ખંડ બીજો: શ્રીરામકૃષ્ણ ભક્તોની સાથે

અધ્યાય પહેલો: બલરામના ઘેર ભક્તો સાથે શ્રીરામકૃષ્ણનું પ્રેમાનંદમય નૃત્ય

(સને, ૧૮૮૨ની ૧૧મી માર્ચ, શનિવાર.)

રાતના આઠ નવ વાગ્યા હશે. દોલયાત્રા. (આ દોલયાત્રાના સાત દિવસ પછીનો દિવસ હોઈ શકે. કારણ કે ગુપ્ત પ્રેસ પંજિકા અનુસાર આ વર્ષે દોલયાત્રા ૪થી માર્ચે હતી. શ્રી માસ્ટર મહાશયે પણ આ અધ્યાયમાં ઉલ્લેખ કર્યાે છે, ૧૧ માર્ચ, ૧૮૮૨ શ્રીરામકૃષ્ણ બલરામના ઘેર આવ્યા છે.) રામ, મનોમોહન, રાખાલ, નિત્યગોપાલ વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક ભક્તોને ભાવ-અવસ્થા થઈ છે. ભાવ-અવસ્થામાં નિત્યગોપાલની છાતી લાલ થઈ છે. સૌ બેઠા એટલે માસ્ટરે ઠાકુરને પ્રણામ કર્યા. તેમણે જોયું કે રાખાલ જમીન ઉપર ઢળી પડ્યા છે, ભાવમગ્ન અને બાહ્યભાનરહિત. ઠાકુર તેની છાતીએ હાથ મૂકીને ‘શાંત થાઓ’, ‘શાંત થાઓ’ એમ બોલે છે. રાખાલની આ પ્રથમ ભાવ-અવસ્થા. (અમારા મતે આ બીજી ભાવ-અવસ્થા છે. માસ્ટર મહાશય પોતે જ ૧૯ સપ્ટેમ્બર, ૧૮૮૪ના દિવસના ઉલ્લેખમાં કહે છે, ‘રાખાલની પ્રથમ ભાવ-અવસ્થા ૧૮૮૧’) એ કોલકાતામાં હોય ત્યારે પોતાના પિતાને ઘેર રહે, વચ્ચે વચ્ચે ઠાકુરનાં દર્શન કરવા જાય. એ અરસામાં તેઓ શ્યામપુકુરમાં આવેલી વિદ્યાસાગર મહાશયની સ્કૂલમાં કેટલાક દિવસ ભણ્યા હતા.

ઠાકુરે માસ્ટરને દક્ષિણેશ્વરમાં કહ્યું હતું કે હું કોલકાતામાં બલરામને ઘેર જવાનો છું, તમે આવજો; એટલે એ એમનાં દર્શન કરવા આવ્યા છે. ૨૮ ફાગણ, ૧૨૮૮, કૃષ્ણા ષષ્ઠી, સને ૧૮૮૨ની ૧૧મી માર્ચ, શનિવાર. શ્રીયુત્ બલરામ ઠાકુરને આમંત્રણ આપીને તેડી લાવ્યા છે.

ભક્તો ઓસરીમાં બેસીને પ્રસાદ લઈ રહ્યા છે. બલરામ સેવકની માફક ઊભા છે. તેમને જોતાં એમ ન લાગે કે એ આ ઘરના માલિક હશે.

માસ્ટર આજે અહીં નવાસવા આવ્યા છે. હજી સુધી ભક્તોની સાથે પરિચય થયો નથી. માત્ર દક્ષિણેશ્વરમાં નરેન્દ્રની સાથે વાતચીત થયેલી.

(સર્વધર્મસમન્વય)

કેટલાક દિવસ પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર શિવમંદિરનાં પગથિયાંની ઉપર ભાવમગ્ન થઈને બેઠેલા છે. ચાર પાંચ વાગ્યાનો સમય હશે. માસ્ટર પાસે બેઠેલા છે.

થોડીક વાર પહેલાં ઠાકુર પોતાના ઓરડામાં જમીન ઉપર બિછાનું પાથરેલું હતું તેમાં આરામ કરતા હતા. હજી સુધી ઠાકુરની સેવાને માટે તેમની પાસે ભક્તોમાંથી કોઈ રહેતું નથી.

હૃદયના ચાલ્યા ગયા પછી ઠાકુરની સેવામાં મુશ્કેલી પડે છે. કોલકાતાથી માસ્ટર આવ્યા એટલે ઠાકુર તેમની સાથે વાતો કરતાં કરતાં, શ્રીરાધાકાન્તના મંદિરની સામેના શિવમંદિરનાં પગથિયાં પર આવીને બેઠા હતા. પરંતુ મંદિર જોતાં અચાનક ભાવમગ્ન થયા છે.

ઠાકુર જગન્માતાની સાથે વાતો કરી રહ્યા છે. બોલી રહ્યા છે કે ‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ મા, કોઈની ઘડિયાળ બરાબર ચાલતી નથી. તમને બરાબર સંપૂર્ણ રીતે કોણ સમજી શકે! પણ આતુર બનીને તમારું સ્મરણ કર્યે, તમારી કૃપાથી બધે રસ્તે થઈને તમારી પાસે પહોંચી શકાય. મા, ખ્રિસ્તીઓ દેવળમાં કેવી રીતે તમારી ઉપાસના કરે, તે એક વાર દેખાડો. પરંતુ મા, અંદર જાઉં તો માણસો શું કહેશે ? જો કંઈ બૂમરાણ થાય તો ? પાછા કાલિમંદિરમાં પેસવા ન દે તો ?… એટલે પછી દેવળનાં બારણાં પાસેથી જ દેખાડજો.

(ભક્તસંગે ભજનાનંદે – ગોવાળપ્રેમ – ‘પ્રેમસુરા’)

બીજે એક દિવસે ઠાકુર પોતાના ઓરડામાં નાની પાટ પર બેઠા છે. આનંદમય મૂર્તિ- સહાસ્યવદન. શ્રીયુત્ કાલીકૃષ્ણ (કાલીકૃષ્ણ ભટ્ટાચાર્ય પછીથી વિદ્યાસાગર કોલેજમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યના મુખ્ય શિક્ષક બન્યા હતા.) ની સાથે માસ્ટર આવી પહોંચ્યા.

કાલીકૃષ્ણને ખબર નહોતી કે તેનો મિત્ર તેને ક્યાં લઈ જાય છે. મિત્રે કહેલું કે કલાલની દુકાને જવું હોય તો મારી સાથે ચાલો; ત્યાં એક પીપ ભરીને દારૂ છે. માસ્ટરે આવીને ઠાકુરને પ્રણામ કરી લીધા પછી પોતાના મિત્રને જે કહ્યું હતું તે બધું કહી બતાવ્યું. ઠાકુર પણ હસવા લાગ્યા.

ઠાકુર બોલ્યા, ‘ભજનાનંદ, બ્રહ્માનંદ, એ આનંદ જ દારૂ, પ્રેમની સૂરા. માનવજીવનનો ઉદ્દેશ ઈશ્વર પર પ્રેમ થવો, ઈશ્વરને ચાહવો. ઈશ્વર પર ભક્તિ જ સાર વસ્તુ. જ્ઞાન વિચાર કરીને ઈશ્વરને જાણવો બહુ જ કઠણ. એમ કહીને ઠાકુર ગીત ગાવા લાગ્યાઃ

‘કોણ જાણે કાલી કેવી,

ષડ્દર્શન નવ પામે દર્શન,

આત્મારામનો આત્મા કાલી, પ્રણવ જેવું મોટું પ્રમાણ.

ઘટઘટમાં બિરાજે દેવી, ઇચ્છામયીની ઇચ્છા એવી,

માના ઉદરમાં બ્રહ્માંડ-ભાંડ, પ્રકાંડ જાણો રીતે કેવી ?

જાણે મહાકાલ કાલીનો મર્મ જેવો, બીજો કોણ જાણે તેવો;

મૂલાધારે સહસ્રારે, સદા યોગી કરે મનન.

કાલી પદ્મવનમાં હંસ સંગે, હંસી રૂપે કરે રમણ.

પ્રસાદ કહે લોકો હસે, કરવું મારે સિંધુ-તરણ,

મારું મન સમજે, પ્રાણ સમજે નહિ;

ધરું શશી થઈ વામન.

ઠાકુર શ્રીરામકૃષ્ણ વળી કહે છે કે ઈશ્વરને ચાહવો, એ જીવનનું ધ્યેય, જેમ કે વૃંદાવનમાં ગોપગોપીઓ, ગોવાળિયાઓ શ્રીકૃષ્ણને ચાહતા. જ્યારે શ્રીકૃષ્ણ મથુરા ગયા ત્યારે ગોવાળિયાઓ તેમના વિરહમાં રોતાં રોતાં ફરતા. એમ કહીને ઠાકુર ઊર્ધ્વદૃષ્ટિ કરીને ગીત ગાય છે –

‘જોઈ આવ્યો એક નવીન ગોવાળ,

નવીન તરુની ડાળ ધરીને,

નવીન વત્સ ખોળે લઈને,

બોલે ક્યાંહાં રે ભાઈ કનાઈ…

વળી ‘ક’ વિના અક્ષર ના’વે,

બોલે ક્યાં છો રે ભાઈ,

અને નયન- જળમાં તર્યે જાય…’

ઠાકુરનું પ્રેમભર્યું ગીત સાંભળીને માસ્ટરનાં નેત્રોમાં જળ ભરાઈ આવ્યાં.

અધ્યાય બીજો: શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના પ્રાણકૃષ્ણના ઘરે

ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કોલકાતામાં પધાર્યા છે. શ્યામપુકુરના શ્રીયુત્ પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના મકાનના બીજા મજલા પર દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. હજી હમણાં જ ભક્તો સાથે બેસીને ઠાકુરે પ્રસાદ લીધો છે. આજે બીજી એપ્રિલ રવિવાર, ઈ.સ. ૧૮૮૨; ૨૧ ચૈત્ર શુક્લ ચૌદશ (બંગાબ્દ). સમય બપોરના એક કે બે વાગ્યાનો હશે. કેપ્ટન આ લત્તામાં જ રહે છે. ઠાકુરની ઇચ્છા છે કે ત્યાં આરામ લીધા પછી કેપ્ટનને ઘેર જઈને તેમને મળી, કમલકુટિર નામને બંગલે શ્રીયુત્ કેશવ સેનને મળવા જવું. ઠાકુર પ્રાણકૃષ્ણના દીવાનખાનામાં બેઠા છે; રામ, મનોમોહન, કેદાર, સુરેન્દ્ર, ગિરીન્દ્ર (સુરેન્દ્રનો ભાઈ), રાખાલ, બલરામ, માસ્ટર વગેરે ભક્તો હાજર છે.

પડોશના ગૃહસ્થો અને બીજી આમંત્રિત વ્યક્તિઓ પણ છે. ઠાકુર શું બોલે છે એ સાંભળવા સારુ સૌ કોઈ ઉત્સુક થઈ રહ્યા છે.

ઠાકુર કહે છે, ‘ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય.

પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ ખાઈ જાય; જેનું આ ઐશ્વર્ય છે તેને શોધે નહિ. કામિનીકાંચન ભોગવવા સૌ કોઈ દોડે; પરંતુ તેમાં દુઃખ, અશાંતિ જ વધુ. સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા એટલે પછી નીકળવું કઠણ. સંસારમાં માણસ જાણે કે બળી જળી જાય.’

એક ભક્ત – ત્યારે હવે ઉપાય ?

(ઉપાય – સાધુસંગ અને પ્રાર્થના)

શ્રીરામકૃષ્ણ – ઉપાય સાધુસંગ અને પ્રાર્થના.

વૈદ્યની પાસે ગયા વિના રોગ મટે નહિ. સાધુસંગ એક દિવસ કર્યે વળે નહિ. હંમેશાં, તેની જરૂર; કારણ કે રોગ તો લાગેલો જ છે. તેમજ વૈદ્યની પાસે રહ્યા વિના નાડીજ્ઞાન થાય નહિ, તેથી સાથે સાથે ફરવું જોઈએ. ત્યારે કઈ કફની નાડી, કઈ પિત્તની નાડી એ બધું સમજાય.

ભક્ત – સાધુસંગનો શો ફાયદો થાય ?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરમાં અનુરાગ થાય, તેની ઉપર પ્રેમ આવે. ઈશ્વર માટે આતુરતા આવ્યા વિના કાંઈ ન વળે. સાધુસંગ કરતાં કરતાં ઈશ્વરને માટે પ્રાણ આકુળવ્યાકુળ થાય. જેમ કે ઘરમાં કોઈ બીમાર હોય તો મન હંમેશાં વ્યગ્ર રહ્યા કરે, કે કેમ કર્યે એ સાજું થાય. તેમ જો કોઈની નોકરી તૂટી ગઈ હોય, તો એ વ્યક્તિ જેમ આૅફિસે આૅફિસે ધક્કા ખાધા કરે, તેવી આતુરતા ઈશ્વરને માટે આવવી જોઈએ. જો કોઈ આૅફિસેથી જવાબ મળે કે જગા ખાલી નથી, તોય પાછો બીજે દિવસે આવીને પૂછે કે ‘આજે એકે જગા ખાલી પડી છે ?’

‘બીજો એક ઉપાય છેઃ આતુર થઈને ઈશ્વરની પ્રાર્થના. ઈશ્વર તો આપણો પોતાનો, તેને પ્રાર્થના કરવી જોઈએ કે તમે કેવા છો ? દર્શન આપો, દર્શન દેવાં જ પડશે, તમે મને ઉત્પન્ન શા માટે કર્યાે ?

શીખ સિપાઈઓએ કહેલું કે ઈશ્વર દયાળુ છે. મેં તેમને કહ્યું કે ‘એને દયાળુ કહેવો શા માટે ? તેણે આપણને પેદા કર્યા છે, તેથી જેનાથી આપણું ભલું થાય એવું જો એ કરે, તો એમાં શી નવાઈ ? માબાપ છોકરાંનું પાલન કરે, તેમાં વળી દયા શેની ? એ તો એણે કરવું જ પડે. એટલે ઈશ્વરની પાસે હઠપૂર્વક પ્રાર્થના કરવી જાઈએ. ઈશ્વર તો આપણી મા, આપણો બાપ. છોકરો જો અન્ન ખાવાનો ત્યાગ કરે તો બાપ મા ત્રણ વરસ અગાઉથી જ તેનો ભાગ કાઢી આપે. વળી જ્યારે છોકરું પૈસો માગે, અને વારેવારે કહ્યા કરે, ‘બા પૈસો આપ ને,’ તો પછી મા તેની હઠ જોઈને કંટાળીને પૈસા ફેંકી દે.

‘સાધુસંગથી બીજો એક લાભ થાય. સત્-અસત્નો વિચાર આવે. સત્ – એટલે નિત્ય પદાર્થ, એટલે કે ઈશ્વર; અસત્ એટલે કે અનિત્ય. અસત્ માર્ગે મન જાય તેની સાથે જ વિચાર કરવાનો. હાથી બીજાની કેળનું થડિયું ખાવા સારુ સૂંઢ લાંબી કરે કે તરત મહાવત અંકુશ મારે.

પાડોશી – મહાશય, પાપની ઇચ્છા શા માટે થતી હશે ?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરના આ જગતમાં બધા પ્રકાર છે. સત્પુરુષોને પણ તેમણે કર્યા છે, દુષ્ટ લોકોનેય તેમણે કર્યા છે. સદ્બુદ્ધિ ભગવાન જ આપે છે, અસદ્બુદ્ધિ પણ એ જ આપે છે.

(પાપની જવાબદારી અને કર્મફળ)

પાડોશી – તો તો પછી પાપ કરીએ તો આપણી કશી જવાબદારી નહિ !

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરનો નિયમ જ એવો છે કે પાપ કર્યે તેનું ફળ ભોગવવું પડે. મરચું ખાધે, તીખું લાગે ! મથુરબાબુએ જુવાનીમાં કેટલા ધંધા કરેલા, એટલે મૃત્યુ વખતે અનેક પ્રકારનાં દરદો થયેલાં. નાની અવસ્થામાં એટલું બધું જણાય નહિ. કાલીમંદિરે દેવતાઓને ધરાવવાનો ભોગ રાંધવા માટે કેટલાંક સુંદરી

વૃક્ષનાં (એક પ્રકારનું બળતણનું લાકડું) લાકડાં આવે. તેમાંનાં ભીનાં લાકડાં પહેલાં તો સારી રીતે બળ્યે જાય, એ વખતે એમની અંદર પાણી છે એ ખબર ન પડે. પણ લાકડું બળતાં બળતાં છેડો આવે ત્યારે અંદરનું બધું પાણી નીકળવા માંડે ને ફચ ફચ કરીને ચૂલો ઓલવી નાંખે. એટલે કે ક્રોધ, લોભ એ બધાંથી સાવચેત રહેવું જોઈએ. જુઓને, હનુમાને ક્રોધ કરીને લંકા બાળી દીધી, પણ પછી ખ્યાલ આવ્યો કે અશોકવનમાં સીતાજી રહ્યાં છે. ત્યારે પછી આકુળવ્યાકુળ થવા લાગ્યા કે પાછું સીતાને કાંઈ થાય તો ?

પાડોશી – તો પછી ઈશ્વરે દુષ્ટ લોકો કર્યા શા માટે ?

શ્રીરામકૃષ્ણ – એની મરજી, એની એવી લીલા. એની માયામાં વિદ્યા પણ છે, અને અવિદ્યા પણ છે. અંધકારની પણ જરૂર છે. અંધકાર હોય તો પ્રકાશનો મહિમા વધુ જણાય. કામ, ક્રોધ, લોભ વગેરે ખરાબ ખરાં, તો પછી ભગવાને એ આપ્યાં શું કામ? મહાન પુરુષો તૈયાર કરવા માટે. ઇન્દ્રિયજય કરવાથી મહાન થાય. જિતેન્દ્રિય શું ન કરી શકે ? ઈશ્વરપ્રાપ્તિ સુધ્ધાં એની કૃપાથી કરી શકે. તેમ વળી બીજી બાજુએ જુઓ તો કામવાસનાથી ભગવાનની સૃષ્ટિલીલા ચાલી રહી છે.

દુષ્ટ માણસોની પણ જરૂર છે. એક તાલુકાના લોકો બહુ જ ઉદ્ધત થઈ ગયેલા. એટલે ગોલોક ચૌધરી નામના એક માણસને ત્યાં વ્યવસ્થા જાળવવા માટે મોકલી આપવામાં આવ્યો. તેણે એવો કડક બંદોબસ્ત સ્થાપી દીધો કે તેના નામથી લોકો ઘ્રૂજવા લાગ્યા, એવો કડક તેનો કારભાર. બધાની જરૂર છે. સીતા કહે કે રામ, અયોધ્યામાં બધીયે મોટી મોટી આલેશાન ઇમારતો હોય તો બહુ સારું થાય; હું તો જોઉં છું તો ઘણાંય મકાનો જૂનાં, પુરાણાં, પડી ગયેલાં છે. રામે જવાબ આપ્યો કે, સીતા, જો બધાંય મકાન સુંદર ને આલેશાન થઈ જાય તો પછી કડિયા શું કરે? (સૌનું હાસ્ય.)

‘ઈશ્વરે સર્વ પ્રકારનું કર્યું છેઃ સારાં ઝાડ છે તેમ ઝેરી વૃક્ષો પણ છે. જાનવરોની અંદર સારાં નરસાં એમ બધાંય છેઃ વાઘ, સિંહ, સાપ વગેરે.’

(સંસારમાં પણ ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે અને બધાંની મુક્તિ થશે)

પાડોશી – મહાશય, સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય ?

શ્રીરામકૃષ્ણ – જરૂર પામી શકાય. પણ જે કહ્યું તે સાધુસંગ, અને નિરંતર પ્રાર્થના કરવાં જોઈએ. ઈશ્વરની પાસે રડવું જોઈએ. મનનો મેલ બધો ધોવાઈ જાય તો ઈશ્વરનાં દર્શન થાય. મન જાણે કે ધૂળ ચડેલી લોઢાની સોય, ઈશ્વર જાણે કે લોહચુંબક પથ્થર. ઉપરની ધૂળ ધોવાઈ ગયા વિના લોહચુંબકની સાથે સોય જોડાય નહિ. રુદન કરતાં કરતાં સોય પરની માટી ધોવાઈ જાય. સોય પરની માટી એટલે કે કામ, ક્રોધ, લોભ, પાપી વિચારો, વિષયવાસના. એ માટી ધોવાઈ જતાંવેંત સોયને લોહચુંબક ખેંચી લે, અર્થાત્ ઈશ્વરદર્શન થાય. ચિત્તશુદ્ધિ થાય ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. તાવ આવ્યો છે, દેહમાં કેટલાય ઝેરી રસો ભેગા થયા છે, ત્યારે માત્ર કવીનાઈનથી શું વળે ? સંસારમાં ઈશ્વરદર્શન ન થાય શા માટે ? સત્સંગ, રડી રડીને પ્રાર્થના, વચ્ચે વચ્ચે એકાંત નિર્જન સ્થળમાં વાસ, આ બધાંથી થાય. જેમ વાડ ન કરીએ તો રસ્તા પરના નાના છોડને ગાયબકરાં ખાઈ જાય, તેમ મનને આ બધાંની વાડ કરવી જોઈએ.

પાડોશી – તો તો પછી, જેઓ સંસારમાં રહ્યા છે તેમનીયે મુક્તિ થવાની ?

શ્રીરામકૃષ્ણ – મુક્તિ સર્વ કોઈની થવાની, પણ ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તવું જોઈએ. આડે રસ્તેથી ગયે પાછા ફરી આવતાં મુશ્કેલી પડે, મુક્તિ ઘણી જ મોડી થાય. કાં તો આ જન્મમાં થાય જ નહિ અથવા કેટલાય જન્મો પછી થાય. જનક વગેરેએ સંસારમાં રહીનેય સાધના કરી હતી. ઈશ્વરને માથા પર રાખીને કામ કરતા; નાચવાવાળી જેમ માથા પર વાસણ રાખીને નાચે તેમ. અને પશ્ચિમ (ભારતની)ની સ્ત્રીઓને તમે જોઈ નથી ? માથા પર પાણીનું આખું બેડું હોય અને હસતી હસતી વાતો કરતી જતી હોય.

પાડોશી – આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે ?

શ્રીરામકૃષ્ણ – ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય તરતું ચાલ્યું જાય, અને કેટલાંય જીવજંતુઓ પણ તેના પર બેસીને જઈ શકે. પણ પોલું ફોફાં જેવું લાકડું, જો તેના ઉપર કોઈ બેસે તો તે પોતેય ડૂબી જાય અને જે બેસે તેય ડૂબી જાય. એટલા માટે ઈશ્વર પોતે યુગે યુગે લોકોને ઉપદેશ આપીને માર્ગ બતાવવા માટે ગુરુરૂપે અવતાર લે; સચ્ચિદાનંદ ગુરુ.

‘જ્ઞાન કોને કહે; અને હું કોણ ? ‘ઈશ્વર જ કર્તા, બીજા બધા અકર્તા’ એ અનુભવવાનું નામ જ્ઞાન. હું અકર્તા, ઈશ્વરના હાથનું યંત્ર. એટલે હું કહું, કે ‘મા, તમે યંત્ર; તમે ઘરમાલિક, હું ઘર; હું ગાડી, તમે ગાડી ચલાવનાર; જેમ ચલાવો તેમ ચાલું, જેમ કરાવો તેમ કરું; જેમ બોલાવો તેમ બોલું; નાહં, નાહં તુંહિ તુંહિ.’

અધ્યાય ત્રીજો: કમલકુટિરમાં શ્રીરામકૃષ્ણ અને શ્રી કેશવચંદ્ર સેન

શ્રીરામકૃષ્ણ કપ્તાનને ઘરે થઈને શ્રીકેશવચંદ્ર સેનના ‘કમલકુટિર’ નામના મકાને આવ્યા છે. એમની સાથે રામ, મનોમોહન, સુરેન્દ્ર, માસ્ટર વગેરે અનેક ભક્ત લોકો છે. બધા બે માળના હાૅલમાં બેઠા છે. શ્રી પ્રતાપ મજુમદાર, શ્રી ત્રૈલોક્ય આદિ બ્રાહ્મભક્તો પણ હાજર છે.

શ્રીરામકૃષ્ણ કેશવને ખૂબ ચાહે છે. જે સમયગાળામાં બેલઘરિયાના બગીચામાં તેઓ શિષ્યોની સાથે સાધનભજન કરતા હતા ત્યારે (અર્થાત્ ઈ.સ. ૧૮૭૫ના માઘોત્સવ પછી કેટલાક દિવસોમાં) એક દિવસ શ્રીરામકૃષ્ણ બગીચામાં જઈને એમને મળ્યા હતા. સાથે એમના ભાણેજ હૃદયરામ હતા.

બેલઘરિયાના આ બગીચામાં એમણે શ્રી કેશવ સેનને કહ્યુંઃ ‘તમારી પૂંછડી ખરી ગઈ છે. અર્થાત્ તમે સર્વકંઈ છોડીને સંસારની બહાર પણ રહી શકો છો અને સંસારમાં પણ રહી શકો છો. જે રીતે દેડકાના બચ્ચાની પૂંછડી ખરી પડે ત્યારે તે પાણીમાં પણ રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે.’ ત્યારબાદ દક્ષિણેશ્વરમાં, કમલકુટિરમાં બ્રાહ્મસમાજ વગેરે સ્થળોએ અનેકવાર શ્રીરામકૃષ્ણે કરેલા વાર્તાલાપોમાં એમને ઉપદેશ આપ્યો હતોઃ ‘અનેક પથોથી તથા અનેક ધર્માે દ્વારા ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે છે. વચ્ચે વચ્ચે નિર્જન-એકાંતમાં સાધનભજન કરીને ભક્તિલાભ કરીને સંસારમાં રહી શકાય છે. જનક આદિ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને સંસારમાં રહ્યા હતા. વ્યાકુળ બનીને એમને પોકારવા પડે છે ત્યારે તેઓ દર્શન દે છે. તમે લોકો જે કંઈ કરો છો, નિરાકારની સાધના, એ ઘણું સારું છે. બ્રહ્મજ્ઞાન થવાથી બરાબર અનુભવ કરશો કે ઈશ્વર સત્ય છે અને બીજું બધું અનિત્ય; બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. સનાતન હિંદુધર્મમાં સાકાર અને નિરાકાર એ બંને માન્ય છે. અનેક ભાવે ઈશ્વરની પૂજા થાય છેઃ શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, મધુર. શરણાઈ વગાડતી વખતે એક માણસ કેવળ પુંઉંઉં જ વગાડે છે. પરંતુ, એના વાદ્યમાં સાત છેદ હોય છે. બીજો માણસ, જેના વાદ્યમાં સાત છેદ છે, તે અનેક રાગરાગિણીઓ છેડે છે.’

‘તમે લોકો સાકારને નથી માનતા એમાં કાંઈ હાનિ નથી; નિરાકારમાં નિષ્ઠા રહેવાથી પણ થઈ શકે છે. પરંતુ, સાકારવાદીઓના માત્ર પ્રેમના આકર્ષણને લેવું. મા કહીને તેમને પોકારવાથી ભક્તિપ્રેમ ખૂબ વધી જાય છે. ક્યારેક દાસ્ય, ક્યારેક સખ્ય, ક્યારેક વાત્સલ્ય, ક્યારેક મધુરભાવ. કોઈ કામના નથી, એમને ચાહું છું, આ ઘણો સારો ભાવ છે. એનું નામ છે અહૈતુકી ભક્તિ. રૂપિયા પૈસા, માન આબરુ, એવું કંઈ ઇચ્છતો નથી, ચાહું છું કેવળ તમારાં ચરણકમળોમાં ભક્તિ. વેદ, પુરાણ, તંત્રમાં એક ઈશ્વરની અને એમની લીલાની વાત છે. જ્ઞાનભક્તિ બંને છે. સંસારમાં નોકરાણીની જેમ રહો. નોકરાણી બધાં કામ કરે છે પણ એનું મન રહે છે પોતાના ઘરે. પોતાના શેઠનાં બાળકોને પાળે પોષે છે, ‘મારો હરિ, મારો રામ’ એમ પણ કહે છે, પરંતુ તે બરાબર જાણે છે કે આ છોકરા એના નથી. તમે લોકો જે નિર્જન – એકાંતમાં સાધના કરો છો એ ઘણું સારું છે. એમની કૃપા થશે. જનકરાજાએ નિર્જનમાં કેટલી સાધના કરી હતી ! સાધના કર્યા પછી જ સંસારમાં નિર્લિપ્ત બનવું સંભવ છે.’

‘તમે લોકો ભાષણ આપો છો, બધાના ઉપકાર માટે; પરંતુ ઈશ્વરને પ્રાપ્ત કર્યા પછી તથા એમનાં દર્શન મેળવ્યા પછી જ ભાષણ દેવાં ઉપકારક બને છે. એમનો આદેશ પામ્યા વિના બીજાને ઉપદેશ કે બોધ દેવો ઉપકારક નથી. ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના એમનો આદેશ મળતો નથી.

ઈશ્વરપ્રાપ્તિનાં લક્ષણ આ છેઃ મનુષ્ય બાળક જેવો, જડ જેવો, ઉન્માદ જેવો, પિશાચ જેવો બની જાય છે; જેમ કે શુકદેવ વગેરે. ચૈતન્યદેવ ક્યારેક બાળકની જેમ, ક્યારેક પાગલની જેમ નૃત્ય કરતા; તેઓ હસતા, રોતા, નાચતા અને ગાતા. પુરીધામમાં તેઓ જ્યારે હતા ત્યારે બહુધા જડસમાધિમાં જ રહેતા હતા.

(શ્રી કેશવચંદ્ર સેનની હિંદુધર્મ પર ઉત્તરોત્તર શ્રદ્ધા)

આ રીતે અનેક સ્થળોએ શ્રીરામકૃષ્ણે આપેલા અનેક વાર્તાલાપોમાં શ્રીકેશવચંદ્ર સેનને અનેક રીતે ઉપદેશ આપ્યો હતો. બેલઘરિયાના બગીચામાં પ્રથમ દર્શન પછી કેશવ સેને ૨૮મી માર્ચ, ઈ.સ. ૧૮૭૫ના રવિવારના ‘મિરર’ સમાચારપત્રમાં લખ્યું હતુંઃ ‘અમે, થોડા દિવસ પહેલાં દક્ષિણેશ્વરના બેલઘરિયાના બગીચામાં પરમહંસ શ્રીરામકૃષ્ણનું દર્શન કર્યું હતું. એમનાં ગંભીરતા, અંતર્દૃષ્ટિ, બાલસહજસ્વભાવ જોઈને અમે મુગ્ધ થઈ ગયા છીએ. તેઓ શાંત સ્વભાવ તથા કોમળ પ્રકૃતિના છે અને જોવાથી એમ લાગે કે જાણે તેઓ સદા યોગમાં રહે છે. હવે અમારું એવું અનુમાન થાય છે કે હિંદુધર્મના ગંભીરતમ પ્રદેશોનું અનુસંધાન કરવાથી કેટલી સુંદરતા, સત્યતા તથા સાધુતા જોવા મળે છે ! જો આવું ન હોત તો પરમહંસની જેમ ઈશ્વરીભાવમાં ભાવિત યોગીપુરુષ જોવા જ કેમ મળે?

(We met not long ago Paramhamsa of Dakshineswar, and were charmed by the depth, penetration and simplicity of his spirit. The never-ceasing metaphors and analogies in which he indulged, are most of them as apt as they are beautiful. The characteristics of his mind are the very opposite to those of Pandit Dayananda Saraswati, the former being so gentle, tender and contemplative, as the latter is sturdy, masculine and polemical.

 

 

 

(- Indian Mirror, 28th March, 1875)…. Hinduism must have in it a deep source of beauty, truth and goodness to inspire such men as these. (Sunday Mirror, 28th March, 1875.)

ઈ.સ. ૧૮૭૬ના જાન્યુઆરીમાં ફરી માઘોત્સવ આવ્યો. એમણે ટાઉનહાૅલમાં ભાષણ આપ્યું. વિષય હતોઃ ‘બ્રાહ્મધર્મ અને આપણો અનુભવ.’ (Our Faith and Experiences) એમાં પણ તેમણે હિંદુધર્મની સુંદરતા વિશે અનેક વાતો કરી.

(If the ancient Vedic Aryan is gratefully honoured today for having taught us the deep truth of the Nirakar or the bodiless Spirit, the same loyal homage is due to the later Puranic Hindu for having taught us religious feelings in all their breadth and depth.” “In the days of the Vedas and the Vedanta, India was all Communion (Joga). In the day of the Puranas, India was all emotion (Bhakti). The highest and best feelings of religion have been cultivated under the guardianship of specific divinities.” – ‘Our Faith and Experiences’, lecture delivered in January, 1876.)

શ્રીરામકૃષ્ણ એમના પર જેવો પ્રેમભાવ રાખતા હતા, શ્રીકેશવસેનને પણ એમના પ્રત્યે એવી જ ભક્તિભાવના હતી. પ્રાયઃ દર વર્ષે બ્રાહ્મોત્સવના સમયે તથા બીજા સમયે પણ શ્રીકેશવસેન દક્ષિણેશ્વર જતા હતા અને એમને કમલકુટિરમાં લાવતા. ક્યારેક ક્યારેક એકલા કમલકુટિરના બીજા માળે ઉપાસનાગૃહમાં એમને પરમ અંતરંગ માનીને ભક્તિભાવ સાથે લઈ જતા તથા એકાંતમાં ઈશ્વરની પૂજા કરતા અને આનંદ કરતા.

ઈ.સ. ૧૮૭૯ના ભાદ્રોત્સવના સમયે કેશવસેન શ્રીરામકૃષ્ણને ફરીથી નિમંત્રણ આપીને બેલઘરિયાના તપોવનમાં લઈ ગયા – ૧૫ સપ્ટેમ્બર, સોમવાર (૩૧ ભાદ્ર, ૧૨૮૬, કૃષ્ણા ચતુર્દશી) અને વળી પાછા ૨૧ સપ્ટેમ્બરે કમલકુટિરના ઉત્સવમાં સામેલ થવા લઈ ગયા. એ વખતે શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ થતાં બ્રાહ્મભક્તો સાથે એમનો ફોટો લેવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણ ઊભા ઊભા સમાધિભાવમાં આવ્યા છે, હૃદય એમને પકડીને ઊભો છે. ૨૨ આૅક્ટોબર, ૬ કાર્તિક, ૧૨૮૬, બુધવારની મહાષ્ટમી – નવમીના દિવસે કેશવ સેને દક્ષિણેશ્વર જઈને એમનાં દર્શન કર્યાં.

૨૯ આૅક્ટોબર, ૧૮૭૯, બુધવાર (૧૩ કાર્તિક, ૧૨૮૬)ની શરદપૂર્ણિમાના દિવસે ૧ વાગ્યાના સમયે શ્રી કેશવ સેન વળી પાછા ભક્તો સાથે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા ગયા હતા. સ્ટીમરની સાથે શણગારેલી એક મોટી નૌકા, છ બીજી નૌકાઓ અને બે નાની મોટી નાવડી પણ હતી. આશરે ૮૦ જેટલા ભક્તો હતા, એમની સાથે ધ્વજા, પુષ્પપર્ણ, મૃદંગ-કરતાલ અને ભેરી પણ હતાં. હૃદયે અભ્યર્થ્યના કરીને શ્રી કેશવ સેનને સ્ટીમરમાંથી ઉતારી લાવ્યા અને એ પણ ગીત ગાતાં ગાતાં. ગીતનો મર્મ આવો છેઃ ‘સૂરધુનિના તટ પર કોણ હરિનું નામ લે છે, સંભવતઃ પ્રેમ દેનારા નિતાઈ આવ્યા છે.’ બ્રાહ્મભક્તગણ પણ પંચવટીથી ‘સચ્ચિદાનંદ વિગ્રહ રૂપાનંદઘન’ એ કીર્તન કરતાં કરતાં એમની સાથે આવવા લાગ્યા. એમની વચ્ચે હતા શ્રીરામકૃષ્ણ અને વચ્ચે વચ્ચે તેઓ સમાધિ અવસ્થામાં મગ્ન બની જતા હતા. એ દિવસે સંધ્યા સમય પછી ગંગાજીના ‘બાંધા’ ઘાટ પર પૂર્ણચંદ્રના પ્રકાશમાં કેશવ સેને ઉપાસના કરી હતી.

ઉપાસના પછી શ્રીરામકૃષ્ણ કહેવા લાગ્યાઃ તમે સૌ બોલોઃ ‘બ્રહ્મ-આત્મા-ભગવાન’; ‘બ્રહ્મ-માયા-જીવ-જગત’; ‘ભાગવત-ભક્ત-ભગવાન’. કેશવ વગેરે બ્રાહ્મભક્તગણ એ ચંદ્રકિરણમાં ભાગીરથીના તટે એક સ્વરે શ્રીરામકૃષ્ણ સાથે એ બધા મંત્રોનું ભક્તિભાવ સાથે ઉચ્ચારણ કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ ફરીથી બોલ્યાઃ બોલોઃ ‘ગુરુ-કૃષ્ણ-વૈષ્ણવ’; ત્યારે કેશવ સેને આનંદપૂર્વક હસતાં હસતાં કહ્યુંઃ ‘મહારાજ, આ સમયે આટલું બધું વધારે નહિ. જો અમે ‘ગુરુ-કૃષ્ણ-વૈષ્ણવ’ કહીએ તો લોકો અમને કટ્ટરપંથી કહેશે.’

શ્રીરામકૃષ્ણ પણ હસવા લાગ્યા અને કહ્યુંઃ ‘સારું, તમે (બ્રાહ્મ લોકો) જ્યાં સુધી જઈ શકો એટલું જ કહો.’

કેટલાક દિવસો પછી ૧૩ નવેમ્બર, (૨૮ કાર્તિક) ઈ.સ.૧૮૭૯ની કાલીપૂજા પછી રામ, મનોમોહન અને ગોપાલમિત્રે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણનું પ્રથમ દર્શન કર્યું.

ઈ.સ. ૧૮૮૦માં એક દિવસે ગ્રીષ્મકાળે રામ અને મનોમોહન કમલકુટિરમાં કેશવ સેન સાથે મળવા આવ્યા છે. કેશવબાબુનો શ્રીરામકૃષ્ણ વિશે શું અભિપ્રાય છે એ જાણવાની એમની પ્રબળ ઇચ્છા હતી.

એમણે કેશવબાબુને જ્યારે આવો પ્રશ્ન કર્યાે ત્યારે તેમણે જવાબ આપ્યોઃ ‘દક્ષિણેશ્વરના પરમહંસ સાધારણ વ્યક્તિ નથી, આ સમયે પૃથ્વીભરમાં આટલી મહાન વ્યક્તિ બીજી કોઈ નથી. તેઓ એટલી સુંદર અને એટલી અસાધારણ વ્યક્તિ છે કે એમને ખૂબ સાવધાનીપૂર્વક રાખવા જોઈએ. સારસંભાળ ન લેવાથી એમનું શરીર વધારે ટકશે નહિ. આવી સુંદર મૂલ્યવાન વસ્તુને કાચના કબાટમાં રાખવી જોઈએ.’

(પ્રથમ જેઠ, ૧૪ મે, ૧૮૭૫. શ્રીરામકૃષ્ણ ફરી બેલઘરિયાના બગીચામાં આવ્યા. Bharat Asram Libel Suit (મુકદ્દમો) ૩૦ એપ્રિલ, ૧૮૭૫, ૧૮ વૈશાખ, ૧૨૮૨ બંગાબ્દ પૂરો થયો. કેશવ ત્યારે એ જ બગીચામાં રહેતા હતા. ૧૮૮૦માં ૩ માર્ચ, બુધવાર (૨૧ ફાગણ) થી ૧૦ ઓક્ટોબર (૨૫ આસો) સુધી શ્રીરામકૃષ્ણદેવ કામારપુકુરમાં ૮ માસ હતા. ત્યારે તેમણે સિઓડ, શ્યામબજાર, કયાપાટમાં કીર્તનાનંદ કર્યાે હતો. (કામારપુકુરથી) પાછા આવતી વખતે કોતુલપુરના ભદ્રના ઘરે સપ્તમી પૂજાની આરતી શ્રીરામકૃષ્ણદેવે જોઈ હતી. રસ્તામાં કેશવસેનના બ્રાહ્મોસમાજના ભક્તો સાથે મુલાકાત થઈ હતી. તેઓ દ્વારા જાણવા મળ્યું કે ઠાકુરનાં ઘણા સમય સુધી દર્શન ન થવાથી કેશવ ચિંતિત થયા છે. એ સમયે કામારપુકુરમાં રહેતી વખતે (ગૃહદેવતા) રઘુવીરની પૂજા માટે જમીન ખરીદવામાં આવી હતી.)

ત્યાર પછી થોડા દિવસો બાદ ઈ.સ. ૧૮૮૧માં માઘોત્સવના સમયે જાન્યુઆરી મહિનામાં શ્રી કેશવ સેન શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા માટે દક્ષિણેશ્વર ગયા હતા. એ સમયે ત્યાં રામ, મનોમોહન, જયગોપાલ સેન વગેરે અનેક ઉપસ્થિત હતા.

૧૨૮૮, ૧ શ્રાવણ કૃષ્ણ ચતુર્થી, શુકન્વાર, ૧૫મી જુલાઈ, ઈ.સ. ૧૮૮૧ના રોજ શ્રી કેશવ સેન ફરીથી શ્રીરામકૃષ્ણને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં લઈ ગયા.

ઈ.સ. ૧૮૮૧ના નવેમ્બર માસમાં મનોમોહનના મકાને જે સમયે શ્રીરામકૃષ્ણનું શુભાગમન તથા ઉત્સવ થયો હતો તે સમયે પણ આમંત્રિત થઈને શ્રી કેશવ સેન ઉત્સવમાં સામેલ થયા હતા. શ્રી ત્રૈલોક્ય આદિએ ભજન ગાયાં હતાં.

ઈ.સ. ૧૮૮૧ના ડિસેમ્બર માસમાં શ્રીરામકૃષ્ણ આમંત્રિત મહેમાન બનીને રાજેન્દ્ર મિત્રના મકાને ગયા હતા. શ્રી કેશવ સેન પણ ત્યાં ગયા હતા. આ મકાન ઠનઠનિયાના બેચૂ ચેટર્જી સ્ટ્રીટમાં આવેલ છે. રાજેન્દ્ર રામ તથા મનોમોહનના માસા હતા. રાજેન્દ્રે રામ, મનોમોહન, બ્રાહ્મભક્ત રાજમોહન તથા કેશવ સેનને સમાચાર આપીને આમંત્રિત કર્યા હતા.

કેશવને જે સમયે સમાચાર આપવામાં આવ્યા તે સમયે તેઓ ભાઈ અઘોરનાથના શોકમાં અશૌચ અવસ્થામાં હતા. પ્રચારક ભાઈ અઘોરે ૨૪ અગ્રહાયણ, ૮ ડિસેમ્બર અને ગુરુવારના રોજ લખનૌ શહેરમાં દેહત્યાગ કર્યાે હતો. બધાનું અનુમાન એવું હતું કે કેશવ સેન આવી શકશે નહિ. સમાચાર મળતાં શ્રી કેશવ સેન બોલ્યાઃ ‘આ તે કેવું ! પરમહંસ મહાશય આવશે અને હું ન જાઉં ? અવશ્ય જઈશ જ. અશૌચમાં છું એટલે હું અલગ સ્થાને બેસીને ખાઈશ.’

મનોમોહનની માતા પરમભક્તિમતી શ્યામાસુંદરીદેવીએ શ્રીરામકૃષ્ણને ભોજન પીરસ્યું. રામ ભોજન સમયે પાસે જ ઊભા હતા. જે દિવસે રાજેન્દ્રના ઘરે શ્રીરામકૃષ્ણે શુભાગમન કર્યું તે દિવસના ત્રીજે પહોરે સુરેન્દ્રે એમને ચીનાબજારમાં લઈ જઈને એમનો ફોટો પડાવ્યો. શ્રીરામકૃષ્ણ સમાધિભાવમાં ઊભા છે.

ઉત્સવના દિવસે મહેન્દ્ર ગોસ્વામીએ ભાગવતની કથા કરી.

જાન્યુઆરી, ઈ.સ.૧૮૮૨ માઘોત્સવના ઉપલક્ષ્યમાં સિમુલિયા બ્રાહ્મસમાજના ઉત્સવમાં જ્ઞાન ચૌધરીના મકાને શ્રીરામકૃષ્ણ અને કેશવ સેન આમંત્રિત મહેમાનરૂપે ઉપસ્થિત હતા. આંગણામાં કીર્તન થયાં. આ સ્થળે શ્રીરામકૃષ્ણે પહેલી જ વાર નરેન્દ્રનું ગીત સાંભળ્યું અને એને દક્ષિણેશ્વર આવવા માટે કહ્યું.

ઈ.સ. ૧૮૮૨ના ફેબ્રુઆરીની તા. ૨૩મી, ૧૨ ફાગણ, ગુરુવારે શ્રી કેશવ, ફરી વાર દક્ષિણેશ્વરે શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા ભક્તો સાથે આવેલા. સાથે જોસેફ કૂક તથા એક અમેરિકન પાદરી મિસ પીગોટ સાથે બ્રાહ્મભક્તો. કેશવે ઠાકુરને સ્ટીમરમાં સાથે લઈ લીધેલા. કૂકસાહેબે શ્રીરામકૃષ્ણની સમાધિ અવસ્થા જોઈ. શ્રીયુત્ નગેન્દ્ર પણ એ સ્ટીમરમાં હતા. તેમના મુખેથી બધું સાંભળીને માસ્ટરે દસ પંદર દિવસની અંદર જ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણનાં પહેલવહેલાં દર્શન કર્યાં હતાં.

ત્રણ માસ બાદ, એપ્રિલ મહિનામાં શ્રીરામકૃષ્ણ કમલકુટિરે કેશવને મળવા આવેલા. એ વખતનું થોડું વિવરણ આ અધ્યાયમાં અપાયું છે.

(શ્રીરામકૃષ્ણનો શ્રી કેશવ પ્રત્યે સ્નેહ – જગન્માતાની પાસે સાકર-નાળિયેરની માનતા)

આજે કમલકુટિરના દીવાનખાનામાં ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે બિરાજમાન છે. ઈ.સ. ૧૮૮૨ના એપ્રિલની બીજી તારીખ, સાંજે પાંચ વાગ્યા છે. કેશવ અંદરના ઓરડામાં હતા, તેમને ખબર પહોંચાડવામાં આવ્યા. એ પહેરણ પર ખેસ નાખી બહાર આવીને તેમણે પ્રણામ કર્યા. તેમના ભક્તમિત્ર શ્રી કાલીનાથ બસુ બીમાર હતા, કેશવ તેમને જોવા જવાના હતા.

ઠાકુર આવ્યા એટલે કેશવનું જવાનું બંધ રહ્યું. ઠાકુર કહે છે કે તમારે ઘણાં કામકાજ, સમાચારપત્રોમાં લખવાનું હોય, એટલે ત્યાં (દક્ષિણેશ્વર) આવવાનો સમય ન મળે, તેથી હું જ તમને મળવા આવ્યો છું. તમારી તબિયત સારી નથી એ સાંભળીને મેં માતાજીની નાળિયેર-સાકરની માનતા કરેલી. માને કહ્યું ‘મા, કેશવને જો કાંઈ થાય તો કોલકાતા જાઉં ત્યારે વાતો કોની સાથે કરવી?’

શ્રીયુત્ પ્રતાપ વગેરે બ્રાહ્મભક્તોની સાથે શ્રીરામકૃષ્ણ કેટલીયે વાતો કરી રહ્યા છે. પાસે માસ્ટર બેઠા છે એ જોઈ શ્રીઠાકુર કેશવને કહે છે કે આ કેમ ત્યાં (દક્ષિણેશ્વર) આવતા નથી એ પૂછો તો જરા; આમ તો એ ઘણું કહે છે કે સ્ત્રીપુત્રાદિ ઉપર મન નથી!’ માસ્ટર તરતમાં, હજી એક મહિનો થયો ઠાકુરની પાસે નવાનવા આવજા કરવા લાગ્યા છે. છેવટની વખતે ત્યાં જવામાં કેટલાક દિવસનો વિલંબ થયો છે એટલે ઠાકુર આવી રીતે બોલે છે. ઠાકુરે કહી રાખ્યું છે કે આવતાં વધારે દિવસો થવાના હોય તો મને કાગળ લખજો.

બ્રાહ્મભક્તો શ્રીયુત્ સામાધ્યાયીને દેખાડીને ઠાકુરને કહે છે કે આ પંડિત, વેદ વગેરે શાસ્ત્રો ખૂબ ભણ્યા છે. ઠાકુર કહે છે કે હા, એની આંખોમાંથી એની અંદરનું બધું દેખી શકાય છે, જેમ કાચના દરવાજામાંથી ઓરડાની અંદરનું બધું દેખી શકાય તેમ.

શ્રીયુત્ ત્રૈલોક્ય ગીત ગાય છે. ગીત ગાતાં ગાતાં સંધ્યાના દીવા પેટાવવામાં આવ્યા. ગીત ચાલવા લાગ્યું. ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર અચાનક ઊભા થઈ ગયા, અને માનું નામ લેતાં લેતાં સમાધિમગ્ન! સહેજ સ્વસ્થ થઈને નૃત્ય કરતાં કરતાં પોતે જ ગાવા લાગ્યાઃ

સુરાપાન કરું નહીં હું, સુધા પીઉં જય કાલી બોલી…

શ્રીયુત્ કેશવને ઠાકુર સ્નેહમય નેત્રે જોઈ રહ્યા છે. જાણે કે એ તદ્દન આપ્તજન. અને જાણે કે કેશવ પાછા બીજા કોઈના અર્થાત્ સંસારના થઈ જાય એ બીકે તેમના સામે જોઈને વળી પાછું ગીત ઉપાડ્યુંઃ

‘વાત કે’તાંયે ડરું, ન કહેતાંયે ડરું,

મનમાં સંદેહ મને થાય કે તને હારું.

હું તો જાણું છું મન તારું, મંત્ર દીધો તને એ સારુ,

હવે તું જાણે મન તારું તરું જે મંત્રે ને તારું.’

હું જાણું છું કે તારું મન શું છે, એથી તને તે મંત્ર આપ્યો. હવે તું તારું મન જાણે. અર્થાત્ સર્વ છોડીને ભગવાનને સમરો, એ જ સત્ય, બાકી બધું મિથ્યા. ભગવાનને ન મેળવ્યા તો કાંઈ જ વળ્યું નહિ. એ જ મહામંત્ર.

વળી પાછા બેસી જઈને ભક્તોની સાથે વાતો કરે છે.

ઠાકુરને જલપાન કરાવવાની તૈયારી થાય છે. ખંડની એક બાજુને ખૂણે એક બ્રાહ્મભક્ત પિયાનો બજાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ હસતે વદને; બાળકની પેઠે પિયાનાની પાસે જઈ ઊભા રહીને જુએ છે. થોડી વારમાં, સ્ત્રીઓ પ્રણામ કરી શકે એટલા માટે તેમને અંદરના ભાગમાં નાસ્તો કરવા લઈ જવામાં આવ્યા.

ઠાકુર શ્રીરામકૃષ્ણે નાસ્તો કર્યાે. પછી ગાડીમાં બેઠા. બ્રાહ્મભક્તો બધા ગાડીની પાસે ઊભા રહ્યા. કમલકુટિરથી ગાડી દક્ષિણેશ્વર મંદિર તરફ રવાના થઈ.