વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો

હિંદુ ધર્મ વિશે નિબંધ

વિશ્વધર્મ પરિષદમાં વંચાયોઃ ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩

ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્માે આજે જગતમાં પ્રચલિત છે – હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ. આ ત્રણે ધર્માેને પ્રચંડ આઘાતોમાંથી પસાર થવું પડ્યું છે, છતાં આજ સુધી એ ત્રણે ધર્માે ટકી રહ્યા છે, તે એમની આંતરિક શક્તિ દર્શાવે છે. પણ યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મને પોતાનામાં સમાવી લેવામાં નિષ્ફળ નીવડ્યો અને યહૂદી ધર્મમાંથી જ પેદા થયેલા સર્વવિજયી ખ્રિસ્તી ધર્મે યહૂદી ધર્મને એના જન્મસ્થાનમાંથી હાંકી કાઢ્યો. જરથોસ્તી ધર્મની ભવ્યતાનો ખ્યાલ આપવા માટે આજે બહુ થોડા ગણાય એટલા પારસીઓ હયાત છે. હિંદમાં એક પછી એક અનેક પંથો ઊભા થતા રહ્યા અને વેદધર્મને એના પાયામાંથી જાણે હચમચાવતા ગયા, છતાં એ ધર્મ ટકી રહ્યો. પ્રબળ ધરતીકંપના આંચકાથી સાગર કિનારાનાં જળ થોડી ક્ષણ માટે જરા પાછાં હઠી જાય અને વળી પાછાં થોડી ક્ષણમાં હજારગણા બળથી ભરતીના સ્વરૂપમાં ચારેકોર ફરી વળે, તેવી રીતે એક પછી એક ઊભા થયેલા આ પંથોના આક્રમણનો વેગ ઓછો થતાં એ સર્વને હિંદુ ધર્મે, પોતાની જનેતા સમી વિશાળ ગોદમાં, પોતાના કરી પોતામાં સમાવી દીધા.

વેદાંત ફિલસૂફીનાં ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનો, છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક શોધખોળો તો જેના પ્રતિધ્વનિ જેવી લાગે, તેને હિંદુ ધર્મમાં સ્થાન છે. મૂર્તિપૂજાના નીચલી કક્ષાના વિચારોને અને તેમાંથી જન્મ પામતી અનેક પૌૈરાણિક કથાઓને હિંદુ ધર્મમાં સ્થાન છે. બૌદ્ધ ધર્મીઓના નિરીશ્વરવાદને હિંદુ ધર્મમાં સ્થાન છે અને જૈન ધર્મના નાસ્તિકવાદને પણ હિંદુ ધર્મમાં સ્થાન છે.

આ પરથી એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આ સર્વ, અનેક દિશામાં ચાલી જતી ત્રિજ્યાઓનું મધ્યબિંદુ ક્યું ? દેખીતી રીતે મેળ ન ખાય એવા આ સર્વ વિરોધાભાસોને એક ભૂમિકા પર લાવનારું મિલનસ્થાન ક્યું ?

આ પ્રશ્નનો ઉત્તર આપવાનો હું પ્રયાસ કરીશ.

હિંદુઓ માને છે કે, પોતાનો આ ધર્મ, અપૌરુષેય એટલે કે અનાદિ અને અનંત એવા વેદમાંથી પ્રાપ્ત થયો છે. કોઈપણ ગ્રંથ આદિ કે અંત વગરનો હોઈ શકે એવો દાવો આજના આ સભાગૃહને હાસ્યાસ્પદ લાગશે. પણ ‘વેદ’ એવો શબ્દ આપણે ઉચ્ચારીએ છીએ ત્યારે એ કોઈ ગ્રંથ છે એવો અર્થ થતો નથી. ‘વેદ’ એટલે જુદા જુદા સમયે જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કીમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઈ ત્યાર પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો, માત્ર એની જાણ ન હતી અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભૂલી જશે તોપણ એ અસ્તિત્વમાં રહેવાનો છે, તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિશે સમજવાનું છે. આત્મા અને આત્મા વચ્ચેના, તેમજ જીવ અને ઈશ્વર વચ્ચેના નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક સંબંધો, એ બધા શોધાયા ત્યાર પહેલાંના અસ્તિત્વમાં છે; અને આપણે કદાચ એ બધાને ભૂલી જઈએ તોપણ અસ્તિત્વમાં રહેવાના છે.

આ નિયમોના શોધનારને આપણે ઋષિ કહીએ છીએ અને પૂર્ણ વ્યક્તિ તરીકે આપણે તેમને માન આપીએ છીએ. આ મહાન વિભૂતિઓમાં અમુક તો સ્ત્રીઓ પણ હતી એમ આ સભાગૃહને જણાવતાં મને ઘણો આનંદ થાય છે.

આ નિયમો, નિયમો તરીકે અનંત હોય એમ કદાચ સ્વીકારવામાં આવે, પણ એમને આદિ તો હોવું જ જોઈએ. વેદો આપણને શીખવે છે કે સૃષ્ટિનું સર્જન અનાદિ અને અનંત છે. વિજ્ઞાને એમ સાબિત કર્યું કહેવાય છે કે વિશ્વની સમગ્ર શક્તિનો સરવાળો હંમેશાં એનો એ જ હોય છે. આ વિચારણામાંથી એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે જો એમ સ્વીકારીએ કે એક સમયે કશું અસ્તિત્વમાં ન હતું, તો આ સર્વ આવિષ્કાર પામેલી શક્તિઓ ક્યાં હતી ? કેટલાક કહે છે કે, એ શક્તિઓ પરમાત્મામાં બીજભૂત સ્વરૂપમાં રહેલી હતી. એનો અર્થ એવો થાય કે, પરમાત્મા અમુક સમયે બીજભૂત હોય છે અને અમુક સમયે ક્રિયાશીલ હોય છે. એટલે કે પરમાત્મા પરિવર્તનશીલ હોય છે. જે કાંઈ પરિવર્તનશીલ હોય તે સંયોજિત હોય છે અને દરેક સંયોજિત વસ્તુ પરિવર્તનશીલ એટલે કે નાશવંત હોય છે. એટલે પરમાત્મા પણ મૃત્યુ પામે, જે અસંભવ છે. ત્યારે, સૃષ્ટિ અસ્તિત્વમાં ન હોય તેવો એકેય સમય પૂર્વે ન હતો, એમ આપણે માનવું જ રહ્યું.

અહીં હું એક ઉપમાથી મારા વક્તવ્યને વધારે સ્પષ્ટ કરીશ. સર્જન અને સર્જક બંને અનાદિ અને અનંત એવી રેખાઓ છે અને બંને એકબીજીને સમાંતરે ચાલી જાય છે. પરમાત્મા સદા ક્રિયાશીલ એવા નિયંતા છે, એની શક્તિ વડે અવ્યવસ્થામાંથી વ્યવસ્થાની હારમાળા જન્મે છે, આ વ્યવસ્થા થોડા સમય માટે ચાલુ રહે છે અને પછી તેનો નાશ થાય છે. બ્રાહ્મણનો પુત્ર દરરોજ આ પ્રમાણે ઉચ્ચારતો જ હોય છેઃ ‘પરમાત્માએ પૂર્વકલ્પના સૂર્ય અને ચંદ્રના જેવા નવા સૂર્ય અને ચંદ્ર સર્જ્યા.’ આ વિચારનો આધુનિક વિજ્ઞાન સાથે મેળ ખાય છે.

હું અહીં ઊભો છું. હવે અહીં ઊભો રહી આંખો બંધ કરી હું મારા અસ્તિત્વનો વિચાર કરુંઃ ‘હું… હું… હું…’ તો મારી સમક્ષ શો ખ્યાલ ઊભો થાય ? મારી સમક્ષ દેહનો ખ્યાલ આવે છે. તો શું હું પંચમહાભૂતના સંમિશ્રણ સિવાય, બીજું કશું નથી? વેદ ઉચ્ચારે છે, ‘ના.’ હું દેહમાં રહેતો આત્મા છું; હું દેહ નથી; દેહ મર્ત્ય છે, હું મર્ત્ય નથી. આ દેહમાં હું આ રહ્યો; દેહ નાશ પામશે, પણ હું તો અવિનાશી રહેવાનો. મારે ભૂતકાળ પણ હતો. આત્માનું સર્જન થતું નથી, કેમ કે સર્જન એટલે એકાકાર થવું અને એમાંથી અંતે વિસર્જન થવાપણું આવે. એટલે જો આત્માને સર્જવામાં આવ્યો હોય, તો તેનો નાશ થવો જોઈએ. આપણામાંના અમુક સુખમાં જન્મે છે, સંપૂર્ણ આરોગ્ય ભોગવે છે, સુંદર દેહવાળા હોય છે, માનસિક શક્તિ જબરી હોય છે અને એમની સર્વ જરૂરિયાતો પૂરી પડતી હોય છે. આપણામાંના અમુક દુઃખમાં જન્મે છે, અમુકને હાથ કે પગ નથી હોતા, અમુક વળી સાવ મતિમૂઢ હોય છે અને કંગાળ રીતે જીવન ગુજારતા હોય છે. આ બધાને જો સર્જવામાં આવ્યા હોય, તો ન્યાયી અને દયાળુ પરમાત્મા એકને શા માટે સુખમાં રાખે છે અને બીજાને શા માટે દુઃખમાં સબડાવે છે ? શા માટે પરમાત્મા આવો પક્ષપાત રાખે છે ? વળી જે આ જન્મમાં દુઃખી છે, તે બીજા જન્મમાં સુખી થશે એવો ખુલાસો કરવાથી પણ કશી સ્પષ્ટતા થશે નહીં. પરમાત્માના ન્યાયી અને કરુણાભર્યા સામ્રાજ્યમાં આ જન્મમાં પણ કોઈએ શા માટે દુઃખી થવું જોઈએ ?

વળી, પરમાત્મા સર્જક છે, એવી કલ્પના કરવાથી ઉપર કહી તેવી વિસંગતતાનો ખુલાસો નથી થતો, પણ એક સર્વસત્તાધીશ વ્યક્તિના સ્વેચ્છાચાર પર બધું નિર્ભર છે એવો આભાસ માત્ર થાય છે. અર્થાત્ અમુક વ્યક્તિ આ જન્મમાં સુખી કે દુઃખી થાય તો તેને માટે એના જન્મ પહેલાંનાં કાંઈક કારણો હોવાં જોઈએ; આ કારણો એટલે આ વ્યક્તિઓએ એમના પૂર્વજીવનમાં કરેલાં કર્માે.

મનુષ્યના મન અને દેહનાં બધાં વલણ વારસાગત ઊતરી આવે છે, એમ નથી કહેવાતું શું ? માનવીના અસ્તિત્વમાં બે સમાંતર બાબતો રહેલી છેઃ એક મનની, બીજી દેહની. જો પદાર્થાેમાં થતા ફેરફારોથી આપણી તમામ વાતનો ખુલાસો થઈ જતો હોય તો, આત્માના અસ્તિત્વ વિશે અનુમાનો કરવાની કશી જરૂર નથી. પણ મનની ઉત્ક્રાંતિ જડ પદાર્થમાંથી થઈ છે, એમ સાબિત કરી શકાય તેમ નથીઃ એટલે જો દાર્શનિક અદ્વૈતવાદની અનિવાર્યતા સ્વીકાર્ય હોય, તો આધ્યાત્મિક અદ્વૈતવાદ ચોક્કસપણે તર્કગ્રાહ્ય છે અને ભૌતિકવાદ અદ્વૈતવાદ કરતાં ઓછો ઇચ્છવા યોગ્ય નથી; પણ એ બેમાંથી એકેય વાદની અત્રે જરૂર નથી.

માનવદેહ અમુક પ્રકારનાં વલણો વારસાગત મેળવે છે એ વાતની આપણાથી ના પડાય એમ નથી. આ વલણો શારીરિક રચના પૂરતાં જ હોય છે; એ દ્વારા અમુક પ્રકારનું વિશિષ્ટ મન જ, અમુક વિશિષ્ટ રીતે વર્તે છે. પૂર્વજન્મનાં કર્માેને પરિણામે, બીજાં અમુક વલણો પણ આવે છે, જે આત્માને સ્પર્શતાં હોય છે. અમુક વલણ ધરાવતો આત્મા સાધર્મ્યના નિયમાનુસાર, એ વલણનો સરસ રીતે આવિષ્કાર કરી શકાય એવા દેહમાં જન્મ લે છે. આ નિયમ વિજ્ઞાનસંમત છે, વિજ્ઞાન દરેક વાતના ખુલાસામાં ‘ટેવ’નો ઉલ્લેખ કરે છે. આ ‘ટેવ’ પુનરાવર્તનથી પ્રાપ્ત થાય છે. તેથી નવા જન્મેલા આત્માની કુદરતી ટેવોનો ખુલાસો કરવો હોય, તો આ પુનરાવર્તનનો સિદ્ધાંત જરૂરી છે. આ ટેવો-સંસ્કારો આ નવા જન્મેલા આત્મામાં, અત્યારના સાંપ્રત જીવનમાંથી નથી આવેલાં, એટલે ચોક્કસ એ પૂર્વજન્મમાંથી જ આવેલાં હોવાં જોઈએ.

એક બીજું સૂચન પણ કરવામાં આવે છે. હવે ઉપર જે કહ્યું તે બધું સ્વીકારી લઈએ તો, મારા પૂર્વજીવનની કશી વાત મને કેમ યાદ નથી આવતી ? આનો સરળતાથી ખુલાસો આપી શકાય. અત્યારે હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું. મારી એ માતૃભાષા નથી અને મારી જાગ્રતાવસ્થામાં મારી માતૃભાષાનો એકકે શબ્દ અત્યારે નથી; તેમ છતાં મારી માતૃભાષાના શબ્દો વિશે વિચાર માંડું એટલે એ મારામાં ઊભરવાના. આનો અર્થ એમ થયો કે જાગ્રતાવસ્થા (Consciousness) એ માનસ-સાગરની સપાટી માત્ર છે અને એના ઊંડાણમાં આપણા સર્વ અનુભવો સંઘરાયેલા છે. આ બધા અનુભવો યાદ કરવાનો પ્રયાસ કરો, આ બધા અનુભવો યાદ કરવાની મથામણ કરો, તો એ યાદ આવશે અને તમને તમારા પૂર્વજીવનનું જ્ઞાન પણ થશે.

આ પુરાવો સીધો અને બતાવી શકાય તેવો છે. અનુભવજન્ય ખાતરી એ કોઈપણ સિદ્ધાંતની સંપૂર્ણ સાબિતી છે અને ઋષિઓએ જગતને આ બાબતમાં આહ્વાન આપ્યું છે. સ્મૃતિસાગરના ઊંડાણને પામી શકાય એવા રહસ્યને અમે પ્રાપ્ત કર્યું છે. તમે પ્રયાસ કરી જુઓ અને તમારા પૂર્વજીવનની સંપૂર્ણ સ્મૃતિ તમને મળશે.

સારાંશ કે હિંદુ માને છે કે પોતે આત્મા છે – તેને શસ્ત્રો છેદી શકતાં નથી- તેને અગ્નિ બાળી શકતો નથી – તેને પાણી ભીંજવી શકતું નથી – તેને વાયુ સૂકવી શકતો નથી. એ એમ માને છે કે, દરેક આત્મા એક વર્તુળ છે – આ વર્તુળનો પરિઘ ક્યાંય નથી, પણ એનું મધ્યબિંદુ દેહમાં સ્થાપિત છે અને મૃત્યુથી આ મધ્યબિંદુનું એક દેહમાંથી બીજા દેહમાં સ્થાનાંતર થાય છે. વળી આત્મા ભૌતિક પરિસ્થિતિથી બંધાતો નથી. એના ખરા સ્વરૂપમાં આત્મા સ્વતંત્ર છે, અપરિમિત છે, પવિત્ર છે, શુદ્ધ છે અને પૂર્ણ છે. પણ કોણ જાણે કેમ એ ભૌતિક પદાર્થાે સાથે બંધાયેલો જણાય છે અને પોતે ભૌતિક પદાર્થ છે એવો વિચાર કરે છે.

આ ઉપરથી બીજો એક પ્રશ્ન ઉદ્ભવે છે. જે સ્વતંત્ર છે, પૂર્ણ છે, શુદ્ધ છે, તે ભૌતિક પદાર્થની ગુલામીમાં શા માટે રહે ? પૂર્ણ આત્માને, પોતે અપૂર્ણ છે એવો ભ્રમ પેદા કેમ થાય ? એમ કહેવાય છે કે આ પ્રશ્નનો ઉત્તર આપવાનું હિંદુઓ ટાળે છે અને કહે છે કે આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવી શકે નહીં. અમુક વિચારકો એક કે વધારે અર્ધપૂર્ણ વ્યક્તિઓને સ્વીકારી અને મોટાં વૈજ્ઞાનિક નામોનો ઉલ્લેખ કરી, આ પ્રશ્નનો ઉત્તર આપવા પ્રયાસ કરે છે. પણ નામો આપવાથી ખુલાસો થતો નથી. પ્રશ્ન ઊભો જ રહે છે. જે પૂર્ણ છે તે અર્ધપૂર્ણ કેમ થઈ શકે ? જે શુદ્ધ છે, જે અવિકારી છે, તે પોતાના સ્વરૂપમાં અણુમાત્ર જેટલો ફેરફાર પણ કેમ કરી શકે ? પણ હિંદુ સ્પષ્ટવક્તા છે. એ તર્કજાળનો આશ્રય લેવા માગતો નથી. આ પ્રશ્નનો હિંમતભેર ઉત્તર આપવાની શક્તિ એનામાં છે. એનો ઉત્તર આ છેઃ ‘હું જાણતો નથી. પૂર્ણ આત્મા પોતાને અપૂર્ણ અને ભૌતિક પદાર્થ સાથે સંકળાયેલો અને એની અસર નીચે આવેલો કેમ માને છે તે હું સમજતો નથી.’ ગમે તે કહીએ, હકીકત એ હકીકત છે. દરેક વ્યક્તિ સભાનપણે પોતાને ભૌતિક દેહરૂપે માને છે. એમ માનવાને એની પાસે શું કારણ છે તેનો ખુલાસો કરવાનો પ્રયાસ હિંદુ કરતો નથી. એ તો પરમાત્માની ઇચ્છા છે એવો ઉત્તર એ ખરો ખુલાસો નથી. હિંદુ કહે છેઃ ‘હું જાણતો નથી’ એમાં બધું આવી જાય છે.

ત્યારે, આપણે એવી વાત કરી કે માનવઆત્મા અનંત અને અમર છે, પૂર્ણ અને અપરિમિત છે; મૃત્યુ એટલે માત્ર દેહાંતર છે. વર્તમાન આપણા પૂર્વકર્મથી નિશ્ચિત થાય છે અને ભાવિ આપણા વર્તમાન કર્મથી ઘડાય છે; આત્મા જન્મોજન્મ અને મૃત્યુ પછી મૃત્યુ લગી ઉત્ક્રાંતિ પામતો રહેવાનો અથવા પાછો પડવાનો છે. અહીં વળી બીજો એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ત્યારે શું માનવ કોઈ પ્રચંડ તોફાનમાં સપડાયેલા નાના મછવા જેવો છે ? ઘડીમાં સાગરનાં પ્રચંડ મોજાંની ફીણભરી સપાટી પર ઊંચકાઈ આવતો અને ઘડીમાં મોં વકાસતા ઊંડાણમાં પછડાતોઃ સારાં અને ખરાબ કર્માેની દયા પર આમતેમ અથડાતોઃ સદાસર્વદા કાર્ય અને કારણના નિરંતર ઘૂઘવતા, ધસતા, નિષ્ઠુર પ્રવાહમાં શક્તિહીન – સહાયહીન ભટકાતો રહેવાનો છે ? શું માનવ, વિધવાનાં આંસુની પરવા કર્યા વગર અથવા અનાથનું રુદન સાંભળ્યા વગર ફર્યા કરતા, કાર્યકારણના ચક્રાવામાં સપડાયેલા એક ક્ષુદ્ર જંતુ જેવો છે ? આ વિચારથી આપણું હૃદય બેસી જાય છે; પણ એ કુદરતનો કાનૂન છે. તો શું આપણે માટે કોઈ આશા જ નથી ? કોઈ છટકબારી જ નથી ? – નિરાશ થયેલા હૃદયના ઊંડાણમાંથી આવો એક આર્તનાદ ઊઠ્યોઃ એ આર્તનાદ કરુણાળુ પરમાત્માના સિંહાસન સુધી પહોંચ્યો, ત્યાંથી આશા અને આશ્વાસનના શબ્દો અવતર્યા અને વૈદિક ઋષિને એમણે પ્રેરણા આપી. આ વૈદિક ઋષિએ જગત સમક્ષ ઊભા રહી રણભેરીશા અવાજથી સર્વને શુભ સમાચાર સંભળાવ્યાઃ

‘ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્ય ધામના નિવાસીઓ ! સાંભળો ! મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે – જે સર્વ તમસથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે અને જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે.’ ‘શાશ્વત સુખના વારસદારો’ – કેવું મધુર અને આશાજનક સંબોધન ! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો – હિંદુઓ તમને પાપી તરીકે ગણવાનો ઇન્કાર કરે છે. તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ ! તમને પાપી કેમ કહી શકાય ? માનવને પાપી કહેવો એ પાપ છે – માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છેઃ ઓ સિંહો ! તમે ઘેટાં છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો, તમે સ્વતંત્ર આત્મા છો, તમારા ઉપર આશિષ ઊતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે; ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.

આ રીતે વેદો પોકારીને કહે છે કે આ બધું માત્ર નિષ્ઠુર નિયમોનાં સમન્વય કે કાર્યકારણની અનંત શૃંખલાઓ જ નથી, પણ આ બધા નિયમોથી પર, આ બધા ભૌતિક પદાર્થ અને શક્તિમાં ઓતપ્રોત થઈને પરમાત્મા રહેલો છે – જેની આજ્ઞાથી પવન વાય છે, અગ્નિ સળગે છે, વાદળાં વરસે છે અને મૃત્યુના ઓળા પૃથ્વી પર ઊતરે છે.

આ પરમાત્માનું સ્વરૂપ શું છે ?

એ સર્વવ્યાપી છે, નિરંજન છે, નિરાકાર છે, સર્વશક્તિમાન અને દયામય છે. ‘તું અમારો પિતા છે, તું અમારી માતા છે, તું અમારો મિત્ર છે, તું સર્વશક્તિનું મૂળ છેઃ અમને શક્તિ આપ. તું તો વિશ્વનો સમગ્ર ભાર વહન કરનાર છે; તો આ નાનકડા જીવનનો ભાર વહન કરવાની શક્તિ મને તું જ આપ.’ વેદના ઋષિઓએ આમ ગાયું છે અને એની ઉપાસના કેમ કરશો ? પ્રેમ દ્વારા. એની ઉપાસના આ જન્મમાં તેમજ આવતા જન્મોમાં પરમ પ્રિય ગણીને કરવી જોઈએ.

પ્રેમનો આ સિદ્ધાંત વેદોમાં ગવાયો છે. હિંદુઓ જેમને પૃથ્વી પર અવતરેલા પરમાત્મ-સ્વરૂપ માને છે તે શ્રીકૃષ્ણે આ સિદ્ધાંતને કેટલો પૂર્ણપણે વિકસાવ્યો અને જનતાને શીખવ્યો તે હવે આપણે જોઈએ.

એમણે શીખવ્યું કે આ જગતમાં માણસે કમળપત્રની જેમ રહેવું જોઈએ. જેમ કમળપત્ર પાણીમાંથી જ ઊગે છે અને છતાં પાણીથી એ કદી ભીંજાતું નથી, તેમ માનવીએ જગતમાં રહેવું જોઈએ. એનું હૃદય પરમાત્મામય થવું જોઈએ અને એના હાથ કાર્યરત રહેવા જોઈએ.

આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ સારું છે, પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ વળી વધારે સારું છે અને એથી આ રીતે પ્રાર્થના કરવામાં આવે છેઃ ‘હે ઈશ્વર ! મારે સંપત્તિ, સંતાન કે વિદ્યાની ઇચ્છા નથી. જો તારી ઇચ્છા હશે તો હું એક જન્મમાંથી બીજા જન્મમાં ભમીશ, પણ મને આટલું વરદાન જરૂર આપ કે હું તને કોઈપણ બદલાની આશા રાખ્યા વગર, નિઃસ્વાર્થ પ્રેમથી, પ્રેમને ખાતર પ્રેમથી ચાહું.’

શ્રીકૃષ્ણના એક શિષ્ય, એ વખતના ભારતના એક સમ્રાટ યુધિષ્ઠિરને એમના દુશ્મનોએ રાજ્યમાંથી હાંકી કાઢ્યા હતા. એમને હિમાલયના વનમાં રાણી સાથે આશ્રય લેવો પડેલો. આ રાજર્ષિને એક વાર રાણીએ પૂછ્યુંઃ ‘મહારાજ ! આપના જેવા ઉત્તમ સદાચારી પુરુષને આટલું બધું દુઃખ શા માટે સહન કરવું પડે ?’

યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘જુઓ, મહારાણી ! આ હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે ! મને તેના પર પ્રેમ છે. આ હિમાલય મને કશું આપતો નથી; પણ મારી પ્રકૃતિ ભવ્ય અને સુંદર પ્રત્યે પ્રેમ કરવાની છે અને તેથી મને તેના પ્રત્યે પ્રેમ છે. એ જ રીતે હું પરમાત્માને પ્રેમ કરું છું. ભવ્યતાનું અને સૌંદર્યનું એ ધામ છે, મારી પ્રકૃતિ એને પ્રેમ કરવાની છે, માટે હું એને પ્રેમ કરું છું. હું કોઈ બદલાની આશાથી એની પ્રાર્થના કરતો નથી; હું કોઈ વસ્તુ માગતો નથી. એને ગમે ત્યાં મને એ રાખે. હું તો એના પ્રત્યે પ્રેમ ખાતર પ્રેમ કરીશ; મારે પ્રેમનો વેપાર કરવો નથી.’

વેદો શીખવે છે કે આત્મા એ ઈશ્વરી અંશ છે; માત્ર ભૌતિક પદાર્થના બંધનમાં એ બંધાયેલો છે. જ્યારે આ બંધન છૂટશે ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થશે. આ બંધન છૂટવાની ક્રિયાને વેદો ‘મુક્તિ’ શબ્દથી વર્ણવે છે – અપૂર્ણતાના બંધનમાંથી છૂટવું, દુઃખ અને મૃત્યુમાંથી છૂટવું એટલે મુક્તિ !

પરમાત્માની કરુણાથી જ આ બંધનો છૂટી શકે; અને પરમાત્માની કરુણા જે પવિત્ર હોય તેની પર જ ઊતરે. અર્થાત્ પરમાત્માની કરુણા પ્રાપ્ત કરવા માટે પવિત્રતા આવશ્યક છે. આ કરુણા કેવી રીતે ક્રિયાશીલ બને છે ? પરમાત્મા પોતાનું સ્વરૂપ શુદ્ધ હૃદયવાળા પાસે વ્યક્ત કરે છે. જે શુદ્ધ અને નિષ્કલંક હોય તે આ જીવનમાં પણ પરમાત્માને જોઈ શકે છે ! ત્યારે જ હૃદયની બધી કુટિલતા દૂર થાય છે, બધી શંકાઓ નાશ પામે છે. પરમાત્મા કાર્યકારણના ભયંકર નિયમના પ્રતીક માત્ર નથી. હિંદુ ધર્મનું સાચું રહસ્ય આ છે, હિંદુ ધર્મની સાચી સમજ આ છે. હિંદુ માત્ર શબ્દો અને સિદ્ધાંતો ઉપર જીવવા માગતો નથી. નજરે દેખાતા જગતની પેલી પાર જો બીજાની હયાતી હોય, તો હિંદુ તેને સાક્ષાત્ જોવા માગે છે. જો એનામાં ભૌતિક બાબતોથી પર એવો આત્મા હોય, જો સર્વ દયાળુ વિશ્વવ્યાપી આત્મા હોય, તો હિંદુ તેની પાસે સીધો દોડી જશે. હિંદુએ એને જોવો જ જોઈએ. તો જ એના સર્વ સંશયો નાશ પામે, તેથી આત્મા-પરમાત્મા વિશે મોટામાં મોટી સાબિતી હિંદુ ધર્મના ઋષિઓ આ પ્રમાણે આપે છેઃ ‘મેં આત્માને ઓળખ્યો છે. ઈશ્વરનો મેં સાક્ષાત્કાર કર્યાે છે.’ પૂર્ણતાની આ એકમાત્ર શરત છે.

હિંદુ ધર્મ એ માત્ર અમુક સિદ્ધાંતો કે વાદોને માનવાની ખેંચાખેંચીમાં સમાયેલો નથી. હિંદુ ધર્મ એટલે સાક્ષાત્કાર. ઈશ્વરને માનવો એટલું જ નહીં, પણ તેની સાથે એકાકાર થવું.

આ રીતે હિંદુ ધર્મની પ્રણાલીઓનું ધ્યેય, સતત પુરુષાર્થ દ્વારા પૂર્ણત્વ – દિવ્યત્વ પ્રાપ્ત કરવાનું છે, ઈશ્વરસાક્ષાત્કાર કરવાનું છે, ઈશ્વરને પ્રાપ્ત કરવાનું છે અને આમ પરમેશ્વરને મેળવીને, સાક્ષાત્કાર કરીને સ્વર્ગમાંના પરમપિતાની જેમ પૂર્ણ બનવું એ હિંદુ ધર્મ છે.

પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી મનુષ્યનું શું થાય છે ? એ શાશ્વત સુખથી ભરેલું જીવન ગાળે છે. માનવીના સર્વ સુખના એકમાત્ર આધાર ઈશ્વરને પ્રાપ્ત કરવાથી તે ઈશ્વરપ્રાપ્તિ સાથે અનંત અને અખંડ આનંદ અનુભવે છે.

આટલે સુધી બધા હિંદુઓ એકમત છે. હિંદના બધા સંપ્રદાયોનો આ સામાન્ય ધર્મ છે; પણ પૂર્ણતા એ અખંડ છે અને અખંડ બે-ત્રણ ન હોઈ શકે. એને કોઈ ગુણ ન હોઈ શકે. એ કોઈ વ્યક્તિ ન હોઈ શકે. તેથી જ્યારે આત્મા પૂર્ણ અને અખંડ બને ત્યારે એ બ્રહ્મ સાથે એક બની જાય છે, ત્યારે જ એ પરમાત્માનો કેવળ શુદ્ધ તરીકે, પોતાના સ્વરૂપ તરીકે, અખંડ સત્, અખંડ ચિત્ અને અખંડ આનંદ તરીકે સાક્ષાત્કાર કરી શકે છે. ઘણી વાર આ બાબતને આપણે વ્યક્તિત્વના લોપ તરીકે પથ્થર કે લાકડારૂપે વર્ણવાયેલું વાંચ્યું છે.

‘જેણે જાતે કોઈ દિવસ ઘા અનુભવ્યા નથી તે જ બીજાના જખમની હાંસી કરે છે.’

હું કહું છું કે એવું કશું નથી. જો આ એક નાનકડા દેહની ચેતનાનો આનંદ મેળવવામાં સુખ અનુભવાતું હોય, તો બે દેહની ચેતનાનો આનંદ મેળવવામાં વધુ સુખ અનુભવાય એમાં નવાઈ નહીં અને જેમ જેમ ચેતનાવંત દેહની સંખ્યા વધતી જાય તેમ તેમ આનંદ વધુ ને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થતો જાય; અને એમાંથી વિશ્વવ્યાપી ચેતના પ્રાપ્ત થાય ત્યારે આખરી સુખનો હેતુ સિદ્ધ થયો કહેવાય.

તેથી, જો અનંત વિશ્વવ્યાપી વ્યક્તિત્વ મેળવવું હોય તો આ કંગાળ બંધનમય વ્યક્તિત્વ જવું જોઈએ. જીવન સાથે જ્યારે હું એક બનું ત્યારે જ મૃત્યુ મરી જાય છે; સુખ સાથે જ જ્્યારે હું તદાકાર બનું છું ત્યારે દુઃખ દૂર થાય છે; જ્યારે હું જ્ઞાન સાથે તદાકાર બનું ત્યારે જ સર્વ ભૂલો નષ્ટ થઈ જાય છે. આ એક ચોક્કસ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ભૌતિક વ્યક્તિત્વ એ ભ્રમ છે. ભૌતિક પદાર્થના અખંડ મહાસાગરમાં સતત પરિવર્તન પામતો નાનકડો દેહ એ મારો દેહ છે એમ વિજ્ઞાને સાબિત કર્યું છે અને મારો બીજો ભાગ એટલે કે આત્માનું અદ્વૈત (એકત્વ) એ એનો અટળ સિદ્ધાંત છે.

વિજ્ઞાન એટલે એકત્વની પ્રાપ્તિ, બીજું કશું નહીં. વિજ્ઞાન જ્યારે સંપૂર્ણ એકત્વ પ્રાપ્ત કરશે, ત્યારે એની વધુ પ્રગતિ અટકી જશે, કેમ કે એને લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું હશે. તેવી જ રીતે જેમાંથી બીજાં બધાં તત્ત્વો બનાવી શકાય એવું એક તત્ત્વ રસાયણશાસ્ત્ર પ્રાપ્ત કરશે ત્યારે તેની પણ વધારે પ્રગતિ અટકી જશે. બીજી બધી શક્તિઓનાં ઊગમસ્થાનરૂપ એક મૂળ શક્તિ મેળવવામાં ભૌતિકશાસ્ત્ર સફળ થશે ત્યારે એનું કાર્ય પણ પૂરું થશે. તેમ જ જ્યારે, મૃત્યુમય જીવનમાં જે એકમાત્ર જીવન છે, સતત પરિવર્તનશીલ જગતમાં જે એકમાત્ર સ્થિર તત્ત્વ છે, તેને પામી શકાશે ત્યારે ધર્મનું વિજ્ઞાન પણ સંપૂર્ણ બનશે. આ રીતે જ અનેકતામાંથી અને દ્વૈતમાંથી અંતે એકતાને પમાય છે. ધર્મ આથી આગળ જઈ ન શકે. સર્વ વિજ્ઞાનોનું આ જ લક્ષ્ય છે.

લાંબે ગાળે સર્વ વિજ્ઞાને આ સિદ્ધાંત પર આવવાનું છે. આજનું વિજ્ઞાન સર્જનમાં નહીં, પણ આવિષ્કારમાં માને છે. હિંદુઓને તેનો આનંદ છે કેમ કે સદીઓથી જે પોતાના હૈયામાં સંઘરાયેલું હતું તેને વધારે બળપ્રદ ભાષામાં હવે શીખવાશે અને વિજ્ઞાનની અદ્યતન શોધખોળનો સવિશેષ જ્ઞાનલાભ હવે મેળવાશે.

તત્ત્વજ્ઞાનનાં ઉચ્ચ મહત્ત્વાકાંક્ષી ઉડ્ડયનોનો અત્યાર સુધી આપણે વિચાર કર્યાે. હવે અશિક્ષિત લોકોના ધર્મ વિશે વિચાર કરીએ. શરૂઆતમાં મારે તમને કહેવું જોઈએ કે હિંદમાં અનેકેશ્વરવાદ જેવું કશું નથી. હિંદના કોઈપણ મંદિરમાં જઈને ઊભા રહીએ અને સાંભળીએ તો જણાશે કે ભક્તો મૂર્તિઓને ઈશ્વરના સર્વ ગુણોથી, સર્વવ્યાપકતાથી પણ, સંપન્ન માને છે. આ એકેશ્વરવાદ નથી, એકેશ્વરવાદ શબ્દના ઉપયોગથી પણ અર્થ સરે એમ નથી. ‘ગુલાબના ફૂલને બીજું કોઈ નામ આપવામાં આવે તોપણ એની સુગંધ તો એની એ રહેવાની છે.’ નામો આપવાથી ખુલાસાઓ મળતા નથી.

એક ખ્રિસ્તી મિશનરી હિંદમાં એક લોકટોળાને સંબોધતા હતા. મારા બાળપણનો એ પ્રસંગ મને યાદ છે. બીજી ઘણી મીઠી વાતોમાં એમણે લોકોને એક વાત એ કહી હતી કે, ‘જો હું તમારી મૂર્તિ પર લાકડીનો ઘા મારું, તો એ મૂર્તિ શું કરવાની હતી ?’ એ ટોળામાંના એકે તરત જ પ્રત્યુત્તર વાળ્યોઃ ‘જો હું તમારા ઈશ્વરને ગાળ દઉં તો એ મને શું કરવાનો હતો ?’ ખ્રિસ્તી મિશનરીએ કહ્યુંઃ ‘તમે મૃત્યુ પામો ત્યારે તમને ઈશ્વર શિક્ષા કરશે.’ પેલા હિંદુએ સામો ઉત્તર વાળ્યોઃ ‘વારુ, તમે મૃત્યુ પામો ત્યારે મારી મૂર્તિ પણ તમને શિક્ષા કરશે.’

વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. મૂર્તિપૂજકોમાં મેં એવા કેટલાકને જોયા છે, જેમનો જોટો નીતિમાં, આધ્યાત્મિકતામાં અને પ્રેમમાં મળવો મુશ્કેલ છે. હું ત્યારે વિચારું છું અને મારી જાતને પ્રશ્ન પૂછું છુંઃ ‘પાપમાંથી પવિત્રતા જન્મે ખરી ?’

વહેમ એ માનવજાતનો મોટો શત્રુ છે, પણ ધર્મઝનૂન એથીયે મોટો શત્રુ છે. એક ખ્રિસ્તી દેવળમાં શું કામ જાય છે ? ક્રોસ શું કામ પવિત્ર છે ? પ્રાર્થના કરતી વખતે મોઢું આકાશભણી કેમ ઊંચું રાખવામાં આવે છે ? કેથલિક સંપ્રદાયનાં દેવળોમાં આટલી બધી પ્રતિમાઓ શું કામ હોય છે ? પ્રોટેસ્ટંટ સંપ્રદાયવાળાઓ પ્રાર્થના કરતા હોય છે ત્યારે એમના મનમાં આટલી બધી મૂર્તિઓ શા માટે રમતી હશે ? ત્યારે ભાઈઓ ! શ્વાસ લીધા વગર આપણે જીવી શકતા નથી, તેમ આપણી સમક્ષ કોઈ માનસિક પ્રતીક રાખ્યા સિવાય આપણે કશાનો વિચાર શકતા નથી. સાહચર્યના નિયમ પ્રમાણે ભૌતિક પ્રતીક માનસિક પ્રતીકની સ્ફૂરણા આપે છે અને માનસિક પ્રતીકનો ઉપયોગ કરે છે. આવી રીતે બાહ્ય પ્રતીકના ઉપયોગથી પ્રાર્થના કરતી વખતે ભક્તનું મન પરમાત્મામાં લીન થાય છે. તમે જાણો છો તેમ હિંદુ પણ જાણે છે કે મૂર્તિ એ કાંઈ ઈશ્વર નથી, એ સર્વવ્યાપક નથી. ખરું પૂછો તો ‘સર્વવ્યાપક’ શબ્દથી જગતને શું સમજાય છે ? એ તો માત્ર શબ્દરૂપ એક પ્રતીક છે. પરમાત્માને કોઈ બાહ્ય વિસ્તાર છે ? જો પરમાત્માને કોઈ બાહ્ય વિસ્તાર ન હોય તો ‘સર્વવ્યાપક’ એ શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે આપણે માત્ર વિસ્તૃત આકાશનો અથવા અવકાશનો જ વિચાર કરીએ છીએ. બસ, એટલું જ.

આપણે જાણીએ છીએ કે આપણા માનસિક બંધારણના નિયમો પ્રમાણે, અનંત વિશેના આપણા વિચારોને નીલ આકાશ અથવા સાગરના સ્વરૂપ સાથે જોડી દેવા પડે છે. તેવી રીતે પવિત્રતા વિશેના આપણા વિચારોને આપણે દેવળ, મસ્જિદ કે ક્રોસની સાથે સ્વાભાવિક રીતે જોડીએ છીએ. હિંદુ ધર્મીઓએ પવિત્રતા, શુદ્ધિ, સત્ય, સર્વવ્યાપકતા અને એવા બીજા વિચારોને જુદી જુદી મૂર્તિઓ અને આકારો સાથે જોડેલા છે. પરંતુ ફેર આટલો રહે છે કે કેટલાક લોકો પોતાનું સમગ્ર જીવન દેવળની મૂર્તિને ભજવામાં ગાળે છે અને એથી ઉચ્ચ કક્ષાએ પહોંચતા નથી, કેમ કે એમના મત પ્રમાણે ધર્મ એટલે અમુક સિદ્ધાંતોનો બૌદ્ધિક સ્વીકાર અને માનવ ભાઈઓનું ભલું કરવું એવો અર્થ રહ્યો છે, જ્યારે હિંદુઓના સમસ્ત ધર્મના મધ્યબિંદુમાં સાક્ષાત્કારની ભાવના રહેલી છે. દિવ્યનો સાક્ષાત્કાર કરીને માનવે દિવ્ય થવાનું છે. મૂર્તિઓ કે મંદિરો, દેવળો કે પુસ્તકો એ તો માત્ર એમના આધ્યાત્મિક બાલજીવનના સહાયભૂત ટેકાઓ છે; એણે તો આગળ ને આગળ ધપ્યે જ જવાનું છે.

એણે ક્યાંય અટકવાનું નથી. શાસ્ત્રો કહે છે કે ‘બાહ્ય પૂજા, ભૌતિક પૂજા એ સૌથી નીચી ભૂમિકા છે; એથી ઊંચે જવાની મથામણ કરીએ તો માનસિક પ્રાર્થના એ બીજી ભૂમિકા છે; પણ જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે ઉચ્ચતમ ભૂમિકા પમાય છે.’ યાદ રાખો કે મૂર્તિને નમન કરી રહેલ શ્રદ્ધાળુ વ્યક્તિ આમ જ કહેતી હોય છેઃ ‘ત્યાં સૂર્ય પ્રકાશી શકતો નથી, ન તો ચંદ્ર, ન તારાઓ, ન વિદ્યુત. તો પછી અગ્નિ તો ક્યાંથી જ પ્રકાશી શકે; એ સર્વ તેના જ પ્રકાશથી પ્રકાશિત થાય છે. ’ પરંતુ હિંદુ બીજાની મૂર્તિઓને વખોડતો નથી અથવા એ મૂર્તિઓની પૂજાને પાપ કહેતો નથી. જીવનની એક આવશ્યક ભૂમિકા તરીકે તે એનો સ્વીકાર કરે છે. ‘બાળકમાં મનુષ્ય બીજરૂપે રહેલો છે.’ વૃદ્ધ વ્યક્તિ જો એમ કહે કે બાળપણ એ પાપ છે, યુવાવસ્થા એ પાપ છે, તો એ યોગ્ય કહેવાશે ?

જો માનવ, મૂર્તિની સહાય વડે પોતાના દિવ્યત્વને પ્રાપ્ત કરી શકતો હોય, તો એમાં પાપ કહેવું એ યોગ્ય છે ? વળી, એ ભૂમિકા વટાવી ગયા પછી, પોતાની પૂર્વભૂમિકા ભૂલભરી હતી એમ કહેવું યોગ્ય છે ? હિંદુના અભિપ્રાય પ્રમાણે મનુષ્ય ભ્રાંતિમાંથી સત્યને પહોંચતો નથી, સત્યમાંથી સત્યમાં જાય છે. નીચલી કક્ષાના સત્યમાંથી ઉચ્ચ કક્ષાના સત્યે તે પહોંચે છે. એના મત પ્રમાણે બધા ધર્માે, નીચામાં નીચી જડ વસ્તુની ઉપાસનાથી માંડીને ઊંચામાં ઊંચા અદ્વૈત સુધી પહોંચતા બધા ધર્માે, માનવ-આત્માના અનંતને પામવાના અનેક પ્રયાસો છે – એ દરેક તેના જન્મ અને તેની પરિસ્થિતિથી મર્યાદિત છે, એ દરેક એની પ્રગતિનો એક માર્ગસૂચક સ્તંભ બને છે; દરેક આત્મા વધુ અને વધુ ઊંચે ઊડતો, વધુ અને વધુ શક્તિ મેળવતો અને અંતે પ્રતાપી સૂર્ય સમીપ પહોંચવા માટે આતુર રહેતો નવજુવાન ગરુડ પક્ષી જેવો છે.

ભિન્નતામાં એકતા એ કુદરતનો નિયમ છે અને હિંદુ ધર્મે આ નિયમને સ્વીકાર્યો છે. બીજા દરેક ધર્મ અમુક નિર્ણિત મતાગ્રહ સ્વીકારે છે અને સમાજની પાસે તે પરાણે સ્વીકારાવવાનો પ્રયાસ કરે છે. સમાજ પાસે આ બીજા ધર્માે એક જ ઝભ્ભો રજૂ કરે છે અને ઇચ્છે છે કે ધીરુ, નીરુ અને હીરુ બધાને એકસરખી રીતે એ બંધ-બેસતો થાય. જો એ ઝભ્ભો નીરુ અથવા હીરુને બંધબેસતો ન થાય તો એણે ઝભ્ભા વિના ચલાવી લેવું જોઈએ. હિંદુઓએ શોધ્યું છે કે પૂર્ણનો સાક્ષાત્કાર, પૂર્ણનો વિચાર કે પૂર્ણનું વર્ણન માત્ર સાપેક્ષ દ્વારા જ થઈ શકે; અને પ્રતિમાઓ, ક્રોસ કે ચાંદ એ સર્વ કેવળ પ્રતીકો છે – આધ્યાત્મિક વિચારો ટાંગવાની જુદી જુદી ખીંટીઓ માત્ર છે. દરેકને માટે આ પ્રતીકની સહાય આવશ્યક જ છે એવું નથી. પણ જેમને આવાં પ્રતીકોની જરૂર નથી તેમણે આ પ્રતીકો રાખવાં એ ખોટું છે એમ ન કહેવું જોઈએ. વળી હિંદુ ધર્મમાં આ પ્રતીકો રાખવાં કે હોવાં એ ફરજિયાત પણ નથી.

એક વાત મારે તમને જરૂર કહેવી જોઈએ. હિંદમાં મૂર્તિપૂજા એ કંઈ ભયાનક વસ્તુ નથી; તેમ તે સ્વેચ્છાચારની જનની પણ નથી. ઊલટું અવિકસિત માનસનો ઉચ્ચ આધ્યાત્મિક સત્ય પામવાનો એમાં પ્રયાસ રહેલો છે. હિંદુઓમાં પણ ક્ષતિઓ છે; એમનામાં પણ અપવાદો હોય છે. પણ યાદ રાખો કે હિંદુઓ પોતાના જ દેહને શિક્ષા કરવામાં માને છે, પોતાના પડોશીઓનાં ગળાં કાપવામાં માનતા નથી. હિંદુ કદાચ પોતે સળગતી ચિતામાં પડીને બળી મરશે, પણ ધર્મના ઝનૂનને નામે ત્રાસ આપતી ન્યાયમંડળીની જેેમ અન્ય માટે એ કદી ચિતા સળગાવશે નહીં. જેમ ડાકણોને બાળી નાખવાના રિવાજ માટે ખ્રિસ્તી ધર્મને જવાબદાર ન ગણી શકાય, તેમ હિંદુ ધર્મને પણ કોઈ ચિતામાં પડી સળગી મરે તેને માટે જવાબદાર ન ગણી શકાય.

એટલે હિંદુને મન વિવિધ ધર્માે એક જ લક્ષ્યને પહોંચવા માટે મથતા, વિવિધ કક્ષા અને સંજોગોવાળાં સ્ત્રીપુરુષોને આગળ વધવાના માર્ગાે માત્ર છે. દરેક ધર્મ માનવની ભૌતિક કક્ષામાંથી ઈશ્વર સ્વરૂપમાં ઉત્ક્રાંતિ પામવા માટે છે. એક ઈશ્વર જ એ બધા ધર્માેનું પ્રેરકબળ છે. તો પછી આટલા બધા વિરોધો શા માટે ? હિંદુઓ કહે છે કે એ સર્વ વિરોધો આભાસ માત્ર છે; આ બધા વિરોધો જુદા જુદા સંજોગો અને પ્રકૃતિઓને સાનુકૂળ થવા મથતા એક સત્યમાંથી ઉદ્ભવે છે.

જુદા જુદા રંગના કાચમાંથી બહાર પડતો પ્રકાશ મૂળે એક જ છે. માત્ર આ થોડા થોડા ફેરફારો અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક હોય છે. પણ દરેકના હાર્દમાં સત્ય એક જ વિરાજતું હોય છે. કૃષ્ણના અવતારસ્વરૂપ પરમાત્માએ હિંદુઓને જણાવ્યું છે કેઃ ‘જુદાં જુદાં મોતીઓની માળામાં દોરાની પેઠે હું દરેક ધર્મમાં પરોવાયેલો છું. જ્યાં જ્યાં તું કોઈ અસાધારણ પવિત્રતા તથા માનવજાતને ઊંચે લાવતી અને શુદ્ધ કરતી અસાધારણ શક્તિ જુએ, ત્યાં ત્યાં તું માનજે કે હું રહેલો છું.’ અને પરિણામ શું હોઈ શકે ? હું સમગ્ર જગતને આહ્વાન આપું છું કે હિંદુનો જ ઉદ્ધાર થશે અને અન્યનો નહીં થાય એવું કોઈ કથન સંસ્કૃત તત્ત્વજ્ઞાનમાંથી એ શોધી કાઢે ! વ્યાસજી કહે છેઃ ‘આપણી જ્ઞાતિ અને પંથથી ભિન્ન એવા બીજાઓમાં પણ પૂર્ણ પુરુષ આપણને મળી આવે એમ છે.’ અને બીજી વાત એ પણ છે કે જેનું સમગ્ર વિચારવણાટ પરમાત્માની આસપાસ વણાયેલું છે, તે હિંદુ નિરીશ્વરવાદી બૌદ્ધ ધર્મ અને નાસ્તિક જૈન ધર્મમાં કેમ માની શકે ?

બૌદ્ધ કે જૈન ઈશ્વર પર આધાર રાખતા નથી; પણ એમના ધર્મની સર્વશક્તિ દરેક ધર્મના મહાન મધ્યવર્તી સત્યને પામવામાં પ્રેરાઈ હોય છે. આ મહાન મધ્યવર્તી સત્ય એટલે માનવમાંથી પરમાત્મ સ્વરૂપની ઉત્ક્રાંતિ. તેઓએ પિતાને જોયો નથી પણ પુત્રને જોયો છે; અને જેમણે પુત્રને જોયો છે તેમણે પિતાને પણ જોયો છે.

ભાઈઓ ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નીવડ્યા હશે; પણ જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ. આ વિશ્વધર્મનો સૂર્ય શ્રીકૃષ્ણના તેમજ ઈશુના અનુયાયીઓ ઉપર, સંત તેમજ પાપી બંને ઉપર એકસરખી રીતે પ્રકાશશે. આ વિશ્વધર્મ, વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહીં હોય, એ બૌદ્ધ ધર્મ નહીં હોય, એ ખ્રિસ્તી ધર્મ નહીં હોય, એ ઇસ્લામ પણ નહીં હોય; એ સર્વનો સરવાળો હશે અને તેમ છતાં, વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વધર્મ વિશાળહૃદયી હશે અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન મળશે. એમાં પશુથી બહુ ઊંચા નહીં એવા નીચામાં નીચી કક્ષાના જંગલીઓને પણ સ્થાન મળશે અને સમગ્ર માનવજાત વચ્ચે પોતાની બુદ્ધિ અને હૃદયના ગુણો વડે સર્વાેચ્ચ સ્થાન મેળવતા, સમાજને આંજી નાખતા અને એના માનવપણા વિશે જ શંકા ઊભી કરતા, ઉચ્ચ કક્ષાના માનવીને પણ સ્થાન હશે. આ વિશ્વધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહીં હોય, અસહિષ્ણુતાને સ્થાન નહીં હોય. આ વિશ્વધર્મ દરેક માનવ પુરુષ અને સ્ત્રીમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે. આ વિશ્વધર્મ માનવજાતને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થવા માટે પોતાની સર્વશક્તિ તેમજ સર્વ અનુકૂળતાનો ઉપયોગ કરશે.

આવો કોઈ વિશ્વધર્મ તમે રજૂ કરો અને જુઓ કે સમગ્ર માનવજાત તમને અનુસરશે. અશોકની સમિતિ બૌદ્ધધર્મીઓની સમિતિ હતી. અકબરની સમિતિ, જો કે વધારે ધ્યેયલક્ષી હતી, છતાં એ એક ઓરડાની બેઠક હતી. અમેરિકાએ જ આજે પહેલી વાર સમગ્ર જગતને પોકારીને કહ્યું છે કે દરેક ધર્મમાં ઈશ્વર વસે છે.

તમારા આ વિશ્વધર્મના અભિજાત વિચારને અમલમાં મૂકવામાં, હિંદુઓ જેને બ્રહ્મ કહે છે તે, જરથોસ્તીઓ જેને અહુરમજદ કહે છે તે, બૌદ્ધધર્મીઓ જેને બુદ્ધ કહે છે તે, યહૂદીઓ જેને યહોવા કહે છે તે અને ખ્રિસ્તીઓ જેને સ્વર્ગના પિતા કહે છે તે, સહુ પૂરતી શક્તિ આપો. તારક પ્રથમ પૂર્વમાં ઉદ્ભવ્યો, ધીમે ધીમે સતત રીતે એણે પશ્ચિમ ભણી પ્રવાસ શરૂ કર્યાે; એ કોઈક વાર મંદ પ્રકાશિત રહ્યો, કોઈક વાર તેજોમય બન્યો અને આમ આખી પૃથ્વીની પ્રદક્ષિણા એણે કરી. આજે ફરી વાર, એ પૂર્વની ક્ષિતિજમાં, સેન્પોની સીમાઓ પર પ્રગટી રહ્યો છે અને પહેલાંના કરતાં હજારગણો વધુ તેજોમય બન્યો છે.

સ્વાતંત્ર્યની માતૃભૂમિ કોલંબિયા, તને વંદન હો ! જેણે અત્યાર સુધી પડોશીના લોહીમાં પોતાના હાથ ભીંજવ્યા નથી, જેણે પડોશીને લૂંટીને ધનિક થવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ અપનાવ્યો નથી, એ તારું આજે સદ્ભાગ્ય છે કે સમન્વયનો ધ્વજ ધારણ કરી સંસ્કૃતિને મોખરે ચાલવાનું તારે ભાગે આવ્યું છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories