ધ્યાન અને સમાધિ

રાજયોગનાં જુદાં જુદાં પગથિયાંઓનું આપણે ઉપરછલું અવલોકન કરી ગયા છીએ. પરંતુ જે ધ્યેયે આપણને રાજયોગ લઈ જવાનો છે તે એકાગ્રતાની તાલીમનાં વધુ સૂક્ષ્મ પગથિયાંનું અવલોકન હજી બાકી છે. આપણે, મનુષ્ય પ્રાણી તરીકે જોઈએ છીએ કે જેને વિચારપૂર્વકનું કહેવામાં આવે છે તે આપણું સર્વ પ્રકારનું જ્ઞાન ચેતના સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ ટેબલનું અને તમારી હાજરી વિશેનું મારું ભાન મને જણાવે છે કે એ ટેબલ અને તમે અહીંયાં છો. સાથે સાથે જ મારા અસ્તિત્વનો ઘણો મોટો ભાગ એવો છે કે જેના વિશેનું ભાન મને નથી. શરીરની અંદરની બધી ઇંદ્રિયો, મગજના જુદા જુદા વિભાગો, એ બધાનું કોઈને ભાન નથી.
જ્યારે હું ખોરાક ખાઉં છું, ત્યારે હું તે ભાનપૂર્વક ખાઉં છું; પણ જ્યારે હું તે પચાવું છું, ત્યારે હું તે અજાણપણે પચાવું છું. જ્યારે તે ખાધેલામાંથી લોહી તૈયાર થાય છે ત્યારે તે અજાણપણે થાય છે. જ્યારે લોહીમાંથી મારા શરીરના સઘળા ભાગોને પોષણ મળે છે તે પણ અજાણપણે મળે છે અને છતાં આ બધું હું કરું છું. આ એક શરીરમાં વીસ માણસો હોય એવું ન બને. મને એ કેવી રીતે ખબર પડે છે એ બધું હું કરું છું અને બીજું કોઈ નહીં ? કદાચ એમ કહી શકાય કે મારું કામ તો ફક્ત ખાવાનું અને ખાધેલાને પચાવવાનું છે, જ્યારે એ ખોરાકથી શરીરને મજબૂત બનાવવાનું કામ મારી વતી કોઈક બીજો કરે છે. પણ એમ ન બની શકે, કારણ કે એ દર્શાવી શકાય તેમ છે કે જે જે કાર્યાેનું આપણને અત્યારે ભાન નથી, લગભગ તે દરેક કાર્યને સભાનપણાની ભૂમિકાએ લાવી શકાય. દેખીતી રીતે જ હૃદય આપણા કાબૂ વગર જ ધબકયા કરે છે. અહીં બેઠેલા આપણામાંનો કોઈ પણ માણસ પોતાના હૃદય પર કાબૂ ધરાવી શકતો નથી; એ પોતાની મેળે જ ધબકયે જ જાય છે. પરંતુ તાલીમ લેવાથી મનુષ્યો હૃદયને પણ કાબૂમાં લાવી શકે છે, તે એટલે સુધી કે હૃદય તેની ઇચ્છાનુસાર ધીમી ગતિએ કે ઝડપથી ધબકશે અથવા લગભગ બંધ પડી જશે. શરીરનો લગભગ દરેક ભાગ કાબૂમાં લાવી શકાય. આ શું બતાવે છે ? એ એ બતાવે છે કે જે કાર્યાે આપણા ભાન વગર થયા કરે છે તે પણ આપણાથી જ થાય છે, માત્ર આપણે તે અજાણપણે કરી રહ્યા છીએ. ત્યારે હવે આપણી પાસે બે ભૂમિકાઓ છે કે જેની અંદર માનવ મન કાર્ય કરે છે. પહેલી ભૂમિકા છે સચેત ભૂમિકા કે જેમાં બધું કાર્ય હંમેશાં કાર્ય ‘હું કરું છું’ એવી ભાવનાથી જોડાયેલું હોય છે. ત્યાર પછી આવે છે અચેત ભૂમિકા કે જ્યાં બધું કામકાજ ‘હું કરું છું’ એ ભાવના વિના થતું હોય છે. માનસિક ક્રિયાનો જે અંશ ‘હું’ એ ભાવનાથી રહિત હોય છે તે અચેત કાર્ય છે અને જે અંશ ‘હું’ ભાવનાપૂર્વક થાય છે તે સચેત કાર્ય છે. નીચલા વર્ગનાં પ્રાણીઓમાં આ અચેત કાર્યને સહજવૃત્તિ કહેવામાં આવે છે. ઊંચા વર્ગનાં પશુઓમાં અને પશુવર્ગમાં સર્વાેચ્ચ એવાં માનવીમાં જેને સચેત કાર્ય કહેવામાં આવે છે તે પ્રબળ હોય છે.
પણ આ બાબત અહીં જ પૂરી થતી નથી. એથીયે વધારે ઊંચી એક ભૂમિકા છે કે જ્યાં મન કાર્ય કરી શકે છે. એ સચેત ભૂમિકાથી એ પર જઈ શકે છે. જેવી રીતે અચેત કાર્ય સચેત ભૂમિકાથી નીચેની ભૂમિકાએ છે, તેવી રીતે બીજા એક પ્રકારનું પણ કાર્ય છે કે જે સચેત ભૂમિકાથી ઉપર છે અને જેની સાથે પણ ‘હું’ એ ભાવના નથી હોતી. ‘હું’ ભાવના તો ફક્ત વચલી ભૂમિકા પર જ હોય છે. મન જ્યારે એ ભૂમિકાની રેખાથી ઉપર કે નીચે હોય છે, ત્યારે ‘હું’ એ ભાવના મુદ્દલ હોતી નથી અને છતાં મન કામ કરતું હોય છે. મન જ્યારે આ ‘હું’ ભાવનાવાળી ભૂમિકાથી પર જાય છે, ત્યારે તે ભૂમિકાને સમાધિ અથવા અતિચેતન અવસ્થા કહેવામાં આવે છે. દા.ત. આપણે કેવી રીતે જાણવું કે સમાધિમાં ગયેલો માણસ સચેત ભૂમિકામાંથી નીચે નથી ઊતરી ગયો, ઊંચે જવાને બદલે નીચે ગયો નથી ? બંને કિસ્સાઓમાં કાર્યાે તો ‘હું’ ભાવનાથી રહિત હોય છે. તેનો ઉત્તર એ કે પરિણામ પરથી, કાર્યના પ્રભાવથી આપણે સમજી શકીએ કે કઈ ભૂમિકા નીચેની છે અને કઈ ઊંચેની. જ્યારે મનુષ્ય ગાઢ નિદ્રામાં જાય છે, તે સચેત ભૂમિકાથી નીચેની ભૂમિકામાં પ્રવેશે છે. એ સ્થિતિમાં તે શ્વાસ લેવાની સાથે શારીરિક ક્રિયાઓ પણ કરતો હોય છે, કદાચ તે ઊંઘમાં ને ઊંઘમાં શરીરને ફેરવે છે, આ બધું કરતી વખતે તેને ‘હું કરું છું’, એવું ભાન નથી હોતું; એ અચેત હોય છે અને તે ઊંઘમાંથી પાછો જાગે છે ત્યારે તે એનો એ જ મનુષ્ય રહે છે કે જે ઊંઘી ગયો હતો. તેના જ્ઞાનનો ભંડોળ, તે ઊંઘી ગયો તે પહેલાં જે હતું, નિદ્રામાંથી જાગ્યા પછી પણ તેનું તે જ રહેલું હોય છે; તે જરાય વધ્યું નથી હોતું. કંઈ પણ જ્ઞાન થતું નથી. પણ જ્યારે માણસ સમાધિમાં જાય છે ત્યારે સમાધિમાં જતાં પહેલાં જો તે મૂર્ખ હોય તો સમાધિમાંથી તે પૂર્ણ જ્ઞાની બનીને બહાર આવે છે.
એ તફાવત શાને લીધે થાય છે ? એક અવસ્થામાંથી (ગાઢ નિદ્રામાંથી) માણસ જેવો પ્રવેશ્યો હોય છે તેવો જ બહાર આવે છે અને બીજી (સમાધિ) અવસ્થામાંથી બહાર આવે છે ત્યારે તે, જ્ઞાની બનીને, ઋષિ બનીને, પયગંબર બનીને અને સંત બનીને બહાર આવે છે. તેનું આખું ચારિત્ર્ય બદલાઈ જાય છે, તેનું જીવન પલટાઈ જાય છે, તે પ્રકાશમય બની જાય છે. આ બે પ્રકારનાં પરિણામો છે. ત્યારે હવે પરિણામો જુદાં હોય તો કારણો જુદાં હોવાં જ જોઈએ. આ જે જ્ઞાનપ્રકાશ મેળવીને મનુષ્ય સમાધિમાંથી પાછો આવે છે તે અચેત અવસ્થામાંથી જે મળે તેના કરતાં અથવા સચેત અવસ્થામાં તર્કયુક્તિ દ્વારા મેળવાતા જ્ઞાન કરતાં ઘણા ઉચ્ચ પ્રકારનો હોવાને લીધે એ અતિચેતન અવસ્થા હોવી જ જોઈએ અને સમાધિને જ અતિચેતન અવસ્થા કહેવામાં આવે છે.
ટૂંકામાં કહીએ તો સમાધિ એટલે એ છે. એનો ઉપયોગ શો ? ઉપયોગ આ રહ્યો. તર્કશક્તિનું, યાને મનમાં સમજપૂર્વકના કાર્યનું ક્ષેત્ર સાંકડું અને સીમિત છે. માનવબુદ્ધિએ એ નાના વર્તુળમાં જ ફરવું પડે છે. એની આગળ તે જઈ શકતી નથી. તેની બહાર જવાનો દરેક પ્રયત્ન અશક્ય છે અને છતાંય મનુષ્ય જાતિ જેને ઇષ્ટમાં ઇષ્ટ ગણે છે તે બધું આ બુદ્ધિના વર્તુળની બહાર રહેલું છે. આ બધા સવાલો, જેવા કે આત્મા અમર છે કે નહીં, ઈશ્વર છે કે નહીં, આ વિશ્વની નિયામક કોઈ સર્વાેચ્ચ બુદ્ધિ છે કે કેમ, એ બધા પ્રશ્નો બુદ્ધિના ક્ષેત્રથી પર છે. બુદ્ધિ આ પ્રશ્નોના ઉત્તર કદી આપી શકે તેમ નથી. બુદ્ધિ શું કહે છે ? એ કહે છે, ‘હું અજ્ઞેયવાદી છું; હું હા કે ના બે માંથી કંઈ જાણતી નથી.’ છતાં આ પ્રશ્નો આપણા માટે અતિ મહત્ત્વના છે. તેમનો યોગ્ય જવાબ મળ્યા સિવાય મનુષ્યજીવન ઉદ્દેશ વિનાનું થઈ જાય. આપણાં સઘળાં ધર્મશાસ્ત્રના સિદ્ધાંતો, આપણાં સઘળાં નૈતિક વલણો, માનવ-સ્વભાવમાં જે બધું મંગળ અને મહાન છે તે સઘળું આ બુદ્ધિના વર્તુળની બહારથી આવેલા ઉત્તરો પરથી જ ઘડાયેલું છે, એટલા માટે, એ અતિ મહત્ત્વનું છે કે આ પ્રશ્નોના ઉત્તરો આપણને મળવા જોઈએ. જો જીવન માત્ર બે ઘડીની રમત હોય, જો વિશ્વ એ માત્ર ‘અણુઓનું આકસ્મિક સંયોજન’ હોય, તો પછી મારે બીજાનું ભલું શા માટે કરવું ? દયા, ન્યાય, ભાઈચારો વગેરે શા માટે ? તો તો પછી આ દુનિયામાં સૌએ ‘यावत् जीवेत् सुखं जीवेत्’ – સૌએ પોતાનો સ્વાર્થ પહેલો જોવો. જો બીજી કશી આશા જ ન હોય, તો પછી મારે મારા ભાઈ પ્રત્યે પ્રેમ શા માટે રાખવો અને તેનું ગળું શા માટે ન કાપવું ? જો આ દુનિયાથી પર કંઈ જ ન હોય, જો મુક્તિ ન જ હોય, પણ માત્ર કઠોર જડ કાયદા જ હોય, તો તો મારે માત્ર આ દુનિયામાં મારી જાતને સુખી કરવાનો જ પ્રયાસ કરવો જોઈએ. આજકાલ તમે લોકોને એમ કહેતા સાંભળશો કે નીતિમત્તાના આધાર તરીકે ઉપયોગિતાની ભૂમિકા અમે સ્વીકારીએ છીએ. આ આધાર તે શું છે ? વધારેમાં વધારે લોકોને વધારેમાં વધારે સુખ મળે તેમ કરવું. પણ મારે એ શા માટે કરવું ? જો મારો હેતુ સરતો હોય, તો મારે વધુમાં વધુ લોકોને વધુમાં વધુ દુઃખ કાં ન આપવું ? ઉપયોગિતાવાદીઓ આ પ્રશ્નોનો ઉત્તર શી રીતે આપવાના ? શું સાચું છે ને શું ખોટું છે એ તમે કેવી રીતે જાણો છો ? હું તો સુખી થવાની મારી ઇચ્છાથી પ્રેરાયો છું, એટલે હું તે પૂરી કરું છું અને એ મારા સ્વભાવમાં છે; એથી આગળ હું કંઈ જાણતો નથી. મારામાં આ ઇચ્છાઓ છે અને મારે તે પૂરી કરવી જ છે; એ બાબતમાં તમારે શા માટે વાંધો ઉઠાવવો ? માનવજીવન વિષેનાં, નીતિમત્તા વિષેનાં, આત્માની અમરતા વિષેનાં, ઈશ્વર વિષેનાં, પ્રેમ અને સહાનુભૂતિ વિષેનાં, સદાચારી અને સારા થવા વિષેનાં અને સૌથી વિશેષ તો નિઃસ્વાર્થીપણા વિષેનાં બધાં સત્યો આવ્યાં છે કયાંથી ?
સઘળાં નીતિશાસ્ત્રો, મનુષ્યનાં સઘળાં કાર્યાે, મનુષ્યના સઘળા વિચારો, નિઃસ્વાર્થીપણાની આ એકમાત્ર ભાવના પર અવલંબે છે. મનુષ્યજીવન વિષેનો સમગ્ર વિચાર પેલા એક જ શબ્દ, નિસ્વાર્થીપણાની અંદર જ સમાવી શકાય. આપણે શા માટે નિસ્વાર્થી થવું ? મારે નિસ્વાર્થી થવાની જરૂર, તે માટેનું બળ, શક્તિ શેમાં છે ? તમે તમને પોતાને બુદ્ધિવાદી તરીકે, ઉપયોગિતાવાદી તરીકે ઓળખાવો છો; પણ જો તમે ઉપયોગિતા માટેનું કારણ મને દર્શાવી ન શકો તો તો હું કહું કે તમે બુદ્ધિપૂર્વક ચાલનારા માણસ નથી. મારે સ્વાર્થી શા માટે ન થવું તેનું કારણ તમે મને બતાવો. માણસને નિઃસ્વાર્થી બનવાનો ઉપદેશ આપવો એ કવિત્વની દૃષ્ટિએ સારું હોઈ શકે, પણ કવિત્વ એ કાંઈ બુદ્ધિવાદ નથી. મને તો બુદ્ધિપૂર્વકનું કારણ બતાવો કે મારે નિઃસ્વાર્થી શા માટે થવું, મારે સારા શા માટે થવું? શ્રીમાન અને શ્રીમતી ફલાણા એમ કહે છે માટે ? એની મારે મન કશી કિંમત નથી. મારા નિઃસ્વાર્થી બનવામાં ઉપયોગિતા કયાં છે ? ઉપયોગિતાનો અર્થ જો ઝાઝામાં સુખ એવો થતો હોય તો તો મારી ઉપયોગિતા સ્વાર્થી થવામાં છે. એનો શો જવાબ છે ? ઉપયોગિતાવાદીઓ તે કદી આપી શકે તેમ નથી. એનો જવાબ એ છે કે આ જગત એક અનંત મહાસાગરમાં એક બિન્દુ માત્ર છે, એક અનંત સાંકળમાં એક કડી માત્ર છે. જેઓએ નિઃસ્વાર્થતાનો ઉપદેશ આપ્યો અને માનવજાતને એ શીખવી તેમને એ વિચાર પ્રાપ્ત થયો કયાંથી ? આપણે જાણીએ છીએ કે એ વિચાર સહજવૃત્તિથી ઉત્પન્ન થયેલો નથી; કારણ કે પશુઓમાં સહજવૃત્તિ રહેલી છે, પણ તેઓ નિઃસ્વાર્થતાની ભાવનાને જાણતાં નથી. તેમ એ વિચાર તર્કબુદ્ધિપૂર્વકનો પણ નથી; કારણ કે તર્કબુદ્ધિ આ વિચારો વિશે કંઈ જ જાણતી નથી. ત્યારે એ વિચારો આવ્યા કયાંથી ?
ઇતિહાસનો અભ્યાસ કરતાં, એક હકીકત જગતના સર્વે મહાન ધર્માેપદેશકોએ સર્વસામાન્ય તરીકે સ્વીકારેલી જણાય છે. તેઓ સર્વે દાવો કરે છે કે તેમને સાંપડ્યાં છે તે સત્યો જગતથી પર એવાં કયાંકથી તેમને મળ્યાં છે, માત્ર તેમનામાંથી ઘણાને એ ખબર નહોતી કે એ કયાંથી તેમને મળ્યાં. દાખલા તરીકે, એક મહાન પુરુષ એમ કહે કે એક દેવદૂત પાંખોવાળા માનવીનું રૂપ લઈને નીચે ઊતરી આવ્યો અને તેણે મને કહ્યું, ‘હે મનુષ્ય, સાંભળ, આ રહ્યો સંદેશ.’ બીજો કહેશે કે એક દેવતા, જ્યોતિર્મય પુરુષે મને દર્શન દીધાં. ત્રીજો કહેશે કે મને મારા પૂર્વજ સ્વપ્નમાં આવ્યા અને અમુક અમુક બાબતો બોલી ગયા ઃ એથી આગળ મને કશી ખબર નથી. પણ એ બધામાં આટલું સર્વસામાન્ય છે કે એ બધા એવો દાવો કરે છે કે એ જ્ઞાન તેમને બુદ્ધિની પેલે પારથી આવ્યું છે, તેમની તર્કબુદ્ધિ દ્વારા નહિ. યોગનું વિજ્ઞાન શું શીખવે છે ? તે એમ શીખવે છે કે એ બધું જ્ઞાન તેમને બુદ્ધિની પેલે પારથી મળ્યું છે એવો તેમનો દાવો સાચો છે, પરંતુ તે આવ્યું છે તેમની પોતાની અંદરથી જ.
યોગવિદ્યા એમ શીખવે છે કે મનની પોતાની જ એક વધુ ઉચ્ચ તર્કબુદ્ધિથી પર, એક અતીન્દ્રિય અવસ્થા છે; અને જ્યારે મન એ વધુ ઉચ્ચ અવસ્થાએ પહોંચે છે ત્યારે આ તર્કબુદ્ધિથી પેલે પારનું જ્ઞાન માણસને પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાન અને ઇંદ્રિયોથી અતીત એવું જ્ઞાન એ માણસને પ્રાપ્ત થાય છે. આ તર્કબુદ્ધિથી પર જવાની સ્થિતિ, સાધારણ મનુષ્યભાવથી પર થવાની સ્થિતિ, જે માણસ તેનું વિજ્ઞાન સમજતો નથી તેને કયારેક દૈવયોગે પ્રાપ્ત થાય છે; તે જાણે કે, તેની સાથે ભટકાઈ પડે છે. જ્યારે તે ભટકાઈ પડે છે, ત્યારે તે તેનો સાધારણ રીતે એવો અર્થ ઘટાવે છે કે તે સ્થિતિ બહારથી આવી છે. તેથી આ ઘટનાથી ખુલાસો મળે છે કે પ્રેરણા યાને અતીન્દ્રિય જ્ઞાન જુદા જુદા દેશોમાં હોય એક જ, પણ એક દેશમાં એ એવું દેખાશે કે તે એક દેવદૂત દ્વારા આવે છે, બીજામાં કોઈક દેવતા પાસેથી, તો ત્રીજામાં વળી ઈશ્વર પાસેથી. આનો અર્થ શો ? એનો અર્થ એ કે મન એ જ્ઞાન લાવ્યું તો પોતાની જ મેળે, પણ એ જ્ઞાનની પ્રાપ્તિ વિશેનો અર્થ જે વ્યક્તિને એ પ્રાપ્તિ થઈ તેની માન્યતા અને શિક્ષણ પ્રમાણે કરવામાં આવ્યો. ત્યાં ખરી હકીકત એ છે કે આ જુદા જુદા માણસો, જાણે કે એ અતીન્દ્રિય અવસ્થા સાથે અચાનક ભટકાઈ પડ્યા હતા.
યોગવિદ્યા કહે છે કે આ અવસ્થામાં અચાનક આવી પડવામાં મોટું જોખમ છે. સારી એવી સંખ્યાના કિસ્સાઓમાં મગજ ખસી જવાનું જોખમ છે અને એક નિયમ તરીકે તમને જણાશે કે એ બધા માણસો ગમે તેવા મહાન હતા પણ વગર સમજ્યે આ અતીન્દ્રિય અવસ્થામાં આવી પડવાને લીધે અંધારામાં ફાંફાં મારતા હતા અને સામાન્ય રીતે, તેમના જ્ઞાનની સાથે કોઈક વિચિત્ર પ્રકારનો વહેમ પણ સંકળાયેલો હોય છે. એ બધાને ચિત્તભ્રમ જેવું હતું. મહમદ પેગંબરે એવો દાવો કર્યાે કે દેવદૂત ગેબ્રિયલ એક દિવસ ગુફામાં તેમની પાસે આવ્યા અને પોતાને દેવતાઈ ઘોડા હરક પર બેસાડ્યા અને તેના પર પોતે સ્વર્ગમાં ગયા. પણ એ બધું હોવાની સાથે મહમદ પેગંબરે કેટલાંક અદ્ભુત સત્યો રજૂ કર્યાં છે. જો તમે કુરાન વાંચો તો તમને સૌથી અદ્ભુત સત્યોની સાથે વહેમો પણ ભળેલા જણાશે. એનો ખુલાસો તમે શો આપશો ? એ મનુષ્યને દિવ્ય પ્રેરણા મળી હતી, એમાં જરાય શંકા નહિ, પણ એ પ્રેરણા, જાણે કે, અચાનક આવી પડી હતી. એ મનુષ્ય તાલીમ પામેલો યોગી નહોતો અને પોતે જે કરી રહ્યો હતો તેનું કારણ તે જાણતો ન હતો. મહમદે જગતનું જે ભલું કર્યું તેનો વિચાર કરો અને તેમના ઝનૂન દ્વારા જે મોટું અનિષ્ટ થયું છે તેનો વિચાર કરો. એના જેહાદના ઉપદેશને કારણે લાખોની જે કતલો થઈ, માતાઓ પોતાનાં બાળકો વિહોણી બની, બાળકો નિરાધાર થઈ પડ્યાં, દેશના દેશ ખેદાન મેદાન થઈ ગયા, તથા લાખો ને કરોડો મનુષ્યોનો સંહાર થઈ ગયો તેનો વિચાર કરો !
એટલે હજરત મહમદ અને બીજા મહાન ઉપદેશકોનાં ચરિત્રોનો અભ્યાસ કરવાથી આ જોખમ આપણે જોઈ શકીએ છીએ, છતાં, સાથે સાથે આપણને જણાય છે કે તેઓ બધાને પ્રેરણા થઈ હતી. જ્યારે જ્યારે કોઈ પેગંબર પોતાના ઊર્મિલ સ્વભાવને વધુ તીવ્ર બનાવવાને પરિણામે અતીન્દ્રિય અનુભવની અવસ્થામાં આવી પડ્યા છે ત્યારે ત્યારે તે તેમાંથી કેટલાંક સત્યો લઈને આવ્યા છે એટલું જ નહિ, પણ કેટલાક વહેમ, કેટલુંક ધર્મઝનૂન સુધ્ધાં લઈને આવ્યા છે અને જેટલું તેના ઉપદેશની મહત્તાએ જગતનું ભલું કર્યું, તેટલું જ તેના વહેમ અને ધર્મઝનૂનને જગતનું નુકસાન પણ કર્યું. જેને આપણે માનવજીવન કહીએ છીએ તે વિસંવાદિતાના સમૂહમાંથી કોઈ પણ હેતુ મેળવવા માટે આપણે બુદ્ધિથી પર તો જવું જ પડશે, પણ આપણે તે વૈજ્ઞાનિક પદ્ધતિએ, ધીરે ધીરે, નિયમિત અભ્યાસપૂર્વક જવાનું છે અને આપણે સઘળા વહેમોને ફેંકી દેવાના છે. આપણે ઇંદ્રિયાતીત અવસ્થાનો અભ્યાસ બીજા કોઈ પણ વિજ્ઞાનની પેઠે કરવો જોઈએ. બુદ્ધિની ઉપર જ આપણે આપણો પાયો નાખવો જોઈએ. બુદ્ધિ જ્યાં સુધી દોરી જાય ત્યાં સુધી આપણે તેને અનુસરવું જ જોઈએ અને જ્યારે બુદ્ધિ અટકશે ત્યારે બુદ્ધિ પોતે જ સર્વાેચ્ચ ભૂમિકાએ જવાનો માર્ગ બતાવશે. જ્યારે જ્યારે તમે કોઈ માણસને એમ કહેતો સાંભળો કે ‘મને પ્રેરણા થઈ છે,’ અને પછી એ બુદ્ધિની વિરુદ્ધની વાતો કરે, તો એનો અસ્વીકાર કરજો. શા માટે ? કારણ કે આ ત્રણ અવસ્થાઓ – સહજવૃત્તિ, તર્કબુદ્ધિ અને અતીન્દ્રિય પ્રેરણા અથવા અચેતન, સચેતન અને અતિચેતન, એ એક જ મનની ત્રણ અવસ્થાઓ છે. એક જ માણસમાં ત્રણ મન નથી હોતાં, પણ મનની એક અવસ્થાનો વિકાસ થઈને તે બીજીઓમાં પરિણમે છે. સહજવૃત્તિનો વિકાસ થઈને તે બુદ્ધિમાં પરિણમે છે અને બુદ્ધિનો વિકાસ થઈને તે અતીન્દ્રિય જ્ઞાનમાં પરિણમે છે, તેથી આમાંની એક પણ અવસ્થા બીજીઓની વિરોધી નથી. સાચી દિવ્ય પ્રેરણા કદી પણ બુદ્ધિનો વિરોધ કરતી નથી, પણ તેને પરિપૂર્ણ કરે છે. જેમ તમે જુઓ છો કે મહાન પેગંબરો કહે છે, ‘હું નાશ કરવા નથી આવ્યો પણ પરિપૂર્ણ કરવા આવ્યો છું.’ તે જ પ્રમાણે દિવ્ય પ્રેરણા હંમેશાં બુદ્ધિની પૂર્તિ કરવા આવે છે અને તેની સાથે સંવાદી હોય છે.
યોગનાં જુદાં જુદાં સઘળાં પગથિયાંઓનો હેતુ આપણને વૈજ્ઞાનિક પદ્ધતિએ અતિચેતન યાને સમાધિ અવસ્થામાં લઈ જવાનો છે. એથી આગળ, આ એક અતિ મહત્ત્વનો મુદ્દો સમજવાનો છે કે દિવ્ય પ્રેરણા જેટલી પ્રાચીન પેગંબરોના સ્વભાવમાં હતી તેટલી જ દરેક મનુષ્યના સ્વભાવમાં રહેલી છે. એ પેગંબરો અસાધારણ ન હતા; તેઓ તમારા અને મારા જેવા મનુષ્યો જ હતા. પણ તેઓ મહાન યોગીઓ હતા. તેઓએ આ અતીન્દ્રિય અવસ્થા, સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી હતી, એ તમે તેમજ હું પણ પ્રાપ્ત કરી શકીએ. તેઓ વિશિષ્ટ પુરુષો ન હતા. એક મનુષ્ય એ અવસ્થાએ કોઈ પણ કાળે પહોંચ્યો, તે હકીકત જ સાબિત કરે છે કે દરેક મનુષ્યને માટે ત્યાં પહોંચવું શકય છે. એ શકય છે એટલું જ નહિ, પણ આખરે તો દરેક મનુષ્યે એ અવસ્થાએ પહોંચવું જ પડશે અને તેનું નામ છે ધર્મ. અનુભવ એ જ આપણો એક માત્ર શિક્ષક છે. આપણે ભલે આખી જિંદગી સુધી વાતો કર્યા કરીએ અને દલીલો કર્યા કરીએ, પણ આપણે પોતે જ્યાં સુધી અનુભવ નહિ કરીએ ત્યાં સુધી સત્યનો શબ્દ સરખોય આપણે સમજવાના નથી. માત્ર માણસને કેટલાંક પુસ્તકો વાંચવા આપીને તેને શસ્ત્રવૈદ્ય (સર્જન) બનાવવાની આશા ન રાખી શકાય. તમે મને માત્ર એક દેશનો નકશો બતાવીને તે દેશ જોવાની મારી કુતૂહલવૃત્તિને સંતોષી ન શકો; મને તેનો સાચેસાચો અનુભવ થવો જોઈએ. નકશાઓ તો માત્ર આપણામાં વધારે સંપૂર્ણ જ્ઞાન મેળવવાની કુતૂહલવૃત્તિ જાગ્રત કરી શકે. એથી વધારે તેમની કશી જ કિંમત નથી. પુસ્તકોને વળગી રહેવાથી તો માત્ર માનવમનનું અધઃપતન થાય છે. ‘ઈશ્વર વિશેનું સઘળું જ જ્ઞાન આ કે પેલા ગ્રંથમાં જ સમાઈ ગયેલું છે’ એવા વિધાન કરતાં વધારે ભયંકર ઈશ્વરનિંદા કોઈ કાળે તમે જોઈ છે ? એક બાજુએ માણસો ઈશ્વરને અનંત કહે છે અને છતાં તેને એક નાનકડી ચોપડીનાં પૂઠાં વચ્ચે પૂરી મૂકવાની હિંમત કેમ કરી શકે છે ! પુસ્તકો જે કહે છે તે નથી માનતો એમ કહેવાને કારણે, માત્ર પુસ્તકનાં પૂઠાં વચ્ચે જ ઈશ્વરનું સમસ્ત જ્ઞાન સમાઈ ગયું છે તેમ ન દેખવાને કારણે લાખો મનુષ્યોનો સંહાર કરવામાં આવ્યો છે. અલબત્ત આ હત્યાકાંડ અને ખૂના-મરકીનું જોર ઘટ્યું છે, પરંતુ દુનિયા હજી ગ્રંથો પરની શ્રદ્ધાના સકંજામાં ભયંકર રીતે જકડાઈ રહી છે.
સમાધિ-અવસ્થાએ વૈજ્ઞાનિક પદ્ધતિએ પહોંચવા માટે, હું જે શીખવી રહ્યો છું તે રાજયોગનાં વિવિધ પગથિયાં પર થઈને ઉપર ચડવું જરૂરનું છે. પ્રત્યાહાર અને ધારણા પછી આપણે ધ્યાનની ભૂમિકાએ આવીએ છીએ. મન જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર ચોંટી રહેવાને કેળવાઈ જાય, ત્યારે તેનામાં એ સ્થાન તરફ, જાણે કે, એક અખંડ પ્રવાહરૂપે વહેવાની શક્તિ આવે છે. આ સ્થિતિને ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાનની શક્તિને મનુષ્ય જ્યારે એટલી હદ સુધી તીવ્ર બનાવે કે સંવેદનના બાહ્ય ભાગને છોડી દઈને કેવળ અંદરના ભાગ, એટલે કે અર્થ પર જ ધ્યાનમગ્ન રહી શકે, ત્યારે તે અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. આ ત્રણ – ધારણા, ધ્યાન અને સમાધિ – જ્યારે એક સાથે મળેલાં હોય ત્યારે તે અવસ્થાને ‘સંયમ’ એવું નામ આપવામાં આવેલું છે. એટલે કે, પહેલાં મન જો એક વિષય પર એકાગ્ર થઈ શકે અને પછી, એ એકાગ્રતાની અવસ્થામાં લાંબા વખત સુધી રહી શકે અને ત્યાર પછી, નિરંતર એકાગ્રતાને પરિણામે જે સંવેદનનું કાર્ય તે વિષય હતો તે સંવેદનના માત્ર અંતરંગ ભાગ પર જ ઠસી શકે, તો એવા મનના કાબૂ તળે દરેક વસ્તુ આવે.
આ ધ્યાન-અવસ્થા અસ્તિત્વની સર્વાેચ્ચ સ્થિતિ છે. જ્યાં સુધી મનની અંદર ઇચ્છા રહેલી છે, ત્યાં સુધી સાચું સુખ મળી શકે જ નહિ. વસ્તુઓનો માત્ર ચિંતનાત્મક, સાક્ષી સમાન અભ્યાસ જ આપણને સાચો આનંદ અને સાચું સુખ આપી શકે. પશુઓને સુખ ઇંદ્રિયોમાં લાગે છે. મનુષ્યને બુદ્ધિના ક્ષેત્રમાં અને દેવતાને આધ્યાત્મિકતાના ધ્યાનમાં સુખ લાગે છે. કેવળ જે આત્મા આ ધ્યાન-પરાયણતાની ભૂમિકાએ પહોંચ્યો હોય તેને જ જગત ખરેખર ‘સુંદર’ લાગે છે. જે કશી ઇચ્છા કરતો નથી અને પ્રકૃતિનાં વિવિધ પરિવર્તનોની સાથે પોતાની જાતને સેળભેળ કરી દેતો નથી, તેને માટે એ બધાં સૌંદર્ય અને ભવ્યતાના એક અખંડ ચિત્ર જેવાં બને છે.
ધ્યાનની સ્થિતિની બાબતમાં આ વિચારો સમજી લેવાના છે. આપણે એક અવાજ સાંભળીએ છીએ તેમાં પ્રથમ બહારનું કંપન થાય છે; બીજું, એ કંપનને મન પાસે લઈ જાય છે તે જ્ઞાનતંતુઓની ક્રિયા થાય છે; ત્રીજું, મનમાંથી તેની પ્રતિક્રિયા થાય છે; અને તેની સાથે જ આકાશમાં થયેલાં કંપનોથી માંડીને માનસિક પ્રતિક્રિયા સુધીનાં આ જુદાં જુદાં પરિવર્તનોનું બાહ્ય કારણ હતો તે અવાજરૂપી વિષયના જ્ઞાનનું સ્ફુરણ થાય છે. આ ત્રણને યોગમાં શબ્દ, અર્થ અને જ્ઞાન કહેવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાન અને શરીરશાસ્ત્રની પરિભાષામાં એમને આકાશમાંનું કંપન, જ્ઞાનતંતુ અને મગજમાંની ગતિક્રિયા અને તેની માનસિક પ્રતિક્રિયા કહેવામાં આવે છે. હવે આ ત્રણે, જો કે અલગ અલગ ક્રિયાઓ છે, છતાં તે એવી રીતે સેળભેળ થઈ ગયેલી છે કે એ તદ્દન અસ્પષ્ટ થઈ ગયેલ છે. હકીકતમાં, આમાંની એક્કેયને આપણે અલગ રીતે અનુભવી શકીએ તેમ નથી, આપણે માત્ર તેમનું સંયુક્ત કાર્ય જ અનુભવીએ છીએ કે જેને આપણે બાહ્ય વિષય (પદાર્થ) કહીએ છીએ. અનુભવની પ્રત્યેક ક્રિયામાં આ ત્રણે સમાયેલાં હોય જ છે, એટલે આપણે તેમને અલગ અલગ રૂપે ન જોઈ શકવાનું કશું જ કારણ નથી.
પૂર્વ તૈયારીઓ વડે, જ્યારે મન મજબૂત બને, કાબૂમાં આવે અને સૂક્ષ્મ અનુભવોને પારખવાની શક્તિવાળું બને, ત્યારે તેને ધ્યાનમાં લગાડવું જોઈએ. આ ધ્યાનની શરૂઆત સ્થૂળ વિષયોથી કરીને ધીમે ધીમે વધુ ને વધુ સૂક્ષ્મ વિષયો પર લઈ જવું જોઈએ અને છેવટે એ નિર્વિષય બનવું જોઈએ. મનને પ્રથમ સંવેદનોનાં બાહ્ય કારણોને અનુભવવામાં, પછી આંતરિક ગતિઓને જોવામાં અને ત્યાર પછી તેની પોતાની પ્રતિક્રિયાને પકડવામાં લગાડવું જોઈએ. જ્યારે મન સંવેદનાઓનાં બાહ્ય કારણોને તેમને પોતાને સ્વરૂપે ઓળખવામાં સફળ થશે, ત્યારે તેનામાં સઘળાં સૂક્ષ્મ ભૌતિક અસ્તિત્વોને, સઘળાં સૂક્ષ્મ શરીરો અને આકૃતિઓને જોવાની શક્તિ આવશે. જ્યારે મન અંદરની ક્રિયાઓને તેમને પોતાને સ્વરૂપે જોવામાં સફળ થશે, ત્યારે તે પોતાની અંદરના કે બીજાઓની અંદરના સઘળા માનસિક તરંગો પર, તેઓ શારીરિક શક્તિમાં રૂપાંતર પામી જાય તે પહેલાં કાબૂ મેળવશે અને જ્યારે યોગી મનની પ્રતિક્રિયાને તેને પોતાને સ્વરૂપે જોવાને શક્તિમાન થશે, ત્યારે તેને સર્વ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થશે, કારણ કે દરેક ઇંદ્રિયગમ્ય પદાર્થ અને દરેક વિચાર, આ પ્રતિક્રિયાનું પરિણામ છે. ત્યારે તે યોગીએ પોતાના મનના ઠેઠ પાયા જોયા હશે, એટલે તે તેના સંપૂર્ણ કાબૂમાં આવ્યું હશે. એવા યોગીમાં જુદા જુદા પ્રકારની સિદ્ધિઓ આવશે અને જો તે તેમાંનાં કોઈ પણ પ્રલોભનને વશ થયો, તો તેની આગળ પ્રગતિનો માર્ગ બંધ થયો સમજવો. ભોગોની પાછળ દોડવાનું અનિષ્ટ ફળ આવું છે. પણ જો તે આ ચમત્કારપૂર્ણ સિદ્ધિઓનો પણ ત્યાગ કરવા જેટલા મજબૂત મનનો હશે તો તે ચિત્તરૂપી સાગરની અંદર ઊઠતા તરંગોના સંપૂર્ણ વિરોધરૂપી યોગનું ધ્યેય પ્રાપ્ત કરશે. ત્યાર પછી મનની વ્યગ્રતાઓથી અથવા શરીરની હાલચાલથી અવિચલિત એવી આત્માની જ્યોતિ તેના પૂર્ણ પ્રકાશમાં ઝળહળી ઊઠશે; અને યોગી પોતે જે સ્વરૂપે છે અને સદાય હતો તે જ્ઞાનના નિચોડરૂપ, મૃત્યુરહિત, સર્વવ્યાપી આત્મારૂપે પોતાને જોશે.
સમાધિ એ દરેક મનુષ્યની – ના, દરેક પ્રાણીની સંપત્તિ છે. નીચામાં નીચા પશુથી માંડીને ઊંચામાં ઊંચા દેવતા સુધીના એકેએકને એક યા બીજે સમયે, એ સ્થિતિએ આવવું જ પડશે અને તેનામાં ખરા ધર્મનો આરંભ ત્યારે જ થશે. ત્યાં સુધી આપણે તે ભૂમિકાએ પહોંચવા માટે માત્ર પ્રયત્ન જ કરી રહ્યા છીએ. અત્યારે તો આપણી અને જેમને કશો જ ધર્મ નથી તેમની વચ્ચે કશો તફાવત નથી, કારણ કે આપણનેય કશો અનુભવ નથી. આપણને આ અનુભવે પહોંચાડવા સિવાય ધ્યાનનો બીજો ફાયદો શો છે ? સમાધિ અવસ્થાએ પહોંચવા માટેનું એકેએક પગથિયું તર્કયુક્તિ દ્વારા સિદ્ધ કરાયેલું છે, યોગ્ય રીતે યોજાયેલું છે, વૈજ્ઞાનિક પદ્ધતિએ વ્યવસ્થિત કરાયેલું છે અને જો તેમનો નિષ્ઠાપૂર્વક અમલ કરવામાં આવે તો તે ઇચ્છિત ધ્યેયે અવશ્ય લઈ જશે. ત્યારે જ સર્વ શોકનો અંત આવશે, સર્વ દુઃખો દૂર થશે; કર્માેનાં બીજો બળી જશે અને આત્મા સદાને માટે મુક્ત બનશે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories