આધ્યાત્મિક પ્રાણશક્તિનું નિયમન

હવે આપણે પ્રાણાયામની ક્રિયાઓ વિશે વિચાર કરવાનો છે. આપણે જોયું કે યોગીઓની માન્યતા મુજબ, પહેલું પગલું ફેફસાંની ગતિને કાબૂમાં લેવાનું છે. આપણે જે કરવા માગીએ છીએ તે એ કે શરીરની અંદર જે ચાલી રહી છે તે વધુ સૂક્ષ્મ ક્રિયાઓને પારખવી. આપણાં મન બહિર્મુખી થઈ ગયાં છે અને અંદરની બાજુની સૂક્ષ્મ ક્રિયાઓ આપણા લક્ષ બહાર રહી ગઈ છે. જો આપણે તેમને પારખવા લાગીએ તો આપણે તેમના પર કાબૂ મેળવવા લાગીએ. આ જ્ઞાનતંતુ-પ્રવાહો આખા શરીરમાં ફરી વળ્યા છે અને એકેએક માંસપેશીમાં ચેતના અને જીવનશક્તિ લાવે છે, પણ આપણને તેનો અનુભવ થતો નથી. યોગીઓ કહે છે કે આપણે તેનો અનુભવ લેવાનું શીખી શકીએ. કેવી રીતે ? ફેફસાંની ક્રિયા ઉપર કાબૂ મેળવીને; એ ક્રિયા જો આપણે પૂરતા સમય સુધી કરીએ તો વધુ સૂક્ષ્મ ક્રિયાઓને કાબૂમાં લાવી શકીશું.
હવે આપણે પ્રાણાયામની ક્રિયાઓ પર આવીએ. ટટ્ટાર બેસો; શરીર સીધું રહેવું જોઈએ. કરોડરજ્જુ, જો કે મેરુદંડ સાથે જોડાયેલી નથી, તોપણ તેની અંદર છે. જો તમે વાંકા બેસો તો કરોડરજ્જુને ખલેલ પહોંચે, માટે તેને છુટ્ટી રહેવા દો. જ્યારે કયારેય પણ તમે વાંકા વળીને બેસો અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરો ત્યારે તમે પોતાને નુકસાન કરો છો. શરીરના ત્રણ ભાગ, છાતી, ગરદન અને માથું હંમેશાં સીધાં એક લીટીમાં રાખવાં જોઈએ. તમને જણાશે કે થોડોક અભ્યાસ કરતાં આ બાબત તમને શ્વાસોચ્છ્વાસ જેટલી જ સહેલી થઈ જશે. બીજી બાબત જ્ઞાનતંતુઓ પર કાબૂ મેળવવાની છે. આપણે કહી ગયા છીએ કે જ્ઞાનતંતુઓનું જે કેન્દ્ર શ્વાસોચ્છ્વાસની ઇંદ્રિયોનું નિયમન કરે છે, તેની બીજા જ્ઞાનતંતુઓ પર પણ નિયામક અસર રહે છે અને એ કારણસર તાલબદ્ધ શ્વાસોચ્છ્વાસ થાય એ આવશ્યક છે. જે શ્વાસોચ્છ્વાસ આપણે સામાન્ય રીતે લઈએ છીએ તેને શ્વાસોચ્છ્વાસ કહેવો જ ન જોઈએ. એ તો ઘણો અનિયમિત હોય છે. તેમ વળી પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં કેટલાક કુદરતી તફાવત રહેલા હોય છે.
શ્વાસોચ્છ્વાસની ક્રિયાનો પહેલો પાઠ તો ફક્ત શ્વાસને માપસર અંદર લેવો અને બહાર કાઢવો એ છે. એનાથી શરીરયંત્રમાં સંવાદિતા આવશે. કેટલાક સમય સુધી આનો અભ્યાસ કર્યા પછી તેની સાથે ૐ કે એવા કોઈ બીજા મંત્રનો જપ જોડો તો સારું થશે. ભારતમાં અમે એક, બે, ત્રણ, ચાર એમ ગણવાને બદલે કેટલાક પ્રતીક મંત્રોનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે હું તમને પ્રાણાયામની સાથે ૐ અથવા ઈશ્વરના બીજા કોઈક પવિત્ર નામનો મનમાં જપ કરવાની સલાહ આપું છું. શ્વાસોચ્છ્વાસની સાથે એ નામનું રટણ પણ તાલબદ્ધ રીતે, સંવાદીપણે ચાલવા દો; તો તમને જણાશે કે આખું શરીર તાલબદ્ધ થતું જાય છે. ત્યારે તમને ખબર પડશે કે આરામ શું છે. તેની સરખામણીમાં ઊંઘ એ આરામ જ નથી. એક વાર જો આ આરામ આવશે તો ગમે તેવા થાકી ગયેલા જ્ઞાનતંતુઓ પણ શાંત થઈ જશે અને તમને જણાશે કે અગાઉ તમને કદી પણ ખરેખરા આરામનો અનુભવ થયો જ નથી.
આ અભ્યાસની પહેલી અસર ચહેરા ઉપરના ભાવમાં થયેલા પરિવર્તન દ્વારા જણાશે; કઠોર રેખાઓ અદૃશ્ય થઈ જશે; સ્થિર વિચારની સાથોસાથ ચહેરા પર સ્થિરતા આવશે. ત્યાર પછી અવાજમાં મધુરતા આવશે. ઘોઘરા અવાજવાળો યોગી મેં કદી જોયો નથી. આ ચિહ્નો થોડાક મહિનાના અભ્યાસ પછી આવવા લાગે છે. ઉપર જણાવેલી શ્વાસોચ્છ્વાસની ક્રિયાનો થોડા દિવસ અભ્યાસ કર્યા પછી, એનાથી જરા વધુ ઊંચી ક્રિયા શરૂ કરવી. ઇડા એટલે ડાબા નસકોરા વાટે ફેફસાંને શ્વાસથી ધીરે ધીરે ભરો અને સાથે સાથે મનને જ્ઞાનતંતુના પ્રવાહ પર એકાગ્ર કરો. તમે જાણે કે, જ્ઞાનતંતુના પ્રવાહને મેરુદંડમાં નીચેની બાજુએ મોકલી રહ્યા છો અને છેક છેડે આવેલા કેન્દ્ર, કુંડલિનીના આધારરૂપ ત્રિકોણાકાર મૂળાધાર પદ્મ પર જોરથી આઘાત કરી રહ્યા છો એવી ભાવના કરો. પછી એ પ્રવાહને થોડોક સમય ત્યાં થોભાવી રાખો. પછી કલ્પના કરો કે શ્વાસની સાથે તમે તે જ્ઞાનતંતુ પ્રવાહને બીજી બાજુએ એટલે કે પિંગલા વાટે ઉપર ખેંચી રહ્યા છો અને પછી એ શ્વાસને જમણા નસકોરા વાટે ધીરે ધીરે બહાર કાઢી નાખો. આ ક્રિયા કરવી તમને જરા અઘરી લાગશે. સહેલામાં સહેલો રસ્તો એ છે કે જમણા નસકોરાને અંગૂઠા વડે બંધ કરો અને પછી ડાબા વડે શ્વાસને ધીરે ધીરે અંદર ખેંચો; પછી બંને નસકોરાંને અંગૂઠા અને પહેલી આંગળી વડે બંધ કરો અને કલ્પના કરો કે જ્ઞાનતંતુ-પ્રવાહને તમે નીચે મોકલી રહ્યા છો અને સુષુમ્ણાના આધાર મૂળાધારને આઘાત કરી રહ્યા છો; ત્યાર પછી અંગૂઠો ઉઠાવી લો અને જમણા નસકોરા વાટે શ્વાસને બહાર કાઢો. ત્યાર પછી એ જ નસકોરા વાટે શ્વાસને ધીરે ધીરે અંદર ખેંચો, એ વખતે બીજા નસકોરાને અગાઉ છે તેમ જ પહેલી આંગળી વડે દાબેલું રહેવા દો અને પછી પહેલાંની પેઠે બંને નસકોરાં બંધ કરો. હિંદુઓ જે રીતે આ ક્રિયા કરે છે તે રીત આ દેશને (અમેરિકાને) ઘણી અઘરી લાગે, કારણ કે હિંદુઓ તો બચપણથી જ તેનો અભ્યાસ કરતા આવે છે અને તેમનાં ફેફસાં એ ક્રિયાને માટે તૈયાર થઈ ગયાં હોય છે. આ દેશમાં તો ચાર સેકન્ડથી શરૂઆત કરવી અને ધીરે ધીરે આગળ વધવું એ ઠીક પડશે. ચાર સેકન્ડ સુધી શ્વાસને અંદર ખેંચો. સોળ સેકન્ડ સુધી અંદર થોભાવી રાખો અને ત્યાર પછી બહાર કાઢવામાં આઠ સેકન્ડ લગાડો. આ થયો એક પ્રાણાયામ. સાથે સાથે ત્રિકોણાકાર મૂળાધાર પદ્મનો પણ વિચાર કરો, તે કેન્દ્ર પર મનને એકાગ્ર કરો. આ બાબતમાં કલ્પના ઘણી જ મદદગાર થઈ શકે. ત્યાર પછીની ક્રિયામાં શ્વાસને ધીરે ધીરે અંદર લેવાનો છે અને તરત જ તેને ધીરે ધીરે બહાર કાઢવાનો છે અને પછી શ્વાસને બહાર અટકાવી રાખવાનો છે. ગણવાની સંખ્યા ત્રણેમાં અગાઉની જેમ જ. બંને ક્રિયાઓમાં તફાવત માત્ર એટલો જ કે પહેલીમાં શ્વાસને અંદર રોકવામાં આવ્યો હતો અને બીજીમાં બહાર. એ બેમાંથી આ બીજી વધુ સહેલી છે. જે ક્રિયામાં શ્વાસને અંદર ફેફસામાં રોકી રાખવામાં આવે છે તેનો વધુ પડતો અભ્યાસ ન કરવો. માત્ર સવારે ચાર વખત અને સાંજે ચાર વખત કરશો તો ચાલશે. પછી આગળ ઉપર તમે સંખ્યા અને સમય ધીમે ધીમે વધારી શકો. ત્યારે તમને લાગશે કે એ વધારવાની તમારામાં શક્તિ છે અને તમને તેમાં આનંદ આવશે. એટલે જેવું તમને લાગે કે તમારામાં વધારવાની શક્તિ છે તેવું તમે ખૂબ સંભાળીને અને સાવચેતીપૂર્વક સેકન્ડની સંખ્યા ચારથી વધારીને છ પર આવજો. જો આ ક્રિયાઓનો અભ્યાસ અનિયમિત રીતે કરો તો નુકસાન થવાનો સંભવ ખરો.
નાડીશુદ્ધિની યાને જ્ઞાનતંતુઓને શુદ્ધ કરવાની ઉપર દર્શાવેલી ત્રણ પ્રક્રિયાઓમાંથી પહેલી અને છેલ્લી નથી કઠિન કે નથી જોખમકારક. પહેલી ક્રિયા (પૂરક)નો જેમ જેમ વધુ અભ્યાસ કરશો તેમ તેમ વધુ શાંતતા આવશે. ૐકારનો માત્ર વિચાર જ કરો, એટલે તમે કામ કરવા બેઠા હશો ત્યારે પણ ક્રિયાનો અભ્યાસ કરી શકશો. એથી તમને લાભ જ થવાનો છે. જો તમે ખૂબ અભ્યાસ કરશો તો કોઈક દિવસે કુંડલિની જાગ્રત થશે. જેઓ દિવસમાં એક કે બે વાર અભ્યાસ કરશે તેમનામાં શરીર અને મનની થોડી શાંતિ આવશે અને અવાજની મધુરતા આવશે. માત્ર જેઓ એ ક્રિયામાં આગળ વધશે તેમની જ કુંડલિની જાગ્રત થશે અને તેમની સમગ્ર પ્રકૃતિમાં પરિવર્તન થવા લાગશે અને તેમના જ્ઞાનનો ગ્રંથ ખુલ્લો થઈ જશે. પછી જ્ઞાન મેળવવા માટે પુસ્તકો પાસે દોડી જવાની જરૂર નહીં રહે. તમારું પોતાનું મન જ અનંત જ્ઞાનનો ભંડાર ભરેલું પુસ્તક બની જશે.
મેરુદંડની ડાબી જમણી બાજુએ વહેતી ઇડા અને પિંગલા નાડીઓ વિષે અને કરોડરજ્જુની મધ્યમાં થઈને વહેતી સુષુમ્ણા નાડી વિશે હું આ પહેલાં જ કહી ગયો છું. આ ત્રણ નાડીઓ દરેક પ્રાણીમાં હોય છે; જે કોઈ પ્રાણીમાં મેરુદંડ હોય, તેમાં આ ત્રણ ક્રિયાનાડીઓ હોય જ. પરંતુ યોગીઓ કહે છે કે સાધારણ માણસોમાં સુષુમ્ણા બંધ હોય છે, તેની ક્રિયા પ્રત્યક્ષ નથી હોતી, જ્યારે બીજી બેનું કાર્ય શરીરના જુદા જુદા ભાગોમાં શક્તિ પહોંચાડવાનું હોય છે.
સુષુમ્ણા કેવળ યોગીમાં જ ખુલ્લી હોય છે. જ્યારે આ સુષુમ્ણા નાડી ઊઘડે છે અને કુંડલિની શક્તિ ઉપર ચડવા માંડે છે ત્યારે આપણે ઇંદ્રિયોથી પર થઈએ છીએ, આપણાં મન ઇંદ્રિયાતીત થાય છે, આપણે બુદ્ધિથી પણ પર થઈએ છીએ, અતિચેતન અવસ્થાએ પહોંચીએ છીએ કે જ્યાં તર્કશક્તિ પહોંચી શકતી નથી. એ સુષુમ્ણાને ખુલ્લી કરવી એ યોગીનું મુખ્ય ધ્યેય છે. યોગીના મત મુજબ આ સુષુમ્ણાની અંદર કેન્દ્રો અથવા વધુ આલંકારિક ભાષામાં કહેવાય છે તે પદ્મો આવેલાં છે. સૌથી નીચેનું પદ્મ કરોડરજ્જુને નીચેને છેડે આવેલું છે અને તેને મૂળાધાર કહેવામાં આવે છે. તેનાથી ઊંચે આવેલું છે તેને સ્વાધિષ્ઠાન કહેવામાં આવે છે. ત્રીજું મણિપુર, ચોથું અનાહત, પાંચમું વિશુદ્ધ, છઠ્ઠું આજ્ઞા અને છેલ્લું કે જે મગજમાં આવેલું છે તેને સહસ્રાર, એટલે કે ‘હજાર પાંખડીવાળું’ કહેવામાં આવે છે. આ બધાંમાંથી હાલ તરત તો આપણે બે જ કેન્દ્રો – એક સૌથી નીચે આવેલું મૂળાધાર અને બીજું સૌથી ઊંચે આવેલું સહસ્રાર – નો વિચાર કરવાનો છે. સઘળી શક્તિને મૂળાધારમાં રહેલા તેના સ્થાનમાંથી ઊંચે ઉઠાવીને સહસ્રારમાં ચડાવવાની છે. યોગીઓનો એવો દાવો છે કે મનુષ્ય શરીરમાં જે બધી શક્તિઓ રહેલી છે, તેઓમાંથી ઊંચામાં ઊંચી શક્તિ કે જેને તેઓ ‘ઓજસ્’ કહે છે તે છે. આ ઓજસ્ મગજમાં સંઘરાઈ રહેલું છે અને માણસના મગજમાં ઓજસ્ જેમ વધુ તેમ તે વધુ બળવાન, વધુ બુદ્ધિમાન અને વધુ આધ્યાત્મિક શક્તિવાળો હોય. એક માણસ સુંદર ભાષામાં સુંદર વિચારો રજૂ કરે, પણ તેમનાથી લોકો પર પ્રભાવ નથી પડતો; જ્યારે બીજો એક માણસ બોલે છે તેમાં નથી હોતી સુંદર ભાષા કે નથી હોતા સુંદર વિચારો, છતાં તેના શબ્દોનો પ્રભાવ પડે છે. તેની દરેક ક્રિયા શક્તિથી ભરેલી હોય છે. એ શક્તિ ઓજસ્ની છે.
ત્યારે હવે દરેક માણસમાં આ ઓજસ્ ઓછેવત્તે અંશે સંઘરાયેલું હોય જ છે. શરીરમાં જે બધાં બળો કાર્ય કરી રહ્યાં છે, તે બધાં તેમની સર્વાેચ્ચ કક્ષાએ ઓજસ્રૂપ બને છે. તમારે યાદ રાખવું કે પ્રશ્ન માત્ર રૂપાંતરનો જ છે. જે બળ બહાર વીજળીરૂપે કે લોહચુંબકત્વરૂપે કાર્ય કરતું હોય છે તે જ પરિવર્તન પામીને આંતરિક બળ બને છે; જે બળ સ્નાયુશક્તિ રૂપે કાર્ય કરતું હોય છે તે જ બળનું ઓજસ્માં રૂપાંતર થશે. યોગીઓ કહે છે કે મનુષ્યની શક્તિનો જે ભાગ પ્રજનનશક્તિ રૂપે, મૈથુન-વિચારો રૂપે વ્યક્ત થાય છે, તેને જ્યારે રોકીને કાબૂમાં રાખવામાં આવે છે ત્યારે તે સહેલાઈથી ઓજસ્માં પરિવર્તન પામે છે અને આ બંનેની દોરવણી મૂળાધાર-કેન્દ્ર કરતું હોવાથી યોગી એ કેન્દ્ર પર ખાસ ધ્યાન દે છે. તે આ સઘળી પ્રજનનશક્તિને ઊર્ધ્વગામી કરીને તેનું ઓજસ્માં રૂપાંતર કરવા માગે છે. માત્ર બ્રહ્મચર્ય પાલન કરનાર નર અથવા નારી જ ઓજસ્ને ઊર્ધ્વગામી કરીને તેને મગજમાં સંઘરી શકે છે; એ કારણસર જ બ્રહ્મચર્યને સર્વાેચ્ચ સદ્ગુણ ગણવામાં આવ્યો છે. માણસને લાગે છે કે જો પોતે બ્રહ્મચર્યહીન હોય તો આધ્યાત્મિકતા ચાલી જાય છે, પોતાનું માનસિક જોમ અને નૈતિક તાકાત ખોઈ બેસે છે. એટલા માટે જગતના જે બધા ધર્મસંપ્રદાયોએ વિરાટ આધ્યાત્મિક પુરુષો ઉત્પન્ન કર્યા છે તે બધાંયમાં, તમને હંમેશાં જણાશે કે અખંડ બ્રહ્મચર્ય પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એટલા માટે જ લગ્નનો ત્યાગ કરનારા સાધુઓની પ્રથા અસ્તિત્વમાં આવી. વિચાર, વાણી અને વર્તનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન થવું જોઈએ; તેના વિના રાજયોગની સાધના જોખમકારક છે અને કદાચ દીવાનાપણું લાવી મૂકે. માણસો એક બાજુ રાજયોગની સાધના કરે અને સાથે સાથે જીવન અપવિત્ર ગાળે તો પછી યોગી બનવાની આશા તેઓ કેવી રીતે રાખી શકે ?