વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો

ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી

૨૦મી સપ્ટેમ્બર, ૧૮૯૩

ખ્રિસ્તીધર્મીઓએ સારી ટીકા માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ; તેથી જો આજે એવી થોડી ટીકા હું કરું તો તમે ખોટું નહીં લગાડો એવી મને આશા છે. તમે ખ્રિસ્તીઓ પરધર્મીઓના આત્માના ઉદ્ધાર માટે મિશનરીઓને મોકલો છો, પરંતુ એ પરધર્મીઓના દેહને ભૂખની યાતનામાંથી બચાવવા શા માટે પ્રયાસ કરતા નથી ? હિંદમાં ભયંકર દુકાળોમાં હજારો માણસો ભૂખથી મરી ગયા; છતાં તમે કંઈ કર્યું નથી. ભારતમાં તમે ચોમેર દેવળો બંધાવો છો. પૂર્વમાં જરૂર ધર્મની નથી; તેમની પાસે ધર્મ ખૂબ છે. લાખો ભૂખ્યા હિંદીઓ રોટી માટે પોકાર પાડી રહ્યા છે. તેઓ આપણી પાસે રોટલો માગે છે, જ્યારે આપણે પથ્થર આપીએ છીએ. ભૂખ્યા માણસને તત્ત્વજ્ઞાન શીખવવા બેસવું એ તેનું અપમાન છે. હિંદમાં જે પૂજારી પૈસા માટે ઉપદેશ કરે તે પોતાની જ્ઞાતિ ગુમાવે છે અને લોકો એના પર થૂંકે છે. હું મારા ગરીબ ભાંડુઓ માટે સહાય માગવા અત્રે આવ્યો છું; અને ખ્રિસ્તીઓના દેશમાં, ખ્રિસ્તીઓ પાસે, પરધર્મીઓ માટે સહાય મેળવવી એ કેટલું મુશ્કેલ છે તેનું મને પૂરેપુરું ભાન થયું છે.