એકાગ્રતા અને પ્રાણાયામ

માણસ અને પશુ વચ્ચે મુખ્ય તફાવત તેમની મનની એકાગ્રતાની શક્તિમાં રહેલો છે. કોઈ પણ કાર્યક્ષેત્ર માંહેની બધી સફળતાઓ આનું પરિણામ છે. એકાગ્રતા વિશે દરેક જણ કંઈક તો જાણે જ છે. એનાં પરિણામો આપણે દરરોજ જોઈએ છીએ. કલા, સંગીત વગેરે માંહેની ઉત્તમ સિદ્ધિઓ એકાગ્રતાનાં પરિણામો છે. પશુમાં એકાગ્રતાની શક્તિ બહુ જ થોડી હોય છે. જેમણે પશુઓને કેળવ્યાં છે તેમને એક બાબતની હંમેશાં મુશ્કેલી પડે છે કે પશુઓ તેમને જે કહેવામાં આવે છે તે કાયમ ભૂલી જાય છે; પશુ પોતાનું ચિત્ત લાંબા સમય સુધી કોઈ બાબત પર એકાગ્ર કરી શકતું નથી. માણસ અને પશુ વચ્ચેનો તફાવત અહીં છે. માણસમાં એકાગ્રતાની શક્તિ વધારે હોય છે. એકાગ્રતાની શક્તિની વધુ ઓછી માત્રા માણસ માણસ વચ્ચે પણ તફાવત પાડે છે. હલકામાં હલકા માણસને મહાનમાં મહાન માણસ સાથે સરખાવી જુઓ; બંનેમાં તફાવત એકાગ્રતાની માત્રાનો જ હોય છે. તફાવત એને કારણે જ થાય છે. દરેક માણસનું મન કયારેક કયારેક એકાગ્ર થાય છે. જે બાબતોને આપણે ચાહીએ છીએ તેમના પર આપણે એકચિત્ત બની જઈએ છીએ; અને જેના પર એકચિત્ત બની જઈએ તેમને આપણે ચાહીએ છીએ. એવી કઈ માતા છે કે જેને પોતાના સામાન્યમાં સામાન્ય બાળકનો ચહેરો પણ ન ગમતો હોય? માતાને માટે તો તે ચહેરો દુનિયામાં સૌથી વધુ સૌંદર્યવાન હોય છે. માતા તેને ચાહે છે કારણ કે તે પોતાનું મન બાળકના ચહેરા પર કેન્દ્રિત કરે છે; જો દરેક વ્યક્તિ તે જ ચહેરા પર પોતાનું મન એકાગ્ર કરી શકે તો દરેક તેને ચાહવા લાગશે. સૌને તે સુંદરમાં સુંદર ચહેરો લાગશે. આપણે સહુ જેને ચાહીએ છીએ તે વસ્તુ પર આપણા મનને એકાગ્ર કરીએ છીએ. જ્યારે આપણે મધુર સંગીત સાંભળીએ છીએ ત્યારે આપણાં મન તેમાં તલ્લીન થઈ જાય છે. એટલે આપણે તેમને ત્યાંથી ખેંચી લઈ શકતા નથી. જેઓ પોતાનાં મન, જેને શાસ્ત્રીય સંગીત કહેવામાં આવે છે તેના પર એકાગ્ર કરે છે, તેમને હળવું સંગીત ગમતું નથી; આથી ઊલટું જેઓ હળવા સંગીતમાં એકાગ્ર થાય છે, તેમને શાસ્ત્રીય સંગીત ગમતું નથી. જે સંગીતમાં સૂરો ઝડપથી એકબીજાની પાછળ આવે છે, તે તરત જ મનને પકડી રાખે છે. બાળકને મનોહર સંગીત વિશેષ ગમે છે, કારણ કે તેના સૂરોની ઝડપ મનને ભટકવાની તક આપતી જ નથી. જે માણસને હળવું સંગીત ગમે તેને શાસ્ત્રીય સંગીત નથી ગમતું; કેમ કે તે વધુ ગૂંચવણભર્યું હોય છે, તેને સમજવામાં વધુ માત્રામાં એકાગ્રતાની જરૂર પડે છે.

આવી એકાગ્રતાનું મોટું દુઃખ એ છે કે મનને આપણે અંકુશમાં રાખી શકતા નથી, મન આપણને અંકુશમાં રાખે છે. જાણે કે, આપણી બહારનું કંઈક મનને પોતાના તરફ ખેંચી જાય છે અને પોતાને ઠીક લાગે ત્યાં સુધી મનને પકડી રાખે છે. આપણે મધુર સૂરો સાંભળીએ કે કોઈ સુંદર ચિત્ર જોઈએ તો મન તેમાં ચોંટી રહે છે; આપણે તેને ખેંચી લઈ શકતા નથી.

તમને ગમતા વિષય પર જો હું સુંદર ભાષણ આપું તો હું જે કહું તેના પર તમારું ચિત્ત એકાગ્ર થઈ જાય. તમારા મનને હું તમારી ઉપરવટ થઈને પણ તમારી બહાર ખેંચી લઉં છું અને તેને તે બાબત પર ચોંટાડી રાખું છું. આમ આપણી અનિચ્છા છતાં આપણું ધ્યાન ખેંચાઈ રહે છે, આપણાં મન વિવિધ વસ્તુઓ પર કેન્દ્રિત થાય છે; અને આપણે તેમ થતું અટકાવી શકતા નથી.

હવે એક પ્રશ્ન એ છે કે આ એકાગ્રતાને વિકસાવી શકાય અને શું આપણે તેના સ્વામી બની શકીએ? યોગીઓ કહે છે, ‘હા’. તેઓ કહે છે કે આપણે મન પર સંપૂર્ણ કાબૂ મેળવી શકીએ. એકાગ્રતાની શક્તિનો વિકાસ કરવામાં નૈતિક બાજુએ એક ભય છે; ભય એ છે કે મનને એક વસ્તુ પર એકાગ્ર કર્યા પછી આપણી મરજી મુજબ તેને તેમાંથી અલગ પાડી દઈ શકાતું નથી. આ અવસ્થા બહુ દુઃખદાયક નીવડે છે. અલગ થવાની શક્તિ ન હોવાને લીધે જ આપણાં લગભગ તમામ દુઃખો ઊભાં થાય છે. તેથી એકાગ્રતાની શક્તિ સાથે જ અલગ થવાની શક્તિ પણ કેળવવી જોઈએ. આપણે મનને એક જ વસ્તુ પર પૂરેપૂરું કેન્દ્રિત કરતાં શીખવું જોઈએ એટલું જ નહિ, પણ એક ક્ષણમાં જ તેને તેનાથી વેગળું કરી દઈને બીજી કોઈ વસ્તુ પર પણ લગાડતાં આપણને આવડવું જોઈએ. તેને સલામત બનાવવા માટે આ બંને શક્તિઓને સાથે વિકસાવવી જોઈએ.

આ છે મનનો પદ્ધતિસરનો વિકાસ. મારા મત પ્રમાણે કેળવણીનો સાર મનની એકાગ્રતા જ છે, હકીકતો એકઠી કરવી તે નહિ. જો મારે મારું શિક્ષણ ફરીથી લેવાનું હોય અને એ બાબતમાં મારે કશું કહેવાનું હોય, તો હું તો હકીકતોનો મુદ્દલ અભ્યાસ ન કરું; હું તો એકાગ્રતા અને અલિપ્તતાની શક્તિ જ કેળવું અને પછી સંપૂર્ણ સજ્જ થયેલા મનરૂપી સાધન વડે ઇચ્છા મુજબની હકીકતો એકઠી કરું. બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમજ અલિપ્તતાની શક્તિ સાથોસાથ જ કેળવવી જોઈએ.

મારો વિકાસ બધો વખત એકતરફી જ થયો છે. મેં એકાગ્રતા કેળવી પરંતુ મનને સ્વેચ્છાએ અલિપ્ત રાખવાની શક્તિ કેળવ્યા વિના. મારા જીવનમાં તીવ્રમાં તીવ્ર દુઃખ આને લીધે જ આવ્યું છે. હવે મારામાં અલિપ્ત રહેવાની શક્તિ આવી છે, પણ તે મારે પાછળની જિંદગીમાં શીખવી પડી હતી.

વસ્તુઓ પર આપણે આપણાં મનને યોજવાં જોઈએ; વસ્તુઓ આપણાં મનને તેમના પ્રત્યે ખેંચે તેવું ન થવું જોઈએ. સામાન્યતઃ એકાગ્ર બનવાની આપણને ફરજ પડે છે. જુદી જુદી વસ્તુઓમાં રહેલા અને જેનો આપણે પ્રતિકાર કરી ન શકીએ તેવા આકર્ષણને લઈને આપણાં મનને તેમના પર એકાગ્ર થવાની ફરજ પડે છે. મનને કાબૂમાં રાખવા માટે, આપણે જ્યાં ઇચ્છીએ ત્યાં જ તેને લગાડવા માટે ખાસ તાલીમની જરૂર હોય છે; બીજી કોઈ રીતે તે થઈ શકે નહિ. ધર્મની સાધનામાં મન પરનો કાબૂ સંપૂર્ણ રીતે આવશ્યક છે. આ સાધનામાં આપણે મનને તેના પોતાના પર લગાડવું પડે છે.

મનને તાલીમ આપવાના પહેલા પગલાની શરૂઆત પ્રાણાયામથી કરવાની છે. નિયમિત પ્રાણાયામ શરીરને સંવાદી સ્થિતિમાં લાવે છે અને ત્યારે મનને હાથમાં લેવું સહેલું બને છે. પ્રાણાયામનો અભ્યાસ કરવા માટે ધ્યાનમાં લેવાની પહેલી બાબત છે આસન અથવા બેસવાની રીત. જે સ્થિતિમાં માણસ સહેલાઈથી બેસી શકે તે તેનું યોગ્ય આસન કહેવાય. કરોડરજ્જુ મુક્ત રાખીને શરીરનું વજન પાંસળીઓ પર ટેકવવું જોઈએ. મનને કૃત્રિમ યુક્તિ-પ્રયુક્તિઓ વડે કાબૂમાં લેવાનો યત્ન ન કરશો; આ બાબતમાં ફક્ત સાદો પ્રાણાયામ જ જરૂરી છે. મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા સારુ ઘણી કઠિન તપશ્ચર્યાઓ કરવી એ ભૂલ છે; એવી તપશ્ચર્યાઓ કરશો નહિ.

મન શરીર પર અસર કરે છે અને શરીર પોતાના તરફથી મન પર અસર કરે છે. તેઓ અરસપરસ એકબીજા પર પ્રતિક્રિયા કરે છે. પ્રત્યેક માનસિક અવસ્થા શરીરમાં તેને મળતી અવસ્થા ઉત્પન્ન કરે છે અને શરીરના પ્રત્યેક કાર્યની તેવી અસર મન પર પડે છે. શરીર અને મનને બે અલગ પદાર્થાે ગણો કે શરીરને સ્થૂળ વિભાગ અને મનને સૂક્ષ્મ વિભાગ ગણીને તે બંને મળીને માત્ર એક જ શરીર ગણો, તેમાં કંઈ જ ફેર પડતો નથી. તેઓ બંને એકબીજા પર ક્રિયા-પ્રતિક્રિયા કર્યા જ કરે છે. મન સતત શરીર બન્યા કરે છે. મનને કેળવવામાં શરીર દ્વારા તેને પકડવું વધારે સહેલું છે; મન કરતાં શરીરને પકડમાં લેવું વધુ સહેલું છે.

સાધન જેટલું વધારે સૂક્ષ્મ, તેટલી તેની શક્તિ વધારે. શરીર કરતાં મન ઘણું વધારે સૂક્ષ્મ અને વધારે શક્તિશાળી છે, એ કારણે શરીરથી શરૂઆત કરવી વધારે સહેલી છે.

પ્રાણાયામનું વિજ્ઞાન એટલે શરીર દ્વારા મનને પહોંચવાની ક્રિયા. આ રીતે આપણે શરીર પર કાબૂ મેળવીએ છીએ; પછી શરીરની સૂક્ષ્મ ક્રિયાઓનો, સૂક્ષ્મ અને વધુ અંદરની ક્રિયાઓનો અનુભવ થાય છે અને એમ કરતાં કરતાં છેક મન સુધી પહોંચાય છે. જેમ જેમ આપણને શરીરની સૂક્ષ્મ ક્રિયાઓનો અનુભવ થતો જાય છે તેમ તેમ આપણા કાબૂમાં આવતી જાય છે. અમુક સમય પછી તમે શરીર પર મનની ક્રિયાનો અનુભવ પારખી શકશો. મનના એક ભાગની બીજા ભાગ પર થતી પ્રક્રિયાનો તમે અનુભવ કરી શકશો, તેમ જ મનને જ્ઞાનતંતુઓનું સમારકામ કરતું પણ અનુભવી શકશો; કારણ કે મન જ્ઞાનતંતુઓની પ્રક્રિયાને કાબૂમાં રાખીને તેના પર હકૂમત બજાવે છે. જુદા જુદા જ્ઞાનતંતુના પ્રવાહોમાં થઈને મનને સંચાલન કરતું પણ તમે અનુભવી શકશો.

આમ નિયમિત અને પદ્ધતિસરના પ્રાણાયામથી, પહેલાં સ્થૂળ શરીર પર નિયમન લાવીને અને પછી સૂક્ષ્મ શરીર પર કાબૂ મેળવીને મનને કાબૂમાં લાવવામાં આવે છે.

પ્રાણાયામની પ્રથમ ક્રિયા સંપૂર્ણ સલામત અને ખૂબ સ્વાસ્થ્યદાયક છે. તે તમને સારું સ્વાસ્થ્ય આપશે અને ઓછામાં ઓછી તમારી સામાન્ય તંદુરસ્તી તો સુધારશે જ. બીજી ક્રિયાઓનો આરંભ ધીમે ધીમે અને સંભાળપૂર્વક કરવો જોઈએ.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories