મારું જીવન અને કાર્ય

(જાન્યુઆરી ૨૭, ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયાના પાસાડેના શહેરની શેક્સપિયર કલબમાં આપેલ વ્યાખ્યાન)

સજ્જનો અને સન્નારીઓ! આપણો આજ સવારનો વિષય વેદાંત દર્શન રાખવાનું વિચારવામાં આવ્યું હતું. વિષય પોતે જો કે રસ પડે એવો છે, પણ શુષ્ક અને ઘણો વિશાળ છે.

દરમિયાન તમારા પ્રમુખશ્રી અને અહીં ઉપસ્થિત રહેલા કેટલાક સજ્જનો અને સન્નારીઓ તરફથી મને કહેવામાં આવ્યું છે કે મારે મારા કાર્ય વિષે અને મારી પ્રવૃત્તિ વિષે તમને કંઈક કહેવું. અહીં હાજર રહેલા કેટલાકને એમાં રસ પડશે, પણ મને પોતાને એમાં એટલો રસ નહિ પડે. વાત એવી છે કે તે બધું તમારી પાસે કઈ રીતે રજૂ કરવું તે હું પોતે જ બહુ જાણતો નથી, કારણ કે એ વિષય પર બોલવાનો મારા જીવનમાં આ પહેલો જ પ્રસંગ છે.

મારી રીતે જે અલ્પ કાર્ય કરવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું તે સમજવા માટે હું તમને કલ્પનામાં ભારત લઈ જઈશ. વિષયમાં વિસ્તારથી ઊંડા ઊતરવાનો કે તેના સર્વ વિભાગો ઉપર વિચાર કરવાનો આપણી પાસે સમય નથી; અથવા આટલા ટૂંકા સમયમાં એક પરદેશી પ્રજાની જીવનની સઘળી આંટીઘૂંટીઓ સમજવી તમારે માટે શકય પણ નથી. એટલું કહેવું પૂરતું થશે કે ભારત શું છે તેનું નાનું એવું ચિત્ર રજૂ કરવાનો હું પ્રયત્ન કરીશ.

એક વિરાટ ઈમારત આખી તૂટી પડીને ખંડિયેર બની ગઈ હોય તેના જેવું ભારત છે. પ્રથમ દૃષ્ટિએ એથી બહુ જ થોડી આશા રહે છે; પ્રજા ભાંગી જઈને સાવ ખલાસ થઈ ગયેલી લાગે છે. પણ જરા ધીરજપૂર્વક અભ્યાસ કરશો તો તમને તેનાથી વધુ કંઈક જોવા મળશે. ખરી વાત એ છે કે બાહ્ય માનવ જે સિદ્ધાંત કે આદર્શને અભિવ્યક્ત કરે છે તે આદર્શને જ્યાં સુધી ઈજા ન પહોંચે કે તેનો નાશ ન થાય ત્યાં સુધી માનવી જીવે છે અને તે માનવી માટે હજુ આશા રહે છે. તમારો કોટ ભલે વીસ વખત ચોરાઈ જાય, પણ એથી તમારો નાશ થઈ જવાનું કંઈ જ કારણ નથી; તમે નવો કોટ ખરીદી શકો છો. કોટ એ અનાવશ્યક વસ્તુ છે. કોઈ એક શ્રીમંત માણસ લૂંટાઈ જાય એ હકીકતથી એની જીવનશક્તિને ઈજા પહોંચતી નથી, અગર તો એનો અર્થ એનું મૃત્યુ એવો પણ થતો નથી. એ માણસ જીવતો રહેવાનો જ છે.

આ સિદ્ધાંત પર ઊભા રહીને અંદર ડોકિયું કરીએ તો આપણને શું જોવા મળે છે? આપણને જણાશે કે ભારત હવે પહેલાંની પેઠે એક રાજકીય સત્તા રહી નથી; એ એક ગુલામ બનાવવામાં આવેલી પ્રજા છે. ભારતવાસીઓને તેમની પોતાની રાજવ્યવસ્થા અંગે બોલવાનો કોઈ જ અધિકાર નથી, કશો જ અવાજ નથી; એ લોકો ત્રીસ કરોડ ગુલામો છે. એથી વિશેષ કંઈ નહિ! ભારતમાં માણસની સરેરાશ આવક મહિને બે શિલિંગ (દોઢ રૂપિયો) છે; જનતાના અતિ વિશાળ સમૂહની સામાન્ય સ્થિતિ ભૂખમરાની છે. એટલે જો આવક એથીયે થોડીક ઘટી જાય તો લાખો માણસો મરણ શરણ થાય. એક સામાન્ય દુકાળ એટલે પણ મોત બને છે. તેથી ભારતની એ બાજુ પર નજર નાખું તો ત્યાં પણ મને વિનાશ જ દેખાય છે – ભયંકર વિનાશ.

પરંતુ આપણે જાણીએ છીએ કે ભારતીય પ્રજાએ સંપત્તિને કદી મહત્ત્વનું સ્થાન આપ્યું નથી. તેણે જો કે અઢળક સંપત્તિ એકઠી કરી હતી – કદાચ બીજી કોઈ પણ પ્રજાએ કદી પણ પ્રાપ્ત કરી હોય તે કરતાંય વિશેષ કરી હતી, છતાં પણ એ પ્રજાએ સંપત્તિને કદી મહત્ત્વનું સ્થાન આપ્યું નથી. યુગોના યુગો સુધી એ પ્રજા બળવાન હતી, છતાં આપણે જોઈએ છીએ કે પ્રજાએ સત્તાને કદી મહત્ત્વ આપ્યું નથી કે વિજય માટે કદી દેશોની બહાર પગલું ભર્યું નથી; પોતાની હદમાં જ એણે પૂરો સંતોષ માન્યો છે. તે લોકો કદી કોઈની સામે યુદ્ધે ચડ્યા નથી; ભારતીય પ્રજાએ કદી સામ્રાજ્યની સ્થાપનાને મહત્ત્વ આપ્યું નથી. ટૂંકમાં કહીએ તો સંપત્તિ અને સત્તા એ ભારતીય પ્રજાના આદર્શાે હતા જ નહિ.

ત્યારે? તેઓ સાચા હતા કે ખોટા, એ પ્રશ્નની આપણે ચર્ચા કરતા નથી. માનવનાં સર્વ સંતાનોમાં એ પ્રજાએ માન્યું છે અને અતિ પ્રમાણમાં માન્યું છે કે આ જીવન સત્ય નથી. સત્ય ઈશ્વર છે; અને સંજોગો ગમે તેવા હોય તો પણ તેમણે ઈશ્વરને વળગી રહેવું જોઈએ. તેઓની અવનતિમાં પણ ધર્મનું સ્થાન પ્રથમ હતું. હિંદુ પાણી પીએ ધર્મવિધિ પ્રમાણે, સૂએ ધર્મવિધિ અનુસાર, ચાલે ધર્મવિધિ કહે તે અનુસાર, પરણે ધર્મવિધિ પ્રમાણે, લૂંટફાટ કરે તે ય ધર્મને નામે! આવો દેશ તમે કદી જોયો છે? કોઈને જો એક લૂંટારાઓની ટોળી ઊભી કરવી હોય, તો નાયકે અમુક પ્રકારના ધર્મનો ઉપદેશ કરવો પડશે, ત્યાર પછી કોઈક બનાવટી ફિલસૂફી ઘડવી પડશે અને કહેવું પડશે કે એ પદ્ધતિ ઈશ્વર પ્રાપ્તિ માટેનો સીધામાં સીધો અને વધુમાં વધુ ઝડપી માર્ગ છે. ત્યાર પછી તેને અનુયાયીઓ મળે; તે સિવાય નહિ. એ દર્શાવે છે કે પ્રજાની જીવનશક્તિ, પ્રજાનું જીવનકાર્ય ધર્મ છે; અને તેને જરા પણ સ્પર્શ કરવામાં નથી આવ્યો એ કારણે એ પ્રજા જીવે છે.

રોમનો વિચાર કરો. રોમનું ધ્યેય હતું સાર્વભૌમ સત્તા અને વિસ્તાર. જે ઘડીએ તેને હાથ અડ્યો કે તરત જ રોમના ટુકડે ટુકડા થઈ ગયા, તેનો નાશ થઈ ગયો. ગ્રીસનું જીવનકાર્ય હતું બુદ્ધિવૈભવ. જે ઘડીએ તેને સ્પર્શ થયો કે તરત જ ગ્રીસના ભુક્કા નીકળી ગયા. તેવી જ રીતે આધુનિક કાળમાં સ્પેન અને આ બધા અત્યારના દેશોનું પણ છે. પ્રત્યેક પ્રજાનું જગતમાં એક જીવનકાર્ય હોય છે. જ્યાં સુધી એ જીવનકાર્યને ઈજા પહોંચતી નથી, ત્યાં સુધી દરેક પ્રકારની મુશ્કેલીઓ આવવા છતાં તે પ્રજા જીવતી રહે છે. પરંતુ જે ઘડીએ તેના જીવનકાર્યનો મૃત્યુઘંટ વાગે છે કે તરત એ પ્રજા મરે છે.

હવે ભારતની એ જીવનશક્તિને હજુ સ્પર્શવામાં આવી નથી. તે લોકોએ તેનો ત્યાગ કર્યાે નથી, એટલે તેમના સઘળા વહેમો હોવા છતાં હજુ પણ તે સબળ છે. ભયંકર વહેમો છે, કેટલાક તો કમકમાં ઉપજાવે એવા છે, પણ એનો વાંધો નહિ. પ્રજાનું જીવનઝરણું, પ્રજાનું જીવનકાર્ય હજુ સાબૂત છે.

ભારતીય પ્રજા કદી પણ પ્રબળ વિજિગીષુ – વિજયો કરવાની લાલસાવાળી પ્રજા થવાની નથી, કદી જ નહિ. તે મહાન રાજનીતિ કુશળ થવાની નથી; એ એનું કાર્ય જ નથી, પ્રજાઓની મહાન સ્વર મંડળીના ભારતે પુરાવવાના એ સૂર નથી. પણ ત્યારે તેણે પાઠ શો ભજવવાનો છે? એને તો ઈશ્વર અને કેવળ ઈશ્વર જ છે. મડાગાંઠની માફક તેને એ વળગી રહી છે અને એટલે હજી ત્યાં આશા છે.

એટલે પછી પૃથક્કરણને અંતે એવા નિર્ણય ઉપર અવાય છે કે આ બધી બાબતોની, આ બધી ગરીબી અને દુઃખોની કશી વિસાત નથી; એનું મનુષ્યત્વ હજુ જીવંત છે અને તેથી આશા પણ છે.

વારુ, ભારતમાં આખા દેશમાં તમે ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરતી જોશો. મને એવું એકે વરસ યાદ આવતું નથી કે જ્યારે ભારતમાં થોડાએક નવા સંપ્રદાય ઊભા ન થયા હોય. પ્રવાહ જેટલો પ્રબળ તેટલાં વમળો અને ભમરીઓ વધારે. સંપ્રદાયો નાશની નિશાનીઓ નથી, એ તો જીવંતપણાનું ચિહ્ન છે. સંપ્રદાયો ભલે વધ્યે જાય; એટલે સુધી કે એક એવો સમય આવે કે જ્યારે અમારા પૈકી દરેકે દરેક વ્યક્તિ એક એક સંપ્રદાય બની જઈએ. એ માટે આપણે તકરાર કરવાની જરૂર નથી.

હવે તમારા દેશનો વિચાર કરીએ. યાદ રાખજો કે મારો ઈરાદો અહીં કોઈ જાતની ટીકા કરવાનો નથી. અહીં તમારે ત્યાં સામાજિક રિવાજો, રાજકીય બંધારણ, દરેકે દરેક બાબત માનવીનો આ જીવનમાંનો પ્રવાહ સરળ બનાવવા સારુ યોજાયેલ છે. આ પૃથ્વી પર તે જીવે ત્યાં સુધી તેણે ખૂબ સુખેથી જીવવું જોઈએ. તમારા રસ્તા જુઓ; કેવા સ્વચ્છ છે! તમારાં નગરો જુઓ; કેવાં સુંદર છે! અને કેટકેટલી વિવિધ રીતે માનવી પૈસો પેદા કરી શકે છે! આ જીવનમાં આનંદ મેળવવાના કેટલા બધા રસ્તા છે! પણ જો કોઈ માણસ અહીં તમારે ત્યાં કહે કે ‘જુઓ હું આ ઝાડ નીચે બેસીને ધ્યાન ધર્યા કરવાનો છું, મારે કામ કરવું નથી.’ તો? તો એને જેલ ભેગા જ થવું પડે, બીજું શું? જોયું ને? એને માટે બીજો કોઈ ઉપાય જ નહિ; એક પણ નહિ. માણસ જો સૌની જેવો થઈને રહે તો જ તે આ સમાજમાં જીવી શકે. આ જીવનમાં સારી વસ્તુના ઉપભોગ માટેની આ દોડાદોડીમાં તેણે સામેલ થવું જ પડે, નહિતર તે ફેંકાઈ જાય – મરી જાય.

હવે ફરી પાછા ભારત તરફ વળીએ. ત્યાં જો કોઈ માણસ એમ કહે કે ‘હું જઈને પેલા પર્વતની ટોચ ઉપર બેસી જઈશ અને મારું બાકીનું બધું જીવન નાકના ટેરવા સામે તાકી રહેવામાં ગાળીશ.’ તો પ્રત્યેક વ્યક્તિ કહેશે કે ‘ભાઈ! ખુશીથી જા, ભગવાન તને બળ આપે!’ એને એક પણ અક્ષર બોલવાની જરૂર નહિ પડે અને અંગ ઢાંકવા માટે નાનકડી લુંગી કોઈક લાવી આપશે, તો પણ તેને એથી સંતોષ થવાનો છે. પણ જો કોઈ માણસ એમ કહે કે ‘ભાઈઓ! મારે આ જીવનમાં થોડીક મોજ મજા માણી લેવી છે.’ તો તેને માટે દરેક દ્વાર બંધ થઈ જવાનાં.

મારું કહેવું એમ છે કે બંને દેશના વિચારો યોગ્ય નથી. અહીં આ દેશમાં જો કોઈ માણસને ગમતું હોય તો શા માટે તેણે એક સ્થળે બેસી જઈને પોતાના નાકના ટેરવા તરફ ન જોવું? એનું કશું કારણ મને જડતું નથી. બહુમતી જેમ કરે તે જ પ્રમાણે અહીં દરેકે શા માટે કરવું જોઈએ? મને તો એનું એકેય કારણ જડતું નથી.

અથવા ભારતમાં કોઈ માણસ આ જિંદગીની મજા શા માટે ન માણે કે પૈસા ભેગા ન કરી શકે તેનુંય કારણ મને સમજાતું નથી. પરંતુ તમે જુઓ છો કે કરોડો માણસોને વિરોધી દૃષ્ટિબિન્દુ ત્રાસપૂર્વક, બળજબરીથી અનેક રીતે સ્વીકારવું પડે છે. આ છે દૃષ્ટાઓનો જુલમ, આ છે મહાન પુરુષોનો જુલમ,આ છે આધ્યાત્મિક લોકોનો જુલમ, બુદ્ધિમંતોનો જુલમ, જ્ઞાનીઓનો જુલમ અને ધ્યાન રાખજો કે જ્ઞાનીઓનો અત્યાચાર અજ્ઞાનીઓના અત્યાચાર કરતાં અત્યંત પ્રબળ હોય છે. જ્ઞાનીઓ અને બુદ્ધિશાળીઓ જ્યારે બીજા ઉપર પોતાની માન્યતાઓ ઠોકી બેસાડવાનું ઠરાવે છે, ત્યારે એવા લાખો માર્ગે વિઘ્ન અને બંધનો ઊભાં કરવાનું તેઓ જાણે છે કે જેને તોડવાનું અજ્ઞાનીઓની શક્તિની બહારનું થઈ પડે છે.

એટલે, મારે કહેવાનું એ છે કે આ વસ્તુ અટકવી જોઈએ. એક આધ્યાત્મિક વિરાટ ઉત્પન્ન કરવા સારુ લાખો અને કરોડો માણસનો ભોગ આપવાનો કશો અર્થ નથી. જે સમાજમાં જેમ આધ્યાત્મિક પ્રતિભા સંપન્ન વ્યક્તિ પણ ઉત્પન્ન થાય, તેમ સાથે સાથે બાકીના તમામ લોકો પણ સુખી હોય, તેવો સમાજ રચવાનું જો શકય હોય તો તે સારું છે; પણ જો એ માટે લાખોને કચડાવું પડે તો તે ખોટું છે. જગતની મુક્તિ માટે એક મહાપુરુષ દુઃખ વેઠે એ વધારે સારું છે.

દરેક પ્રજામાં તેમની રીત પ્રમાણે તમારે કામ કરવું પડે. દરેક માણસ સાથે તેની પોતાની ભાષામાં તમારે બોલવું પડે. હવે જો ઇંગ્લેન્ડ કે અમેરિકામાં તમારે ધર્મનો ઉપદેશ આપવો હોય તો તમારે રાજકારણી પદ્ધતિ અખત્યાર કરવી પડે – એટલે કે મતદાન, ગુપ્તમત, પ્રમુખ, સંસ્થાઓ અને મંડળોની સ્થાપના ઇત્યાદિ દ્વારા કામ લેવું પડે, કારણ કે પશ્ચિમની પ્રજાની એ પરિભાષા છે, એ એમની રીત છે. બીજી બાજુ ભારતમાં તમારે રાજકારણ વિષે જો બોલવું હોય તો તમારે ધર્મની પરિભાષામાં જ બોલવું જોઈએ. તમારે તેમને કંઈક આવી રીતે કહેવું પડેઃ ‘જે માણસ પોતાનું ઘર દરરોજ સવારે સાફસૂફ કરશે તેને આવું પુણ્ય થશે અને તે અમુક સ્વર્ગે જશે અથવા તે ઈશ્વરની પાસે જશે.’ જો તમે વાતને આવા પ્રકારે ન મૂકો તો તેઓ તમારું સાંભળશે નહિ. એ છે પરિભાષાનો પ્રશ્ન. વસ્તુ તો એની એ જ થાય છે; પરંતુ પ્રત્યેક પ્રજામાં તેના હૃદય સુધી પહોંચવા માટે તમારે તેની પરિભાષામાં બોલવું જોઈએ અને આ તદ્દન વાજબી છે, આપણે તેથી ચિડાવાની જરૂર નથી.

હું જે સંપ્રદાયનો છું તેને સંન્યાસી સંપ્રદાય કહેવામાં આવે છે. સંન્યાસી શબ્દનો અર્થ છે ‘જેણે સર્વસ્વનો ત્યાગ કર્યાે છે એવો માનવી.’ આ અતિશય પ્રાચીન સંપ્રદાય છે. ક્રાઈસ્ટની પૂર્વે ૫૬૦ વર્ષ પહેલાં થઈ ગયેલા બુદ્ધ પણ આ સંપ્રદાયના હતા. તેઓ આ પંથના સુધારકોમાંના એક હતા; બસ, એટલું જ. એટલો બધો પ્રાચીન આ સંપ્રદાય છે! જગતના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ વેદમાં પણ એનો ઉલ્લેખ મળી આવે છે. પ્રાચીન ભારતમાં એવો નિયમ હતો કે પ્રત્યેક સ્ત્રી કે પુરુષ પોતાના જીવનનાં અંતિમ વર્ષાેમાં સામાજિક જીવનનો સંપૂર્ણપણે ત્યાગ કરે અને પોતાની મુક્તિ તથા ઈશ્વર સિવાય બીજો કોઈ વિચાર ન કરે. આ બધું પેલા મહાન પ્રસંગ મૃત્યુ માટેની પૂર્વતૈયારીરૂપ હતું. તેથી એ પ્રાચીન કાળમાં વૃદ્ધો સંન્યાસી થઈ જતા; પાછળથી યુવાનોએ પણ સંસાર ત્યાગ કરવાનું શરૂ કર્યું. વળી યુવાનો તો ક્રિયાશીલ હોય. તેઓ એક વૃક્ષ નીચે બધો વખત બેસી રહીને પોતાના મૃત્યુનો જ વિચાર કર્યા કરી શકે નહિ; તેથી તેમણે ઉપદેશ આપવાનું અને પંથો સ્થાપવાનું વગેરે શરૂ કર્યું. આ રીતે બુદ્ધે પણ, પોતે જુવાન હોવાથી, એમણે મોટો સુધારો શરૂ કર્યાે. એ જો વૃદ્ધ હોત તો પોતાના નાકના ટેરવા ભણી દૃષ્ટિ રાખીને શાંતિથી મૃત્યુને ભેટયા હોત.

આ સંન્યાસી સંપ્રદાય એ કોઈ ધર્મપંથ નથી અને આ સંપ્રદાયમાં દાખલ થનારાઓ કોઈ પુરોહિતો નથી. પુરોહિતો અને સંન્યાસીઓ વચ્ચે સંપૂર્ણ તફાવત છે. ભારતમાં સામાજિક જીવનના બીજા દરેક ધંધાની પેઠે પુરોહિતપણું પણ વંશ પરંપરાનો એક ધંધો છે. જેમ સુતારનો દીકરો સુતાર થાય કે લુહારનો દીકરો લુહાર થાય, તેમ પુરોહિતનો દીકરો પુરોહિત જ બને. પુરોહિત હંમેશાં પરિણીત હોવો જ જોઈએ. પત્ની ન હોય ત્યાં સુધી મનુષ્ય પૂર્ણ હોય એમ હિંદુ માનતો નથી. અપરિણીત માણસને ધાર્મિક વિધિ કરવાનો અધિકાર હોતો નથી.

સંન્યાસીઓ સંપત્તિ આદિનો પરિગ્રહ રાખતા નથી, તેમ તેઓ લગ્ન કરતા નથી. તેમને કોઈ સંસ્થાનું બંધન હોતું નથી. જો કોઈ બંધન હોય તો એકમાત્ર બંધન, ગુરુ અને શિષ્ય વચ્ચેનું હોય; અને ભારતની એ વિશિષ્ટતા છે. ગુરુ એ કેવળ મને ભણાવવા આવનાર વ્યક્તિ માત્ર નથી કે એને હું અમુક પૈસા આપું એટલે પતી જાય. ભારતમાં એ સંબંધ ખરેખર એક દત્તક વિધાન જેવો છે. મારા પિતા કરતાંય મારા ગુરુ મારે મન વિશેષ છે; દરેક રીતે હું તેમનો સાચેસાચ બાળક છું, તેમનો પુત્ર છું. મારા પિતાની આજ્ઞા માનું અને તેમને માન આપું તે પહેલાં મારે મારા ગરુની આજ્ઞા માનવી જોઈએ અને તેમને માન આપવું જોઈએ, કારણ કે એમ કહેવાય છે કે પિતાએ તો મને આ દેહ જ આપ્યો, પરંતુ ગુરુએ તો મને મુક્તિનો માર્ગ દર્શાવ્યો છે; તેથી પિતા કરતાં ગુરુ મહાન છે અને અમે અમારા ગુરુ માટે જીવનભર આ પ્રેમ, આ માન, નિભાવીએ છીએ. સંસ્થા જેવું કંઈ અસ્તિત્વ ધરાવતું હોય તો તે આ વ્યવસ્થા છે. હું મારા પોતાના શિષ્યો પણ બનાવું. કેટલીક વાર તો ગુરુ યુવાન હોય અને શિષ્ય ઘણો વૃદ્ધ હોય; પણ એમાં કાંઈ વાંધો નહીં. એ વૃદ્ધ શિષ્ય પુત્ર સ્થાને છે; ગુરુને એ ‘પિતા’ કહે અને ગુરુ તેને મારા ‘વત્સ’ – ઇત્યાદિ કહીને સંબોધે.

હવે, મને જ્ઞાન આપનાર એક વૃદ્ધ પુરુષ મળ્યા. એ ઘણા વિલક્ષણ હતા. બુદ્ધિની વિદ્વત્તામાં તેમની મજલ લાંબી નહોતી; પુસ્તકોનો પરિચય તેમને ભાગ્યે જ હતો. પરંતુ સાવ નાની વયમાંથી જ સત્યનો પ્રત્યક્ષ અનુભવ કરવાની પ્રબળ ઇચ્છાએ તેમની મજબૂત પકડ લીધી. પ્રથમ તેમણે પોતાના ધર્મના અભ્યાસથી શરૂઆત કરી. ત્યાર પછી એમને વિચાર આવ્યો કે બીજા ધર્માેનું સત્ય પણ પોતે પ્રાપ્ત કરવું જોઈએ; અને એ વિચારથી તેઓ એક પછી એક અનેક સંપ્રદાયોમાં જોડાયા. તેઓ સંપ્રદાયમાં રહેતા તેટલા પૂરતું, તે સંપ્રદાયના રિવાજ પ્રમાણે તેમને જે જે કરવાનું કહેવામાં આવતું તે બધું તેઓ બરાબર પાળતા. જ્યાં સુધી પોતે એ સંપ્રદાયની વિશિષ્ટ ભાવનાની સાથે એકરૂપ થઈ ન જાય ત્યાં સુધી વારાફરતી આ વિવિધ સંપ્રદાયોના સાધકો સાથે રહેતા. પણ થોડાં વરસો પછી વળી બીજા સંપ્રદાયમાં જતા. એ રીતે જ્યારે તેમણે એ બધાનો અનુભવ પૂરેપૂરો લઈ લીધો, ત્યારે પોતે એવા નિર્ણય પર આવ્યા કે આ બધા જ સારા છે. કોઈ પણ સંપ્રદાય વિષે ટીકા કરવા જેવું તેમને હતું જ નહીં, કારણ કે એ બધા એક જ ધ્યેયે દોરી જતા ભિન્ન – ભિન્ન માર્ગાે હતા અને પછી તેમણે જાહેર કર્યુંઃ ‘આટલા બધા માર્ગાે છે એ ગૌરવની બાબત છે; કારણ કે માત્ર એક જ માર્ગ હોય તો કદાચ એક જ વ્યક્તિને અનુકૂળ થાય. એટલે માર્ગાેની સંખ્યા જેટલી વધારે તેટલી આપણને દરેકને સત્ય જાણવાની તક વધુ. મને જો એક ભાષામાં ઉપદેશ ન આપી શકાય તો હું બીજી ભાષામાં પ્રયત્ન કરું, વગેરે.’ આમ પ્રત્યેક ધર્મ પ્રત્યે એમની શુભભાવના હતી.

હવે હું જે જે વિચારોનો પ્રચાર કરું છું તે બધા માત્ર તેમના વિચારોનો પડઘો પાડવાનો જ પ્રયાસ છે. અનિષ્ટ વિચારો, કિંવા હું જે કાંઈ ખોટું અને અનિષ્ટ કહું, તે સિવાયનું મૌલિક મારું કંઈ જ નથી. પરંતુ મારે મોંથી નીકળેલો સાચો અને સારો શબ્દમાત્ર તેમના શબ્દોનો પડઘો પાડવાનો એક નમ્ર પ્રયાસ જ છે. તમે પ્રોફેસર મેકસમૂલરનું લખેલું તેમનું જીવનચરિત્ર વાંચી જજો.

વારુ, ત્યાં એમને ચરણે બેસીને બીજા કેટલાક યુવકોની સાથે આ વિચારો મેં ગ્રહણ કર્યા. એ વખતે હું તો હજી માત્ર કિશોર જ હતો. આશરે સોળ વર્ષનો હતો ત્યારે હું ત્યાં ગયો. બીજા કેટલાક તો હજી એથીયે નાના હતા, કેટલાક જરા મોટા હતા; અમે લગભગ દસ બાર જણ કે કંઈક વધારે હોઈશું. અમે સાથે મળીને વિચાર કર્યાે કે આદર્શનો પ્રચાર કરવો જ જોઈએ; માત્ર પ્રચાર જ નહીં પરંતુ એ આદર્શ આચરણમાં પણ ઉતારી શકાય એવો છે એ પણ દર્શાવવું જોઈએ. એટલે કે અમારે અમારા આચરણ દ્વારા હિંદુઓની આધ્યાત્મિકતા, બૌદ્ધોની કરુણા, ખ્રિસ્તીઓની ક્રિયાશીલતા, મુસલમાનોનો ભાઈચારોઃ એ બધાં પ્રત્યક્ષ દર્શાવવાં જોઈએ. અમે કહ્યુંઃ ‘આપણે આ વિશ્વધર્મનો આરંભ અત્યારે અને અહીં જ કરીએ; આપણે સમય ખોવાનો નથી, આપણે રાહ જોવી નથી.’

અમારા ગુરુ વૃદ્ધ હતા. તેઓ પોતાના હાથથી કદી ધનને સ્પર્શ કરી શકતા નહીં. એમને જે આપવામાં આવતો તે થોડોક ખોરાક માત્ર સ્વીકારતા, થોડાંએક સુતરાઉ કપડાં ગ્રહણ કરતા; વધારે કંઈ નહીં. બીજી કોઈ વસ્તુનું દાન તે લેતા જ નહીં. આવા બધા અદ્ભુત વિચારો હોવા છતાં એ ઘણા જ સંયમી હતા, કારણ કે તેથી તે સ્વતંત્ર રહી શકતા. ભારતમાં સાધુ એક દિવસ રાજા-મહારાજાનો મહેમાન હોય અને તેની સાથે ભોજન લે, તો બીજે દિવસ તે ભિખારીની સાથે હોય અને વૃક્ષ નીચે સૂઈ રહે. તેણે દરેકેદરેકના સંપર્કમાં આવવું જોઈએ અને સદા ફરતા રહેવું જોઈએ. કહેવત છે કે પથરો દડ્યા કરતો હોય તો શેવાળ ન બાઝે. મારા જીવનનાં છેલ્લાં ચૌદ વર્ષાે દરમિયાન કોઈ પણ એક જગાએ હું એકી સાથે પૂરા ત્રણ મહિના કદી રહ્યો નથી; સતત ફરતો જ રહ્યો છું. અમે સંન્યાસીઓ સદા આમ જ કરીએ છીએ.

વારુ, ઉપર કહ્યું તેમ અમે થોડાએક મુઠ્ઠીભર યુવાનો આ વિચારોને અને એ વિચારોમાંથી આવેલાં તમામ વહેવારુ પરિણામોને વળગી રહ્યા. વિશ્વધર્મ, ગરીબો પ્રત્યે પૂરી સહાનુભૂતિ, વગેરે સિદ્ધાંતોમાં ઘણાં જ સારાં છે; માત્ર માણસે તેને આચરણમાં મૂકવાં જોઈએ.

પછી અમારા વૃદ્ધ ગુરુદેવના દેહત્યાગનો કરુણ દિવસ આવી પહોંચ્યો. તે પહેલાં અમારાથી બને તેટલી તેમની ઉત્તમ સારવાર અમે કરી. અમારે કોઈ મિત્રો ન હતા. ધૂની ખ્યાલવાળા થોડાએક છોકરાઓનું કોણ સાંભળે? કોઈ નહીં. કાંઈ નહીં તો ભારતમાં તો યુવાનોની કંઈ ગણતરી જ નથી. જરા વિચાર કરો કે દસ બાર યુવાનો લોકોની પાસે મોટા મોટા વિચારો રજૂ કરે અને પોતાના જીવનમાં એ બધા વિચારોનો અમલ કરવાનો નિશ્ચય છે એમ કહે, તો શું પરિણામ આવે? સાંભળનારો દરેકેદરેક જણ અમને હસી કાઢતો. પરંતુ હસવામાંથી એણે વધુ ગંભીર સ્વરૂપ પકડ્યું; જુલમ કરવાનું બન્યું. અરે, છોકરાઓનાં માબાપોના મનમાં તો અમને દરેકને તમાચા મારી દેવાની વૃત્તિ થઈ આવેલી! પણ જેમ જેમ અમારી વધુ હાંસી થતી ગઈ, તેમ તેમ અમે વધુ મક્કમ બનતા ગયા.

ત્યાર બાદ એક ભયંકર સમય આવી ગયો – અંગત રીતે મારે માટે અને સાથોસાથ બધા છોકરાઓ માટે પણ. પરંતુ મારે માથે તો દુર્ભાગ્ય જ તૂટી પડ્યું! એ અરસામાં જ મારા પિતાએ સ્વર્ગવાસ કર્યાે એટલે મારા ઘરમાં અમે સૌ નિરાધાર બન્યા; એટલા બધા ગરીબ થઈ ગયા કે ભૂખે મરવાનો વખત આવી લાગ્યો. એક બાજુ મારી દુઃખી માતા તથા મારા નાના ભાઈઓ હતા, કુટુંબની આશારૂપ એકમાત્ર હું જ હતો. હું એકલો જ તેમને કંઈ મદદ કરી શકું તેમ હતું. મારે મારી બે દુનિયા વચ્ચે ઊભા રહેવાનું હતું. એક બાજુ મારી માતા અને ભાઈઓને ભૂખે મરતા જોવાના હતા, બીજી બાજુ હું માનતો હતો કે આ પુરુષના – એટલે કે મારા ગુરુના – વિચારો ભારતના અને વિશ્વના કલ્યાણ માટેના હતા, એટલે તેમનો પ્રચાર થવો જ જોઈએ અને મારે તે અમલમાં મૂકવા જ જોઈએ. તેથી દિવસોના દિવસો સુધી, મહિનાના મહિના સુધી મારા મનમાં આ સંગ્રામ ચાલ્યા જ કર્યાે. કેટલીક વાર તો હું પાંચ – પાંચ, છ – છ દિવસો સુધી રાત – દિવસ એકધારો અખંડ રીતે સાધના કરતો. ઓહ! એ દિવસની વેદનાની શી વાત કરવી! હું તો જાણે નરકાગ્નિમાં જ વસતો હતો. મારા બાળહૃદયનો સ્વાભાવિક સ્નેહ મારા કુટુંબ તરફ ખેંચી રહ્યો હતો; મારા આપ્તજનોને દુઃખી થતા હું જોઈ શકતો નહીં. બીજી બાજુ મારા વિચારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ જ ન હતું. એક છોકરાના ખ્યાલો પ્રત્યે કોણ સહાનુભૂતિ દાખવે અને તેય પાછા એવા ખ્યાલો કે જે બીજાને આટલી બધી પીડાના કારણરૂપ હોય? કોણ મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે? કોઈએ નહોતી દર્શાવી – ફક્ત એક વ્યક્તિ સિવાય કોઈએ નહીં.

પણ એ એક વ્યક્તિની સહાનુભૂતિ મને આશીર્વાદરૂપ અને આશાપ્રદ નીવડી. એ વ્યક્તિ એક સ્ત્રી હતી. અમારા ગુરુ, એ મહાન સાધુ, બહુ નાની ઉંમરમાં તેને પરણ્યા હતા; તેમની એ પત્ની પણ માત્ર છોકરી જ હતી. મારા ગુરુ જ્યારે યુવાન થયા અને આ બધો આધ્યાત્મિક સાધનાઓનો ઉત્સાહ તેમનામાં પુરજોશમાં કાર્ય કરી રહ્યો હતો, ત્યારે તે સ્ત્રી તેમને મળવા આવી. તેમને પરણ્યાં તો ઘણો વખત થયો હતો, પરંતુ ઉંમરલાયક થયાં ત્યાં સુધી તેઓ એકબીજાને ખાસ મળ્યાં ન હતાં. પત્ની આવી એટલે તેમણે એને કહ્યુંઃ ‘જો, હું તારો પતિ છું; તારો આ દેહ પર અધિકાર છે. પરંતુ તને પરણ્યો હોવા છતાં હું દેહ-સંબંધવાળું જીવન જીવી શકું એમ નથી. નિર્ણય કરવાનું હું તારા પર છોડું છું.’ એ સાંભળીને પત્નીથી રડી જવાયું; તે બોલીઃ ‘ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે! ભગવાન તમારું કલ્યાણ કરે! શું હું તમને નીચે પાડનારી સ્ત્રી બનું? ઊલટું મારાથી બનશે તેટલી હું તમને સહાયક થઈશ. તમે તમારા કાર્યમાં આગળ વધો.’

આવી હતી એ નારી. પતિએ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું અને તે પોતાની રીતે સાધુ થયો; પત્ની પણ જરા દૂર રહીને પોતાથી બને તેટલી સહાય કરતી રહી. પાછળથી આ મહાપુરુષ જ્યારે મહાન આધ્યાત્મિક વિભૂતિ થયા ત્યારે તે આવી; તે સાચેસાચી રીતે પ્રથમ શિષ્યા બની અને પોતાનું બાકીનું જીવન તેણે આ મહાપુરુષના દેહની સંભાળ રાખવામાં ગાળ્યું. તે વિભૂતિને પોતાને તો પોતે જીવે છે કે નહીં તેની પણ ખબર રહેતી નહીં. કેટલીક વાર તો ઈશ્વર વિષે વાતો કરતાં કરતાં તેઓ એટલા બધા ભાવમગ્ન થઈ જતા કે સળગતા કોલસા પર બેઠા હોય તો પણ તેમને તેની ખબર પડતી નહીં. વિચાર કરો, સળગતા કોલસા! એટલા બધા એ આખો સમય સંપૂર્ણ દેહભાનરહિત રહેતા!

વારુ, એ યુવાનોના વિચારો પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર એકમાત્ર વ્યક્તિ, એ નારી, એ મહાપુરુષની પત્ની હતી. પરંતુ તે નિરુપાય હતી. એ વળી અમારા કરતાંય વધુ ગરીબ હતી. કંઈ વાંધો નહીં. અમે તો આંધળિયાં કર્યાં. મને મારા જીવવા અંગેની જેટલી ખાતરી હતી તેટલી જ ખાતરી આ વિચારો ભારતને જ્ઞાનસંપન્ન બનાવશે અને ઘણા દેશો અને પરદેશી પ્રજાઓ માટે સારા દિવસો લાવશે એની હતી. આ માન્યતાની સાથોસાથ એવો અનુભવ થયો કે આવા મહાન વિચારોનો જગત પરથી નાશ થઈ જાય તેના કરતાં થોડીક વ્યક્તિઓને સહન કરવું પડે તો પણ ભલે! તે વધુ સારું છે. એક માતા કે બે ભાઈઓનાં જીવન વિસર્જન થઈ જાય તો ય શું? એ એક બલિદાન છે; ભલે એમ થાય! બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય થઈ શકતું નથી. હૃદયને ભેદી નાખવું જોઈએ અને લોહી

નીંગળતા હૃદયને વેદી પર મૂકવું જોઈએ. મહાન કાર્યાે ત્યારે થાય છે. શું બીજો કોઈ માર્ગ છે? કોઈનેય એ મળ્યો નથી. જેમણે જેમણે કોઈ પણ મહાન બાબતની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમને દરેકને, તમારામાંના એકેએકને હું પૂછું છુંઃ અરે, તેનું કેટલું મૂલ્ય ચૂકવવું પડે છે! કેવી વેદના! કેવો ત્રાસ! દરેકના જીવનની અંદર, પ્રત્યેક સફળ કાર્યની પાછળ, કેવું ભયંકર દુઃખ હોય છે! તમે સૌ એ જાણો છો.

અને આ પ્રમાણે અમારી યુવાનોની એ મંડળીએ આગળ ધપાવ્યું. અમારી આસપાસના લોકો તરફથી અમને માત્ર એક જ વસ્તુ મળી – લાતો અને ઉપર ગાળો; બસ એટલું જ! બેશક, અમારે અમારા ભોજન માટે ભિક્ષા માગવી પડતી. માગવા જતાં અમને જાકારા અને ધુતકાર મળતા; દરેક વસ્તુનો ખરાબ ભાગ એટલે કે અહીં તહીંથી રોટલાના ટુકડા મળતા! એક જૂનું અર્ધું ખંડિયેર ઘર અમને મળી આવ્યું; ભોંયની અંદર ફૂંફાડા મારતા નાગ રહેતા. પણ સસ્તામાં સસ્તા ભાડાનું મકાન એ જ હતું. એટલે એ ઘરમાં જઈને અમે રહેવા લાગ્યા.

આ પ્રમાણે થોડાંએક વરસો સુધી ચલાવ્યું. દરમિયાનમાં ભારતમાં પ્રવાસ કરી કરીને ચારે બાજુએ ધીરે ધીરે અમે એ વિચારોને પાર પાડવાનો પ્રયત્ન કરતા હતા. પ્રકાશના એક પણ કિરણ વિના દસ વર્ષ કાઢી નાખ્યાં! દસ વરસ! હજારો વખત નિરાશા આવી; પરંતુ એક વસ્તુ અમને સદા આશાભર્યાં રાખતી; અમારો એકબીજા પ્રત્યેનો જબરજસ્ત વિશ્વાસ અને શ્રદ્ધા, અમારી વચ્ચેનો અનન્ય પ્રેમ! આજે મારી આસપાસ એકસો નરનારીઓ એવાં છે કે જો હું આવતી કાલે સાક્ષાત્ રાક્ષસ બની જાઉં તો પણ તેઓ કહેશેઃ ‘અમે હજુ તમારી પડખે જ છીએ! અમે કદી તમને છોડવાનાં નથી!’ એ એક મોટો આશીર્વાદ છે. સુખમાં, દુઃખમાં, કષ્ટમાં, દુકાળમાં, વેદનામાં, સ્મશાનમાં, સ્વર્ગમાં કે નરકમાં જે ત્યાગ કરતો નથી તે જ મારો મિત્ર છે. આવી મૈત્રી શું રમત વાત છે? આવી મૈત્રી દ્વારા તો માણસને મોક્ષ મળે. જો આપણે આવો પ્રેમ રાખી શકીએ તેથી તો મોક્ષ મળે. આપણામાં પરસ્પર પ્રત્યેની એ શ્રદ્ધા હોય તો? અરે, તમામ સંગઠનનો સાર એમાં છે. તમારામાં જો એ શ્રદ્ધા, એ શક્તિ, એ પ્રેમ હોય તો તમારે જગતમાં બીજા કોઈ દેવને પૂજવા જવાની જરૂર નથી. એ કઠિન દિવસોમાં અમારા સૌમાં એ હતું. એ અમારી પાસે હતું એથી અમે હિમાલયથી કન્યાકુમારી સુધી, સિંધુથી બ્રહ્મપુત્રા સુધી ફરી શકયા.

યુવાનોના આ મંડળે પ્રવાસ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અમારા તરફ લોકોનું ધ્યાન ખેંચાવા લાગ્યું. જો કે નેવું ટકા તો વિરોધ હતો; સહાય કરે તેવું તેમાં બહુ જ થોડું હતું. અમારામાં એક વાંધો હતો. અમે હતા ઊગતા જુવાનો, ગરીબી અને જુવાનીની અણઘડતા સહિતના. જીવનમાં જેમણે પોતાનો માર્ગ જાતે કાઢવાનો હોય છે, એ લોકો જરા ખરબચડા હોય છે; તેમને સુંવાળા, મીઠાબોલા અને વિવેકી તેમજ, ‘ભાઈશ્રી અને બહેનશ્રી, તથા સન્માનનીય શ્રીમાન અને સન્નારીશ્રી’ વગેરે જેવા ડોળ માટે બહુ સમય નથી હોતો. તમે જીવનમાં હંમેશાં એ જોયું હશે. તે વ્યક્તિ પહેલ પાડ્યા વિનાનો હીરો હોય છે; તેનામાં બહુ પોલીશ – સફાઈ – નથી હોતી. એક સામાન્ય દાબડીમાં રાખેલું તે રત્ન હોય છે.

અમે આવા હતા. ‘સિદ્ધાંતની બાબતમાં તડજોડ નહીં જ!’ એ અમારું સૂત્ર હતું. ‘આદર્શ આ છે અને એને પાર પાડવાનો છે. જો રાજાની સાથે ભેટો થઈ જાય તો તેની સામે, આપણે મરવું પડે તોપણ, આપણા મનના વિચારો તો રજૂ કરી જ દેવા; અને જો કંગાલ કિસાન મળે તોપણ એ જ પ્રમાણે કરવું.’ સ્વાભાવિક રીતે જ અમારી સામે વિરોધ ઊભો થયો.

પરંતુ ધ્યાનમાં રાખજો કે જિંદગીનો આ અનુભવ છે કે જો તમે ખરેખર બીજાનું ભલું ઇચ્છતા હશો તો સમગ્ર સંસાર તમારી વિરુદ્ધ થઈ જાય તો પણ તમને તે ઈજા કરી શકશે નહીં. તમે જો ખરેખરા નિઃસ્વાર્થ અને નિખાલસ હશો તો તમારામાં રહેલ સ્વયં ઈશ્વરની શક્તિ આગળ તે અવશ્ય તૂટી પડશે. એ યુવાનો એ પ્રકારના હતા. પ્રકૃતિ માતાના હાથમાંથી પવિત્ર અને નિર્દાેષ બાળકો સમા તેઓ આવેલા હતા. અમારા ગુરુ કહેતાઃ ‘હું ઈશ્વરને ચરણે માત્ર વણસૂંઘ્યાં જ પુષ્પો અને આંગળીનોય સ્પર્શ થયા વિનાનાં જ ફળો અર્પણ કરવા ઇચ્છું છું.’ એ મહાપુરુષના એ શબ્દોએ જ અમને પ્રોત્સાહન આપ્યું, કારણ કે એક રીતે કહીએ તો તેણે કોલકાતાની શેરીઓમાંથી ભેળા કરેલા એ યુવાનોનું ભાવિ જીવન જોયું હતું. જ્યારે તે કહેતા કેઃ ‘આ છોકરો કેવો થશે એ તમે જોજો તો ખરા!’ ત્યારે લોકો તેમને હસી કાઢતા. એમની શ્રદ્ધા અચળ હતીઃ ‘માએ જ મને એવું બતાવ્યું છે. મારી ભૂલ હોઈ શકે, પણ આ તો મા આમ કહે છે; માની ભૂલ કદી થાય નહીં. એ એમ હોવું જ જોઈએ.’

એ પ્રકારે ઘટના ચક્ર ચાલ્યા જ કર્યું અને કોઈ જાતના પ્રકાશ વિના દસ વરસ વીતી ગયાં. વધારામાં એ દરમિયાન મારું આરોગ્ય કથળતું જ જતું હતું. લાંબે ગાળે આ બધાની અસર શરીર ઉપર થાય જ છેઃ કોઈ વાર રાત્રે નવ વાગ્યે ભોજન, કયારેક સવારના આઠ વાગ્યામાં મળ્યું તે જ, કયારેક વળી બે દિવસ પછી મળે, તો કોઈક વાર ત્રણ દિવસ પછી; અને તે પણ હંમેશાં સાવ ઓછું ને સત્ત્વ વિનાનું. ભિખારીને ઘરમાંથી સારી વસ્તુઓ કાઢીને કોણ આપવાનું હતું? અને વળી ભારતમાં તો લોકો પાસે ઝાઝું છે પણ નહીં. આમ ઘણોખરો વખત પગે ચાલવાનું, બરફથી ઢંકાયેલાં પહાડનાં શિખરો ચડવાનું, કેટલીક વાર એક ટંક ભોજનને માટે જ પહાડોમાં દસ દસ માઈલ સુધી ચઢાણ ચડવાનું બન્યા કરતું. ભારતમાં લોકોને ચોપડ્યા વગરનો સૂકો રોટલો ખાવો પડે છે; કેટલીક વાર તો ઇંટ કરતાંય કઠણ થઈ જાય ત્યાં સુધી – વીસ વીસ અને ત્રીસ ત્રીસ દિવસ સુધી સંઘરી રાખવો પડે છે; અને આવા રોટલાનો એકાદ ટુકડો આપે! એક વખતના પેટ પૂરતા ભોજન સારુ મારે કેટલાંય ઘરો ભટકવું પડતું અને રોટલો એટલો કઠણ હોય કે એને ખાતાં ખાતાં મારું મોઢું છોલાઈ જઈને લોહી નીકળે! ખરેખર એ રોટલાથી તમારા દાંત ભાંગી જાય. પછી હું નદીમાંથી પાણી લાવીને એક વાસણમાં મૂકતો અને તેમાં તે પલાળતો. મહિનાના મહિના સુધી એ રીતે હું રહેલો; બેશક, એની અસર આરોગ્ય પર અવશ્ય થયા કરતી હતી.

પછી મેં વિચાર કર્યાે કે ભારતનો તો મેં અનુભવ લઈ જોયો; હવે બીજા દેશોનો અનુભવ લેવાનો મારે માટે સમય આવી ગયો છે. એ જ અરસામાં તમારે ત્યાં વિશ્વધર્મ પરિષદ ભરાવાની હતી અને ભારતમાંથી કોઈ પ્રતિનિધિને મોકલવાનો હતો. હું તો માત્ર રખડું હતો. પણ કહ્યુંઃ ‘તમે મને મોકલો તો હું જાઉં. મારે કંઈ ખાસ ગુમાવવાનું છે નહીં; અને મારે ગુમાવવું પડે તેની મને પરવા નથી.’ પૈસા એકઠા કરવાનું બહુ જ મુશ્કેલ હતું; પરંતુ ઘણા ઘણા પ્રયત્નો પછી, મારો મુસાફરી-ખર્ચ એકઠો થઈ શકયો – અને હું આ દેશમાં આવ્યો. પણ એકબે મહિના હું વહેલો આવી પહોંચ્યો, એટલે અહીં કોઈને ઓળખ્યા વિના શેરીઓની અંદર મારે આમતેમ ભટકવું પડેલું.

પરંતુ આખરે વિશ્વ ધર્મપરિષદ શરૂ થઈ અને યોગ્ય સહાય આપનારા માયાળુ મિત્રો મળ્યા. મેં થોડુંક કાર્ય કર્યું, ફંડ એકઠું કર્યું, બે સામયિકો શરૂ કર્યાં ઇત્યાદિ. ત્યાર પછી હું ઇંગ્લેન્ડ ગયો અને ત્યાં કાર્ય કર્યું. સાથે સાથે ભારત માટેનું કાર્ય મેં અમેરિકામાં પણ ચાલુ રાખ્યું.

ભારત માટેની મારી યોજના, જે રીતે મેં તેને વિકસાવી છે અને કેન્દ્રિત કરેલ છે તે રીતે, તે આ પ્રમાણે છે. મેં તમને ત્યાંના અમારા સાધુ-જીવન વિષે કહ્યું છે; એ જીવનમાં કદાચ રોટલાના ટુકડાના અપવાદ સિવાય સાવ વિનામૂલ્યે જ દરેક વ્યક્તિને ધર્મ સહજપ્રાપ્ય થાય તે માટે અમે ઘેર ઘેર ભટકીએ છીએ. આટલા માટે જ ભારતમાં સામાન્ય દેખાતો માણસ પણ ઉચ્ચમાં ઉચ્ચ ધાર્મિક વિચારો ધરાવતો તમને જોવા મળે છે. એ બધું આ સાધુઓના કાર્યને લીધે જ છે. પરંતુ ત્યાં કોઈને પણ પૂછો કે ‘અંગ્રેજો કોણ છે?’ તો તેને ખબર નહીં હોય. કદાચ તે એમ પણ કહે કે ‘એ લોકો ગ્રંથોમાં વર્ણવેલ રાક્ષસોનાં સંતાન છે; ખરું ને?’ ‘તમારા પર રાજ કોનું છે?’ ‘અમને ખબર નથી.’ ‘સરકાર શું છે?’ તે તેઓ જાણતા નથી. પણ તેઓ તત્ત્વજ્ઞાન જાણે છે. એ લોકોને જે અનાવશ્યક છે તે આ દુનિયાના રોજિંદા જીવન વિષેનું બૌદ્ધિક શિક્ષણ.

આ લાખો અને કરોડો લોકો જગતથી પેલે પારના જીવન માટે તૈયાર છે; શું એટલું તેમને માટે પૂરતું નથી? જરૂર નહીં. તેમને વધુ સારો રોટલાનો ટુકડો મળવો જોઈએ, અને શરીર પર ચીંથરાનો વધુ સારો લીરો હોવો જોઈએ. મોટામાં મોટો પ્રશ્ન એ છે કે આ લાખો ગરીબો માટે વધુ સારાં અન્નવસ્ત્ર કેવી રીતે મેળવવાં.

પ્રથમ મારે તમને કહેવું જોઈએ કે તેમને માટે ઘણી મોટી આશા છે, કારણ કે તમે જુઓ છો કે જગતના નમ્રમાં નમ્ર લોકો એ છે. એવું નથી કે તે ડરપોક છે. લડવા ઇચ્છે ત્યારે તેઓ રાક્ષસોની જેમ લડે છે. અંગ્રેજોએ ભરતી કરેલા ઉત્તમમાં ઉત્તમ સૈનિકો ભારતના ખેડૂત વર્ગમાંથી આવે છે. મૃત્યુ તેમને મન જરા પણ અગત્યની બાબત નથી. તેમની દૃષ્ટિ એવી છે કે ‘અગાઉ હું અનેકવાર મરી ચૂકયો છું અને આ પછી પણ ઘણી વાર હું મરીશ. મરવામાં બીવા જેવું શું છે?’ તેઓ કદી પીછેહઠ કરતા નથી. તેમનામાં લાગણીનો અતિરેક હોતો નથી, એટલે તેઓ ઘણા સરસ યોદ્ધા નીવડે છે.

એમ છતાં તેમની કુદરતી વૃત્તિ ખેતી કરવાની છે. તમે તેમને લૂંટી લો. મારી નાખો, તેમના પર કર નાખો, તેમના પર ગમે તે કરો, પણ જ્યાં સુધી તમે તેમને તેમનો ધર્મ પાળવાની છૂટ આપો ત્યાં સુધી તેઓ શાંત રહેશે. તે બીજાના ધર્મમાં કદી દખલ કરતા નથી. ‘અમને અમારો ધર્મ પાળવા દો તો અન્ય સર્વ તમે ભલે લઈ લો!’ એવી તેમની વૃત્તિ છે. અંગ્રેજો જ્યારે એ બાબતને હાથ લગાડે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. ૧૮૫૭ના બળવાનું સાચું કારણ એ હતું કે ધર્મ પરનું દબાણ તેઓ સહન કરવા માગતા ન હતા. મહાન મુસલમાની સલ્તનતો જડમૂળથી ઊખડી ગઈ તેનું કારણ એ હતું કે તેમણે ભારતીયોના ધર્મ પર હાથ નાખ્યો હતો.

પરંતુ એ સિવાય તેઓ ઘણા જ શાંતિપ્રિય, ઘણા ઠંડા, ઘણા નમ્ર છે; સૌથી વિશેષ તો એ છે કે એ લોકો દુર્ગુણી નથી. કોઈ પણ જલદ પીણાની તેમને ટેવ નથી. અરે! એને લીધે તો એ લોકો બીજા કોઈ પણ દેશના આમવર્ગ કરતાં અતિશય ચઢિયાતા બને છે. ભારતના ગરીબોના જીવનની મર્યાદાશીલતાને અહીંની હલકી વસ્તીનાં રહેઠાણોનાં (સ્લમ્સનાં) જીવન સાથે તમે સરખાવી શકો નહીં. ઝૂંપડું એટલે ગરીબી ખરી; પણ ભારતમાં ગરીબીનો અર્થ પાપ, નાગાઈ અને અનાચાર નથી. અન્ય દેશોમાં જીવનની તકો એવી હોય છે કે માત્ર નિર્લજ્જ અને આળસુ હોય તે જ ગરીબ રહે છે. એક માણસ મૂર્ખ અથવા જેને માત્ર શહેરી જીવન અને તેની સર્વ સગવડો જ જોઈએ એવો હરામખોર ન હોય તો અહીં ગરીબી માટેનું કોઈ કારણ નથી. તેઓ ગામડામાં જશે નહીં; કહેશેઃ અહીં અમને સઘળી મોજમજા મળે છે અને તમારે અમને ખાવા આપવું જોઈએ. પરંતુ ભારતમાં એવું નથી. ત્યાં તો ગરીબ માણસો બાપડા સવારથી તે સાંજ સુધી કાળી મજૂરી કરે છે અને કોઈક બીજો તેમના હાથમાંથી રોટલો ઝૂંટવી જાય છે જ્યારે તેમનાં છોકરાં ભૂખ્યાં રહે છે. ભારતમાં લાખો ટન ઘઉં ઉગાડવામાં આવે છે; તેમ છતાં ભાગ્યે જ એક દાણો ખેડૂતના મોઢામાં જતો હશે. એ તો બિચારો હલકામાં હલકું અનાજ કે જે તમે તમારી કાબરોનેય ન ખવરાવો, તેવું ખાઈને જીવે છે.

ખરું જોતાં આ લોકો આટલા બધા પવિત્ર અને ભલા હોવા છતાં તેમને શા માટે આટલું સહન કરવું જોઈએ તેનું એક પણ કારણ નથી. ભારતના લાખો કંગાલો અને અધઃપતિત સ્ત્રીઓ વિશે અહીં ઘણી વાતો સાંભળીએ છીએ; પરંતુ ત્યાં અમારી મદદે તો કોઈ આવતું નથી. તેઓ (પાદરીઓ) શું કહે છે? તેઓ કહે છે કે ‘તમે જે છો તે મટી જાઓ તો જ તમને સહાય થઈ શકે, તો જ તમે સારા થઈ શકો. હિંદુઓને મદદ આપવી નિરર્થક છે.’ આ લોકો (પાદરીઓ) પ્રજાઓનો ઇતિહાસ જાણતા નથી. ભારતના લોકો જો પોતાનો ધર્મ અને પોતાની સંસ્થાઓ બદલે તો પછી ભારતનું અસ્તિત્વ જ રહે નહીં, કારણ કે ધર્મ તો ભારતીય પ્રજાનો પ્રાણ છે; તેનો નાશ થાય તો તો પછી તમારે કોઈને સહાય આપવાપણું જ રહે નહીં.

ત્યાર પછી બીજો એક અગત્યનો મુદ્દો જાણી લેવાનો છે. તે એ છે કે તમે ખરેખરી રીતે કદી મદદ કરી શકો જ નહિ. આપણે એકબીજા માટે શું કરી શકીએ? તમે જીવનમાં તમારી પોતાની રીતે વિકાસ કરો છો, હું મારી પોતાની રીતે વિકાસ સાધું છું. સંભવ છે કે તમામ માર્ગાે આખરે એક જ ઠેકાણે લઈ જાય છે એમ સમજીને હું તમારા જીવનમાં વેગ આપી શકું. એ ધીમી સ્થિર પ્રગતિ છે. કોઈ પણ પ્રજાની સંસ્કૃતિ હજી પૂર્ણ થઈ નથી. એ સંસ્કૃતિને વેગ આપો એટલે તે તેના પોતાના ધ્યેયે પહોંચી જશે; તેને બદલવાનો પ્રયત્ન ન કરો. પ્રજાની સંસ્થાઓ અને રીતભાતો અને રિવાજો લઈ લો તો પછી બાકી શું રહે? પ્રજાને એકત્રિત તો તેઓ રાખે છે.

પણ અમારે ત્યાં તો ભારે વિદ્વાન વિદેશી માનવી આવે છે અને કહે છે કે ‘આમ જુઓ, તમારી હજારો વરસની એ બધી સંસ્થાઓ અને રૂઢિઓ તમે છોડી દો; અને મારું આ નકામું ટિનનું ડબલું લો અને મજા કરો.’ આ બધી મૂર્ખતા છે.

આપણે પરસ્પર સહાય તો કરવી જ પડશે; પણ આપણે એક પગલું આગળ જવાનું છે. પ્રથમ બાબત છે સહાય કરવામાં નિઃસ્વાર્થ થવું એ. ‘હું તમને જે કરવાનું કહું તે તમે કરો તો જ હું તમને મદદ કરીશ, નહિતર નહીં.’ એ તે શું મદદ કરવાની રીત છે?

અને તેથી હિંદુઓ જો તમને આધ્યાત્મિક રીતે સહાય કરવા ઇચ્છતા હોય તો, શરતોનો કોઈ પ્રશ્ન જ ન હોય. સંપૂર્ણ નિઃસ્વાર્થતા! હું તમને આપું છું; બસ વાત ત્યાં જ પતી જાય છે. મારી પાસેથી એ ગયું જ. મારું મન, મારી શક્તિઓ, મારે આપવાનું. મારું સર્વસ્વ આપી દેવામાં આવે છે. આપવાના વિચારથી જ આપી દેવાય છે; એથી વિશેષ કંઈ જ નહિ. મેં ઘણી વાર એવા લોકોને જોયા છે કે જેમણે અરધી દુનિયાને લૂંટી લીધી હોય અને પછી એક લાખ રૂપિયા ‘પરધર્મીને વટલાવવા’ (વિધર્મીઓને ખ્રિસ્તી બનાવવા) સારુ આપે. શા માટે આપે છે ભાઈ? વિધર્મીના લાભ ખાતર કે તેના પોતાના જ ડંખતા આત્માનાં પાપ ધોવા માટે? જરા એનો તો વિચાર કરી જુઓ?

અને પાપની દેવી પોતાને કામે લાગી જ ગઈ છે. આપણે માનવીઓ આપણી પોતાની આંખોને છેતરવાનો પ્રયાસ કરીએ છીએ; પરંતુ હૃદયની અંદર પેલો સત્ય આત્મા રહેલ છે; તે કદી વીસરતો નથી; તેને આપણે કદી ભુલાવી શકીએ નહિ, તેની આંખોમાં કદી ધૂળ નાખી શકાતી નથી. જ્યારે જ્યારે સાચા દાનની કોઈ વૃત્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે તેની અસર થાય જ છે; પછી ભલે ને હજાર વરસ પછી થાય. તેનો અવરોધ કરવા છતાં તે ફરી એકવાર જાગી ઊઠીને વજ્રની પેઠે ફાટી નીકળે છે અને જે જે વૃત્તિમાં હેતુ સ્વાર્થી અને પોતાના જ લાભ માટેનો હોય છે તે – ભલે બધાં છાપાંઓમાં તેનાં વધુમાં વધુ જોરશોરથી બણગાં ફૂંકાયાં હોય અને લોકોનાં ટોળેટોળાં ઊભરાઈને તાલીઓ બજાવતાં હોય તો પણ – લક્ષ્યે પહોંચવામાં નિષ્ફળ જાય છે.

હું જે આ વાત કહી રહ્યો છું, તેમાં અભિમાન લેતો નથી. પણ ધ્યાન રાખજો કે મેં તો જવાનોની એ મંડળીની વાત કરી છે. આજે તેમના કાર્યને ઓળખતું ન હોય અને તેમને આશિષ આપતું ન હોય એવું એકે ગામ, એવો એકે નર કે નારી ભારતમાં નથી. દેશમાં એકે દુકાળ એવો નથી કે જ્યારે આ જુવાનોએ રાહતકાર્યમાં ઝંપલાવ્યું ન હોય, કામે લાગી ગયા ન હોય અને શકય તેટલાને બચાવ્યા ન હોય. તેની અસર અંતરના ઊંડાણ સુધી થાય છે. લોકો પણ તે જાણે છે. તેથી બની શકે ત્યારે મદદ ભલે કરો, પણ મનમાં હેતુ શો છે તે બરાબર ધ્યાન રાખજો. હેતુ જો સ્વાર્થી હશે તો તમે જેમને સહાય કરો છો તેમને અથવા તમને પોતાને પણ ફાયદો કરશે નહીં; જો તે નિઃસ્વાર્થ હશે તો જેમને સહાય આપો છો તેમનું કલ્યાણ કરશે અને તમારા મનમાં જેટલી ખાતરી તમે જીવો છો એની છે, એટલી જ ખાતરીથી જાણજો કે તમારા પર અનંત આશીર્વાદ ઊતરશે. કર્મના નિયમને કદી છેતરી શકાતો નથી; ઈશ્વરની આંખમાં કદી ધૂળ નાખી શકાતી નથી.

વારુ, ત્યારે મારી યોજનાઓ છે ભારતની આ આમજનતા સુધી પહોંચવાની. ધારો કે તમે ગરીબો માટે ભારતમાં તમામ સ્થળે નિશાળો શરૂ કરો, તો પણ તમે તેમને કેળવણી આપી શકશો નહીં. તમે કઈ રીતે આપો? ચાર વરસનો છોકરો તમારી નિશાળે ન આવતાં ખેતરે જશે અથવા કામ કરવા જશે; તમારી નિશાળમાં તે આવી શકશે નહીં. તે અશકય છે. આત્મરક્ષણની, જીવતા રહેવાની વૃત્તિ પહેલી હોય છે. શિષ્ય જો ગુરુ પાસે ન આવે તો ગુરુ પોતે શિષ્ય પાસે પહોંચે. હું કહું છું કે શિક્ષણ શા માટે ઘેર ઘેર ન જઈ શકે? ખેડૂતનો છોકરો જો શિક્ષણ લેવા ન આવી શકે તો તેને તે જ્યાં હોય ત્યાં તેને ખેતરે કે કારખાનામાં શા માટે ભણાવવા ન જવાય? તેના પડછાયાની પેઠે તેની સાથે સાથે જાઓ. અત્યારે લોકોને આધ્યાત્મિક ભૂમિકાએ કેળવણી આપનારા સેંકડો અને હજારો સાધુ વસે છે; આ જ માણસો શા માટે એ જ કામ બૌદ્ધિક ભૂમિકાએ ન કરે? જનસમુદાયને તેઓ શા માટે ઇતિહાસ વિષે – તેમજ બીજી ઘણી બાબતો વિષે થોડુંક જ્ઞાન ન આપે? કાન દ્વારા ઉત્તમ રીતે શિક્ષણ મળી શકે છે. આપણા જીવનમાં સારામાં સારા સિદ્ધાંતો આપણે આપણી માતા પાસેથી કાન દ્વારા સાંભળેલા, તે હતા. પુસ્તકો તો ઘણાં પાછળથી આવ્યાં. પુસ્તકિયા જ્ઞાનની કાંઈ કિંમત નથી. કાન દ્વારા આપણને ઉત્તમ ચારિત્ર્ય ઘડનારા સિદ્ધાંતો મળે છે. ત્યાર પછી જનસમુદાયને જેમ જેમ વધુ રસ પડશે તેમ તેમ તે તમારાં પુસ્તકો પણ વાંચવા આવશે. એક વાર એ યોજનાને ચાલુ તો કરી જ દો. મારો ખ્યાલ આવો છે.

વારુ, મારે તમને કહેવું જોઈએ કે હું સંન્યાસી – સંસ્થાઓમાં બહુ ઝાઝું માનનારો નથી. તેમનામાં મહાન ગુણો છે, તેમ મહાન દોષો પણ છે. સંન્યાસીઓ અને ગૃહસ્થાશ્રમીઓ વચ્ચે પૂરી સમતુલા હોવી જોઈએ. પરંતુ સંન્યસ્તાશ્રમ ભારતની સર્વ શક્તિ ગળી ગયો છે. અમે સંન્યાસીઓ સૌથી મહાન સત્તાના પ્રતિનિધિ છીએ. રાજા કરતાંય સંન્યાસી વધારે મહાન ગણાય છે. સંન્યાસી હાજર હોય ત્યારે ભારતમાં કોઈ પણ રાજા તેની સામે આસન પર બેસી રહેવાની હિંમત ન કરે; તે પોતાના આસનનો ત્યાગ કરે અને ઊભો રહે. હવે આટલી બધી સત્તા – પછી ભલે ને તે સારા માણસોના હાથમાં હોય તો પણ – અયોગ્ય છે; જો કે આ સંન્યાસીઓ આમજનતાના આશ્રયસ્થાન જેવા હોય છે. પુરોહિત સંસ્થા અને જ્ઞાન, એ બેમાં તેઓ રહેલા છે. તેઓ જ્ઞાન અને સુધારાનાં કેન્દ્ર છે. યહૂદીઓમાં જેવા પયંગબરો હતા તેવા જ તેઓ છે. પયગંબરો હંમેશાં વહેમોને કાઢી નાખવાનો પ્રયત્ન કરીને પુરોહિતોની વિરુદ્ધ ઉપદેશ આપતા. ભારતમાં પણ તેઓ એવી રીતે જ કરે છે. એમ છતાં તેમની પાસે એટલી બધી સત્તા હોવી સારી નથી; વધુ સારી પદ્ધતિઓ ઘડી કાઢવી જોઈએ. ઓછામાં ઓછો પ્રતિરોધ થાય તે રીતે તમે કામ કરી શકો. ભારતમાં સમગ્ર રાષ્ટ્રનો આત્મા સંન્યાસ પર આધારિત છે. તમે ભારતમાં જઈને ગૃહસ્થાશ્રમી તરીકે કોઈ પણ ધર્મનો ઉપદેશ આપી જુઓ; હિંદુઓ મોં મરડીને ચાલ્યા જશે. પરંતુ તમે જો સંસાર ત્યાગ કર્યાે હશે તો તેઓ કહેશેઃ ‘આ માણસ સારો છે; તેણે સંસારત્યાગ કર્યાે છે. તે સાચો માણસ છે; જે ઉપદેશ તે આપે છે તેનું આચરણ પોતે કરવા ઇચ્છે છે.’ હું જે કહેવા માગું છું તે એ છે કે આ સંન્યસ્ત એક પ્રચંડ શક્તિનું પ્રતીક છે. આપણે જે કરી શકીએ તે એટલું જ કે તેનું બહુ તો રૂપાંતર કરીએ, તેને બીજું સ્વરૂપ આપીએ. ભારતના ભટકતા સંન્યાસીઓના હાથમાં રહેલી આ પ્રચંડ શક્તિનું રૂપાંતર આપણે કરવાનું છે. તેનાથી લોકસમુદાયની ઉન્નતિ થશે.

હવે, તમે જોશો કે યોજનાને આપણે કાગળ પર સરસ રીતે ઉતારી છે; પણ સાથોસાથ મેં તેને આદર્શના આકાશમાંથી નીચે ખેંચી આણી છે. અત્યાર સુધી યોજના છૂટીછવાઈ અને આદર્શરૂપ હતી. જેમ જેમ વરસો જતાં ગયાં તેમ તેમ તે વધુ ને વધુ સંગઠિત અને ચોક્કસ સ્વરૂપ પકડતી ગઈ છે. જ્યારે તેને ખરેખર અમલમાં મૂકવામાં આવી ત્યારે જ તેની ક્ષતિઓ અને મુશ્કેલીઓ, બધું દેખાવા લાગ્યું.

વાસ્તવિક – વ્યવહારુ ભૂમિકા પર તેને અમલમાં મૂકતાં મને શું જણાયું? પ્રથમ તો શિક્ષણ આપવાની પદ્ધતિ માટે આ સાધુઓને કેળવવાનાં કેન્દ્રો હોવાં જોઈએ. દાખલા તરીકે હું મારા એક માણસને મોકલું અને તે કેમેરા લઈને આસપાસમાં જાય; પણ પરિસ્થિતિ એ છે કે એ બાબતમાં તેને પોતાને જ શિક્ષણ લેવાનું હોય છે. ભારતમાં તમે જોશો કે દરેક માણસ લગભગ સાવ નિરક્ષર છે અને શિક્ષણ માટે જબરજસ્ત અને સંખ્યાબંધ કેન્દ્રોની આવશ્યકતા છે. એનો અર્થ શો થાય? એનો અર્થ એ કે પૈસાની ખૂબ જરૂર પડે. અહીં આદર્શના આકાશમાંથી તમે રોજિંદા વહેવારની જમીન પર આવો છો. અસ્તુ. મેં તમારા દેશમાં (અમેરિકામાં) ચાર વરસ અને ઇંગ્લેન્ડમાં બે વરસ સખત કાર્ય કર્યું છે અને કેટલાક મિત્રો સહાય કરવા આગળ આવ્યા છે તેમનો હું ઘણો આભારી છું. તેમાંના એક અહીં આજે તમારી વચ્ચે બેઠા છે. કેટલાક અમેરિકન અને અંગ્રેજ મિત્રો મારી સાથે ભારતમાં આવેલા હતા; અને એક સાવ સામાન્ય એવી શરૂઆત તો કરવામાં આવી જ છે. કેટલાક અંગ્રેજો આવીને સંઘમાં દાખલ થયા. બિચારી એક વ્યક્તિએ તો સખત કાર્ય કર્યું અને ભારતમાં જ મૃત્યુ પામી. નિવૃત્ત થયેલા એક અંગ્રેજ ગૃહસ્થ અને અંગ્રેજ બાનુ છે; તેમની પાસે તેમના પોતાના નિર્વાહ માટે થોડુંક સાધન છે. તેમણે હિમાલયમાં એક કેન્દ્ર શરૂ કર્યું છે અને બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત પણ કરી છે. મેં શરૂ કરેલું એક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ (The Awakened India) – જેની એક નકલ આ ટેબલ પર પડેલી તમે જોઈ શકો છો ત્યાં – મેં તેમને સોંપેલ છે. તેઓ બાળકોને શિક્ષણ આપે છે અને લોકોમાં સેવાકાર્ય કરે છે. મારું બીજું કેન્દ્ર છે કોલકાતામાં. અલબત્ત, સઘળી મહાન પ્રવૃત્તિઓ પાટનગરમાંથી બહાર વધવી જોઈએ, કારણ કે પાટનગર શું છે? તે રાષ્ટ્રનું હૃદય છે; બધું લોહી હૃદયમાં આવે છે અને ત્યાંથી તેની વહેંચણી થાય છે. તેવી રીતે સઘળી સંપત્તિ, સઘળા વિચારો, સઘળું શિક્ષણ, સઘળી આધ્યાત્મિકતા મોટાં શહેર તરફ કેન્દ્રિત થવા જાય છે અને ત્યાંથી વિસ્તાર પામે છે.

તમને કહેતાં મને હર્ષ થાય છે કે મેં ભલે અતિ સામાન્ય સ્વરૂપની પણ શરૂઆત કરી દીધી છે, પણ એવું જ કાર્ય સમાંતર પદ્ધતિએ સ્ત્રીઓ માટે પણ કરવા હું ઇચ્છું છું. મારો સિદ્ધાંત એ છે કે દરેક વ્યક્તિ પોતે પોતાને સહાય કરે; મારી સહાય તો દૂરથી મળે. એ કાર્યમાં ભારતીય મહિલાઓ છે, અંગ્રેજ મહિલાઓ પણ છે અને હું આશા રાખું છું કે અમેરિકન મહિલાઓ પણ એ કાર્યને ઉપાડી લેવા આગળ આવશે. તેઓ આરંભ કરે એટલે પછી હું તરત તેમાંથી નીકળી જાઉં છું. કોઈ પુરુષ કોઈ સ્ત્રી પર કે કોઈ પુરુષ પર શાસન ચલાવે નહિ. સૌ કોઈ સ્વતંત્ર રહે. જો કોઈ પણ બંધન હોય તો તે કેવળ પ્રેમનું જ હોય. પુરુષો સ્ત્રીઓનું ભાવિ ઘડી શકે તેના કરતાં સ્ત્રીઓ પોતાનું ભાવિ વધુ સારી રીતે ઘડી કાઢશે. સ્ત્રીઓને માથે બધી આફતો આવી પડવાનું મૂળ કારણ એ કે તેમનું ભાવિ ઘડવાનું કાર્ય પુરુષોએ પોતાને માથે લીધું. એટલે હું શરૂઆતમાં જ ભૂલ કરવા માગતો નથી. એક વખતે કરેલી એક નાની સરખી ભૂલ પછી વધતી જ જાય છે; અને તમે જો સફળ થાઓ તો લાંબે કાળે તે ભૂલ પણ રાક્ષસી સ્વરૂપ પકડે અને તેને સુધારવાનું અતિ મુશ્કેલ થઈ પડે. તેથી મારા કાર્યના સ્ત્રીઓના વિભાગને ચલાવવા માટે પુરુષોને રાખવાની ભૂલ જો હું કરું, તો તો સ્ત્રીઓ તેમાંથી કદી આગળ આવી શકે જ નહિ; એ એક રિવાજ થઈ જાય છે. પણ મારી પાસે સ્ત્રીઓને પોતાની રીતે કામ કરવાની તક છે. મેં તમને મારા ગુરુદેવનાં પત્ની વિશે કહેલું છે. તેમના માટે અમને સૌને અતિશય આદર છે. તેઓ અમારા ઉપર કદી હુકમ ચલાવતાં નથી. તેથી મહિલાઓનું કાર્ય તદ્દન સલામત છે. એ વિભાગ હજી સિદ્ધ કરવાનો છે.