અનુક્રમણિકા

મનની શક્તિ

કારણ કાર્ય બને છે. એમ નથી કે કારણ એક વસ્તુ હોય અને કાર્ય તેના પરિણામે બનતી બીજી જ વસ્તુ હોય. હંમેશાં કારણ પર જ અમુક ક્રિયા થવાથી કાર્ય બને છે. હંમેશાં, કારણ જ કાર્ય બને છે. પ્રચલિત માન્યતા એવી છે કે કાર્ય એ એવા કારણની ક્રિયાનું પરિણામ છે કે જે કારણ કાર્યથી તદ્દન સ્વતંત્ર અને અલગ કંઈક છે; પણ તે એમ નથી. કાર્ય એ હંમેશાં અન્ય સ્થિતિમાં પરિણત થયેલું કારણ જ છે.

વિશ્વ ખરેખરી રીતે સુસંવાદી છે. વિસંવાદિતા ફક્ત દેખાવમાં જ છે. સમગ્ર પ્રકૃતિમાં ભિન્ન ભિન્ન પદાર્થાે, ભિન્ન ભિન્ન શક્તિઓ વગેરે હોય એમ દેખાય છે ખરું; પણ બે જુદા જુદા પદાર્થાે, દાખલા તરીકે, એક કાચનો અને એક લાકડાનો ટુકડો લો. તેમને ભેગા કરીને ખૂબ સૂક્ષ્મ થાય ત્યાં સુધી દળી નાખો; વધારે ઝીણો ભૂકો ન થઈ શકે ત્યાં સુધી તેમને પીસી નાખો. એટલે પછી જે બનશે તે પદાર્થ એક જ પ્રકારનો દેખાશે. અંતિમ પૃથક્કરણ સુધી બધા પદાર્થાે એક બની જાય છે. એકવિધતા એ જ મૂળ તત્ત્વ છે, તે જ સત્ય છે; આ બહુવિધતા એટલે ઘણા પદાર્થાે હોય તેવો ઘણી ચીજોનો બાહ્ય આભાસ, ‘એક’ છે સુસંવાદિતા; એકનો અનેક રીતે ભાસ, તે છે વિસંવાદિતા.

સાંભળવું, જોવું, સ્વાદ લેવો વગેરે બધી ક્રિયાઓ એટલે ક્રિયાઓમાં જુદી જુદી ક્રિયાત્મક અવસ્થામાં રહેલું મન જ છે.

ઓરડાના વાતાવરણને એવું સંમોહિત કરી શકાય કે જેથી જે કોઈ તેમાં પ્રવેશે તે બધી જાતની ચીજોને – માણસોને અને પદાર્થાેને હવામાં ઊડતા જુએ.

સૌ કોઈ સંમોહિત જ છે. મુક્તિ મેળવવાનું કાર્ય કે પોતાના સાચા સ્વભાવનો સાક્ષાત્કાર કરવાનું કાર્ય એ સંમોહનથી મુક્ત થવાનું કાર્ય છે.

જે એક વસ્તુ યાદ રાખવાની છે તે એ કે આપણે શક્તિઓને નવી પ્રાપ્ત કરતા નથી, તે આપણી અંદર રહેલી જ છે. વિકાસની સમગ્ર ક્રિયા, એ સંમોહનરહિત બનવાની ક્રિયા છે.

મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે. તેને કાબૂમાં લાવવું હોય તો તેની પવિત્રતા માટે ખાસ આગ્રહ રાખવો જોઈએ. લોભી બનીને માત્ર માનસિક સિદ્ધિઓનો જ વિચાર ન કરો; તેમને જવા દો. જે માણસ મનની શક્તિઓને શોધતો ફરે છે, તે તેમનો ગુલામ બને છે; જે લોકો આવી શક્તિઓની ઇચ્છા રાખે છે તેઓ લગભગ બધા તેના પાસમાં બંધાય છે.

મન પર સંપૂર્ણ સંયમ મેળવવાનો રામબાણ ઉપાય પૂર્ણ સદાચાર પાળવો એ છે. જે સંપૂર્ણપણે સદાચારી છે તેને બીજું કશું કરવાની જરૂર નથી; તે મુક્ત જ છે. જે માણસ સંપૂર્ણપણે સદાચારી છે તે બને ત્યાં સુધી બીજા કોઈને દુઃખ પહોંચાડી શકતો નથી. જેણે મુક્ત બનવું છે તેણે અહિંસા પ્રાપ્ત કરવી જ જોઈએ. જેણે સંપૂર્ણ અહિંસા કેળવી છે તેનાથી વધારે શક્તિશાળી માણસ બીજો કોઈ નથી. તેવા માણસની હાજરીમાં કોઈ લડાઈ કરી નથી શકતું કે કોઈ ઝઘડો કરી નથી શકતું. હા, બીજું કંઈ જ નહીં પણ ફક્ત એક તેની હાજરી જ જ્યાં હોય ત્યાં શાંતિ હોય, પ્રેમ હોય. તેની હાજરીમાં કોઈ ગુસ્સો ન કરી શકે કે લડી ન શકે. અરે, હિંસક જંગલી પ્રાણીઓ પણ તેની સામે શાંત બની જાય છે.

હું એક બહુ વૃદ્ધ યોગીને ઓળખતો હતો; તે એકલો જમીનની અંદર એક ગુફામાં રહેતો હતો. રસોઈ કરવા માટેનાં એકાદ બે વાસણો જ તેનું સર્વસ્વ હતું. તે બહુ જ થોડું ખાતો, ભાગ્યે જ કંઈ વસ્ત્ર પહેરતો અને લગભગ બધો વખત ધ્યાનમાં ગાળતો.

તેને મન બધા લોકો સરખા હતા. તેણે અહિંસા પ્રાપ્ત કરેલી. તે બધામાં – દરેક મનુષ્યમાં અને પ્રત્યેક પ્રાણીમાં ફક્ત આત્મા કે વિશ્વના સ્વામીનાં જ દર્શન કરતો. તેને મન દરેક માનવ અને દરેક પ્રાણી ‘મારા પ્રભુ’ હતા; આ સિવાય બીજા કોઈ સંબોધનથી તે કોઈ મનુષ્ય કે પશુને બોલાવતો નહીં. હવે એક દિવસ તેને ત્યાં ચોર આવ્યો અને તેનું એક વાસણ ચોરી ગયો. તેણે તેને જોયો એટલે તેની પાછળ દોડ્યો; ખૂબ લાંબે સુધી તે પાછળ પડ્યો. અંતે થાકવાથી ચોરને અટકવું પડ્યું. ત્યાં તો પાછળ દોડતા યોગીએ ચોરને પગે પડી કહ્યું ઃ ‘મારા પ્રભુ ! મારા ઘેર આવીને આપે બહુ કૃપા કરી. આ બીજું વાસણ પણ સ્વીકારવાની મારા પર કૃપા કરો; તે પણ તમારું જ છે.’ એ વૃદ્ધ યોગી આજે હયાત નથી. જગતમાં બધા પ્રત્યે તે પ્રેમભાવયુક્ત હતો. એક કીડીને માટે પણ તે જીવ આપવા તૈયાર રહેતો. જંગલી પ્રાણીઓ કુદરતી રીતે જ તેને પોતાનો મિત્ર માનતાં. સર્પાે અને હિંસક પશુઓ તેની ગુફામાં પ્રવેશતાં અને તેની સાથે સૂતાં. તેઓ બધાં તેને ચાટતાં અને તેની હાજરીમાં કદી લડતાં નહીં.

બીજાઓના દોષો ગમે તેટલા ખરાબ હોય તોપણ તેમના વિશે કદી બોલશો નહીં; એમ કરવાથી કદી કંઈ લાભ થતો નથી. માણસના દોષ વિશે બતાવવાથી તમે તેને કદી મદદ કરી શકતા નથી. તેથી ઊલટું તમે તેને નુકસાન પહોંચાડો છો અને તમારી જાતને પણ નુકસાન કરો છો.

આહારવિહારના નિયમો આધ્યાત્મિક સાધનામાં સહાયક થતા હોય ત્યાં સુધી સારા છે. પણ તે પોતે જ ધ્યેય નથી; એ તો માત્ર સહાયક છે.

ધર્મ વિશે કદી વાદવિવાદ ન કરો. ધર્મ વિશેના તમામ ઝઘડાઓ અને વિવાદો એટલું જ બતાવે છે કે આપણામાં આધ્યાત્મિકતા નથી. ધાર્મિક ઝઘડા હંમેશાં ફોતરાં માટે થાય છે. જ્યારે પવિત્રતા ચાલી જાય છે, જ્યારે આધ્યાત્મિકતા રહેતી નથી, જ્યારે આત્મા શુષ્ક બની જાય છે, ત્યારે જ ઝઘડા શરૂ થાય છે, તે પહેલાં નહીં.