આધ્યાત્મિક પ્રાણ

યોગીઓના મત પ્રમાણે મેરુદંડમાં પિંગલા અને ઇડા નામના જ્ઞાનતંતુના બે પ્રવાહો છે અને કરોડરજ્જુની અંદર થઈને નીચે જતી સુષુમ્ણા નામની એક પોલી નાડી છે. આ પોલી નાડીને નીચેને છેડે, જેને યોગીઓ ‘કુંડલિની-પદ્મ’ કહે છે તે આવેલું છે. યોગીઓના વર્ણન પ્રમાણે તે ત્રિકોણાકારનું છે અને તેની અંદર, યોગીઓની રૂપકની ભાષા પ્રમાણે, કુંડલિની નામની શક્તિ ગૂંચળું વળીને પડી છે. જ્યારે કુંડલિની જાગે છે ત્યારે તે આ પોલી નાડીમાં થઈને બળપૂર્વક ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, અને ક્રમે ક્રમે તે જેમ જેમ ઉપર ચડતી જાય છે, તેમ તેમ, જાણે કે મનના એક પછી એક થર ખુલ્લા થતા જાય છે અને વિવિધ પ્રકારનાં અનેક દર્શનો અને અદ્ભુત સિદ્ધિઓ યોગીને પ્રાપ્ત થાય છે. જ્યારે આ કુંડલિની શક્તિ મગજમાં પહોંચે છે ત્યારે યોગી શરીર અને મનથી સંપૂર્ણ અળગો થઈ જાય છે; જીવાત્મા પોતાને મુક્ત થયેલો અનુભવે છે.
આપણે જાણીએ છીએ કે કરોડરજ્જુની રચના વિશિષ્ટ પ્રકારની છે. જો આપણે અંગ્રેજી આઠને આડો (00) કરીએ, તો જણાશે કે એના બે ભાગ છે, ને તે વચમાં જોડાયેલા છે. આ આઠડાઓને જો તમે એકની ઉપર બીજો એમ ઉપર ઉપર ખડકતા જાઓ તો તે આકૃતિ કરોડરજ્જુ જેવી થશે. તેમાં ડાબી બાજુએ ઇડા, જમણી બાજુએ પિંગલા અને કરોડરજ્જુની મધ્યમાં જે પોલી નાડી પસાર થાય છે તે સુષુમ્ણા. મેરુદંડને નીચેને છેડે જ્યાં કરોડરજ્જુ પૂરી થાય છે ત્યાંથી એક બારીક તંતુ નીચેની બાજુએ જાય છે અને તે પોલી નાડી એ તંતુની અંદરથી પણ જાય છે, માત્ર વધારે બારીક થઈને. એ નાડી નીચેને છેડે બંધ હોય છે. એ છેડો જેને નાડીજાળ (Sacral Plexus) કહેવામાં આવે છે અને જે, આધુનિક શરીરશાસ્ત્ર મુજબ, ત્રિકોણના આકારનું હોય છે તેની પાસે આવેલો છે. નાડીજાળનાં જે જુદાં જુદાં કેન્દ્રો કરોડરજ્જુમાં રહેલાં છે, તેમને યોગીઓના મત મુજબનાં જુદાં જુદાં પદ્મો ગણી શકાય.
નીચેને છેડે આવેલા મૂળાધારથી શરૂ કરીને ઉપર મગજમાં રહેલા સહસ્રાર યાને સહસ્રદલ પદ્મ સુધી કરોડરજ્જુમાં કેટલાંક કેન્દ્રોની કલ્પના યોગીઓ કરે છે. તેથી, જો આપણે આ જુદી જુદી નાડીજાળોને આ પદ્મો તરીકે ગણીએ તો યોગવિદ્યાનો સિદ્ધાંત આધુનિક શરીરશાસ્ત્રની ભાષામાં ઘણો સહેલાઈથી સમજી શકાય. આપણે જાણીએ છીએ કે આ જ્ઞાનતંતુના પ્રવાહોમાં બે પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય છેઃ એક અંતરાભિમુખ અને બીજી બહિર્મુખ; એક સંવેદનાત્મક અને બીજી ક્રિયાત્મક; એક કેન્દ્રગામી અને બીજી કેન્દ્રોત્સારી. એક સંવેદનોને બહારથી મગજની અંદર લઈ જાય છે અને બીજી પ્રતિક્રિયાઓને મગજમાંથી બહાર શરીરમાં પહોંચાડે છે. આ સંવેદનો બધાં લાંબે ગાળે મગજની સાથે જોડાયેલાં છે. હવે પછી જે સ્પષ્ટીકરણ આવવાનું છે તેને સમજી શકવા માટે કેટલીક બીજી હકીકતો આપણે યાદ રાખવાની છે. ઉપર મગજની બાજુએ આ કરોડરજ્જુને છેડે એક પ્રકારની ગાંઠના આકારનું નાનું મગજ રહેલું છે. તે મોટા મગજ સાથે જોડાયેલું નથી, પણ મગજ માંહેના એક પ્રકારના પ્રવાહીમાં તરતું રહેલું છે કે જેથી જો માથા પર ફટકો લાગે તો તે ફટકાનો આઘાત તે પ્રવાહમાં સમાઈ જાય અને પેલી ગાંઠને નુકસાન ન પહોંચે. આ એક મહત્ત્વની હકીકત યાદ રાખવાની છે. બીજું, આપણે એ પણ જાણવાનું છે કે બીજાં બધાં કેન્દ્રોમાંથી ખાસ કરીને મૂળાધાર (કરોડરજ્જુના નીચેના છેડાનું), સહસ્રાર (મગજમાં આવેલું સહસ્રદલ) અને (નાભિકમળમાં રહેલું) મણિપુર એ ત્રણ કેન્દ્રને યાદ રાખવાનાં છે.
ત્યાર પછી આપણે એક હકીકત ભૌતિક વિજ્ઞાનમાંથી લઈશું. આપણે વીજળી અને તેની સાથે સંકળાયેલાં બીજાં વિવિધ બળો વિશે સાંભળીએ છીએ. વીજળી પોતે શું છે એ કોઈ જાણતું નથી, પરંતુ તેના વિશે જેટલું જાણવામાં આવ્યું છે તે પ્રમાણે તે એક પ્રકારની ગતિ છે. વિશ્વમાં બીજી વિવિધ પ્રકારની ગતિઓ રહેલી છે; તે ગતિઓ અને વીજળીમાં તફાવત શો છે ? ધારો કે આ મેજ ખસે છે, એટલે કે આ મેજરૂપ બન્યાં છે તે પરમાણુઓ જુદી જુદી દિશાઓમાં ખસે છે; જો તે બધાંય ને એક જ દિશામાં ખસેડવામાં આવે તો તે વીજળીની શક્તિ દ્વારા થઈ શકશે. વીજળીની ગતિ પદાર્થના પરમાણુઓને એક જ દિશામાં વહેતા કરે છે. એક ઓરડામાંની હવાના સઘળા પરમાણુઓને એક જ દિશામાં વહેતા કરવામાં આવે તો તેને પરિણામે ઓરડો વીજળીની એક વિરાટ બેટરી જેવો બની જાય. શરીરવિજ્ઞાનમાંથી બીજો એક મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે જે કેન્દ્ર શ્વાસયંત્રનું યાને શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું નિયમન કરે છે તે કેન્દ્ર નાડીપ્રવાહોની વ્યવસ્થા પર એક પ્રકારનું કાબૂ ધરાવવા જેવું કાર્ય કરે છે.
હવે આપણે શ્વાસોચ્છ્વાસની સાધના શા માટે કરવામાં આવે છે તે જોઈશું. પ્રથમ, તાલબદ્ધ શ્વાસોચ્છ્વાસ લેવાથી શરીરમાંના સઘળા પરમાણુઓમાં એક જ દિશામાં વહેવાનું વલણ ઉત્પન્ન થાય છે. જ્યારે મનનું ઇચ્છાશક્તિમાં રૂપાંતર થાય છે ત્યારે જ્ઞાનતંતુ – પ્રવાહો વીજળીને મળતી આવતી એક પ્રકારની ગતિમાં ફેરવાય છે, કારણ કે જ્ઞાનતંતુઓ વીજળી પ્રવાહને પ્રભાવે ધ્રુવગામીપણું બતાવે છે એમ સાબિત થયું છે. આ બતાવે છે કે જ્યારે ઇચ્છાશક્તિનું જ્ઞાનતંતુ-પ્રવાહોમાં રૂપાંતર થાય છે, ત્યારે તે વીજળી જેવા કંઈકમાં ફેરવાઈ જાય છે. જ્યારે શરીરની સઘળી ગતિઓ સંપૂર્ણ રીતે તાલબદ્ધ થઈ જાય છે ત્યારે શરીર, જાણે કે ઇચ્છાશક્તિની એક જબરદસ્ત બેટરી થઈ જાય છે. યોગી જે ઇચ્છે છે તે બરાબર આ પ્રચંડ ઇચ્છાશક્તિ છે. તેથી, શ્વાસોચ્છ્વાસની સાધનાનો શરીરશાસ્ત્રની દૃષ્ટિએ ખુલાસો આ છે. શ્વાસોચ્છ્વાસના તાલબદ્ધપણાથી શરીરમાં તાલબદ્ધપણું આવવા લાગે છે અને શ્વાસયંત્રના કેન્દ્ર દ્વારા બીજાં કેન્દ્રોને કાબૂમાં રાખવામાં આપણને મદદગાર થાય છે. અહીં પ્રાણાયામનો હેતુ મૂળાધારમાં ગૂંચળું વળીને પડી રહેલી કુંડલિની નામની શક્તિને જગાડવાનો છે.
આપણે જે કંઈ જોઈએ કે કલ્પના કરીએ કે સ્વપ્ન દેખીએ, તે દરેકે દરેક વસ્તુને અવકાશની અંદર અનુભવવી પડે છે. આ છે સામાન્ય અવકાશ કે જેને મહાકાશ કે ભૂતાકાશ કહેવામાં આવે છે. યોગી જ્યારે બીજા માણસોના વિચારો વાંચે છે અથવા અતીન્દ્રિય પદાર્થાેનો અનુભવ કરે છે, ત્યારે તે તેમને માનસિક આકાશ અથવા જેને ચિત્તાકાશ કહેવામાં આવે છે તે બીજા પ્રકારના અવકાશમાં અનુભવે છે. જ્યારે અનુભવ કોઈ પણ વિષયરહિતનો હોય છે અને આત્મા પોતાના સ્વરૂપમાં પ્રકાશે છે, ત્યારે તે અવકાશને ચિદાકાશ અથવા જ્ઞાનાકાશ કહેવામાં આવે છે. જ્યારે કુંડલિની જાગે છે અને સુષુમ્ણા નાડીમાં પ્રવેશ કરે છે ત્યારે બધા અનુભવો ચિત્તાકાશમાં થાય છે. જ્યારે તે કુંડલિની સુષુમ્ણા નાડીને ઉપરને છેડે જ્યાં તે મગજમાં પહોંચે છે ત્યારે થતો પદાર્થરહિતતાનો અનુભવ જ્ઞાનાકાશમાં થાય છે. વીજળીની ઉપમા લઈએ તો આપણે જોઈએ છીએ કે માણસ વીજળીનો પ્રવાહ તારમાં થઈને જ મોકલી શકે છે, પણ કુદરતને પોતાના પ્રચંડ પ્રવાહો મોકલવા માટે કોઈ તારની જરૂર નથી પડતી. આથી સાબિત થાય છે કે તારની ખરેખર જરૂર નથી હોતી, પરંતુ તેના વિના ચલાવી શકવાની આપણી અશક્તિ જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે. (વાચકે યાદ રાખવું કે આ વિધાન તાર વગરના સંદેશ (Wireless) મોકલવાની પદ્ધતિની શોધ થઈ તેની પહેલાં કરાયેલું છે.- અનુવાદક)
તે પ્રમાણે, શરીરનાં સઘળાં સંવેદનો અને ક્રિયાઓ, મગજની અંદર અને મગજમાંથી બહાર, આ જ્ઞાનતંતુઓના તાર દ્વારા મોકલવામાં આવે છે. કરોડરજ્જુમાંના સંવેદન ગ્રાહક અને ક્રિયાપ્રેરક તંતુસમૂહો એ યોગીઓની ઇડા અને પિંગલા છે. જેમની મારફત અંતર્મુખી અને બહિર્મુખી સંવેદન પ્રવાહો વહે છે તે બે મુખ્ય નાડીઓ આ છે. પરંતુ મન તાર વિના સંદેશા શા માટે ન મોકલે અથવા તાર વગર તેની પ્રતિક્રિયાઓ શા માટે ન થાય ? આપણે જોઈએ કે પ્રકૃતિમાં એ પ્રમાણે થાય છે. યોગીઓ કહે છે કે જો તેમ કરી શકાય તો જડ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ શકાય. એ કરવું કેવી રીતે? એ કહે છે કે જો સંવેદન પ્રવાહને કરોડરજ્જુની મધ્યમાં રહેલી સુષુમ્ણામાં થઈને વહેતો કરી શકાય તો એ પ્રશ્નનો ઉકેલ આવી જાય. જ્ઞાનતંતુ-રચનાની આ જાળગૂંથણી આપણા મને બનાવી છે અને તેણે જ તેને તોડવાની છે કે જેથી સંવેદન ક્રિયાના કાર્ય માટે જ્ઞાનતંતુઓની આવશ્યકતા જ ન રહે. ત્યારે જ સર્વ જ્ઞાન આવે, ત્યારે જ શરીરનું બંધન જરાય રહે નહીં; એ કારણસર સુષુમ્ણા પર કાબૂ મેળવવો એ એટલું બધું મહત્ત્વનું છે. યોગીઓ કહે છે કે જો આપણે કોઈ પણ જ્ઞાનતંતુને તારનું કામ કરવા દીધા વિના પોલી નળીમાં થઈને માનસિક પ્રવાહને વહાવી શકીએ તો આ પ્રશ્નનો ઉકેલ મળી ગયો સમજવો અને યોગી કહે છે કે એમ કરી શકાય છે.
આ સુષુમ્ણા નાડી, સામાન્ય મનુષ્યોમાં નીચલે છેડે બંધ થઈ ગયેલી હોય છે. તેમાં થઈને કશી જ ક્રિયા ચાલતી નથી. યોગી એવી એક જાતની સાધના સૂચવે છે કે જેના વડે તેને ઉઘાડી શકાય અને જ્ઞાનતંતુઓના પ્રવાહોને તેનામાં થઈને વહેતા કરી શકાય. જ્યારે એક સંવેદનને કેન્દ્રમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે કેન્દ્ર પ્રત્યાઘાત કરે છે. આ પ્રત્યાઘાતની પાછળ, સ્વયં સંચાલિત કેન્દ્રોની બાબતમાં ગતિ ઉત્પન્ન થાય છે. સભાન કેન્દ્રોની બાબતમાં તે પ્રત્યાઘાતની પાછળ પ્રથમ અનુભવ થાય છે અને તેની પછી ગતિ ઉત્પન્ન થાય છે. સર્વ પ્રકારનો અનુભવ બહારથી થયેલી ક્રિયાનો પ્રત્યાઘાત છે. તો પછી સ્વપ્નમાં અનુભવો કેવી રીતે થાય છે ? તે વખતે તો બહારથી કશી ક્રિયા હોતી નથી. તેથી સમજાય છે કે સંવેદનાત્મક ક્રિયાઓ કયાંક પણ ગૂંચળું વળીને પડી રહેલી હોવી જોઈએ. ઉદાહરણાર્થ, હું એક શહેરને જોઉં છું; એ શહેરનો અનુભવ તે શહેરરૂપે બનેલા બાહ્ય પદાર્થાેમાંથી આવેલી સંવેદનાઓની પ્રતિક્રિયા છે. એટલે કે, આંતરવાહી જ્ઞાનતંતુઓ માંહેની ક્રિયાને લીધે મગજના પરમાણુઓમાં એક અમુક પ્રકારની ગતિ ઉત્પન્ન થઈ છે અને તે આંતરવાહી જ્ઞાનતંતુઓ માંહેની ક્રિયા શહેરમાંના બાહ્ય પદાર્થાે દ્વારા ઉદ્ભવી છે. હવે, ઘણા લાંબા કાળ પછી પણ હું એ શહેરને યાદ કરી શકું છું. આ સ્મૃતિ એ બરાબર પ્રથમના અનુભવ જેવી જ ઘટના છે; માત્ર તે ઝાંખા સ્વરૂપમાં છે. પણ મગજની અંદર એવી જ જાતનાં ઝાંખા પ્રકારનાં આંદોલનો જગાડનારી ક્રિયા કયાંથી આવે છે ? એ તો ચોક્કસ છે કે પ્રાથમિક સંવેદનોમાંથી તો એ નથી આવતી. તેથી એમ ચોક્કસ હોવું જોઈએ કે એ સંવેદનો કયાંક પણ ગૂંચળું વળીને સંઘરાયેલાં પડ્યાં છે અને તેઓ જ, પોતાની ક્રિયા વડે તે ઝાંખી ઝાંખી પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે કે જેને આપણે સ્વપ્નનો અનુભવ કહીએ છીએ.
જે કેન્દ્રમાં આ બધાં અવશિષ્ટ સંવેદનો, જાણે કે, સંઘરાઈ રહે છે, તે કેન્દ્રને મૂળાધાર, એટલે કે ‘તળિયાનું પાત્ર’ કહેવામાં આવે છે અને ગૂંચળું વળીને પડી રહેલી ક્રિયાશક્તિને કુંડલિની એટલે કે ‘કૂંડાળું વળીને પડેલી’ કહેવામાં આવે છે. એ ઘણું જ સંભવિત છે કે અવશિષ્ટ ચાલક શક્તિ પણ એ જ કેન્દ્રમાં સંઘરાયેલી હોય, કારણ કે ઊંડા અભ્યાસ કે બાહ્ય વિષયો પરના ધ્યાનની બાદ શરીરના જે ભાગમાં મૂળાધાર કેન્દ્ર આવેલું છે તે ભાગ (કદાચ Sacral Plexus) ગરમ થઈ જાય છે. હવે જો આ કૂંડાળું વળીને પડી રહેલી શક્તિને જગાડીને ક્રિયાશીલ કરવામાં આવે અને પછી સમજપૂર્વક ઉપર સુષુમ્ણા નાડીમાં વહેતી કરવામાં આવે તો એ જેમ જેમ એક પછી એક કેન્દ્ર પર આઘાત કરે, તેમ તેમ એક પ્રચંડ પ્રતિક્રિયા શરૂ થઈ જાય છે. જ્યારે શક્તિનો એક અતિસૂક્ષ્મ અંશ એક જ્ઞાનતંતુમાં થઈને વહેવા લાગે છે અને કેન્દ્રોમાંથી પ્રતિક્રિયા ઊભી કરે છે, ત્યારે તે અનુભવ કાં તો સ્વપ્નરૂપ અથવા તો કલ્પનારૂપ થાય છે. પરંતુ જ્યારે લાંબા કાળના આંતરિક ધ્યાનની શક્તિને પરિણામે સંઘરાઈ રહેલી શક્તિનો વિશાળ જથ્થો સુષુમ્ણા-માર્ગ દ્વારા ઉપર ચડે છે અને કેન્દ્રો પર આઘાત કરે છે ત્યારે પ્રત્યાઘાત અતિ પ્રચંડ હોય છે અને સ્વપ્ન અથવા કલ્પનારૂપે થયેલા પ્રત્યાઘાત કરતાં અત્યંત ઉચ્ચ પ્રકારનો, ઇંદ્રિયોથી થતા અનુભવો કરતાં અત્યંત તીવ્ર હોય છે. એ હોય છે ઇંદ્રિયાતીત અનુભવ અને જ્યારે તે સર્વ સંવેદનોના મુખ્ય મથક સમા મગજમાં પહોંચે છે, ત્યારે આખું મગજ, જાણે કે, પ્રત્યાઘાત કરી ઊઠે છે અને પરિણામે થાય છે પ્રકાશનો સંપૂર્ણ ઝળહળાટ, આત્માનો સાક્ષાત્કાર. જેમ જેમ આ કુંડલિનીની શક્તિ એક કેન્દ્રથી બીજે કેન્દ્રે ચડતી જાય છે તેમ તેમ મનના એક પછી એક થરો, જાણે કે, ઊઘડતા જાય છે અને આ વિશ્વને તેના સૂક્ષ્મ અથવા કારણ સ્વરૂપમાં યોગી અનુભવે છે. કેવળ ત્યારે જ આ વિશ્વનાં કારણો, સંવેદનરૂપે અને પ્રતિક્રિયારૂપે, તેમના સાચા સ્વરૂપમાં જણાય છે અને તેથી સર્વ જ્ઞાન થાય છે, કારણોનું જ્ઞાન થાય એટલે કાર્યાેનું જ્ઞાન આવવાનું જ.
આમ કુંડલિનીને જાગ્રત કરવી એ જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો યા અતીન્દ્રિય અનુભવ મેળવવાનો કે આત્માનો સાક્ષાત્કાર કરવાનો એક માત્ર ઉપાય છે. એ જાગૃતિ વિવિધ પ્રકારે આવી શકે ઃ ઈશ્વર પરના પ્રેમ દ્વારા, પૂર્ણત્વે પહોંચેલા ઋષિમુનિઓની કૃપા દ્વારા અથવા તો દાર્શનિકની પૃથક્કરણાત્મક ઇચ્છાશક્તિ દ્વારા. જ્યાં કયાંય પણ જેને સાધારણ રીતે અલૌકિક જ્ઞાન કહેવામાં આવે છે તેનું પ્રાગટ્ય થયું છે ત્યાં કુંડલિનીનો જરા તરા પ્રવાહ સુષુમ્ણામાં પ્રવેશી ગયો હોવો જ જોઈએ. માત્ર, આવા કિસ્સાઓમાં મોટા ભાગના લોકોને અજાણપણે કોઈક પ્રક્રિયા હાથ આવી ગઈ હોય છે કે જેથી ગૂંચળું વળીને પડેલી કુંડલિનીનો લગારેક અંશ ક્રિયાશીલ બન્યો હોય છે. સઘળી ઉપાસનાઓ, જાણ્યે કે અજાણ્યે, આ લક્ષ્યે જ લઈ જાય છે. જે માણસ એમ ધારે છે કે પોતાની પ્રાર્થનાઓ ફળીભૂત થાય છે તે જાણતો નથી કે એ પૂર્તિ તેના પોતાના સ્વરૂપમાંથી જ આવે છે કે પ્રાર્થનાની મનોવૃત્તિથી તે પોતાની અંદર ગૂંચળું વળીને પડી રહેલી આ અનંત શક્તિનો જ લગારેક અંશ જગાડવામાં સફળ થયો છે. આમ, મનુષ્યો ડર અને દુઃખના માર્યા અજ્ઞાનથી વિવિધ નામે જેની ઉપાસના કરતા હોય છે તે જ યોગીના કહેવા મુજબ, દરેકની અંદર ગૂંચળું વળીને પડેલી સાચી શક્તિ છે અને જો માત્ર આપણે તેને કેવી રીતે જગાડવી એ જાણીએ તો તે અનંત સુખની જનેતા છે અને રાજયોગ ધર્મનું વિજ્ઞાન છે, તથા સઘળી ઉપાસનાઓનો, સઘળી પ્રાર્થનાઓનો, સઘળા આચારવિચારોનો, સઘળાં વિધિવિધાનોનો અને સઘળા ચમત્કારોનો બુદ્ધિપૂર્વકનો ખુલાસો છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories