વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો

અનુક્રમણિકા

ભેદભાવ શા માટે?

૧૫મી સપ્ટેમ્બર, ૧૮૯૩

હું તમારી સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરું છું. હમણાં જ એક છટાદાર વક્તાને બોલતા તમે સહુએ સાંભળ્યા. એમણે કહ્યું, ‘એકબીજાને ગાળો દેતાં આપણે અટકવું જોઈએ.’ આટલો બધો ભેદભાવ હંમેશાં રહેતો હોય છે, તેથી તેમને દુઃખ થયું.

આ અંગે મને લાગે છે કે એ ભેદભાવનું કારણ બતાવતી એક વાર્તા મારે તમને કહેવી જોઈએ. એક દેડકો હતો. ઘણા વખતથી એ કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો, ને ત્યાં જ ઊછર્યાે હતો; અને એમ છતાં એ એક નાનકડો દેડકો જ હતો. અલબત્ત, એ સમયે દેડકાએ આંખો ખોઈ હતી કે કેમ, તે કહેવાને ઉત્ક્રાંતિવાદીઓ હાજર ન હતા; પણ આપણી આ કથા પૂરતું આપણે એમ કહીએ કે, એને આંખો હતી. વળી અત્યારના જંતુશાસ્ત્રીને માત કરે એવી શક્તિ વડે, આ દેડકો કૂવામાંનાં જીવ-જંતુઓનો નાશ કરી ત્યાંના પાણીને સ્વચ્છ રાખતો હતો, એમ પણ આપણે માની લઈએ. આમ દેડકાનું જીવન વહ્યું જતું હતું. પરિણામે શરીરે એ જરા સુંવાળો અને સ્થૂલ બન્યો. પછી એવું બન્યું કે, એ દિવસે સાગરમાં રહેતો બીજો એક દેડકો એ કૂવામાં આવી પડયો.

પેલાએ તેને પૂછ્યુંઃ ‘તમે કયાંથી આવો છો ?’

‘હું સાગરમાંથી આવું છું.’

‘સાગરમાંથી ? સાગર વળી કેવડો મોટો હશે ? શું એ આ કૂવા જેટલો મોટો છે ખરો ?’ આમ કહીને પેલા કૂવામાંના દેડકાએ કૂવાની એક બાજુએથી બીજી બાજુ સુધી કૂદકો માર્યાે.

સાગરના દેડકાએ જવાબમાં કહ્યું, ‘મિત્ર ! સાગરને શું તમે તમારા નાનકડા કૂવા સાથે સરખાવો છો ?’

પેલા કૂવામાંના દેડકાએ બીજો કૂદકો માર્યાે અને પૂછ્યું, ‘ત્યારે તમારો સાગર આવડો મોટો છે ?’

‘તમે મૂર્ખાઈભરી વાત કરી રહ્યા છો. સાગરને તે વળી કૂવા સાથે સરખાવાતો હશે ?’

કૂવામાંના દેડકાએ કહ્યું, ‘સમજ્યા હવે ! મારા કૂવા કરતાં કશું મોટું ન હોઈ શકે; આ કૂવા કરતાં બીજું કશું વધારે વિશાળ હોઈ ન શકે, આ સાગરનો દેડકો જુઠ્ઠાબોલો છે; એને તગડી મૂકવો જોઈએ.’

અત્યાર સુધી આપણી આ જ મુશ્કેલી રહેલી છે.

હું હિંદુ છું; મારા નાના કૂવામાં બેસી હું એમ વિચારું છું કે, સમગ્ર જગત આ મારા નાના કૂવામાં સમાઈ જાય છે. ખ્રિસ્તી ધર્મનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે અને સમગ્ર જગત એના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે. ઇસ્લામનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે અને એને જ સમગ્ર જગત માને છે. આપણા આ નાના જગતની ભેદભાવની દીવાલો તોડવાનો મહાપ્રયત્ન કરી રહેલા અમેરિકન બંધુઓ ! તમારો સહુનો હું આભાર માનું છું. તમારા મનનો હેતુ પરિપૂર્ણ કરવામાં પરમેશ્વર તમને ભવિષ્યમાં સહાયભૂત થાય, એવી હું શ્રદ્ધા સેવું છું.