૧. કુદરતને ખોળે ઉછેર

શ્રીશારદાદેવીનો જન્મ અને ઉછેર પવિત્ર પણ રૂઢિગત પરિવારમાં થયો હતો. એક સામાન્ય ગ્રામીણ ભારતીય કન્યા તરીકે તેઓ ઊછર્યાં.

પોતાના આખા પરિવારમાં તેઓ સૌથી મોટી દીકરી હતાં એટલે નાની ઉંમરે જ તેમને ઘણાં કઠિન કામ કરવાં પડતાં હતાં.

તેઓ તેમનાં માતાને દૈનંદિન ઘરકામમાં મદદરૂપ થતાં – જેવાં કે રસોઈ કરવી, નાનાં ભાઈબહેનોનું ધ્યાન રાખવું, ગામના તળાવમાંથી પાણી ભરી લાવવું અને તેવાં બીજાં ઘણાં કામો.

આવડી નાની ઉંમરે તેઓે તરતાં, ગાતાં, સીવતાં, ભરતાં અને રસોઈ કરતાં પણ સારી રીતે શીખ્યાં હતાં.

૨. તેમનો વિવાહ

જ્યારે તેઓ માત્ર પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમનાં લગ્ન શ્રીરામકૃષ્ણ સાથે થયાં હતાં. શ્રીરામકૃષ્ણ તે સમયે કોલકાતા પાસેના દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રહેતા હતા.

શ્રીરામકૃષ્ણ મોટાભાગે ઈશ્વરીય ભાવાવસ્થામાં રહેતા હતા. તેમને અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ હતી અને જગજ્જનની મા કાલીનાં દર્શન થયાં હતાં.

લગ્ન પછી શ્રીશારદાદેવી તેમનાં માતા-પિતા સાથે જ રહેતાં હતાં. જ્યારે તેઓ ૧૬ વર્ષનાં થયાં ત્યારે જ શ્રીરામકૃષ્ણ સાથે રહેવા આવ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ તેમના તરફ સન્માનભાવ રાખતા અને શ્રીમા શારદાદેવી એમની ખરા દીલથી સેવા કરતાં. તેઓનું લગ્નજીવન સર્વ શારીરિક આકર્ષણોથી મુક્ત હતું અને તેઓએ ઉદાત્ત અને પવિત્ર જીવન વિતાવ્યું.

૩. કરુણા અને પ્રેમ સહુને જીતે છે

એક વખત શ્રીશારદાદેવી દક્ષિણેશ્વર જવા માટે સંઘ સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેવે સમયે અચાનક પોતાની સામે એક કદાવર ડાકુને એમણે જોયો.

પોતાના મનની સ્વસ્થતા જરાય ગુમાવ્યા વિના તેમણે ડાકુને ‘પિતાજી’ કહીને સંબોધ્યા. તે સંબોધન લુટારાના હૃદયને સ્પર્શી ગયું અને તરત જ પોતાની દીકરી સમજીને પિતા તરીકેની સંભાળ લીધી.

તે પાસેના ગામમાં આવેલી નાનકડી દુકાને લઈ ગયો અને મમરા વગેરે ખવરાવી રાતવાસો કરાવ્યો. બીજા દિવસે સવારે ડાકુ-પિતાએ દક્ષિણેશ્વર જતા સંઘ સાથે શ્રીમા શારદાદેવીનો મેળાપ કરાવી દીધો.

ખરેખર પ્રેમ અને સરળતા કઠોર હૃદયના લુટારાનું પણ હૃદય પરિવર્તન કરી શકે છે.

૪. ‘આહ! હે આંખો, આ અનેરું દૃશ્ય જુઓ!’

શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વર રહેતા હતા ત્યારે સેંકડો લોકો તેમનાં દર્શને આવતા હતા. ભક્તો સાથેના તેમના અપૂર્વ આધ્યાત્મિક સંવાદો ચાલતા ત્યારે તે અનેરું દૃશ્ય જોવા શ્રીમા ઘણાં ઉત્સુક રહેતાં.

પણ તેઓ શરમાળ સ્વભાવનાં હતાં તેથી તેમની પાસે હંમેશાં ઉપસ્થિત રહેતા પુરુષોની હાજરીમાં ત્યાં નજીક જવું તેમને માટે સાનુકૂળ ન રહેતું.

એટલે નોબતખાનાના ઓરડામાં રહી સામે લટકતી વાંસની ચટાઈમાં રહેલા એક છિદ્રમાંથી તેઓ શ્રીરામકૃષ્ણનું ભજનકીર્તન જોતાં.

પોતાને ઘણી જ શારીરિક પીડાઓ રહેતી હોવા છતાં શ્રીમા શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો ધ્યાનથી સાંભળતાં હતાં.

૫. તેમની દૈવીશક્તિનું જાગરણ

ફલહારિણી કાલીપૂજાના પાવનકારી દિવસે શ્રીરામકૃષ્ણે પોતાના ઓરડામાં ષોડશીપૂજાની તૈયારી કરાવી. શ્રીમા શારદાદેવીને પણ ત્યાં હાજર રહેવા જણાવી દીધું હતું.

દેવીપૂજન માટે રાખેલ આસન પર બેસવા શ્રીમાને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું. ગાઢ આધ્યાત્મિક ભાવમાં શ્રીમા શારદાદેવીએ આ સૂચનાનું પાલન કર્યું.

એ પછી શ્રીરામકૃષ્ણદેવે જગન્માતા તરીકે શ્રીમાની પૂજા કરી. પૂજા પૂરી થયા પછી એમણે પોતાની જાતને, જીવનભરની સાધનાના ફળને અને જપમાળાને શ્રીમાને ચરણે અર્પણ કર્યાં.

આમ, ષોડશીપૂજા દ્વારા શ્રીરામકૃષ્ણદેવે વિશ્વ કલ્યાણાર્થે પોતાના આધ્યાત્મિક સંદેશને વહેતો કરવા શ્રીમા શારદાદેવીને તૈયાર કર્યાં.

૬. માની પ્રેમાળ સાર-સંભાળ

શ્રીમાની રોજની દિનચર્યા વહેલી સવારે ૩ વાગ્યે શરૂ થતી અને મોડી રાતના ૧૧ સુધી ચાલુ રહેતી. તેઓ શ્રીરામકૃષ્ણદેવ અને તેમની પાસે આવતા ભક્તો માટે રસોઈ કરતાં અને ઘરની અન્ય જવાબદારીઓ પણ સંભાળતાં.

તેઓ કોઈપણ બાબતને ભૂલ્યા વિના મા તરીકે સહજપણે સાર-સંભાળ રાખતાં. દરેકને તેમનો પ્રેમ અને અનુકંપા સ્પર્શી જતાં.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી તેમના શિષ્યો પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને માર્ગદર્શન માટે શ્રીમાનું શરણ લેતા. તેમણે આ નવી ભૂમિકાને પણ કુશળતાપૂર્વક નિભાવી હતી. બધા જ શિષ્યો અને ભક્તો તેમની તરફ પૂજ્યભાવ ધરાવતા.

શ્રીરામકૃષ્ણદેવની વિદાય વેળાએ તેઓ માત્ર ૩૩ વર્ષનાં હતાં.

૭. પંચતપાની કઠોર સાધના

પંચતપા એક કઠોર સાધના છે. આ સાધનામાં સવારથી સાંજ સુધી પાંચ અગ્નિ વચ્ચે બેસવાનું હોય છે – ચારેય દિશાઓમાં અગ્નિ પેટાવવાનો અને મધ્યાહ્ને તપતો સૂરજ એ પાંચમી દિશા.

એ ખરેખર જ સ્વાભાવિક છે કે આ આકરી તપસ્યા ઘણું ધૈર્ય માગે છે.

કોલકાતામાં ગંગા કિનારે આવેલ નીલાંબર બાબુના નિવાસસ્થાને શ્રીમાએ પંચતપાનું આ વ્રત સર્વ શિષ્યો અને સમસ્ત વિશ્વના કલ્યાણ માટે એક સપ્તાહ સુધી કર્યું હતું.

તેમનું સમગ્ર જીવન જ કઠોર સાધનારૂપ હતું.

૮. સંઘજનની

બિહારમાં આવેલા બોધગયાની તીર્થયાત્રા દરમિયાન, એક સુવિધાસભર બૌદ્ધ મઠ શ્રીમાની નજરમાં આવ્યો.

આ જોઈને શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોને પણ આવી જ સુવિધા મળી રહે તેવી શ્રીમાને ઉત્કંઠા જાગી.

તેમણે શ્રીરામકૃષ્ણદેવની છબી સમક્ષ આંસુ સાર્યાં અને પોતાની આ હૃદયસ્પર્શી ભાવનાને પરિપૂર્ણ કરવા પ્રાર્થના કરી.

તેમની આ તીવ્ર પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર મળ્યો અને એ રીતે સમગ્ર વિશ્વમાં તેનાં શાખા-કેન્દ્રો સાથે રામકૃષ્ણ સંઘ અસ્તિત્વમાં આવ્યો.

શ્રીમાને ‘સંઘજનની’ – ‘રામકૃષ્ણ સંઘનાં મા’ કહેવામાં આવે છે તેનું ખરું કારણ તો આ જ છે.

૯. ‘આગળ વધો, શ્રીઠાકુર તમારી સાથે છે.’

અમેરિકાના શિકાગો નગર ખાતે ઈ.સ. ૧૮૯૩માં યોજાનાર વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતા પહેલાં સ્વામી વિવેકાનંદે શ્રીમાના આશીર્વાદ માગ્યા. આશીર્વાદ આપતાં માએ કહ્યું, ‘આગળ વધો, શ્રીઠાકુર તમારી સાથે છે.’

ઘણા જ આત્મસંતોષ સાથે, સ્વામીજી અમેરિકા ગયા અને વેદાંત તેમજ ભારતીય સંસ્કૃતિના સંદેશનો પશ્ચિમના દેશોમાં પ્રસાર-પ્રચાર કરવામાં તેમણે ભવ્ય સફળતા મેળવી.

ભારત પાછા ફર્યા પછી, પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો ફેલાવો કરવા અને અનેક રીતે લોકોની સેવા કરવા માટે તેમણે શ્રીરામકૃષ્ણ ભાવધારાનો પ્રારંભ કર્યાે. તેઓ હંમેશાં માનતા કે આ બધું શ્રીમાના આશીર્વાદ દ્વારા જ શક્ય બન્યું છે.

૧૦. ‘પ્રભુ! વરસાદ વરસાવો’

એક વખત શ્રીમાના ગામ જયરામવાટી અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન પડવાથી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી.

લોકોનાં ભારે નિરાશા-દુઃખ જોઈને શ્રીમાને ઘણું દુઃખ થયું. તેઓ સૂકાં પડેલાં ખેતર તરફ ગયાં. તેમણે આંખમાં આંસુ સાથે ભગવાનને આ ભયાનક પરિસ્થિતિમાંથી લોકોને બચાવી લેવા પ્રાર્થના કરી.

કેવું અદ્ભુત! જરા સંભાળો! તે રાતે આપોઆપ જ વરસાદ સર્વત્ર તૂટી પડ્યો.

પળભરમાં આખું ચિત્ર બદલાઈ ગયું. શ્રીમા શારદાદેવીની પ્રાર્થનાથી અનરાધાર વરસાદ પડતાં દુષ્કાળની વિષમ સ્થિતિમાંથી લોકો ઊગરી ગયા.

૧૧. સહુનાં આદર્શમૂર્તિ

શ્રીમા એક આદર્શ ગૃહિણી હતાં. તેઓ કુટુંબની બધી જ જવાબદારીઓ નિભાવતાં રહીને પણ આધ્યાત્મિક જીવન વિતાવતાં હતાં.

સગાં-સંબંધીઓની સંભાળ લેવી, સંન્યાસીઓને અને શિષ્યોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવું તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે મંત્રદીક્ષા આપવી આ બધાનો તેમના જીવનમાં સમાવેશ થતો હતો.

આમ છતાં પણ એમને કોઈ આસક્તિ ન હતી. એમને કોઈ દુન્યવી આશા-અપેક્ષાઓ પણ ન હતી.

સાચે જ, જેવી રીતે તેમનું જીવન ગૃહસ્થ ભક્તો માટે પ્રેરણારૂપ હતું, તેવી જ રીતે અનાસક્તિ અને પવિત્રતાની બાબતમાં સંન્યાસી શિષ્યો માટે પણ પ્રેરણારૂપ હતું.

૧૨. પ્રેમ કોઈ ભેદભાવ જાણતો નથી

અમજદ નામનો એક ગરીબ મુસ્લિમ નાની મોટી લૂંટફાટ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એને શ્રીમાના સંપર્કમાં આવવાનું થયું.

એક દિવસ શ્રીમાએ તેને ભોજન લેવા બોલાવ્યો. તેને ભોજન અપાયું. જે સ્ત્રી પીરસતી હતી તેનો અમજદ સાથેનો વ્યવહાર નમ્રતાને બદલે અવિનયી હતો. તે થોડે દૂર ઊભી રહીને તેની થાળીમાં ભોજન ફેંકતી હતી. આથી શ્રીમાને ઘણું જ દુઃખ થયું.

માએ તેને કહ્યું, ‘આવી રીતે પીરસે તો કોઈ પણ કેવી રીતે ભોજન કરી શકે? મહેરબાની કરી મને આપ હું તેને પીરસીશ.’

ભોજન કરાવ્યા પછી એની એંઠી થાળી માએ ઉપાડી અને એ જગ્યા સાફ પણ કરી.

૧૩. સ્ત્રીઓના ઉત્કર્ષ માટે શ્રીમાની ચિંતા

શ્રીમા સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ઘણો રસ ધરાવતાં હતાં. તેઓ કહેતાં કે જો કન્યાઓ સારું પોષણયુક્ત ભોજન લે, હસ્તકલા વગેરે શીખે તો તેઓ સમાજનું અતિ ઉપયોગી અંગ બની શકે.

તેઓ વધુમાં કહેતાં કે જેઓ શિક્ષણ મેળવે છે માત્ર તેને જ લાભ થતો નથી, તેમના દ્વારા બીજાઓને પણ લાભ થાય છે.

કોલકાતા ખાતે જ્યારે ભગિની નિવેદિતાએ કન્યાશાળા શરૂ કરી ત્યારે શ્રીમા તેના ઉદ્ઘાટન માટે આવ્યાં અને ભગિની નિવેદિતાને સ્ત્રી ઉત્કર્ષના વિચારો બદલ પ્રશંસા કરીને આશીર્વાદ આપ્યા.

શ્રીમાના પ્રોત્સાહને જ રામકૃષ્ણ સંઘની ભવિષ્યની શૈક્ષણિક સંસ્થાઓ માટેનું બીજ રોપ્યું.

૧૪. મૂર્તિમંત ગુરુ

શ્રીમા એક સર્વાેત્કૃષ્ટ ગુરુ હતાં. સમાજના ભિન્ન ભિન્ન વર્ણના અસંખ્ય લોકોને તેમણે આધ્યાત્મિક દીક્ષા આપી હતી. તેમાંના કેટલાક જપ નિયમિત કરતા નહીં. આધ્યાત્મિક જિજ્ઞાસુઓને કોઈ હાનિ પહોંચે નહીં તે માટે શ્રીમા પોતે તેમના વતી જપ કરતાં!

તેઓ એમ કહેતાં કે આપણાં સંતાનો ધૂળ-કાદવથી ખરડાયાં હોય તો શું આપણે તેમને સ્વચ્છ કરીને ખોળામાં બેસાડીશું નહીં? તે જ રીતે તેઓ પોતાની પાસે આવનાર સ્ત્રી કે પુરુષના ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના બધાની કાળજી લેતાં. સાચે જ, શ્રીમા પ્રેમનાં મૂર્તિમંત ગુરુ હતાં.

શ્રીમા ૬૭ વર્ષની જૈફ વયે કોલકાતામાં ઈ.સ. ૧૯૨૦માં મહાસમાધિ પામ્યાં. તેમના નશ્વર દેહનો અગ્નિસંસ્કાર ગંગાકિનારે બેલુર મઠમાં થયો.

તે જ ભૂમિ પર તેમના સ્મૃતિમંદિરનું નિર્માણ થયું, જ્યાં આજે પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ નમન કરવા આવે છે.

પવિત્ર અને શાંત જીવન કેવી રીતે જીવવું તેનું જ્વલંત ઉદાહરણ શ્રીમાનું જીવન છે. તેમણે તેમના જીવન દ્વારા બધા માટે પ્રેમ અને કરુણાનો આદર્શ શીખવ્યો.

સાચે જ, આપણી બધી જ નિષ્ઠાપૂર્ણ પ્રાર્થનાઓને સ્વીકારવા અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપવા શ્રીમા શારદાદેવી આપણી વચ્ચે હજુ પણ જીવંત છે.

તેમની કરુણાની નિશ્રામાં આપણા જીવનને પોષતું માર્ગદર્શન મળતું રહે! ઓમ તત્ સત્!!