અનુક્રમણિકા

એકાગ્રતા

(ઈસવીસન ૧૯૦૦ના માર્ચની ૧૬મી તારીખે સાન્ફ્રાન્સિસ્કોના વોશિંગ્ટન હોલમાં અપાયેલું વ્યાખ્યાન)

વેદાંત સોસાયટી સાઉથ કેલિફોર્નિયાએ અમેરિકા માટે સર્વ હક સ્વાધીન રાખેલાં હોવાથી તેમની મંજૂરીથી આ અને બીજાં બે વ્યાખ્યાનો ‘વેદાંત અને પશ્ચિમ’ એ સામયિકમાંથી અહીં ઉતારવામાં આવ્યાં છે. ઇડા એન્સેલે જે સંજોગોમાં આ ભાષણો લખી લીધેલાં તેનો અહેવાલ આપતાં તે કહે છેઃ

‘સ્વામી વિવેકાનંદ ૧૮૯૯-૧૯૦૦ દરમિયાન બીજી વાર પશ્ચિમમાં આવ્યા. ૧૯૦૦ના પૂર્વાર્ધમાં કેલિફોર્નિયાના સાન્ફ્રાન્સિસ્કો શહેર અને તેની આજુબાજુમાં તેઓ પ્રચારકાર્ય કરતા. હું તે શહેરની વતની હતી; મારી ઉંમર એ વખતે બાવીસ વરસની હતી. સન ૧૯૦૦ના માર્ચથી મે માસ સુધીમાં તેમને મેં વીસેક વખત સાંભળ્યા હશે અને તેમાંનાં સત્તરેક પ્રવચનોની નોંધ છે…

‘આ ભાષણો સાન્ફ્રાન્સિસ્કો, ઓકલેન્ડ અને આલામેડામાં ચર્ચાેમાં અપાયેલાં. આલામેડા અને સાન્ફ્રાન્સિસ્કોના હોમ્સ ઓફ ટ્રુથમાં, તથા ભાડે રાખેલા હોલમાં… માર્ચ, એપ્રિલ અને મે માસમાં એકંદર રોજની મુલાકાતો અને વર્ગાે ઉપરાંત ઓછામાં ઓછાં ત્રીસથી ચાળીસ જેટલાં વ્યાખ્યાનો સ્વામી વિવેકાનંદે આપેલાં…

‘મારી નોંધોની અપૂર્ણતાને કારણે લાંબા સમય સુધી આ વ્યાખ્યાનો ફરી લખી નાખી તેમને પ્રસિદ્ધ કરતાં હું સંકોચ અનુભવતી હતી. જ્યારે મેં નોંધો લીધી ત્યારે હું શિખાઉ શોર્ટ-હેન્ડ ટાઈપિસ્ટ (લઘુલિપિ લેખિકા) હતી… સ્વામીજીના વક્તૃત્વ પ્રવાહને ઝીલવા માણસે મિનિટના ત્રણસો શબ્દો લખવા જેટલી ઝડપ મેળવવી જોઈએ. મારી પાસે તેથી અરધી કરતાંય ઓછી ઝડપ હતી; તે વખતે મને ખ્યાલ પણ નહોતો કે આ લખાણની મારા સિવાય કોઈને કાંઈ કિંમત હોય. વક્તૃત્વની ઝડપ ઉપરાંત સ્વામીજી એક ઉત્તમ અભિનેતા હતા. તેમની આખ્યાયિકાઓ સાંભળવા તથા તેમના હાવભાવ જોવાનો આનંદ અનુભવવા ખાતર મારે પરાણે લખતાં બંધ થઈ જવું પડતું… મારી નોંધ છૂટીછવાઈ હોવા છતાં મને એમ લાગ્યું છે કે તેમાં સમાયેલા વિચારો મૂલ્યવાન છે અને તેથી તે પ્રસિદ્ધ કરવા જોઈએ.

‘સ્વામીજીની વ્યાખ્યાનશૈલી લોકભોગ્ય, તાજગી ભરેલી અને જુસ્સાદાર હતી. તેમાં મેં જરાય સુધારોવધારો કર્યાે નથી; પ્રસિદ્ધ કરવા માટે તેમાં કોઈ ફેરફાર કર્યાે નથી કે સરળતા આણી નથી. જ્યાં જ્યાં અર્થના ગૂઢત્વને કારણે ભાગ પડતો મૂકવામાં આવ્યો છે ત્યાં ત્રણ ટપકાં મૂકીને તે બતાવવામાં આવ્યું છે; ખુલાસા માટે જે કાંઈ લખવામાં આવ્યું છે તે ચોરસ (□)માં રજૂ કરવામાં આવ્યું છે. આ ફેરફારો સિવાય, જે શબ્દો સ્વામીજી બોલેલા તે જ છે.

‘સ્વામીજીએ જે કહ્યું તે બધામાં જબરદસ્ત શક્તિ છે. પચાસ વર્ષ સુધી આ ભાષણો મારી લઘુલિપિ – લેખનની નોંધપોથીમાં પડ્યાં હતાં. આજે જ્યારે તેને બહાર લાવું છું ત્યારે પણ એમ લાગે છે કે તેમાં હજુ શક્તિ ભરેલી જ છે.’

બહારના કે અંદરના જગત વિશે આપણી પાસે જે જ્ઞાન છે તે એક જ પ્રકારે પ્રાપ્ત કરાયેલું છે – મનની એકાગ્રતા દ્વારા. અભ્યાસના વિષય ઉપર આપણે ચિત્તની એકાગ્રતા લાવી ન શકીએ તો કોઈ પણ વિદ્યાનું જ્ઞાન આપણે મેળવી શકીએ નહીં. ખગોળશાસ્ત્રી દૂરબીન દ્વારા પોતાના ચિત્તને એકાગ્ર કરે છે… વગેરે વગેરે. જો તમારે તમારા મનનો અભ્યાસ કરવો હોય તોપણ રીત તે જ છે. તમારે મનને એકાગ્ર કરવું પડશે અને તે એકાગ્રતા તેની પોતાની ઉપર જ લાવવી પડશે. આ દુનિયામાં જુદાં જુદાં મન વચ્ચેનો તફાવત માત્ર તેમની એકાગ્રતાની હકીકત ઉપર રહેલો છે. જે બીજા કરતાં વધારે એકાગ્ર છે, તેને વધારે જ્ઞાનપ્રાપ્તિ થાય છે.

ભૂતકાળના તેમજ વર્તમાનકાળના બધા મહાન પુરુષોના જીવનમાં તમને આ એકાગ્રતાની અજબ શક્તિ દેખાશે. તમે તેમને મેધાવી કહો છો. યોગશાસ્ત્ર કહે છે કે જો પ્રયાસ કરીએ તો આપણે સહુ અસાધારણ મેધાવી બની શકીએ. કેટલાક વધુ યોગ્યતા લઈને જન્મશે અને તેથી કદાચ વધારે ઝડપથી વિકાસ સાધી શકશે. આપણે સહુ તેમ કરી શકીએ. બધા પાસે એ જ શક્તિ છે. આ વ્યાખ્યાનનો વિષય મનને એકાગ્ર કરવા માટે મનનો અભ્યાસ શી રીતે કરવો તે છે. યોગીઓએ જે અમુક નિયમો ઘડી રાખ્યા છે, તેમાંના કેટલાક નિયમોનો હું તમને ખ્યાલ આપવા માગું છું.

એકાગ્રતા અનેક રીતે આવી શકે છે. ઇંદ્રિયો દ્વારા તમે એકાગ્રતા સાધી શકો. કેટલાક સુંદર સંગીત સાંભળે ત્યારે એકાગ્ર થાય છે, તો કેટલાય સુંદર દૃશ્ય જુએ ત્યારે એકાગ્ર થાય છે… કેટલાક તીક્ષ્ણ લોઢાના ખીલાવાળી પથારી પર સૂઈને એકાગ્રતા મેળવે છે, તો કેટલાક અણીદાર નાના નાના પથ્થરો પર બેસીને મેળવે છે. આ બધા અસામાન્ય કિસ્સાઓ છે; ત્યાં તેઓ અવૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ તો મનને ક્રમે ક્રમે કેળવવાની છે.

કેટલાક હાથ ઊંચો રાખી એકાગ્રતા મેળવે છે; તેથી થતું કષ્ટ તેમને તેઓ ઇચ્છે છે તેવી એકાગ્રતા આપે છે. પણ આ બધા અસામાન્ય કિસ્સાઓ છે.

જુદા જુદા તત્ત્વવિચારકોના મત અનુસાર સર્વમાન્ય પદ્ધતિઓ યોજવામાં આવી છે. કેટલાક એમ કહે છે કે જે સ્થિતિ આપણે પ્રાપ્ત કરવી છે તે મનની ઇંદ્રિયાતીત અવસ્થાની સ્થિતિ એટલે કે શરીરે નાખેલાં બંધનોથી પર જવાની સ્થિતિ છે. યોગીને મન નીતિધર્મની કિંમત, તે વડે મનની શુદ્ધિ પ્રાપ્ત થાય, તેટલા પૂરતી જ છે. મન જેટલું વધુ શુદ્ધ તેટલું તેને વધારે સરળતાથી કાબૂમાં લાવી શકાય. જે જે વિચાર ઉત્પન્ન થાય છે તેને મન પકડી લે છે અને અમલમાં મૂકે છે. મન જેટલું વધારે સ્થૂળ તેટલું (તેને) કાબૂમાં રાખવું વધુ દુષ્કર (છે.) અનીતિમાન માણસ માનસશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે મનને એકાગ્ર નહીં કરી શકે. શરૂઆતમાં તેને થોડોક કાબૂ મળશે; સાંભળવાની થોડીક શક્તિ મેળવશે. … પણ આ બધી શક્તિ પણ તેની પાસેથી ચાલી જશે. મુશ્કેલી એ છે કે જો તમે ઝીણવટથી અભ્યાસ કરશો તો તમને સમજાશે કે આવી અસામાન્ય શક્તિ રીતસરના વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા મળી નહોતી. જાદુની સત્તાથી જે લોકો સર્પાેને કાબૂમાં રાખે છે તેમનું મૃત્યુ સર્પાે જ આણે છે… જે માણસને અસામાન્ય શક્તિઓ પ્રાપ્ત થાય છે તે લાંબે ગાળે તેનાથી જ નાશ પામે છે. ભારતમાં અનેક પ્રકારના માર્ગાે દ્વારા જે લાખો માણસો શક્તિ મેળવે છે તેમાંના ઘણા મોટા ભાગના લોકો પાગલ થઈને મૃત્યુ પામે છે અને સંખ્યાબંધ લોકો આપઘાત કરે છે, કારણ કે મન અવ્યવસ્થિત રહે છે.

અભ્યાસ સહીસલામત માર્ગે થવો જોઈએઃ વૈજ્ઞાનિક રીતે, ધીરે ધીરે અને શાંતિથી થવો જોઈએ. તેની પ્રથમ શરત એ છે કે માણસે નીતિમાન થવું. આવા માણસને જો દેવોને બોલાવવાની ઇચ્છા થશે તો તેઓ નીચે આવીને તેની પાસે પ્રગટ થશે. સંપૂર્ણ રીતે નીતિમાન (થવું) એ અમારા માનસશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનો સાર છે. તેનો અર્થ શો છે તે વિચારો. કોઈ પ્રકારની હિંસા નહીં; સંપૂર્ણ પવિત્રતા, સંપૂર્ણ સંયમ. આ ઘણાં જ જરૂરી છે. માણસ જો આ બધાંને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરે તો તે કેવો થાય તેનો ખ્યાલ કરો. તમારે વિશેષ શું જોઈએ છે? માણસ જો બધાં પ્રાણીઓ સામેની દુશ્મનાવટમાંથી મુક્ત થાય… બધાં પ્રાણીઓ (તેની હાજરીમાં) પોતાનો વૈરભાવ છોડી દે. યોગીઓ ઘણા સખત નિયમો ઘડે છે… એટલે કે દાન કર્યા સિવાય કોઈ પોતાને દાની તરીકે લેખાવી શકે નહીં…

તમે મારું માનો તો હું કહીશ કે મેં એક માણસને એક એવી બખોલમાં રહેતો જોયો છે કે જેમાં સર્પાે અને દેડકાંઓ તેની સાથે રહેતાં હતાં. કેટલીક વેળા તે (દિવસો અને મહિનાઓ સુધી) ઉપવાસ કરતો અને પછી બહાર આવતો. તે હંમેશાં મૌન રાખતો. એક દિવસ એક લૂંટારો ત્યાં આવ્યો…

મારા ગુરુ કહેતાઃ ‘જ્યારે હૃદયકમળ વિકસશે ત્યારે ભમરાઓ આપોઆપ આવશે.’ હજુ આવા માણસો જીવે છે. તેમને મોઢેથી બોલવાની જરૂર હોતી નથી… જ્યારે મનુષ્ય અંતરથી નિષ્પાપ હોય છે, ધિક્કારના વિચારથી મુક્ત હોય છે, ત્યારે બધાં પ્રાણીઓ (તેની આગળ) ધિક્કારનો વિચાર છોડી દે છે. આ જ પ્રમાણે પવિત્રતા વિશે છે. આપણા જાતભાઈઓ સાથેના વ્યવહારમાં આ જરૂરી છે. આપણે બધા પર પ્રેમ રાખવો જોઈએ… બીજાના દોષો જોવાનું આપણું કામ નથી. તેમાં આપણું કંઈ ભલું થતું નથી. આપણે એવાઓનો વિચાર જ કરવો ન જોઈએ. આપણે તો સારા સાથે કામ છે. આપણે અહીં દોષો સાથે સંબંધ રાખવા આવ્યા નથી; ભલા થવું એ આપણું કર્તવ્ય છે.

આ અમુક બહેન છે. તે કહે છેઃ ‘હું યોગી થવાની છું.’ વીસ વખત આ વાતની તે જાહેરાત કરે છે અને પચાસ દિવસ ધ્યાન કરે છે. પછી કહે છેઃ ‘આ ધર્મમાં કંઈ નથી. મેં એ દિશામાં પ્રયત્ન કર્યાે છે. તેમાં કંઈ છે જ નહીં.’

ત્યાં (આધ્યાત્મિક જીવનનો) પાયો જ નથી. પૂર્ણ નીતિમત્તા એ જ પાયો (હોવો જોઈએ). મહા મુશ્કેલીની વાત આ છે…

અમારા દેશમાં શાકાહારી સંપ્રદાયો છે. તેઓ વહેલી સવારે ઊઠીને શેરબશેર ખાંડ લઈ જમીન ઉપર કીડીઓના દર પાસે મૂકે છે. હવે વાત એવી બની કે જ્યારે તેમાંનો એક જણ કીડીઓ માટે ખાંડ મૂકતો હતો ત્યારે બીજા એક માણસે પોતાનો પગ કીડીઓ ઉપર મૂક્યો. પહેલો પોકારી ઊઠ્યોઃ ‘દુષ્ટ! તેં પ્રાણીઓની હિંસા કરી છે!’ અને તેણે તેને એવો ફટકો માર્યાે કે પેલો માણસ મરી ગયો.

બાહ્ય પવિત્રતા ઘણી સહેલી છે અને આખી દુનિયા (તેની) પાછળ દોડે છે. જો અમુક પ્રકારનો પહેરવેશ જ નીતિમત્તા માટેનું (સાધન હોય) તો તો કોઈ પણ મૂર્ખ તે કરી શકે. પણ જ્યારે મન સાથે લડવાનું હોય ત્યારે તે મુશ્કેલ બને છે.

જે માણસો બહારનાં, ઉપલકિયાં કામ કરે તેઓ નીતિમત્તાનો ઘણો ઘમંડ રાખે છે! મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે જિસસ ક્રાઈસ્ટ પ્રત્યે મને બહુ માન હતું. (પછી મેં બાઇબલમાં લગ્નની મિજબાની વિશે વાંચ્યું.) મેં ચોપડી બંધ કરી કહ્યુંઃ ‘એણે તો માંસ ખાધું અને દારૂ પીધો! તે માણસ સારો ના હોઈ શકે.’

વસ્તુઓના સાચા અર્થની દૃષ્ટિ આપણે સર્વદા ગુમાવીએ છીએ. થોડુંક ખાવાનું અને કપડાં તરફ જ જોઈએ છીએ. દરેક મૂર્ખ તે કરી શકે છે. તે બધાંથી જે પર છે તેને કોણ જોઈ શકે છે? આપણે જેની જરૂર છે તે હૃદયનો વિકાસ છે… ભારતમાં ઘણા લોકો પોતાને વિશેષ પવિત્ર બતાવવા વીસ વખત સ્નાન કરતા દેખાય. તેઓ કોઈને અડકતા નથી… આ બધી સ્થૂળ હકીકતો, બધી બહારની વિગતો છે! (જો સ્નાન કરવાથી જ પવિત્ર થવાતું હોય) તો માછલાંઓ સૌથી વધારે પવિત્ર હોય.

સ્નાન, પોશાક અને આહાર વગેરેના નિયમો જ્યારે તે આધ્યાત્મિકતાને સહાયક બનતા હોય ત્યારે તેમની સાચી કિંમત છે… મુખ્ય તે અને પછી આ બધાં સહાયક અંગો આવે. પણ તે વિના ગમે તેટલી શાકભાજી ખાઓને, છતાંય… તેની કંઈ કિંમત નથી. જો સરખી રીતે સમજવામાં આવે તો તે સહાયભૂત બની શકે, પણ જો ખોટી રીતે સમજવામાં આવે તો તે નીચે લઈ જનારા છે…

હું તમને આ બધી વસ્તુઓ સમજાવું છું તેનું કારણ આ છેઃ પહેલાં તો ધર્મમાં સઘળી વસ્તુઓ (અજ્ઞાની) માણસોના આચરણથી અધમ બને છે. શીશી માંહેનું કપૂર ઊડી ગયું છે અને તેઓ શીશી માટે લડે છે.

બીજી વાત… જ્યારે તેઓ એમ કહે છે કે ‘આ સાચું છે અને પેલું ખોટું છે.’ ત્યારે (આધ્યાત્મિકતા) ઊડી જાય છે. બધા ઝઘડા તત્ત્વ માટે નથી પણ (વિધિઓ અને સંપ્રદાયોને) લઈને છે. બૌદ્ધોએ વર્ષાે સુધી ઉત્તમ ઉપદેશ આપ્યો. ધીરે ધીરે તેમાંનું અધ્યાત્મતત્ત્વ ઊડી ગયું… (આ જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મ વિશે થયું.) અને પછી એકમાં ત્રણ દેવો છે કે ત્રણમાં એક દેવ છે તે વિશે ઝઘડાઓ ચાલે છે. પણ કોઈ ઈશ્વર પાસે પહોંચીને તે શું છે તે જાણવા માગતું નથી. ઈશ્વર એકમાં ત્રણ છે કે ત્રણમાં એક છે તે જાણવા માટે આપણે ઈશ્વર પાસે જવું જોઈએ.

આટલા ખુલાસા પછી હવે આપણે આસન ઉપર આવીએ. મનનો સંયમ રાખવાના પ્રયત્નમાં અમુક આસનની જરૂર છે. જે સ્થિતિમાં માણસ સરળતાથી બેસી શકે, તે સ્થિતિ એ માણસનું આસન છે. એક સામાન્ય નિયમ તરીકે તમને જણાશે કે કરોડરજ્જુ ટટ્ટાર હોવી જોઈએ. તેની યોજના શરીરનું વજન ઊંચકવા માટે થઈ નથી. આસનમાં એક જ બાબત યાદ રાખવી જરૂરી છેઃ જેમાં કરોડરજ્જુ શરીરના વજનથી સંપૂર્ણ રીતે મુક્ત રહે તેવા કોઈ પણ આસનનો (ઉપયોગ) કરો.

પછી આવે છે (પ્રાણાયામ)… શ્વાસોચ્છ્વાસના નિયમની ક્રિયા પ્રાણાયામ ઉપર ઘણો ભાર દેવામાં આવ્યો છે… હું જે કહું છું તે ભારતના કોઈ સંપ્રદાયમાંથી મેળવેલી વસ્તુ નથી; તે વિશ્વમાં બધે જ સાચી છે. જેમ આ દેશમાં તમે તમારાં બાળકોને કેટલીક પ્રાર્થનાઓ શીખવો છો તેમ (ભારતમાં) તેઓ બાળકોને આવી કેટલીક ક્રિયાઓ શીખવે છે.

ભારતમાં બાળકોને એક કે બે પ્રાર્થનાઓ સિવાય કોઈ ધર્મ શીખવવામાં આવતો નથી. પછી તેઓ એવા કોઈકને શોધે છે કે જેની પાસે તે પોતાનું હૃદય ખોલી શકે. તેઓ જુદા જુદા માણસો પાસે જાય છે અને ‘આ માણસ જ મારા માટે છે’ તેમ નક્કી કરે છે અને દીક્ષા લે છે. હું જો પરણેલો હોઉં તો મારી પત્ની કોઈ બીજી વ્યક્તિને ગુરુ તરીકે સ્વીકારે અને મારો પુત્ર વળી ત્રીજીને સ્વીકારે અને આ બાબત મારી અને મારા ગુરુ વચ્ચે ગુપ્ત રહે. પતિને પત્નીનો ધર્મ જાણવાની જરૂર નથી અને તેનો ધર્મ શું છે તે પૂછવાની તે હિંમત પણ કરતો નથી. તે સુવિદિત છે કે તેઓ આમાંથી કાંઈ કહે નહીં. તે બાબત માત્ર તે વ્યક્તિ અને તેના ગુરુ જ જાણતા હોય… એમ પણ બને કે જે કેટલીક બાબતો એકને માટે સાચો ઉપદેશ લાગે તે બીજાને હાસ્યાસ્પદ લાગે… દરેકે પોતાનો બોજો ઉપાડવાનો છે; અને તેની માનસિક ભૂમિકા અનુસાર તેને મદદ કરવાની હોય છે. આ બાબત અંગત હોઈ તે તેની પોતાની, તેના ગુરુની અને ઈશ્વર વચ્ચેની બાબત છે. પણ આ બધા ગુરુઓ કેટલીક સામાન્ય પદ્ધતિઓનો ઉપદેશ આપે છે. પ્રાણાયામ અને ધ્યાન સૌને માટે સામાન્ય છે. ભારતમાં ઉપાસનાનો આ સર્વસામાન્ય પ્રકાર છે.

ગંગાના કિનારા ઉપર આપણે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને પ્રાણાયામ (કરતાં) અને ધ્યાન કરતાં જોઈશું. અલબત્ત તેમને બીજાં કામ પણ કરવાનાં હોય છે અને તેથી તેઓ આને માટે વધારે સમય આપી ન શકે. પણ જેમણે આ વિષયોને જીવનભરનો અભ્યાસ બનાવ્યો છે, તેઓ જુદા જુદા પ્રકારે સાધના કરે છે.

આસનો ચોરાશી પ્રકારનાં છે. જેઓ કોઈ જ્ઞાતા પાસેથી આસનો શીખે છે તેઓને પોતાના શરીરના શ્વાસોચ્છ્વાસની ક્રિયા અને સર્વ અંગોની હિલચાલનું ભાન હંમેશાં થયા કરે છે…

પછી આવે છે ધારણા. એટલે કે મનને અમુક એક જગ્યાએ સ્થિર કરી રાખવાની ક્રિયા.

હિંદુ છોકરો અગર છોકરી… દીક્ષા લે છે. તેના ગુરુ પાસેથી તેને એક મંત્ર મળે છે. આ મૂલમંત્ર કહેવાય છે. તે મૂલમંત્ર આ ગુરુને (તેના ગુરુ) પાસેથી મળેલો હોય છે અને તે પોતાના શિષ્યને આપે છે. ૐ આવો એક મંત્ર છે. આ બધાં પ્રતીકોમાં ઘણું રહસ્ય છે. તેઓ તેને ગુપ્ત રાખે છે, કદી લખીને પ્રગટ કરતા નથી. તેઓ લખાણ દ્વારા નહીં પણ ગુરુમુખે સાંભળે છે અને પછી મંત્રને ઈશ્વરરૂપે જ લેખે છે. પછી એ શબ્દનું તે ધ્યાન ધરે છે…

એક સમયે હું પણ તે પ્રમાણે પ્રાર્થના કરતો – આખી વર્ષાઋતુના ચારે માસ. સવારમાં ઊઠીને હું નદીમાં સ્નાન કરતો અને ભીને કપડે સૂર્યાસ્ત સુધી (મંત્ર)નો જપ કરતો. પછી હું થોડા ભાત કે એવું કંઈક ખાતો. ચોમાસાના ચાર માસ એમ જ ચાલતું!

હિંદુ માનસ એમ માને છે કે દુનિયામાં કોઈ વસ્તુ દુર્લભ નથી. આ દેશમાં જો મનુષ્યને પૈસાની જરૂર હોય તો તે કામે લાગે છે અને પૈસા મેળવે છે. ત્યાં ભારતમાં તે એક મંત્ર મેળવે છે અને ઝાડ નીચે બેસીને જપ કરે છે અને માને છે કે પૈસા આવવાના જ. હરેક વસ્તુ પોતાની (ઇચ્છા) શક્તિથી પ્રાપ્ત થવી જ જોઈએ. અહીં પણ તમે પૈસા કમાઓ છો; બધું એક ને એક છે. તમે તમારી બધી શક્તિ પૈસા કમાવામાં લગાડો છો.

હઠયોગીઓનો એક સંપ્રદાય છે… તેઓ એમ કહે છે કે શરીરને મૃત્યુમાંથી બચાવવામાં જ મહાકલ્યાણ છે. તેમની આખી પદ્ધતિ શરીરને વળગી રહેવામાં છે. બાર વર્ષનો અભ્યાસ! અને તેઓ નાની અવસ્થામાંથી જ તે શરૂ કરે છે, નહીં તો તે અશક્ય છે… હઠયોગીઓની એક બાબત વિચિત્ર (છે). જ્યારે તે શિષ્ય થાય છે, ત્યારે જંગલમાં બરાબર ચાળીસ દિવસ એકલો રહે છે. જે કંઈ શીખવાનું છે તે આ ચાળીસ દિવસમાં તે શીખી જાય છે…

કોલકાતામાં એક માણસ પોતે પાંચસો વર્ષ જીવ્યો હોવાનો દાવો કરે છે. બધા લોકો મને કહે છે કે તેમના દાદાએ તેને જોયેલો… તે વીસ માઈલ સુધી ચાલે છે – તે ધીમે ધીમે ચાલતો નથી પણ દોડે છે. પાણીમાં પડે છે. પગથી માથા (સુધી) કાદવ ચોપડે છે. ત્યાર પછી પાછો તે પાણીમાં પડે છે. ફરીથી તે કાદવ ચોપડે છે… હું તેમાં કાંઈ સાર જોતો નથી. (એમ કહેવાય છે કે સર્પાે બસો વર્ષ સુધી જીવે છે.) તે ઘણો વૃદ્ધ હોવો જોઈએ, કારણ ચૌદ વર્ષ હું ભારતમાં ફર્યાે છું અને જ્યાં જ્યાં હું ગયો છું ત્યાં બધા તેને જાણતા હતા. તે જિંદગી આખી મુસાફરી જ કર્યા કરે છે… (હઠયોગી) અેંસી ઇંચનો રબ્બરનો ટુકડો ગળી જાય અને વળી તે પાછો બહાર કાઢે. દિવસમાં ચાર વખત તેણે પોતાના શરીરના બહારના તેમજ અંદરના બધા ભાગોને સાફ કરવા પડે છે.

દીવાલો પોતાની જાતને હજારો વર્ષ સુધી ટકાવી રાખે છે… તેથી શું? મને તેટલું લાંબું જીવવું ગમે જ નહીં. ‘આજની ઉપાધિ આજ પૂરતી બસ છે.’ બધી મર્યાદાઓ અને ભ્રમણાઓ સાથેનું એક નાનું ટૂંકું આયુષ્ય બસ છે.

બીજા પણ સંપ્રદાયો છે… તેઓ તમને અમૃતબિંદુનું એક ટીપું આપે છે જેથી તમે સદા યુવાન રહો… આ બધા સંપ્રદાયોનું વર્ણન કરવા બેસું તો મને મહિનાઓ લાગે. તેઓની બધી પ્રવૃત્તિઓ (આ જડ જગતની બાજુએ છે.) દરરોજ એક નવો સંપ્રદાય…

આ બધા સંપ્રદાયોની શક્તિ મનમાં રહેલી છે. તેમનું ધ્યેય મનને સંયમમાં રાખવાનું છે. પ્રથમ મનને એકાગ્ર બનાવીને અમુક સ્થળે તેને સ્થિર કરો. સામાન્ય રીતે તેઓ કહે છે કે પહેલાં શરીરના અમુક ભાગોમાં કરોડરજ્જુમાં કે જ્ઞાનતંતુઓના કેન્દ્રો ઉપર સ્થિર કરો. જ્ઞાનતંતુઓના કેન્દ્ર ઉપર મનની ધારણા કરવાથી (યોગી) શરીર ઉપર કાબૂ મેળવે છે. શરીર એ તેની શાંતિનો ભંગ કરનારું મોટું કારણ છે, તેના ઉચ્ચ આદર્શથી વિરુદ્ધ છે, તેથી તે તેને કાબૂમાં રાખવા ઇચ્છે છે. તેને ગુલામ તરીકે રાખવા ધારે છે.

પછી આવે છે ધ્યાન. આ ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિ છે… જ્યારે (મનમાં) સંશય હોય છે ત્યારે મનની સ્થિતિ ઉચ્ચ નથી. તેની ઉચ્ચ સ્થિતિ ધ્યાનની છે. તે વસ્તુઓને જુએ છે, તેમને નિહાળે છે પણ કોઈ સાથે તદાકાર બનતું નથી. જ્યાં સુધી મને દરદનું ભાન રહે ત્યાં સુધી દેહ સાથે હું તાદાત્મ્ય અનુભવું છું. જ્યારે હું મજા અને સુખ અનુભવું છું ત્યારે પણ શરીર સાથે હું તાદાત્મ્ય અનુભવું છું. પણ ઉચ્ચ સ્થિતિમાં સાધક આવા સુખ કે દુઃખને એકસરખી આનંદની દૃષ્ટિથી જોશે… પ્રત્યેક ધ્યાનાવસ્થા, સીધી ઇંદ્રિયાતીત અવસ્થા છે. પૂર્ણ ધ્યાનમાં આત્મા સ્થૂળ શરીરનાં બંધનોથી ખરેખર મુક્ત બની જાય છે અને પોતે જેવો છે તેવો પોતાને જાણે છે. જે કાંઈ તેને જોઈએ તે તેને મળે છે. શક્તિ અને જ્ઞાન તો તેની પાસે છે જ. આત્મા શક્તિહીન જડ પદાર્થ સાથે પોતાને એક માને છે અને તેથી રડે છે. તે મર્ત્ય આકારો સાથે એકરૂપ માને છે… પણ પેલા મુક્ત આત્માને જો કોઈ પ્રકારની સિદ્ધિ જોઈતી હશે તો તે તેને મળશે; જો તેને તે ન જોઈતી હોય તો નથી આવતી. જેણે ઈશ્વરને જાણ્યો છે તે ઈશ્વરરૂપ બન્યો છે. આવા મુક્ત આત્માને માટે કશું અશક્ય નથી. તેને માટે પછી જન્મમરણ છે જ નહીં; તે સર્વદા મુક્ત છે.