નિઃસ્વાર્થ કર્મ એ જ સાચો ત્યાગ છે

આ દુનિયા કાયરો માટે નથી. તેમાંથી નાસવાનો યત્ન ન કરો. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઇચ્છા સાથે જોડાઈ જઈને કર્મ કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઇચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે. તમને કર્મ કરવાનો અધિકાર છે; પણ તેમાં ફળની ઇચ્છા રાખવા જેટલા અધમ ન બનશો. અવિરતપણે કર્મ કરો; પણ કર્મની પાછળ રહેલ કંઈકનું દર્શન કરો. સારાં કર્માેથી પણ માણસ મહાન બંધનથી બંધાઈ શકે. માટે સત્કાર્યાે વડે અગર નામના અને કીર્તિની ઇચ્છા વડે પણ બંધાવું નહિ. જેઓ આ રહસ્ય જાણે છે તેઓ જન્મમરણના ફેરામાંથી છૂટી જઈને અમર બને છે.

સામાન્ય સંન્યાસી દુનિયાદારીનો ત્યાગ કરી નીકળી પડે છે અને ઈશ્વરનું ચિંતન કરે છે. સાચો સંન્યાસી દુનિયામાં રહેવા છતાં દુનિયાનો રહેતો નથી. જેઓ દુન્યવી બાબતોને ત્યજીને જંગલમાં જાય પણ પોતાની અતૃપ્ત વાસનાઓને વાગોળ્યા કરે, તેઓ સાચા ત્યાગી નથી. જીવનસંગ્રામમાં જ ખડા રહો. ગુફામાં કે ઊંઘમાં તો કોઈ પણ માણસ શાંત રહી શકે. કર્મનાં વમળ અને તાણ વચ્ચે ઊભા રહો અને તમારાં કેન્દ્રે પહેંાચો. જો તમને કેન્દ્ર મળી ગયું હશે તો તમે ચલાયમાન નહીં થઈ શકો.