૧. સપ્તર્ષિમંડળમાંથી અવતરણ

હિન્દુશાસ્ત્રોમાં વર્ણવેલ સાત ઋષિઓનું શ્રીરામકૃષ્ણદેવને એકવાર દિવ્યદર્શન થયું હતું.

તેઓ બધા એક ગહન આધ્યાત્મિક વાતાવરણમાં ઊંડા ધ્યાનમાં ડૂબેલા હતા. એ જ વખતે તે ઘનીભૂત વાતાવરણમાંથી જન્મેલ એક દિવ્ય બાળક ધીરે ધીરે તેઓ તરફ ગયું.

તેમાંના એક ઋષિના ગળે હાથ વળગાડી, બાળકે મધુર સ્વરે તેમના કાનોમાં ઉચ્ચારણ કર્યું, ‘હું જાઉં છું, તમારે પણ મારી સાથે આવવું પડશે.’ ઋષિ મૌન રહ્યા પણ તેના તરફ જોઈને પોતાની સંમતિ વ્યક્ત કરી.

શ્રીરામકૃષ્ણદેવે પછીથી કહ્યું હતું કે એ જ ઋષિ નરેન્દ્ર તરીકે જન્મ્યા હતા, જે ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદ બન્યા.

૨. શિવજીનું વરદાન

ઉત્તર કોલકાતાના સિમુલિયામાં રહેતા વિશ્વનાથ દત્ત એક પ્રખ્યાત વકીલ હતા. તેમનાં પત્ની ભુવનેશ્વરી દેવી શિવનાં પરમ ભક્ત હતાં.

કુટુંબનો વંશ જળવાઈ રહે તેવી ઇચ્છા રાખી તેમણે તે માટે શિવને પ્રાર્થના કરી. વારાણસીમાં રહેતાં તેમનાં વૃદ્ધ ફોઈને પોતાની આ ઇચ્છા પૂર્ણ કરવા વીરેશ્વર શિવમંદિરમાં પૂજા કરવા પત્ર લખેલો, તેની સાથે તેઓ પોતે પણ ઘરમાં સ્થાપિત કરેલા શિવલિંગની પૂજા કરતાં.

એક વર્ષ પછી તેમનાં આ પ્રાર્થના-પૂજાના ફળ સ્વરૂપે નરેન્દ્રનો જન્મ થયો હતો..

૩. નરેનનો જન્મ

મકરસંક્રાંતિના પવિત્ર પર્વના દિને તા. ૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ ભુવનેશ્વરી દેવીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો.

વીરેશ્વર શિવની કૃપાથી પોતાને પુત્ર પ્રાપ્ત થયો છે તેમ માનીને બાળકનું નામ વીરેશ્વર રાખ્યું. લાડ-પ્રેમથી તેઓ તેને વીરેશ્વરનું એક ટૂંકું નામ – બિલે કહેતાં.

પછીથી વિધિવત્ તેનું નામ નરેન્દ્રનાથ દત્ત રાખવામાં આવ્યું. સહુ કોઈ તેને ‘નરેન’ કહેતા.

૪. તોફાની બાળક

એક બાળક તરીકે નરેન્દ્ર ઘણો રમતિયાળ અને તોફાની હતો. તે ઘરમાં તેની બહેનોને અને બીજાને પરેશાન કરતો રહેતો.

ઘણી વાર તો તેને કાબૂમાં લેવાનું ભારે મુશ્કેલ બની જતું. આવા પ્રસંગે માતા તેને શોધીને, તેના માથા પર ‘શિવ’ ‘શિવ’નું ઉચ્ચારણ કરીને ઠંડું પાણી રેડતાં. માથા પર જળનો સ્રોત પડવાથી તે તરત જ શાંત થઈ જતો.

‘જો તું આમ તોફાન કરતો રહીને તારી જાતને કાબૂમાં નહીં રાખે, તો પછી શિવજી તને તેમના દિવ્યધામ કૈલાસમાં પ્રવેશ આપશે નહીં,’ એવું તેનાં માતા કહેતાં. એ સાંભળીને તે તરત જ ગંભીર અને શાંત થઈ જતો.

૫. બીજાને સહાય કરવાનો જન્મજાત સ્વભાવ

ભોજન અને વસ્ત્રની જરૂરિયાત માટે ઘણા સાધુઓ અને ભિક્ષુકો દત્ત પરિવારના આંગણે આવતા.

એમને જોતાં જ નાનો નરેન તેમને પોતાની આસપાસ રહેલી કોઈપણ કિંમતી વસ્તુઓ પણ આપી દેતો.

નરેનની આવી ટેવને કારણે, તેનાં પરિવારજનો જ્યારે કોઈ ભિક્ષુક કે સાધુને પોતાના ઘર તરફ આવતા જોતા ત્યારે નરેનને ઉપરના ઓરડામાં પૂરી દેતા.

આનાથી ગભરાયા વિના નરેન ભિક્ષુકોને બારી પાસે બોલાવતો ને ત્યાંથી વસ્ત્રો કે બીજી કોઈ પણ વસ્તુઓ આપી દેતો.

આમ, બીજાને સહાય કરવી એ નરેનનો જન્મજાત સ્વભાવ હતો.

૬. તેનું ઉચ્ચ બુદ્ધિકૌશલ્ય

નરેન તીક્ષ્ણ બુદ્ધિશક્તિ અને શુદ્ધ તર્કશક્તિ ધરાવતો હતો. તે હંમેશાં જે કંઈ સાંભળતો તેની પરીક્ષા કરતો અને પછી જ અમલ કરતો. રમતના એક ભાગ તરીકે પાડોશમાં આવેલ એક મોટા વૃક્ષ પર ચડીને તેની ડાળીઓ પર બધાં બાળકો ઊંધે માથે ટિંગાતાં.

એમને ડરાવવાનો પ્રયાસ કરતા એક વૃદ્ધજને તેઓને કહ્યું, ‘આ વૃક્ષ પર એક ભયંકર રાક્ષસ રહે છે. એ તમને ગળે ટૂંપો દઈને મારી નાખશે.’ છોકરાઓ ગભરાઈને ત્યાંથી ભાગી જવા ઇચ્છતા હતા.

નરેને તે બધાંને શાંત રહેવા સમજાવ્યા, ‘મિત્રો, આપણે અહીં ઘણા સમયથી આ જ રીતે રમીએ છીએ ને આપણે અનેકવાર વૃક્ષ પર ચડ્યા છીએ. જો ખરેખર આ વૃક્ષ પર કોઈ ભયંકર રાક્ષસ રહેતો હોત, તો તેણે ઘણા સમય પહેલાં જ આપણને મારી નાખ્યા હોત.’ નરેને તો ત્યાં રમવાનું ચાલુ જ રાખ્યું.

૭. નીડર બાળક

નરેન બાલ્યાવસ્થાથી જ નીડરતાનો ગુણ ધરાવતો હતો. પોતાની વ્યક્તિગત સુવિધા અને સલામતીની પરવા કર્યા વિના તે બધાનો હિંમતપૂર્વક સામનો કરતો.

એકવાર તે પોતાના નાના પિત્રાઈ ભાઈને લઈને મંદિરના ઉત્સવમાં ભાગ લેવા જતો હતો. રસ્તા પર બન્ને ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે તોફાની ઘોડાવાળી ઘોડાગાડી તીવ્ર ઝડપે જતી હતી. નરેનનો પિત્રાઈ ભાઈ ઘોડાગાડી નીચે કચડાઈ જવામાં જ હતો. બરાબર ત્યારે જ નરેન દોડ્યો અને તેને ખેંચી લીધો.

આ ઘણું જોખમી કાર્ય હતું, કદાચ તેઓ બન્ને કચડાઈ જાત. જ્યારે પછીથી નરેનનાં માતાએ આ ઘટના વિશે જાણ્યું, ત્યારે તેમણે આંખોમાં આંસુ સાથે નરેનને આશીર્વાદ આપ્યા,

‘નરેન, હંમેશાં મરદ બની રહેજે!’

૮. શું કોઈએ ભગવાનને જોયા છે?

નરેન મોટો થતાં તેની તીક્ષ્ણ બુદ્ધિ અને પ્રશ્નો કરવાની શક્તિ વધતી ગઈ. તે ભગવાનના અસ્તિત્વ વિશે ઘણી શંકાઓ કરવા લાગ્યો.

ગૂંચવાયેલો હોવા છતાં પણ પોતાના સંશયોના નિરાકરણ માટે ઉત્સુકતાથી તે સમયના પ્રખ્યાત વિદ્વાનોને મળીને તેમને પૂછતો ઃ ‘મહાશય, આપે ઈશ્વરને જોયો છે?’

કોઈ પણ તેને સીધો કે સ્પષ્ટ જવાબ આપી શકતા નહીં. કોઈ તેને ધ્યાન કરવાનું કહેતા, તો વળી કોઈ તેની ઉત્સુક્તાની પ્રશંસા કરતા પણ કોઈ તેના પ્રશ્નનો સંતોષકારક જવાબ આપી શક્યા નહીં.

૯. શ્રીરામકૃષ્ણદેવ સાથે મુલાકાત

એક દિવસ નરેને કોલેજમાં પ્રો. વિલિયમ હેસ્ટીના વર્ગમાં કવિ વર્ડ્ઝવર્થની અંગ્રેજી કવિતા વિશે સાંભળ્યું.

એક તબકકે કવિતામાં સમાધિનો ઉલ્લેખ આવ્યો. સમાધિનો અર્થ સમજાવતાં પ્રોફેસરે કહ્યું કે સમાધિ અવસ્થાની અનુભૂતિ કરનાર દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણદેવ જ આ સમજાવી શકે.

શ્રીરામકૃષ્ણદેવને મળવા નરેન્દ્રને ભારે તાલાવેલી થઈ આવી.

૧૦. ‘આપે ઈશ્વરને જોયો છે?’

થોડા દિવસ પછી નરેન્દ્રે દક્ષિણેશ્વરની મુલાકાતે જવાનું નકકી કર્યું. નરેન્દ્ર ત્યાં પહોંચ્યો. શ્રીરામકૃષ્ણદેવે તેને ઉમળકાભેર હાર્દિક આવકાર આપ્યો.

જે પ્રશ્ન તેણે આ પહેલાં ઘણાને પૂછ્યો હતો તે પ્રશ્ન શ્રીરામકૃષ્ણદેવને પણ પૂછ્યો, ‘મહાશય, શું આપે ઈશ્વરને જોયો છે?’

શ્રીરામકૃષ્ણદેવે તરત જ નરેનને પ્રત્યુત્તર આપ્યો, ‘હા! જેમ હું તને જોઉં છું તેમ જ મેં ઈશ્વરને જોયો છે. એટલું જ નહીં, હું તેને ઘણી સારી રીતે જોઉં છું. કોઈપણ વ્યક્તિ ઈશ્વરને જોઈ શકે છે પણ તેવું ઇચ્છે છે કોણ?’

શ્રીરામકૃષ્ણદેવના કથનથી નરેન્દ્ર સાચે જ ખૂબ પ્રભાવિત થયો અને તેમના વિશે જ વિચારતો રહ્યો.

૧૧. ‘મને પ્રેમ અને ભક્તિ આપો’

એ પછી નરેન્દ્રે વારંવાર દક્ષિણેશ્વરની મુલાકાતે જવાનું શરૂ કર્યું. દરમિયાનમાં નરેન્દ્રના પિતાનું અણધાર્યું અવસાન થયું.

આને લઈને કુટુંબના બધા પર પારાવાર મુશ્કેલીઓ આવી પડી. આથી ભારે વિક્ષિપ્ત થઈ, નરેન્દ્રે શ્રીરામકૃષ્ણને તેનાં આ કષ્ટો દૂર કરવા શ્રીમા કાલીને પ્રાર્થના કરવા વિનંતી કરી.

શ્રીરામકૃષ્ણદેવે સૂચવ્યું કે નરેન્દ્ર પોતે જ મંદિરમાં જઈને માને પ્રાર્થના કરે. જ્યારે નરેન્દ્ર મંદિરમાં પ્રવેશતો ત્યારે માગવાની વસ્તુને ભૂલી જતો અને તેના બદલે ભક્તિ અને જ્ઞાન માટે પ્રાર્થના કરતો.

અંતે શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્રનાથને આશીર્વાદ આપતાં કહ્યું કે તારાં કુટુંબીજનોને સાદાં અન્નવસ્ત્રનો અભાવ રહેશે નહીં.

૧૨. વરાહનગર મઠ ખાતે તપસ્યા

ઈ.સ. ૧૮૮૬માં મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણે પોતાની બધી આધ્યાત્મિક શક્તિઓ નરેન્દ્રને સોંપી દીધી.

થોડા સમય પછી નરેન્દ્ર અને શ્રીરામકૃષ્ણના બીજા સંન્યાસી શિષ્યોએ ઉત્તર કોલકાતામાં વરાહનગરના એક ખંડિયેર જણાતા મકાનમાં મઠની સ્થાપના કરી.

અહીં જરૂરિયાતની ચીજવસ્તુઓનો અભાવ હતો. કેટલીક વાર તો પૂરતાં વસ્ત્રો કે ભોજન પણ ન હોય. છતાં પણ તેઓ બધો જ સમય આધ્યાત્મિક સાધના કરવામાં ગાળતા.

થોડા મહિના પછી નરેન્દ્રે બીજા ગુરુભાઈઓની સાથે વિધિવત્ સંન્યાસ ગ્રહણ કર્યાે અને આમ તેઓ નરેન્દ્રમાંથી બન્યા સ્વામી વિવેકાનંદ.

૧૩. ભારતની સમસ્યાઓનો ઉકેલ શોધવા

વરાહનગર મઠ ખાતે થોડા મહિના વિતાવ્યા પછી સમગ્ર ભારતનાં બધાં તીર્થસ્થાનોએ ભ્રમણ કરવાની સ્વામીજીને ઇચ્છા થઈ.

પરિભ્રમણ દરમિયાન દેશ-બંધુઓની દયાજનક હાલત જોઈને સ્વામીજીને ઘણું દુઃખ થયું. ભારતના ધાર્મિક અને આધ્યાત્મિક વારસાને ધ્યાનમાં રાખીને સ્વામીજી આનો ઉકેલ ઇચ્છતા હતા.

કન્યાકુમારી પહોંચીને સમુદ્રમાં આવેલ શ્રીપાદ શિલા પર તેમણે ત્રણ દિવસ ધ્યાન ધર્યું અને પોતાના દેશવાસીઓની સેવા કરવામાં જીવન વિતાવવાનો નિર્ણય કર્યાે.

ભારતના આધ્યાત્મિક સંદેશના પ્રચાર માટે અને ભારતની અવદશાને સુધારવા માટે મદદ માગવા તેમણે પશ્ચિમના દેશોમાં જવાનું નકકી કર્યું.

૧૪. પશ્ચિમના પ્રવાસે

અમેરિકામાં વિશ્વધર્મપરિષદ યોજાવાની છે એ અંગે સ્વામીજીને જાણકારી મળી. એમાં ભાગ લેવાના તેમના વિચારને સ્વામીજીના શિષ્યો અને તેમના ભ્રમણ દરમિયાન જે કેટલાક ભારતીય રાજાઓ અને રાજકુંવરોને તેઓ મળ્યા હતા તે સહુએ સક્રિયપણે સમર્થન આપ્યું.

એમના પ્રવાસ અને બીજા ખર્ચાઓને માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવામાં મદ્રાસના ઘણા યુવાનો આગળ આવ્યા.

સ્વામીજીએ તેમના આ વિચાર માટે શ્રીમા શારદાદેવીને પત્ર લખ્યો અને તેમના આશીર્વાદ માગ્યા. શ્રીમા શારદાદેવીએ આશીર્વાદ આપ્યા અને તેમને આ બાબત આગળ વધવા જણાવ્યું.

૧૫. વિશ્વધર્મપરિષદમાં

સાધનો અને નાણાનો અભાવ જેવાં અનેક વિઘ્નો છતાં, પરિચયપત્ર વિના શિકાગોની ધર્મપરિષદમાં છેવટે સ્વામીજીએ તેમનું પ્રથમ પ્રારંભિક પ્રવચન ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ આપ્યું.

વિદ્યાની દેવી સરસ્વતીને પ્રાર્થના કર્યા બાદ તેમણે એકત્ર થયેલ શ્રોતાઓ સમક્ષ ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ કહીને સંબોધન કર્યું. આની વિદ્યુતસંચાર જેવી અસર થઈ હતી અને ઘણી મિનિટો સુધી દરેકે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખ્યો હતો.

પ્રેમ અને નિષ્ઠા સાથે ઉચ્ચારાયેલા તેમના સર્વગ્રાહી અને ઉદાર વિચારોએ બધાનાં હૃદયને પ્રભાવિત કર્યાં હતાં.

૧૬. માનવસેવા એ જ પ્રભુસેવા

ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિચારોનો ઉપદેશ આપીને અમેરિકા અને ઈંગ્લેન્ડમાં સાડા પાંચ વર્ષ સુધી રહ્યા બાદ સ્વામીજી ૧૮૯૭માં ભારત પાછા ફર્યા.

તેઓ ભારતના જે નગરોમાંથી પસાર થયા ત્યાં તેમનું એક વીરને શોભે તેવું ભવ્ય સ્વાગત થયું.

તેઓએ પોતાનાં ભાષણોમાં જરૂરિયાતવાળા અને દરિદ્રનારાયણની સેવાને પ્રભુની પૂજારૂપે કરવા વિશે ભારપૂર્વક જણાવ્યું.

પ્રત્યેકમાં ઈશ્વરનું દર્શન કરવા પર તેમણે ભાર મૂક્યો અને એ જ ધર્મનો તેમજ આધ્યાત્મિક સાધનાનો સારાંશ છે. તેમણે કહ્યું હતું કે માનવજાતની સેવા કરવી એ જ પ્રભુનું પૂજન કરવા સમાન છે.

૧૭. બેલુર મઠની સ્થાપના

ઈ.સ. ૧૮૯૭માં કોલકાતા ખાતે સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમણે રામકૃષ્ણ મિશનનો મુદ્રાલેખ રાખ્યો – ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ (પોતાની મુક્તિ અને જગતનું કલ્યાણ).

આ રીતે સ્વામીજીએ નવા પ્રકારની સંન્યાસીઓની સંસ્થા શરૂ કરી. ગંગાના પશ્ચિમ કિનારે બેલુર ગામે ભગવાન શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ કર્યું.

હવે તે બેલુર મઠ કહેવાય છે અને ઘણા એકર જમીનમાં ફેલાયેલ છે. તે રામકૃષ્ણ મઠ અને મિશનનું મુખ્યાલય છે. તેની ૧૮૦થી વધુ શાખાઓ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે. હજારો લોકો રોજે રોજ બેલુર મઠની મુલાકાતે આવે છે.

૧૮. તેમની મહાસમાધિ

ઈ.સ.૧૯૦૨, ૪ જુલાઈના રોજ બેલુર મઠ ખાતે સ્વામીજી મહાસમાધિ પામ્યા. તેમનો નિવાસ ખંડ આજે પણ તેમની સ્મૃતિમાં જળવાઈ રહ્યો છે. બેલુર મઠમાં ગંગા કિનારે જ્યાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે સ્થળે આજે તેમનું સ્મૃતિ-મંદિર ઊભું છે.

સ્વામી વિવેકાનંદ લાખો લોકોના આજે પણ પ્રેરણાના સ્રોત બની રહ્યા છે. વર્ષાેથી પ્રકાશિત થઈ રહેલાં તેમનાં લખાણો, વાર્તાલાપો અને પત્રો દ્વારા અસંખ્ય નરનારીઓ અને યુવા ભાઈબહેનો પ્રેરણા અને શક્તિ મેળવે છે.

તેમણે શરૂ કરેલ રામકૃષ્ણ મઠ અને મિશન તેમજ તેની સાથે સંલગ્ન સેંકડો પુરુષો અને સ્ત્રીઓ સમગ્ર વિશ્વમાં જરૂરિયાતવાળાઓના સેવાકાર્યમાં સક્રિયપણે સહભાગી બની રહ્યાં છે.