નુકસાન કર્યા વિના મેળવી શકાય છે. ભૌતિક આનંદ કે સુખ તે માત્ર ભૌતિક શોક કે દુઃખનું રૂપાંતર માત્ર જ છે.

જે લોકો તરંગમાં જન્મ્યા છે અને તેને વળગી રહે છે, તેઓ પાછળનો ખાડો અને તેમાં શું છે તે જોઈ શકતા નથી. જગતને સારું અને વધારે સુખી બનાવી શકશો તેમ તમે કદી પણ નહિ માનતા. ઘાણીનો બળદ તેના મોં સામે બાંધી રાખેલ ઘાસના પૂળાને કદીય પહોંચી શકતો નથી; તે માત્ર તેલીબિયાં પીલીને તેલ કાઢે છે એટલું જ. તે પ્રમાણે આપણે પણ આપણને સર્વદા ભમાવી રહેલી સુખની ભૂતાવળ પાછળ દોડ્યા કરીએ છીએ, પણ આપણે માત્ર પ્રકૃતિની ઘાણી જ ચલાવીએ છીએ, પછી મરી જઈએ છીએ અને પાછા ફરીથી શરૂ કરીએ છીએ. જો આપણે અનિષ્ટને ટાળી શકીએ તો કંઈ પણ વધુ ઉચ્ચ વસ્તુની આપણે કદી ઝાંખી સરખી પણ ન કરી શકીએ; આપણે સંતોષ માની લઈશું અને મુક્ત થવા માટે કદી પ્રયત્ન નહિ કરીએ. જ્યારે મનુષ્યને ભાન થાય છે કે જડ પદાર્થમાં સુખની બધી શોધ નિરર્થક છે, ત્યારે ધર્મની શરૂઆત થાય છે. સઘળું માનવજ્ઞાન ધર્મનો એક ભાગ માત્ર છે.

માનવશરીરમાં સારા અને નરસાનું ત્રાજવું એટલું સમતોલ છે કે મનુષ્યને તે બંનેમાંથી પોતાની મુક્તિ સાધવાની ઇચ્છા કરવાની તક છે.

મુક્ત હોય તે કદીય બદ્ધ હોય નહિ; તેણે મુક્તિ કેવી રીતે મેળવી તે પ્રશ્ન જ તર્કયુક્ત નથી. જ્યાં બંધન નથી ત્યાં કાર્યકારણ પણ નથી. ‘સ્વપ્નમાં હું લોંકડી બન્યો અને કૂતરો મારી પાછળ પડ્યો.’ હવે હું એમ કેમ પૂછી શકું કે કૂતરો શા માટે મારી પાછળ પડ્યો? લોંકડી તે સ્વપ્નનો એક અંશ હતી અને કૂતરો સ્વાભાવિક નિયમ પ્રમાણે જ પાછળ પડ્યો; પણ બંને સ્વપ્નનાં જ છે અને સ્વપ્નથી બહાર તેમનું કોઈ અસ્તિત્વ નથી. વિજ્ઞાન અને ધર્મ એ બંને આપણને બંધનમાંથી બહાર લાવવા માટે સહાય કરનારા પ્રયત્નો છે; માત્ર ધર્મ વધારે પ્રાચીન છે અને આપણને એવો વહેમ છે કે તે વધારે પવિત્ર છે. એક રીતે તેમ છે પણ ખરું, કારણ કે નીતિને તે અતિશય આવશ્યક મુદ્દો બનાવે છે, જ્યારે વિજ્ઞાન તેવું કશું કરતું નથી.

‘પવિત્ર હૃદયવાળા ધન્ય છે, કારણ કે તેઓ ઈશ્વરને જોશે.’ જો બધા ગ્રંથો અને પયગંબરો ગુમ થઈ જાય તો પણ આ એક જ વાકય માનવજાતનો ઉદ્ધાર કરી શકે. હૃદયની આ પવિત્રતા ઈશ્વરનું દર્શન કરાવશે. વિશ્વના સમગ્ર સંગીતનો આ પ્રધાન વિષય છે. પવિત્રતામાં કોઈ બંધન નથી. પવિત્રતા વડે અજ્ઞાનનાં આવરણ દૂર કરો; પછી આપણે જેવા ખરેખર છીએ તેવા પ્રકટ થઈશું અને જાણીશું કે આપણે કદીય બંધનમાં હતા નહિ. અનેકને જોવું એ જ દુનિયાનું મહાન પાપ છે. સઘળાંને આત્મા તરીકે જુઓ અને બધાંને ચાહો; અલગતાનો સઘળો ખ્યાલ કાઢી નાખો…

***

જેમ એક ઘા કે ફોલ્લો મારા શરીરનો ભાગ છે, તેમ આસુરી માનવ પણ મારા શરીરનો જ ભાગ છે; આપણે તેની માવજત કરીને તેને સારોસાજો કરવાનો છે. તેથી એ આસુરી મનુષ્ય ‘સારો’ ના થાય અને ફરી એક વાર સુખી અને તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેની માવજત કરો અને મદદ કરો.

જ્યારે આપણે સાપેક્ષ ભૂમિકા પર વિચાર કરીએ છીએ ત્યારે આપણને એમ માનવાનો અધિકાર છે કે દેહ તરીકે આપણને સાપેક્ષ વસ્તુઓથી દુઃખ થાય, તેવી જ રીતે તેમનાથી આપણને સહાય પણ મળે. અતિશય સૂક્ષ્મ સ્વરૂપ પામેલા આ સહાયના વિચારને આપણે ઈશ્વર કહીએ છીએ. સહાયના સઘળા વિચારોનો એકંદરે સરવાળો ઈશ્વર છે.

જે બધું સારું, દયામય અને મદદરૂપ છે તેનું ભાવરૂપ મિશ્રણ ઈશ્વર છે; એકમાત્ર એ જ ખ્યાલ હોવો જોઈએ. આત્મા તરીકે આપણને શરીર નથી, તેથી એમ કહેવું કે ‘હું ઈશ્વર છું અને ઝેર મને નુકસાન નહીં કરે’ તે વાહિયાત વાત છે. જ્યાં સુધી આપણને શરીર છે અને આપણે તેને જોઈએ છીએ, ત્યાં સુધી આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યાે નથી. નદી અદૃશ્ય થયા પછી નાની ઘૂમરીઓ રહે ખરી? સહાય માટે આક્રંદ કરો એટલે તે મળશે; છેવટે તમને ભાન થશે કે સહાય માટે આક્રંદ કરનારો અદૃશ્ય થયો છે, તે જ પ્રમાણે સહાયક પણ અદૃશ્ય થયો છે અને ખેલ ખતમ થઈ ગયો છે. માત્ર આત્મા જ બાકી રહ્યો છે.

એક વખત આમ બન્યા પછી પાછા આવો અને તમારી મરજી પડે તેમ ખેલ કરો. પછી આ શરીર કંઈ જ અનિષ્ટ નહિ કરી શકે, કારણ કે જ્યાં સુધી અનિષ્ટ તત્ત્વો બળી ગયાં ન હોય ત્યાં સુધી મુક્તિ આવતી નથી. કચરો બધો બળી ગયો હોય છે અને પછી માત્ર ‘ઉષ્ણતા અને ધુમાડા વિનાની જ્વાળા’ જ રહે છે.

પૂર્વપ્રાપ્ત વેગ શરીરને ચલાવ્યા કરે છે, પણ તે માત્ર સારું જ કરી શકે, કારણ કે મુક્તિ આવી તે પહેલાં બધું ખરાબ નીકળી ગયું હોય છે. ક્રૂસ પરનો મરણને આધીન થતો ચોર પોતાનાં ગત કર્માેનાં ફળ ભોગવતો હતો. તે યોગી હતો અને લપસી પડ્યો હતો; પછી તેને ફરી જન્મ લેવો પડ્યો; ફરી તે લપસ્યો અને ચોર બન્યો; પરંતુ પૂર્વ જન્મમાં જે શુભ કર્મ તેણે કરેલું તેનું ફળ મળ્યું અને મુક્તિ મળી શકે તેવી પળ આવી ત્યારે તેને ઈશુનો ભેટો થયો અને તેના એક શબ્દથી તે મુક્ત બન્યો.

બુદ્ધે પોતાના મોટામાં મોટા શત્રુને મુક્તિ આપી કારણ કે બુદ્ધનો અસાધારણ ધિક્કાર કરવાને કારણે તે સતત બુદ્ધનો જ વિચાર કરતો હતો; એ વિચારે તેના મનને પવિત્ર બનાવ્યું અને તે મુક્તિ માટે યોગ્ય બન્યો. માટે બધો વખત ઈશ્વરનો જ વિચાર કરો; તે તમને પવિત્ર બનાવશે.

***

(આમ, અમારા પ્રિય ગુરુદેવના સુંદર ઉપદેશો પૂરા થયા. બીજે જ દિવસે સોમવારે તેઓ થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક છોડીને ન્યૂયોર્ક પાછા ફર્યા.)