અનુક્રમણિકા

નિષ્કામ કર્મ

(ઈ.સ. ૧૮૯૮ના માર્ચની ૨૦મી તારીખે કોલકાતાના બાગબજારમાં રમાકાંત બોઝ સ્ટ્રીટ નં. ૫૭ના મકાનમાં ભરાયેલી રામકૃષ્ણ મિશનની બેંતાલીસમી સભામાં સ્વામી વિવેકાનંદે ‘નિષ્કામ કર્મ’ એ વિષય પર એક પ્રવચન કર્યું, જેમાં તેઓશ્રી નીચેની મતલબનું બોલ્યા હતા.)

જ્યારે ગીતાનો ઉપદેશ પ્રથમ અપાયો ત્યારે બે પક્ષો વચ્ચે એક મોટો વિવાદ ચાલી રહ્યો હતો. એક પક્ષ એમ માનતો હતો કે વૈદિક યજ્ઞો, પશુયજ્ઞો અને એના જેવાં કર્માેમાં જ સઘળો ધર્મ સમાઈ જાય છે; બીજો પક્ષ એવો પ્રચાર કરતો હતો કે સંખ્યાબંધ ઘોડા અને પશુઓને મારી નાખવાં એને ધર્મ કહી ન શકાય. આ બીજા પક્ષમાં મોટે ભાગે સંન્યાસીઓ અને જ્ઞાનમાર્ગના અનુયાયીઓ હતા. તેઓ એમ માનતા કે સર્વ કર્માેનો ત્યાગ અને આત્માના જ્ઞાનની પ્રાપ્તિ એ એક જ મોક્ષનો માર્ગ છે. ગીતાના રચનારે ‘નિષ્કામ કર્મ’નો પોતાનો મહાન સિદ્ધાંત ઉપદેશીને આ બે વિરોધી પક્ષોના ઝઘડાને રોકી દીધો.

ઘણાનો અભિપ્રાય એવો છે કે ગીતા મહાભારતના કાળમાં લખાઈ ન હતી, પરંતુ પાછળથી તેમાં ઉમેરવામાં આવી હતી. આ સાચું નથી. ગીતાના ખાસ ખાસ ઉપદેશો મહાભારતમાં દરેક સ્થળે મળી આવે છે અને જો ગીતાને મહાભારતનો ભાગ નથી એમ ગણીને કાઢી નાખવામાં આવે તો એ જ ઉપદેશવાળા બીજા બધા ભાગોને પણ મહાભારતમાંથી કાઢી નાખવા જોઈએ.\

ત્યારે હવે હેતુ રહિત કાર્ય – નિષ્કામ કર્મ – કરવાનો અર્થ શો કરવો ? આજના જમાનામાં ઘણા લોકો તેનો એવો અર્થ ઘટાવે છે કે માણસે એવી રીતે કર્મ કરવું જોઈએ કે સુખ યા દુઃખ પોતાના મનને સ્પર્શ કરી ન શકે. જો તેનો ખરો અર્થ આ હોય તો બધાં પ્રાણીઓ નિષ્કામ કર્મ કરે છે એમ જ કહેવું જોઈએ. કેટલાંક પ્રાણીઓ પોતાનાં જ બચ્ચાંઓને ખાઈ જાય છે અને એમ કરવામાં તેમને કશું જ દુઃખ થતું નથી. લુટારાઓ બીજા લોકોની માલસંપત્તિ લૂંટીને તેમનો સર્વનાશ કરે છે; પરંતુ જો તેઓ સુખ કે દુઃખની લાગણી પ્રત્યે સાવ નઠોર થઈ જાય, તો તો પછી તેમને પણ નિષ્કામ કર્મ કરનારા કહેવા જોઈએ. જો હેતુરહિત કર્મ કરવાનો અર્થ એવો હોય તો તો પછી જેનું હૃદય પથ્થર જેવું હોય, જે ખરાબમાં ખરાબ ગુનેગાર હોય, તે નિષ્કામ કર્મ કરતો ગણાય. દીવાલોને સુખ કે દુઃખની લાગણી નથી હોતી, તેમ પથ્થરને પણ નથી હોતી; પણ એથી એ કાંઈ નિષ્કામ કર્મ કરે છે એમ ન કહી શકાય. એવા અર્થમાં તો એ સિદ્ધાંત દુષ્ટોના હાથમાં એક બળવાન હથિયાર બની જાય. એ લોકો દુષ્ટ કર્માે કર્યે જ જાય છે અને પોતે નિષ્કામ કર્મ કરે છે એમ જાહેર કરે છે. જો હેતુરહિત કર્મ કરવાનો મર્મ આવો હોય તો તો ગીતાના ઉપદેશ દ્વારા એક ભયાનક સિદ્ધાંતની રજૂઆત થઈ છે એમ કહેવું પડે. ખરું જોતાં ગીતાનો આવો અર્થ છે જ નહીં. વળી જેઓ ગીતાના ઉપદેશની સાથે સંકળાયેલા હોય તેમના જીવન તરફ નજર કરતાં તેમને સાવ જુદી જાતનું જીવન જીવતા આપણે જોત. અર્જુને ભીષ્મ અને દ્રોણનો યુદ્ધમાં વધ કર્યાે એ ખરું; પણ સાથોસાથ તેણે પોતાના અંગત લાભ અને ઇચ્છાઓ તથા પામર જીવતરનો લાખો વખત ભોગ આપ્યો હતો.

ગીતા કર્મયોગનો ઉપદેશ આપે છે. આપણે યોગ (એકાગ્રતા) પૂર્વક કર્મ કરવું જોઈએ. કર્મયોગની આવી એકાગ્રતામાં સ્વાર્થી અહંકારનું ભાન જરાય નથી હોતું; જ્યારે યોગબુદ્ધિથી માણસ કામ કરતો હોય છે, ત્યારે હું આ કરું છું કે હું પેલું કરું છું એવું ભાન કદી હોતું નથી. પશ્ચિમના લોકો આ સમજતા નથી. એ લોકો કહે છે કે જો અહંબુદ્ધિનું ભાન ન રહે, જો આ અહં ચાલ્યો ગયો હોય, તો માણસ કામ કેવી રીતે કરી શકે ? પરંતુ જ્યારે માણસ પોતાની જાતનો ખ્યાલ છોડી દઈને એકાગ્રતાપૂર્વક કામ કરે છે, ત્યારે જે કામ થાય છે તે અનંતગણું વધુ સારું થાય છે; આ સ્થિતિનો સહુએ પોતાના જીવનમાં અનુભવ કર્યાે જ હશે. અન્નનું પાચન વગેરે ઘણાં કામો આપણે અભાનપણે કરીએ છીએ; બીજાં ઘણાં ભાનપૂર્વક કરીએ છીએ; વળી કેટલાંક જાણે કે સમાધિમાં મગ્ન થઈને, જ્યારે અહંબુદ્ધિનો કશો ખ્યાલ નથી હોતો ત્યારે કરીએ છીએ. ચિત્રકાર જો પોતાની જાતનો ખ્યાલ ભૂલીને પોતાના ચિત્રમાં સંપૂર્ણપણે તદ્રૂપ થઈ જાય તો એ અપ્રતિમ ચિત્રો ઉત્પન્ન કરી શકશે. સારો રસોઇયો પોતાથી બનતી ખાદ્ય-સામગ્રીઓમાં પોતાનું સમગ્ર મન પરોવે છે; તેટલા પૂરતો તે બીજું બધું ભૂલી જાય છે. પરંતુ આ રીતે તેઓ જેનાથી ટેવાયા હોય છે તે એક જ કામ સંપૂર્ણપણે કરવાને શક્તિમાન બને છે. ગીતા એમ શીખવે છે કે બધાં કામો આ રીતે જ કરવાં જોઈએ. યોગ દ્વારા જે ઈશ્વર સાથે એકરૂપ થયેલ છે, તે પોતાનાં સઘળાં કામો યોગસ્થિતિમાં કરે છે અને કશા અંગત લાભની અપેક્ષા રાખતો નથી. આવાં કર્મનું અનુષ્ઠાન જગતનું કેવળ મંગલ જ કરે છે; એમાંથી કશુંય અનિષ્ટ થઈ શકે નહિ. જેઓ આ પ્રકારે કર્મ કરે તેઓ કદી પોતાને માટે કશું પણ કરતા નથી.

દરેક કર્મનું ફળ સારા અને નરસાનું મિશ્રણ હોય છે. એવું એકેય શુભ કર્મ નથી કે જેમાં અશુભનો અંશ સરખોય ન હોય. ધુમાડાથી જેમ અગ્નિ ઘેરાયેલો હોય, તેમ કર્મની સાથે કંઈક અનિષ્ટ વળગેલું હોય જ છે. આપણે એવાં કર્માેમાં લાગવું જોઈએ કે જેનાથી વધુમાં વધુ શુભ અને ઓછામાં ઓછું અશુભ થાય. અર્જુને ભીષ્મ અને દ્રોણનો વધ કર્યાે, જો આ ન થયું હોત તો દુર્યાેધનને જીતી શકાત નહિ, મંગલ તત્ત્વ પર અમંગલ તત્ત્વનો વિજય થયો હોત અને દેશ પર મહાન આફત આવી પડી હોત. દેશની રાજસત્તા ઉદ્ધત અને અધર્મી રાજાઓની ટોળકીએ પચાવી પાડી હોત અને લોકોને માથે કમનસીબી આવી પડી હોત. એ જ પ્રમાણે શ્રીકૃષ્ણે કંસ, જરાસંઘ અને બીજા જુલમીઓનો વધ કર્યાે ખરો, પરંતુ તેમનું એક પણ કાર્ય તેમના પોતાના માટે થયું ન હતું; દરેક કાર્ય બીજાના ભલાને માટે હતું. આપણે મીણબત્તીના પ્રકાશમાં ગીતા વાંચીએ પણ તે સાથે અસંખ્ય જીવડાં એ દીવામાં બળીને ખાખ થઈ જાય છે. આથી દેખાય છે કે કર્મની સાથે કંઈક ને કંઈક પાપ વળગેલું જ હોય છે. જેઓ પોતાના ક્ષુદ્ર અહંભાવનો લેશ પણ ખ્યાલ વિના કર્મ કરે છે તેમને એ પાપ લાગતું નથી, કારણ કે તેઓ જગતના કલ્યાણને માટે કર્મ કરે છે. નિષ્કામ કર્મ કરવાથી, અનાસક્ત ભાવે કર્મ કરવાથી સર્વાેચ્ચ આનંદ અને મુક્તિ મળે છે. કર્મયોગનું આ રહસ્ય ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે શીખવ્યું છે.