અનુક્રમણિકા

કાર્ય એ જ પૂજન

સર્વાેચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ,’ કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી. કહેવાય છે કે એક વહાણ સમુદ્રની સપાટી નીચે ઢંકાઈ રહેલા એક લોહચુંબકના પહાડ ઉપર થઈને પસાર થઈ રહ્યું હતું, એટલામાં તેના બધા ખીલા, ચાકીઓ અને સળિયા ખેંચાઈને નીકળી ગયા અને તે વહાણના ટુકડે ટુકડા થઈ ગયા. અજ્ઞાન હોય ત્યાં મુખ્યત્વે પ્રયત્ન કરવાપણું રહે છે, કારણ કે આપણે બધા ખરી રીતે નાસ્તિક છીએ. આપણે ઈશ્વરને જોતા નથી તેમ તેમાં માનતા નથી. આપણે માટે તો તે ‘ઈ-શ્વ-ર’ (ત્રણ અક્ષર માત્ર) છે, એથી વધુ કંઈ નહીં. એવી ક્ષણો હોય છે કે જ્યારે આપણને લાગે કે ઈશ્વર આપણી સમીપ છે; પણ વળી આપણે પાછા પડી જઈએ છીએ. જ્યારે તમે ઈશ્વરને જુઓ, ત્યારે પછી કોણ કોના સારુ પ્રયત્ન કરે ? ઈશ્વરને વળી મદદ કરવી ? અમારી ભાષામાં એક કહેવત છે કે ‘જગતના રચનારને જગત કેમ રચવું તે આપણે શીખવીશું ?’ એટલે જેઓ કાર્ય કરતા નથી તેઓ માનવજાતમાં સર્વાેચ્ચ છે. ફરી વાર જ્યારે તમે જગત વિષે અને આપણે કેવી રીતે ઈશ્વરને મદદ કરવી જોઈએ તે વિષે અને તેને માટે આ કરો અને તે કરો વગેરે જેવાં મૂર્ખાઈભર્યાં વાકયો સાંભળો ત્યારે, ઉપલી વાત યાદ રાખજો. એવા વિચારો મનમાં લાવશો નહિ; એ અત્યંત સ્વાર્થી વિચારો છે. તમે જે કાંઈ કરો તે સ્વલક્ષી છે અને તમારા પોતાના લાભ માટે છે. ઈશ્વર કાંઈ ખાડામાં નથી પડી ગયો કે તમે અને હું એકાદી ઇસ્પિતાલ કાઢીને કે એ જાતનું કંઈક બાંધી આપવાની મદદ કરીને તેને બહાર કાઢીએ. એ જ તમને સત્કાર્ય કરવા દેવાની ‘કૃપા કરે છે.’ (જગતરૂપી) આ વિશાળ કસરતશાળામાં ઈશ્વર તમારા સ્નાયુઓને કસરત કરવાની તક આપે છે, તે તેને મદદ કરવા માટે નહિ પણ તમે પોતે તમારી જાતને મદદરૂપ થાઓ એટલા સારુ. શું તમે એમ માનો છો કે તમારી મદદ વિના એકાદ કીડી સરખીયે મરી જવાની હતી? નરાતાળ નાસ્તિકપણું ! દુનિયાને તમારી જરાય જરૂર નથી. દુનિયા તો ચાલ્યા જ કરે છે; તમે તો આ મહાસાગરમાં એક ટીપા જેવા છો. ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું સરખુંય ચાલતું નથી, તેના વિના પવન વાતો નથી. આપણે આપણી જાતને અહોભાગી ગણવી જોઈએ કે આપણને ઈશ્વરને માટે કાર્ય કરવાનો અધિકાર આપવામાં આવે છે; પણ એમાં તેને મદદ કરવાનો વિચાર નથી. આ ‘મદદ’ કે ‘સહાય’ શબ્દને તમારા મનમાંથી ઉખેડીને ફેંકી દો. ‘મદદ’ તમે કરી ન શકો; એમાં તો ઈશ્વર-નિંદાનો અપરાધ થાય છે. તમે પોતે જે અહીં છો તે જ ઈશ્વરની કૃપાથી છો; તમે શું એમ કહેવા માગો છો કે તમે ઈશ્વરને મદદ કરો છો ? એ તો તમે ઈશ્વરનું પૂજન કરો છો. જ્યારે તમે કૂતરાને રોટલો નાખો છો ત્યારે તમે કૂતરારૂપે ઈશ્વરનું પૂજન કરો છો; એ કૂતરામાં ઈશ્વર રહેલ છે, ઈશ્વર જ શ્વાનરૂપે રહેલ છે. ઈશ્વર પોતે બધું જ છે. આખા વિશ્વ પ્રત્યે એ પ્રકારની સેવાભાવનાની લાગણીપૂર્વક તમે જોતા થાઓ, એટલે પછી સંપૂર્ણ અનાસક્તિ આવશે. એ તમારી ફરજ હોવી જોઈએ. કાર્ય કરવાની યોગ્ય પદ્ધતિ આ છે; કર્મયોગે શીખવેલું રહસ્ય આ છે.