એકાગ્રતા

એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલ કરે નહીં. ચિત્તને જ્યારે એકાગ્ર કરી પાછું તેના પોતાના પર જ કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે આપણી અંદરનું બધું આપણું માલિક નહીં બનતાં આપણું દાસ બને છે. ગ્રીક લોકોએ પોતાનું ચિત્ત બાહ્ય જગત ઉપર કેન્દ્રિત કર્યું અને પરિણામે કલા અને સાહિત્ય વગેરેમાં પૂર્ણતા પ્રાપ્ત કરી. હિંદુઓએ આંતરજગત ઉપર – આત્માના અણદીઠા સામ્રાજ્યમાં – મન કેન્દ્રિત કર્યું અને યોગવિદ્યાનો વિકાસ કર્યાે. યોગ એટલે ઇંદ્રિયો, ઇચ્છાશક્તિ અને મનને કાબૂમાં રાખવાં. યોગના અભ્યાસનો ફાયદો એ છે કે આપણા પર મન વગેરેનો કાબૂ આવવાને બદલે આપણે તેને કાબૂમાં રાખતાં શીખીએ છીએ. મન થર ઉપર થરનું બનેલું લાગે છે. આપણા જીવનની આડે આવતા આ બધા જ થરોને ઓળંગી જઈને ઈશ્વરને શોધવો એ જ આપણું ખરું લક્ષ્ય છે. યોગનો અંતિમ હેતુ અને લક્ષ્ય ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે. આ પ્રાપ્ત કરવા માટે આપણે સાપેક્ષ જ્ઞાન અને ઇંદ્રિયોના જગતથી પર જવાનું છે. જગત ઇંદ્રિયોના વિષયોની બાબતમાં જાગ્રત છે, જ્યારે એ ભૂમિકા ઉપર ઈશ્વરનાં બાળકો નિદ્રિત છે; શાશ્વત ઈશ્વરની બાબતમાં જગત ઊંઘે છે, જ્યારે તે બાબતમાં ઈશ્વરનાં બાળકો જાગે છે. આવા બધા ઈશ્વરના પુત્રો છે. ઇંદ્રિયોને સંયમમાં રાખવાનો એક જ રસ્તો છેઃ આ વિશ્વમાં જે પરમ સત્ય છે તે ઈશ્વરનું દર્શન કરવું. આમ થયા પછી જ ખરેખરી રીતે આપણે ઇંદ્રિયો પર કાબૂ મેળવી શકીશું.

એકાગ્રતા એટલે મનને વધારે અને વધારે નાના વર્તુળમાં કાબૂમાં રાખવું. મનને આ રીતે કાબૂમાં લાવવાની આઠ પ્રક્રિયાઓ છે. પહેલી યમ. યમ એટલે બાહ્ય આકર્ષણથી દૂર રહીને મનને કાબૂમાં લેવું. સર્વ પ્રકારની નીતિમત્તાનો આમાં સમાવેશ થઈ જાય છે. દુષ્કૃત્ય ન કરો; કોઈ પણ જીવતા પ્રાણીને દુઃખ ન આપો. બાર વર્ષ સુધી જો તમે કોઈની હિંસા ન કરો તો સિંહ અને વાઘ પણ તમારી પાસે નમી પડશે. સત્યને આચરો. મન, કર્મ અને વચનથી બાર વર્ષ સુધી સંપૂર્ણ સત્યપાલન થાય તો માણસ ઇચ્છે તે પ્રાપ્ત કરી શકે. મન, વચન કર્મથી પવિત્ર બનો. પવિત્રતા એ બધા ધર્માેનો પાયો છે. અંગત પવિત્રતા અત્યંત આવશ્યક છે. ત્યાર પછી આવે છે નિયમ. નિયમ એટલે મનને કોઈ પણ દિશામાં ભટકવા ન દેવું તે. ત્યાર પછી આસન. આસનો ચોરાસી છે; દરેકને માટે જે આસન સ્વાભાવિક હોય તે જ તેને માટે ઉત્તમ આસન છે; ખૂબ સરળતાપૂર્વક જેના ઉપર લાંબામાં લાંબો સમય બેસી શકાય તે આસન ઉત્તમ. ત્યાર પછી આવે છે પ્રાણાયામ, એટલે કે શ્વાસોચ્છ્વાસ પરનો કાબૂ. ત્યાર પછી પ્રત્યાહાર એટલે કે ઇંદ્રિયોને તેમના વિષયમાંથી ખેંચી લેવી. ત્યાર પછી આવે છે ધારણા અથવા એકાગ્રતા. ત્યાર બાદ આવે ધ્યાન. (યોગ વિદ્યાનો આ સાર છે.) છેલ્લે આવે છે સમાધિ, એટલે ઇંદ્રિયાતીત અનુભૂતિ. શરીર અને મન જેટલાં પવિત્ર, તેટલું ઇચ્છિત ફળ વહેલું પ્રાપ્ત થાય. તમારે સંપૂર્ણપણે પવિત્ર બનવું જોઈએ. ગંદી બાબતોનો વિચાર ન કરો; એવા વિચારો અવશ્ય તમારું પતન કરશે. તમે પૂર્ણપણે શુદ્ધ હો અને તેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરતા હો, તો અંતે તમારું મન અનંત શક્તિની શોધક બત્તી (સર્ચલાઈટઃ Search light) બની જશે. તેની શક્તિને મર્યાદા નથી. પરંતુ સતત અભ્યાસ અને જગત પ્રત્યે નિર્લેપતા હોવાં જોઈએ. જ્યારે માણસ ઇંદ્રિયાતીત અનુભવની અવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે દેહ સંબંધી સઘળા ભાનનો લોપ થઈ જાય છે. ત્યાર પછી જ તે મુક્ત અને અમર બને છે. બાહ્યદૃષ્ટિએ તો અચેતન અવસ્થા અને ઇંદ્રિયાતીત ભૂમિકા બંને સરખાં જ લાગે છે; પણ માટીનું ઢેફું સોનાના ગઠ્ઠાથી જેટલું ભિન્ન છે તેટલી તે બે અવસ્થાઓ પરસ્પરથી ભિન્ન છે. જેનો સમગ્ર આત્મા ઈશ્વરને અર્પણ થઈ ગયો છે, તે ઇંદ્રિયાતીત ભૂમિકાએ પહોંચી ગયો છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories