અનુક્રમણિકા

પ્રાણાયામ

(તા. ૨૮/૦૩/૧૯૦૦ ના ૨ોજ સાન્ફ્રાન્સિસ્કોમાં આપેલું ભાષણ)

(સ્વામી વિવેકાનંદ, હીઝ સેકન્ડ વિઝીટ ટુ ધ વેસ્ટ, પૃ. ૪૬૧, પ્રમાણે આ પ્રવચન ર૯ માર્ચ, ૧૯૦૦ ના રોજ ‘સાયંસ ઓફ બ્રિધીંગ’ ના શીર્ષક હેઠળ આપવામાં આવ્યું હતું.-સંપાદક)

ઘણા પ્રાચીન સમયથી ભારતમાં શ્વાસોચ્છ્વાસનો વ્યાયામ (પ્રાણાયામ) ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. (તે) એટલે સુધી કે ધર્મવિધિના એક ભાગરૂપે તે ગણાય છે. જેવી રીતે ચર્ચ-મંદિરે જવું, મંત્રજાપ-પ્રાર્થના કરવાં વગેરેની પેઠે એ પણ એ વિધિ છે… હું તમારી સમક્ષ તે વિચારોને રજૂ કરવાનો પ્રયત્ન કરીશ.

ભારતીય તત્ત્વજ્ઞાનીઓ કઈ રીતે આખા વિશ્વને પ્રાણ અને આકાશમાં વિલીન કરી દે છે, તે વિષે તમને મેં કહી દીધું છે…

પ્રાણનો અર્થ બળ થાય છે. એટલે કે જે કંઈ પોતાને ગતિશીલ તરીકે પ્રકટ કરે છે અથવા શક્ય ગતિશીલતાની અભિવ્યક્તિ કરે છે તે બળ કે આકર્ષણ – એવો અર્થ છે… વિદ્યુત શક્તિ, ચુંબક્યિ શક્તિ, શરીરનાં બધાં હલનચલનો, મનનાં બધાં (હલનચલનો)- આ બધાં જ એક ‘પ્રાણ’ નામની વસ્તુની જુદી જુદી અભિવ્યક્તિઓ છે. આમ છતાં આ પ્રાણનું શ્રેષ્ઠ સ્વરૂપ તો (મસ્તિષ્કમાં) છે. ત્યાં એ (સમજણ)ના પ્રકાશ તરીકે અભિવ્યક્ત થાય છે. આ પ્રકાશ વિચારોના માર્ગદર્શન નીચે હોય છે.

શરીરમાં કામ કરતા આ પ્રાણનો એક એક અંશ મન દ્વારા અવશ્ય નિયંત્રિત થવો જોઈએ… શરીર ઉપર મનનો પૂરેપૂરો કાબૂ હોવો જોઈએ. પણ આ (વાત) બધાને લાગુ પડતી નથી. આપણામાંના લગભગ બધામાં આથી ઊલટી વાત નજરે પડે છે. (શરીર)ના બધા જ ભાગો ઉપર નિયંત્રણ કરવા માટે મન સમર્થ હોવું જોઈએ એ એક બૌદ્ધિક તર્ક છે, એ એક ફિલસૂફી છે. પણ (જ્યારે) આપણે નક્કર હકીક્ત ઉપર આવીએ છીએ ત્યારે તો એવું લાગતું નથી. તમારા બધા માટે તો ગાડું ઘોડાની આગળ દોડે છે. એટલે કે તમારું શરીર જ મન ઉપર કાબૂ ધરાવી બેઠું છે. મારી આંગળી પિસાય તો હું દુઃખી થઈ જાઉં છું. શરીર જ મન પર શાસન ચલાવી રહ્યું છે. મને વણગમતી કોઈક વાત બની જાય તો મને ચિંતા થાય છે. મારું મસ્તિષ્ક એનું સંતુલન ગુમાવી બેસે છે. આમ શરીર જ મનનો સ્વામી છે. આપણે માત્ર શરીરો જ બની ગયા છીએ. બીજું કશું જ નહિ, અત્યારે માત્ર શરીરો જ છીએ.

અહીં જ એ તત્ત્વજ્ઞાની આપણને રસ્તો બતાવવા (આવે છે). આપણે સાચી રીતે કેવા હોવા જોઈએ તે શીખવવા તે આવે છે. આપણને એ તર્કપૂત તો લાગશે. બૌદ્ધિક રીતે આપણે એ સમજીશું પણ ખરા, છતાંયે કેવળ બૌદ્ધિક સમજણ અને વ્યાવહારિક અનુભવ-એ બન્ને વચ્ચે લાંબા ગાળાનું અંતર છે. કોઈ મકાનના નકશામાં અને મકાનમાં પોતામાં તો ઘણો મોટો ફરક છે. એટલા માટે (ધર્મના લક્ષ્યે પહોંચવા માટે) તરેહ તરેહની પદ્ધતિઓ હોવી જોઈએ. છેલ્લે છેલ્લે આપણે બધાના નિયંત્રણ માટે તત્ત્વજ્ઞાનની પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા હતા અને ફરી એક્ વાર આત્માની સ્વતંત્રતા ઉપર ભાર મૂકી રહ્યા હતા… પણ ‘એ તો ઘણી કઠિન વાત છે. આ માર્ગ (બધાને) માટે નથી. શરીરધારી મનને માટે એ માર્ગે ચાલવું ભારે મુશ્કેલીભર્યું છે.’ (ગીતા, ૧ર/પ)

એટલે આમાં થોડીક શારીરિક મદદ લેવાથી મનને નિરાંત થશે અને મન પોતે જ જો કોઈ પણ વસ્તુ પૂર્ણ કરવા માટે તૈયાર હોય તો તો એના કરતાં વધારે બુદ્ધિગમ્ય વાત બીજી કઈ હોઈ શકે? પરંતુ એ પોતે તૈયાર થઈ શક્તું નથી. એટલા માટે આપણામાંથી ઘણા બધાએ શારીરિક મદદ લેવાની જરૂર ઊભી થઈ છે. આ શારીરિક મદદનો ઉપયોગ કરવા માટે રાજયોગની પદ્ધતિ છે. શરીરનાં બળો અને ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે, અમુક પ્રકારની માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવા માટે, મન જ્યાં સુધી પોતાના ખોવાયેલા આધિપત્યને પાછું મેળવી લે ત્યાં સુધી એને બળવત્તર અને બલિષ્ઠ બનાવતા રહેવા માટેની આ પદ્ધતિ છે. જો કોઈપણ વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિની પ્રબળતાથી આ પ્રાપ્ત કરી શક્તી હોય, તો તો એ વધારે સારી વાત છે. પરંતુ, આપણાંથી મોટા ભાગના એ કરી શક્તા નથી. એટલે આપણે તો

શારીરિક ઉપકરણો વાપરવાં પડશે અને ઇચ્છાશક્તિની મદદ એની રીતે કરવી પડશે.

…આખું વિશ્વ વૈવિધ્યમાં એક્તાનું અસાધારણ ખોખું છે, એમાં એક મનનો જથ્થો છે. એ મનની જુદી જુદી (અવસ્થાઓ)નાં જુદાં જુદાં નામો છે. મનરૂપી સાગરનાં (એ) બધાં નાનાં નાનાં વમળો (છે). આમ, આપણે બધા વૈશ્વિક અને વૈયક્તિક બન્ને એકી વખતે અને એકી સાથે છીએ. આ ખેલ અવિરત ચાલ્યા કરે છે… વાસ્તવિક રીતે તો આ ઐક્ય કદીય ભાંગતું નથી. (પદાર્થ, મન, આત્મા-બધું જ એક છે.)

પણ એ બધાનાં નામ જુદાં જુદાં છે. વિશ્વમાં વાસ્તવિક રીતે એક જ (સત્ય) છે અને આપણે એને જુદા જુદા દૃષ્ટિકોણથી નીરખીએ છીએ. એક જ (વસ્તુને) એક અમુક દૃષ્ટિકોણથી નિહાળતાં એ પદાર્થ બને છે અને એ જ એક વસ્તુને બીજી દૃષ્ટિથી જોતાં એ મન બને છે. એ કોઈ બે વસ્તુઓ છે જ નહિ. દોરડાને સાપ માનીને (માણસ) ભય પામે છે અને એ સાપને મારી નાખવા માટે તે બીજા માણસને બોલાવે છે. (એના) જ્ઞાનતંતુઓ ખળભળી ઊઠે છે. એના હૃદયના ધબકારા વધી જાય છે… આ બધી અભિવ્યક્તિઓ ભયથી (ઉત્પન્ન) થયેલી છે અને પછી એને ખબર પડે છે કે આ તો દોરડું છે અને એ બધી જ અભિવ્યક્તિઓ ચાલી જાય છે. આપણે વાસ્તવિક્તામાં આવું જોઈએ છીએ. જેને આપણી ઇન્દ્રિયો ગ્રહણ કરે છે અને જેને આપણે પ્રકૃતિ તરીકે પિછાણીએ છીએ તે (પણ) સત્ય તો છે જ; પરંતુ આપણે એને જે રીતે જોઈએ છીએ તે રીતે જ ફક્ત એ સત્ય નથી. (જે) મન દ્વારા દોરડું જોવાયું (અને) એને સાપ માની લીધો તે જો ભ્રમ ન હોત તો તો એ કશું જ જોઈ શક્યો ન હોત. એક વસ્તુમાં ‘બીજી વસ્તુ’ને જોવી તે ‘બીજી વસ્તુ’, ‘કશું ન હોવા’ બરાબર તો નથી. (અભાવાત્મક તો નથી જ). આપણે અહીં જે જોઈએ છીએ તે શરીર છે અને ભલે આપણે અનંતને પદાર્થરૂપે માની લીધું છે,.. છતાં એ આપણે શોધીએ છીએ તો સત્યને જ. આપણે ક્યારેય ભ્રાન્ત નથી. આપણે હંમેશાં સત્ય જ જાણીએ છીએ. ફક્ત કેટલીક્ વાર આપણું સત્યનું દર્શન ભૂલભરેલું હોય છે, એટલું જ. તમે એક વખતે એક જ વસ્તુ જોઈ શકો છો. હું જ્યારે સાપ જોઉં છું ત્યારે દોરડું સંપૂર્ણપણે અલોપ થઈ ગયું હોય છે અને જ્યારે હું દોરડું જોઉં છું ત્યારે સાપ સંપૂર્ણપણે અલોપ થઈ ગયો હોય છે. પણ તે બન્ને વસ્તુતઃ તો એક જ છે…

એટલે જ્યારે આપણે દુનિયા દેખીએ છીએ, ત્યારે ઈશ્વરને ભલા કેવી રીતે જોઈ શકીએ? તમારા પોતાના મનમાં વિચાર કરો. એનો અર્થ એ થાય છે કે જે દુનિયા છે તે જ ઈશ્વર છે, આપણી ઇન્દ્રિયો (વડે) જે બધી વસ્તુઓ છે તે એવી રીતે જ જોવાય છે. અહીં તમે સાપ જુઓ છો તો દોરડાને દેખી શક્તા નથી. જ્યારે તમે બધું આત્મમય જોશો ત્યારે બાકીનું બધું જ લુપ્ત થઈ જશે. જ્યારે તમે આત્માને પોતાને નીરખશો ત્યારે પ્રકૃતિને જોઈ શકશો નહિ કારણ કે જેને તમે પ્રકૃતિ કહો છો તે પોતે જ એ આત્મા છે. આ બધી વિભિન્નતાઓ તો આપણી ઇન્દ્રિયો દ્વારા (આરોપિત) છે. એક જ સૂર્ય નાનાં નાનાં હજારો જલતરંગોમાં પ્રતિબિંબિત થઈને નાના સૂર્યાેનું પ્રતિનિધિત્વ કરે છે. જો હું મારી ઇન્દ્રિયો દ્વારા આ જગતને જોઉં, તો મને એ પદાર્થ અને બળ લાગે છે. તે એકી સાથે એક અને અનેક પણ છે અને એ અનેકતા એક્તાનો નાશ કરી શક્તી નથી. હજારો જલતરંગો કંઈ સાગરની એક્તાનો નાશ કરી શક્તા નથી. સાગર તો એવો ને એવો એક જ રહે છે. જ્યારે આપણે જગતને જોઈએ છીએ ત્યારે યાદ રાખો કે આપણે એને પદાર્થ અને બળમાં ઘટાવી દઈએ છીએ. જો આપણે એની ગતિ વધારી દઈએ તો જથ્થો ઓછો થઈ જાય… અને બીજી તરફ આપણે જથ્થાને વધારીને ગતિને ઘટાડી પણ શકીએ છીએ… આપણે એટલી હદે પણ જઈ શકીએ કે જ્યારે આખો જથ્થો જ લુપ્ત થઈ જાય…

જથ્થો કંઈ ગતિનું કારણ ન હોઈ શકે. તેવી રીતે ગતિ પણ જથ્થાનું કારણ ન (હોઈ શકે). પણ એ બન્ને એ રીતે (સંબંધ ધરાવે છે) કે એકમાં બીજું લુપ્ત થઈ જાય. એમાં એક ત્રીજી (બાબત) પણ હોવી જોઈએ અને એ ત્રીજું કંઈક એ ‘મન’ છે. તમે ફક્ત કોઈ પદાર્થમાંથી જગત ઉત્પન્ન કરી શક્તા નથી. અથવા તો કેવળ ગતિથી પણ ઉત્પન્ન કરી શક્તા નથી. મન એવું છે કે (જે) પદાર્થ પણ નથી અને ગતિ પણ નથી અને છતાં પણ તે હંમેશાં ગતિ અને પદાર્થ ઉત્પન્ન ર્ક્યા જ કરે છે. લાંબે ગાળે આ મન બધી જ ગતિ-બધાં જ વેગ-ઉત્પન્ન કરી દે છે અને વૈશ્વિક મનનો અર્થ તે જ થાય છે. એ બધાં મનનો સરવાળો છે. દરેક મન સર્જન ર્ક્યા કરે છે અને આ બધાં સર્જનોના સરવાળામાં તમને વૈવિધ્યમાં એક્તા પ્રાપ્ત થાય છે, તે એકી વખતે અનેક પણ છે અને એક પણ છે.

સગુણ ઈશ્વર તે આ બધાનો સરવાળો માત્ર છે અને છતાં સ્વયંની રીતે એ વૈયક્તિક પણ છે. જેવી રીતે તમે એક વ્યષ્ટિશરીર છો, જેના પ્રત્યેક કોષને પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ છે.

જે કંઈ ગતિશીલ છે તે બધું પ્રાણ કે વેગમાં સમાયેલું છે. (આ) સૂર્ય, ચન્દ્ર, તારાઓને ગતિ આપનાર પ્રાણ જ (છે). પ્રાણ જ ગુરુત્વાકર્ષણ છે…

એટલે પ્રકૃતિનાં બધાં જ બળો આ વૈશ્વિક મનનું જ સર્જન છે અને એ વૈશ્વિક મનના નાનકડા અંશો જેવા આપણે પ્રકૃતિ પાસેથી એ પ્રાણને ફરીથી આપણી પોતાની પ્રકૃતિમાં કામ કરવા માટે બહાર કાઢીએ (છીએ). એ માટે આપણે શરીરનું હલનચલન અને વિચારોની રચના કરીએ છીએ. જો તમે એમ (માનતા હો) કે વિચારો રચી શકાતા નથી, તો વીસ દિવસ સુધી કશું જ ન ખાઓ અને જુઓ કે તમને કેવું લાગે છે. આજથી જ શરૂ કરો અને ગણતા જાઓ… ખોરાકથી પણ વિચારો રચાય છે એમાં કોઈ શંકા નથી.

આ પ્રાણનું નિયમન કરો, તે બધું જ કામ કરે છે. શરીરમાં આ પ્રાણના નિયમનને પ્રાણાયામ કહેવામાં આવે છે. આપણી સામાન્ય બુદ્ધિથી આપણે જોઈ શકીએ છીએ કે શ્વાસ જ એવો છે કે (જે) બધી ગતિને વ્યવસ્થિત કરી આપે છે. જો હું શ્વાસ લેવાનું બંધ કરી દઉં તો હું બંધ થઈ જાઉં. જો પાછા તમારા શ્વાસ શરૂ થાય તો (શરીર) હાલવા ચાલવા લાગે. પણ આપણે જે મેળવવા માગીએ છીએ તે માત્ર શ્વાસ જ નથી. આપણી મેળવવાની વસ્તુ તો શ્વાસની પાછળની કોઈક વધુ સૂક્ષ્મ વસ્તુ છે.

(એક મોટા રાજાનો એક પ્રધાન હતો.) એક્ વાર (એ) રાજા પ્રધાનથી નારાજ થઈ ગયો. (એક ખૂબ ઊંચા ટાવરની ટોચ ઉપર) એને કેદી બનાવવાનો રાજાએ હુકમ ર્ક્યાે. હુકમ પ્રમાણે કરવામાં આવ્યું. પ્રધાન તો ત્યાં મરવા માટે ગયો. એની પત્નીએ રાત્રે એ ટાવર પાસે આવીને પ્રધાનને – પોતાના પતિને બોલાવ્યો. પ્રધાને તેને કહ્યું કે રોવાનો કશો અર્થ નથી. તેણે પોતાની પત્નીને થોડું મધ, એક વંદો, ઝીણી રેશમી દોરીનું બંડલ, પાતળી મજબૂત દોરી અને એક દોરડું લાવવાનું કહ્યું. તે સ્ત્રીએ એ બધું ભેગું કરીને પહેલાં વંદાના એક પગમાં પેલો ઝીણો મજબૂત દોરો બાંધી દીધો, પછી એના માથા ઉપર થોડું મધ લગાવી દીધું અને પછી એ વંદાને પેલા મધ તરફ આગળ વધવા માથું ઉપર તરફ રાખીને (ઉપરના ભાગે) છોડી મૂક્યો. (વંદો તો પેલું મધ મેળવવાની આશામાં ઉપર ને ઉપર આગળ સરક્વા લાગ્યો.) જ્યાં સુધી એ ટાવરની ટોચ ઉપર પહોંચ્યો ત્યાં સુધી એ મધને આંબવાની એણે કોશિશ કરી. તે પ્રધાને વંદાને પકડીને પેલો રેશમી દોરો પોતાના હાથમાં લીધો. પછી એના હાથમાં એ દોરાનું આખું ગૂંચળું આવી ગયું. ત્યાર પછી એની સાથે બાંધેલ પેલી મજબૂત દોરી આવી અને છેલ્લે એની સાથે બાંધેલું દોરડું હાથમાં આવ્યું. એ દોરડાના સાધનથી પ્રધાન ટાવરની નીચે ઊતર્યાે અને ભાગી છૂટ્યો. આપણા શરીરમાં શ્વાસોચ્છ્વાસની જે ગતિ છે તે આ ‘રેશમી દોરો’ છે. એને પકડીને આપણે જ્ઞાનતંતુઓના પ્રવાહરૂપી આખા ગૂંચળાને પકડીશું અને પછી આપણા વિચારોરૂપી મજબૂત દોરી આવશે અને છેલ્લે પ્રાણનું દોરડું આવી જશે. એને પકડીને આપણે મુક્તિ સુધી પહોંચી શકીશું. (‘રાજયોગ’ની પ્રસ્તાવનામાં આ વાર્તા છે.)

આમ, ભૌતિક વસ્તુઓની મદદ લઈને આપણે સૂક્ષ્મ અને વધારે સૂક્ષ્મ (દર્શન) સુધી આવવાનું છે. વિશ્વ એક છે, ભલે કોઈ પણ બિંદુને સ્પર્શાે. બીજાં બધાં બિંદુ તેનું રૂપાંતરણ માત્ર છે. વિશ્વના (આધાર)માં સર્વત્ર એકત્વ વિદ્યમાન છે… આમ હું શ્વાસ જેવી સ્થૂળ ક્રિયાના માધ્યમથી આત્માને પકડી શકું છું.

પ્રાણાયામના અભ્યાસથી આપણે તે બધી શારીરિક ક્રિયાઓનો અનુભવ કરવા લાગીએ છીએ, જેનો અનુભવ આપણે (આ સમયે) નથી કરી શકતા. જેવો આપણને તેનો અનુભવ થવા લાગે છે તેવા જ આપણે તેને નિયંત્રિત કરવા લાગીએ છીએ. વિચારના અંકુરો આપણા માટે સ્ફૂટ થઈ જશે અને આપણે તેના પર અધિકાર મેળવી લઈશું. પણ જો કે આપણા માંહેના બધાને તો એવી તક મળતી નથી. વળી આપણામાં એટલી ધીરજ પણ નથી કે એને અનુસરવાની શ્રદ્ધા પણ નથી. પણ સામાન્ય વિચાર એવો છે કે એનાથી દરેકને થોડોક ફાયદો તો થાય છે.

પહેલો ફાયદો તો સ્વાસ્થ્યનો છે. આપણામાંના નવાણું ટકા તો વ્યવસ્થિત રીતે શ્વાસોચ્છવાસ લેતા જ નથી. આપણે આપણાં ફેફસાંને પૂરી રીતે ફુલાવતા નથી. (શ્વાસ)ની નિયમિતતા શરીરને નિર્મળ બનાવે છે. એ મનને શાંત કરે છે… જ્યારે તમે શાંત હો છો, ત્યારે તમારો શ્વાસ પણ નિયમિત ચાલતો હોય છે, ત્યારે એ તાલબદ્ધ હોય (છે) અને જો એ શ્વાસ જોરપૂર્વકના અભ્યાસ દ્વારા તાલબદ્ધ હોય તો તમે અવશ્ય શાંત હોવા જ જોઈએ અને જો તમારું મન ઉદ્વિગ્ન હોય તો શ્વાસ ભાંગી જાય છે અને જો તમે શ્વાસને પ્રાણાયામ કરીને તાલબદ્ધ બનાવી શકો, તો તમે શા માટે શાંત ન થઈ શકો? જ્યારે તમે મૂંઝવણમાં પડો ત્યારે એક ઓરડામાં ચાલ્યા જાઓ અને એનું બારણું બંધ કરી દો. મનને કાબૂમાં લાવવાનો પ્રયત્ન ન કરો, પરંતુ દસ મિનિટ સુધી શ્વાસને નિયંત્રિત કરતા રહો એટલે હૃદય શાંત થઈ જશે. આ તો બધાને થતા ફાયદાનો સામાન્ય ખ્યાલ છે પણ બીજા લાભો યોગીઓ માટે છે…

ઊંડા શ્વાસ લેવા એ તો (માત્ર પહેલું પગથિયું) છે પણ અન્ય જુદા જુદા વ્યાયામો (માટેનાં) ચોર્યાસી (આસનો) છે. (કેટલાક માણસો) આ શ્વાસને જ ઇતિકર્તવ્ય માની લે છે. સ્વર (શ્વાસ)નો પરામર્શ કર્યા વિના તેઓ કશું જ કરતા નથી. તેઓ આખો વખત (જોયા) કરે છે કે ક્યા નસકોરામાં કેટલી ઝાઝી હવા છે. જ્યારે જમણા નસકોરામાં ઝાઝો શ્વાસ હશે ત્યારે (તે) એક અમુક ક્રિયા કરશે અને જ્યારે ડાબા નસકોરામાં ઝાઝી હવા હશે ત્યારે વળી બીજી ક્રિયા કરશે અને જ્યારે બન્ને નસકોરામાં એક સરખો શ્વાસ (પવન) હશે ત્યારે પ્રાર્થના કરશે.

જ્યારે બન્ને નસકોરામાંથી તાલબદ્ધ રીતે શ્વાસ આવી રહ્યો હોય છે ત્યારે તમારા મનને નિયંત્રિત કરવાનો ખરો સમય હોય છે. આ શ્વાસને લીધે તમે શરીરના પ્રવાહોને એના કોઈપણ ભાગમાંથી તમારી ઇચ્છા પ્રમાણે હલાવી શકો છો. જ્યારે શરીરનો (કોઈ) ભાગ અસ્વસ્થ હોય ત્યારે તમે શ્વાસ દ્વારા પ્રાણને એ બાજુ મોકલી દો.

બીજી ઘણી વસ્તુઓ પણ કરવામાં આવે છે. કેટલાક એવા પંથો પણ છે કે જે શ્વાસને સાવ રોકી રાખવાનો જ પ્રયત્ન કરે છે. તેઓ એવું કશું જ નહિ કરે કે જેમાં સખત શ્વાસ લેવા પડે.તેઓ એક પ્રકારની સમાધિ-અચેતનાવસ્થા-માં ચાલ્યા જાય છે… એમના શરીરનો કોઈ પણ અવયવ ભાગ્યે જ (કામ કરતો હોય છે). એમના હૃદયના (ધબકારા) પણ લગભગ બંધ થઈ જાય છે… મોટે ભાગે આવા પ્રકારના વ્યાયામો ખતરનાક હોય છે. ઉચ્ચતર સાધનાઓ સિદ્ધિઓ મેળવવા માટેની હોય (છે). આ બધા જ પંથો શ્વાસ અંદર ખેંચીને આખાય શરીરને (હળવું) બનાવવા ઇચ્છે છે અને પછી તેઓ હવામાં અધ્ધર ઊડશે. મેં તો એવો અધ્ધર રહેલો કોઈ માણસ જોયો નથી… ક્યારેય કોઈ ઊડતો ભાળ્યો નથી પણ પુસ્તકો એવું બતાવે છે. હું તો એવું બધું જોયાની બડાઈ હાંક્તો નથી. સાથોસાથ મેં એવી કેટલીક અદ્ભુત વસ્તુઓ જોઈ છે પણ ખરી… (એક્ વાર મેં એક) માણસને (શૂન્ય આકાશમાંથી) ફળફૂલો વગેરે લાવતો જોયો છે.

…જ્યારે યોગી પૂર્ણ સિદ્ધ થાય છે ત્યારે તે પોતાના શરીરને એટલું સૂક્ષ્મ બનાવી શકે છે કે તે આ ભીંતમાંથી – આ શરીરમાંથી પણ પસાર થઈ શકે અને એટલો વજનદાર પણ થઈ શકે છે કે બે હજાર માણસો પણ એને ઊંચકી ન શકેઃ તે જો ઇચ્છે તો હવાને ભેદીને પણ ઊડી શકે (પણ) ઈશ્વર જેટલો શક્તિશાળી તો કોઈપણ ન જ થઈ શકે. જો એવું થતું હોત તો એક સર્જન કરત તો બીજો નાશ કરત…

આવું બધું પુસ્તકોમાં લખ્યું છે. આવું બધું હું (ભાગ્યે જ) માનું. પણ હું એને ન માનું એવુંય નથી! જે મેં જોયું છે, તે હું સ્વીકારું છું…

આ વિશ્વમાં જો કોઈ પણ વસ્તુનું અધ્યયન (સુધારણા?) શક્ય બનતું હોય તો તે હરિફાઈથી નહીં પણ મનને નિયમિત કરવાથી જ થાય છે. પશ્ચિમના લોકો કહે છે કે ‘એ તો અમારો સ્વભાવ છે. અમારે માટે બીજો કોઈ ઉપાય નથી.’ તો હું તમારી સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરીને એવા (તારણ ઉપર આવ્યો છું) કે તમે એને બીજી કોઈ રીતે ઉકેલી શકશો નહિ. કેટલીક બાબતોમાં તમે અમારા કરતાં વધારે બદતર છો… અને આ બધી બાબતો જગતને ક્યાંય પણ લઈ જઈ શકે તેમ નથી.

બળવાન માણસ જ બધું મેળવી શકે છે. દુર્બળ તો વિલાપ જ કરતો રહે છે. જે તક ઝડપે છે, તે બધું મેળવે છે, નબળો માણસ રાહ જોયા કરે છે… તક ઝડપે છે તે વધુ પ્રાપ્ત કરે છે. એવા માણસને પેલા નબળાઓ ધિક્કારે છે. એમ કેમ? કારણ કે તેઓ પોતાનો વારો આવવાની રાહ જોયા કરે છે. એમનો વિચારેલો જે કાંઈ પણ ઉપાય હોય છે તે એવું જ શીખવે છે, પણ સમસ્યાઓનો ઉકેલ તો માણસના પોતાના જ મનથી થાય છે… એ પોતે જે કંઈ મનથી કરવા માગતો નથી તેને કોઈપણ નિયમ એની પાસે કરાવી નહિ શકે… જે કોઈ પોતે મનથી સારો થવા ઇચ્છશે તો જ એ સારો થઈ શકશે. બધા કાયદા કાનૂનો એને સારો નહિ બનાવી શકે… સર્વશક્તિશાળી માણસ તો કહે છે કે ‘મને કશાની પરવા નથી.’ ઉપાય તો એકમાત્ર એ જ છે કે આપણે સૌ સારા થવા માટે મનથી ઇચ્છા કરીએ. તો એ કેવી રીતે થાય?

આપણું બધું જ્ઞાન મનમાં રહેલું છે. પથ્થરમાં જ્ઞાન કોણે જોયું છે? અથવા તારામાં ખગોળશાસ્ત્રનું જ્ઞાન કોણે દીઠું છે? એ બધું તો માણસ જાતિમાં (એના મનમાં) જ હોય છે.

આપણે અનંત શક્તિ છીએ (તે) આપણે અનુભવવું. તો પછી મનની શક્તિમાં મર્યાદા કોણે મૂકી છે? આપણે એ અનુભવીએ કે આપણે બધા મન છીએ. દરેક બિંદુમાં સિન્ધુ સમાયેલો છે. એ બિન્દુ એટલે જ માણસનું મન છે. ભારતીય માનસ આ બધી (ક્ષમતાઓ અને સંભાવનાઓ) ઉપર પરાવર્તિત થાય છે અને (એને) બહાર લાવવા ઇચ્છે છે. આ માટે માણસ પોતાનું શું થશે એની પરવા કરતો નથી. આ (પૂર્ણતા મેળવવા) માટે ખૂબ લાંબો સમય વીતી જાય. અરે, ભલેને પચાસ હજાર વરસો વીતી જાય, તોપણ શું!..

સમાજના પાયામાં જ, એના ઘડતરમાં જ આવા મનની ખામી વરતાય છે. માણસનું મન બદલાઈ જાય તો જ આવી (પૂર્ણતા) શક્ય બને છે. માણસ પોતે જ પોતાની મધુર ઇચ્છાથી પોતાના મનનું પરિવર્તન કરી નાખે. પણ એમાં મોટી મુસીબત તો એ છે કે આવું કરવામાં એ પોતાના મનને બળપૂર્વક પ્રેરી શક્તો નથી.

તમે રાજયોગના બધા જ દાવાઓને ભલે ન માનો, પણ દરેક વ્યક્તિ પોતે દિવ્ય બની શકે છે એ તો ચોક્કસ વાત છે અને એ માત્ર ત્યારે (બની શકે) કે જ્યારે માણસને પોતાના વિચારો ઉપર કાબૂ હોય… (વિચારો અને ઇન્દ્રિયો) બધાં મારા સેવકો હોવા જોઈએ, મારા સ્વામીઓ નહિ.. માત્ર આવું થાય ત્યારે જ અનિષ્ટ નાશ પામશે…

કેળવણી એ કંઈ હકીક્તોના જથ્થાથી મનને ભરી દેવાની વાત નથી. ઉપકરણોને સુયોગ્ય કરીને મારા મન ઉપર પૂરેપૂરો કાબૂ મેળવવો એ (કેળવણીનો આદર્શ છે). જો હું કોઈ વિષય પર મનને કેન્દ્રિત કરવા ઇચ્છું તો તે ત્યાં જાય છે અને જે ક્ષણે કહું તે ક્ષણે (ફરી) મુક્ત બને છે…

આ ઘણી કઠિન સમસ્યા છે. ખૂબ સંઘર્ષ કરીને આપણે મનને એકાગ્ર કરવાની શક્તિ મેળવીએ છીએ, કોઈક વસ્તુ સાથે મનના જોડાણની શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. પણ ત્યારે તો પછી એનાથી છૂટા પડવાની શક્તિ તો રહેતી નથી. એ વિષયમાંથી મારા મનને ખસેડી લેવા માટે મારે મારું અડધું જીવન તો આપવું પડે અને એ તો હું કરી શક્તો નથી એટલે આપણે મનની એકાગ્રતા અને જોડાણની શક્તિની સાથોસાથ મનની ખસેડી લેવાની શક્તિ પણ વિક્સાવવી જોઈએ. જે મનુષ્યે આ બન્ને શક્તિઓ સમાનરૂપે પોતાનામાં હાંસલ કરી હશે તે માણસે પૂરેપૂરું માનવ્ય પ્રાપ્ત કરી લીધું છે એમ માનવું. એવા માણસના કાન પાસે ભલે ને આખી દુનિયા દેકારા કરે પરંતુ એને એનાથી કશું જ દુઃખ થતું નથી. ક્યાં પુસ્તકો તમને આવું શીખવી શકશે? ભલે ને તમે ગમે તેટલાં પુસ્તકો વાંચ્યા કરો.. એક ક્ષણમાં ભલે તમે બાળકમાં પચાસ હજાર શબ્દો ઠાંસી ઠાંસીને ભરી દો, ફિલસૂફી અને કેટલાય સિદ્ધાંતો એને શીખવી દો… પણ સાચું વિજ્ઞાન તો એક જ છે અને તે છે મનોવિજ્ઞાન… એ વિજ્ઞાન પ્રાણના નિયંત્રણથી શરૂ થાય છે.

ધીમે ધીમે અને ક્રમે ક્રમે તમે મનના એ કક્ષમાં પ્રવેશો છો અને ધીમે ધીમે તમે એ મનનું નિયંત્રણ કરી શકો છો. એ લાંબો અને કઠિન સંઘર્ષ છે. એને કોઈ કુતૂહલની નજરથી જોવો ન જોઈએ. જ્યારે કોઈક કશુંક કરવા માગે છે ત્યારે એણે પહેલાં એની રૂપરેખા તૈયાર કરવી પડે છે. (રાજયોગ) કોઈ શ્રદ્ધાની કે કોઈ માન્યતાની, કોઈ ઈશ્વરની કે એવી કોઈ જ દરખાસ્ત કરતો નથી. જો તમે બે હજાર દેવોમાં માનતા હો તો તમારે એને માટે પ્રયત્ન કરવો શક્ય હોવો જોઈએ. શા માટે એ શક્ય ન હોય?.. (પણ રાજયોગમાં) અવૈયક્તિક સિદ્ધાંતો છે.

આમાં મોટામાં મોટી મુસીબત કઈ છે? આપણે બધા સૈદ્ધાન્તિક વાતો જ ર્ક્યા કરતા હોઈએ છીએ. માનવજાતની બહુમતીએ ખરેખર તો નક્કર બાબતો સાથે જ વ્યવહાર કરવો જોઈએ કારણ કે અલ્પ બુદ્ધિવાળા માણસો ઉચ્ચતમ તત્ત્વજ્ઞાનને જોઈ શક્તા નથી. આમ ને આમ એનો અંત આવી જાય છે. તમે દુનિયાનાં બધાં વિજ્ઞાનોના સ્નાતક-નિષ્ણાત થઈ શકો.. પણ તમે જો એનો અનુભવ ન ર્ક્યાે હોય તો તમારે બાળક થઈને એ શીખવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.

…જો તમે તેમને કોઈ અમૂર્ત અને અસીમ વસ્તુ આપશો, તો તો એ તે પકડી શકશે જ નહિ. તમે એક વખતમાં તેમને થોડીક જ વસ્તુઓનું જ્ઞાન આપો. (તમે એને કહો) ‘તમે આટલા શ્વાસ લો. તમે આટલું કરો.’ તો (તેઓ) એ સમજશે અને તે પ્રમાણે કરવા લાગશે અને તેમને તે કરવામાં આનંદ આવશે. આ ધર્મનું કિન્ડરગાર્ટન (બાલવાડી) છે, એટલા માટે પ્રાણાયામ લાભકારક છે. હું તમને સૌને વિનંતી કરું છું કે તમે આમાં ખાલી કુતૂહલ દર્શાવનારા જ થશો નહિ. એનો થોડા દિવસ પ્રયોગ-પ્રયત્ન કરી જુઓ અને જો તમને એનાથી કશો જ ફાયદો ન થાય તો મારી પાસે આવીને મને શાપ આપજો…

આખું વિશ્વ શક્તિનો એક પુંજ છે અને એના દરેક અંશમાં એ શક્તિ મોજૂદ છે. એમાં જે છે તેને કેવી રીતે પ્રાપ્ત કરવું, તે જો આપણે જાણીએ તો એનો એક કણ પણ આપણા બધા માટે પૂરતો થઈ રહેશે…

પરાણે-લાચાર થઈને કરવું પડતું કામ ઝેર સમાન જ હોય છે… એવું કામ આપણને મારી નાખે છે. એવું (કામ) તો ગુલામોને ખુશ કરે (પણ)… હું તો મુક્ત છું અને હું જે કંઈ કરું છું, તે તો માત્ર નાનકડી રમત જ છે. (હું ગુલામ નથી. હું છું) નાનીશી રમૂજવાળો-બસ એટલું જ…

મૃતાત્માઓ તો નબળા છે અને આપણી પાસેથી જીવનશક્તિ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે….

આધ્યાત્મિક જીવનશક્તિ એક મન પાસેથી બીજાને અપાય છે. એવી અધ્યાત્મશક્તિ જે આપે છે તે ગુરુ છે અને ગ્રહણ કરે છે તે શિષ્ય છે. વિશ્વમાં આધ્યાત્મિક સત્ય લાવવાનો આ એકમાત્ર માર્ગ છે.

(મરણ વખતે) બધી ઇન્દ્રિયો (મન)માં વિલીન થઈ જાય છે અને મન પ્રાણમાં સમાઈ જાય છે. આત્મા જ્યારે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે મનના અલ્પાંશને પોતાની સાથે લેતો જાય છે.કેટલીક જીવનશક્તિ (પ્રાણ) ને પણ તે સાથે લેતો જાય છે. આત્મા અને જડતત્ત્વના કેટલાક સૂક્ષ્મતમ ભાગને લિંગશરીર (જાશશિીિંફહ બજ્ઞમુ)ના બીજરૂપે પણ પોતાની સાથે લઈ જાય છે. કોઈક પ્રકારના (આધાર) વગર એ પ્રાણ રહી શક્તો નથી… એ વિચારોમાં પોતાનું સ્થાન જમાવે છે અને એ ફરી વાર બહાર આવે છે અને આવી રીતે તમે નવું શરીર અને નવું મસ્તિષ્ક રચો છો. એ બધા દ્વારા જ એ પ્રકટ થાય છે…

અહીંથી (ચાલ્યા ગયેલા જીવો) એકલા તો શરીર ધારણ કરી શક્તા નથી. એમાંયે જે જીવો ખૂબ નબળા હોય છે તેઓને તો પોતે મરી ગયા છે એનું સ્મરણ પણ રહેતું નથી… તેઓ બીજાના શરીરમાં લિંગદેહ (જાશશિિં બજ્ઞમુ) ના રૂપે પ્રવેશ કરીને એમાંથી વધુ આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે અને જે લોકો એમને પ્રવેશ કરવા પોતાનું શરીર ખુલ્લું મૂકે છે તે મોટું જોખમ ખેડે છે. એ જીવો એવા માણસની જીવનશક્તિને ઝંખતા હોય છે…

આ જગતમાં ઈશ્વર સિવાય કશું જ શાશ્વત નથી.. એ સત્યને જાણવું એ જ મોક્ષ છે. આપણે પોતે કંઈ જ બનતા નથી. આપણે તો જેવા છીએ તેવા જ રહીએ છીએ. મુક્તિ શ્રદ્ધાથી (મળે છે). એ કાંઈ કામ કરવાથી પ્રાપ્ત થતી નથી. આ ‘જ્ઞાન’નો પ્રશ્ન છે. તમે પોતે શું છો તે તમારે ‘જાણવું જોઈએ’ એટલે બસ. તમારું કામ પૂરું થયું. સ્વપ્ન ઊડી ગયું. અહીં તો તમે બધા એને સ્વપ્ન જોઈ રહ્યા છો. જ્યારે એ બધા મરી જાય છે, ત્યારે તેઓ પોતપોતાના (સ્વપ્નના) સ્વર્ગમાં જાય છે. એ સ્વપ્નમાં તેઓ જીવે છે અને જ્યારે એ સ્વપ્ન પૂરું થાય છે ત્યારે તેઓ અહીં સુંદર શરીર ધારણ કરે છે અને એવા લોકો સારા લોકો છે….

(શાણો માણસ) કહે છે, ‘મારામાંથી આ બધી જ (તૃષ્ણાઓ) નાશ પામી ગઈ છે. આ વખતે હું આ વ્યક્તિગત જંજાળમાંથી પસાર થઈશ નહિ.’ એવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરવા ભરચક કોશિશ કરે છે અને ‘આ બધું દેખાતું સ્વપ્ન, આ તે કેવું દિવાસ્વપ્ન છે, આ દુનિયા અને સ્વર્ગનાં (સ્વપ્નો);’ આ બધાં અનિષ્ટોને જુએ છે, તેના પર હસી પડે છે.