શ્રીરામકૃષ્ણદેવ

પુણ્યભૂમિ ભારત અનેક મહાન દિવ્ય આત્માઓની જન્મભૂમિ રહી છે. સાધુપુરુષોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા સર્વશક્તિમાન ઈશ્વર અને મહાપુરુષોના પૃથ્વી પરના અવતરણની ગાથાઓને મહાકાવ્યોમાં વણી લેવાઈ છે. ‘વિશ્વના દરેક ધર્મમાર્ગ એક જ ઈશ્વર તરફ દોરી જાય છે’ તેની ખાતરી કરાવવા નજીકના ભૂતકાળમાં, ભગવાને પૃથ્વી પર અવતરવાનું પસંદ કર્યું.

આ યુગમાં ઈશ્વર શ્રીરામકૃષ્ણ પરમહંસ તરીકે અવતર્યા. તેમના પિતા ક્ષુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતા ચંદ્રામણિદેવી હતાં. તેઓ ઘણા ગરીબ હતા, છતાં પણ પવિત્ર અને પ્રામાણિક હતા. તેઓ બંગાળના રમણીય ગામ કામારપુકુરમાં રહેતા હતા. ચંદ્રામણિદેવી ગરીબો પ્રત્યે ઘણાં પ્રેમાળ ને માયાળુ હતાં. ક્ષુદીરામ શ્રીરઘુવીરના ભક્ત હતા. તેમને જુઠ્ઠું બોલવું પસંદ ન હતું.

ગયા ધામે દર્શન

ઈ.સ.૧૮૩૫ના વર્ષમાં ક્ષુદીરામ ગયાની તીર્થયાત્રાએ ગયા હતા. ત્યાં તેમને એક અપૂર્વ સ્વપ્ન આવ્યું. ગયામાં ભગવાન વિષ્ણુ તરીકે ઓળખાતા, ગદાધર તેમની સમક્ષ ઉપસ્થિત થયા અને કહ્યું, ‘હું તમારા પુત્ર રૂપે જન્મ લઈશ.’ એ જ સમયે કામારપુકુરમાં ચંદ્રામણિ શિવમંદિરમાં પૂજન કરતાં હતાં. તેમણે જોયું કે શિવલિંગમાંથી તેજોમય કિરણો પોતાની તરફ આવી રહ્યાં છે. આ કિરણો તેમની ચોમેર ફરી વળ્યાં. તેઓ લગભગ બેહોશ થઈ ગયાં.

દિવ્ય બાળક ગદાધરનો જન્મ

ક્ષુદીરામ અને ચંદ્રામણિ બન્ને ઘણાં ખુશ હતાં. તેઓ એ જાણતાં હતાં કે તેમને ત્યાં દિવ્ય બાળક અવતરવાનું છે. મહિનાઓ વીત્યા, ૧૮મી ફેબ્રુઆરી, ૧૮૩૬ના રોજ ચંદ્રામણિએ સુંદર હૃષ્ટપુષ્ટ પુત્રને પોતાના ઘરની સાધારણ ઝૂંપડીમાં જન્મ આપ્યો.

ચંદ્રામણિની સખી ધની તે બાળકની સંભાળ રાખતી. જન્મતાની સાથે જ બાળક ગુમ થઈ ગયું! ધની મૂંઝવણમાં મુકાઈને ભયભીત બની ગઈ. પછી તેના આશ્ચર્ય વચ્ચે, તેણે બાળકને ચૂલામાં જોયું. મહા આશ્ચર્ય! નવજાત શિશુ ભસ્મથી લિંપાયેલું હતું, જાણે કે શિવ! ભક્ત દંપતીએ ગયાની દેવ-મૂર્તિને ધ્યાનમાં લઈ તેનું નામ ગદાધર રાખ્યું.

બાલ્યાવસ્થાના દિવસો અને રમતો

બાળ ગદાધર ખૂબ ચિત્તાકર્ષક હતો. જેવી રીતે ગોકુળમાં શ્રીકૃષ્ણ સહુના પ્યારા હતા તેવી રીતે કામારપુકુરમાં તે પ્યારો હતો. તેને લાડ-પ્રેમથી ‘ગદાઈ’ કહી બોલાવાતો. પ્રાચીન પુરાણો અને દંતકથાના પ્રસંગો અને વાર્તાઓ સાંભળવામાં તેને ઘણી રુચિ હતી. એ દિવસોમાં મહાપુરુષોની પરાક્રમ કથાઓ અને પુરાણ કથાઓને નાટકરૂપે ભજવવાનો ઉત્સાહ ગામલોકોમાં રહેતો. અભિનયકર્તાઓનાં ભાવ-ભંગિમા, હલનચલન અને તાલ-સૂર સાથેના સંવાદો તે ધ્યાનપૂર્વક જોતો-સાંભળતો. તેની સ્મરણશક્તિ અદ્ભૂત હોવાથી મિત્રો સમક્ષ તે સંવાદો દોહરાવતો ને પ્રસંગોની પુનઃ રજૂઆત કરતો.

જો કે પાંચ વર્ષની વયે તેને શાળામાં ભણવા મોકલ્યો પણ તેને અભ્યાસમાં વિશેષ રુચિ થઈ નહીં. તેને વધુ રુચિ તો જીવનનો અને પૂર્વે થયેલાં આધ્યાત્મિક પુરુષોનાં કાર્યાેનો અભ્યાસ કરવામાં હતી. જીવનમાં સાચે જ નિરક્ષર રહ્યો છતાંય પછીથી મહાન વિદ્વાનો અને જ્ઞાની પંડિતો દ્વારા અભણ ગદાધર પૂજનીય અને આદરને પાત્ર ગણાયો. કારીગરો પાસેથી તેણે દેવ-દેવીઓની મૂર્તિઓ ઘડવાની કળા શીખી હતી. આ મૂર્તિઓને રંગવાના કામમાં પણ તે પારંગત હતો.

દિવ્યાનુભૂતિનો પ્રથમ અનુભવ

ગદાધરને છ કે સાત વર્ષની વયે એક રોમાંચક અનુભવ થયો હતો. એક દિવસ તે ડાંગરના ખેતરમાં સાંકડી કેડી પરથી મમરા ખાતો ખાતો જઈ રહ્યો હતો. તેણે આકાશ ભણી દૃષ્ટિ કરી. તેણે કાળાં વાદળોની વચ્ચે સફેદ બગલાઓની એક હાર ઊડતી જોઈ. આ નયનરમ્ય દૃશ્ય જોઈ તેને લાગ્યું કે સંભવતઃ આવું સૌંદર્ય જ ઈશ્વર હશે. તેને એટલો આનંદ અને રોમાંચ અનુભવ્યો કે તે બેભાન થઈને પડી ગયો. પછીથી આ ઘટનાને યાદ કરતાં શ્રીરામકૃષ્ણ કહેતા કે આ તેમની પ્રથમ આધ્યાત્મિક અનુભૂતિ હતી.

એક વખત શિવરાત્રી નિમિત્તે ગામમાં નાટકનું આયોજન થયું હતું. તે રાત્રે ગદાધરે ભગવાન શિવનો વેશ ભજવવાનો હતો. અંગે રાખ ચોળીને, રુદ્રાક્ષ માળા ગળામાં પહેરીને, હાથમાં ત્રિશૂળ લઈને તે દર્શકો સમક્ષ ઉપસ્થિત થયો. પણ તે કોઈ શબ્દ ઉચ્ચારી ન શક્યો. એક પૂતળાની માફક સ્થિર ઊભો રહ્યો. તે શિવના પાત્ર સાથે તદાકાર બની ગયો હતો. દર્શકોએ અનુભવ્યું કે તે ‘ગદાઈ’ નહીં, પણ સાક્ષાત્ ‘શિવ’ તરફ જોઈ રહ્યા છે.

આંબાવાડિયામાં નાટક

કામારપુકુરમાં ગદાઈના ઘર પાસે એક આંબાવાડિયું હતું. અવારનવાર તે સ્થળે રામાયણ અને મહાભારતના પ્રસંગો ગદાઈ અને તેના મિત્રો નાટકરૂપે ભજવતા. ગદાઈનો કંઠ મધુર હતો અને સ્મરણશક્તિ પણ તેજ હતી. ઉત્કટ ભાવ સાથે તે ઘણાં ભક્તિગીતો ગાતો. આંબાવાડિયું તેનાં ગીતોથી છવાઈ જતું હતું.

૧૮૪૩ના વર્ષમાં ક્ષુદીરામનું અવસાન થયું. ગદાધરને તેના પિતા ગુમાવ્યાનું ભારે દુઃખ લાગ્યું. પરંતુ થઈ પણ શું શકે? તેને સમજાયું કે આ દુનિયામાં કશું જ કાયમી નથી. તે ભારે ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવા ને ધ્યાન કરવા આંબાવાડિયામાં પહોંચી જતો. તેને સાધુસંગ પસંદ હતો, તેમના તરફ પુષ્કળ આદર-સન્માન રાખતો અને તેમની વચ્ચે થતી ચર્ચાઓ ધ્યાનપૂર્વક સાંભળતો. તેઓ ગદાધરની પવિત્રતા અને પ્રામણિકતા જોઈ આશીર્વાદ આપતા.

કોલકાતામાં જીવન

૧૮૪૯માં ગદાધરના મોટાભાઈ રામકુમાર આજીવિકા મેળવવા કોલકાતા ગયા. પંદર વર્ષની વયે ગદાધર પણ ભાઈ સાથે કોલકાતા ગયો. શહેરનાં ઘણા પરિવારમાં તે પૂજા કરાવવા જતો. મોટા ભાગનો સમય તે દેવ-દેવીઓનાં સુશોભનમાં વિતાવતો. તે ભક્તિગીતો ઘણા આવેશ સાથે ગાતો. પરંતુ રામકુમારને લાગતું કે ગદાધરે ઔપચારિક શિક્ષણ લેવું જોઈએ. પણ ગદાધરે એમ કહીને વિરોધ કર્યાે, ‘માત્ર દાળ-રોટલી મળી રહે તેવું શિક્ષણ લઈને હું શું કરીશ?’ તેને તો સર્વાેચ્ચ સત્ય વિશે જાણવામાં રુચિ હતી. તેને ખાતરી થઈ હતી કે માનવજીવનનું લક્ષ્ય ઈશ્વર પાપ્તિ છે. સર્વત્ર તેની ઉપસ્થિતિ છે, તેની અનુભૂતિ કરવી, તેનાં દર્શન કરવાં અને તેનો અવિરત આનંદ માણવો જ એ જ ખરો ઉદ્દેશ છે.

કાલીમંદિર

આ સમયે સમૃદ્ધ અને ઉદાર રાણી રાસમણિએ કોલકાતાની ઉત્તરે ચાર માઈલ દૂર આવેલા દક્ષિણેશ્વર ગામે જગજ્જનની શ્રીમા કાલીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે રામકુમારની અને ગદાધર ‘રામકૃષ્ણ’ તરીકે ઓળખાતા તેના નાના ભાઈની મંદિરના એક પૂજારી તરીકે નિમણૂક કરી હતી. શ્રીરામકૃષ્ણ જગજ્જનની માની મૂર્તિ સમક્ષ કલાકો સુધી ધ્યાન માટે બેસી રહેતા. તેમને એવી અનુભૂતિ થતી કે પોતે એક પથ્થરની મૂર્તિ સમક્ષ નહિ પણ ચિન્મયી જગન્માતા સમક્ષ છે.

માનું પ્રથમ દર્શન

તે ઘણીવાર ચિત્કારી ઊઠતા, ‘અરે મા, તું ક્યાં છો? શું તારાં દર્શનની એક તક મને આપીશ?’ મંદિરમાં ઉપસ્થિત લોકો એવું માનતા કે તેણે પોતાની મા ગુમાવી છે એટલે કદાચ આવી નિરાશામાં હશે.

એક દિવસ તે એટલા નિરાશ અને ઉદાસ હતા કે તે મોટેથી રડી પડ્યા ‘અરે! મા કાલી, જો મને દિવ્ય દર્શન ન થાય તો પછી મારા જીવનનો શો અર્થ?’ એમ કહીને મંદિરના એક ખૂણામાં લટકતું ખડગ લઈને પોતાના જીવનનો અંત લાવવા પ્રયત્ન કર્યાે. દૈવી કૃપા! શ્રીરામકૃષ્ણ સાથે શું બન્યું? તે જાણે બેભાન થઈ ભોંય પર પડ્યા. મંદિર, બગીચો, મકાન અને બીજું બધું અદૃશ્ય થયું. એક મહાપ્રકાશ તેમના તરફ આવી રહ્યો છે! ક્ષણમાત્રમાં એ તેજ એમની સાથે એકરૂપ બની ગયું. પ્રકાશ મધ્યે તેમણે જોયું – સર્વશક્તિમાન, સર્વજ્ઞાની દેદીપ્યમાન મા સ્વયં છે! મા કાલીના વદન પર પ્રસન્ન હાસ્ય હતું. રામકૃષ્ણે અવર્ણનીય આનંદ અને રોમાંચનો અનુભવ કર્યાે. પછીથી આવાં દર્શન તેમને ઘણીવાર થતાં. દિવસ અને રાત તે મા વિશે જ વિચારતા. બીજા લોકોની નજરે આવું વર્તન જરા અજાણ્યું હતું! જગજ્જનની મા સાથે તે ખરેખર વાતો કરી રહ્યા છે તે આ લોકો કેવી રીતે સમજી શકે!

લગ્ન

અહીં કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણનાં માતાને કહેવાયું હતું કે તમારો પુત્ર તો ગાંડો થઈ ગયો છે. તેમણે ચિંતિત બનીને પોતાના પુત્રને પોતાની પાસે તરત આવી જવા કહેવડાવ્યું. માતાની ઇચ્છા સ્વીકારીને શ્રીરામકૃષ્ણ કામારપુકુરમાં તેમની સાથે રહેવા ગયા હતા. ચંદ્રામણિને થયું કે ગદાઈની ઘેલછાનો એકમાત્ર ઉપાય લગ્ન છે. તેના સંબંધીઓએ આસપાસ દૂર સુધી સુયોગ્ય વધૂની શોધ ચલાવી, પણ બધું વ્યર્થ. એક દિવસે શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું, ‘તમે તમારો સમય શા માટે બગાડો છો? જયરામવાટી ખાતે રામચંદ્ર મુખરજીના ઘેર જાઓ, મારે માટે વધૂ ત્યાં છે.’

આમ પાંચ વર્ષની શારદાની શ્રીરામકૃષ્ણની વહુ તરીકે પસંદગી કરવામાં આવી હતી. લગ્ન પછી શ્રીરામકૃષ્ણ ૧૮ માસ સુધી કામારપુકુર રહ્યા હતા. ત્યાર બાદ તેઓ દક્ષિણેશ્વર પાછા ફર્યા હતા. તેમનું ‘ગાંડપણ’ તેમની સાથે પાછું ફર્યું. તેઓ ધ્યાન અને પ્રાર્થનામાં સમય વિતાવતા હતા. શ્રીરામકૃષ્ણ દિવસો સુધી ન તો ભોજન કરતા કે ઊંઘ લેતા.

સીતાનાં દર્શન

વર્ષાે સુધી શ્રીરામકૃષ્ણે વિવિધ ધર્માેની આધ્યાત્મિક સાધના કરી. પછીથી તેઓ તેમના શિષ્યોને ઉપદેશ આપતા કે ઈશ્વર એક જ છે, લોકો તેને જુદાં જુદાં નામે બોલાવે છે – જેમ કે કૃષ્ણ, શિવ અને રામ. એ તળાવમાં રહેલા પાણી જેવું છે. કોઈ એક સ્થળેથી પાણી પીએ અને કહેશે ‘જળ’, બીજા લોકો બીજી બાજુથી લેશે અને તેને કહેશે ‘પાણી’; તો વળી કેટલાક ત્રીજી જગ્યાએથી પાણી પીશે અને કહેશે ‘વોટર’ પણ પાણી તો એ જ છે. તેનાં જ જુદાં જુદાં નામ છે. ઈશ્વરના દરેક સ્વરૂપને લઈને તેમણે દર્શન કર્યાં હતાં. એક દિવસ તેમને સીતાનાં દર્શનથી રોમાંચ થયો હતો. તેઓ દક્ષિણેશ્વરના બગીચામાં ‘પંચવટી’ નામની સુંદર શાંત જગ્યાએ બેઠા હતા. અચાનક એક આકર્ષક સ્ત્રીની આસપાસ આંજી નાખે તેવો એક પ્રકાશ તેમણે જોયો, એક વાંદરાએ તેમના ચરણે નમન કર્યું. શ્રીરામકૃષ્ણમાં સીતા એકરૂપ બન્યાં અને તેમનું પ્રસન્નતાપૂર્વકનું હાસ્ય તેમના તરફ રેલાવ્યું.

શ્રીરામકૃષ્ણ અને ભૈરવી બાહ્મણી

તાંત્રિક સાધનામાં પારંગત ભૈરવી બ્રાહ્મણી નામની એક તપસ્વિની દક્ષિણેશ્વર આવી. તે ભગવાં વસ્ત્ર પહેરતી હતી. શ્રીરામકૃષ્ણે પોતાની બધી આધ્યાત્મિક સાધનાની અનુભૂતિઓનું વર્ણન ભૈરવી બ્રાહ્મણી સમક્ષ કર્યું. તેમણે શ્રીરામકૃષ્ણની દિવ્યતા પારખી લીધી. તેમણે શ્રીરામકૃષ્ણને તાંત્રિક સાધનાની દીક્ષા આપી કે જેથી તેઓ બધી નારીઓને જગન્માતારૂપે જુએ. તેજસ્વી શિષ્યે ઘણી ત્વરાથી તેને શીખવવામાં આવેલી પદ્ધતિઓને ગ્રહણ કરી લીધી અને ત્વરાથી સમજી ગયા કે બધી સાધનાઓ ઈશ્વર તરફ લઈ જતા જુદા જુદા માર્ગાે છે. ભૈરવી બ્રાહ્મણી તે જોઈને રોમાંચિત બની ગઈ કે તેનો શિષ્ય આધ્યાત્મિક સિદ્ધિઓમાં તેના કરતાં આગળ નીકળી ગયો!

તેણે શૈવો અને વૈષ્ણવો બન્નેના પંડિતોની એક સભા બોલાવી. વિસ્તૃત ચર્ચાઓ પછી તેઓએ સર્વાનુમતે સ્વીકાર્યું કે શ્રીરામકૃષ્ણ સાચે જ ભગવાનના એક અવતાર છે.

તોતાપુરી સાથે શ્રીરામકૃષ્ણ

શ્રીરામકૃષ્ણે બીજા એક માર્ગનું અનુસરણ કર્યું હતું. અંતિમ સત્યે પહોંચવાના અદ્વૈત માર્ગનો પરિચય તોતાપુરી નામના એક સંન્યાસીએ તેમને કરાવ્યો.

પરિભ્રમણ દરમિયાન એક દિવસ તોતાપુરી દક્ષિણેશ્વર આવ્યા. શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક તેજથી તેઓ ઘણા પ્રભાવિત થયા. દક્ષિણેશ્વરના સંત ત્યાં સુધી ભગવાનના સાકાર રૂપને લઈને ધ્યાનમગ્ન રહેતા. તેમણે શ્રીકાલી, શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે સાકાર સ્વરૂપોનો સાક્ષાત્કાર કર્યાે હતો. હવે, શ્રીમા કાલીની સંમતિ સાથે અંતિમ સત્યને નિરાકારરૂપે પામવા તોતાપુરી દ્વારા દીક્ષા ગ્રહણ કરી.

તેમણે તીવ્રતાસહ ધ્યાન ધર્યું અને સર્વત્ર રહેલ એ સર્વાેચ્ચ સત્તામાં એકરૂપ બની જવાય એવી એક અવસ્થા-ઊંડી સમાધિમાં ડૂબી ગયા. આ સમાધિ અવસ્થામાં તેઓ સતત ત્રણ દિવસ રહ્યા. તોતાપુરી હતપ્રભ થઈ ગયા. તેમણે શ્રીરામકૃષ્ણને સભાન અવસ્થામાં લાવવા તેમના કાનમાં ઘણીવાર ‘હરિ ૐ’નું ઉચ્ચારણ કર્યું. તેમણે આશ્ચર્યચકિત અને પ્રસંશા સાથે કહ્યું, ‘આવી અવસ્થા માટે મારે આશરે ચાલીશ વર્ષાે લાગ્યાં, આ શિષ્યે તો તેવી અવસ્થા ત્રણ જ દિવસમાં સિદ્ધ કરી છે.’

આ જ રીતે ભિન્ન ભિન્ન માર્ગે એ જ પરમ સત્યને પામવા તેમણે બીજા ધર્માેની પણ સાધના કરી.

આમ અનેક મત-પથના પોતાના અનુભવે સમૃદ્ધ અને શક્તિસંપન્ન થયા પછી શ્રીરામકૃષ્ણે અધિકારપૂર્વક વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપવામાં કૌશલ્ય મેળવ્યું.

શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવી

ઈ.સ. ૧૮૭૨માં શ્રી શારદાદેવી દક્ષિણેશ્વરની મુલાકાતે આવ્યાં. જયરામવાટીમાં તેઓ પાડોશીઓ માટે દયાને પાત્ર બની ગયાં હતાં. શ્રીરામકૃષ્ણના અપૂર્વ મહિમાને સમજવામાં નિષ્ફળ લોકોએ અફવા ફેલાવી કે શ્રીશારદાનો પતિ ગાંડો થઈ ગયો છે. આ બધાને ક્યાં ખબર હતી કે આ ગાંડો માણસ અસંખ્ય સ્ત્રી-પુરુષો દ્વારા સમગ્ર વિશ્વમાં પૂજાશે! શ્રીશારદા આવા દિવ્ય પુરુષની પત્ની તરીકે ઘણી જ ભાગ્યશાળી બની હતી. લોકોની આવી આધારહીન વાતોથી શારદાદેવીને કોઈ અસર થઈ ન હતી. પોતાનો પતિ એક અસામાન્ય વ્યક્તિ છે તે તેમણે જાતે જ જોયું હતું. આવી અફવાઓ સાંભળી હતી તેમની સાથે દક્ષિણેશ્વર જઈને રહેવાની પોતાની એકમાત્ર ઇચ્છા હતી.

શ્રીમાને દક્ષિણેશ્વર આવેલાં જોઈને શ્રીરામકૃષ્ણને ઘણો આનંદ થયો. તેઓ ખરેખર શ્રીરામકૃષ્ણનાં પ્રથમ શિષ્યા હતાં. તેમણે શ્રીમાને આધ્યાત્મિક તેમજ સાંસારિક બાબતોની ઝીણી ઝીણી વિગતો સંભાળપૂર્વક શીખવી હતી. તેઓ જાણતા હતા કે શારદા પણ એક દિવ્ય વ્યક્તિ હતાં. તેઓ તેમની શક્તિ હતાં. શ્રીમાએ આધ્યાત્મિક વારસદાર તરીકે માનવસમાજને દોરવણી આપવાનું ચાલુ રાખવાનું હતું.

શ્રીરામકૃષ્ણે ફલહારિણી કાલીપૂજાના દિવસે ષોડશીપૂજા કરી હતી. પોતાના ઓરડામાં પવિત્ર આસન પર તેમણે શારદા માને બેસવા કહ્યું અને દેવી તરીકે તેમની પૂજા કરી. પૂજારી અને પૂજક બન્ને ઊંડા ધ્યાનમાં ડૂબી ગયાં. શ્રીરામકૃષ્ણે આ રીતે ઈશ્વરના માતૃ સ્વરૂપને સાર્થક કર્યું. તેમની મહાસમાધિ પછી શ્રીમાએ તેમનું જીવનકાર્ય આગળ ચાલુ રાખ્યું. શ્રીરામકૃષ્ણના બધા ભક્તો માટે તેઓ શ્રીમા બની રહ્યાં.

ભક્તો સાથે

શ્રીરામકૃષ્ણને નામ-યશની પરવા ન હતી. તેમણે પોતાના જ્ઞાનને ફૂલની મહેંકની જેમ પ્રસરાવ્યું. જીવનનાં ઉચ્ચતર મૂલ્યો જાણવા નર-નારીઓના ટોળેટોળાં દક્ષિણેશ્વર ઊમટતાં હતાં. તેઓ ભગવાન સાથે વાતો કરતા, તેમની ભવ્યતાનાં વખાણ કરતા, ઈશ્વરીયભાવમાં નૃત્ય કરતા અને – આ બધામાં સૌથી આશ્ચર્યજનક – સમાધિમાં એકરૂપ થઈ જતા; આ બધું નજરે જોવાનો અનેરો લહાવો હતો!

શ્રોતાઓને સર્વાેચ્ચ સત્યનો ઉપદેશ આપવાનો ‘શ્રીગુરુ મહારાજ’નો માર્ગ સરળ-સહજ અને પ્રોત્સાહક હતો. દૈનંદિન જીવનના પ્રસંગોનો ઉપયોગ કરી, વાર્તાઓ કહી, ધર્મનાં ગહન સત્યોને મનોરંજન સાથે પીરસતા. તેઓ સહજ-સાદા અને સરળ હતા.

‘દીવો તેલ વિના પ્રકાશે નહીં; એમ જ મનુષ્ય ઈશ્વર વિના રહી શકે નહીં,’ એમ તેઓ કહેતા. તેઓ એમ પણ કહેતા, ‘નર સેવા એ જ નારાયણ સેવા’ – ગરીબોને આપવું, નમ્ર અને મગ્ન રહીને ઈશ્વરની સેવા કરવી, કેમ કે ઈશ્વર તેનાં બધાં સંતાનોમાં છે.

તેમના આધ્યાત્મિક વારસાનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરવા તેમની પાસે આવેલા તેજસ્વી યુવાનોના સમૂહને જગજ્જનની માએ મોકલ્યો હતો. આ બધાનો નેતા નરેન્દ્રનાથ, પછીથી જેણે સ્વામી વિવેકાનંદ બની સમગ્ર વિશ્વને આંજી દીધું. આ શિષ્યોએ સંપૂર્ણ હૃદય સાથે ‘ત્યાગ અને સેવા’ના આદર્શને સમર્પિત થઈને સૂતેલા ભારતને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાથી જાગૃત કરી ઢંઢોળ્યું. તેઓએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી, જેની માનવતાપૂર્ણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.

માંદગી અને મહાસમાધિ

સતત ધ્યાન અને શરીરની ઉપેક્ષાને અંતે શ્રીરામકૃષ્ણ અસાધ્ય ગળાના કેન્સરનો ભોગ બન્યા. ગંભીર માંદગી હોવા છતાં શ્રીરામકૃષ્ણનું મુખારવિંદ દિવ્યહાસ્યથી પ્રસન્ન જણાતું. મહાસમાધિના ત્રણ દિવસ પહેલાં પોતાની બધી આધ્યાત્મિક સંપદા તેમના શિષ્ય વિવેકાનંદને સોંપી દીધી અને મહાન રહસ્યની તેને ખાતરી કરાવી કે ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ અત્યારે રામકૃષ્ણરૂપે આવ્યા છે.’

૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણ મા કાલીનું નામ ઉચ્ચારતા રહીને મહાસમાધિ પામ્યા. ગુરુદેવ હવે આપણી સાથે દેહરૂપે રહ્યા નથી. પણ જ્ઞાનનો એક અમૂલ્ય વારસો અને આધ્યાત્મિક અનુભૂતિઓનો ખજાનો આપણા માટે મૂકતા ગયા છે. તેમના ઉપદેશો એટલા તો સરળ છે કે નાનું બાળક પણ તેને સમજી શકે. પવિત્ર જીવન વિતાવવું અને આપણી જાતની અંદર શ્રીરામકૃષ્ણ જ શક્તિ, તેજ અને કૃપાનો રૂપે રહેલા છે તેવો અનુભવ કરવો.

શ્રીરામકૃષ્ણનો ઉપદેશ

એક શિષ્યે તેના ગુરુને પૂછ્યું, ‘ગુરુજી, કૃપા કરીને મને કહો કે હું કેવી રીતે ભગવાનને મેળવી શકું?’ ગુરુજીએ કહ્યું, ‘ચાલ મારી સાથે, આજે હું તને એ બતાવીશ.’ તેઓ શિષ્યને એક તળાવ ૫ાસે લઈ ગયા અને બન્ને પાણીમાં ઊતર્યા.

અચાનક ગુરુએ શિષ્યનું માથું પાણી નીચે દબાવ્યું, કેટલીક ક્ષણો પછી તેને બહાર કાઢ્યો અને શિષ્યે તેનું માથું ઊંચું કર્યું ને ઊભો રહ્યો. ગુરુએ તેને પૂછ્યું, ‘તને કેવું લાગતું હતું?’ શિષ્યે કહ્યું, ‘ઓહ! મને લાગતું હતું કે હું મરી જઈશ; હું શ્વાસ લેવા માટે તડપતો હતો.’ ગુરુએ કહ્યું, ‘જ્યારે તું એવું અનુભવીશ, ત્યારે ઈશ્વરદર્શન માટે તારે વધુ પ્રતીક્ષા કરવી પડશે નહીં.’