પ્રાણાયામ

સૌથી પહેલાં આપણે પ્રાણાયામનો અર્થ સમજવાનો થોડોક પ્રયત્ન કરીશું. અધ્યાત્મશાસ્ત્રમાં પ્રાણ એટલે વિશ્વમાં રહેલી શક્તિનો એકંદર સરવાળો. તત્ત્વજ્ઞાનીઓના સિદ્ધાંત પ્રમાણે આ વિશ્વ મોજાની રીતે આગળ વધે છે; તે ઉપર ચડે છે અને ફરી શમી જાય છે, જાણે કે વિલીન થઈ જાય છે; વળી પાછું તે આ સર્વ વિવિધતારૂપે આગળ વધે છે; વળી ફરીથી ધીમે ધીમે પાછું આવે છે. એક નાડીના ધબકારાની જેમ ચાલ્યા કરે છે. આ સમસ્ત વિશ્વ જડદ્રવ્ય અને બળનું બનેલું છે. સંસ્કૃત દાર્શનિકોના મત પ્રમાણે આપણે જેને ઘન કે પ્રવાહી પદાર્થ કહીએ છીએ તે પ્રત્યેક વસ્તુ મૂળ પદાર્થ કે જેને તેઓ આકાશ અથવા ઈથર (Eather) કહે છે તે પદાર્થમાંથી આવેલ છે; અને પ્રકૃતિમાં આપણને દેખાતાં સર્વ બળો જેની અભિવ્યક્તિ છે તે મૂળ શક્તિને તેઓ પ્રાણ કહે છે. આકાશ તત્ત્વ પર આ પ્રાણની ક્રિયા થાય છે ત્યારે વિશ્વ સર્જાય છે; અને એક કાળ જેને કલ્પ કહેવામાં આવે છે, તેને અંતે ક્રિયાશૂન્યતાનો ગાળો આવે છે; પ્રત્યેક વસ્તુનો આ સ્વભાવ છે. જ્યારે આ ક્રિયાશૂન્યતાનો સમય આવે છે ત્યારે આપણે પૃથ્વીમાં દેખીએ છીએ તે આ સર્વ આકારો – સૂર્ય, ચંદ્ર, તારાઓ અને આ બધી અભિવ્યક્તિઓ પીગળી જાય છે અને આખરે ફરી વાર આકાશરૂપ બની જાય છે. તેઓ અતિ સૂક્ષ્મરૂપે ઊડી જઈને આકાશ થઈ જાય છે. તેમ જ શરીરની અંદરનાં કે મનની અંદરનાં બધાં બળો, પછી તે ગુરુત્વાકર્ષણરૂપે, આકર્ષણરૂપે, ગતિરૂપે કે વિચારરૂપે રહેલાં હોય, વિસ્ખલિત થઈ જાય છે અને મૂળ પ્રાણમાં મળી જાય છે. આ ઉપરથી આપણે આ પ્રાણાયામની ઉપયોગિતા સમજી શકીએ.

જે રીતે આ આકાશ આપણને સર્વત્ર ઘેરી વળેલું છે અને આપણી અંદર પણ વ્યાપી રહેલ છે, તેવી રીતે આપણને દેખાતી પ્રત્યેક વસ્તુ આ આકાશ તત્ત્વની બનેલી છે અને સરોવરમાં તરતા બરફના ટુકડાની જેમ આપણે આકાશતત્ત્વમાં તર્યા કરીએ છીએ. આ બરફના ટુકડા સરોવરના પાણીના જ બનેલા છે અને તે જ સમયે તેમાં તરે પણ છે. તેવી જ રીતે અસ્તિત્વ ધરાવતી પ્રત્યેક વસ્તુ આ આકાશતત્ત્વની બનેલી છે અને આ આકાશરૂપી મહાસાગરમાં તરે છે. એવી જ રીતે પ્રાણનો – શક્તિ અને બળનો – આ વિશાળ મહાસાગર આપણને ઘેરી વળેલ છે. જેના વડે આપણે શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ અને જેના વડે લોહીનું અભિસરણ થયા કરે છે, તે આ પ્રાણ છે; એ જ શક્તિ જ્ઞાનતંતુમાં છે, સ્નાયુઓમાં અને મગજમાં વિચારરૂપે છે. જે જે રીતે સર્વ જડ પદાર્થ એક જ આકાશતત્ત્વની જુદા જુદા પ્રકારની અભિવ્યક્તિ છે, તે જ રીતે સર્વ બળો આ એક જ પ્રાણતત્ત્વની ભિન્ન ભિન્ન અભિવ્યક્તિઓ છે. આપણે હંમેશાં સ્થૂળતાનાં કારણો સૂક્ષ્મમાં જોઈએ છીએ. રસાયણશાસ્ત્રી કાચી ધાતુનો એક ઘન ટુકડો લઈને તેનું પૃથક્કરણ કરે છે; જે સૂક્ષ્મ વસ્તુઓનો તે સ્થૂલ ગઠ્ઠો બનેલો છે, તે સૂક્ષ્મ વસ્તુઓને તે શોધી કાઢવા ઇચ્છે છે. તેવું જ આપણા વિચાર વિશે અને જ્ઞાન વિશે. સ્થૂળનું સ્પષ્ટીકરણ સૂક્ષ્મમાં છે; કાર્ય એ સ્થૂળ છે અને કારણ સૂક્ષ્મ છે. આ આપણું સ્થૂળ વિશ્વ કે જેને આપણે જોઈએ છીએ, સ્પર્શીએ છીએ અને અનુભવીએ છીએ, તેનું કારણ અને ખુલાસો તેની પાછળના વિચારમાં રહેલ છે. તે વિચારનું કારણ અને ખુલાસો વળી એથીયે વધુ પાછળ રહેલ છે. તેથી આપણા આ માનવદેહમાં પ્રથમ આપણે સ્થૂળ હલનચલન – હાથ અને હોઠની ક્રિયાઓ જોઈએ છીએ; પણ આનાં મૂળ કારણો કયાં છે? જેની ગતિ આપણે બિલકુલ જોઈ શકતા નથી, એ જ્ઞાનતંતુઓ એટલા બધા સૂક્ષ્મ છે કે આપણી ઇંદ્રિયોથી આપણે તેને જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી કે કોઈ રીતે પત્તો લગાવી શકતા નથી અને છતાં આપણે જાણીએ છીએ કે આ વધુ સ્થૂળ ગતિના કારણભૂત તો તેઓ છે. વળી આ જ્ઞાનતંતુઓનું હલનચલન એથીય વધુ સૂક્ષ્મ ગતિ દ્વારા થાય છે, જેને આપણે વિચાર કહીએ છીએ; અને વળી એનું કારણ એથી પણ વધુ સૂક્ષ્મ એવું કશુંક છે જે માનવીનો જીવ યાને આત્મા છે. આપણી પોતાની જાતને સમજવા માટે પ્રથમ તો આપણે આપણું સંવેદન સૂક્ષ્મ બનાવવું જોઈએ. આજ સુધીમાં શોધાયેલ કોઈ પણ સૂક્ષ્મદર્શક યંત્ર કે સાધન અંતરમાં ચાલતી આ સૂક્ષ્મ ગતિને જોવાનું આપણે માટે શકય કરી શકે તેમ નથી; આવા કોઈ પણ સાધનથી આપણે તેને કદી જોઈ શકતા નથી. હવે યોગી પાસે તેના પોતાના મનનો અભ્યાસ કરવાનું સાધન ઊભું કરવાનું એક વિજ્ઞાન છે; એ સાધન મનની અંદર છે. મન એવી સૂક્ષ્મ સંવેદનની શક્તિઓ પ્રાપ્ત કરે છે કે જે કોઈ પણ સ્થૂળ સાધન કદી પ્રાપ્ત કરી શકે નહીં.

અતિસૂક્ષ્મ સંવેદનની આ શક્તિ પ્રાપ્ત કરવા માટે આપણે શરૂઆત સ્થૂળથી કરવાની છે અને શક્તિ જેમ જેમ વધુને વધુ સૂક્ષ્મ થતી જાય તેમ તેમ આપણે આપણી પોતાની પ્રકૃતિમાં ઊંડા અને વધુ ઊંડા ઊતરતા જઈએ છીએ. આપણે સર્વ પ્રથમ ગતિઓ અનુભવીએ છીએ અને પછી વિચારની સૂક્ષ્મ ગતિઓ જણાય છે. વિચાર શરૂ થાય તે પહેલાં તેનાં ચિહ્નો આપણે પારખી શકીશું, વિચાર કયાં જાય છે અને કયાં પૂરો થાય છે તે પણ તપાસી શકીશું. દૃષ્ટાંત તરીકે સામાન્ય મનમાં એક વિચાર ઉદ્ભવે છે. તેની શરૂઆત કઈ રીતે થઈ અથવા તે કયાંથી આવે છે તે મન જાણતું નથી. મન મહાસાગર જેવું છે; તેમાં એક તરંગ ઉત્પન્ન થાય છે અને જો કે માનવી એ તરંગને જુએ છે છતાં તે તરંગ ત્યાં કઈ રીતે આવ્યો, તેની ઉત્પત્તિ કયાંથી થઈ અથવા પાછો તે કયાં શમી જાય છે, તે તે જાણતો નથી; એથી આગળ તેના વિશે કશી જ માહિતી તે મેળવી શકતો નથી. પરંતુ સંવેદન વધુ સૂક્ષ્મ બને છે ત્યારે આ તરંગ સપાટી ઉપર આવે તે પહેલાં ઘણા લાંબા સમયથી આપણે તેનાં પગલાં શોધી શકીશું; તેમ જ તે અદૃશ્ય થયા પછી પણ દૂર દૂર સુધી તેનાં ચિહ્નો જોવા આપણે શક્તિમાન થઈશું; અને ત્યારે આપણે માનસશાસ્ત્રને યથાર્થરૂપે સમજી શકીશું. આજના જમાનામાં માણસો આ વિચાર કરે છે અને તે વિચાર કરે છે અને ઘણા ગ્રંથો લખે છે જે સંપૂર્ણ રીતે આપણને ખોટા માર્ગે લઈ જનારા હોય છે; કારણ એ છે કે તેમનામાં તેમના પોતાના જ મનનું પૃથક્કરણ કરવાની શક્તિ નથી અને પોતે કદી ‘નહિ જાણેલી’ પરંતુ કેવળ અનુમાન કરેલી બાબતોની જ તેઓ વાત કરે છે. સઘળું વિજ્ઞાન હકીકતો પર જ આધારિત જોઈએ; વળી આ હકીકતોનું અવલોકન થવું જોઈએ અને તેમના સામાન્ય નિયમો બંધાવા જોઈએ. તમારી પાસે સામાન્ય નિયમ બાંધવા માટે જ્યાં સુધી કેટલીક હકીકતો ન હોય ત્યાં સુધી તમે શું કરવાના હતા? તેથી સામાન્ય નિયમ બાંધવાના આ સર્વ પ્રયત્નોનો આધાર તો આપણે જે બાબતો વિશેનો સામાન્ય નિયમ બાંધીએ છીએ તે બાબતના જ્ઞાન ઉપર છે. એક માણસ સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે; એ સિદ્ધાંતમાં નવા સિદ્ધાંતનો ઉમેરો કરે છે અને આખરે આખું પુસ્તક સિદ્ધાંતોની જાળ બની જાય છે, જેમાંથી એકમાં પણ કશો અર્થ હોતો નથી. રાજયોગનું વિજ્ઞાન કહે છે કે પ્રથમ તો તમારે તમારા મન વિશે હકીકતો એકઠી કરવી જોઈએ; અને એ તો તમારા મનનું પૃથક્કરણ કરવાથી, તેની સૂક્ષ્મ સંવેદનશક્તિઓનો વિકાસ કરવાથી અને અંદર શું બની રહ્યું છે તે તમારી જાતે જોવાથી કરી શકાય છે; તમારી પાસે આ હકીકતો આવી જાય તે પછી તેમના વિશે સામાન્ય નિયમ બાંધી શકો અને ત્યાર પછી જ માનસશાસ્ત્રનું સાચું વિજ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો. મેં કહ્યું છે તેમ કોઈ પણ સૂક્ષ્મ સંવેદન પ્રાપ્ત કરવા માટે આપણે તેના સ્થૂળ છેડાની સહાય લેવી જ જોઈએ. જે ક્રિયાપ્રવાહ બહારની બાજુએ પ્રગટ થાય છે તે વધુ સ્થૂળ હોય છે; જો આપણે તેને પકડી શકીએ અને આગળ ને આગળ ધપીએ, તો તે સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ થતો જાય છે અને આખરે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બને છે. તે જ પ્રમાણે આ દેહ અને દેહમાં રહેલી પ્રત્યેક વસ્તુનાં અસ્તિત્વ જુદાં જુદાં નથી, પણ જાણે કે સૂક્ષ્મથી સ્થૂળ પ્રતિ આગળ જતી એક જ સાંકળના જુદા જુદા અંકોડા છે.

તમે એક સમગ્ર પૂર્ણ છો; આ દેહ તેની બાહ્ય અભિવ્યક્તિ છે, અંદરના ભાગનું બાહ્ય કવચ છે; બાહ્ય ભાગ સ્થૂળ છે અને અંદરનો ભાગ સૂક્ષ્મ છે; અને એવી રીતે વધુ ને વધુ સૂક્ષ્મ થતું જાય છે કે અંતે તમે આત્મા સુધી પહોંચી જાઓ છો. હવે છેવટે જ્યારે આપણે આત્મા સુધી પહોંચીએ ત્યારે આપણને જ્ઞાન થાય છે કે આ બધાંરૂપે અભિવ્યક્ત થનાર તો કેવળ આત્મા જ હતો; એ આત્મા જ મન થયો અને દેહ થયો; આત્મા સિવાય અન્ય કશાનું અસ્તિત્વ જ નથી; અને આ બીજા બધા એ જ આત્માના વિવિધ અંશો વધુ ને વધુ સ્થૂળ થતી જતી અભિવ્યક્તિઓ છે. એમ તુલના દ્વારા આપણને જણાશે કે આ વિશ્વ એક વસ્તુ છે, ઈશ્વર બીજી વસ્તુ છે અને પરમાત્મા વળી એથીયે જુદી વસ્તુ છે એવું નથી, પરંતુ તે બધી પાછળ રહેલી એક જ એકત્વની અભિવ્યક્તિની વિવિધ અવસ્થાઓ છે.

આ બધું આપણા પ્રાણાયામથી આવે છે. દેહની અંદર ચાલી રહેલી આ વધુ સૂક્ષ્મ ક્રિયાઓનો સંબંધ શ્વાસોચ્છ્વાસ સાથે છે; તેથી જો આપણે આ શ્વાસોચ્છ્વાસને પકડી શકીએ, તેને હેરવીફેરવી શકીએ અને નિયમમાં રાખી શકીએ, તો ધીમે ધીમે આપણે વધુ ને વધુ સૂક્ષ્મ ક્રિયાઓ સમીપ પહોંચીશું અને એ શ્વાસોચ્છ્વાસ પર પ્રભુત્વ મેળવવાથી મનના પ્રદેશમાં આ રીતે જાણે કે પ્રવેશ કરીશું. આપણા છેલ્લા પાઠ સમયે મેં શીખવેલ શ્વાસોચ્છ્વાસની પહેલી રીત તો થોડા સમય પૂરતી માત્ર એક કસરત જ હતી. પરંતુ આ શ્વાસોચ્છ્વાસની કેટલીક ક્રિયાઓ ઘણી કઠિન છે; એ બધી કઠિન ક્રિયાઓને ટાળવાનો હું પ્રયત્ન કરીશ, કારણ કે વધુ કઠિન ક્રિયાઓ માટે તો ખોરાક પરના અને બીજા ઘણા સંયમોની જરૂર હોય છે અને તમારામાંના ઘણાખરાને માટે એ સંયમ રાખવો અશકય છે. તેથી આપણે ધીમા અને સરળ માર્ગાે લઈશું.

આ પ્રાણાયામના ત્રણ ભાગ છે. પહેલો ભાગ છે શ્વાસ અંદર લેવો, સંસ્કૃતમાં એને ‘પૂરક’ કહેવામાં આવે છે; અને બીજા ભાગને ‘કુંભક’ એટલે ધારણ કરવું કહેવાય છે, એટલે કે ફેફસામાં હવા ભરવી અને તેને બહાર નીકળતી અટકાવવી તે; ત્રીજો ભાગ કહેવાય છે ‘રેચક’ એટલે કે શ્વાસને બહાર કાઢવો. આજે હું તમને જે પ્રથમ ક્રિયા બતાવું છું તેમાં માત્ર શ્વાસને અંદર લેવો, તેને રોકવો અને ધીમે ધીમે તેને બહાર કાઢવો, એટલું જ છે. ત્યાર પછી શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં એક વધુ પગલું પણ છે; પણ આજે એ હું તમને શીખવીશ નહીં, કારણ કે તમે તે બધું યાદ રાખી શકો નહીં ને નાહક ખૂબ ગૂંચવણ ઊભી થાય. શ્વાસોચ્છ્વાસની ક્રિયાના આ ત્રણ ભાગ મળીને એક પ્રાણાયામ થાય છે. આ શ્વાસોચ્છ્વાસની ક્રિયાને નિયમિત બનાવવી જોઈએ; કારણ કે જો એમ ન થાય તો તમને ભયરૂપ થાય. તેથી તેને સંખ્યા દ્વારા નિયમિત કરાય છે. શરૂઆતમાં હું તમને ઓછામાં ઓછી સંખ્યા આપીશ. ચાર સેકન્ડ સુધી શ્વાસ લો, પછી આઠ સેકન્ડ સુધી શ્વાસને રૂંધી રાખો અને ત્યાર પછી ધીમે ધીમે ચાર સેકન્ડમાં શ્વાસને બહાર કાઢો. (પ્રમાણ જ્યારે બે, આઠ અને ચારનું હોય ત્યારે આ પ્રક્રિયા વધુ કઠિન છે; વિશેષ હકીકત માટે આગળ જુઓ.) પછી ફરીથી શરૂ કરો; આ પ્રમાણે ચાર વખત સવારે અને ચાર વખત સાંજે કરો. એક બીજી પણ બાબત છે. એક, બે, ત્રણ ગણીને સર્વ નિરર્થક વસ્તુઓથી ગણતરી કરવાને બદલે, તમને પવિત્ર લાગે તેવા કોઈ શબ્દની આવૃત્તિ કરવી વધુ સારી છે. અમારા દેશમાં કેટલાક પ્રતીક મંત્રો હોય છેઃ દાખલા તરીકે ૐ. એનો અર્થ થાય છે ઈશ્વર. એક, બે, ત્રણ, ચારને બદલે એ ૐનો ઉચ્ચાર કરવામાં આવે તો તમારો હેતુ સરસ રીતે સરે. એક બીજી બાબત. આ શ્વાસ લેવાની ક્રિયા ડાબા નસકોરાથી શરૂ થવી જોઈએ અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયા જમણા નસકોરા દ્વારા થવી જોઈએ; પછી બીજી વખતે શ્વાસ લેવાની ક્રિયા જમણા નસકોરામાંથી અને બહાર કાઢવાની ક્રિયા ડાબા નસકોરામાંથી કરવી. વળી ફરી વાર ઊલટી રીતે કરવાનું; અને એ પ્રમાણે કર્યા કરવાનું. પ્રથમ તો તમારે ગમે તે નસકોરાથી ઇચ્છા પડે તેમ શ્વાસક્રિયા કરવાને માત્ર ઇચ્છાશક્તિના જોરે જ શક્તિમાન થવું જોઈએ. થોડા સમય પછી તમને તે સરળ લાગશે; પરંતુ મને ડર છે કે અત્યારે તો તમારામાં તે શક્તિ નથી. તેથી જ્યારે આપણે એક નસકોરામાંથી શ્વાસ લેતા હોઈએ ત્યારે બીજા નસકોરાને આંગળીથી બંધ કરવું જ જોઈએ અને કુંભક એટલે કે શ્વાસ રોકતી વખતે અલબત્ત બંને નસકોરાંને બંધ કરી દેવાં જોઈએ.

પહેલા બે પાઠ ભૂલવા ન જોઈએ. પહેલી બાબત એ છે કે તમારા શરીરને ટટ્ટાર રાખો; બીજી બાબત એ છે કે શરીર તંદુરસ્ત અને પૂર્ણ છે, નીરોગી અને સશક્ત છે એવી ભાવના કરો. ત્યાર પછી પ્રેમનો પ્રવાહ ચોતરફ ફેલાવો; સમસ્ત વિશ્વ સુખી થાઓ એવી મનમાં ભાવના કરો. ત્યાર પછી જો ઈશ્વરને માનતા હો તો તેની પ્રાર્થના કરો અને પછી પ્રાણાયામ શરૂ કરો.

તમારા ઘણાખરામાં અમુક શારીરિક પરિવર્તનો આવશે; દાખલા તરીકે આખા શરીરમાં આંચકાઓ આવવા, ગભરાટ થવો; કેટલાકને વળી રડવાની ઇચ્છા થઈ આવશે; કેટલીક વાર અતિ જોરદાર ધ્રુજારી આવી જશે. પણ એથી ડરતા નહીં. જેમ જેમ તમે અભ્યાસ ચાલુ રાખશો તેમ તેમ આ બાબતો આવવી જ જોઈએ. આખા શરીરની જાણે કે નવરચના કરવી પડશે. મગજની અંદર વિચારને માટે નવી નલિકાઓ બનવા લાગશે, તમારી આખી જિંદગીમાં જેમણે કામ નહીં કર્યું હોય તે જ્ઞાનતંતુઓ કામ કરવા લાગશે; અને ખુદ શરીરમાં પોતામાં જ પરિવર્તનોની આખી નવી હારમાળા આવી પડશે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories